Vrutrahanta_ The Lord Indra books and stories free download online pdf in Gujarati

વૃત્રહંતા

આ કથા છે પૌરાણિક સમયની. કદાચ મોટાભાગના લોકો જાણતાં જ હશે. મેં એ કથાને થોડો લોજિકલ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. પૌરાણિક કથાને સારાંશરૂપે ટૂંકમાં કહી દઉં જેથી આ કથાના લોજિકલ ટચને સમજવામાં મજા આવે.

(પૌરાણિક કથા: વૃત્રાસુર નામના એક આતતાયી રાક્ષસ ને હણવા માટે ઇન્દ્રદેવના બધાં શસ્ત્રો નિષ્ફળ નીવડ્યા ત્યારે ઇન્દ્રએ દધિચી ઋષિ પાસે એમનાં હાડકાંની માંગણી કરી. ઋષિએ હસતાં મોઢે પોતાનાં હાડકાં ઇન્દ્રને આપી દીધાં. આ હાડકાંમાંથી વજ્ર નામના દિવ્ય શસ્ત્રની રચના કરવામાં આવી અને એ વજ્રથી વૃત્રાસુરને ઇન્દ્રે હણ્યો. અને દુનિયાને એના ત્રાસથી ઉગારી. )

આ કથા છે તામ્રયુગની.
કશ્યપને અનેકમાંની એક અને પ્રથમ પત્ની અદિતિ દ્વારા જે પુત્રો જન્મ્યા એ આદિત્યો અથવા દેવ કહેવાય. તેઓ શક્તિ અને મતિ એમ બંને માં તેજસ્વી હતા. સો સો અશ્વમેધ યજ્ઞો કરી ને અદિતિના પુત્રોએ ઇન્દ્રની આગેવાની હેઠળ પૃથ્વીના ઘણા મોટા વિસ્તારમાં પોતાનો વ્યાપ વધાર્યો હતો. છતાં એમની સાર્વભૌમત્વની ભૂખ વધી જ રહી હતી. જ્યાં જ્યાં અશ્વમેધ યજ્ઞ નો અશ્વ પગલાં પાડતો એટલો વિસ્તાર ઇન્દ્રને આધીન બની જતો. સામદામદન્ડભેદ કોઈપણ રીતે બસ પોતાનો વિસ્તાર વધાર્યા કરવો અને પોતાની શક્તિને અમાપ બનાવતા જવું એ જ એમનું લક્ષ્ય હતું. એમના સાર્વભૌમત્વને ટક્કર આપવા જેણે જેણે કોશિશ કરી કાંતો એ મૃત્યુ પામ્યા અથવા તો દાસ બન્યા. જેમણે એમનું દાસત્વ સ્વીકાર કર્યું એમને જ જીવનદાન મળ્યું. વૃદ્ધ કશ્યપે તો પોતાની અન્ય પત્નીઓ દ્વારા થયેલા સંતાનોને પણ ભૂમિ ન્યાય મુજબ વહેંચી આપી હતી. દક્ષિણનો પ્રદેશ દિતિના પુત્રો અર્થાત દૈત્યો ને તેમજ દનુંના પુત્રો દાનવોને આપ્યો હતો. પૂર્વ નો પ્રદેશ પહેલે થી જ મહર્ષિ મનુના પુત્રો માનવો ભોગવતા હતા. વળી ઉત્તર નો પ્રદેશ બર્ફીલો હોઈ અને અદિતિના પુત્રોને પસન્દ હોઈ આદિત્યો અને મરુતો ને આપ્યો હતો. બીજા અનેક સંતાનોને પણ એમની પસંદગી મુજબ ન્યાયિક રીતે ભૂભાગ વહેંચ્યો હતો અને બધાં એ એ નિર્ણયને સ્વીકારી લીધો હતો. પણ ધીરે ધીરે દેવોના મનમાં પોતાનું સાર્વભૌમત્વ આખી દુનિયામાં ફેલાવવાનું ઝનૂન ચડ્યું હતું. અને એ માનવો ના પૂર્વીય ભુભાગને તો જીતી લીધો હતો. માનવોએ મને કમને દેવતાઓની દાસતા સ્વીકારવી પડી હતી. એનુય એક કારણ હતું કે દેવતાઓ ના એક મહાશિલ્પી વિશ્વકર્માએ એક તામ્ર નામની ધાતુની શોધ કરી હતી. એ ધાતુને અમુક રસાયણ સંસ્કારો આપી થોડી સખત બનાવી શકાતી હતી અને એમાંથી બનેલાં આયુધો, અસ્ત્રો શસ્ત્રો પ્રમાણમાં ઘણાં ઘાતક હતાં. વળી દેવોના વૈદ્ય રાજો અશ્વિનીકુમારો ના ઔષધિય પ્રયોગો થી દેવોનું દેહબળ અને સ્વાસ્થ્ય ઘણું વૃદ્ધિ પામ્યું હતું.
એ સાથે તીવ્ર ગામી પ્રાણી જેને તેઓ અશ્વ કહેતાં એના ઉપર સવારી કરીને યુદ્ધ કરતા હોવાથી માનવો દેવો ની સામે જીતી શકતા નહોતા. પથ્થરોના અણઘડ ઓજારો અને લાકડાં ના આયુધો થી દેવો સામે વિજય મેળવવો લગભગ અશક્ય હતો. માટે માનવોએ તો બસ દેવો ની દાસતા સ્વીકાર કરવામાં પોતાનો શ્રેય જાણ્યો. માનવોનો પ્રદેશ દેવોએ પોતાને આધીન કર્યો ત્યાં સુધી ઠીક હતું , પણ ધીરે ધીરે એમણે પોતાના જ ભાઈઓનો પ્રદેશ હડપવા માંડ્યો. એમાં જ દેવોની સાથે દાનવો-દૈત્યોની અથડામણ શરૂ થઈ. દૈત્યો અને દાનવો નો પ્રદેશ એટલે કે દક્ષિણ ભાગ ઇન્દ્ર ને આધીન બન્યો. દેવો નું સાર્વભૌમત્વ લગભગ આખી દુનિયા ઉપર જામી ગયું. પોતાના આધીન પ્રદેશની પ્રજા મહેનત કરતી અને એમની મહેનતનો મોટો ભાગ દેવો કર રૂપે હડપી લેતા. આ કરને યજ્ઞભાગ તરીકે ઓળખવામાં આવતો.

