AAFAT NU ADRESS books and stories free download online pdf in Gujarati

આફતનું એડ્રેસ

પ્રશ્નપેપરમાં માત્ર એક જ સવાલ પૂછાયો ! સો માર્કનો !!

સવાલ નીચે મુજબ હતો.
સવાલ : આફત પર નિબંધ લખો ! પછી, ટૂંકનોંધ લખો ! અને છેલ્લે એક વાક્યમાં જવાબ આપો ! (સો માર્ક).
વિદ્યાર્થી માટે તો સવાલ જ આફત જેવો બની ગયો ! આફતનું ટૂંકાણથી લઈને વિસ્તાર સુધી વર્ગીકરણ કરવાનું હતું !
નિબંધના વીસ માર્ક હતા, ટૂંકનોંધના ત્રીસ માર્ક ને એક વાક્યમાં જવાબ આપવાના પચાસ માર્ક હતા ! ઓછા શબ્દોના વધારે માર્ક મળવાના હતા. શબ્દોના પ્રયોગ પાણીની જેમ કરવાનો હતો.નિબંધમાં આડેધડ છબછબિયા કરવાના હતા, ટૂંકનોંધમાં કૂવાનું પાણી માટલામાં ભરીને સ્ટીલના ડોયા વડે પીવાનું હતું ને એકવાક્યમાં એવા શબ્દો શોધવાના હતા જાણે રેગીસ્તાનમાં ભાવ શોધતા હોય !
વિદ્યાર્થી મૂંઝાયો. આફતની શરુઆત “લંબાણથી કરું કે ટૂંકાણથી! એણે અફસોસ કર્યો કે, “કાપલી લઈને આવ્યો હોત તો સારું થાત!' અહીંયા તો પ્રશ્નપેપર જ કાપલી જેવું નાનકડું હતું : જવાબ પાનાઓ ભરીને આપવાનો હતો. પ્રશ્નપેપર નાનકડું માત્ર એક જ સવાલનું રાખીને સાહેબે કાગળને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ જવાબ આપવામાં સપ્લીમેન્ટરીના કાગળો છલકાઈ જશે એ ધ્યાન બહાર ગયું હતું ! કંઈક બચાવવા જઈએ ને સર્વનો નાશ થાય એને જ તો આફત કહેવાય છે !!
વિદ્યાર્થીએ પહેલા, વીસ માર્કનો નિબંધ લખ્યો.મારી મોમને મારા પપ્પા ‘આફત' કહે છે !ને મારા ડેડને મારી મમ્મી મુસીબત કહે છે! આ બન્ને અંગત વ્યક્તિઓના ઉદ્દબોધન પરથી મને એટલી ખબર પડી છે કે ‘આફત' અને ‘મુસીબત’ હંમેશા એક સાથે જ રહેતા હોય છે ! અથવા તો એમ કહી શકાય કે આફત આવે એટલે મુસીબત છેડે ને જોડે આવતી હોય છે. આફત માળા લઈને ઊભી હોય છે ને મુસીબત હંમેશા ઘોડે ચડીને આવે. બાળકોના જન્મ, આફત અને મુસીબતની વચ્ચે થતા મિલનથી થતો હોય છે. જન્મવું એ આફત છે અને જીવવું એ મુસીબત ! (વિદ્યાર્થી નિરાશાવાદી નિબંધ લખી રહ્યો હતો. સાહેબ પેપર તપાસતા ઉદાસ થઈ ગયા. સાહેબ, માર્ક આપવામાં ઉદાસ થાય એટલે વિદ્યાર્થીના આખ્ખા પરિવાર પર આફત આવતી હોય છે ! પરીક્ષાઓ ભવિષ્યની, ભવિષ્ય માટેની આફત છે !!)
પરિવારમાં ટૂંકા પગારની મુસીબત હતી ! પપ્પાનો પગાર ટૂંકો હતો. કદાચ, એટલે જ મોમ ડેડને મુસીબત કહેતી હતી મમ્મીના મારા માટેના વ્યાજબી ભાવના સપના પણ પપ્પાને ટૂંકા પગારની મુસીબતને કારણે આફત જેવા લાગતા હતા ! મારો જન્મ આવી જ આફત અને મુસીબતની વચ્ચે થયો હતો. મારા જનમનો ખર્ચ હતો ત્રીસ હજાર!
મારો જન્મ આશાનું કિરણ બનવાની જગ્યાએ ‘આફત' અને મુસીબત માટે હોનારત, જેવો બની ગયો હતો. ધરતી પરનું મારું રુદન મોમ અને ડેડને ત્રીસ હજારમાં પડ્યું ! ત્રણ હજારની માસિક આવક મુસીબત તો હતી જ હવે હોનારત બની ગઈ હતી.
(સાહેબ મૂંઝાયા! એમને લાગ્યું કે વિદ્યાર્થી આડા-પાટા ચઢી ગયો છે. એમના માટે તો આફત એટલે કુદરતી કે માનવસર્જિત હોનારતો જ હતી ! આગ લાગવી, પૂર આવવું, ધરતીકંપ થવા વગેરે ઘટનાઓને જ આફત ગણી શકાય એવું માનીને પ્રશ્નપેપર કાઢનારા સાહેબ, બરાબરના અટવાયા હતા. નવી આફતનું નિબંધના સ્વરૂપમાં વર્ગીકરણ ચાલી રહ્યું હતું ! એમનું ઉદાસીનું બગાસું ઉડી ગયું હતું ! સાહેબને નિબંધમાં રસ પડ્યો !
મારા ઘરમાં સોશ્યલ સુનામી શરૂ થઈ ગઈ હતી. ડેડ હવે દૂધ નો'તા પીતા મારો દૂધ પીવાનો સમય હતો, ઘરમાં એક જ વ્યક્તિનો દૂધનો ખર્ચ ઉપાડી શકાય તેમ હતું. મારા પિતા, ઉત્તમ પિતા હતા પરિણામે હવે તેઓ દૂધ નો'તા પિતા ! મારો વિકાસ કરવામાં ડેડનો વિકાસ અટકી ગયો હતો હું હોનારત જ એટલી ગંભીર હતો કે મુસીબત અને આફત તો સોશ્યલ સુનામીમાં ક્યાંયના ક્યાંય ખોવાઈ જાય !
(સાહેબને પેપર વાંચતા વાંચતા આંખમાં પાણી આવી ગયું, આંસુનું ટીપું વિદ્યાર્થીના જવાબપત્રક પર પડ્યું.નિબંધ ભીનો થઈ ગયો. બંધ ફાટે તો ભલભલું ભીનું થઈ જાય, જ્યારે આ તો નિબંધ શબ્દરૂપી ‘જિંદગીના સ્વરૂપમાં ફાટ્યો હતો. ' સાહેબને ખબર પડી ગઈ હતી કે આફત કોને કહેવાય?! વિદ્યાર્થીને વીસમાંથી વીસ માર્ક આપવાની જગ્યાએ વીસ-પચ્ચીસ રૂપિયા આપી દેવાની ઇચ્છા થઈ. નિબંધ ક્લાઇમેક્સ તરફ ગતિ કરી રહ્યો હતો.)

