vamad - 5 books and stories free download online pdf in Gujarati

“વમળ..!” (લોન્ગ સ્ટોરીઝ કોમ્પિટિશન અંતર્ગત ત્રીજા સ્થાને પસંદ પામેલ વાર્તા) - 5

પ્રકરણ ૫ : વળાંક : અંતિમ પર્દાફાશ.

“આ સફરનો અંતિમ વળાંક વિશેષ છે,
વિચાર્યું તુ જે મંઝિલ તેનાથી વિપરીત છે..! “સમગ્ર ઘટનાના ૧૦ દિવસ પછી,
અર્પણના ફોન પર અચાનક અન્વેષીનો ફોન આવે છે.
અર્પણ ૧૦ દિવસથી અન્વેષીને ફોન કરી રહ્યો હોય છે, તેને મળવા માટે. પણ અન્વેષી ક્યાં ગુમ થઈ જાય છે તેની કોઈને ખબર સુધ્ધાં નથી હોતી.
આવી પરિસ્થિતિમાં સામેથી અન્વેષીનો ફોન આવતા જોઈને અર્પણની ખુશીનો પાર ના રહ્યો.
ફોન ઉપાડીને તે બોલ્યો,
"ક્યાં છે તુ અન્વેષી? કેટલાય દિવસોથી તને શોધવાનો પ્રયાસ કરું છું, એક વાર તો મારી જોડે વાત કર."

"મારે મળવું છે તને? મળીશ?"
સામે છેડેથી અન્વેષીએ સ્પષ્ટ સવાલ પૂછયો.

"હું અધીરો છું અન્વેષી તને મળવા માટે, તુ કે ત્યાં મળવા આવીશ. "
અર્પણ બોલ્યો.

"ધોલપુર ગામ આવી જા,
હું અહીં જ છું. "
આટલું બોલીને અન્વેષી ફોન કટ કરી દે છે. "

અર્પણ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર ધોલપુર જવા નીકળ્યો.
ગામમાં પહોંચતા સુધીમાં તો સૂરજ આથમી ચૂક્યો હતો. અંધારું ઘેરાવા લાગ્યું. પૂનમની આજે રાત હતી, ચંદ્ર અવકાશમાં દિપી રહ્યો હતો.

અર્પણે તરત અન્વેષીને ફોન કર્યો,
"ક્યાં છે તું? હું આવી ગયો છું ધોલપુરમાં. "

"એ જ જગ્યાએ, જ્યાં આપણે હંમેશા મળતા હતા, જલદી આવ, આ નદી પરના પૂલ ઉપર હું ઉભી છું. "
અન્વેષી એ કહ્યું.

અર્પણ ભાગતો ભાગતો અન્વેષીને મળવા પહોંચ્યો.
અર્પણ જ્યારે છેલ્લી વાર અન્વેષીને મળીને અમદાવાદ આવવા નીકળેલો ત્યારે જોયેલી અન્વેષીની આબેહૂબ ઝલક તેને આજે દેખાઈ.
એજ ચોલી અને એ જ ઘેરાવદાર ઘાઘરો, આંખોમાં આંજેલુ એ કાજળ, અને એ નાજુક કમરની ફરતે બંધાયેલો કમરબંધ. જાણે કે ગામઠી સુંદરતાનું જીવંત ચિત્ર અર્પણની આંખોની સામે જ તરી રહ્યું હતું.
અર્પણ તેની પાસે પહોંચ્યો,
ચંદ્રના એ પ્રકાશમાં બંનેનુ પ્રતિબિંબ એ નદીના પાણીમાં પડી રહ્યું હતું.
પાણીમાં પડછાયાનો ઉમેરો થતા અન્વેષી બોલી,
"આવી ગયો અર્પણ, ક્યારની તારી જ રાહ જોતી હતી. "

