ધ લાસ્ટ ટોર્પિડો
દિવ્યકાંત પંડ્યા ‘ડી.કે.’
કપ્તાન અને એક સાથી નાવિક સબમરીનની ડેક પર દૂરબીન લઈને ઉભા હતાં. સામે એક મોટું નાઝી ડીસ્ટ્રોયર જહાજ દેખાતું હતું. એક નાની હોડીમાં બેસીને થોડાક જર્મન નાવિક સૈનિકો તેમના તરફ મદદ માટે આવી રહ્યા હતાં. સબમરીન જર્મન હતું પણ ડેક પર રહેલા નાવિકો બ્રિટીશ હતાં. તેમની સબમરીન બહુ જ નુકસાનગ્રસ્ત હતી અને તરત કશી હિલચાલ કરી શકવા અસમર્થ હતી. એક જ ટોર્પિડો બચ્યો હતો અને તે પણ ટેકનીકલ ખરાબીનાં કારણે તાત્કાલિક છોડી શકાય એમ હતો નહીં. હોડી વધુ ને વધુ નજીક આવી રહી હતી. ન તો ભાગી શકાય એમ હતું કે ન તો દુશ્મનને મારી શકાય તેમ. જો હોડીમાં રહેલા માણસોને નજીક આવતા ખતમ કરી નાખવામાં આવે તો પણ સામે બહુ જ મોટુ જહાજ ઉભું હતું અને તેને ખ્યાલ આવી જાય પછી બચી શકવું બધી રીતે મુશ્કેલ હતું. કપ્તાન વિચારતા હતાં કે જો એ લોકોને ખબર પડી જશે કે અમે જર્મન નથી તો શું થશે?
આવી સ્થિતિ સર્જાઈ હતી એનીગ્મા મશીનનાં કારણે. બીજા વિશ્વયુદ્ધ વખતનો સમય હતો. ૧૯૪૨માં એટલાન્ટીક મહાસાગરમાં જર્મનો બીજા દેશોને આ એનીગ્મા મશીનનાં કારણે ભારે પડી રહ્યા હતાં. કારણ કે આ મશીન દ્વારા તેઓ એકબીજા સાથે કોડમાં વાત કરતા, જે બીજું કોઈ ઉકેલી શકતું નહીં. આ એનીગ્મા મશીન તેમની દરેક લડાકુ યુ-બોટમાં હોતા. તે બોટસ કેટલાય દુશ્મન જહાજો ઉડાવી રહી હતી. બ્રિટન સહીત કેટલાય દેશો પરેશાન હતાં અને કોઈ તોડ નહોતો મળી રહ્યો. પણ એવામાં બ્રિટીશ નૌકા મથકને જાણ મળી કે એક યુ-૫૭૧ નામની જર્મન યુ-બોટ કોઈક જગ્યાએ ખરાબ થઇ પડી છે અને તેમની મદદ માટે બીજી રીસપ્લાયર જર્મન બોટ જઈ રહી છે. અફસરોને આમાં એક તરકીબ દેખાઈ આવી અને તેમણે એક ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો કે આપણે પણ એક સબમરીન મોકલવી અને તેને બીજી જર્મન યુ-બોટ આવે તે પહેલા ત્યાં સુધી પહોચાડી દેવી. પરંતુ સબમરીનનાં ધ્વજ અને નાવિકોના દેખાવ સહીત બધું જ જર્મન હુલીયામાં. જેથી મદદ કરવાના બહાને તે બોટની નજીક પહોચી શકાય. પછી જર્મનોને ખતમ કરીને બોટને ડુબાડી દેવાની અને એનીગ્મા લઈને પાછું આવતું રહેવાનું. દુશ્મનો બોટ ડુબી ગઈ માનીને ભૂલી જશે અને તેમને ક્યારેય એનીગ્મા વિશે ખ્યાલ નહીં આવે.
