" બાંધવ- બેનડી "
હા! આપણે માડીજાયા, આપણે બાન્ધવ-બેનડી
આપણે તો બાળગોષ્ઠિ વીરા, આપણે સખી-સાહેલડી
નાની-મોટી રમતા રમતો, પળમાં ઝગડા-ઝગડી પળમાં પાછું રીસાઈ જઈને, પળમાં હેતની હેલડી
કોણ જ વેળા કાળની કુદ્ષ્ટિ, વજા્ઘાત સમ પડી
ઝૂરતા મા-બાપ, ઝૂરતા હૈયા, ઝૂરતી ઝૂરે બેનડી
ઝુટવી લીધો માડીજાયો, માં બાપની ગઢપણ લાકડી
કેમ રે જાશે આ જન્મારો વીરા, કોની જોવી વાટડી
કોણ જ પાપે મધદરિયે ડૂબવા લાગી નાવડી
વ્હાલની વર્ષા ને વીર પસલી,છુટ્યા રક્ષા-રાખડી
કયાં ગયો વ્હાલો વીરલો મારો,ક્યાં ગઈ મીઠી વીરડી
પ્રભુ પાસે નિશદિન એક માત્ર યાચના કરતી બેનડી
વીરો મારો જ્યાં પણ હોય ત્યાં પામે હેતની હેલડી
વીર મારો સદા ખુશ રહેજો, માંગતી નિત્ય બેનડી
નાનો છતાં મોટો બનીને કાયમ રક્ષતો બેનડી ને
યાદ કરું ત્યાં વ્હારે આવતો, કરતો હજુયે ગોઠડી
સારાંનરસાનો બોધ આપતો ને કરતો ખુબ જ મોજડી
પાસે આવીને વિરાએ તો સંભાળી લીધા માબાપ બેનડી
છૂટયા પાર્થિવ દેહનાં બંધન માત્ર, નથી છુટી રાખડી
સાથ આપણો તો છે ભવભવનો, સુણ રે મારી બેનડી
બેની આપણે માડીજાયા, આપણે બાન્ધવ-બેનડી
હા! આપણે બાળગોષ્ઠિ વીરા, આપણે સખી-સાહેલડી
*************
" જન્મદાત્રી નું ઋણ. "
લાવવા મુજને આ સંસારમાં માવડી તે કષ્ટ વેઠ્યા અપાર
પ્રેમે કરીને તુજને ઓ માં શત શત વંદન કરું છું વારંવાર
પડતાં આખળતા વાગે મુજને, પણ પીડા તુજને થાય
મારી વ્હાલી માતા તારી આ લીલા તે કેવી કહેવાય??!!
માથે પ્રેમથી હાથ ફેરવે ને આપે એક મીઠું સ્મિત,
વ્હાલી વ્હાલી વાતો કરી ને ભુલાવી દે પડ્યાં ની વાત
જીવનપંથ માં આગળ વધવા આપે કેટકેટલી શિખામણો
સહેજ બહાર જાવ તેટલામાં કરતી કેટકેટલી ભલામણો
સ્નેહની સરવાણી માં તુ વ્હાલની મીઠી વીરડી
શ્રેષ્ઠ શિક્ષક માં, બેસ્ટ ગાઇડને મારી સખી સાહેલડી
છું હું તારી પ્રતિકૃતિ એવું સાંભળીને માં હર્ષ થાય અપાર
તારા વ્હાલના વર્ણન માટે તો અનેક ગ્રંથો ટૂંકા પડે સાર
ધન્ય અમે થયાં માથે તમ જેવાં માવતરનો હાથ
જન્મદાતા ઋણ તમારું કેમ કરી ભૂલાય??
આપ્યું જીવનઘડતર તમોએ, કર્યું સંસ્કારો નું સિંચન
શીખવાડીને જીવનમૂલ્યો મુજને આપ્યું ઉત્તમ જીવન
પ્રેમ તારો અખુટ અવિચળ માં એમાં ન આવે કદી ઓટ
સંસારના રચયિતા એ પણ જન્મવા માટે માગી માની કુખ
ધન્ય જનેતા જન્મદાત્રી, કેમ ગણું તારા ઉપકાર?!
પામી તુજને માડી થયો છે મુજને ઈશ્વરનો સાક્ષાત્કાર...
મારી વ્હાલી વ્હાલી માતાને સમર્પિત.....
**************
" કર્મ. "
બાળકની ખૂબીઓ ખામીઓ માતપિતાને સંબંધિત,
પ્રેમી યુગલ નું સર્વસ્વ એકબીજાને સંબંધિત,
લાલચીઓ નો લોભ મોહ સ્વાર્થ ને સંબંધિત,
પાપિઓની દુષ્ટતા દુરાચાર ને સંબંધિત,
જવાનોનો દેશપ્રેમ મા ભોમને સંબંધિત,
સાધકોની આસ્થા ભક્તિ પરમાત્માને સંબંધિત,
આ બધું જ યથાર્થ સાચું લાગે પણ છે ખોટું કારણ કે
ખરેખર તો માનવના પાપ પુણ્ય સઘળું માત્ર ને માત્ર "કર્મ" સંબંધિત
***************
શાનું અભિમાન???!!!
