8 એપ્રિલ 1929એ ભગત સિંહ અને બી.કે.દત્ત એ બોમ્બ દિલ્હીમાં ફેંક્યો, પણ પડઘા આખા દેશમાં ગૂંજ્યા! Nishant Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

8 એપ્રિલ 1929એ ભગત સિંહ અને બી.કે.દત્ત એ બોમ્બ દિલ્હીમાં ફેંક્યો, પણ પડઘા આખા દેશમાં ગૂંજ્યા!

23મી માર્ચ 1931ના દિવસે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને સાંજે સાત વાગે ફાંસી આપવામાં આવી હતી. ખરેખર, તો ફાંસી નો સમય ૨૪મી માર્ચ 1931ના દિવસે સવારે સાત વાગે રાખવામાં આવ્યો હતો, પણ જેલની બાહર અને લાહોર શહેરમાં ચાલી રહેલી રેલીથી અંગ્રેજ સરકાર ગભરાઈને સવારે છ વાગેને બદલે અગિયાર કલાક વહેલા ફાંસી આપવાનો નિર્ણય કર્યો હતો. 22મી માર્ચ 2020ના રવિવારના દિવસે ભારતના વીર ક્રાંતિકારી ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની યાદમાં એક કાર્યક્રમનું આયોજન રાખ્યું હતું. વિચાર એવો હતો કે, 22મી માર્ચ 2020ના દિવસે રવિવાર હોવાથી વધારે ને વધારે લોકો પ્રોગ્રામમાં ભાગ લઈ શકે એવું આયોજન ગોઠવ્યું હતું. પરંતુ, કોરોના વાઇરસએ જે રીતે આંતક મચાવ્યો હતો, એના કારણે આ કાર્યક્રમ કૅન્સલ કરવો પડયો હતો.

હું જ્યારે નાનો હતો, ત્યારે ભારતની આઝાદીના ચળવળમાં ભાગ લીધા હોય એવા ઘણા બધા ફ્રીડમ ફાઇટર્સની વાર્તા સાંભળી હતી. અમારા ઘરે એ સમયે સ્કૂટર હતું. જ્યારે હું મારા પપ્પા સાથે બહાર ફરવા જતો ત્યારે સ્કૂટરમાં જે આગળની જગ્યા હોય એમાં ઉભો રહેતો. વડોદરામાં ન્યાય મંદિર નામના એરીઆમાં જ્યારે અમે જતા હતાં ત્યારે એક સ્ટેચ્યુ (statue) બહુ જ આકર્ષક લાગતું હતું. માથા પર તિરછી ટોપી અને બંને હાથ પાછળ. નાના બાળકમાં કુતુહલતા વધારે હોવાને કારણે મારા પપ્પાને પૂછ્યું કે આ સ્ટેચ્યુ(statue) કોનુ છે? ત્યારે જવાબ આપ્યો કે શહીદ ભગત સિંહ. હું તો એટલો નાનો હતો કે મને ખબર પણ ન હતી કે ભગતસિંહ એ કોણ છે? અને એમનું સ્ટેચ્યુ કેમ અહીં છે? ફાંસી, ભગત સિંહ, આઝાદી, ગુલામી, બ્રિટિશ રાજ એ બધા શબ્દો સમજી ના શકવાને કારણે કદાચ વધારે માહિતી પણ નહીં આપી હોય. પછી, જ્યારે ભગત સિંહ મૂવી ૨૦૦૨માં રિલીઝ થયું હતું, પણ જોવાનો મોકો મને ૨૦૦૪/૨૦૦૫ માં મળ્યું. એ મૂવીએ બહુ જ ઉંડી હૃદય પર અસર કરી હતી. પણ, એ ભગત સિંહ પર ખાલી મૂવી જોવાથી હું ભગત સિંહ સુધી તો પહોંચ્યો જ ન હતો. સાચા ભગત સિંહ જોડે પહોંચવા માટે તો મારે ભગત સિંહને વાંચવાની જરુર હતી. જ્યારે ભગત સિંહ વિશે જ્યારે વાંચ્યું ત્યારે થયું કે ભારતના આઝદીની ચળવળમાં ભાગ લેનાર જેટલા પણ ફ્રીડમ ફાઇટર્સ હતા, અને ભગત સિંહ ની જેટલી ઉંમર હતી, એમાંથી ભગત સિંહ માત્ર આઝાદી ની લડતમાં ભાગ લેનાર એક લડવૈયા જ નહીં, પણ એક ઊંચા દર્જાના ફિલોસોફર અને એક વિચારક હતા.