દેવોના દમનથી ત્રસ્ત થયેલી પ્રજામાં વિદ્રોહ ના લક્ષણો દેખાવા લાગ્યાં હતાં. શરૂઆત કરી દેવોના જ સાવકા ભાઈઓ એટલે કે દનું ના પુત્ર દાનવોએ. દેવો પોતાને સુર અને બીજાઓને અસુર કહેતા. એટલે દાનવકુળ ને અસુરકુળ પણ કહેવામાં આવતું. આ અસુરોમાંથી એક મહા પ્રતાપી યોદ્ધો પ્રકટ થયો. જેનું નામ વૃત્ર હતું. તેણે બધાં અસુર કુળો ને ભેગા કર્યા. પોતાની વિશાળ સેના એકત્રીત કરી. પોતાના ચબરાક ગુપ્તચરો ને દેવોના ક્ષેત્રોમાં મોકલી એમની તામ્ર વિદ્યા જાણી લીધી. અશ્વપાલન પણ સમજી લીધું. ધીમે ધીમે અસુરોએ પણ અશ્વપાલન શીખવું શરૂ કરી દીધું. તામ્ર વિદ્યા ની મદદથી તામ્ર આયુધો નું નિર્માણ કરવાની કળા પણ શીખી લીધી. હવે તેઓની શક્તિ દેવો ની સમકક્ષ બની ગઈ છે એમ લાગ્યા બાદ ઇન્દ્ર ના શાસન ને વૃત્ર એ પડકારવું શરૂ કરી દીધું. ધીરે ધીરે ઇન્દ્ર ના આધિપત્યવાળો મોટો ભૂભાગ પોતાના આધિપત્ય માં લઈ લીધો.
પણ કુશળ રાજનીતિજ્ઞએ ક્યારેય શત્રુને કમજોર સમજવો ના જોઈએ એ શુક્રનીતિ ને વૃત્ર બરોબર જાણતો હતો. દેવો ની શક્તિ મૂળભુતે પ્રજામાં ધરબાયેલો ભય પણ હતો. એણે ધીરે ધીરે પ્રજામાં થી એ ભય દૂર કરવાની કોશિશો શરૂ કરી દીધી. યજ્ઞો બંધ કરાવ્યા. દેવોને યજ્ઞભાગ મળતો બંધ થયો. ધીરે ધીરે દેવો ની તાકાત ક્ષીણ થવા લાગી. બીજી બાજુ વૃત્ર એ દેવો ના આરાધ્ય બ્રહ્મા ને પ્રસન્ન કર્યા. એમને પ્રસન્ન કરવા પાછળ નો હેતુ પણ રાજનીતિ અંતર્ગત હતો. અસુરોના ગુરુ શુક્રાચાર્યએ એને સમજાવ્યું હતું કે બ્રહ્મા પોતે ધાતુ વિજ્ઞાન ના બહુ મોટા જાણકાર છે. તેમણે વિશ્વકર્મા પાસે તામ્ર સાથે જસત અને બીજી ધાતુઓનું સંયોજન કરાવી કાંસ્ય (કાંસુ) નામની ધાતુ બનાવી છે. જે તામ્ર કરતાં અનેકાનેક ઘણી મજબૂત છે. આ ધાતુમાંથી જો કવચ બનાવવામાં આવે તો દેવોના તામ્ર આયુધોના ઘા વિફળ બનાવી શકાય. એટલે જ તો વારંવાર અવનવી ભેટ સોગાદો આપી આપીને અને વિનયતા નો અતિરેક કરીને રૂબરૂ મુલાકાતો લીધી હતી. અને બ્રહ્મા ને પ્રસન્ન કરી કાંસ્ય કવચ મેળવ્યું હતું. હવે દેવો ના તીક્ષ્ણ આયુધો નો ભય નહોતો. એટલે જ એણે ઇન્દ્ર ને સીધો પડકાર આપી દીધો. એક ભયાનક યુદ્ધ થયું. દેવો ના આયુધો સામે અસુરો પાસે કાંસ્ય ના આયુધો હતા. કાંસ્ય ના કવચ હતા. આ યુદ્ધ દેવો માટે વિનાશકારી સાબિત થયું. (પ્રથમ દેવાસુર સંગ્રામ) . દેવોનો પરાજય થયો. અસુરો વિજયી બન્યા. દેવોને પોતાની સ્વર્ગ ભૂમિ છોડી ને ગુફાઓ માં આશ્રય લેવો પડ્યો. સતત પાંચ વર્ષ સુધી દેવોએ અસુરો થી છુપાતા રહેવું પડયું. કેમકે વૃત્ર ની આજ્ઞા હતી કે દેવ જ્યાં દેખાય એને હણી નાખવો. અને દેવોની શોધમાં વૃત્ર ના લોહીતરસ્યા ગુપ્તચરો બધે જ ફરી રહ્યા હતા.