લેફ્ટનન્ટ કમાન્ડરની કપ્તાનીમાં બધા એક સબમરીનમાં નીકળી પડ્યા. સાથે એકઝીક્યુટીવ ઓફિસર લેફ્ટનન્ટ હતાં. મધરાતે યુ-૫૭૧ નજીક પહોચતા પહેલા તેમણે સબમરીન પર સ્વસ્તિકવાળો જર્મન ફ્લેગ લગાવી દીધો. જર્મન બોટ પણ સપાટી પર જ હતી. તેમણે માન્યું કે મદદ આવી ગઈ છે અને ગેલમાં આવી ગયા. બ્રિટીશર્સ બે હોડીમાં બેસીને યુ-બોટની નજીક આવ્યા પણ એ પહેલા જર્મનો તેમને જર્મનીમાં બુમ પાડવા લાગ્યા. હવે જો આ લોકો તેમને વળતો જવાબ ના આપે તો જર્મનોને શંકા જાય. પણ સદનસીબે સોનાર ઓપરેટર અડધો જર્મન અને અડધો બ્રિટીશ હતો. જે અત્યારે હોડીમાં તેમની સાથે હતો. તેણે જવાબ આપ્યો અને બીજા બધા તેની સાથે બોલવામાં જોડાઈ ગયા. નજીક પહોચતાં જ તેમણે હુમલો શરુ કરી દીધો. જર્મન સૈનિકો ઘણા હતાં પરંતુ આ અણધાર્યો હુમલો હતો માટે બાજી બ્રિટીશર્સના હાથમાં હતી. તેઓએ હથિયારબદ્ધ લોકોને મારી નાખ્યા અને બાકીનાઓને કેદી બનાવી લીધા. એનીગ્મા મશીન શોધીને જપ્ત કરી લીધું.
બ્રિટીશર્સ મોટાભાગનું મિશન પૂરું કરીને કેદીઓ, કોડવાળા પેપર્સ અને એનીગ્મા મશીન લઈને હોડીમાં પાછા ફરતા હતાં ત્યાં જ ટોર્પિડો વડે એક જોરદાર ધડાકો થયો અને આખી બ્રિટીશ સબમરીન તબાહ થઇ ગઈ. આ હુમલો યુ-૫૭૧ની મદદે આવનારી સાચી યુ-બોટ તરફથી કરવામાં આવ્યો હતો. હોડીઓ સહીત બધું જ દરિયામાં ઊંધું વળી ગયું. જેટલા બચ્યા હતાં તેઓ યુ-૫૭૧ તરફ પાછાં વળવા લાગ્યા. બધે જ ધમાચકડી મચી ગઈ. કપ્તાન બહુ જ દુર ખરાબ રીતે જખમી થઈને પાણીમાં પડેલા હતાં. તેમણે એકઝીક્યુટીવ ઓફિસર લેફ્ટનન્ટને પોતાની પરવા કર્યા વિના યુ-બોટને નીચે લઇ જવા કહ્યું. કપ્તાની સંભાળવાનો વારો એકઝીક્યુટીવ ઓફિસર લેફ્ટનન્ટ પર આવ્યો. તરત જ જેટલા બચાવાયા તે અને એનીગ્મા મશીન પાછું પાણીમાંથી શોધીને તેમણે કપ્તાનનાં કહેવાથી દરિયામાં ઊંડે જવાનો નિર્ણય કર્યો. જો તેઓ આવું ન કરત તો રીસપ્લાયર જર્મન યુ-બોટ બધાનો ખાતમો બોલાવી દેત. બધા સબમરીનમાં ઘુસી તો ગયા પરંતુ પાછો લોચો એ પડ્યો કે અંદર બધુ જ જર્મનમાં લખ્યું હતું. પેલો સોનાર ઓપરેટર હજી સાથે જ હતો, તેમણે બધાને માહિતગાર કર્યા પણ તે એન્જીન, વાલ્વ્સ, ટોર્પિડો, મોટર, કંટ્રોલ રૂમ, ફ્યુઅલ રૂમ, વગેરે કેટલીક જગ્યાએ પહોંચી વળે! અને ઉપરથી પેલી જર્મન બોટે ટોર્પિડો વડે હુમલાઓ કરવાના શરુ કરી દીધા. અને તેની ચોક્કસ જગ્યાની જાણકારી તરંગો પરથી માપ કાઢ્યા પછી જ ખ્યાલ આવે. તે માટે સોનાર ઓપરેટરને બેસવું જ પડે મશીન પાસે. તે ફટાફટ કપ્તાનને માહિતી આપવા લાગ્યો અને કપ્તાન એ મુજબ દિશા નક્કી કરતા કરતા નીચે જવા આદેશ આપવા લાગ્યા. બધા સબમરીનમાં લખેલી સૂચનાઓ સમજાય એ પ્રમાણે કામે લાગી ગયા.
