( લેખકનું નિવેદનઃ- પદ્યમાલા- ભાગ- 1 માં મેં સૌગાદ, માણસ, મારી ગુજરાત ગરવી ગરવી રે, ગુલાબી શીતળતા, વસંતના વધામણાં, વગેરે મારી સ્વરચિત અને મૌલિક રચનાઓ લખી છે. હવે પદ્યમાલા-ભાગ-2 માં હું બીજા પાંચ કાવ્યોનો સંગ્રહ આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું. આશા છે કે વાંચનાર મિત્રોને ગમશે. આ પણ મારી મૌલિક રચનાઓ છે. હું ઘણાં સામયિકોમાં પણ લખું છું. લખવાની યાત્રા મારી 13 વર્ષથી ચાલું છે. આ બુક વાંચી આપનો કિંમતી અભિપ્રાય આપશો. આપનાં અમૂલ્ય સૂચનો પણ સાદર સ્વીકાર્ય છે. લી. ડો. ભટ્ટ દમયંતી.)
(1) વિશ્વ મિત્ર- (સૂર્ય )
મારી યુગોની અવકાશ યાત્રા,
જાણે છે વિશ્વ હું છું મિત્ર.
મારા નામો વેદો વખાણે,
ગાથા ગાએ કવિ પુરાણો.
નહીં દુનિયામાં મુજ સમ,
અન્ય કોઈ લોકસેવક,
મુજ સરીખો મૂકસેવક.
હું અદિતિનો પુત્ર આદિત્ય,
જાળવું રાત-દિવસનું સાતત્ય.
ધરતી, આકાશ, સમંદર સારા,
રોશન કરું પ્રકાશથી મારા.
શક્તિનો અખંડ અવતાર,
ટેકનોલોજીમાં અખૂટ ભંડાર.
મારો અગ્નિ પ્રાણાગ્નિ,
મારો પ્રકાશ પોષણ.
જો હું આંખ લાલ કરું ,
તો દરિયો કરું શોષણ.
રીઝું ત્યારે ધરતી પર,
વરસાવું મોતીધારા.
હું નભમંડળનો તેજસ્વી તારો,
-ગીતા- વિશ્વને લાગુ પ્યારો.
(2) મન કૃષ્ણ કૃષ્ણ હો.....
માર્ગ ભલે કંટકમય હો,
જીવન સુવાસિત હો.
મળે નહીં ઘેર બેઠા ગંગા,
હિમાલય જવું પડે.
પામવા સિધ્ધિનું શિખર,
પ્રયત્નો અવિરત કરવા પડે.
પ્રયત્નો ભલે નિષ્ફળ હો,
જીવન સફળ હો.
્દેવ શિરે ચઢતાં પહેલાં,
ફૂલોને પણ કંટકોથી વિંધાવું પડે.
મુગટમાં બિરાજવા મોતીને,
ઘાવ હથોડાના સહેવા પડે.
ઘાવ ભલે સહના હો,
જીવન બને ગહના હો.
પામવા ગીતાકારને,
આયખું ઓછું પડે.
લક્ષ પ્રાપ્તિ અર્થે,
ધૈર્ય ધારણ કરવું પડે.
તન ભલે માનુષ હો -ગીતા-
મન કૃષ્ણ કૃષ્ણ હો....
(3) સુખની શોધ,,,
સુખ ક્યાં ક્યાં છે ?
મહેલોની રત્ન જડીત અટારીમાં ?
કે સોનાની કટારીમાં ?
ઓઈલ પેઈન્ટ દિવાલોમાં ?
કે નકશીદાર ઝૂમ્મરોમાં ?
ચાંદીની તિજોરીમાં કેદ છે ?
કે પ્લેટીનમનાં દાગીનામાં ?
સોનાના હીંડોળામાં ?
કે ડનલપનાં ગાદલામાં ?
આલાગ્રાન કારમાં ?
કે બેંક લોકરમાં ?
સુખને બાંધી શકવાની,
છે તાકાત કોઈનામાં ?
તે તો વસે છે,
આઝાદ પંખીની આંખમાં,
નીલગગનની પાંખમાં.
સાગરની લહેરોમાં,
પર્વતની કોતરોમાં,
મુકત વાતા પવનોમાં.
વૃક્ષોની ઠંડી છાંવમાં,
ગાતી નદીનાં તટમાં.
કોયલનાં બે ઘડી ટહૂકારમાં,
જીવનનું મહાન સુખ સમાયેલું છે,
સંતોષ રૂપી ધનમાં,
મનનાં અગાધ સમંદરમાં,
શાંતિ અને પ્રસન્નતાની પળોમાં.
- ગીતાને -ગીતાની રાહમાં,
સુખની એક ઝલક મળી છે....
(4) સાબરમતી
દધીચીએ આપ્યાં હાડનાં દાન,
બન્યું ઈન્દ્રનું વજ્ર હથિયાર,
તે છે યજ્ઞનું સફળ અભિયાન,
તેની સાક્ષી પૂરે છે સાબરમતી.
એક સૂકલકડી શરીર,
લાકડી લઈ નીકળ્યો ફકીર,
આપવા આઝાદીનું વરદાન,
તેની સાક્ષી પૂરે છે સાબરમતી.
સત્ય, અહિંસાના શસ્ત્રો ધરી,
મૂઠ્ઠીભર માનવીનાં સંગે મળી,
અંગ્રેજ સલ્તનતને હટાવી,
તેની સાક્ષી પૂરે છે સાબરમતી.
ઈતિહાસથી પુરાણ સુધી,
પુરાણથી આઝાદી સુધી,
દાનવથી દેવ સુધી,-ગીતા-
અહમદશાહથી ગાંધી સુધી,
ની યાત્રાની સાક્ષી છે સાબરમતી.
( 5 ) માતૃભાષા,,,,,,,,,,,,,,,,,,( 21 , ફેબ્રુઆરી,2020,,,, માતૃભાષા દિવસ,,,)
મીઠી, મધુર માતૃભાષા,
માતા, માતૃભૂમિની પરિભાષા,
મધુર લય, મીઠાં લહેકાવાળી,
કોયલનાં કૂક સમી ભાષા ગુજરાતી,
માયા, મમતાથી નીતરતી,
મીઠો આવકાર, મળે જ્યાં સત્કાર,
સ્નેહ,આદરમાં ભીંજવતી,ભાષા ગુજરાતી.
શુધ્ધ સ્વરૂપમાં, શુધ્ધ રણકાર,
શબ્દોમાં સમૃધ્ધ, વૈભવમાં પૂર્ણ,
અલંકારોથી શોભતી ભાષા ગુજરાતી.
દાદીની વારતા,ભાભો ઢોર ચારતા,
નાં સંસ્મરણોમાં સરકતી ભાષા ગુજરાતી.
માટીની ખૂશ્બુ, વતનની મહેંકમાં,
-ગીતા-માણસાઈનો દીવો પ્રગટાવતી ભાષા ગુજરાતી.