Sour mandano anokho taro suraj dada padhaar rahe hai. books and stories free download online pdf in Gujarati

સૌર મંડળનો અનોખો તારો “સુરજ દાદા” પધાર રહે હે!

વહેલી સવારમાં સાડા ત્રણ ને મોબાઇલનું અલાર્મ બંને એકસાથે વાગ્યા. (સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે સાડા ત્રણ વાગ્યા અને અલાર્મ વાગ્યું. સમજાયું? ) બારીની બહાર નઝર કરી તો મારા ઘરની બહારથી ચાંદામામા મારા રૂમમાં ઝાંખી રહ્યા હતા. પછી તો ઉઠ્યો, ફ્રેશ થયો, નાહયો, પેટની ટાંકીમાં ફ્યુલ નાખ્યું ને ગાડી લીધી, ગાડી ઓન, મ્યુઝિક ઓન ને 'યૂહી ચલા... ચલા રાહી...યૂહી ચલા...' સ્વદેશ મૂવી નું સોંગ ચાલુ કરી યુહી નિકલ પડા. મારી સાથે એક હાથિણી જેવી સફેદ ગાડી અને મારો એક જિગરી. અમારા જેવા અંજાનને રાહ બતાવનારી GPSનો સાથ. રસ્તામાં મસ્તી,વાતો, ગરબા, ગુજરાતી ગીત ને ઘણા બધા જલ્સા સાથે 100 કિલોમીટર જેટલું અંતર ક્યારે પતી ગયું ખબર જ ના પડી!! અમારે તો જોવા જવું તો એક રોયલ દ્રશ્ય જોવા. એ 24 કલાકમાં એક જ વાર દેખાય એવું હતું. શું હશે એ!! વિચારો વિચારો!!!

હજુ તો સૂર્યોદય થવાની વાર હતી ને અમે તો પહોચી ગયા. સૂર્યોદય પહેલાના વાતાવરણ જોઈને તો એવું જ લાગે કે કોઈ મહારાજાની એન્ટ્રી થવાની છે. અંધારુંમાથી ધીમે ધીમે અજવાળું થાય ત્યારે પક્ષીઓ એક નવા દિવસના સવારને વધાવવા માટે આકાશમાં આમ તેમ ઉડવા લાગે. માણસની સાથે સાથે પક્ષી અને પ્રાણીઓનો પણ નવો દિવસ. નવો દિવસ એટલે નવો જન્મ. નવો દિવસ એટલે નવો ઉત્સાહ, ઉમંગ. નવો દિવસ એટલે નવીન જિંદગી. નવો દિવસ એટલે નવી લાઇફલાઇન મળવાનો એહસાસ. નવો દિવસ એટલે નવ ખુશ્બુ, નવ તરંગ, નવ ઉષ્મા. નવો દિવસ એટલે લોકોને ફરી એકવાર પ્રેમ કરવાનો મોકો. નવો દિવસ એટલે નવી વસ્તુ શીખવાનો મોકો. નવો દિવસ એટલે જૂની ભૂલો ભૂલીને આગળ વધવાનો મોકો. નવો દિવસ એટલે ભગવાને આપેલી નવી તક. નવો દિવસ એટલે પોતાના કર્મો સુધારવાની તક. નવો દિવસ એટલે જ્ઞાન આગળ વધારવાની તક. નવો દિવસ એટલે પોતાના ગમતા માણસ સાથે જીવન જીવવાની તક. આવા જ એક નવા દિવસને વધાવવા માટે અમે નાયાગ્રા વોટરફોલ(પાણી નો ધોધ)ની બાહોમાં જઈને બેસી ગયા. માણસ જેમ સવાર સવારમાં ઉઠવાની સાથે આળસ લે, અંગડાઇ લે, એવી જ રીતે કુદરત એની સવાર પહેલા અંગડાઇ લેવાના મૂડમાં હતી. કુદરતના રાતના આળસ પછી એની સવારના સ્ફૂર્તિમાં બદલતા જોઈ. તમે અંધારું અને અજવાળું બંને એકસાથે જોયા છે? જો ના જોયા હોય તો ઘરની બહાર સૂર્યોદયના અડધા કલાક પહેલા જઈને અવલોકન કરજો. જેમાં અજવાળું અને અંધારું બંને દેખાય જશે. એ જોઈને જ ઘણું બધુ તમને સમજાઈ જશે. અંધારામાથી અજવાળું કરતી વખતે ખબર નહીં ભગવાન કઈ લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં હશે!!! અને એ લાઇટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવાવાળો કેવો મજાનો ઇલેક્ટ્રિશિયન હશે!!! માણસ ભલે ગમે તેટલી પ્રગતિ કરી લે, પણ સવારના એ દ્રશ્ય, સવારમાં મળતી તાજગી, સવારની સ્ફૂર્તિ, સવારમાં મળતો ઓક્સિજન, પક્ષીઓના કલરવના અવાજ આ બધુ મનુષ્ય ક્યારેય પણ કોપી કરી શકશે નહીં.