કપ્તાને પણ સામે તેમના પર હુમલો કરવા ટોર્પિડો છોડવાનો આદેશ આપી દીધો. પરંતુ ભાષાની મુશ્કેલીનાં કારણે વાર લાગી. સામેથી થતા હુમલાથી માંડ માંડ બચ્યા કારણ કે તે ટોર્પિડોઝ સાવ જ ઇંચ જેટલા અંતરથી નીકળી ગયા. એક ટોર્પિડો આમણે છોડ્યો પણ નિશાન પર લાગ્યો નહીં. તરત બીજા બે પણ છોડ્યા. જે વચ્ચે જ પહોચ્યા ત્યાં સામેથી પણ બે ટોર્પિડોઝ આવી રહ્યાં હતાં. સાથે ચોથો અને છેલ્લો ટોર્પિડો છોડવા કપ્તાને આદેશ આપી દીધો પણ તેના પ્રેશર માટેનો એર વાલ્વ અટકી ગયો હતો જે તાત્કાલિક રીપેર કરી શકાય તેમ હતો નહીં. હવે જીવન-મરણ, એનીગ્મા અને મિશનનો બધો જ મદાર પેલા બે છોડેલા ટોર્પિડો પર હતો. સામેથી આવતા બંને ટોર્પિડોઝ સદનસીબે સાવ જ નજીકથી નીકળી ગયા પણ સબમરીન હલાવી ગયા. થોડી જ વારમાં પ્રચંડ ધડાકો થયો અને સોનાર ઓપરેટરે જાણકારી આપી કે તે પેલી જર્મન યુ-બોટ પર આપણે છોડેલા ટોર્પિડોનો હતો. જર્મન રીસપ્લાય યુ-બોટ પાણીમાં જ વિનાશ પામી.
પણ હજી કંઈ હરખાવા જેવું હતું નહીં કારણ કે ઉતાવળમાં પાણીની ઊંડાઈમાં તો આવી ગયા હતાં પણ હજી કેટલાય જીવિત સાથીદારો સપાટી પર તરતા હતાં જેમને બચાવવા પણ જરૂરી હતાં. કપ્તાને ચીફને બોટ ઉપર લઇ જવા આદેશ આપ્યો. તેઓ ઉપર પહોંચ્યા ત્યાં સુધીમાં તો મોટાભાગનું બધું તહસ-નહસ થઇ ગયું હતું. કેટલાય ડુબીને કે બ્લાસ્ટના કારણે મરી ચુક્યા હતાં. એકઝીક્યુટીવ ઓફિસર લેફ્ટનન્ટ કપ્તાનને પૂર્વ કપ્તાનની લાશ પાણી પર તરતી દેખાઈ. તેઓ સહમી ગયા. એક જગ્યાએથી બચાવો-બચાવોનાં અવાજો આવ્યા. તેમણે ટોર્ચ કરીને જોયું તો તેમનો એક સાથી કશીક વસ્તુના સહારે તરી રહ્યો હતો. તેને દોરડાથી ખેંચી લેવામાં આવ્યો. બીજો પણ એક જીવતો મળી આવ્યો. તેઓ બધે નજર કરીને સબમરીનમાં પાછા ફરી જ રહ્યા હતાં કે પાછી એક બુમ સંભળાઈ. તેમણે જોયું તો બુમ પાડનાર વ્યક્તિના હાથ બંધાયેલા હતાં. તે જર્મન હતો. તેને પણ ખેંચી લેવામાં આવ્યો. ડેક પર પહોંચતા તેનાં પર બંદુક રાખીને પૂછવામાં આવ્યું કે તેને ઈંગ્લીશ આવડે છે કે નહીં અને તેની સબમરીનમાં રેન્ક શું હતી. તે ખરેખર કપ્તાન હતો પણ તેણે ઢોંગ કર્યો અને જર્મનમાં જ બબડાટ ચાલુ કર્યો. આખરે ઇશારાથી સમજાવ્યું કે પોતે ઈલેકટ્રીશિયન છે. તેને સબમરીનમાં અંદર લઇ જઈને એક આડા થાંભલા સાથે બાંધી દીધો.
