samayni dhara sathe vaheto atut vishwas books and stories free download online pdf in Gujarati

સમયની ધારા સાથે વહેતો અતૂટ વિશ્વાસ

"ધૈર્ય ધરીને આગળ વધવામાં આવે તો અશક્ય કામ પણ શક્ય બને છે અને દુનિયાને જીતી શકાય છે. કલ્પના તું નિરાશ નહીં થા મને તારા કામ પર વિશ્વાસ છે, જે ભવિષ્યમાં દુનિયાને બદલી દેશે. "ધાર્મિકે કલ્પનાને સાંત્વના આપતા કહ્યું. "હું નિરાશ બિલકુલ નથી થઈ. વિજ્ઞાન ક્યારેય નિષ્ફળ નથી થતું, તેનું દરેક કામ એક પ્રયોગ હોય છે, જે અંતે સફળ જ હોય છે. "તેના મિશન 'સમયયાત્રા' ના પ્રોજેક્ટ પેપરને સંભાળીને ગોઠવતા કલ્પનાએ કહ્યું.
કલ્પના તેના પ્રોજેક્ટ વર્કની દરેક વસ્તુઓને એકધારી નજરે જોઇ રહી અને બોલી, "અત્યારની બધાની સુવિધાજનક જિંદગી જે ટેક્નોલોજીને આભારી છે તેનું સંશોધન પણ શું તેના ઉપયોગ જેટલું સરળ હશે? ટપાલયુગમા ડિજિટલ યુગ વિશે વાત કરનાર શું પાગલ કહેવાયો હશે? હું એમ નથી કેહતી કે મિશન ડિરેક્ટરે મારી વાતને મંજૂરી આપી હોત તો પ્રોજેક્ટ સફળ બનત પણ પ્રયાસોના ડગલાને સફળતાની નજીક અંકિત કરી શક્યા હોત."
ધાર્મિકે કલ્પનાનો હાથ પોતાના હાથમા લેતા કહ્યું," હું જાણું છું તારા પ્રયાસો થકી ભવિષ્યમાં ફક્ત આપણા દેશને જ નહીં પણ સમગ્ર દુનિયાને તારા પર ગર્વ હશે."
વર્ષો વીતતા ગયા અને કલ્પનાના મિશનનું સંશોધન પણ આગળ ધપતું ગયું. વર્ષો પહેલા ના સ્વીકારાયેલી વાતને આજે કેન્દ્રસ્થાને રાખી પ્રોજેક્ટના પરિક્ષણનો દિવસ આવ્યો.
અવકાશ સંશોધન સંસ્થાના ચેરમેન અને નાનામોટા સૌ કર્મચારીઓને સંબોધન કરતા કલ્પનાએ કહ્યું, "આપણું અસ્તિત્વ બ્રહ્માંડના જે પિંડ પર છે તેનું નામ પૃથ્વી છે. બ્રહ્માંડના બીજા પિંડ પર કોઈ જીવની હયાતી છે કે નહીં અને મનુષ્યનું અસ્તિત્વ બીજા પિંડ પર ટકી શકશે કે નહીં તેનું પણ સંશોધન વિશ્વના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. આ મિશનનું લક્ષ્ય ભવિષ્યમાં સમયની યાત્રા કરવાનું છે, જે અત્યાર સુધીમાં ક્યારેય બન્યું નથી. વર્ષો પહેલા આ પ્રોજેક્ટના પરીક્ષણમાં યાનમાં પ્રકાશવર્ષની ગતિની ઉર્જાના અભાવે મિશન પૂરું ના થઈ શક્યું. મારા આદર્શ આઈન્સ્ટાઈન કહેતા કે,"સમયની યાત્રા સાપેક્ષતાવાદ અને પ્રકાશવર્ષની ગતિના આધારે શક્ય છે".તેઓ કહેતા કે, "સમયની યાત્રા વનવે ટિકિટ જેવી છે."એટલે કે ભવિષ્યમા જઈ શકાય છે પરંતુ ત્યાંથી પરત ભૂતકાળમાં આવી શકાતું નથી.આપણી ટીમે આ સિદ્ધાંતનો આધાર લઈને એક યાન વિકસાવ્યું છે, જે ભવિષ્યના સમયમાં તેની સફર પુરી કરશે. આ અભ્યાસથી જાણી શકાશે કે આ યાનના પ્રકાશવર્ષની ગતિના સમયમાં અને પૃથ્વીના સમયમાં શું તફાવત છે? આ યાનમાં સમયની યાત્રા કોઈ પણ એક જ વ્યક્તિ કરી શકે છે, તે જોખમ ખેડવાનું સાહસ મેં સ્વીકાર્યું છે. સમયયાત્રા મને ક્યાં સમયમાં અને કેવી રીતે લઈ જશે તે તો હું નથી જાણતી પણ મને શ્રદ્ધા છે કે મિશન "સમયયાત્રા"જરૂર સફળ થશે".
" આ પ્રોજેક્ટના પ્રથમ પરિક્ષણ સમયે મારો જન્મ પણ થયો ન હતો. પણ, હું તને જ્યારથી આ કામ માટે તારી જાતને સમર્પિત જોઉં છું ત્યારથી હું ભગવાને હંમેશા એ જ પ્રાર્થના કરું છું કે તારું જોયેલું સપનું હકીકતમાં પરિણમે.તું જલ્દી પાછી આવી જજે મમ્મા!"બાર વર્ષની સૂર્યજાએ ગણવેશમાં સજ્જ કલ્પનાને ગળે લગાવતા અને વિદાય આપતા કહ્યું.