આ પાંચ વર્ષ ના સમયગાળા માં ઇન્દ્રએ પોતાની શક્તિ ફરી એકત્રિત કરવાની કોશિશ કરી. હવે એને એવા આયુધો ની શોધ હતી જે વૃત્ર ના કાંસ્ય આયુધો સામે ટક્કર ઝીલી શકે. એણે દેવોના આરાધ્ય બ્રહ્મા નો સંપર્ક કર્યો. બ્રહ્માએ તો કહ્યું કે દુનિયામાં કાંસ્ય થી શ્રેષ્ઠ અને મજબૂત હોય એવી કોઈ ધાતુ અસ્તિત્વમાં જ નથી. અને વધુમાં કહ્યું કે આ વિશે અરાલ સમુદ્ર (રશિયા યા પ્રાચીન ઋષિકા પ્રદેશ) પાસે ના વૈકુંઠ પ્રદેશમાં વસતા શ્રી વિષ્ણુ પાસેથી કોઈ નવીન સમાધાન મળી શકે. ઇન્દ્રએ વૈકુંઠ નો માર્ગ લીધો.
ઇન્દ્રને વિષ્ણુ સાથે ની મુલાકાતમાં વિષ્ણુ પાસેથી એક રહસ્ય જાણવા મળ્યું કે આર્યક્ષેત્રમાં આવેલા આનર્ત દેશ મહીં સાંભ્રમતિ (સાબરમતી) નદીને કિનારે અરણ્યમાં દધિચી નામના ઋષિનો આશ્રમ છે. તેઓ પણ ધાતુ વિજ્ઞાનના મહા નિષ્ણાત છે. એમણે લોહ નામે ઓળખાતી કોઈ ધાતુ ની શોધ કરી છે. અને લોહને અમુક રસાયણો ના સંયોજનોથી વજ્ર નામની ધાતુ માં બદલી છે. જો આ વજ્ર નામની ધાતુમાંથી શસ્ત્રો અને કવચ બનાવવામાં આવે તો વૃત્ર સામે યુદ્ધ કરી ને એને પરાજિત કરી શકાય.