હવે સૌને થોડીક રાહત વળી. સબમરીન પર જર્મન કપ્તાનને ગણીને કુલ દસ જણ હતાં. હવે શું કરવું તેની વિચારણામાં એક જણે કહ્યું કે આપણે રેડિયોથી બ્રિટન જાણ કરી દઈએ. પણ કપ્તાને સમજદારી વર્તીને કહ્યું કે તેવું ન કરી શકાય કારણ કે જો આપણે આ સબમરીનમાંથી રેડિયો પર કશી પણ વાત કરીશું તો જર્મનોને જાણ થઇ જશે. અને ફક્ત આપણા બચવાનાં તરીકાથી આટલી મહેનત પછી પણ આખું મિશન નિષ્ફળ જશે. સૌ એ નિર્ણય પર આવ્યા કે ચુપચાપ થોડા દિવસની સફરનાં અંતે આપણે બ્રિટનનાં કિનારે પહોચી જઈશું.
ટોર્પીડો ઓપરેટરને ટોર્પીડો ઠીક કરવા માટે મોકલવામાં આવ્યો. તે મશીનરીના રૂમમાં ગયો. ત્યાં પેલા જર્મન કપ્તાનને પણ બાંધેલો હતો. ટોર્પીડો ઓપરેટર તેની નજીક પહોંચ્યો ત્યાં પેલાએ પગથી કિક મારી. અચાનક થયેલા હુમલાથી તે નીચે પડી ગયો. કપ્તાને હુમલો ચાલુ રાખ્યો. પેલો ઘાયલ થઈને નીચે પડી રહ્યો. કપ્તાને થાંભલાને બીજી બાજુથી થોડો નીચે સેરવીને નીચે ઝૂકવાની કોશિશ કરી. પેલાની કમર પરથી હાથકડીની ચાવી લઈને ખુદને આઝાદ કર્યો.
બ્રિટીશ કપ્તાન અને ૧-૨ બીજા નાવિકો ડેક પર હતાં ત્યાં જ તેમણે એક નાનું એરક્રાફ્ટ જોયું. જે જર્મન હતું. આ લોકો જર્મન ગણવેશમાં જ હતાં એટલે ઓળખાઈ જવાની બીક તો ન હતી જ્યાં સુધી નજીક ન આવે ત્યાં સુધી. તે એરક્રાફ્ટ ઉપર આંટા મારવા લાગ્યું. સબમરીનમાં જર્મન કપ્તાને ફ્યુઅલ સપ્લાયના વાલ્વ બંધ કરી દીધા. આ જાણ થતા બધા જ અંદર આવ્યા. જર્મન કપ્તાન અને એક નાવિક વચ્ચે હાથાપાઈ થઇ તેમાં બ્રિટીશ નાવિકની બંદૂકથી જ કપ્તાને તેને ખતમ કરી નાખ્યો. ત્યાં બ્રિટીશ કપ્તાન સહીત બે જણ ત્યાં પહોંચી ગયા. જર્મનને ફરી પકડી લેવામાં આવ્યો. ઘાયલ થયેલાની અત્યારે સારવાર કરી શકાય એવો સમય હતો નહીં. પેલા નાવિકની લાશને વ્યવસ્થિત જગ્યાએ મુકવામાં આવી. બ્રિટીશ કપ્તાન એકઝીક્યુટીવ ઓફિસર લેફ્ટનન્ટને કશાંક સમાચાર મળ્યા તો તેઓ ફરી ડેક પર આવી પહોચ્યા. તેમણે જોયું તો તે નાનું એરક્રાફ્ટ એક વિશાળ નાઝી ડીસ્ટ્રોયર જહાજનું હતું. તેમણે દુરથી તે જોયું. તે મોટા જહાજને આ યુ-બોટને મદદની જરૂર છે તે ખબર હતી એટલે ઉભું રહ્યું હતું. એમની દેખતા પાણીની ઊંડાઈમાં સબમરીનને લઇ જવામાં આવે તો તેમને શંકા જાય અને આવી બને. એક્ઝીક્યુટીવ ઓફિસર લેફ્ટનન્ટ અને એક સાથી નાવિક સબમરીનની ડેક પર દૂરબીન લઈને ઉભા હતાં. એક નાની હોડીમાં બેસીને થોડાક જર્મન નાવિક સૈનિકો તેમના તરફ મદદ માટે આવી રહ્યા હતાં. અને એટલે જ આરંભમાં લખેલી એ ઘટના સર્જાઈ.
