Aakansha ni mahatkansha books and stories free download online pdf in Gujarati

આકાંક્ષા ની મહત્વાકાંક્ષા


કિશોરચંદ્ર અને સુમિત્રાદેવીનાં લગ્નનાં ચાર વર્ષ થઈ ગયા હતા પણ એમના ઘરે પારણામાં જુલનારનું હજુ આગમન થયુ ના હતુ. મિત્રો અને સંબંધીઓ સૌ પોતપોતાની રીતે સલાહ-સૂચનો આપે. પરંતુ કિશોરચંદ્ર અને સુમિત્રાદેવીને વિશ્વાસ હતો કે એમના નસીબમાં સંતાનસુખ છે તેમજ તેઓ માનતા કે આ પૃથ્વી પર કોઈ જીવનું આગમન વિધિના વિધાન વગર શક્ય નથી. તેઓ વિધાતા પર વિશ્વાસ રાખી તેમની ખુશીનાં દિવસો ની રાહ જોતા હતા.
કિશોરચંદ્ર આર્થિક દ્રષ્ટિએ મધ્યમવર્ગીય હતા છતાં તેઓ ખૂબ સંતોષથી અને પ્રામાણિકતાથી મહેનત કરીને તેમનું જીવન જીવતા હતા. સુમિત્રાદેવી પણ સ્વભાવે સરળ અને કોમળ હ્રદયનાં હતા.
હવે કેટલાય દિવસોની રાહ પછી તેમના ઘરે પ્રભુનાં પ્રસાદરૂપી પુષ્પનું આગમન થવાનું હતું. કિશોરચંદ્ર અને સુમિત્રાદેવીનાં સારા સ્વભાવનાં કારણે પરિવાર અને મિત્ર-જનોમાં તેમનું ઘણું માન હતું. તેથી સ્નેહી-સંબંધીઓ સૌ કોઈ તેમનાં ઘરે પુત્રરત્નનું આગમન થાય તેવી શુભેચ્છાઓ આપવા લાગ્યા. પરંતુ તે બંને તો ભગવાનને પ્રાર્થના કરતાં કે તેના ઘરે જેનું પણ આગમન થાય તે ભલે દિકરો હોય કે દિકરી, તેનું સ્વાસ્થય સારું અને તંદુરસ્ત હોય અને તેમને તે બાળક ને ગુણકારી અને સંસ્કારી બનાવી શકે તે પ્રમાણે ઉછેર કરવાની શક્તિ અર્પે. તેમના ઘરે પ્રભુનાં પ્રસાદ તરીકે લક્ષ્મી રૂપી દિકરીનું અવતરણ થયું. બાળકને જોઈને બધાંને થયું કે કુદરતે આ પુષ્પનાં સર્જન માટે એટલે આટલો સમય લગાવ્યો હશે! તેનું નામ આકાંક્ષા રાખવામાં આવ્યું. તેના માતા-પિતા તેને પ્રેમથી ઢીંગલી કહીને બોલાવતા.
દિવસો વિતતા ગયા અને ઢીંગલી ધીમે-ધીમે મોટી થવા લાગી. સ્કૂલમાં એડ્મિશન સમયે શિક્ષકે તેને રમકડાઓ બતાવીને પૂછયું કે બેટા આને શું કહેવાય ત્યારે તે શિક્ષકને સામે પૂછે આને શું કહેવાય? તે ભણવામાં તો હોશિયાર હતી જ સાથે-સાથે બીજી બધી પ્રવુતિઓમાં પણ સરસ્વતી માતાનાં આશિર્વાદ તેની સાથે હતા. ધીમે-ધીમે સ્કૂલમાં પણ સૌની લાડકવાયી ઢીંગલી બની ગઈ. આકાંક્ષા તેની ઉંમરનાં બાળકો કરતાં અલગ જ હતી. કારણકે તેનાં વિચારો અને સમજણ શક્તિ તેની ઉમર કરતાં ઘણા વિકસિત હતા. ક્યારેક તો તેના નિર્દોષ અને માસૂમ સવાલો સૌને વિચાર કરવા પર મજબૂર કરી દેતાં હતા.
એક દિવસ શાળાએથી ઘરે આવતાં તેને જોયું કે રસ્તા પર અમુક બાળકો ફાટેલા કપડાં પહેરીને લોકો પાસે ખાવાનું માંગી રહ્યા છે. તેને ઘરે જઈને તરત જ મમ્મીને તે બાળકો વિશે કહ્યું અને પૂછ્યું કે, મમ્મી એમને ભૂખ લાગી હોય અને તેમને કોઈ પણ પાસેથી કઈ પણ ખાવાનું ના મળે તો તેઓ શું કરતાં હશે? સુમિત્રાદેવી ને થયું કે ઢીંગલી ની વાત તો સાચી છે કે જે બાળકો નું કોઈ નથી એમનું શું થતું હશે! તેમને યોગ્ય ઉછેર અને વાતાવરણ ના મળવાથી કદાચ ખોટા રસ્તે પણ વળી શકે છે. તેને એમ વિચારીને મન વળી લીધું કે ભગવાને જેવુ જેનું નસીબ લખ્યું તેને તેવું મળી રહે છે. આકાંક્ષા ને સમજાવતા કહ્યું, બેટા! ભગવાન સૌનું ધ્યાન રાખે છે. તે કોઈને પણ ખાલી પેટે નહીં સુવા દે.