આ બ્લૉગ જ્યારે લખું છું 8 એપ્રિલ 2020ના દિવસે જ, આજ થી 91 વર્ષ પહેલા 8 એપ્રિલ 1929ના દિવસે સવારે 11 વાગ્યે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા દિલ્હીના સેન્ટ્રલ એસેમ્બ્લી (સભા)માં બોમ્બ ફેંકવામાંં આવ્યો હતો. એ બાદ, “ઇંકલાબ ઝિંદાબાદ” અને “સામ્રાજ્યવાદ મુર્દાબાદ”ના નારા સાથે Hindustan Socialist Republican Association(HSRA)( હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન) ના નામના કાગળોનો વરસાદ કરવામાં આવ્યો. એમાં લખ્યું હતું કે “બહેરા લોકોને સંભળાવવા માટે ઊંચા અવાજ(ધડાકા)ની જરુર હોય છે ” આ સભા જ્યારે ચાલતી હતી ત્યારે એ સભામાં મોતીલાલ નેહરુ, મોહમ્મદ અલી ઝીણા જેવા નેતાઓ હતાં, અને સભાના સ્પીકર તરીકેની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલની હતી. આ સભામાં “ટ્રેડ ડિસ્પ્યૂટ બિલ(Trade Dispute Bill)”, જે ફેકટરીમાં કામ કરતાં મજૂરોને હડતાલ કરવા પર પાબંદી માટે અને પબ્લિક સેફ્ટી બિલ(Public Safety Bill), જે શંકાશીલ વ્યક્તિને ધરપકડ કરી શકે. આ બંને બિલ એ દિવસે પસાર થવાના હતાં. ભગત સિંહ જ્યારે બોમ્બ ફેંકવાની તૈયારી કરી હતી ત્યારે એમની નજર સર જોહ્ન સાયમન પર પડી. આ એ જ સાયમન છે,કે જેણે ભારતમાં સાયમન કમિશનના ચેરમેન તરીકે એંટ્રી લીધી અને ભારતમાં બંધારણીય ફેરફાર માટે પંજાબની મુલાકાત લીધી હતી. સાયમન કમિશનનો વિરોધ કરવા આવેલા નેતા લાલા લજપતરાય અને અન્ય લોકો પર સ્કૉટ નામના પોલીસ અધિકારીએ લાઠીચાર્જનો હુકમ આપ્યો, એના કારણે લાલા લજપતરાય ખૂબ જ ગંભીર રીતે ઘવાયા, અને એમનું અવસાન થયું. એ જ સાયમન કમિશનના ચેરમેન સર જોહ્ન સાયમન સભામાં હોવા છતાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત એ એવી જગ્યા એ બોમ્બ ફેંક્યો કે જેનાથી કોઇ વ્યક્તિના જીવને નુકસાન ન થાય. અને, જો બંને ઇચ્છત તો લોકો ભાગ્યા એની સાથે સભાની બહાર ભાગી જાત, અને કોઇને પણ ખબર ના પડત. પરંતુ, બંનેએ સામેથી પોતાની જાતને પોલીસ સામે આત્મસમર્પણ કર્યું. જો ભગતસિંહ ઇચ્છત, તો સર જોહ્ન સાયમન પર જ બોમ્બ ફેંકી શકત. પરંતુ બોમ્બ ફેંકવાનુ કારણ કોઇની હત્યા કરવાનું નહીં, પણ બ્રિટિશ સરકારને સંદેશો પહોંચાડવાનો હતો. આ ધરપકડથી અને ત્યારબાદ કૉર્ટકેસ, જેલનો ઉપયોગ ભગતસિંહ એ પોતાના વિચાર ભારતના લોકો સુધી પહોંચે એ પ્રયાસ કર્યો. અને, પોલીસ સામે આત્મસમર્પણ કરવાનો હેતુ પણ એ જ હતો. અને પોતાના વિચારો ભારતવાસીઓ સામે મુક્વા માટે ભગતસિંહ ખૂબ જ સફળ થયા હતાં. એમની લોકપ્રિયતા જેલમાં હોવા છતાં દિવસે ને દિવસે વધતી જ જતી હતી. જેલમાં ભગતસિંહ એ વિશ્વના મહાન વિચારકો કહેવાય, એવા એરિસ્ટોટલ, પ્લેટો, કાલ માર્કસ, થોમસ હોબ્બસ, જોહ્ન. લોકે, રૂસો, ટ્રોટસ્કાય, રસેલ, રવિન્દ્રનાથ ટાગોર જેવા લેખકોનું બહુ જ વાંચન કર્યું. જે પણ સારા વિચાર લાગે એવા વાક્યોની એમણે પોતાની ડાયરીમાં લખવાનું ચાલુ કર્યું. એવી જ રીતે એમણે લખેલી ડાયરીમાંથી એક બૂક પબ્લિશ થયેલી છે. એ બૂકનું નામ છે: The Jail Notebook and other writing. એ બૂકનું સંપાદન ભગત સિંહના જ સાથી શિવ વર્માએ કર્યું છે. આ બૂક તમે વાંચો તો તમને ખબર પડી જાય કે ભગતસિંહને વાંચનનો કેટલો શોખ હશે, અને કેટલા બધા પુસ્તક એમને વાંચી લિધા હશે?!?