નુકસાનગ્રસ્ત જર્મન સબમરીન, એની અંદર બ્રિટીશ નાવિકો, એક જ ટોર્પિડો અને તે પણ છોડી શકવા અસમર્થ અને ટોર્પીડો ઓપરેટર પણ ઘાયલ એટલે કુલ મળીને બ્રિટીશર્સ બહુ જ મુશ્કેલ સ્થિતિમાં ફસાયા હતાં. કપ્તાન વિચારતા હતાં કે જો એ લોકોને ખબર પડી જશે કે અમે જર્મન નથી તો શું થશે? તેઓ તરત જ રેડિયો પરથી જર્મન હેડક્વાર્ટર પર જાણ કરી દેશે. કપ્તાને એક પ્લાન બનાવ્યો અને સાથીઓને જણાવ્યો. સબમરીન પર ડેકની આગળ રહેલી એક નાની મિસાઈલથી સામે દેખાતા જહાજના રેડિયો ટાવરને ઉડાવી દેવામાં આવે અને તરત જ પાણીમાં સબમરીનને ડાઈવ મરાવવામાં આવે અને ત્યાં સુધી ટોર્પિડો ઠીક થઇ જાય એટલે મોટા જહાજની નીચે જઈને ટોર્પિડો છોડવામાં આવે અને જહાજને ખતમ કરવામાં આવે.
આ પ્લાન પર તરત જ અમલ મુકવામાં આવ્યો. જેવી પેલી હોડી નજીક આવી કે તેઓએ કપ્તાન વગેરે સાથે જર્મનમાં વાત કરવી શરુ કરી. પણ આ વખતે પેલો સોનાર ઓપરેટર સબમરીનની અંદર હતો એટલે આ લોકો જવાબ આપી શક્યા નહીં. ઉપરાંત બે વ્યક્તિ મિસાઈલ નજીક જવા લાગ્યા એટલે હોડી પરના નાવિકોને શંકા ગઈ. જેવું મિસાઈલને ટાવરનું નિશાન મળ્યું કે કપ્તાને ફાયરનો આદેશ આપ્યો. મિસાઈલે ટાવર બ્લાસ્ટ કરી દીધો. કપ્તાને તરત જ સબમરીનને પાણીમાં નીચે લઇ જવા આદેશ કર્યો. પણ હજી ફ્યુઅલ સપ્લાય શરુ થઇ શકી નહોતી એટલે એન્જીન સ્ટાર્ટ જ ન થયું. આ તરફથી હોડી અને જહાજનાં લોકોને બધો ખ્યાલ આવી ગયો એટલે તેમણે હુમલાઓ શરુ કરી દીધા. ડેક પરના કપ્તાન સહિતના નાવિકો માંડ માંડ સબમરીનની અંદર પહોચી શક્યા. બહારથી થતા હુમલાથી યુ-૫૭૧ને વધુ નુકસાન પહોચી રહ્યું હતું. થોડી વારે એન્જીન સ્ટાર્ટ થયું એટલે સબમરીનને ધીરે-ધીરે પાણીમાં જહાજની નીચે લઇ જવામાં આવી. કપ્તાને ટોર્પિડો વિશે ખબર પુછ્યા. ટોર્પીડો ઓપરેટરે કહ્યું કે પ્રેશર પુરતું મળી શકે તેમ નથી અને તેનો એક એર વાલ્વ બંધ કરવા માટે સબમરીનની એકદમ નીચેના ભાગમાં જવું પડે તેમ છે પણ તે જગ્યા સાંકડી હોવાથી તે તેના