સમય પસાર થવાની સાથે આકાંક્ષા ના શાળાનું ભણતર પૂરું થયું. તે યુવાની તરફ ડગ માંડી રહી હતી. તે હમેશા વિચારતી કે હું મારા જીવન માં સ્વતંત્ર રીતે પગભર બનવા માંગુ છું. આકાંક્ષા એ કોલેજ બાદ એમ.બી.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. કોલેજ નાં કેમ્પસમાં જ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટે નો પ્રસ્તાવ મળી ગયો. તેના કામ કરવાની લગન, બીજાને મદદ કરવાની ભાવના અને માતપિતા તરફ થી વારસામાં મળેલા પ્રમાણિકતાનાં ગુણોને કારણે ઓફિસ માં બધાં ની પ્રિય સહકર્મચારી બની ગઈ.
એક દિવસ ઓફિસે જતી વખતે તેને રસ્તામાં એક દ્રશ્ય જોયું. તે જોઈને તેને બાળપણમાં જોયેલું દ્રશ્ય યાદ આવ્યું. રસ્તામાં સિગ્નલ પર બાળકો ખાવા માટે આવતા-જતાં લોકો પાસે આજીજી કરી રહ્યા હતા. તેને દુખ થયું કે રસ્તા પરથી પસાર થનાર લોકો ને તેના તરફ દ્રષ્ટિ કરવાનો પણ સમય નથી. બધાં પોત-પોતાના કામમાં વ્યસ્ત હતા. તેને થયું કે સ્વાર્થી મનુષ્ય આટલો સંવેદનહીન કેમ હોય શકે! બધાંને સામાન્ય લાગતી ઘટના આકાંક્ષાને અસામાન્ય લાગી. તે ચાર-પાંચ બાળકો માટે નાસ્તો ખરીદી લાવી. બાળકો ને નાસ્તો કરતાં જોઈને તેને અંદરથી અલગ પ્રકારની શાંતિ મળી. પછી તે તરત જ ઓફિસ જવા નિકળી ગઈ. ઓફિસમાં બધું કામ પતાવીને નવરાશની પળોમાં તે બાળકોનાં જ વિચાર કરતી હતી. તે વિચાર કરતી હતી કે આ બાળકોનાં ભવિષ્યનું શું? અરે! ભવિષ્ય શું પણ તેના વર્તમાન ની પણ તેમને ખબર નથી. આવાં તો કેટલાય બાળકો ભૂખથી ટળવળી રહ્યા હશે! આ પરિસ્થિતિનાં નિર્માણ માટે આપણે કોને જવાબદાર ગણશું? તેમના માતા-પિતા ને? નાં, તેમના માતા-પિતા બિલકુલ જવાબદાર નથી. તેઓ દિવસ દરમ્યાન અંત્યંત શારીરિક શ્રમ કરે છે. તેના પ્રમાણમાં તેને વળતર શું મળે છે? દિવસનાં સો થી બસો રૂપિયા. અને તેમાંય જો તે કોઈ અસંગઠિત ક્ષ્રેત્રમાં મજૂરી કરતાં હોય તો તેમાંથી પણ બહાનાઓ બતાવીને કાપી લેવાય છે. આપણને એ.સી. ઓફિસમાં બેસીને હજારો લાખો રૂપિયા મળે છે. જ્યારે ગરીબ મજૂરોને તડકામાં કે વરસાદમાં અંત્યંત કાળી મજૂરી કરીને પણ કઈ મળતું નથી. તેથી જ તો આમાંના કેટલાક લોકોને મજબૂરીથી ખોટું કામ કરવું પડે છે. દિવસ દરમ્યાન હાડ ગળી જાય એટલી મહેનતમાં તેઓ માંડ-માંડ પોતાનું પેટિયું રળે છે, તો પછી તેમનાં બાળકોનો ઉછેર ક્યાંથી કરે? એટલેજ તો પોતાના વહાલસોયાંને ભગવાનનાં ભરોસે ક્યાંય દૂર કામ પર મોકલી આપે છે અને આપણા દેશમાં બાળમજૂરો ની સંખ્યા વધે છે. કુદરતની કૃપા નાં આશરે કેટલાય બાળકો એકલા અટુલા અનાથ રહે છે. આ પરિસ્થિતિનો ઉકેલ શું હોય શકે? આવા કેટલાય વિચારોની શૃંખલા આકાંક્ષા નાં મન અને હ્રદયમાં સર્જાતી હતી.