છેલ્લા કેટલાય વર્ષોથી દેશના રાજકરણીઓ પાસેથી એવું સાંભળવા મળે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જોડે અન્યાય થયો, સુભાષચંદ્ર બોઝ જોડે અન્યાય થયો. અને, તમે ઇતિહાસના પુરાવા સાથે ચેક કરવા જાવ તો તમને ખબર પણ પડી જાય કે સરદાર સાહેબ અને સુભાષબાબુને જે રીતે એમના કદ પ્રમાણે માન સન્માન મળવું જોઇએ, એમાં આપણી દેશની સરકારો, દેશના લોકો નિષ્ફળ તો ગયા જ છે. પણ, એની સાથે એક એવા ક્રાંતિકારીનો તો જાણે ઇતિહાસ જ ભુલાવી દેવાનો પ્રયાસ કર્યો હોય એવા શહીદ-એ-આઝમ ભગત સિંહ અને એમના સાથીની માહિતી આટલા બધા વર્ષોથી દબાઇ રાખવામાં આવ્યો છે. કોઇ ચોક્કસ માહિતી જ આપવામાં આવી નથી અને, આજના સમયમાં દેશના રાજકારણમાં ભગતસિંહના નામનો ઉપયોગથી કોઇ પણ રાજકારણી પાર્ટીને ફાયદો થવાનો નહીં હોવાથી દેશની ચૂંટણીઓમાં જે રીતે સરદાર સાહેબ અને સુભાષબાબુનું નામ લેવાય છે, એવું ભગતસિંહ નામ કોઇ પણ નેતાને યાદ આવતું નથી. એના બદલે એમના જન્મદિન અને શહીદદિન પર Twitterના accountથી જ યાદ કરી લેવાય છે. ફોટો મૂકવામાં આવે છે. “ઇંકલાબ ઝિંદાબાદ” ના નારે સાથે પોસ્ટ મૂકવામાં આવે છે, પરંતુ એમની ઇચ્છા પ્રમણેનું ભારત આપણે બનાવ્યું કે નહીં એ યાદ કરવું જોઈએ.અને, એના માટે ભગત સિંહને વાંચવા ખૂબ જ જરૂરી છે.

