Featured Books
શ્રેણી
શેયર કરો

“વમળ..!” (લોન્ગ સ્ટોરીઝ કોમ્પિટિશન અંતર્ગત ત્રીજા સ્થાને પસંદ પામેલ વાર્તા) - 3

પ્રકરણ ૩ :સૂરાગ : એક ષડયંત્રની શરૂઆત

“ચારેબાજુ જોયું તો ઘોર અંધારૂ ફેલાયું છે,
સૂરાગની બધી કડીઓ નીચે એક સત્ય છુપાયું છે.”





"ચંદ્રકાંત ગોરીની ડેડબોડીની આજુબાજુ રહેલી તમામ વસ્તુઓ અમે પુરાવા તરીકે લાવ્યા હતા. તમને નવાઈ લાગશે સર પણ આ કંઈ સાદો ધાબળો નથી,
બહુ ખુશ્બુદાર બ્લેંકેન્ટ છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમાં "બ્લ્યુ દે ચેનલ"નામનું પરફ્યુમ છાંટવામાં આવ્યું છે. "
ડૉ. કુમારે ઘટસ્ફોટ કર્યો.
ઇન્સ્પેક્ટર જાડેજા ના મગજ માં અચાનક સવાલોની વર્ષા શરૂ થઈ.
ધાબળામાં પર્ફ્યુમ કોઈ કેમ છાંટે? આ આદત સમજવી થોડી અઘરી હતી. જાડેજાને આ પર્ફ્યુમ વાળી વાત સામાન્ય ના લાગી..

એ પર્ફ્યુમની બોટલ જાડેજાના મગજમાં ઘૂસી ગઈ હતી. ઘરના સદસ્યો અને તેમના મિત્રો સાથેની પૂછપરછમાં તેમને એટલું તો જાણ થઈ ગયું કે ગોરી સાહેબને પર્ફ્યુમની સુગંધનુ કોઈ એવું પાગલપન ન હતું.
"બ્લ્યુ દે ચેનલ" પર્ફ્યુમ અમદાવાદમાં જેટલી પણ દુકાનોમાં મળે છે તેમાં જાડેજાએ તપાસ કરાવી,
તપાસમાં જાણવા મળ્યું કે, ૬ મહિના પહેલાં અર્પણે ગોરી સાહેબને ગિફ્ટમાં આપેલું હતું. શંકાની સોય ફરી ફરીને અર્પણ તરફ જ જઈ રહી હતી.

"તમે ગોરી સાહેબને કોઈ પર્ફ્યુમની ગિફ્ટ આપી હતી?"
ઈન્સપેકટર જાડેજાએ સીધો સવાલ કર્યો.

"હા, ૬ મહિના પહેલાં, બ્લ્યુ દે ચેનલ નામ હતું એનું, એમની બર્થ ડે હતી એટલે અમસ્તુ જ આપેલું, એનું તો બિલ પણ મેં સાચવી રાખ્યું છે. "
અર્પણે સહજતાથી જવાબ આપ્યો.

ઈન્સપેકટર જાડેજાને ગોરી સાહેબના રૂમમાંથી એ પર્ફ્યુમની બૉટલ પણ મળી ગઈ. એ લઈને તેવો સીધા ડૉ. કુમારને મળવા પહોંચ્યા.

"પર્ફ્યુમમા કંઈ પણ શંકાસ્પદ વસ્તુના ટ્રેસ મળે છે, કુમાર? "
આશાભરી નજરોથી ઈન્સપેકટર જાડેજા બોલ્યા.

"ના સર, નોર્મલ પર્ફ્યુમ જ છે. "
એક નિસાસા સાથે ડૉ. કુમાર બોલ્યા.

"એવું લાગે છે કે જાણે બધા જ પુરાવા મારી સામે છે, ગુનેગાર પણ જાણે કે મારી સામે છે, પણ કોઈ કડીઓ જોડાતી જ નથી. "
અવાજમાં ભારે દુ:ખ સાથે જાડેજા બોલ્યા.

"સર, તમે બધા કેસ તમારી લાઈફમાં સોલ્વ કર્યા છે, મને વિશ્વાસ છે કે કંઈક સૂરાગ તો મળશે જ."
ડૉ. કુમાર આશ્વાસન આપતા બોલ્યા.

રાત્રે ઈન્સપેકટર જાડેજા સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ જોડે ઉભા હોય છે.
શાંત વહેતા નદીના પાણીમાં ઈન્સપેકટર જાડેજા એકીટશે જોઈ રહ્યા હતા. કેસની સાથે સંકળાયેલા તમામ લોકોના ચહેરા નદીના પાણીમાં તેમને દેખાયા.
અચાનક એમનું મન એક જગ્યાએ અટક્યું,
બધી જ જગ્યાએ તપાસ થઈ ગઈ હતી,
બસ બાકી હતી એક જ જગ્યા, 'ધોલપુર'.