આકાંક્ષાએ ઘરે આવીને તેના માતા-પિતા સાથે આ ઘટના વિશે અને તેના વિચારો વિશે ચર્ચા કરી. કિશોરચંદ્રએ આકાંક્ષાને સમજાવતાં કહ્યું કે બેટા! સૌને પોતાના કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. સુમિત્રાદેવીએ પણ તે વાતની સાથે સૂર મિલાવતા કહ્યું કે બેટા તું નાની હતી ત્યારે પણ મને આ પ્રશ્નો કરતી ત્યારે તને હું સમજાવતી કે ભગવાન સૌનું ધ્યાન રાખે છે અને આજે પણ એ જ કહું છું કે ભગવાન આવા દુ:ખી લોકોની કર્મ અનુસાર કસોટી જરૂર કરે છે, સાથે-સાથે તેમની સંભાળ પણ રાખે છે. માટે તું ચિંતા નાં કરીશ. આકાંક્ષાએ કહ્યું કે આ વાત સાચી પણ આપણા કર્મ અને ફરજ શું? આપણી ફરજ છે કે આવા દરિદ્રની આપણે સેવા અને મદદ કરીએ. માતા-પિતાને આકાંક્ષાની વાત સાચી લાગી અને કહ્યું કે અત્યારે તું આરામ કર. આપણે જરૂર તેમની નાની-મોટી મદદ કરીશું.
ઘરેથી બીજા દિવસે સવારે આકાંક્ષા બાળકો માટે નાસ્તો લઈ ગઈ અને તે જ સિગ્નલ પર બાળકોની રાહ જોતી હતી. ત્યાંથી થોડે દૂર બાળકો અલગ-અલગ જગ્યાએ આવતાં-જતાં વટેમાર્ગુ પાસે થી કઈ ને કઈ માંગી રહ્યા હતા. તેમાથી એક બાળક નું ધ્યાન આકાંક્ષા તરફ ગયું અને તે તરત જ પાસે આવીને ઉભો રહી ગયો. આકાંક્ષા એ તેનું નામ પૂછ્યું સાથે તેની બધી માહિતી જાણી. ધીમે-ધીમે બધા બાળકો આકાંક્ષા પાસે આવી ગયા કારણકે ગઈ કાલે તેમને આકાંક્ષા પાસેથી સરસ જમવાનું મળયું હતું. આકાંક્ષાએ બધા બાળકોના નામ પૂછ્યા અને તેમની સાથે થોડી વાતચીત કરી. વાતચીતમાં તેને જાણવા મળ્યું કે આ બાળકો અનાથ નથી પણ અહી પાસેની જુપડપટ્ટીમાં રહે છે. તેમનાં માતા-પિતા નાની-મોટી મજૂરી કરે છે. આ બાળકોને અલગ-અલગ વિસ્તારમાં જઈને નાની-મોટી વસ્તુઓ જેવી કે ફુગ્ગાઓ, રમકડાંઓ વેચવા તેમજ આવતા-જતાં લોકો પાસેથી માંગીને જે મળે તે લેવું તે તેમની દૈનિકક્રિયા. આકાંક્ષા દિવસમાં એકાદ વખત બાળકોને મળતી અને તેમના માટે કઈ ને કઈ લઈ જતી.
એક દિવસ આકાંક્ષા ઘરે કઈ વાંચતી હતી ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે સૌથી મોટું દાન વિદ્યાદાન છે. તેને થયું કે આ વિચાર મને પહેલા કેમ ના આવ્યો? વધારે વિચાર કર્યા વગર તે તરત જ જુપડપટ્ટી પર પહોંચી. આવી કોઈ જગ્યાએ તે પહેલી વખત જઈ રહી હતી. તેને જોયું કે લોકો કેવી હાલતમાં તેમની જિંદગી જીવે છે. તેની દ્રષ્ટિ આમતેમ બધુ નિહાળતી હતી, મનમાં તે વિશેના વિચારો આવતા હતા અને મગજ પેલા બાળકોને શોધી રહ્યું હતું. એવામાં તેનું ધ્યાન તેને દરરોજ મળતી નાની છોકરી લક્ષ્મી તરફ ગયું. લક્ષ્મી પણ તરત જ દોડીને આકાંક્ષા પાસે આવી ગઈ. લક્ષ્મી તેની માતા જોડે હતી. મમ્મી! આ તે દીદી છે. લક્ષ્મીએ કહ્યું. લક્ષ્મી ની માતાએ કહ્યું, બેન! તમારો ખૂબખૂબ આભાર. આ દુનિયામાં સૌ અમને તિરસ્કાર ની નજરે જુએ છે જ્યારે તમે અમારા બાળકોનું ધ્યાન રાખી રહ્યા છો. આકાંક્ષાએ તેમની વાત વાળતા કહ્યું કે, તેમાં આભાર શાનો? એ બધી વાત રહેવા દો. મારે અહી આસપાસનાં બધા બાળકો અને તેમનાં માતા-પિતા ને મળવું છે. હું તેમને ભણાવવા માંગુ છું. તેમનાં ભવિષ્ય ઘડતરમાં મારો ફાળો આપવા માંગુ છું. લક્ષ્મી થોડી વારમાં બધા બાળકો અને તેમની જોડે જે કોઈ પણ હતું તેમને બોલાવતી લાવી. બધાં ભેગા થયા ત્યારે આકાંક્ષાએ કહ્યું તમારી દરરોજની સમસ્યા હું સમજી શકું છું તેથી મારાથી શક્ય તમામ મદદ કરવા હું તૈયાર છું. ભણતરથી વ્યક્તિત્વનો વિકાસ થાય છે. કદાચ અત્યારે નહીં તો ભવિષ્યમાં તમારી સમસ્યાઓમાં થોડા અંશે સુધારો આવશે. સાદી ભાષામાં કહું તો તમે જેમ મહામહેનતે જિંદગી જીવી રહ્યા છો તેવું તેમની જોડે નહીં થાય. તેઓ ખોટા રસ્તે જતાં અટકશે, સાચા-ખોટાની સમજ આવશે. બધાની જેમ તેઓ પણ સમાન હકનાં નાગરિક બની શકશે. બધાને આકાંક્ષાની વાત ગમી અને સાંજનાં બે કલાકનો સમય બાળકોનાં ભણતર અને ગણતર માટે નક્કી થયો.