ચહેરા પર અન્વેષીના અર્પણે એક ઉષ્માનો અનુભવ કર્યો પણ તેના અવાજમાં અલગ જ પ્રકારની ઠંડક હતી.
"સોરી અન્વેષી ઘણી બધી વાતો માટે. મારો પ્રેમ સાચો હતો પણ પપ્પાને હું આપણા લગ્ન માટે મનાવી ના શક્યો. તારાથી દૂર રહેવું મારા માટે અસહનીય હતું, એટલે જ હું નશામાં સપડાયો, પણ હું તને ખાતરી આપું છું કે હવે તું મને મળી ગઈ છે એટલે આ બધી જ ખરાબ આદતો હું છોડી દઈશ. "

"આદતો પછી છોડજે,
પહેલા તો મારે તારી પાસેથી ઘણી વસ્તુઓના જવાબ જાણવાના છે. "
વ્યંગમાં અન્વેષી બોલી.

"શેના જવાબ અન્વેષી? "
અર્પણે પૂછયું.

"તને ખબર છે છેલ્લી વાર આપણે જ્યારે મળ્યા ત્યારે ગામમાં એક યુવાન છોકરાની હત્યા થઈ હતી. એ હત્યા પાછળનો મુખ્ય કાવતરાબાજ કોણ હતો તને ખ્યાલ છે? "
અન્વેષી એ પૂછ્યું.

"ના, મને આ વિષે કોઈ જ માહિતી નથી. "
અર્પણે કહ્યું.

"હત્યા કરાવવા વાળા બીજા કોઈ નહીં પણ તારા જ પિતા ચંદ્રકાન્ત ગોરી હતા, તેમના કહેવાથી જ આખા ગામ વચ્ચે તે છોકરાની હત્યા કરવામાં આવી."

"હું દુઃખી છું એ વાતને લઈને, પણ એની સજા તો ઈશ્વરે છબીલ કાકાના હાથે તેમને અપાવી જ દીધી. "
અર્પણે જવાબ આપ્યો.

"હા, એમની સજા તો એમને મળી ગઈ, અને હવે તારો વારો. "
ગુસ્સાભરી આંખોથી અન્વેષી એ અર્પણની સામે જોયું.

"મારો વારો કેમ અન્વેષી, મેં શું કર્યું? "
મૂંઝવાતા અર્પણ બોલ્યો.

"કારણ કે જે દિવસે તું અમદાવાદ પાછો જવાનો હતો તેની આગલી રાત્રે મેં તને સ્વપ્નીલ નામના કોઈ વ્યક્તિ સાથે વાત કરતા સાંભળી લીધો હતો કે, અહીં મારી વાસના સંતોષવા એક છોકરી મળી ગઈ છે. પણ લોચો એ છે કે તે ખેતમજૂરની છોકરીને મહારાણી બનવું છે, લગ્ન કરવાની ખોટી જીદ લઈને હવે તે બેઠી છે. એટલે અને છેલ્લુ ગુડ બાય કહી હું કાલે અમદાવાદ પાછો જ આવું છું. "
અન્વેષી એ વાતને નવો જ વળાંક આપતા કહ્યું.

અર્પણ ૨ સેકન્ડ માટે અન્વેષી ને જોઈ રહ્યો અને પછી બોલ્યો,
"અચ્છા તો તે બધું સાંભળી જ લીધુ હતું તો ગોળ ગોળ વાત કરવાનો હવે કોઈ અર્થ નથી. હા હું ટાઈમ પાસ જ કરતો હતો તારી જોડે, જો વાસનાની ભૂખ તને પણ હતી અને મને પણ, જે આપણે એકબીજાની મરજીથી પૂરી કરી. વાત ત્યાં જ પૂરી થાત પણ લગ્નની જીદ કરી તે મારું મગજ જ બગાડી નાખ્યું. મારે લગ્ન ત્યારે પણ ન હતા કરવા ના તો અત્યારે કંઈ કરવાની ઈચ્છા છે. આ તો તે આજે સામેથી આમંત્રણ આપ્યું તો મને એમ કે આજે કદાચ તને ફરીથી ભૂખ લાગી હોય તો તને સંતોષ આપવા માટે જ હું અહીં આવ્યો હતો. "
આટલું કહી નિર્લજ્જતાથી અર્પણ હસવા લાગ્યો.