ઇન્દ્ર એ ઘણી લાંબી યાત્રા કરી ને ઋષિ દધિચી ની મુલાકાત કરી. ઋષિ દધિચીને પોતાના આવવાનું પ્રયોજન પણ જણાવ્યું. પ્રથમ તો ઋષિ દધિચીએ નવી ધાતુ નું રહસ્ય જણાવવા માટે સ્પષ્ટ ના પાડી દીધી. ઇન્દ્રએ રાજનીતિ નો દાવપેચ અજમાવી ને કહ્યું કે જો વૃત્ર નું આધિપત્ય કાયમ રહ્યું તો અંતે દેવોની સંસ્કૃતિ ની જેમ ઋષિ સંસ્કૃતિ પણ નાશ પામશે. આસુરી સંસ્કૃતિ પ્રબળ બનશે. ઋષિઓ નું માન પાન ક્ષીણ થશે.

ઋષિ દધિચી ને પણ ઇન્દ્ર ની વાત યોગ્ય લાગી. એમણે ઊંડો વિચાર કરી જોયો. વિચાર ના ઊંડા સમુદ્ર ના તળિયે થી એક સ્ફુરણા નું મોતી ઝબકયું કે જો હું દેવોને નવી ધાતુ નું રહસ્ય બતાવી દઈશ તો દેવો અવશ્ય વિજયી બનશે. પણ સમય ચક્ર બદલાતું રહે છે. ગઈ કાલે અસુરો વિજયી બનવા પ્રયત્ન કરતા હતા. આજે દેવો વિજયી બનવા પ્રયત્ન કરે છે.ફરીથી અસુરો વિજયી બનવા પ્રયત્ન કરશે. કોઈને કોઈ રીતે અસુરો ના ગુપ્તચરો પણ મારી પાસેથી આ રહસ્ય જાણવા માટે આવશે જ. અને આ રહસ્ય એ જાણી જશે તો પછી તેઓ ફરી વાર દેવોને પરાજિત કરશે. હવે આ રહસ્ય દેવો ને આપીને મારે પ્રાણ ત્યાગ કરવો જ ઉચિત રહેશે. જેથી આ ધાતુ નું રહસ્ય બીજા કોઈ પાસે ના જાય. અને હા ઉચિત તો એજ રહેશે કે દેવોને ધાતુનું રહસ્ય બતાવ્યા વિના સીધા વજ્ર ધાતુમાંથી આયુધો બનાવી ને આપવામાં આવે. જો દેવો વિજયી બનશે તો ઋષિઓ ને સંરક્ષણ મળતું રહેશે. છેવટે મનોમન નિર્ણય કરીને ઋષિ દધિચીએ ઇન્દ્રને કહી દીધું કે હું તમને વજ્ર આયુધ આપીશ. પણ એ માટે મારે પ્રાણ ત્યાગ કરવો પડશે.
ઇન્દ્ર ઋષિ દધિચીની વાત ને એ રીતે સમજ્યો કે ભલે દેવોના કલ્યાણ માટે ઋષિ પોતાનું બલિદાન આપે. પોતાનો જ ફાયદો છે. ઋષિના પ્રાણત્યાગ સાથે વજ્ર નું રહસ્ય પણ કાયમ માટે અકબંધ રહેશે.
ઇન્દ્રએ ખુશ થઈ ઋષિ દધિચી ને વરદાન આપ્યું કે દેવોના સામ્રાજ્ય માં ઋષિ દધિચીનું નામ હમેશાં માન પૂર્વક યાદ રાખવામાં આવશે.