આકાંક્ષા તેનાં નિત્યક્રમ મુજબ સવારથી સાંજ ઓફિસ અને સાંજ નાં બે કલાક નો સમય બાળકોને આપી રહી હતી. ક્યારેક અમુક છોકરાઓની માતા પણ કઈક શિખવાના આશયથી બાળકોની જોડે બેસતી. આકાંક્ષા તેમને પણ વાંચતા-લખતા શિખવતી. નવા શૌક્ષણિક વર્ષથી બાળકોને શાળામાં એડમિશન અપાવવાનું આકાંક્ષા વિચારી રહી હતી. તેની પાસે ભણતા તમામ ત્રિસેક જેટલા બાળકોને શાળામાં એડમિશન અપાવવાની તૈયારી કરવા લાગી.
જોત-જોતામાં ઓફિસમાં પણ એક વર્ષનો સમય પસાર થઈ ગયો. આકાંક્ષાની મહેનત અને આવડતથી કંપનીએ પ્રમોશન આપવાનું નક્કી કર્યું. આકાંક્ષાને વિદેશમાં બે વર્ષના કરારથી નોકરી માટે ઉચ્ચત્તમ વળતર સાથેનો પ્રસ્તાવ મળ્યો. કિશોરચંદ્ર અને સુમિત્રાદેવી ખુશીથી હરખાય ગયા. કિશોરચંદ્રએ સુમિત્રાદેવી ને કહ્યું તને યાદ છે, ઘણા સમયની રાહ જોયા પછી આપણાં ઘરે ઢીંગલીનો જન્મ થવાનો હતો ત્યારે તેના જન્મ પહેલા સૌ કોઈ આપણને દિકરો આવે એવી શુભેચ્છાઓ આપતા હતા. અત્યારે હું ગર્વથી કહી શકુ કે મારી દિકરી એ મારૂ સ્વાભિમાન છે. શા માટે લોકો દિકરા-દિકરીમાં આટલો ભેદભાવ રાખે છે? સુમિત્રાદેવીએ કહ્યું હા, આપણી દિકરીને દુ:ખીજનોનાં આશિર્વાદ ફળ્યા છે. હવે બે વર્ષ પછી આપણી આકાંક્ષાને સમજનાર કોઈ સારો છોકરો અને સારું ઘર-પરિવાર મળી જાય અને આપણી ઢીંગલીનું જીવન હમેંશા ખુશીઓથી છલકાતું રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના.........
એક દિવસ સવારે આકાંક્ષા ઓફિસે જવા નીકળતી હતી ત્યારે કિશોરચંદ્રએ કહ્યું, બેટા! તું ઓફિસમાંથી થોડા દિવસોની રજા લઈ લે. તારા વિદેશ જવા પહેલા આપણે થોડો સમય સાથે વિતાવીએ. આકાંક્ષએ કહ્યું હા, પપ્પા મારે પણ થોડા દિવસો તમારા અને મમ્મીનાં વ્હાલ ની મજા લેવી છે. પછી ત્યાં તો મારૂ કોણ ધ્યાન રાખવાનું છે? પણ પપ્પા આપણે વિડિયોકોલિંગ થી દરરોજ મળીશું. આકાંક્ષા ખુબ જ ખુશ હતી કેમકે તેની કાબિલિયતની કદરની સાથે સન્માન મળ્યું હતું અને તેને નવા શૈક્ષણિક વર્ષ માટે બધા બાળકોની એડ્મિશન પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી જેથી બધા બાળકો હવેથી શાળાએ ભણવા જઈ શકશે.
