અહી જે વાતો કરી રહ્યો છું એ બધું સાંભળેલું, વાંચેલું, અનુભવેલું અને જોયેલું છે કેવાયને કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવેલું છે. મેટ્રિક સુધીનો અભ્યાસ ગામડાં માં જ કરેલો હોવાથી અને જન્મ ભૂમિ પણ ગામડું જ હોવાથી જે કંઈ પણ મારી સામે આવ્યું છે એ અહીંયા પ્રસ્તુત કરું છું. અતીતમાં રહેતા ગામડાના લોકો પાસે કેટલા કુદરતી સંસાધનો હતા અને કેવી રીતે એનો ઉપયોગ થતો. હાલમાં લોકો કેવી રીતે એનો ઉપયોગ કરે છે અને ભવિષ્યમાં કેવી રીતે ઉપયોગ કરશે અથવા તો કરવાની ફરજ પડશે. કેવી રીતે ગામડાં ના લોકો મહેનત કરતા, એકબીજાં સાથે વ્યવહાર કરતા, કેવી એની મધુર બોલી હતી, કેવું એ લોકોનું વર્તન હતું, એનો નિર્દોષ સ્વભાવ, એ બધું જ કે જે અત્યારે આપણે વિતેલા કાળ ના વ્યક્તિઓ સાથે સરખાવી શકીએ, એવું બધું જ કે જે આપણે અનુભવોથી શીખવાનું છે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે. કેટલીક કલ્પનાઓ એના વિશે પણ વર્ણન કરે છે કે ભૂતકાળ માં આવું ગામ હોત તો આમ થાય. ભવિષ્યમાં આમ હોવું જોઈએ. અત્યારે આમ ના ચાલે.
તો ચાલો... અતીત નો પડદો ઉઠાવીને ડોકિયું કરીએ કે ભૂતકાળ માં ગામડું કેવું હોય અને જો આમ નહિ પણ તેમ હોય તો કેવું લાગે...
અતીતનો આડંબર..!
અત્યારના બાળકોને કહીએ કે "પેલાના જમાનામાં વડલા ના ઝાડ ઉપર ભૂત પ્રેત રહેતા હતા !" તો... શું થાય..? બાળક માને આપણું..? એ વાત જવા દો. આપણે એમ કહીએ કે પેલાના જમાનામાં ગામડામાં મોટા મોટા ઝાડ હતા. એ વાત કદાચ માની પણ લે. હું પણ આ વાત સાથે સહમત છું કે પેલાના જમાનામાં એટલેકે ભૂતકાળમાં ગામડામાં મોટા મોટા ઝાડ હતા. આ વાત એકદમ સાચી છે. હજુયે જંગલ વિસ્તારમાં બહુ મોટા ઝાડ આવેલા જ છે. પણ આપણી નજર નથી એના ઉપર, નહીતો ક્યારના એ પણ કપાઈને ઠુંઠું બની ગયા હોય. ગામડામાં આવેલા એ મોટા મોટા ઝાડ માં મુખ્યત્વે વડલો, પીપળો, લીમડો હતા. વડીલો પાસેથી સાંભળેલી વાતો પરથી એ ખબર પડતી કે એમના કાળ માં બહુ જ મોટા વડના ઝાડ હતા જેની પાસેથી રાત્રે પસાર થવું એ ખૂબ જ ભયાનક લાગતું. એ મોટા ઝાડ ઉપર ભાત ભાતના પક્ષીઓ આવીને રાત્રી વિરામ કરતા. કેટલાયે પક્ષીઓના માળા એ ઘેઘૂર વડમાં હંમેશા રહેતા. એટલે જ જ્યારે રાત્રે ત્યાંથી પસાર થતી વખતે ઘુવડ નો અવાજ સંભળાય એટલે મોઢા ઉપર પરસેવો વળી જતો એટલી બીક લાગતી. બીકના માર્યા કેટલાયે લોકો રઘવાયા થઈને પાછા ફરતા અને કહેતા કે ત્યાં ઉપર ભૂત રહે છે. કોઈએ ત્યાં જવું નહિ. અત્યારે તો ગામડામાં પણ કેવા પૂરતા જ ઝાડ રહ્યા છે. કોઈ આપણને આવી વાતો કરે તો આપને તેને હસી કાઢીએ છીએ. આપણો ભારત દેશ કૃષિપ્રધાન છે અને અહીંયા ગામડાઓની સંખ્યા શહેરો કરતાં વધારે છે. તેથી જૂના કાળમાં ગામડાઓ જ દેશની અર્થવ્યવસ્થા