મોટાભાગે લોકો એમ કહેતા ફરતા હોય છે કે ના મને નથી ખબર કે પ્રેમની શું વ્યાખ્યા છે. અથવા કહે કે આ બહુ જ ગહન બાબત છે અને એ સમજની બહાર છે. તો ઘણાં વધુ ફિલસૂફીમાં ઘૂસીને આવું કહેતા હોય છે કે પ્રેમ એ કંઈ જ નહીં છતાં ઘણું બધું છે, પ્રેમ શાશ્વત છે, બે દિલોનું મિલન છે, નિષ્પેક્ષ લાગણી છે, વગેરે. પરંતુ આ બધાંની વચ્ચે એક સત્ય છુપાયેલું છે, ખબર છે? એ સત્ય એ છે કે સૌને પોતાની વ્યાખ્યા પર સંદેહ છે. ન તો બધાને ખબર છે, ન તો બધાએ અહેસાસ કરેલો કે ન તો બધાને સમજાયેલું પરંતુ જવાબમાં સૌ પ્રેમને શબ્દોમાં ગોઠવવાની અણઆવડતના કારણે ના કહી દે છે અથવા તો કંઈક ભળતું જ કહી દે છે. પરંતુ ક્યારેય કોઈ દિલમાં હોય છે એ પૂરેપૂરું બયાન નથી કરી શકતું. અને એટલે જ ખુદે બનાવેલી વ્યાખ્યા પર ખુદને જ શંકા થતી રહે છે.
અને આજે એટલે જ ચાલો ફોર અ ચેન્જ ન ગૂંચવાયેલા પ્રેમની વાત કરીએ. પામી લીધા પછી પણ જેને સમજવો કે શબ્દોમાં ઢાળવો અઘરો છે એવાં પ્રેમને બાજુએ મુકીને સચોટ પ્રેમની ચર્ચા કરીએ જેને સમજવો સહેલો છે પણ પામવો અઘરો. એ પ્રેમ જેમાં હકીકત ઓછી છે ને ઈમેજીનેશનના રંગો વધુ છે. કલ્પનાનો પ્રેમ. આદર્શ પ્રીત. એવો પ્રેમ જેની જાણે-અજાણે સૌને ઝંખના હોય છે પણ આદર્શ સંબંધની શરૂઆત કરવામાં પછીથી ગૂંચવાઈને પ્રેમમાં હોવા છતાં તેને અનુભવવાની હિંમત હોતી નથી.
સો, લેટ્સ ઈમેજીન એન આઈડીયલ લવ. બે વ્યક્તિ પ્રેમમાં હોય. અ બોય, અ ગર્લ. બંને એકમેકમાં ઓતપ્રોત હોય. આખો દિવસ એકમેકની સાથે ન હોવા છતાં પણ સાથે જ હોય. એક ને કંઈક થાય અને બીજાને ખબર પડી જાય એવી વર્ષો જુની ફિલ્મી કહાની નહીં પણ તેની અને વાસ્તવિકતાની વચ્ચે રહેલી એવી કહાની જેમાં એકને કંઈક થાય તો તરત બીજાને કહી દેવાનું મન થાય. દિવસભર કેટલીય વખત એકબીજાને ભેટી જવાનું મન થાય, એકબીજાને સ્પર્શવાનું મન થાય, કશું જ કહ્યા વિના એકબીજાની બસ સામે જોઈ રહેવાનું મન થાય. આવું વાસ્તવમાં પણ થાય છે પરંતુ ઓછું. એટલે જ આ વાસ્તવની કિનારીથી ખુબ જ ઉપર ઉઠી ગયેલો પ્રેમ છે. અમૃતા પ્રીતમ અને ઈમરોઝ ઘણી વખત આમ બેસતા. એમાં એમને કળા નજર આવતી હશે કદાચ. આવો સ્નેહ વિશેષ ઓછો અને કલામય વધુ કહેવાય.