આ સમયગાળા દરમ્યાન ખૂબ જ ઠંડી પડી રહી હતી.આકાંક્ષા હજુ પણ તેના માતા-પિતા પાસે ઢીંગલીની જેમ લાડ કરતી હતી. સાંજની હળવાશની પળોમાં આકાંક્ષા તેના માતા-પિતા સાથે વાતો કરી રહી હતી. આકાંક્ષાએ તેની મમ્મીને કહ્યું, મમ્મી મને ઠંડી લાગે છે મને કઈક ઓઢવા માટે આપને! સુમિત્રાદેવીએ ઊભા થઈને તેની ઢીંગલીને પ્રેમથી ઓઢાડતા કહ્યું, બેટા વિદેશમાં તો ખૂબ જ ઠંડુ વાતાવરણ હોય છે તો આપણે તારા માટે ગરમ કપડાં ની ખરીદી કરતા આવીએ અને ઘણા સમયથી તે તારા માટે કઈ જ લીધું નથી તો આપણે કાલે શોપિંગ માટે જઈએ. આકાંક્ષાએ પણ ઉત્સાહમાં જવાબ આપ્યો હા, મમ્મી નવી જગ્યાએ જવા માટે બધુ નવું-નવું જ લેવાનું હોયને! અને આમ પણ હું ઘણા સમયથી બાળકોને મળી નથી. બાળકો અને તેના પરિવાર માટે પણ મારે ખરીદી કરવી છે અને તેમને મારી વિદેશની નોકરી વિશે પણ જણાવી દઉંને.
બાળકો માટે ખરીદેલી તમામ વસ્તુઓ લઈને ઉત્સાહ અને ઉમંગથી બધાને મળવા માટે ગઈ. ત્યાં પહોચતાં જ આકાંક્ષા નું ધ્યાન લક્ષ્મીના ઘર તરફ ગયું. તે લક્ષ્મી નાં ઘર તરફ આગળ વધી તો તેને કોઈના રડવાનો અવાજ સંભળાતો હતો. તે અશાંત મન સાથે લક્ષ્મીના ઘર નાં આંગણે આવીને ઊભી કે તરત જ લક્ષ્મીની માતાની નજર આકાંક્ષા પર ગઈ. તે આકાંક્ષા તરફ દોડતી આવીને તેને પકડીને જોર-જોરથી રડવા લાગી. આકાંક્ષાને કઈ સમજાતું ન હતું કે શું કહેવું અને શું કરવું. લક્ષ્મીની માતા રડતાં-રડતાં બોલી કે મારી લક્ષ્મી હવે ભણવા નહીં જઈ શકે. ભગવાને લક્ષ્મીને તેની પાસે બોલાવી લીધી છે. આ સાંભળીને આકાંક્ષાના પગની નીચેથી જાણે જમીન સરકી ગઈ ને તે ત્યાં જ ઢળી પડી. આકાંક્ષાના હ્રદયમાં ઉંડેથી ખૂબ જ દુ:ખ થયું. આકાંક્ષાની નજર સામેથી નાનકડી લક્ષ્મીનું દ્રશ્ય દૂર થતું જ ન હતું. લક્ષ્મીની માતાએ કહ્યું કે શાળાએ ભણવા જવાની વાતથી લક્ષ્મી ખૂબ જ ખુશ હતી. પછી તેને અચાનક તાવ આવવા લાગ્યો. ડોક્ટરને બતાવ્યુ. દવા લીધી ત્યાં સુધી સારું રહ્યું. આ શિયાળાની મોસમ એટલે ઠંડીનું તો શું કહેવું? અમારા માટે તો આ કાતિલ ઠંડી સાબિત થઈ. અઠવાડીયા પછી લક્ષ્મીને તાવ સતત વધવા લાગ્યો અને લક્ષ્મી.......
આકાંક્ષાનું હ્રદય હચમચી ગયું. તેને થયું કે તે પોતાની ખુશી માં એટલી કેમ મગ્ન બની ગઈ કે તેને બાળકોનો વિચાર સુધ્ધા ન આવ્યો? તે પોતાને દોષી સમજવા લાગી. તેને કહ્યું, મને માફ કરજો. હું તમારું અને લક્ષ્મીનું ધ્યાન ન રાખી શકી. ભગવાને મને ઘણું આપ્યું છે. મારૂ કર્તવ્ય છે કે હું તમારી મદદ કરું પણ હું મારૂ કામ ન કરી શકી. લક્ષ્મીની માતાએ કહ્યું, બેન! તમે આમ ન કહો. તમે અમારું ઘણું ધ્યાન રાખ્યું છે. બાકી આ દુનિયામાં સૌ સ્વાર્થથી જ જીવે છે. જો કામ મળે તો દિવસ દરમ્યાન તનતોડ મહેનત કરીને આ કહેવા પૂરતી છતની નીચે જીવન વિતાવીએ છીએ. દોષ તો અમારા નસીબનો છે બેન! મારા અંતર ના આશિષ છે કે તમે જીવનમાં ખુબ જ આગળ વધો અને હમેંશા ખુશ રહો. ક્યારેક અમને મળતા રહેજો. મને તમારામાં મારી લક્ષ્મી દેખાય છે. લક્ષ્મી મને હમેંશા કહેતી કે હું મોટી થઈને દીદી જેવી બનીશ, પણ કુદરતને કઈક અલગ જ મંજૂર હતું. તમારામાં હું મારી મોટી લક્ષ્મીના દર્શન કરીશ. તમે મનમાં કોઈ પણ પ્રકારનો રંજ રાખતા નહીં.