કદનાં કારણે પહોચી શકે તેમ નથી. ટોર્પિડો હજી તરત છોડી શકાય તેમ હતું નહીં અને સબમરીન એકદમ જહાજની નીચે આવી ગઈ હતી જે તેઓ માટે વધુ ખરાબ સ્થિતિ હતી. જહાજને ખબર પડતા તેમણે મોટા એક્સપ્લોઝીવ ટીપડા કે જળગોળા નીચે પાણીમાં વહાવવા શરુ કર્યા. તે ફાટે ત્યારે નજીકમાં જે મોટા ધડાકા સાથે મોજાઓ પેદા થાય તેને ડેપ્થ ચાર્જ કહેવાય. આ ડેપ્થ ચાર્જનાં કારણે સબમરીન ધણધણવા માંડી. બધા આમથી તેમ પડવા લાગ્યા, બોલ્ટ ખુલવા લાગ્યા. યંત્રો તુટવા લાગ્યા. આ ટીપડા પાણીમાં ક્યાંય ઊંડે સુધી પહોચી શકવા સક્ષમ હોય છે. સબમરીન બને તેટલી નીચે જઈ રહી હતી પણ ધડાકા ચાલુ જ હતાં.
સબમરીન પાણીમાં ૨૦૦ મીટર સુધી ઊંડે જઈ શકતી હોય છે. કપ્તાને હુમલાઓથી બચવા ૧૬૦ મીટર ઊંડે સુધી લઇ જવા કહ્યું. એકદમ નોર્મલ સબમરીનને પણ ભાગ્યે જ આ ઊંડાઈ સુધી લઇ જવામાં આવતી હોય છે જયારે આ તો કેટલીય વખત પ્રહારોનો સામનો કરી ચુકેલી, બગડેલી અને ખખડધજ સબમરીન હતી. ચીફ સહીત બીજા નાવિકોએ કપ્તાનને વાર્યા કે આ તો ૫૦૦ ફૂટ કરતા પણ વધી જશે. પણ કપ્તાને વિચાર્યું કે બચવાનો આ જ એક રસ્તો હતો. અને તેમના મનમાં એક પ્લાન પણ રમતો હતો. યુ-૫૭૧ને ૧૬૦ મીટર પર લઇ જવામાં આવી. કપ્તાને સૌને પ્લાન કહ્યો કે, ‘આપણે એટલા નીચે પહોચી જઈશું કે જહાજને આપણા તરંગો નહીં મળે. તેઓ માનશે કે આપણી બોટ વિનાશ પામી છે. પણ આ એટલું આસાન નથી. તેમને વિશ્વાસ આવે માટે આપણે નીચેથી જેટલી પણ નકામી વસ્તુઓ છે જેમ કે મશીન્સ, બીજી મેટલ્સ, બોક્સીસ વગેરેને સપાટી સુધી શૂટ કરવા પડશે. અને સાથે સાથે આપણા સાથીની લાશને પણ ઉપર પહોચાડવી પડશે.’ સૌને આ સાંભળીને સાથી મૃત નાવિક માટે ખુબ જ દુખ લાગ્યું. કપ્તાને પણ આંખોથી દુખ વ્યક્ત કર્યું અને પાછું બોલવાનું શરુ કર્યું, ‘એ લોકો આ માનીને જેવું જહાજ ઉભું રાખશે કે આપણે તેમની સામેના ભાગે સપાટી પર પહોચી જઈશું. અત્યારે આપણે તેમની સીધી લાઈનમાં નીચે છીએ માટે ત્રાંસી રેખામાં ઉપર જવું પડશે.’