જ્યાં જુવો ત્યાં સૌ કોઈ ઝંખે છે બસ માન
કોઈનાથી સહન ન થાય સહેજ પણ અપમાન
કોઈ ને ધનનું અભિમાન, કોઈને દેહાભિમાન
કોઈને જ્ઞાનનું અભિમાન,કોઈને પદનું અભિમાન
મહાજ્ઞાની કે અતિપ્રતિષ્ઠ કોઈનું યે રહ્યું છે સદા અભિમાન??
કંસ હોય કે રાવણ તેના પતનનું કારણ અભિમાન
વારંવાર ઘવાતું રહે છે મજબુરનુ સ્વાભિમાન
શાને કાજે કરે છે સૌ આ બધાં મિથ્યાભિમાન??!!
*****************
" ભાઇલો મારો "
અણસમજુ હતી હું એ આવ્યો ત્યારે,તોયે છે મને યાદ
વ્હાલો મારો વીરલો લાખેણ, છે પ્રભુકૃપા નો પ્રસાદ
બેન, બેનડી,બેનકી કહેતો,કાયમ બોલાવે નવા નામે
ઝંખે છે સાંભળવા કાન મારા આજે, શોધું ક્યાં સરનામે??
નાના મોટા સાથે થયા અમો,રમી રમતો અનેક
પળવારમાં મોટો ઝઘડો થાય, પાછાં એકનાં એક
નાનો છતાં મોટો બનીને કાયમ મને સમજાવતો
અખુટ ખજાનો યાદોનો છે, ક્યારેય ન ખુટે વાતો
વીરો મારો સદા હસતો ને વ્હાલની મીઠી વીરડી
આંખોમાંથી એની અમી ઝરે ને વાતોમાં હેતની હેલડી
પપ્પાનો એ ભાઈબંધ ને માં નો તો જીવન આધાર
ખુબ ખીજવે મને, ખુબ મનાવે,બસ રીસાવાની વાર
સોનેરી ક્ષણો એ વીતી ગઈ ને રહી ગઈ છે યાદ
ભઈલો મારો ખુબ વ્હાલો લાગે, વ્હાલી એની વાત
ધન્ય બની હું પામી તુજને, માડી જાયા વીર
બેનીલાડકીને અંતરે છે એકમાત્ર એ આશ
ભાઈલો મારો સદા ખુશ રહે, પામે હેતનો વરસાદ
માંગુ હું બે હાથ જોડીને, તુજને જ ભવોભવ ભ્રાત
મારા વ્હાલસોયા વીર "દર્શિન" ને પ્રેમસભર...
****************
" પ્રેમ નો એકરાર "
મળવું છે તમને
આજ એ રીતે
કે ખુદને પણ હું વીસરી જાઉં
વાતો કરવી છે
તમારી સાથે આજ એટલી
કે દુઃખને હું વીસરી જાઉં
આંખોમાં ખોવાઈ જવું છે તમારી
આજ એ રીતે
કે આંસુઓને પણ હું વીસરી જાઉં
બંધાઈ જવું છે તમારી સાથે
અતુટ બંધન માં આજ એવી રીતે
કે આખી દુનિયાને હું વીસરી જાઉં
બસ મળવું છે તમને
આજ એ રીતે
કે ખુદને પણ હું વીસરી જાઉં
****************
" પ્રકૃતિ નો બોધપાઠ "
છે ચેહરા પર સ્મિત ને આંખોમાં આંસુ
સૌ જાણવા જિજ્ઞાસુ કે થઈ રહ્યું છે આ શું?
છે મુક્ત પશુ પક્ષીઓ ને પિંજરે પુરાણો માણસ
થઈ પ્રકૃતિ પ્રદૂષણમુક્ત ને છે ચિંતાગ્રસ્ત માનવી
સૌ જાણવા જિજ્ઞાસુ કે થઈ રહ્યું છે આ શું?
કોમ્પ્યુટર યુગમાં ચોફેર પ્રદૂષણ ફેલાવતા આપણે કુદરતના આ પાઠને યાદ રાખતા થાશું
સૌ જાણવા જિજ્ઞાસુ કે થઈ રહ્યું છે આ શું?
નાનકડા વાયરસથી કેટલો બેહાલ માનવી
આટલા માં એક વાત જો હવે સમજી જાશું
કે છે કુદરત આગળ કેટલો પાંગળો માનવી
પરિવાર સાથેનો સમય આ માણીને
કાયમના સંભારણાને વાગોળતાં થાશું
બોધપાઠ એટલો માનવી માટે આ પરથી
કે પ્રકૃતિ પર એકાધિકાર ન કરવો કદાપિ
એ છે સહિયારી નહીં તો આવું કેટલુંયે થાશે
જે હશે વણવિચાર્યું ને હશે સર્વમુખે શબ્દો એ જ કે
સૌ જાણવા જિજ્ઞાસુ કે થઈ રહ્યું છે આ શું?
********************
આપના કિંમતી પ્રતિભાવો જરૂરથી આપશો......