આકાંક્ષાએ ઘરે આવીને માતા-પિતા ને સમગ્ર ઘટના વર્ણવતા કહ્યું કે હું મારા સફળતાના આનંદમાં એટલી ખોવાઈ ગઈ કે આટલા બધા દિવસો મને બાળકોની સ્થિતિ વિશે કોઈ વિચાર જ ન આવ્યો. ફક્ત શાળામાં એડ્મિશન અપાવીને મેં સંતોષ માની લીધો. સુમિત્રાદેવીએ કહ્યું, કુદરતના કાળચક્રનું વિધાતાના લેખ દ્વારા નિર્માણ થઈ ગયું હોય છે. જેનો જન્મ થાય છે ત્યારે તેના મૃત્યુનો સમય પણ નક્કી થઈ ગયો હોય. બેટા! તું તારી જાતને દોષિત ન માન. કિશોરચંદ્રએ પણ સાંત્વના આપતા કહ્યું કે, તું તારાથી શક્ય તમામ સેવા કરતી હતી તો પછી તારી જાતને દોષિત માની આટલી બધી વ્યથિત શા માટે થાય છે?
સમય પસાર થવા લાગ્યો પરંતુ આકાંક્ષાની ઉદાસી યથાવત રહી. તેના માતા-પિતા તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરતાં પણ તેના દિલ પરનો બોજ હળવો થતો ન હતો. એક દિવસ સવારમાં આકાંક્ષા તેની માતા જોડે મંદિરે ગઈ. ભગવાનના દર્શન કરીને મંદિરના પગથિયાં ઉતરતી વખતે તેના મનમાં એક વિચારની સ્ફુરણા થઈ. તેને થયું કે હું કોઈ એવી વ્યવસ્થા કરુ કે જેમાં બાળકો એક છત નીચે શાંતિથી રહી શકે, ભણી શકે, તેમનું પોષણ, તંદુરસ્તી અને સ્વાસ્થય જળવાઈ રહે. જેથી કરીને લક્ષ્મી જેવા બાળકો નું વર્તમાન અને ભવિષ્ય સુરક્ષિત થાય. તેને વિચાર પર મનોમંથન કરીને મક્કમ નિર્ણય કર્યો કે તે બાળકો માટે પોતાની વિદેશની નોકરી છોડી દેશે અને જે કરવું પડે તે કરવાની તૈયારી રાખશે. તેને માતા-પિતાને તેના નિર્ણય વિશે જણાવ્યું. આ વાત સાંભળીને સુમિત્રાદેવી એ કહ્યું કે બેટા લાગણીવશ થઈને લીધેલા નિર્ણયથી ભવિષ્યમાં પસ્તાવો ના થાય તેનું ધ્યાન રાખજે. તારી સામે હજુ આખી જિંદગી છે. કિશોરચંદ્ર એ પણ સલાહ આપતા કહ્યું કે, તું જે સફળતાને ઠોકર મારી રહી છે લોકો તેને મેળવવા માટે તરસતા હોય છે. આ નિર્ણયથી તારું ભવિષ્ય શું દીકરા! તારે ટૂંક સમયમાં પારકા ઘરે જવાનું છે. તું આવી રીતે હમેંશા સમાજના તરછોડાયેલા, નીચલાવર્ગનો જ વિચાર કરતી રહીશ તો તારો હાથ કોણ પકડશે? તારા વિચારોને કોણ સમજશે? આકાંક્ષાએ સ્વસ્થતાથી ઉત્તર આપતા કહ્યું કે, હું પણ આવા સ્વાર્થી લોકોને નથી સમજી શક્તી કે જે ફક્ત પોતાનું જીવન મોજ-શોખથી જીવવામાં માને છે. હું તેવા લોકોને ક્યારેય સ્વિકારી ન શકું. અને પપ્પા! રહી વાત મારા ભવિષ્યની તો જીવનનો સાચો આનંદ સંતોષમાં રહેલો છે નહિ કે સફળતાના માપદંડમાં. મારા દેશના લોકો અને તેમના બાળકો કેવી દયનીય હાલતમાં જીવન વેઠે છે, ત્યારે હું વિદેશમાં કેવી રીતે જઈ શકું? આ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરીને જે આનંદ મને મળશે તે મારી સફળતા કરતાં પણ અનેકગણો વધારે હશે. કિશોરચંદ્ર અને સુમિત્રાદેવી આકાંક્ષાની વાત સાથે સહમત ન હતા. કિશોરચંદ્રને ડર સમાજનો હતો. તે વિચારતા હતા કે આ સમાજ હજુ પણ દિકરા-દિકરીને સમાનતાની દ્રષ્ટિએ નથી જોતો. સ્ત્રીની જાતને પોતાના સપનાઓ પૂરા કરવા માટે સમાન અધિકારો નથી મળતા. આ એવો સમાજ છે જ્યાં સ્ત્રીએ પોતાના ઘર અને પરિવાર માટે સપનાનો ત્યાગ કરવો પડે છે. સ્ત્રીએ તેની અનિચ્છાએ પોતાની ઇચ્છાઓને મારી નાખવી પડે છે. એમાં મારી આકાંક્ષા ની મહત્વાકાંક્ષાને આ સમાજ ક્યારેય નહીં સ્વીકારે.