એક ઓછા કદનાં નાવિકને સબમરીનની નીચે મોકલવામાં આવ્યો ટોર્પિડો માટે વાલ્વ બંધ કરવા માટે. ટોર્પીડો ઓપરેટર અને ઓક્સીજન પાઈપની મદદથી તેણે નીચે જવાનું હતું. પણ પ્રશ્ન એ હતો કે હજી જહાજના હુમલાઓ બંધ થયા નહોતા. કપ્તાનને લાગ્યું કે ૧૬૦ મીટર પણ પુરતું નથી. ચીફને તેણે પુરેપુરા ૨૦૦ મીટર સુધી નીચે જવા આદેશ આપ્યો. સબમરીન જેવી ૨૦૦ મીટર નજીક પહોચવા આવી કે તે બહુ જ ખરાબ રીતે હચમચવા લાગી. ઉપરથી હુમલાઓ હવે નીચે સુધી પહોચી નહોતા શકતા પણ ઊંડાઈનાં કારણે અંદરની ધાતુઓનો કરડ કરડ અવાજ સંભળાવા લાગ્યો અને કેટલીય જગ્યાએ બાકોરા પાડવા લાગ્યા. બધા તે પુરવામાં લાગી ગયા. પણ કેટલાય બોલ્ટ ખુલવા લાગ્યા અને મશીનો તુટવા લાગ્યા, ત્યાં સુધી કે મીટર કાંટા સહિત બધા કાંટાઓનાં યંત્રોના કાચ સુદ્ધા તૂટી ગયા. નાવિકો બધા એકબીજા પર પડી રહ્યા હતાં. હવે સબમરીનને એટલું બધું નુકસાન પહોચી ગયું હતું કે તેણે કંટ્રોલ ગુમાવી દીધો અને ૨૦૦ મીટરથી પણ નીચે ધસવા લાગી. લાઈટસ પણ બંધ થઇ ગઈ.
થોડી વારે માંડ સ્વસ્થતા મેળવતા સબમરીનને ઉપર ઉઠાવવામાં આવી. કપ્તાને એક નાવિકને બધો સામાન ઉપર શૂટ કરવા કહ્યું. તેણે ભારે હૃદયે લાશ સહીત બધું સપાટી સુધી પહોચાડવા શૂટ કર્યું. કપ્તાને નાઝી જહાજનાં સ્થાનની તપાસ કરવા કહ્યું. નીચે ગયેલા નાવિકે બહુ કોશિશ કરી પણ તેનો હાથ વાલ્વથી થોડો જ દુર રહેતો હતો. ઓક્સીજન પાઈપ ત્યાં સુધી પહોચતી નહોતી તેથી તેણે એક વાર થોડો શ્વાસ લઈને અંદર જવા કોશિશ કરી પણ ન પહોચી શક્યો અને સ્વાભાવિક રીતે જ શ્વાસ ન ટકાવી શક્યો. બહુ કોશિશ પછી તે ઉપર આવ્યો. ત્યાં કપ્તાન આવી પહોચ્યા. તેણે સૌના જીવન અને એનીગ્માનાં મિશન ખાતર ફરી એક વખત કોશિશ કરવા વિનંતી કરી. પેલો નાવિક આત્મવિશ્વાસ સાથે મરણીયો બનીને નીચે ગયો.
સબમરીનને હવે ત્રાંસી દિશામાં ઉપર લઇ જવામાં આવી રહી હતી. તે ૧૦૦ મીટર સુધી પહોચી કે સોનાર ઓપરેટરે કપ્તાનને માહિતી આપી કે નાઝી ડીસ્ટ્રોયર સ્થિર થઇ ગયું છે. હવે થોડી જ વારમાં તેમની સામે ઉપર પહોચીને ટોર્પિડો વડે હુમલો કરવો જરૂરી હતો. પણ ત્યાં જ રેડિયો પર ખબર પડી કે કોઈક જર્મનીમાં નાઝી જહાજને માહિતી આપી રહ્યું હતું કે યુ-૫૭૧ને ઉડાડી દો. મેસેજ સિગ્નલની સ્થિતિ જાણી તો ખ્યાલ આવ્યો કે આ સબમરીન પરથી જ કોઈક એ મેસેજ મોકલી રહ્યું હતું. એ પેલો જર્મન કેપ્ટન હતો. તેને જ્યાં રાખવામાં આવ્યો હતો તેની નજીક એક રેડિયો ટ્રાન્સમીટર હતું એમાંથી તેણે આ મેસેજ કર્યો હતો. એક નાવિકે તરત ત્યાં જઈને તેને ખતમ કરી નાખ્યો. પણ તેનાં કારણે ઉપરથી જહાજે ફરી વખત હુમલાઓ કરવા શરુ કર્યા.