બીજા દિવસે ઋષિએ પોતાનો પ્રયોગ શરૂ કર્યો. યજ્ઞ ની વેદિકા ને જ ભઠ્ઠી તરીકે પ્રયોગમાં લીધી. પર્વતીય પ્રદેશોમાંથી શોધી શોધીને લાવેલા ખનીજ પથ્થરોને ભઠ્ઠીમાં નાખીને ઓગળવા શરૂ કર્યા. ઘણા દિવસો ની મહેનત પછી એમાંથી ઘણું બધું લોહ (લોખંડ) મળ્યું. એ લોહ દેવોને આપ્યું. દધિચીએ ઇન્દ્ર ને કહ્યું કે ખનીજોની અલ્પ ઉપલબ્ધતા ને લીધે માત્ર એક જ વજ્ર નું નિર્માણ હું મારા હાથે સ્વયં તમારા માટે કરીશ. વજ્ર સિવાય જે બીજું લોહ દેવોને આપ્યું છે એમાંથી વિશ્વકર્મા ની મદદ વડે આયુધો અને કવચો નું નિર્માણ કરાવજો.
ત્યારબાદ દધિચી એ એક લોહ નો મોટો ટુકડો લઈ પોતે એને સંસ્કારીત કરવું શરૂ કર્યું. એમાં કેટલાંક બીજાં ખનીજો પ્રમાણસર ભેળવ્યા. અને એક નવી ચમકતી ધાતુ બની. ઇન્દ્ર આ નવી ધાતુ ને જોઈ બહુ જ ખુશ થઈ ગયો. આ ધાતુ ની ચમક આંખોને આંજી નાખે એવી લાગી રહી હતી. તેનો રણકાર પણ અન્ય ધાતુઓ કરતાં તીવ્ર હતો. આ હતી વજ્રધાતુ (ક્રોમિયમ-સિલિકેટ કાર્બન સ્ટીલ). વજ્ર ધાતુમાંથી એક તીક્ષ્ણ આયુધ બનાવ્યું.
દધિચીએ કહ્યું કે હવે આ વજ્ર ધાતુના આયુધને છેલ્લો સંસ્કાર આપવાનો છે. જેમાં પ્રાણીઓના અસ્થિઓની જરૂર પડશે. પણ કોઈ પ્રાણીઓ ને હણવા એ અમારા ઋષિઓ ના ધર્મ વિરુદ્ધ હોઈ એ માટે હું સ્વયં એને ખોળામાં લઈ યજ્ઞકુંડ માં બેસું છું. મારા અસ્થિઓના રસ થી એની મજબૂતાઈ અનેકગણી વધી જશે. (કેલ્શિયમ-નાઇટ્રેટ પ્રોસેસ). ઋષિ દધિચી એ વજ્ર આયુધ ને લઈને સળગતા યજ્ઞ કુંડમાં બેસી ગયા. યોગની વિલક્ષણ ક્રિયા દ્વારા એમણે અગ્નિ એમના શરીરને પીડા આપે એ પહેલાં જ પ્રાણ ત્યાગી દીધો.

સમય વીતવા સાથે યજ્ઞકુંડ ઠડો પડ્યો. બળીને ભસ્મ થયેલા ઋષિ દધિચીના દેહના અવશેષોની વચમાં એક તીવ્ર ચળકાટ મારતું આયુધ આખી ઘટનાની સાક્ષી પૂરતું જાણે મરક મરક હસી રહ્યું હતું.

ઇન્દ્રએ એ વજ્રને પોતાના પ્રમુખ હથિયાર તરીકે લઈ લીધું. વિશ્વકર્માની મદદ વડે દધિચીએ આપેલા લોહ પથ્થરોને પીગાળી ને અન્ય દેવો માટે અસ્ત્રો શસ્ત્રો બનાવ્યા. અને દેવોમાં વહેંચી દીધા.
હવેની વાત ટૂંક માં કહું તો ઇન્દ્રએ પોતાની સેના ભેગી કરીને વૃત્ર સામે યુદ્ધ આરંભી દીધું. હવે દેવોની સેના પાસે લોહના મજબૂત અસ્ત્ર શસ્ત્ર હતાં. અસુરોની સેના પાસે કાંસ્યના અસ્ત્ર શસ્ત્ર હતાં. યુદ્ધ દરમિયાન જ્યારે ઇંદ્ર અને વૃત્ર સામસામે આવ્યા ત્યારે ઇન્દ્રએ પુરા બળ સાથે વજ્રનો પ્રહાર વૃત્રની છાતી ઉપર કરી દીધો. તીવ્ર વેગ સાથે આવેલું વજ્ર આયુધ વૃત્રના મજબૂત કાંસ્ય કવચને ભેદીને છાતીને ચીરી ગયું. વૃત્રનું મૃત્યુ થયું. દેવોની સેનાએ અસુરોની સેનાનો કચ્ચરઘાણ વાળી દીધો. દેવો વિજયી થયા. દેવોનું શાસન ફરીવાર સ્થાપિત થયું. વૃત્રને મારવાને કારણે ઇન્દ્રને સર્વ દેવોએ વૃત્રહંતાની ઉપાધિ આપી.

સમય તો સમયનું કામ કરે જ જાય છે. સમય વીતતો ગયો અને વારાફરતી કોઈને કોઈ અસુર ઇન્દ્રને પડકારવા ઉભો થતો રહ્યો. કુલ બાર વખત દેવાસુર સંગ્રામ થયો.


બીજા રસપ્રદ વિકલ્પો