આકાંક્ષાએ તેની ઓફિસમાં વિદેશની નોકરી છોડવા અંગેનો પત્ર મોકલાવી દીધો હતો. તેના માતા-પિતાને હતુ કે સમય પસાર થતાં આકાંક્ષા બધુ ભૂલી જશે પરંતુ દિવસો વિતવાની સાથે આકાંક્ષા વધુ વ્યથિત થઈ ગઈ હતી. તેના ચહેરા પર હમેંશા રહેતું હાસ્ય ગાયબ થઈ ગયું હતું. કિશોરચંદ્ર આકાંક્ષાની આવી સ્થિતિ જોઈને અત્યંત દુ:ખી થતાં હતા. તે વિચારતા હતા કે હમેંશા ખુશ રહેતી અને બધાને ખુશ રાખતી મારી ઢીંગલીના જીવનમાં શા માટે ઉદાસી આવી ગઈ છે? ફક્ત સમાજના નીચલા અને તરછોડાયેલા લોકોની મદદ કરવાની જંખનાની અમારા તરફથી સહમતી ન મળવાના કારણે? આકાંક્ષાની અનુકંપા એવા લોકો પ્રત્યે છે જેઓ વિવિધ ક્ષેત્રો જેવા કે લોકોના ઘરકામમાં,બાંધકામ, ખેતમજુરી, મોટા લગ્ન સમારંભમાં થકવી દેનાર મહેનત અને બીજી કેટલીયે નાની-મોટી મજૂરી કરીને તનતોડ પરિશ્રમ કરે છે છતાં બે પાંદડે નથી થઈ શકતા. તેમના સંતાનોની તેવી સ્થિતિ ના થાય તેના માટે આકાંક્ષા પ્રયત્નો કરી રહી છે.
હું શા માટે ભૂલી જાઉં છું કે મારી ઢીંગલી નાનપણથી જ બધા કરતાં અલગ છે તો તેના વિચારો અને કામ પણ અલગ જ હોવાના. આકાંક્ષાને તેના મન અને અંતરઆત્માએ આ સાહસ કરવાની હિંમત આપી છે. તેની હિંમતથી સમાજની બીજી દિકરીઓ કે જેમને બધાથી કઈક અલગ કરવું છે તેમને પ્રેરણા મળશે. મારી આકાંક્ષા ની મહત્વાકાંક્ષા જરૂર પૂરી થશે. આ રીતે કિશોરચંદ્રના મગજમાં પ્રશ્નો અને જવાબ ના રૂપમાં વિચારોની હારમાળા સર્જાતી હતી. .
આકાંક્ષા શાંત ચિત્તે બેઠી હતી ત્યારે કિશોરચંદ્રએ તેની પાસે જઈને કહ્યું કે, તું તારો અંતરઆત્મા જે કહે તે પ્રમાણે કર. હું હમેંશા તારી સાથે છું. આપણી પાસે જમીન છે. તેના પર આપણે બાંધકામ કરાવીશું, મે મારા જીવનમાં બચાવેલી જમાપૂંજી, તારા લગ્ન માટે રાખેલી મૂડી- ઘરેણાં જે કઈ પણ છે તે આ કામમાં ઉપયોગ કરીશું. આકાંક્ષાએ કહ્યું તમે મારા માટે આખા જીવનની જમાપૂંજી દાવ પર લગાવવા તૈયાર થયા! કિશોરચંદ્રએ કહ્યું, તું એ બધુ ન વિચાર. તું જે કામ કરી રહી છે તે ફક્ત ભગવાનનાં ફરિશ્તા જ કરી શકે, એમાં મારી થોડી મદદ છે. આકાંક્ષાએ કહ્યું આ બધુ ભેગું કરીએ તો પણ આપણાં બાંધકામની શરૂઆત થશે પછી આગળનું શું? કિશોરચંદ્રએ કહ્યું આગળનું ભગવાન ધ્યાન રાખશે. ભગવાને તને આ કામ માટે મોકલેલી છે તો તે તને આગળના માર્ગની દિશા પણ દર્શાવશે.