બીજા દિવસે ઈન્સપેકટર જાડેજાએ જીપ ધોલપુર ગામ તરફ જવા ઉપાડી.
ખરેખર કુદરતી સુંદરતાથી મઢેલું ગામ હતું ધોલપુર,
થોડીક ક્ષણો માટે તો ઈન્સપેકટર જાડેજા પણ ભૂલી ગયા કે તેવો એક ખૂનની તપાસ માટે આવ્યા છે.
ચંદ્રકાન્ત ગોરીના ઘરની આસપાસના જમીનદારો જોડે જાડેજાએ સઘળી તપાસ કરી. પણ કંઈ ખાસ નવી માહિતી મળી નહીં.
નદીના કિનારે ફરતા ફરતા ઈન્સપેકટર જાડેજા ગોરી સાહેબના ખેતરોમાં લટાર મારવા નીકળ્યા.
"એક અનોખી શાંતિ છે આ ખેતરોમાં, અમદાવાદમાં આવી શાંતિ કદી ના મળે..! "
જાડેજાએ ખિસ્સામાંથી સિગારેટ કાઢીને ઉંડો કસ લેતા કહ્યું.

"સાચી વાત છે તમારી સાહેબ"
ગોરી સાહેબની જમીનોના નવા રખેવાળ રૂપેશે કહ્યું.

છબીલ કાકાના અમદાવાદ ગયા બાદ ગોરી સાહેબની જમીન સાચવવાની જવાબદારી તેમના ભાઈ રૂપેશના માથે આવી.

"છબીલ કાકા અમદાવાદ કેમ ગયા? "
જાડેજાએ પૂછયું.

"અન્વેષીના ભણતર કાજ સાહેબ, છોડી સારું ભણતી તી તો એના ભાગ ઉઘાડવા હાટું ગોરી સાહેબ એને અમદાવાદ લઈ ગયા, રેવા હાટું ઘર કર દીધું,
છબીલભઈ છોરીને હાચવવા માટે આ જમીનો છોડીને ગયા.! "
રૂપેશ બોલ્યો.

સિગારેટના કશ લેતા લેતા ઈન્સપેકટર જાડેજાએ હકારમાં માથું હલાવ્યું.
અચાનક તેમનું ધ્યાન ખેતરના એક ખૂણા પર ગયું.
કોઈક અલગ જાતની વનસ્પતિના છોડ ત્યાં ઉગ્યાં હતા.
"આ છોડ શેનો છે? "
કુતૂહલતાથી જાડેજાએ પૂછયું.

"ખબર નહીં સાહેબ, હું પણ અજાણ છું. ઘણી વાર તેના વિષે મેં છબીલ ભાઈને પૂછયું.
હમેશાં તેઓ મારા આ સવાલને ટાળતા અને એટલું જ કહેતા કે કોઈક જંગલી વનસ્પતિ છે. "
રૂપેશે જવાબ આપ્યો.

જાંબલી પાનવાળા આવા વિચિત્ર છોડને જોઈને ઈન્સપેકટર જાડેજા વિચારી રહ્યા હતા કે,
"ક્યાંક તો આવો છોડ, આવા પાન અને આવા રાતા બીજ મે જોયેલા છે, પણ ક્યાં જોયા એ યાદ નથી આવતું. "

આ મનોમંથનની વચ્ચે રૂપેશે ઘટસ્ફોટ કર્યો,
"હમણાં થોડાક મહિના પહેલા છબીલ કાકા અહીં આવેલા અને આમાંથી થોડા પાન અને બીજા લઈને અમદાવાદ લઈ ગયા હતા. "

આટલું સાંભળી ઈન્સપેકટર જાડેજાની શંકા વધી કે એવું તો શું છે આ ફૂલોમાં? "
ફટાફટ એ છોડના પાન, નાજૂક ફૂલ અને થોડાક એ વનસ્પતિના બીજ લઈને તેવો અમદાવાદ તરફ આવા નીકળ્યા.
રસ્તામાં આવતા તેમને એ પણ યાદ આવી ગયું કે આ પાન અને ફૂલ તેમણે ક્યાં જોયા હતા.

ડૉ. કુમાર, નવા પુરાવા મળ્યા છે, તમે જલદી ક્લિનિક પહોંચો.
લેબમાં એ ફૂલ અને બીજની તપાસ કરવામાં આવી.
એ કેમિકલનું નામ સાંભળીને જાડેજા અને ડૉ.કુમાર બંને ચોંકી ગયા.


ક્રમશઃ

ડૉ. હેરત ઉદાવત.