"મમ્મા આ ટાઈમ મશીનથી તું ફયુચરમા જઈને જોજે કે હું શું બનીશ?" જોખમથી અપરિચિત સાત વર્ષના શનિના બાળમનસે સાહજિક પ્રશ્ન કર્યો.
પાછળ ઉભેલા આંખમાં આંસુ છુપાવતા ધાર્મિકની લાગણી કલ્પના વગર શબ્દોએ સમજી ગઈ અને કહ્યું, "હું પાછી જરૂર આવીશ. "
સમયનો પ્રવાહ વહેતો જ રહ્યો. કલ્પના પૃથ્વીના ક્યા સમયમાં પોતાના કલ્પનાના વિશ્વમાં ખોવાઈ ગઈ તે કોઈ જાણતું ન હતું
સમય જતા સમગ્ર દુનિયા આધુનિક ટેક્નોલોજીથી સજ્જ બની ગઈ.યંત્રને આધીન બનેલા માનવીની લાગણીઓ પણ યંત્રવત જ બની ગઇ. લાગણીશૂન્ય રોબોટિક વિશ્વમાં જીવનના અંતિમ પડાવમાં પહોંચેલા ધાર્મિકના મનમાં "હું પાછી જરૂર આવીશ"શબ્દોનો ગુંજારવ સતત ચાલ્યા કરતો હતો. તેના થકી જ ધાર્મિકના મનમાં કલ્પનાના પરત ફરવાની મજબૂત આશાની ગાંઠ બંધાઈ હતી. સૂર્યજા અને શનિ પોત-પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા હતા. મશીન યુગમાં પરિવારવાદ જેવું કઈ રહ્યું ન હતું. કેમકે,વાર્તાલાપ પણ માણસે બનાવેલા મશીન સાથે જ થતો હતો.આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના જમાનામાં સાથ, સહકાર, પેમ,કરુણા, હૂંફ જેવી સંવેદનાઓ સપનારૂપ બની ગઈ હતી. કુદરતના ઘડેલા કમ્પ્યુટરને માણસે પોતે બનાવેલા કમ્પ્યુટર સાથે જોડીને નિંદ્રાજગતને વર્ચ્યુઅલ સ્ક્રીન પર નિહાળી શકાતું હતું. એટલે હવે આ જગતમાં સપનાઓ પણ પોતાના રહ્યા ન હતા. બસ રોબોટમાં સેટિંગ્સ, કમાન્ડ, ઓર્ડર, ઓકે ના શબ્દોનો વાર્તાલાપ જ સંભળાતો હતો.
એક દિવસ સવારે પથારીમાંથી ઉઠતાવેંત જ ધાર્મિકને રોબોટના રૂટિન મેસેજ કરતા કંઈક અલગ જ મેસેજ સાંભળવા લાગ્યા અને છેલ્લે સંભળાયું કે, "કલ્પના આવી રહી છે."ધાર્મિકને થયું કે રોબોટની સેટિંગ્સમાં પ્રોગ્રામિંગ એરરના કારણે વર્ચ્યુઅલ સ્ક્રીન પર ડિસ્પ્લે થતા તેના સપનાઓના પ્રોગ્રામિંગથી રોબોટ અલગ પ્રકારના મેસેજ આપે છે. ધાર્મિકે રોબોટનો પ્રોગ્રામિંગ ચેક કર્યો. આશ્ચર્ય સાથે તેને બધું જ બરાબર લાગ્યું.જે ઘડી માટે વર્ષોથી ધાર્મિકના મનમાં આશાની ગાંઠ બંધાઈ હતી તે આવતાં તેના દિલમાં ધરબાયેલી વર્ષોની લાગણીઓનુ વાવાજોડું એકસાથે ઉમટી પડ્યું.આંખમાં આંસુ અને ચહેરા પર સ્મિત સાથે ધાર્મિકે રોબોટને બાથમાં લેતા કહ્યું, "દોસ્ત! કુદરતી વિશ્વાસ પણ કેવી અજીબ શક્તિ છે, વર્ષો પહેલા કલ્પનાએ જે સાહસ કરવાનું સ્વીકાર્યું તેમાં તે જીવતી રહેશે કે નહીં તે પણ જાણી શકાયું ન હતું. તેમ છતાં પણ ત્યારથી લઈને અત્યારસુધી મારા મનમાં એ કુદરતીશક્તિનો સંચાર વહેતો રહેતો હતો કે મારા આ પૃથ્વી પરના છેલ્લા શ્વાસ પહેલા મારી કલ્પના સાથે મુલાકાત ચોક્કસ થશે. ક્યારેક નિરાશ પણ થઈ જતો પણ એ વિશ્વાસની શક્તિએ નિરાશાને મારા પર હાવી થવા દીધી નહીં. "કલ્પના આવી રહી છે "તારા આ શબ્દોથી હવે મારાથી વધારે રાહ પણ નથી જોઈ શકાતી."