'એ બંને બે નહીં પણ એક જીવ હતા.' એવા ઉદાહરણો ઘણી વખત સાંભળ્યા હશે ઘણા વિશે. પરંતુ ક્યારેય વિચાર્યું કે એમાં કેટલી કશીશ હશે. સાચે જ એમ જીવાતું હોય ત્યારે એમાં શું-શું થતું હશે એવો અંદાજ લગાવ્યો છે? એવો સંબંધ અને એવો પ્રેમ જેમાં એક છોકરો અને છોકરી લગભગ સરખા જેવા જ. બંનેના વિચારોમાં એટલું સામ્ય કે એક જેવા જ લાગે. નિર્ણયોમાં એટલું સામ્ય કે બીજાનો નિર્ણય પણ ક્યારેક ખુદ લઈ શકાય. મીઠી તકરારોથી પ્રેમ બરકરાર રહે કે વધે એવી ઘણી દલીલો હોય છે, સંબંધની ચેલેન્જીસ છુપાવવા માટે પણ અહીં આપણા કલ્પનાના પ્રેમમાં રિસામણા-મનામણાને પણ લગભગ નહીવત સ્થાન આપીએ તો. બંને એકબીજાને એ હદે સમજતા હોય કે વિરોધાભાસ શબ્દ વચ્ચે આવે જ નહીં. પ્રેમના સમીકરણો બદલવાનો અહીં કોઈ ઉદ્દેશ્ય નથી પરંતુ એક નવા જ પ્રકારના પ્રેમની, આદર્શ લાગણીના સંબંધના જન્મની કલ્પના છે.
ઘણી વખત એક પાત્ર બીજાને એમ કહી ઉઠતું હોય છે કે મને સ્પેસ જોઈએ છે. પરંતુ આ પ્રેમમાં એનો સવાલ જ ઉઠતો નથી કારણ કે બીજુ પાત્ર જ ખુદનો અંશ છે અને ખુદને સમજવા લોકો બીજાથી દુર ભાગી શકે કે ફ્રિડમ માટે દુર ભાગે પરંતુ ખુદ ખુદથી અળગું થઈ શકે નહીં. હા લોકો પોતાની ક્ષમતાઓને ન જાણતા હોય ત્યારે કે પ્રેમમાં અટવાયેલા હોય ત્યારે ખુદનું પણ કહ્યું માનતા નથી હોતા. અને ત્યારે ફરી વખત એ જ વાત આવે છે, વિશ્વાસ. ખુદ પર અને ખુદના નિષ્કર્ષ પર ભરોસો તો બેસવો જોઈએ ને. પણ એટલે જ તો આ આદર્શ લાગણીઓ અને એ ધરાવતા બે પાત્રના સંબંધની પરિકલ્પના છે કે તેઓ એકમેકમાં જ ખુશ છે. બંનેની સ્પેસની જીદ પણ સાથે અને સરખી જ હોવાની અને તેમાં પણ બંને એક સાથે જ હોવાના. પેલી મન અને દિલ વચ્ચે થતી વાસ્તવિક કશ્મકશ અહીં ફળદ્રુપ હશે. બંનેની વચ્ચે નહીં પણ બંનેમાં હશે, અર્ધું અર્ધું વહેંચાઈને એક થતી.
તેઓ કંઈ કપડા એક જ રંગના પહેરીને એક જેવા દેખાવાના એવી અહીં વાત નથી. પરંતુ ઉરમાંથી સરખી અને ઉત્તમ માત્રામાં નીકળતી હુંફ એમના ચહેરાની ચમકને એક સરખી બનાવી દે. તેમના સ્મિતને, તેમના અવાજને, તેમની આંખના પલકારાના અંતરને સુદ્ધા સમાન બનાવી દે એવા પ્રેમની કલ્પના એ કલ્પનાનો અતિરેક કહેવાય પરંતુ એ જ તો ફેન્ટસી છે અને એ જ તેના વિસ્તૃતપણાની ખૂબી છે. કલ્પનાની મર્યાદાઓ હોય પરંતુ આ પ્રેમની ન હોય શકે.
આટલી કલ્પના પછી એક સવાલ થાય કે વધુ પડતું આદર્શ હોવું પણ સારું નહીં કે પછી અતિની ગતિ નહીં એટલે જે ઈમ્પર્ફેક્શન અને મુફલીસ વૃત્તિની મજા સૃષ્ટિમાં વિખરાયેલી છે તેનું શું? પણ આપણા કલ્પનાના પ્રેમમાં પાત્રો જ એટલાં પરિપક્વ હશે કે તેઓ આ મજા એ પ્રેમમાંથી જ મેળવી લેશે અને તેની ઉણપને ઉણપ નહીં લાગવા દે. પુરામાંથી થોડી અધુરી રહી જતી એવી પ્રીતને વટાવી લીધા પછી ગર્ભમાંથી બહાર નીકળતી એવી પ્રીતને આદર્શ અને કલ્પના સાથે જોડ્યા પછી પરફેકશનનો બોજ લાગતો નથી. પ્રેમ વ્યાખ્યા નહીં પણ ખુબ બધી સમજ અને સહેજ સનકનો મોહતાજ છે.
- દિવ્યકાંત પંડયા
(divyakantpandya11@gmail.com)