તો પાછા બેક ટુ નાયાગ્રા. નાયાગ્રા પહોચતા પહેલા કુદરતે અનોખી રીતે અમારું સ્વાગત કર્યું. વરસાદના છાટાં, ઠંડો પવન, ગુલાબી ઠંડી ખુશખુશાલ મનથી કુદરત એની બંને હાથ પહોળા કરીને શાહરૂખ ખાનની જેમ અમારી રાહ જોઈને જ ઊભી હતી. ઠંડો પવન અને ગુલાબી ઠંડી હાથના બેસેલા રુવાટાને ઊભા કરી ગ્યુસબમ્પ(goosebump) કરી આપે એટલું સોહામણું હતું. નાયાગ્રા વહેલી સવારે પહોચીને જે દ્રશ્ય જોયું એ જન્નત જેવુ જ હતું. આંખો અભિભૂત થઈ ગઈ. જ્યારે અંધારામાથી અજવાળું થતું હોય ત્યારે 50મીટરથી વધારે ઊંચાઇથી પાણીનો પડતો ધોધ સાક્ષાત શિવના જટામાથી નીકળતી ગંગા હોય એવું જ લાગે. પથ્થરને કોતરીને ફેકી દેતી, બેકાબૂ, અલમસ્ત, ખડખડ વહેતી, અવાજ કરતી, પોતાના પ્રવાહના વચ્ચે આવનારને પોતાના જ વહેણમાં લઈ જતી. પણ, પાણી એકદમ નિર્મળ, શુધ્ધ. ગંદગીને એક પોતાના નજીક પણ આવા દીધી નહીં. જો ગંદગી આવે તો એને ઊચકીને કિનારા પર ફેકી દે. ક્યારેક જીવનમાં આવા લોકો પણ આપણને મળી જાય છે. એકદમ અલમસ્ત, પોતાની જ ધૂનમાં, કોઈનું સાંભળે નહીં, પોતાનું ધાર્યું જ કરે, એને લોકો સાથે ફાવે તો ઠીક, ના ફાવે તો જાતે જ કિનારો કરી દે, મનમાં કોઈ પાપ ના હોય, પણ ઉપરવાળા એ કોઈ સ્પેશિયલ મિશન પર મોકલ્યા હોય એવી રીતે જ રહે. આપણે આવા લોકોને ‘ધૂણી’ છે એવું જ કહીયે છીએ, પણ કદાચ આવા જ લોકો દિલના એટલા જ ચોખ્ખા જ હોય છે. અલબત્ત, આવા પાણીના પ્રવાહને જોઈને શિવ તાંડવ સ્ત્રોતનો એક શ્લોક યાદ આવી જાય:

જટાકટાહ સંભ્રમભ્રમન્નિલિંપ નિર્ઝરી-

-વિલોલ વીચિ વલ્લરી વિરાજ માન મૂર્ધનિ |

ધગદ્ધગદ્ધગજ્જ્વલ લ્લલાટ પટ્ટપાવકે

કિશોર ચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમ II

(ખુબ જ ગંભીર કટાહરૂપ જટાઓંમાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી દેવનદી ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર લહેરી રહી છે તેમજ જેમના મસ્‍તકમાં અગ્નિની પ્રચંડ જ્‍વાળાઓ ધધક કરીને પ્રજ્‍વલિત થઈ રહી છે, એવા બાલ ચંદ્રમાથી વિભૂષિત મસ્‍તકવાળા શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે.)