ભારતના ઇતિહાસ એ ભગત સિંહ સાથે જેટલી અન્યાય કર્યો છે, એનાથી વધારે હજારો ગણો વધારે અન્યાય ભગત સિંહ અને તેમના સાથીઓ સાથે ભારતની પ્રજાએ કર્યો છે. એ માણસએ દેશ માટે પોતાની જાન કુરબાન કરી દીધી. પણ, આઝાદીના 72 વર્ષો અને ભગત સિંહની શહીદીના નામે ઘણા જ ખોટા સમાચાર ફેલાવ્યું છે. ઘણા વર્ષો સુધી 14મી ફેબ્રુઆરી “વેલેન્ટાઇન ડે” નજીક આવે એટલે WhatsApp પર મેસેજ આવે કે 14મી તારીખ એ ભગત સિંહ અને એમનાં સાથી સુખદેવ, રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી, અને તમે બધા “વેલેન્ટાઇન ડે” ઉજવો છો. અરે બાપ રે!!! આવા મેસેજ વાંચીને બે હાથથી માંથુ પકડવાનું મન થાય!!! એમને ફાંસી 14મી ફેબ્રુઆરી એ નહિઁ, પણ 23મી માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. એનાં પછી બીજો એક મેસેજ આવે કે 14મી ફેબ્રુઆરી એ ફાંસી નહીં, પણ ફાંસીની સજા આપવામાં આવશે એવો ચૂકાદો આપવામાં આવ્યો હતો. પાછું બ્લનડર. 7મી ઑક્ટોબર 1930ના દિવસે ફાંસીની સજાની સંભળાવી હતી. આટલી ભગતસિંહ વિશેની સામાન્ય માહિતી પણ લોકોને ખબર નથી, એટલે બધા એ વિચાર તો કરવો જ જોઇએ કે આપણે ભગતસિંહ અને એમના સાથીઓને ખાલી બંદૂક ચલાવતા અને બોમ્બ ફોડવાની પ્રવૃત્તિ સુધી જ સીમિત રાખ્યા છે. ભગતસિંહના વાંચન, એમના દિલ અને દિમાગ સુધી તો પહોંચવાની કોશિશ પણ કરી નથી.

જે લોકો એ ભગતસિંહને હજુ પણ વાંચ્યા નથી, એ લોકો હજી પણ ભગતસિંહને ફાંસી થવા માટે મહાત્મા ગાંધીજીને જવાબદાર ગણે છે. બધી માહિતી લખતાં એક વાત હું લખી દેવા માંગુ છું કે હું અહીં ગાંધીજીના તરફથી કોઇ વકાલત નથી કરતો. ગાંધીજી જેવા વિશ્વ નેતાને સમજવાની આવડત કદાચ તમારામાં પણ નથી અને મારામાં પણ નથી. પણ, અહીં હું જે લખું છું એ ભગતસિંહના જીવન પર વાંચેલી પુસ્તકોના આધારે લખું છું. ભગતસિંહને જ્યારે સજા થવાની હતી, ત્યારે ભગતસિંહના પિતાજી સરદાર કિસનસિંહએ કૉર્ટને એક લેટર લખ્યો છે કે ભગતસિંહ નિર્દોષ છે, સૉન્ડર્સનું મર્ડર થયું એમાં ભગતસિંહનો કોઇ જ હાથ નથી. એણે એની નિર્દોષતા સાબિત કરવાનો મોકો આપવામાં આવે. જ્યારે ભગતસિંહને ખબર પડી કે એમના પિતાજી એ એમની જાણ બહાર જ, ભગતસિંહને પૂછ્યા વગર જ ભગતસિંહ વતી દયા માટેની અરજી કરી દિધી, ત્યારે એમના પિતાજી પર જ બહુ ગુસ્સે થઇ ગયા હતાં. “તમને હક કોણે આપ્યો? મારા વતી મારા જાણ બહાર જ દયા અરજી કરવાનો?” આવા શબ્દો હતાં ભગતસિંહના એમના પિતાજી. તો, તમે વિચારી શકો છો કે જો ગાંધીજી એ દયા અરજી કરી હોત તો ગાંધીજીને પણ કદાચ કડક શબ્દોમાં સન્માન સાથે પત્ર લખી દીધો હોત. એવું નથી કે ગાંધીજી એ પ્રયાસ જ નથી કર્યો. કુલદીપ નાયર એ ભગતસિંહ પર એક બૂક લખી છે, જેનું નામ છે: “without fear: The Life & Trial of Bhagat Singh.” એમાં જણાવ્યું છે કે ગાંધીજી એ જ્યારે પ્રયાસ કર્યો ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ગાંધીજીની એક અલગ થીયરી છે, અને વાઇસરોય ઇર્વિનની પણ એક અલગ થીયરી છે. બીજું કે, ભગતસિંહને ફાંસી થવા માટે ગાંધીજી કરતાં ભગતસિંહ સાથે ક્રાંતિકારી ચળવળમાં જોડાયેલા એમના સાથી ક્રાંતિકારીઓ જવાબદાર છે. એમની સાથે રહેલા હંસરાજ વોહરા, જયગોપાલ જેવા સાથીઓ જવાબદાર છે, કે જે પોલીસની સામે બધી જ ક્રાંતિકારી ચળવળની માહિતી આપી દીધી. હંસરાજ વોહરા અને જયગોપાલ પોલીસના સાક્ષીઓ બની ગયા હોવાથી સૉન્ડર્સ મર્ડર કેસ વધારે ને વધારે મજબૂત થતો ગયો. તો સામેની બાજુ, ભગતસિંહ અને એમના સાથીઓએ કૉર્ટમાં પોતાના પક્ષમાં બચાવ નહીં કરવાનો નક્કી કર્યું હતું. જે પણ કૉર્ટનો નિર્ણય આવશે, એણે જ સ્વકારી લેવો. એટલે એક રીતે જોવા જઈએ તો ભગતસિંહ અને એમના સાથીઓએ સામે ચાલીને ફાંસીને ગળે લગાવી હતી, કારણ કે ભગતસિંહનું માનવું હતું કે ભગતસિંહ અને એમના સાથીઓના શહીદીથી ભારતના લોકોને ક્રાંતિની ચળવળમાં જોડાવવા માટે બહુ પ્રોત્સાહન મળશે. મોટી સંખ્યામાં લોકો જોડવવાથી ભારતને આઝાદી જલ્દી મળશે. ભગતસિંહ એ લખ્યું હતું કે “એંગ્રેજ સરકાર માટે મરી ગયેલો ભગત સિંહ, જીવતા ભગત સિંહ કરતાં વધારે ખતરનાક સાબિત થશે. મને ફાંસી આપ્યા બાદ, મારા ક્રાંતિકારી વિચારોની સુગંધ આપણી સુંદર જમીનમાં ફરી વળશે. તે યુવાનોને આઝાદી અને ક્રાંતિ કરવા માટેનો નશો ચડાવી દેશે અને તેનાથી બ્રિટિશ સામ્રજ્યનું પતન થઈ જશે. આવું મારું ખુબ જ દ્રઢપણે માનવું છે.” અંગ્રેજ સરકારે ભગતસિંહ અને તેમના સાથીઓ પર બ્રિટેનના રાજા જ્યોર્જ સામે યુધ્ધ કરવાના માટે સજા આપવાના હતા, ત્યારે ભગતસિંહએ પંજાબના ગવર્નરને લેટર લખ્યો હતો કે અમારા પર કેસ બ્રિટેનના રાજા જ્યોર્જ સામે યુધ્ધ કરવા માટે થાય છે, એનો મતલબ કે અમે યુધ્ધ કેદીઓ છીએ, તો અમને ફાંસી નહીં, પણ ગોળી મારી દો.