રોબોટ બોલ્યું,"ઈટ ઇઝ એન એરર"
ધાર્મિકે હસતા-હસતા કહ્યું, "દોસ્ત તે તો મારા જીવનને સરળ બનાવી આપ્યું છે. ભલે તું એક મશીન હોય, પણ તારું મારા જીવનમાં કેટલુંય યોગદાન રહ્યું છે. આજના ખુશીના અવસરે તારું પ્રોગ્રામિંગ મારી લાગણીની ભાષા વાંચી શકતું હોત તો કોઈ એરર જ ના આવી હોત." "રોબોટને ઑફ કરી, કલ્પનાને જોવા અધીરો બની ધાર્મિક ઘરના ડોર તરફ આગળ વધ્યો.
અવકાશ સંશોધન સંસ્થાના સિમ્બોલવાળી એક સ્માર્ટકાર ઘરના મેઈનગેટ પાસે ઉભી હતી. ગેટ પરના રોબોટને ઘરમાંથી જ ગેટ ઓપન કરવાનો આદેશ આપ્યો. કારમાં કોણ છે તે સ્પષ્ટ જોઈ શકાતું ન હતું તેથી વ્યાકુળ બનીને ધાર્મિક પોતાનો ઓક્સિજન માસ્ક અને ઓક્સિજન સિલિન્ડર બેગને પહેરીને ઘરમાંથી બહાર નીકળ્યો. કારનો ડોર પોતાની જાતે જ ખુલી ગયો અને સંદેશ સંભળાયો કે, "કલ્પના તમારું ડેસ્ટિનેશન આવી ગયું છે ".
કલ્પનાને જોતાવેંત જ ક્યારનુંય વ્યાકુળ બનીને ખુશીથી ઉછળતા ધાર્મિકના દિલમાં દુવિધા ઉદ્દભવી.કલ્પનાના પરિક્ષણથી આજ સુધી વર્ષોનો સમય વીતી ગયો હતો, જમાનો સંપૂર્ણપણે બદલાય ગયો પણ, કલ્પનાનો સમય જાણે થંભી ગયો હતો!ધાર્મિકના મનમાં સવાલની ગૂંચવણ થઈ કે સમયની અસર કલ્પના પર કેમ નથી થઈ? ધાર્મિકના મનમાં ઉદ્દભવેલી સમયના તફાવતની આ ગૂંચવણને ફક્ત કલ્પના જ ઉકેલી શકે તેમ હતી.
"ધાર્મિક તમે 2050મા પણ આટલા સ્માર્ટ દેખાશો તેવી કલ્પના મેં કરી ન હતી." ધાર્મિકનો હાથ પોતાના હાથમા લેતા કલ્પનાએ કહ્યું, "ચારેબાજુ વર્ચ્યુઅલ સ્ક્રીનની દિવાલો,ટેક્નોલોજીકલ ગેજેટ્સના ફાસ્ટ યુગમાં પણ તમે 2020ના વર્ષમાં સમયને જાણવા મેં ગિફ્ટ કરેલી ઘડિયાળ આજે પણ પહેરો છો તે જોઈને મને ઘણી ખુશી થઈ."
ધાર્મિકે કલ્પનાનો હાથ પકડી રાખીને એકધારી નજરે કલ્પનાને નિરખતા કહ્યું,"આ સમયની વિચિત્રતા પણ કેવી નિરાળી છે, 2020થી લઈને આજ સુધી હું આ દુનિયા સાથે આગળ ધપતો જ ગયો અને તું પાછળ 2020ની દુનિયામાં જ ક્યાંક ખોવાઈ ગઈ. હું જાણતો હતો કે તું સમયના કાળચક્રની યાત્રા કરીને પાછી મારી પાસે જરૂર આવીશ,પણ, તું ક્યા સમયમાં હતી અને ક્યા સમયમાં આવીશ એ જાણતો ન હતો તેથીજ આ ઘડિયાળના સાથને તારો સાથ સમજીને ભગવાનને પ્રાર્થના કરતો કે તું જે પણ કાલચક્રમાં હોય ત્યાં તારા જીવનની ગતિને વહેતી રાખે. આ કાળચક્રની યાત્રામાં તારા અને દુનિયાના સમયની ગતિમાં આટલો તફાવત કેવી રીતે સર્જાયો? "
"તમારા મનની દુવિધાને હું સારી રીતે સમજી શકું છું. હું જાણું છું તમે મારી પાસેથી તેના જવાબો જાણવા ખુબ ઉત્સુક છો".2020થી સીધી જ 2050ના અદ્યતન ટેક્નોલોજીયુક્ત વિશ્વમાં પાપાપગલી માંડતી કલ્પનાએ કહ્યું.
કલ્પનાની આંખો ચારે બાજુ ફરતા રોબોટને, તેમના કાર્યોને અને ફાસ્ટ ટેક્નોલોજીને નિહાળી રહી હતી. નાનકડું બાળક પોતાની નવી દુનિયામાં જેવી રીતે નવું જાણવા, નવું શીખવા મથે છે તેવી જ રીતે કલ્પના માટે આ નવી દુનિયાને તરત જ જાણવી અને સમજવી સરળ ન હતી.
"સૌપ્રથમ મને જણાવો કે આપણા બાળકો શું કરે છે? તેમને મળવા મારું હૃદય તડપી રહ્યું છે".કલ્પનાની આંખો ઘર તરફ મંડાઈને તેમના બાળકોને શોધી રહી હતી.