"ભૂખ?, હું તને હકીકતમાં પ્રેમ કરતી હતી અર્પણ, ભૂખ સંતોષવા વાળી વૈશ્યાને પણ લાગણીઓ હોય છે પણ તને આ સમજાવાનો કોઈ અર્થ નથી. "
અન્વેષી એ કહ્યું.

"સમજવું પણ નથી, પણ ગમે તે હોય આ બધામાં મને એક મોટો ફાયદો થઈ ગયો, તારા બાપે ગોરીને પતાયો અને બધી જ સંપત્તિ મારી થઈ ગઈ. "
એમ કહી અર્પણ ફરી હસવા લાગ્યો.

"એટલું સરળતાથી ક્યાં બધુ મળે છે અર્પણ? "
અન્વેષી બોલી.

"કોણ રોકશે મને? "
અર્પણ બોલ્યો.

"હું રોકીશ તને.. "
અન્વેષી એ અર્પણની આંખોમાં અાંખો નાખીને કહ્યું.

અર્પણ કંઈ વિચારે એ પહેલાં તો અન્વેષી એ પોતાના કમરબંધમાં સાચવીને બાંધેલું તીક્ષ્ણ નાનકડુ ચપ્પુ કાઢ્યું અને તેની તીક્ષ્ણ ધાર અર્પણની ગરદનની ડાબી તરફ ભોંકી દીધું, લોહીની ધાર ક્ષણિક વારમાં વહેવા લાગી.
અન્વેષી ધીરેથી અર્પણ પાસે ગઈ, તેના ગાલ પર પોતાના હોઠોને સ્પર્શીને એક કિસ કરી અને ધીરેથી તેના કાનની પાસે જઈને બોલી,

"ગુડ બાય અર્પણ ગોરી. હું કોઈની ભૂખ સંતોષવાનુ સાધન નથી, તને અને તારા બાપને મારવાનો પ્લાન ઘણો પહેલેથી હતો. એક કામ મારા પપ્પા એ પૂર્ણ કર્યુ અને બીજુ આજે હું કરીશ પૂરું."
આટલું બોલી અન્વેષી એ અર્પણને એ પૂલ પરથી ધક્કો મારી દીધો.
અર્પણ સીધો નદીમાં પડ્યો.

અન્વેષી અર્પણને જોઈને બોલી,
"આ નદીની એક વિશેષતા છે અર્પણ,
જે જગ્યાએ તુ નદીમાં અત્યારે તરફડીયા મારી રહ્યો છે, ત્યાં ઉંડો ધરો છે. ત્યાંના વમળોમાં તારા શરીરની સાથે તારી આત્માને પણ મુક્તિ મળી જશે. "

જોતજોતામાં અર્પણ એ વમળોમાં અલિપ્ત થઈ ગયો.
અન્વેષી આખી રાત એ પૂલ ઉપર ઉભી રહી, વહેલી સવારે આ તમામ યાદોને ખરાબ સપના રૂપે ખંખેરીને તે અમદાવાદ આવવા નીકળી.

"આખી જીંદગી તમને જેલમાં નહીં જ સડવા દઉં પપ્પા, આજે આપણે જીત થઇ છે,
અને આર્ટિકલ લખવા પેન ઉપાડી"
આર્ટિકલનુ ટાઈટલ હતું,
"અર્પણ ગોરી એ પિતાના મૃત્યુના આઘાતમાં ધોલપુર ગામની નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા, વહેણ વધારે હોવાથી લાશ મળવી અશક્ય....! "

સંપૂર્ણ.

ડૉ. હેરત ઉદાવત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED