કોરોનાની પંચાત Rana Zarana N દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોનાની પંચાત

કોરોના, કોરોના, કોરોના. મગજનું દહીં થઇ ગયું ભૈશાબ !! આખો દાડો જે ન્યુઝ ચેનલ જોઈએ એના પર કોરોનાની જ મોકાણ. ઘેર રૈ ને કરોય શું આખો દાડો, આપણને એમ કે લાવો થોડા અપડેટ જોઈ લઈએ પણ આ ન્યુઝ ચેનલ વાળાઓ ભૂલી ગયા લાગે છે કે દુનિયામાં કોરોના સિવાયના બીજા સમાચારો પણ હોઈ શકે!!
દેશના કોરોના ના આંકડા, રાજ્યવાર માહિતી જિલ્લાવાર માહિતી અને પાછા એના ગ્રાફિક્સ. વળી પાછી કોણે, ક્યાં અને કેવી રીતે લોકડાઉન તોડ્યું એનું પિષ્ટપેષણ. કોઈ ને કોઈ રીતે આખો દિવસ એકની એકજ વાતો કરવી અને સાંજ પડે એટલે તેમાંથી કોઈ પણ એક વિષય પર નિષ્ણાતો સાથે વળી પાછી ચર્ચાઓ !! વળી પાછી લેટેસ્ટ અપડેટ અને રાત્રે સૂતી વખતના ડોઝમાં વળી પાછું એડિટર દ્વારા આખા દિવસનું પિષ્ટપેષણ !
ભૈશાબ હવે તો સોશિઅલ મીડિયા પણ કોરોનામય થઇ ગયું છે. દરેક વિષયના નિષ્ણાતોમાં આ એકાદ મહિનામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. કોણ કે છે કે ભારત માં નિષ્ણાંતો ની કમી છે? જો હું તમને વિષયો ગણાવું - એકટિંગ, ફિટનેસ, હોબી, ઘરગથ્થુ ઉપચાર, મોટિવેશન વગેરે વગેરે. અને વળી આ બધામાં કુકરી વાળાઓએ તો માઝા મૂકી છે. રોજ જુદી જુદી રેસિપીઓ મૂકી મૂકીને બૈરાંઓનું તો લોહી પી ગયા. આ બધી રેસિપીઓ જોઈ જોઈને ઘરના સભ્યોની રસેન્દ્રિયે તો માઝા મૂકી છે. નવી નવી આઇટમો ખાવાની ડિમાન્ડ વધી ગઈ છે.
બિચારી ગૃહિણીઓનું તો કોઈ વિચારતું જ નથી. પાછા દલીલ કરે કે અમે આખી ઓફિસ કે ફેક્ટરી ચલાવીએ છીએ ને તમારાથી આટલું ઘર નથી ચાલતું? હવે એમને કોણ સમજાવે કે અહીંયા તો ભાઈ પ્રોક્યોરમેન્ટ, પ્રિ પ્રોડક્શન, પ્રોડક્શન બધાજ ડીપાર્ટમેન્ટ એકલે હાથે સાંભળવા પડે છે !! વળી પાછા કામવાળાઓ નહીં !!!આવડો મોટો દુઃખનો ડુંગર તૂટી પડવા છતાં હિંમત રાખીને નિભાવે જઈએ છીએ. અને પાછી બ્યુટીપાર્લર નઈ જાવાનું, શોપિંગ બંધ, કેટલીય લેડીઝ તો એમ ને એમ જ ડિપ્રેશનમાં આવી જશે !!
સૌથી વધુ દાટ તો આ ટીક ટોકિયાઓએ વાળ્યો છે. આખો દિવસ જાતભાતના વિડિઓ બનાઈ બનાઇને ઠપકારે જ પાર કરે છે. આ પ્રજાતિને છૂટો દોર મળી ગયો છે. એમાં અમુક લોકોના વિડિઓ સારા પણ હોય છે પણ એ બધાની સફળતાથી પ્રેરાઈને બીજા ઘણા લોકો લાગી પડ્યાં છે !! ને એવા તો હથોડા મારે છે કે માથાના ભુકે ભુકા નીકળી જાય!!
કોરોના કાળને સૌથી વધારે એન્જોય તો બચ્ચા પાર્ટી કરે છે. જે પપ્પાનું ડાચું સામાન્ય દિવસોમાં જોવાય ન મળતું હોય એવા પપ્પાશ્રીઓ બાળ ઉછેરમાં સક્રિય ભાગ લઇ રહ્યા છે. હવે એ તો માતાઓ જ કહી શકે કે એ ભાગ સર્જનાત્મક છે કે વિસર્જનાત્મક !!! સ્કૂલમાં રજા, ટ્યુશનની મોકાણ નઈ ને વળી પાછી હોબી કલાસ ની મગજમારીએ બંધ. આખો દિવસ ખાઈ પી ને જલસા. બિચારા બાળકોને તો આવું બધું ભણાવેલું પણ ખરેખર ખાઈ પીને જલસા કોને કહેવાય એ તો એ લોકોને હમણાંજ ખબર પડી !
અને વળી સિનિયર સિટીઝન્સ ને પણ આમ તો જલસા જ.સામાન્ય દિવસોમાં વહુ ને દીકરો બન્ને હડકાયાંની જેમ નોકરી ધંધે જવા દોડતા હોય. બિચારા બાળકો ને પણ હૈડ હૈડ કરતા હોય ને એમનુંતો કોઈ સાંભળવા નવરું જ ના હોય.એના બદલે આજકાલ બધા સભ્યો ઘરમાં ને ઘરમાં, બાળકોને પણ દાદા દાદી જોડે સમય પસાર કરવાનો સમય મળી જાય. બચ્ચાઓ પણ ખુશ ને દાદા દાદીઓ પણ ખુશ.બધા ખુશમ ખુશ !!
અમુક વાર તો હાળું એમ થાય કે આપણે જીવન જીવવાનું ભૂલી ગયતા.આ કોરોનાએ શીખવાડ્યું !!!