આ સાંભળતા જ ધાર્મિકના ચહેરાની રેખાઓ બદલાય ગઈ. "તેઓ હવે બાળકો નથી રહ્યા, અત્યારે હ્યુમનોઇડ સાથે કામ કરતા હશે ".ધાર્મિકે હાવભાવ બદલતા અને વાતને ટાળતા કહ્યું, "કલ્પના આ ચેર પર બેસી જા ".
"આ ચેરના આકાર પરથી લાગે છે કે આ સામાન્ય ચેર નથી. શું ખાસિયત છે આ ચેર માં?" કલ્પનાએ ચેરમાં બેસતા કહ્યું અને પોતાના બાળકો કેવા દેખાતા હશે તે વિચારમાં ખોવાઈ ગઈ.
"આ ફ્લાઈંગ ચેર છે. તે મેઈનગેટથી આપણા ઘર સુધી ઉડીને આપણને લઈ જશે". ધાર્મિકે ચેરમાં બેસીને લોકેશન સેટ કરતા કહ્યું.
"આજના ફાસ્ટયુગમાં માનવી ઘણો જ આળસુ બની ગયો છે ".કલ્પનાએ કહ્યું.
ઘરમાં પ્રવેશતા જ કલ્પનાએ પૂછ્યું, "સૂર્યજા અને શનિના લગ્ન થઈ ગયા હશે ને? સૂર્યજા તો તેના સાસરે હશે ને?"
ધાર્મિક હસવાનું રોકી ના શક્યો અને કહ્યું, "કલ્પના આ 2050ની દુનિયા છે. હવે લગ્ન, સંબંધો, પરિવારને કોઈ મહત્વ જ નથી રહ્યું, મને પણ યાદ નથી કે મારે છેલ્લી વાર તેમની સાથે ક્યારે વાત થઈ હતી. તે બંને અહીં ઘરમાં જ છે "
આતુરતાપૂર્વક કલ્પના પોતાના બાળકોને મળવા માટે દોડી પણ, સૂર્યજા અને શનિએ તેને ઓળખવાની ના પાડી દીધી.કલ્પનાના હૃદયમાં દુઃખ સમાતું ન હતું. દુઃખી સ્વરે કલ્પનાએ કહ્યું, "વિજ્ઞાન તો જીવનને સરળ બનાવે છે, વિકાસ લાવે છે. આ દુનિયાએ તો એટલો બધો વિકાસ સાધી લીધો કે માણસને માણસ માટે કોઈ સંવેદના જ નથી રહી !"
ધાર્મિક કલ્પનાની પરિસ્થિતિને સમજી શકતો હતો, તેને રોબોટને ઓન કરી પાણી લાવવા માટે કહ્યું.
કલ્પનાએ સ્વસ્થ થતા કહ્યું, "અત્યારે પાણીની ભારે અછત છે, લગભગ, ક્યાંય પાણી બચ્યું જ નથી. પાણીના બગાડને ગુનો માનવામાં આવે છે."
"હા, અત્યંત ઉચ્ચ વર્ગના લોકોને જ પાણી પોષાય છે, બાકીના લોકો શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણીના વિકલ્પ તરીકે કેપ્સ્યુલનો વપરાશ કરે છે અને આવીજ રીતે પાણીના બીજા વપરાશ માટે અન્ય વિકલ્પોનો આશરો લેવો પડે છે." ધાર્મિકે કહ્યું.
"પણ તું તો 2020થી સીધી 2050ની દુનિયામાં આવી છો તો તું કઈ રીતે આ બધું જાણે છે?" આશ્ચર્ય સાથે ઝબકીને ધાર્મિકે પૂછ્યું.
"આ સમયની વિચિત્રતા કેવી રીતે સર્જાઈ અને તમારા મનની બધી ગુંચવણનો હલ હવે તમને જણાવી જ આપું." કલ્પનાએ માંડીને વાત કરતા કહ્યું, "સમયયાત્રાની શરૂઆત 2020માં જે યાનમાં કરી હતી તે સમગ્ર બ્રહ્માંડની ઉર્જા પ્રકાશવર્ષની ગતિથી ચાલતું હતું. આપણી પૃથ્વી પણ તેની ધરી પર એક ચોક્કસ ગતિથી જ ફરે છે. યાનના એક અઠવાડિયાના સમય બરાબર પૃથ્વીના 30 વર્ષ થયા છે. તમે જાણવા ઇચ્છતા હતા ને કે મારા સમયની ગતિ કેમ થંભી ગઈ? મારો સમય થંભ્યો ન હતો પણ સમયની ગતિ ઘણી ધીમી થઈ ગઈ હતી.યાનમાં હજુ મારે એક અઠવાડિયાનો જ સમય થયો હતો જયારે તેની સાથે જ પૃથ્વી પર 30વર્ષ વીતી ગયા. "
"એનો અર્થ એ થયો કે જયારે તે પરીક્ષણ આરંભ્યું હતું ત્યારે જે ઉંમર હતી અત્યારે તે જ રહેશે!ત્યારે તું કહેતી હતી કે સમયની યાત્રા ફક્ત ભવિષ્યમાં જ થાય છે, ભૂતકાળમાં પરત ફરી શકાતું નથી." ધાર્મિકે ચિંતિત સ્વરે પૂછ્યું.
"હા, મારી ઉંમર અત્યારે આપણા બાળકોની ઉંમર બરાબર રહેશે "કલ્પનાએ કહ્યું.
"સમગ્ર બ્રહ્માંડની ગતિ તો બધી જગ્યાએ એકસરખી જ હોય તો એવું કેવી રીતે શક્ય બને?" ધાર્મિકે પૂછ્યું.
"તમારો આ સવાલ જ મારા પરીક્ષણનું તારણ છે."ધાર્મિકની દ્વિધા ટાળતા કલ્પનાએ કહ્યું, "બ્રહ્માંડમાં રહેલા દરેક પિંડની ગતિ એકસરખી નથી. બધા પિંડનો સમય અલગ-અલગ હોય છે. સમય નદીના પ્રવાહની જેમ હોય છે. કોઈ જગ્યાએ પ્રવાહ ઝડપથી તો કોઈ જગ્યાએ ધીમેથી વહે છે, તેવી જ રીતે સમયની ગતિ કોઈ જગ્યાએ ધીમી તો કોઈ જગ્યાએ ઝડપી હોય છે. "
ધાર્મિકે ધીમા સ્વરે કહ્યું, "આ તારણે તારી અને મારી ઉંમરમાં ઘણું અંતર લાવી દીધું." પછી ચહેરા પર એક ચમક સાથે કહ્યું, "ઉંમરનું અંતર ભલે ગમે તેટલું હોય પણ મન તો હંમેશા જોડાયેલા જ રહેશે. સાપેક્ષતાવાદનો સિદ્ધાંત જેમ પ્રકાશવર્ષ ની ગતિ પર આધારિત છે, તેવી રીતે આપણું મન આપણી ઉંમર પર આધારિત નથી. આ નિષ્કર્ષે વિજ્ઞાનજગતમાં અમૂલ્ય ફાળો નોંધાવ્યો છે. "
"પરીક્ષણના સમયના બંધનથી પર આ તમારા વિશ્વાસની જીત છે. તમારા અડગ વિશ્વાસે જ મારા સંશોધનને સફળ બનાવ્યું અને એ વિશ્વાસની શક્તિ કુદરતી રીતે મારામાં સંચારિત થતી હતી, જેને મારા કપરા સમયને પણ સરળ બનાવ્યો. આજના આ યંત્રવત થયેલા માનવીઓની વચ્ચે પણ તમારી અંદરનો માણસ, તમારી લાગણીઓ જીવતી રહી એ જ મારામાટે વિશેષ છે." કલ્પનાએ કહ્યું.
"તારા માટે આ અચાનક બદલાયેલી દુનિયાને તરત જ સ્વીકારવી ખુબજ અઘરું રહ્યું હશે." ધાર્મિકે કહ્યું
"ના, એક સંશોધનકર્તાને બદલાયેલી પરિસ્થિતિ ભલે તે સમય હોય કે સબંધ સ્વીકારી લેવાની કુદરતી બક્ષિસ મળેલી હોય છે.જ્યાં યાનની યાત્રાનો આરંભ થયો હતો ત્યાંજ તેનો અંત થયો, પરંતુ સમય ઘણો જ બદલાય ગયો. મેં જયારે અવકાશથી પૃથ્વી પર પ્રથમ કદમ મુક્યો ત્યારે જ હું અવકાશ સંશોધન સંસ્થાના રોબોટથી ઘેરાય ચુકી હતી. 30 વર્ષ પૂર્વેના બધા રેકોર્ડસ ચેક કરી મને અને યાનને એક મહિના સુધી સંસ્થાના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતાં. સંસ્થાને મારા પરીક્ષણનું તારણ સત્ય લાગ્યા બાદ જ મને ત્યાંથી આવવાની પરવાનગી આપવામાં આવી. આ તારણ પરથી જ સંસ્થા ભૂતકાળમાં પરત ફરવાના સંશોધન કાર્યને આગળ ધપાવશે, મને મંગળ ગ્રહ પર વિકસી રહેલા જીવન માટે ભવિષ્યમાં સમયયાત્રા કરવાનો પ્રસ્તાવ સંસ્થાના ચેરમેને રજુ કર્યો છે." કલ્પનાએ કહ્યું.
"તો...તું મંગળગ્રહ પર પણ સમયયાત્રા માટે જવાની છે? "ધાર્મિકે જરા અચકાયને પૂછ્યું.
"ના, મારે મંગળગ્રહ પર સમયયાત્રા માટે નથી જવુ, પરંતુ, અહીં પૃથ્વી પર જ રહીને મારે યાંત્રિક થઈ ગયેલી પૃથ્વીને બચાવવા માટે મારું યોગદાન આપવું છે. "કલ્પનાએ કહ્યું.
"આ 2050 નું વિશ્વ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ ટેક્નોલોજી પર જ નિર્ભર થઈ ગયું છે, તેના વગરની દુનિયા કલ્પી શકાય નહીં. તો તું આ યાંત્રિક પૃથ્વીને બચાવવાનું અશક્ય કામ કઈ રીતે કરીશ? "ધાર્મિકે પોતાની વાત રજૂ કરતા કહ્યું.
"જેવી રીતે 2020માં સમયયાત્રા કરવાનું અશક્ય કામ શક્ય કર્યું એવી જ રીતે 2050માં યાંત્રિક પૃથ્વીને બચાવવાનું અશક્ય કામ શક્ય થશે. "સાહજિક રીતે કલ્પનાએ કહ્યું.
