"મુસાફરો, વાવાઝોડા ને કારણે આગળ નો રસ્તો અસ્પષ્ટ બન્યો છે માટે થોડો સમય આપણે અહીં જ વિશ્રામ કરીશું. " કંડક્ટર ના અવાજ થી વાસ્વી ની તંદ્રા તૂટે છે. આગળ વળી ને જુએ છે તો ખરેખર તોફાની વાતાવરણ એ ધુમ્મસ ની રચના કરેલી હતી. જાણે વાદળો જ ધરતી પર ઉતર્યા સમજો. વાતાવરણ સારુ હતું પણ ડ્રાઇવિંગ માટે જોખમી હતું. રાજકોટ થી ભાવનગર જતી ખાનગી વોલ્વો બસ હતી. વાસ્વી ને આમ તો હેડ ઓફિસ રાજકોટ હોવાના લીધે અવાર નવાર ભાવનગર થી રાજકોટ જવાનુ થતું.એમાંની જ આ એક મુસાફરી હતી.
***** ****** ****** ****** ******
આજ સવાર થી જ વાસ્વી નું મન ચકરાવે ચડ્યું હતું. ટ્રેનિંગ દરમ્યાન પણ એ વિચારો માંજ ખોવાયેલી હતી. વાસ્વી દેસાઈ એક મહેનતુ અને હોનહાર ઓફિસર છે. ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ માં એક સ્ત્રી ઓફિસર તરીકે એની સારી છાપ છે, નામના છે. જોકે અહીં સુધી પહોંચવામાં એણે ઘણી મહેનત કરી છે. વિધવા માતા નું એક નું એક સંતાન. એમાંય આર્થિક સ્થિતિ સામાન્ય. એટલે પેલેથી જ મહત્વકાંક્ષી જીવ. દુનિયાની દરેક ખુશી માતા ના ચરણો માં લાવી દેવા તત્પર એવી વાસ્વી.શિક્ષણ ના દરેક પડાવ માં પ્રથમ એવી વાસ્વી આખરે તો એક યૌવના. ગુલાબી લાગણીઓ એના મન માંય ધબકતી હતી. એ લાગણી નું નામ હતું વિમર્શ. વાસ્વી નાં સપનાઓ ને પાંખો આવી ત્યારે જ બરાબર વિમર્શ નામની ડાળ ઝૂકી અને સપનાઓ એ એમાં માળો બાંધવો શરુ કર્યો. પણ એ પાંખો વાળા સપનાઓ ને વાચા આવે એ પેલા તો.... અજાણ્તા જ આજ સવારથી વિમર્શ જાણે એની સ્મૃતિપટલ પર અડ્ડો જમાવી બેસી ગયો હ્તો. આમ તો વિમર્શ ક્યારેય ભુલાયો જ નથી કે એને યાદ કરવા પડે. એનો સદાય હસ્તો ચેહરો, ઝીણી આંખો, તીખું નાક ખબર નહીં કેમ પણ વાસ્વી ને ખુબ જ ગમતો વિમર્શ. હજુ આજેય એનો ચેહરો વિચારતા જ વાસ્વી કોઈ પણ અઘરી પરિસ્થિતિ માંય મલકાઈ ઉઠે છે. વાસ્વી ને એ ઘણું મોડું સમજાયું કે આ એનો પ્રથમ અને સ્વભાવગત આખિરી પ્રેમ છે. સ્વભાવગત એટલે જીવન માં પ્રથમવાર બનેલી બધી જ ઘટનાઓ વાસ્વી ને માટે વિશિષ્ટ છે. વાસ્વી નાં સ્મૃતિપટલ માં એવુ તો એ છપાઈ જાય છે કે એ ઘટના કે વ્યક્તિ નું સ્થાન બીજું કોઈ લઇ નથી શકતું. વિમર્શ એમાંનો એક છે.
******* ******* ******* ******* ***
"અલ્પવિરામ " રેસ્ટહાઉસ એન્ડ રેસ્ટોરન્ટ માં મુસાફરો આશરો લે છે. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણ ભીનું અને સુગંધી છે. ભીની માટી ની મહેક વાસ્વી ને બાળપણ થી ગમે છે. વાસ્વી એક ઊંડો શ્વાસ લઇ ને આમતેમ જુવે છે. કોઈ સિંગલ ટેબલ ખાલી નથી. લગભગ સમાંતર ચાલતા બધા વાહનો એ અહીજ આશરો લેવો પડ્યો છે.