ઘરઆંગણેથી શાળાના આંગણે જવાનો દિવસ આવ્યો ! મુસીબત (એટલે કે ડેડ!)ને તે મદદ કરવી પડે એવું વાતાવરણ હતું ને, એમને ભણાવીને વધારે મુસીબત લેવા માંગતા ન હતા ! અમે દરેક સભ્યોએ હોનારતનો વચલો સામનો કરવાનું વિચાર્યું ! મેં નોકરી લઈ લીધી ! શાળા પણ એવી શોધી કે જે ચાની કીટલીની નજીક હોય ! રીસેસમાં પણ બે-ચાર કપ રકાબી સાફ થઈ જાય તો એટલી મુસીબત ઓછી !! આફત (એટલે મોમ !) લોકોના ઘરમાં વાસણ સાફ કરે છે ને હું જાહેરમાં કપ-રકાબી સાફ કરું છું. મુસીબતનો સામનો અમે ખભેખભા મિલાવીને કરીએ છીએ ! કુદરતી આફતમાં દસ લાખ કે વીસ લાખનો ભોગ લેવાયો હશે. વિકાસશીલ દેશોમાં વિશ્વમાં અમારા જેવા કરોડો બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે. દરિયાની સુનામી તો સેકંડમાં ફરી વળે ને બે-ત્રણ દિવસમાં ઠરી પણ જાય! અમારી સામાજિક સુનામી એવી આફત છે કે એ મુસીબત સર્જીને હોનારત બન્યા જ કરશે ! અંતમાં સાહેબ, નિબંધના અંતે બે પંક્તિઓ લખીને પૂરું કરું છું.
"આફત સર્જે પહેલા સુનામી, ને પછી નનામી !
અમારી તો જિંદગી પહેલાં કે શું પછી,
તે બસ જન્મથી જ ન... ‘નામી' !!''

સાહેબ નિબંધ વાંચીને ઢીલા પડી ગયા. કોઈ વિદ્યાર્થીએ કુદરતી આફતની જગ્યાએ સામાજિક આફતનું વર્ણન પ્રથમવાર કર્યું હતું. સાહેબ નિબંધમાં જ પચાસ માર્ક મુકી દીધા ! વિદ્યાર્થીને આફત અંગેની ટૂંકનોંધ લખવાની જરૂર જ ના પડી. શિક્ષણ ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું હતું કે, વિદ્યાર્થીને આફતના નિબંધ માટે વીસમાંથી પચાસ માર્ક મળ્યા હતા. હવે બાકીના પચાસ માર્ક માટે વિદ્યાર્થીએ આફત અંગે માત્ર એકવાક્યમાં જણાવવાનું હતું !

જવાબ વાંચીને સાહેબે વિદ્યાર્થીને પચાસમાંથી પચાસ માર્ક આપી દીધા.વિદ્યાર્થીએ જવાબ તો આપ્યો જ, અને એ પણ પાછો ‘અથવા’ કરીને ! કેવી રીતે ?!
વાંચો સવાલ જવાબ.
સવાલ : ‘આફત' અંગે એક વાક્યમાં જવાબ આપો !
આ જવાબ : આફત આવે ત્યારે ભલભલાનું સરનામું બદલાઈ જતું હોય છે.
અથવા
સરનામા વગરનું ઘર એ સૌથી મોટી ‘આફત' છે ! (ટૂંકમાં આફતને એડ્રેસ નથી હોતું !)

આવા વિદ્યાર્થી માટે, ‘આફત' પણ સોમાંથી સો માર્ક બની ગઈ !

બીજા રસપ્રદ વિકલ્પો