"પહેલા તું આ દુનિયામાં રહીને જો, તેને જાણ અને પછી કઈ નિર્ણય લે. "ધાર્મિકે કહ્યું અને ઉમેર્યું, "આ દુનિયાનો માણસ મશીન વગર કલ્પી શકાય જ નહીં. કુદરતનો માનવી કૃત્રિમ માણસોથી ટેવાય ગયો છે. "
"વાહ!માણસને હવા અને પાણી વગરનો જોય શકાય છે પણ મશીન વગરનો ના કલ્પી શકાય, માનવીએ ટેક્નોલોજી વિકસાવવા કુદરત સાથે છેડછાડ કરી ધરતીમાતાને વાંઝણી કરી દીધી છે અને હવા, પાણીને ઝેર બનાવી દીધા છે. અત્યારે જ અતિ ધનવાન લોકો મંગળગ્રહ પર વસવાટ કરવા લાગ્યા છે, જો આમજ રહ્યું તો આવનારા દસ-વીસ વર્ષોમાં પૃથ્વી પર માનવનું અસ્તિત્વ એક ભૂતકાળ બની જશે."કલ્પનાએ વિસ્તારપૂર્વક કહ્યું.
ધાર્મિક પાસેથી ઓક્સિજન સિલિન્ડર લેવા આવી રહેલા શનિએ અને રોબોટને ચાર્જ કરવા આવી રહેલી સૂર્યજાએ ધાર્મિક અને કલ્પનાની ચર્ચા સાંભળી. સાંપ્રત સમયની અસરથી માઁ ને ઓળખવાની ના પાડતા સંતાનોને અચાનક જ બાળપણની યાદ આવવા લાગી. માઁ અને સંતાનોના સબંધ કુદરતી લાગણીઓથી ચાર્જ થયા હોય છે, આ શક્તિને સમયના પ્રવાહની કોઈ અસર થઈ શકે નહીં.
"મમ્મા!મેં તને કહ્યું હતું કે તું જલ્દી પાછી આવી જજે અને જયારે તું આવી ત્યારે હું તને ઓળખી ના શકી. "આંખમાં આંસુ સાથે સૂર્યજાએ કહ્યું અને ઉમેર્યું, "મમ્મા !તારા અશક્ય કામને શક્ય બનાવા માટે હું તને સાથ આપીશ."
હજુ કલ્પના કઈ બોલે તે પહેલા શનિએ કહ્યું કે, "મેં ક્યાંક વાચ્યું હતું કે જો આવનારા દસ -વીસ વર્ષોમાં પૃથ્વીને નષ્ટ થતી બચાવવી હોય તો વૃક્ષો જ તારણહાર બની શકશે. "
કલ્પના કઈ બોલી જ ના શકી, લાગણીભીના હૃદયે પોતાના સંતાનોને ગળે લગાવી લીધા. માઁ અને સંતાનોની ઉંમર એક કરીને સમયે ભલે વિચિત્રતા સર્જી પણ, માઁ અને સંતાનોના હૃદયની આત્મીયતા કોઈ કાળચક્ર ફેરવી શકતું નથી.
"મશીનો સાથે મોટા થયેલા મારા સંતાનોના હૃદયમાં જો કરુણાની કરુણાની કુંપણ ફૂટી શકતી હોય તો હવે આ કામ અશક્ય નથી, પૃથ્વીને બચાવાની શરૂઆત મારા ભારતદેશથી જ થશે જે એક ઇતિહાસ રચશે. "ધાર્મિકે પણ પોતાનો સાથ પુરાવતા કહ્યું.
"આ મિશનનું નામ આપણે' ટેક્નોલોજી મુક્ત અર્થ'એવું રાખીશું "શનિએ કહ્યું.
"ના, કલ્પનાએ થોડું વિચારતા કહ્યુ, ટેક્નોલોજીનું આપણા જીવનમાં મહામૂલું પ્રદાન છે, જીવનને સરળ બનાવે છે. પણ, કુદરતી સ્ત્રોતના ભોગે ટેક્નોલોજીનો વધુ ને વધુ વિકાસ ના થવો જોઈએ. આ જગતમાં વૃક્ષનું નામ-નિશાન નથી રહ્યું. તેવામાં આપણે પૃથ્વીને ફરીથી હરિયાળી બનાવી છે તો મિશનનું નામ 'ગ્રીન અર્થ 'એવું રાખીશુ. "
વૃક્ષો જલ્દી ઉગાડવાની પોતાની ટેક્નિકને વિકસાવવા 'વૃક્ષ આયુર્વેદ 'જેવા પૌરાણિક ગ્રંથો વાંચ્યા જેમાં વૃક્ષ અને જંગલને ઉગાડવા માટે કેટલીક પ્રાચીન વિજ્ઞાનની પદ્ધતિ વિશે કહેવામાં આવ્યું છે. કૃષિ વિજ્ઞાનને વધુ સારી રીતે સમજવા તેને બોટનિસ્ટની શોધખોળ શરુ કરી. 2050ની દુનિયામાં વનસ્પતિ રહી ન હતી તો વનસ્પતિશાસ્ત્રીઓ ક્યાંથી હોય? તેમ છતાં મહામહેનતે 2020-30ના વર્ષોના વનસ્પતિશાસ્ત્રીનો સંપર્ક સાધી તેમની પાસેથી જરૂરી જાણકારી મેળવી. વનસ્પતિશાસ્ત્રીના મત મુજબ વૃક્ષ માટે જરૂરી વાતાવરણ, વાયુ અને માટી આ જગતમાં ઉપલબ્ધ નથી. પરંતુ, કૃત્રિમ રીતે શક્યતાની થોડી આશાને નકારી પણ ના શકાય.વનસ્પતિ પણ સજીવસૃષ્ટિનો ભાગ છે. જેમ મનુષ્યને હાલના સમયમાં ઓક્સિજન માસ્કની જરૂર છે તેવી જ રીતે આ ઝેરી વાયુમાં કૃત્રિમ રીતે વાયુને પ્રસારિત કરવાથી વનસ્પતિને જરૂરી વાતાવરણ મળી રહેશે. તેઓના મત મુજબ સીડબોલ્સ એક શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય. સીડબોલ્સ એટલે માટી, ખાતર, પોષકતત્વો અને બીજથી સભર બોલ્સ કે જેમને ખુલ્લી જગ્યા અને યોગ્ય વાતાવરણમાં રોપીને ઉછેરવામાં આવે તો વૃક્ષને જીવન આપી શકાય.
