Ek raatni mulakaat books and stories free download online pdf in Gujarati

એક રાતની મુલાકાત...
એક રાતની મુલાકાત...


રાતના લગભગ અગિયાર વાગવા આવ્યા હતા. વેકેશન નો સમય હોવાથી બધી બસો નું બુકિંગ ફૂલ હતુ સાડા અગિયારની બસમાં એક સીટનું બુકિંગ મલી ગયું હતું. ઘણા લાંબા સમય પછી ઘરે જઈ રહ્યો હતો, જેનો આનંદ મારા ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો. આમ પણ હોસ્ટેલમાં રહીને ભણતા હોઈએ ત્યારે ઘરે જવાનો આનંદ જ અનેરો હોય છે. બસ તેના નિર્ધારિત સમયે આવી ગઈ, બધા પોતપોતાની રિઝર્વ સીટ ઉપર બેસવા લાગ્યા. હું પણ મારો સામાન લઈને મારી બુકિંગ વળી સીટ માં બેસી ગયો. બે જણ ની સીટ માં મારી બાજુની વિન્ડો વાળી સીટ ખાલી હતી. ત્યાંજ મારી નજર બસમાં ચડી રહેલ એક યુવતી પર પડી. લગભગ મારીજ ઉંમરની લાગતી, ઓલિવ ગ્રીન કલરનું ટી-શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલ, તે યુવતી હું બેઠો હતો તે તરફ આવી રહી હતી. ન જાણે કેમ પણ સુંદર આકર્ષક ચહેરો અને તેજ આંખો વારી તે યુવતી જેમ મારી વધુ નજીક આવી રહી હતી, તેમ મારા હૃદયના ધબકરા તેજ થવા લાગ્યા. તેનું આખુંય વ્યક્તિત્વ એક જ નજરે મને આનંદિત કરી મૂક્યો. હું થોડો સચેત થયો ત્યાંજ તે મારી સીટ સુધી આવી ગઈ, સામાન ઉપર મૂકી મારી બાજુની ખાલી સીટ તરફ આંગળીનો ઈશારો કરી ત્યાં બેસવાની પરવાનગી માંગતા તે બોલી;

'ત્યાં બેસુ હું?'

તે બોલવાનું પૂરું કરે તે પહેલા જ, મેં બાજુમાં જવા માટે રસ્તો કરી આપ્યો. મારી બાજુની સીટ માં બેસતા જ મારી તરફ જોઈને તે બોલી;

"થેન્ક્યું.."

તેના જવાબમાં મારાથી કશુંજ બોલાયું નહીં. મેં માત્ર હસીને ડોક નમાવી.

પોતાની જ રિઝર્વ સીટ માં બેસવા પરવાનગી માંગવી, અને બેસીને પણ પાછો આભાર માનવો, આ યુવતીની સભ્યતા જોઇને મારું મન પ્રસન્ન થઈ ગયું. થોડી વાર પછી બસ તેના રૂટ ઉપર ચાલવા લાગી. લાઇટોથી ઝગમગતી શહેરની ઊંચી ઇમારતો દૂર જતી દેખાવા લાગી. બસ હાઇવે પર અંધારામાં પૂર ઝડપે દોડવા લાગી. બસમાં બેઠેલા બધા મુસાફરો લગભગ સુઈ ગયા હતા. એક હું આંખ મીચીને ઊંઘવાની વ્યર્થ કોશિશ કરી રહ્યો હતો. ત્યાંજ મારી નજર બાજુ માં બેઠેલ તે યુવતી તરફ પડતા, તે પણ બારી બહાર અંધારામાં દૂર દૂર સુધી જોઈ રહી હતી, જાણે કોઈ ઊંડો વિચાર કરી રહી હોય.
આ યુવતી બસમાં ચડી ત્યારથી જ તેનું વ્યક્તિત્વ અને તેની સભ્યતાએ મને પ્રસન્ન કરી દીધો હતો. તેના વિશે વધુ જાણવાની અને વાત કરવાની તીવ્ર ઝંખના મારામાં ઊંડે ઊંડે જાગી હતી. જેની શરૂઆત કરવાનું યોગ્ય સમય અત્યારે જ લાગતા, મેં ઘણી તાકાત એકઠી કરીને તેની તરફ ફરીને ધીમેથી કહ્યું;

'તમને પણ મારી જેમ મુસાફરીમાં ઊંઘ નથી આવતી'

તે ચમકી, જાણે તેણે મે વિચારોમાં વિક્ષેપ પાડ્યો હોય તેમ મારી સામે જોયું, થોડો સમય ચુપ રહી અને અચાનક થોડું હસીને ધીમેથી બોલી;

'હા'
બારી બહાર દૂર અંધારામાં જોતાં ફરી તે બોલી;
'મને મુસાફરીમાં ક્ષણેક્ષણનો આનંદ માણવો ગમે છે, જેથી ઊંઘ આવે તો પણ હું ઊંઘતી નથી.'