આકાંક્ષા જુદા-જુદા પ્રોફેશનલ્સ જેવા કે કોન્ટ્રાકટર, કન્સ્ટ્રકશન એજન્સી, ઇજનેર, આર્કિટેકટ ને મળતી. તેના જ્ઞાનનો ખરો ઉપયોગ આ સમયમાં હતો. તે વિવિધ પ્લાન વ્યવસ્થિત સમજતી અને યોગ્ય ડીલ ફાઇનલ કરતી. કોઈને બાકીમાં કામ રાખવા સમજાવતી તો કોઈને ફરજિયાત રોકડ રકમ ચૂકવવી પડતી. તેને આગળના કામ માટે વધારે નાણાંની જરૂર હતી. તે જે પણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ઓળખતી તેની પાસે જતી અને તેની સંસ્થાને દાન આપવા માટે તેના આયોજન વિશે સમજાવતી. કોઈ તેને દાન માટે વાયદાઓ કરતાં તો કોઈ ફક્ત કહેવા ખાતરનું દાન આપતા. આકાંક્ષાને ત્યારે ખૂબ જ દુ:ખ થતું કે આ ફક્ત દેખાવના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. તેમના નાણાંનું દાન મારે નથી જોઈતું. તે દિવસ દરમ્યાન ઘણા લોકોને મળતી, પણ સામેથી જોઈએ તેવો પ્રતિસાદ ન મળતો. ક્યારેક તે એટલી હતાશ થઈ જતી અને વિચારતી કે હજુ તો આ શરૂઆત છે આગળ તો ઘણું કામ કરવાનું બાકી છે તે થશે કે કેમ? પછી તે પોતાની જાતને જ સમજાવતી કે થશે અને જરૂર થશે જ. મને અંદરથી વિશ્વાસ છે મારૂ સપનું જરૂર સાકાર થશે. અત્યારે ભગવાન મારી પરિક્ષા કરે છે. મારે હાર માન્યા વગર સતત પ્રયાસો ચાલુ રાખવાના છે. દિવસો વિતવાની સાથે બાંધકામનું કામ પણ આગળ વધતું જતું હતું. ત્યાં કામ કરતાં મજૂરોનું આકાંક્ષા વ્યક્તિગત ધ્યાન રાખતી. તેમના માટે દરરોજ પોતાના ઘરેથી જમવાનું લઈ આવતી. હવે આકાંક્ષાને આગળના કામ માટે નાણાંની અંત્યંત આવશ્યક્તા હતી. હવે તેનું કામ અટકી જાય તેમ હતું. અત્યાર સુધી કોઈ પણ રીતે આકાંક્ષાએ એકલા હાથે પાર પાડ્યું હતું. આકાંક્ષા તેમની ઓફિસના સહકર્મચારીઓ અને તેમના મિત્રોને મળી અને મદદ માંગી. ઓફિસના સહકર્મચારીઓએ આ વાત કંપનીના એમ.ડી. સુધી પહોંચાડી. એમ.ડી. આકાંક્ષાને સારી રીતે ઓળખતા હતા. તેને આકાંક્ષાને ઓફિસ મળવા માટે બોલાવી અને આકાંક્ષાની સંસ્થા માટે કંપનીના ફંડમાંથી દાનનો ચેક લખી આપ્યો. સંસ્થાનો પરિચય અને તેને દાન મળી રહે તે હેતુથી એક વિડિયો આકાંક્ષાએ ઇન્ટરનેટ પર અપલોડ કર્યો. આ વિડિયો લોકોના દિલને સ્પર્શી જાય તેવો હતો કારણકે આકાંક્ષા જે કઈ પણ બોલી તે પોતાના દિલનો અને અંતરઆત્માનો અવાજ હતો. ઘણા લોકોએ તેનો વિડિયો જોયો. કેટલાક લોકોએ આકાંક્ષાની સંસ્થાને દાન આપ્યું તો કેટલાક લોકોએ પોતાની સેવા આપવા જણાવ્યુ. હવે આકાંક્ષાની તમામ સમસ્યાઓ ધીમે-ધીમે હલ થતી જતી હતી. સંસ્થાનું બાંધકામ પૂર્ણ થવાને આરે હતું. સંસ્થામાં સેવા આપવા ઇચ્છતા લોકોની આવડત અને ક્ષમતા પ્રમાણે આકાંક્ષાએ સારી રીતે તેમના કામની ગોઠવણ કરી. તેને મળેલા દાન નો તેને પહેલેથી હિસાબ રાખ્યો હતો. તેને ખુબ જ સાવધાનીપૂર્વક દાન ની રકમ નો ઉપયોગ કર્યો હતો. એક પણ રૂપિયાનો વ્યય થવા દીધો ના હતો. કોની પાસેથી કેટલું દાન મળ્યું અને ક્યાં તેનો ઉપયોગ કર્યો તેનો બધો હિસાબ આકાંક્ષા પાસે હતો.
સંસ્થાનું બાંધકામ પૂરું થઈ ચૂક્યું હતું. તેમાં બાળકો માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. આકાંક્ષા અત્યંત ખુશ હતી. તેને ભગવાનનો, તેના માતા-પિતાનો, તેને મદદ કરનાર તમામ લોકોનો, સંસ્થા માટે દાન આપનાર, સેવા કરનાર તમામ લોકોનો ખરા દિલથી આભાર માન્યો. આકાંક્ષાએ આ સંસ્થાનું નામ લક્ષ્મી ટ્રસ્ટ રાખ્યું.
શહેરમાં રહેતા અનાથ બાળકો કે જેમનું ઘર ફુટપાથ છે, એવા બાળકો જેમના માતા-પિતા તેમનું ભરણ પોષણ નથી કરી શકતા, એવા બાળકો જેઓ શાળાએ ભણવા નથી જઈ શકતા, જેમનું બાળપણ તેમની મજબૂરી છિનવી રહી છે. તેવા તમામ બાળકોને આકાંક્ષાના લક્ષ્મી ટ્રસ્ટમાં પ્રવેશ મળ્યો. આકાંક્ષા ની મહત્વાકાંક્ષાથી હજારો બાળકોનું વર્તમાન અને ભવિષ્ય સુધરી ગયું.

બીજા રસપ્રદ વિકલ્પો