આ મિશનમાં સહકાર આપવા માટે કલ્પના અને તેનો પરિવાર શાળાઓ, સંગઠનો અને સંસ્થાઓને મળ્યો. કોઈએ સહકાર આપ્યો તો કોઈએ તેને અર્થવિહીન ગણી જાકારો આપ્યો. ટીપે -ટીપે સરોવર ભરાય એ રીતે આ મિશનની શરૂઆત થઈ અને વૃક્ષો વાવવાની આ રીત સફળ સાબિત થઈ.
સીડબોલ્સમાંથી ખીલેલા છોડવાઓ જોઈને ધાર્મિકે કહ્યું, "દુનિયાની આજની સમસ્યાનો ઉકેલ પણ પ્રાચીન ગ્રંથ પાસે છે. બસ તેને સમજીને વૈજ્ઞાનિક ઢબે અમલ કરવાની જરૂર છે. "
કલ્પનાએ ખુશ થતા કહ્યું, " આ છોડવાઓને પણ વૃક્ષ બનવાની તાલાવેલી લાગી હોય એ ઝડપે તેઓ વધી રહ્યા છે. બસ, આવીજ રીતે આ ખુલ્લી જગ્યાઓ જંગલમાં પરિણમે જે કંઈક અંશે તો વાતાવરણને શુદ્ધ કરશે. "
બંનેની ખુશી વધારે ટકી શકી નહીં શહેરના સાફ -સફાઈ વિભાગના રોબોટ્સે છોડવાઓને એક ઝાટકે ખેંચીને ફરીથી જમીન ઉજ્જડ બનાવી દીધી. કલ્પનાએ તરત જ જઈને ફરિયાદ નોંધાવી.
ત્યાંના અધિકારીએ જવાબ આપ્યો કે, "રોબોટના પ્રોગ્રામિંગમાં આ બધું કચરારૂપે છે, તો વૃક્ષો વાવવા શક્ય નથી. "
કલ્પનાએ ઉગ્રતાથી કહ્યું "શું શક્ય નથી, તો તમે પ્રોગ્રામિંગમાંથી આ ફંક્શનને ડિલિટ કરો. "
ધાર્મિકે કલ્પનાને અટકવા માટે ઈશારો કર્યો.
અધિકારીએ હસતા -હસતા કહ્યું, "લાગે છે તમે કોઈ બીજી દુનિયામાંથી આવ્યા લાગો છો!આવા પ્રોગ્રામિંગ ફક્ત રોબોટ બનાવનાર કંપની જ કરી શકે, અમે કાંઈ કરી શકીએ નહીં. "
ધાર્મિક અને કલ્પના ત્યાંથી નીકળી ગયા.
ધાર્મિકે કહ્યું, 2010-20ના દશકાઓ દરમ્યાન મોબાઇલ અને સીમકાર્ડ પ્રોવાઈડર કંપનીની જેમ જ આ રોબોટ હોય છે.પ્રોગ્રામિંગના અલગ-અલગ ફંક્શનના આધારે જ આ રોબોટ વેચાય છે, જેવી રીતે વિવિધ ડેટા પ્લાનના આધારે સિમકાર્ડનું વેચાણ થતું."
કલ્પનાએ જરા બેચેન થઈને કહ્યું, "આ મિશનને મારે કોઈ પણ ભોગે સફળ બનાવવું છે."
દિવસો વિતતા ગયા, કલ્પના અને તેના પરિવારની હતાશા વધતી ગઈ. રોબોટ બનાવનાર કંપનીઓ જાતે જ શા માટે નુકશાન વેઠવા તૈયાર થાય!આ મિશનનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું. તેમ છતાં, ધાર્મિકના મનમાં અજીબ વિશ્વાસ હતો કે આ મિશન જરૂર પૂરું થશે.
ઉદાસ રહેતી કલ્પનાને સમજાવતા ધાર્મિકે કહ્યું, "કલ્પના તું કપરા સંજોગો સામે બાથ ભીડવા માટે જ સર્જાય છો. હું તને અત્યારે પણ એ જ કહીશ કે ધીરજ ધરીને હિંમત હાર્યા વગર પ્રયત્ન સતત ચાલુ રાખ, આ મિશન પણ જરૂર સફળ થશે. "
શનિએ ઉત્સાહપૂર્વક કહ્યું, "મારી પાસે એક આઈડિયા છે."