'અત્યારે તો બહાર બિલકુલ અંધારું છે કંઈ જ દેખાતું નથી, આમાં તમે શું આનંદ માણો છો”મેં કટાક્ષ કર્યો હોય તેમ મને લાગ્યું, મારે આવું નહોતું કહેવું જોયતું, તેમ બોલ્યા પછી મને લાગ્યું, પણ તેણે હસી ને એકદમ સરળતાથી ખુબ સુંદર જવાબ આપ્યો;

' માત્ર નરી આંખે જોયેલ દ્રશ્ય જ આનંદ આપનાર હોય એવું નથી હોતું, ઘણી વખત બંધ આંખે જોયેલ સ્વપ્નો અને ખુલ્લી આંખના અદ્રશ્ય વિચારો, નરી આંખે જોયેલા દ્રશ્ય કરતા પણ વધુ આનંદિત કરી દે છે'

તેનો જવાબ સાંભળીને હું ચૂપ થઈ ગયો. તેણે જે કહ્યું તે સ્પષ્ટ રીતે હું ન સમજી શક્યો તો પણ તેની વાત સાથે સહમત થતાં હું બોલ્યો;
'વાત તો તમારી એકદમ સાચી છે...'

'બાય ધ વે. તમને કેમ મુસાફરીમાં ઉંઘ નથી તે તો કહ્યું જ નહિ?' તેણે મારા વિશે પૂછતા. મને આનંદ થયો.

'કંઈ ખાસ કારણ નથી. પણ એમજ બસ ચાલતી હોય એટલે ઊંઘ નથી આવતી' મારી પાસે કોઈ સ્પસ્ટ જવાબ ન હતો તેના પ્રશ્નનો.

" ક્યાં સુધી જવાનું તમારે ? ' મહુવા' "
મેં અણધાર્યો પ્રશ્ન પૂછ્યો હોય તેમ મને લાગ્યું;

થોડું વધારે વિચારતા તે બોલી; 'હાલ તો આ બસ જ્યાં લઈ જાય ત્યાં.'

'તમે ફરવા નીકળ્યા છો, એમને' હું ઉત્સાહ માં આવીને બોલ્યો;

'હા, એમ જ સમજો ને, પણ સંપૂર્ણ ભારત ફરવા નીકળી છું.'

તેણે બોલેલા એક એક શબ્દો મેં સ્પષ્ટ સાંભળ્યો. છતાં પણ મેં પૂછ્યું;

'શું?'

જાણે લાંબી વાત કરવાની હોય તેમ તે પોતાની સીટ પરથી સહેજ મારી તરફ ફરી, અને એક ઊંડો શ્વાસ લેતા બોલી;

'સ્કૂલ ટાઈમ થી જ આ દેશની નદીઓ,પર્વતો,વનો,દરિયા કિનારાઓ, ગામડાઓ, ભાષા , બોલી અને આ દેશની સંસ્કૃતિ અને અહીંના લોકોએ મને હંમેશા આકર્ષતા રહ્યા છે. મારે આ ભારત વર્ષના વિવિધ પ્રદેશ, વિવિધ ભાષાના લોકોની રહેણીકરણી વગેરે જોવી અને તેને સમજવી છે'

આટલું બોલી તે અટકી અને બારી બહાર જોતા જાણે કોઈ રહસ્ય ખોલી રહી હોય તેમ બોલી;
'બસ હવેતો આજીવન ભારતવર્ષની અલગારી રખડપટ્ટી કરતા રહેવું છે!'

ફરી પાછી મારી તરફ જોતા તે બોલી; 'તમને ખબર છે? ફરવામાં જે આનંદ છે. તે અતુલ્ય છે!'

આ યુવતી નાં વિચારો અને તેની વાતો સાંભળીને હું સ્તભ્ધ બની ગયો, મારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉઠવા લાગ્યા. મારી બાજુમાં બેઠેલી આ યુવતી ન જાણે કેટલાય હજારો કિ.મી.નો પ્રવાસ કરીને આજે આ રાત્રિના અંધારામાં દોડતી આ બસ માં મારી સાથે પ્રવાસ કરી રહી છે.

