સુખદ મેળાપ - 3 Kinjal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખદ મેળાપ - 3

સ્મૃતિએ બીજા ઘણા પ્રશ્નો પૂછ્યા અને મિહિર ત્રિપાઠી એ બધાના શાંતિથી જવાબ આપ્યા, ત્યારે સ્મૃતિએ કહ્યું.

સ્મૃતિ : મિસ્ટર ત્રિપાઠી, માફ કરજો જો મારાથી કંઈ ખોટું પુછાઇ ગયું હોય તો, પણ એક છેલ્લો પ્રશ્ન પછી હું તમને કઈ નહિ પૂછું.

આ વખતે જવાબ નીતીશે આપ્યો.

નીતીશ : જો તમારા સવાલ પતિ ગયા છે તો હવે બીજું શું પૂછવાનું બાકી છે? હવે અહીં ઇન્ટરવ્યુ પૂરો કરો, મારા પપ્પાનો આરામ કરવાનો સમય થઇ ગયો છે.

સ્મૃતિ : મિસ્ટર નીતીશ ત્રિપાઠી, મારો એવો કોઈ જ આશય નથી કે મારા કારણે તમારા પિતા ને કોઈ તકલીફ થાય. હું મારું કામ જ કરું છું.

ઓફિસનું વાતાવરણ તણાવ ભર્યું થઇ ગયું એટલે મિહિર ત્રિપાઠી એ વચ્ચે હસ્તક્ષેપ કર્યો. એક છેલ્લો જ પ્રશ્ન છે ને બેટા, પૂછી લેવા દે એણે.

સ્મૃતિ એનો છેલ્લો પ્રશ્ન પૂછવા માટે તૈયાર થાય છે.

સ્મૃતિ : મિસ્ટર મિહિર ત્રિપાઠી, તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા? તમને લગ્નના સંબંધમાં ભરોસો નથી કે પછી કોઈની યાદના સહારે જીવન ગાળી રહ્યા છો?

મિહિર ત્રિપાઠી આ સાંભળી સ્તબ્ધ થઇ જાય છે જે પ્રશ્નની એમણે બીક હતી એ જ પ્રશ્ન આ છોકરીએ પૂછી લીધો અને આપેલ વચન પ્રમાણે એમણે જવાબ આપવો જ પડશે. જેણે વચન આપ્યું હતું એના જ વિશે વાત કરવાની હતી ખબર નહિ કેવી રીતે બધું કહી શકશે કદાચ એ પહેલા એમના પ્રાણ ના નીકળી જાય.

જે સવાલ પૂછવામાં આવ્યો હતો એનો જવાબ ખૂબ જ સરળ છે એટલો જ મુશ્કેલ પણ છે કે એણે શબ્દોમાં વર્ણવવો અશક્ય હતો. છતાંય આ સવાલનો જવાબ આપવો રહ્યો કારણ કે પોતે આપેલ વચન તોડી શકે એ સ્થિતિમાં એ પોતે નહોતા એટલે પોતે હિંમત એકઠી કરીને જવાબ આપવાનો નિર્ણય કર્યો.

મિહિર ત્રિપાઠી : સ્મૃતિ, તારા સવાલનો જવાબ આપવા માટે મારે સમય જોઈશે, શું તું મને એટલો સમય આપી શકીશ?

સ્મૃતિ : મિસ્ટર ત્રિપાઠી, જો એવું જ હોય તો ઠીક છે. હું સાંભળવા તૈયાર છું અને સમય આપવા પણ તૈયાર છું બસ એક શરત છે.

અને એ શું છે, નીતીશ ગુસ્સામાં બોલી ઉઠ્યો. હવે એ એના પિતાની પાસે ઊભો હતો.

સ્મૃતિ : (સ્મૃતિએ કઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના જ જવાબ આપ્યો) તમારે જે પણ કહેવું હોય એ વિસ્તારથી અને પૂરેપૂરું કહેજો.

મિહિર ત્રિપાઠી : ઠીક છે.

આટલું કહી મિહિર ત્રિપાઠી એ રૂમમાંથી બહાર ચાલ્યા ગયા અને થોડીવાર પછી એક બોક્સ લઇ આવ્યા. નીતીશે તરત એ બોક્સ પોતાના પિતાના હાથમાંથી લઇ લીધું અને ટેબલ પર મુક્યું. એ બોક્સ જોતા તો બહુ જ જૂનું લાગતું હતું પણ એણે બહુ સારી રીતે સાચવવામા આવ્યું હતું અને મિહિર ત્રિપાઠી એ બોક્સને એવી રીતે લઈને આવ્યા હતા જાણે એમાં કોઈ કિંમતી વસ્તુ હોય.

મિહિર ત્રિપાઠી : મને ખબર છે આ બોક્સ જોઈને તારા મનમાં ઘણા સવાલ ઊભા થયા હશે અને બધાનો જવાબ એક જ છે, ધીરજ. ધીરજ રાખજે બધા જ જવાબ મળી જશે અને આપણે જેની વાત કરવાના છીએ એની હાજરી પણ હોવી જ જોઈએ ને. મારા ખ્યાલથી તને વાંધો નહિ હોય.

સ્મૃતિ આશ્ચર્યથી આ બધું જોઈ રહી હતી, એણે વિશ્વાસ નહોતો થતો કે એ એના લક્ષ્યના આટલી નજીક બેઠી છે એ ફક્ત હકારમાં પોતાનું માથું હલાવી શકી, બીજું કંઈ બોલવા માટે એની પાસે શબ્દો જ નહોતા. હવે બસ થોડી જ વાર હતી પછી એ એના લક્ષ્ય સુધી પહોંચી જશે અને એણે આપેલ વચન પણ પૂરું થઈ જશે. સ્મૃતિ આ વિચારી જ રહી હતી એટલા માં જ મિહિર ત્રિપાઠીએ પોતાની વાત શરૂ કરી.

- કિંજલ પટેલ (કિરા)