ધાર્મિકે પૂછ્યું, "શું? "
શનિએ કહ્યું, "આપણી લડાઈ આવનારા વર્ષોમાં પૃથ્વી પર માનવ અસ્તિત્વને બચાવવાની છે તો લોકોના સાથથી જ આ પૃથ્વી ફરીથી' ગ્રીન અર્થ 'બની શકશે. લોકોને તેના વિશે જાગ્રત કરવા માટે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવીએ, જેમાં મમ્માના સમયયાત્રાના મિશનને પણ દર્શાવશું."
સૂર્યજાએ કહ્યું, "તેમાં સહકાર આપવા માટે આપણને મદદ કરી રહેલી સંસ્થા, સંગઠનોને પણ જણાવશું. "
બધાના સહયોગથી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવાઈ. જેમાં પ્રકાશવર્ષની ગતિના યાનના એક અઠવાડિયા બરાબર પૃથ્વી પર 30વર્ષ થયા, બ્રહ્માંડના જુદા- જુદા ગ્રહ પર સમયની વિવિધતા દર્શાવતી કલ્પનાની સમયયાત્રા દર્શાવાઈ. પૃથ્વીની ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની સ્થિતિ દર્શાવતું વર્ણન કરવામાં આવ્યું, છેલ્લે કલ્પનાએ સંબોધન કર્યું, "બ્રહ્માંડના બીજા ગ્રહ પર ભલે માનવ-અસ્તિત્વ શક્ય હોય, તે મોટા ભાગનું કૃત્રિમ રીતે હશે કુદરતી રીતે નહીં, ફક્ત પૃથ્વી જ આપણને ભગવાનની બક્ષિસરૂપે મળેલી છે. જેમાં વાયુ, પાણી જમીન અને ગુરુત્વાકર્ષણ બળ સહિત માનવ જીવન માટે જરૂરી તત્વો વિનામૂલ્યે પ્રાપ્ય છે પણ, આપણે તેને નુકશાન પહોંચાડવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું. ઉચ્ચ વર્ગના લોકો આરામથી બીજા ગ્રહ પર જીવન જીવી શકશે. પરંતુ, મધ્યમ ગરીબવર્ગના લોકોને બરબાદ થયેલી પૃથ્વી પર જીવન માટે સંઘર્ષો કરવા પડશે. અત્યારે જ પૃથ્વીની સહનશક્તિ તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે, આવી જ સ્થિતિ રહી તો પૃથ્વીનો વિનાશ નક્કી છે. ફક્ત વૃક્ષ જ સમસ્યાને સુધારી શકશે. સંગ્રહિત કરેલા વાયુ અને પોષકતત્વોથી વૃક્ષ તેના આસપાસના ઝેરી વાતાવરણ અને જમીનની સ્થિતિ ખોવાયેલા તત્વોને પરત લાવી કુદરતી રીતે સુધારશે અને આવી જ રીતે વૃક્ષો દ્વારા નિર્માણ પામેલ જંગલો પૃથ્વીને નવજીવન પ્રદાન કરશે. જે કામ આપણે જાતે કરી શકીએ છીએ તેમાં મશીન પર નિર્ભર ન રહી સંતુલિત ટેક્નોલોજીનો વપરાશ કરશુ તો ભવિષ્યમાં આ સ્થિતિ ક્યારેય નહીં ઉદ્દભવે. "
2050ના વિશ્વમાં માણસ ભલે હ્યુમનોઇડ સાથે સમય વિતાવતો હોય પણ, આખરે મનુષ્ય કુદરતની જ બનાવટ છે ને !ડોક્યુમેન્ટરી ફિલ્મ અને કલ્પનાના સંબોધનથી મશીન બનેલા માનવીમાં જાણે ફરીથી માનવીએ જન્મ લીધો.અમુક કંપનીઓએ જાતે જ રોબોટમાં વૃક્ષને કચરારૂપે સમજવાના ઇન્સ્ટોલ કરેલ પ્રોગ્રામને ડીલીટ કર્યો, જે કંપનીએ આમ ન કર્યું તેને લોકોના ઉગ્ર વિરોધથી કરવું પડ્યું.સરકાર દ્વારા કડક કાયદાથી આ પ્રકારના પ્રોગ્રામનો પ્રતિબંધ લાગી ગયો.
સૌએ સાથે મળીને મિશન 'ગ્રીન અર્થ 'ને સાકાર કરવાના પગલા ભરવા માંડ્યા. ફક્ત એક જ વર્ષમાં લોકોને પોતાના ઓક્સિજન માસ્કથી છુટકારો મળી ગયો. પુરા વિશ્વએ ભારતમાં સર્જાયેલ હરિતક્રાંતિના પરિણામને નિહાળી એ કદમ પર ચાલવા ડગ ભરવા માંડ્યા. આભને આંબતી ઇમારતો, ઉડતી ગાડીઓ વચ્ચેથી દેખાતા વૃક્ષો પાણીની ધારાઓને બોલાવી લાવશે એવી આશા સેવવા માંડી.
હવેથી ટેક્નોલોજી પ્રકૃતિ પર હાવી નહીં થાય એવો અતૂટ વિશ્વાસ સમયની ધારાના પ્રવાહ સાથે વહેતો રહ્યો....

બીજા રસપ્રદ વિકલ્પો