વેટર એને એક ટેબલ ચીંધે છે. જે સાવ તો ખાલી નથી પણ એમાંની એક જ ખુરશી રોકાયેલી છે. બીજો કોઈ રસ્તો ન હોવાથી વાસ્વી ટેબલ તરફ દોરાય છે. ખુરશી ખેંચી ને બેસવા જતા એક ઊડતી નજર સામે બેસનાર પર નાંખે છે. એક સુખદ આશ્ચર્ય સાથે વાસ્વી નું હૃદય ધબકારો ચુકી જાય છે ને પછી સામાન્ય કરતા વધુ ગતિ થી ધબકે છે. બિલકુલ એજ રીતે જે રીતે વિમર્શ ની સામે જોતા ધબકતા હતા. આજે પણ વિમર્શ ને જોઈ ને જ.
હા વાસ્વી એ વિમર્શ જ છે ની ખાતરી થતા એણે સામાન્ય થવાની ઘણી કોશિશ કરે છે પણ થઈ નથી શકતી. અને થાય પણ કેમ? સામે જ એની દુનિયા હતી. પણ વિમર્શ તો પેલા ની જેમ જ બેફિકરો બની કોફી નાં સીપ લીધે જ જાય છે. જાણે સામે કોઈ જ નથી.
****** ******* ****** ****** *******
વાસ્વી થોડીવાર એકીટશે વિમર્શ સામું જોયા જ કરે છે જેમ આઠેક વર્ષ પહેલા જોયું હતું બંનેએ એકબીજા સામું પહેલી અને આખિરી વાર. વાસ્વી તો એ લાગણી માંથી બહાર આવીજ નથી શકી. એ તારા મૈત્રક હતું. પહેલી નજર નો પ્રેમ. વાસ્વી મનોમન બબડી રહી :"તમને યાદ કર્યા છે વિમર્શ... ખુબ યાદ કર્યા છે... હર પળે, હર ક્ષણે... ખુશીઓ માં, મુશ્કેલી ઓ માં, સફળતા ઓ માં, નિષ્ફતા ઓ માં... ન જાણે કેમ તમને જ સાથે જોયાછે. સાથે ના હોવા છતાંય, પાસે ના હોવા છતાંય, એક સાંત્વના, એક શક્તિ એક પ્રેરણા રૂપે મેં તમને કાયમ જોયા છે. ઈશ્વર પ્રત્યે ની ફરિયાદ માં, પ્રાર્થના માં બધેજ. મારી સપના રહિત કોરી આંખો માં જો સ્વપ્ના ના વાવેતર થયાં હોય તો એ મબલખ સપનાંનાં મૂળ માં તમે જ છો. I love you... "
વિમર્શ અચાનક આંખો ઊંચી કરી ને જુવે છે. જાણે વાસ્વી નું મનોમંથન પામી ગયો હોય. ફરી ક્ષણ બે ક્ષણ નજર મળે છે બેય ની. વિમર્શ ની આંખો માં પરિચય ના ભાવ દેખાય છે પણ વાસ્વી નું રોમ રોમ પુલકિત થાય છે. રગે રગ માં ઝણઝણાટી થાય છે.
... "અરે પપ્પા તમે અહીં છો... જો વરસાદઅને તોફાન શમી ગયું ચાલો નીકળીએ.... " લગભગ ત્રણ ચાર વર્ષ ની છોકરી એની મમ્મી નો હાથ પકડી ને આવી અને વિમર્શ ને ઉદ્દેશી ને બોલે છે. વાસ્વી વિસ્ફારિત નજરે બંનેય ને જોયા કરે છે. લાગે છે અંદર કંઈક તૂટ્યું છે. હવે બહાર ના તોફાને સ્થાન બદલી ને વાસ્વી ની અંદર જમાવ્યું છે.
વાસ્વી એમને જતા જોઈ રહે છે. ત્યાં પેલી છોકરી દોડીને ચોકલેટ ની દુકાન પર જાય છે. વિમર્શ એને સંબોધી ને બોલે છે....
"વાસ્વી બેટા, ચાલો પછી મોડું થશે.... "
અને એક તીખી નજર વાસ્વી પર નાખી ને જતા રહે છે.
તોફાન ખરેખર શમી ગયું છે... અંદર પણ અને બહાર પણ.
***** ****** ******* ******* ******
*તારામૈત્રક = પ્રથમ દ્રષ્ટિ નો પ્રણય