મારા મનમાં ઉઠેલા પ્રશ્નો પૂછતાં હું બોલ્યો; 'અત્યાર સુધી કેટલો પ્રવાસ કર્યો તમે?'

મારા ચહેરા સામે જોઈ આછા સ્મિત સાથે તે બૉલી; 'દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરાલા, તામિલનાડુ, પુડુચેરી અને અત્યારે તમારી સાથે ગુજરાતમાં'

'ખૂબ મજા આવતી હશે તમને મુસાફરીમાં? પણ તમને એકલા ફરવામાં ડર નથી લાગતો?' હું મારી જિજ્ઞાસા રોકી ના શક્યો ને ઉપરાઉપર પ્રશ્નો પૂછી લીધા.

થોડું વધુ હસીને તેણે કહ્યું; ' નવું જ્ઞાન મળે છે,નવી નવી અનુભૂતિઓ થાય છે, નવા સ્થળો જોઈને મન આનંદથી પ્રફુલ્લિત થઈ જાય છે, અને ડર તો નથી લાગતો કેમ કે, જેમ આ દેશની સંસ્કૃતિ તેની સભ્યતને કોઈ અદ્રશ્ય શક્તિ હજારો વર્ષથી સાચવતી આવી છે તે અદ્રશ્ય શક્તિ મારી સાથે હું અનુભવું છું!'

હું એના ચેહરા સામે એકધારું જોઈ રહ્યો હતો.બસની અંદરની લાઈટોના ઓછા પ્રકાશમાં દેખાતો આ સુંદર ચહેરો, જાણે બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરી રહ્યો હોય, તેવો લાગી રહ્યો હતો.

મુંબઈમાં સેટલ થયેલ તેનો પરિવાર મૂળ ગુજરાતનો જ વતની હતો. તે બાળપણથી મુંબઈમાં મોટી થયેલ છતાં ગુજરાતી ભાષા પર તેનું પ્રભુત્વ ખૂબ જ સારું હતું.તેની સાથે થયેલ વાતચીતથી જાણ્યું.

મારે ઊતરવાનું સ્થળ નજીક આવતા મારુ મન વ્યાકુળ બની ગયું. છેલ્લે છૂટા પડતી વખતે છેલ્લી વાર તેનો ચહેરો જોતા. મેં કહ્યું;

'તમને મળીને, તમારી સાથે વાતો કરીને, અને તમારા વિચારો જાણીને મને ઘણો જ આનંદ થયો.'

તે હસીને પોતાની આગવી અદા સાથે હાથ મારી તરફ લંબાવતા બોલી; 'મને પણ ઘણો આનંદ થયો'
બન્નેએ હાથ મીલાવ્યા. અને છુટા પડ્યા.

બસમાંથી નીચે ઉતરતી વખતે મારા મનમાં ઉદાસી વ્યાપી ગઈ. જાણે હું કંઈક ગુમાવી રહ્યો હોય તેવી અનુભૂતિ થઈ રહી હતી.

મને અને બીજા થોડા મુસાફરોને ઉતારીને બસ આગળ ચાલતી થઈ. રાત્રિના ખાલી સૂમસામ રસ્તા પર અંધારામાં દૂર દૂર જતી તે બસની હું જોઈ રહ્યો. થોડીવારે બસ અંધારામાં અલોપ થઈ ગઈ. ત્યાં માત્ર ઘાટ અંધારું દેખાવા લાગ્યું. મારી નજર હજુ તે દિશા તરફ હતી.તે ઘાટ અંધારા તરફ! સાથે મનમાં વિચારોનું ઘોડાપૂર ઉમટયું હતું.
એટલામાં જ પાછળથી બાઈકના હોર્નનો અવાજ સંભળાયો હું ચમકીને વિચારોમાંથી જાગ્યો.

'અંધારામાં શું દેખાઈ રહ્યું છે ભાઈ તમને' મને લેવા આવેલ મિત્ર બાઈક મારી પાસે ઉભુ રાખતા બોલ્યો;

'અદ્રશ્ય વિચાર!' હું માત્ર એટલું જ કહી શક્યો; અને તેની બાઈકની પાછળ બેસી ગયો...

સાથેજ અંત થઈ એ સુંદર રાતની અને એ મુલાકાતની...!

…….

©જૈમિન


બીજા રસપ્રદ વિકલ્પો