હતા. બધાનું ભરણ પોષણ ગામડાઓ થકી જ થતું હતું. એક મહાન રાજા થી લઈને એક નાના એવા મજદૂર ની ભૂખ ગામડાઓમાં પાકેલા અનાજ થી જ તૃપ્ત થતી હતી. પુરાતન કાળથી જ ગામડાઓ માં ચાલ્યા આવતા ગૃહઉદ્યોગ લોકોને રોજી રોટી પૂરી પાડે છે. ગામડાઓ જ લોકોને સાચવતા આવ્યા છે : રહેઠાણ પૂરું પાડીને , ખાવાનું આપીને અને કપડાં આપીને. આનાથી વિશેષ માણસ ને ઈચ્છા પણ નહોતી. એ તો હવે લોકો શહેર તરફ ભાગ્યા છે, ખબર નહિ કેમ પણ એ લોકોને ને ગામડાંમાં મળતી કુદરતી સુવિધાઓ કેમ નહિ ગમતી હોય..? ગામડાનું સુંદર આકાશ, લોકોના નાના નાના મકાન, કુદરતી પહાડો, તેની બાજુમાં વહેતી નદી, નજીકમાં આવેલું લીલું વૃક્ષનું જંગલ, એ સુંદર મજાના ખેતરો, એમાં લહેરાતો પાક વગેરે વગેરે ખુબજ આનંદદાયી વસ્તુ ને મૂકીને જવાનો જીવ કેમ ચાલ્યો હશે.
હાલના ગામડા...
અત્યારે પણ ગામડાઓ સુખ થી ભરપૂર છે ભલે સમૃધ્ધિ એના નસીબ માં નથી..! કેમ કે જૂના કાળમાં ખેતીવાડી એક અર્થવ્યવસ્થા સમાન હતી જે હાલમાં માત્ર અનાજ ઉગાડવાનું સાધન પૂરતી મર્યાદિત થઈ ગઈ છે. અત્યારે માત્ર ખેડૂત જ ગામડામાં રહેવાનું પસંદ કરે છે જ્યારે જૂના કાળમાં અઢારે વરણ ગામડામાં જ રહેતા હતા. પેલાના જમાનામાં ખાવા માટે નું અનાજ ખેતરોમાં ઊગડાતું અને બધા પોતપોતાના હાથથી મહેનત કરીને એને ઉણપીને, એને હાથઘંટી થી દળીને ખાવા લાયક સ્વાદિષ્ટ ભોજન માં પરિવર્તિત કરતા. અત્યારે માત્ર ઉગાડાય છે ગામડાઓમાં પણ તેની નિકાસ શહેરોમાં થાય છે અને તૈયાર લોટ પણ શહેરોમાં ખરીદી શકાય છે. તેથી ગામડામાંથી સસ્તો અનાજનો જથ્થો જાય છે અને ગામવાસીઓ હજી જાતમહેનત કરીને દળેલો રોટલો ખાય છે. તેથી એ સુખી તો છે પણ સમૃદ્ધ નથી. જૂના સમયમાં બૂટ ચંપલ બનાવનાર મોચી પણ ગામમાં જ રહેતા, હવે તો મોટી મોટી કંપનીઓ અથવા ઉદ્યોગો જ બૂટ ચંપલ બનાવે છે. ગામડામાં રહેતા અબોલ પશુઓના ચામડા છીનવી જાય છે અને મોંઘાદાટ પગરખાં મૂકી જાય છે. હજી પણ કેટલાક ગામડામાં મોચી રહે છે જે ટાંકા ટેભા કરીને પોતાનું જીવન ચલાવે છે. કપડાં બનાવનાર દરજી થી લઈને મકાન બનાવનાર કડીયો પણ ગામડામાં મળી જાતો. પણ આજે એ બધું ગામમાંથી ધીરે ધીરે લુપ્ત થતું જશે એવો ભય વ્યક્ત થાય છે. હજી પણ ગામડામાં મકાન બને છે પણ બધા ગામડાંના જૂના બાંધકામ ની તોલે તો આવે જ નહિ. જૂના જમાનાની વાવ અને આજના કૂવામાં જમીન આસમાનનો તફાવત છે. એવી જ રીતે જુનવાણી સીવણ કાર્ય કે ભરત કામ પણ આજના સમયથી ઘણું સારું હતું. શું આ બધું આપણે ભૂલતા ગયા છીએ કે પછી આપણે યાદ રાખવાનો પ્રયત્ન જ કરતા નથી કે પછી કોઈ કારણ છે આ બધું ભૂલી જવાનું..?! છતાં પણ ગામડાઓ ઉમદા છે કેમ કે હજીએ જ્યારે પણ દેશમાં કોઈ સંકટ તોળાય છે ત્યારે ગામડાઓમાં બધા ભાગે છે અને તેના થકી જ એ સંકટ સમેટાય છે.