ભગતસિંહને ખબર તો જ હતી કે આજે નહીં, તો કાલે ભારતને આઝાદી તો મળવાની છે જ. પણ, જો ભગતસિંહને એવી આઝાદીમાં રસ ના હતો કે જેમાં સફેદ ચામડીવાળા સાહેબો જતા રહે, અને દેશના જ ઘઉંવર્ણ ચામડીવાળા સાહેબો આવી જાય. આજે, ભારતએ આઝાદીના ૭૨ વર્ષ પછી ઘણી જ પ્રગતિ કરી છે, પણ સામાજિક માપદંડની ચર્ચા કરીએ ત્યારે મનમાં એવું થાય કે ભારતને ભગતસિંહ વાળી આઝાદી હજુ સુધી મળી નથી. આજે પણ આઝાદ ભારતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે રમખાણો થાય, ભૂખમરી છે, ગરીબી છે જેવા ઘણી બધી સમસ્યા છે. આશા રાખીએ કે એક દિવસ દેશમાં એવો આવે કે આ બધી જ સમસ્યાઓ ભારતમાંથી દૂર થઈ જાય. ભારત દેશ જ્યારે અંગ્રેજોની ગુલામી હેઠળ હતો, ત્યારે કોંગ્રેસ પાર્ટી પહેલા ભગતસિંહએ ભારતને “પૂર્ણ સ્વરાજ” ની માંગણી કરી હતી. જ્યારે ભગતસિંહની માંગણી સમ્પૂર્ણ આઝાદી હતી, ત્યારે કોંગ્રેસ પાર્ટી ગાંધીજીના માર્ગદર્શનની નીચે ભારતને ૨ વર્ષની અંદર જ “ડોમિનિયન સ્ટેટસ” મળે એવી માંગણી કરી હતી. બોઝ અને નેહરુજી એ આનો વિરોધ એટલા માટે કર્યો હતો, કારણ કે જો ભારતને “ડોમિનિયન સ્ટેટ” મળે તો રાજ્યના બંધારણીય વડા તરીકે કોઇ ભારતીય નહીં, પણ ઇંગ્લેંડના રાજ ઘરાનામાંથી જ કોઇ હોત. એનો મતલબ એવો થાત કે ભારતની સિસ્ટમમાં અંગ્રેજ સંસદને દખલગીરી કરવાનો હક મળી જાત. આ રીતે ભારત સંપૂર્ણ રીતે આઝાદ ના થઈ શકત. જવાહરલાલ નેહરુ એ લાહોરમાં રાવી નદીના કિનારે “પૂર્ણ સ્વરાજ” માટે ઠરાવ પાસ કરતાં 26મી જાન્યુઆરી 1930ના રોજ ઝંડો ફરકાવવામાં આવ્યો.