યુ-બોટ ઉપર જઈ રહી હતી અને ફક્ત એક જ મીનીટમાં સપાટી પર પહોચી જાય તેમ હતી. ટોર્પીડો ઓપરેટર ટોર્પિડો છોડવા માટે તૈયાર છે કે નહીં તેની જાણકારી કપ્તાનને પળ-પળ આપી રહ્યો હતો. નીચે ગયેલા નાવિક પાસે જ એક બોમ્બ ફૂટ્યો ને ઉપરથી એક મોટો પાઈપ તેના પગ પર આવીને પડ્યો. તે હવે હલી શકે તેમ નહોતો. સબમરીન હવે સપાટી પર આવી ગઈ હતી. જહાજ અને સબમરીન બંને સામસામે આવી ગયા હતાં. નાઝી જહાજે હવે વધુ સરખા નિશાન લઈને હુમલાઓ કરવા માંડ્યા. નીચેના નાવિકે આખરે ઓક્સીજન પાઈપ પાછળ છોડી દીધી અને પુરા જોર અને જોશથી પગ દબાયેલો હોવા છતાં વાલ્વ બંધ કરવા હાથ લંબાવ્યો. તે સરખી રીતે શ્વાસ નહોતો લઇ રહ્યો. આખી સબમરીન સાવ હમણાં જ ભાંગી-તૂટી જશે એવી થઇ ગઈ હતી. પણ ત્યાં જ ટોર્પીડો ઓપરેટરે કપ્તાનને માહિતી આપી કે ટોર્પિડો ફાયર માટે તૈયાર છે. કપ્તાને જરા પણ વિલંબ કર્યા વિના ફાયરનો આદેશ આપી દીધો. જહાજ પરનાં લોકો સામેથી ટોર્પિડો આવે છે તે ખબર પડતાં ચોંકી ગયા. અત્યાર સુધી યુ-બોટ પરથી એક પણ વખત ટોર્પિડોનો હુમલો ન થતા તેઓને એમ જ હતું કે તેમની પાસે એક પણ નહીં બચ્યો હોય. તેઓ આમતેમ ભાગવા લાગ્યા. ટોર્પિડો જહાજ સુધી પહોચી ગયો અને વિશાળ ડીસ્ટ્રોયરને ડીસ્ટ્રોય કરી નાખ્યું. કપ્તાને પેરિસ્કોપ વડે પ્રચંડ વિસ્ફોટ થતાં જોયો. બધા શું થયું એ કપ્તાનનાં મોઢેથી જાણવા આતુર હતાં. તેમણે ચીફને જાતે જોવા કહ્યું. પેરીસ્કોપમાં જોતા જ ચીફના ચહેરા પર હાસ્ય દેખાઈ આવતા કંટ્રોલરૂમમાં ખુશીની લહેર દોડી ગઈ. ત્યાં જ ટોર્પીડો ઓપરેટરે આવીને પેલા નાવિક વિશે સમાચાર આપ્યા કે તે તણાઈ ગયો. સૌના ચહેરા પર તરત જ ઉદાસી ફરી વળી. પણ સબમરીન હવે સાવ વિખરાઈ જવાની અણી પર હતી. તેમની પાસે શોક અને આભાર વ્યક્ત કરવાનો પણ સમય ન હતો. સૌ ફટાફટ યુ-બોટની બહાર નીકળી ગયા.
એક નાની લાઈફબોટમાં સાતેય નાવિકો બેસીને થોડે દુરથી યુ-૫૭૧ને ડૂબતી જોઈ રહ્યાં. કપ્તાનની બાજુમાં એક કોથળા જેવા પેકીંગમાં એક બોક્સ જેવું પડ્યું હતું. તે એનીગ્મા હતું. કલાકો પાણીમાં એમ જ આગળ વધતા વધતા તેમને આકાશમાં એક બ્રિટીશ એરક્રાફ્ટ દેખાયું. સૌના ચહેરા પાછા ખીલી ઉઠ્યા.
***