ભવિષ્યનું ગામડું..!
"હજુયે કહું છુ સમજી જાજે, ગામડે પાછો વળી જાજે.
ગામડું રાખજે હરિયાળું ને લીલુંછમ..હે માણસ !
હું કહું છું કે હજી સમય છે તું સુધારી જાજે."
ઉપરના આ વાક્યો જાણે પ્રકૃતિ માણસોને કહેતી હોય એવું લાગે છે.
શું લાગે છે, ભાવિ ગામડું કેવું હોવું જોઈએ?
મારા માટે તો ગામ માં દરેક ઘર સૂર્ય ઊર્જા થી સંચાલિત હોવું જોઈએ. રાત્રે જોઈતી વીજળી પણ સૂર્ય ઉર્જા ના સંગ્રહ કરીને મેળવેલી હોવી જોઈએ. દરેક ઘરમાં ચોમાસાનું પાણી બચાવવા માટે ની ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ અને એ પાણીની સંગ્રહ કરવા માટે ટાંકા પણ હોવા જોઈએ જેથી આખુંય વર્ષ વરસાદ ના પાણીની ઉપયોગ ખાવાપીવામાં થઈ શકે. દરેક મકાન એવી રીતે તૈયાર થયેલું હોવું જોઈએ કે ચોમાસા દરમિયાન એને ભેજ ના લાગે, શિયાળામાં બહુ ઠંડી ના લાગે અને ઉનાળા માં ગરમી ઓછી થાય. જીવજંતુઓ પણ ઘરમાં પ્રવેશી શકે નહિ એવું ચણતર હોવું જોઈએ. આ બધા ઘરોમાં શાકભાજી માટેનો એક અલગ જ વિભાગ હોવો જોઈએ જેમાં આધુનિક તકનીક નો ઉપયોગ કરીને જુદા જુદા શાકભાજી અને ફળફળાદી ઉગાડી શકાય અને એ પણ જંતુનાશક, રોગનાશક કે કોઈ રાસાયણિક દવાઓ રહિત હોવું જોઈએ. દરેક ઘરમાં પાણી ની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ અને પાણી ક્યાંય પણ વેડફાય નહિ એની બધાએ તકેદારી રાખવી જોઈએ. કોઈ પણ યાંત્રિક સાધનો પેટ્રોલ, ડીઝલ કે વીજળી વિના ચલાવી શકે એવા સંશોધનો થવા જોઈએ અને તેનો ઉપયોગ કરવા માટે માણસ ને તેના હાથ પગ ની જ જરૂર પડે એવી રીતે બધા સાધનો ને તૈયાર કરવા જોઈએ. જેથી કસરત કરવામાં બહુ સમય ના વેડફાય અને શરીર નો આકાર પણ જળવાઈ રહે. જેમકે પાણી ખેચવા માટે વિદ્યુત પંપ ને બદલે હેન્ડપંપ નો ઉપયોગ કરવો જોઈએ. બધાજ ખેતરોમાં કુદરતી રીતે પાક નો ઉછેર કરવો જોઈએ. અમુક ટેકનિક (હાઈડ્રોપોનીકસ, સ્પ્રિંકલર સીસ્ટમ, ટપક પદ્ધતિ) નો ઉપયોગ કરવો જોઈએ અને હંમેશા બધાએ વિકાસશીલ અને કંઇક નવું કરવાની ભાવનાથી ખેતી કરવી જોઈએ. એકનીએક રીતે કંટાળો ના આવે..!?
ભૂતકાળમાં થયેલી ભૂલોને એ હંમેશા સુધારશે જ.
દિવસની શરૂઆત ને ગુલાબી સવાર બનાવશે જ.
પંખીઓનો મીઠો કલરવ રોજ સવારે સંભળાવશે જ.
ઘમ્મર વલોણું વિસરાયું, જેને ઘરે ઘરે લાવશે જ.
બપોરના તાપની અગનને ઝાડના છાંયડે બુઝાવશે જ.
ઢળતી એ મીઠી સાંજે નગરા અને ઝાલર વગડાવશે જ.
ભવિષ્યનું ગામડું પણ બધાને હંમેશા કંઇક તો આપશે જ.
જો જો ને ગામડાનો જમાનો પણ એક દિવસ આવશે જ.
સમાપ્ત.