ભગતસિંહ એ પોતાને ફાંસી મળે, એ પછી HSRAનું સંગઠન કેવું હોવું જોઇએ, એનું ભવિષ્ય માટેની રણનીતિ કેવી હોવી જોઇએ, એ માટેનો પત્ર લખ્યાં હતાં. પોતાના ભાઇને, સુખદેવને, પોતાની સંસ્થાના યુવાન ક્રાંતિકારીઓને સંબોધીને ઘણા પત્રો લખ્યાં હતાં. પણ, અફ્સોસ, ભગતસિંહ અને એમના ઘણા બધા સાથીઓ પોલીસના હાથમાં આવી ગયા હતાં અને જેલની સજા થઈ હતી. પછી ભગતસિંહ , સુખદેવ અને રાજગુરુને ફાંસી મળી, અને એટલે એવું કહી શકાય કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી મળ્યા બાદ HSRA પડી ભાંગ્યુ હતું. ભારતમાં આઝાદી માટેનો ક્રાંતિકારી ચળવળનો લગભગ અંત આવી ચુક્યો હતો, અને આઝાદી માટેની સમ્પૂર્ણ ચળવળ કોંગ્રેસના હાથમાં આવી ગઈ હતી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની યાદમાં પંજાબના ફિરોઝપૂર જિલ્લામાં હુસૈનીવાલા ગામમાં એક શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. અંગ્રેજોએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપ્યા બાદ એમનું પાર્થિવ શરીર એમના પરિવારને આપવાને બદલે શરીરના ટુકડા કરીને જેલની પાછળના દિવાલ તોડીને સતલુજ નદીના કિનારે લઈ ગયા. જ્યારે પોલીસ એ શહીદોના શરીરના ટુકડાઓને સળગાવ્યા ત્યારે ગામના લોકોને ખબર પડી અને વાત લાહોર સુધી પહોંચી ગઈ અને પછી બહુ જ સન્માન સાથે “ઇંકલાબ ઝિદાબાદ”, “ભગતસિંહ ઝિંદાબાદ”, “સુખદેવ ઝિંદાબાદ”,”રાજગુરુ ઝિંદાબાદ” ના નારા સાથે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યાં. 1961 પહેલા આ જગ્યા પાકિસ્તાનની સરહદમાં આવતી હતી, પણ પછી આ જગ્યા ભારતમાં આવે એ માટે પાકિસ્તાનને 12 ગામ આપવામાં આવ્યાં હતાં. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની યાદમાં શહીદ સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. 8 એપ્રિલ 1929 ના રોજ ભગત સિંહ સાથે જેમણે દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બ્લીમાં બોમ્બ ફેંક્યો હતો, એ બટુકેશ્વર દત્તની અંતિમ ઇચ્છા પ્રમાણે એમના પણ અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતા. હુસૈનીવાલા ગામમાં સાંજે “રીટ્ર્રટ સેરેમની” થાય છે, એ પણ જોવાલાયક છે. પંજાબ જાવ તો હુસૈનીવાલા ગામની મુલાકાત અને ભગતસિંહ, સુખદેવ, રાજગુરુની યાદ કરવાનું ચુકતા નહીં. આટલી બધી કુરબાનીઓ પછી દેશને આઝાદી મળી છે તો એ આઝાદીને કાયમ રાખીએ, દેશને આબાદ રાખીએ અને દેશને આગળ વધતો રાખીએ એ જ શહીદોને સાચી શ્રધ્ધાંજલિ.

શહીદ-એ-આઝમ ભગતસિંહના જીવન વિશે વધારે જાણવા માટે આ ત્રણ પુસ્તકો વાંચવા વાંચજો:

1. Bhagat Singh: The Jail Notebook and Other Writings, Written by Bhagat Singh and Chaman Lal

૧. ભગત સિંહ: જેલ નોટબૂક અને તેમના લખાણો. લેખક: ભગત સિંહ અને ચમન લાલ

2. The Trial of Bhagat Singh: Politics of Justice, Written By A.G.Noorani

૨. ધ ટ્રાયલ ઓફ ભગત સિંહ: પોલિટિક્સ ઓફ જસ્ટિસ, લેખક: એ.જી.નૂરાની

3. Without fear: Life and trial of Bhagat Singh, Written by Kuldeep Nayar

૩. વિથઆઉટ ફીયર: લાઇફ ઍન્ડ ટ્રાયલ ઓફ ભગત સિંહ, લેખક: કુલદીપ નાયર