અહીં મારા મોબાઇલની બ્રાઇટનેસ વધી ને ત્યાં કુદરત એ પોતાની બ્રાઇટનેસ વધારી એ દ્રશ્ય પહેલા આંખના લેન્સમાં કેદ કર્યું ને પછી કેમેરાના લેન્સમાં. આ મજા, યાદ અને અનુભવ લાંબા સમય સુધી તો યાદ રાખવી જ પડે ને!!! આ બધા દ્રશ્યોની વચ્ચે શંખનાદ જેવો પક્ષીઓનો કલરવ, ખડખડ વહેતા પાણીના અવાજ વચ્ચે ધ પાવર ઓફ યુનિવર્સ( The power of Universe), બ્રહ્માંડનો શક્તિશાળી તારો, અબજો વર્ષોથી આ પૃથ્વીને પ્રકાશ ને ઉર્જા આપનારો, જેને આપના પ્રાચીન વેદોથી લઈને હાલના વૈજ્ઞાનિકો જેમની પૂજા કરે છે એવા સૂર્યદેવના આગમનની અમને જાણ થઈ ગઈ. જ્યારે માણસને કમળાની બીમારી થાય ત્યારે માણસનું શરીર પીળું પડવા લાગે, તેમ જ સૂર્યના આગમન પહેલા ક્ષિતિજના ભાગ કેસરિયા થવા લાગ્યો. જેમ હનુમાનજીને ઊગતા સુરજને કોઈ ફળ સમજીને ખાવાનું મન થયું હતું, એટલું જ સરસ કોઈ ફળ જ લાગે જે પૂર્વ દિશામાથી દરરોજ સવારે નીકળે. બે હાથ પહોળા કરીને અમે તો ઊગતા સૂર્યને અમારી હાથમાં વધાવી દીધો. જળ અર્ધ્ય આપવાનું મન થઈ જાય. બે આંખો બંધ કરી સુરજ દાદાને આટલું જ કહવાનું મન થાય કે,

ૐ સૂર્યાય નમ:

પાણીના ધોધથી થોડુક આગળ ગયા તો એક અવલોકન નોંધ્યું કે પૂરનું ખતરનાક પાણી કેવું હોય??!! એવી જ રીતે પાણીના ધોધ સ્વરૂપે ધસમસતું પાણી જ્યારે કિનારા પર આવે છે ત્યારે શાંત, ધીર, ગંભીર બની જાય છે. આવું કેમ? કદાચ,કોઈ પણ સહારા વગર સમય ની સાથે વહેતા પાણી ને કોઈ કિનારાની જ જરૂર હશે. જે કિનારો પાણીને સાચવે ને જે એની પાસે રાખે ને એનું ધ્યાન રાખે. આપણા જીવનમાં પણ ક્યારેક આવું જ થાય છે. જીવનમાં પણ દરેક માણસને એવા એક કિનારાની જરૂર હોય છે. એક કિનારા જેવા ખભાની જરૂર હોય છે. એ ખભા પર સાંજ ગુજારી શકે. જે ખભા પાસે શાંત, ધીર, ગંભીર, મનને હળવું કરી શકે, હસમુખું બની શકે. અને, આપણે પણ કદાચ એની જ તલાશમાં ક્યાક ને ક્યાક હોઈએ છીએ. એ જ તલાશ પહેલા સજીવ માટે હોય છે, જેમ કે લાઇફ પાર્ટનર, કોઈ ફ્રેન્ડ, કોઈ અજાણ વ્યક્તિ કે પછી કોઈ પણ. છેલ્લે કોઈ ના મળે તો માણસ પોતે પાલતુ પ્રાણી નો શોખ રાખી લે છે. અહીં કેનેડામાં જ નહીં, પણ ઈન્ડિયા માં પણ ઘણા બધા એવા ઉદાહરણો જોયા છે કે કૂતરો કે બિલાડી પાળે અને પછી એને જીવની જેમ સાચવે. ધે નીડ જસ્ટ ફોર કેરિંગ એન્ડ શેરિંગ( They need just for sharing and caring). અને જો સજીવ પણ ના મળે તો નિર્જીવ વસ્તુનો સહારો લે છે. જેમ કે, શોખ. લખવું, વાંચવું, ફરવું, રસોઈ, ટ્રાવેલિંગ બીજું ઘણું બધુ વગેરે વગેરે. ક્યારેક એ તલાશ આપણી સફળ વહેલી થઈ જાય, ક્યારેક મોડી થાય છે. પણ, આ બધા કરતાં અગત્યનું એ છે કે આપણને આ તલાશ કરતાં પહેલા શેના માટે અને કોની માટે તલાશ કરીયે છીયે એ ખબર પડે. તો પછી, આટલુ વાંચ્યા પછી એકાંત બેસીને વિચારો કે તમને કોની તલાશ છે??!! આ પ્રશ્નનો જવાબ તમારા દિમાગને નહીં, પણ તમારા દિલને જ ખબર હશે. તમારા દિલને જ પૂછજો હો.!!!! અહીં, તમને એક ઈશારો આપીને જાવ છું.

તમે જો શક્ય હોય તો આ સમરમાં નાયગ્રા વોટર ફોલ પર સન રાઇઝ (ઊગતો સુરજ) જોઈ આવજો. મજા આવશે.!!!

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED