યાદો !! કેવી મજાની હોય છે નઈ. સારી હોય કે નરસી યાદો તો યાદો છે. મગજના કોઈક એક ખૂણે ચૂપચાપ ડાહીડમરી થઈને બેસી રહે છે તો પણ પાછી એના અસ્તિત્વનો અહેસાસ તો કરાવતી જ જાય છે. એ તો સરસ બંધ પિટારો છે , બસ એની ચાવી આપણા હાથમાં નથી. એ તો મુક્ત હવા જેવી છે એણે ક્યાં કંઈ બંધન નડે છે. તમારો અધિકાર એના સર્જન સુધીનો જ છે પછી એ આઝાદ પક્ષી છે . એને ક્યાં કંઈ સીમાઓ નડે છે. જોકે પાછી છે સ્વાભિમાની હં એમ કંઈ તમે પોતાના કાર્યમાં સતત મશગુલ રહો ને એને યાદ પણ ન કરો તો રિસાઈને બેસી જશે એ જ ખૂણામાં. એણે તો તમારુ શાંતચિત્ત અને નિર્મળ મન જોઈએ છે. એય ને દુનિયાદારીની ઝંઝટો છોડીને ક્યારેક આરામથી બેસો અને જુઓ તમારો પહેલો મહેમાન કોણ છે !!
આજે એવી જ એક સાંજે હું બેઠો છુ. કોઈ વ્યાધિ ઉપાધિ ને કાલે શું થશે એની ચિંતા નથી. મનને જરા થોભીને પાછળ જોવાની મોકળાશ મળી છે. ત્યારે મારી પ્રેમિકાને એક પત્ર લખવા ઈચ્છુ છુ. અમુક મતભેદોના લીધે હવે અમે સાથે નથી અને એ કારણોની ચર્ચા કરવાનો હવે કોઈ અર્થ પણ નથી, અને હા આ પત્ર એ વાંચવાની પણ નથી એનીય મને ખબર છે. બસ આજે એણે આટલા વર્ષે મારા હૃદયની વાત કહેવી છે. જોકે પરિસ્થિતિનો તો મેં ક્યારનો ય સ્વીકાર કરી જ લીધો છે. એમ પણ આ સંતાકૂકડીની રમત મેં બંધ કરી દીધી હતી કારણ કે એમાં દાવ તો મારી લાગણીઓનો જ આવતો.
( પ્રિય પ્રિયતમા ,
તુ ક્યાં છે કેવી છે મને એની બિલકુલ ખબર નથી. આ સોશીયલ મિડીયાના જમાનામાં મેં ક્યારેય તારા પ્રોફાઈલને પેલા ગાંડા પ્રેમીઓની જેમ ફોલો કરવાનો પ્રયત્ન નથી કર્યો. કદાચ તારાથી દૂર થવાની આ મારી રીત હતી અને એમેય નિષ્ફળ જાય કે સફળ પ્રયત્ન કરવામાં શું જતુ હતુ !!
છતા તને આજે મારી સ્મૃતિઓમાંથી હું સંપૂર્ણ રીતે દૂર ન કરી શક્યો એ હકીકત સ્વીકારવામાં મને જરાય શરમ નથી. તુ તો મૃગજળની એ ઝંખના જેવી છે જેને મેં ક્યારેય છોડી જ નથી. જ્યારે તુ આ પત્ર વાંચવાની જ નથી તો મારા અંતરની વેદના આજે ઠાલવવાનો મારી પાસે આ ઉત્તમ ક્ષણ છે. આજે હું તો રંગમંચ પર ઉભેલા એ અભિનેતા જેવો છુ જે જે ઈચ્છે એ એની પ્રિયતમા ને કહી શકશે કારણ કે આજે સામે બીજુ કોઈ જ નથી .
કેટલાય અબોલાના એ કલાકો , મંથર ગતિએ વીતેલી એ મિનિટો અને વિરહની એ પળેપળ કેમ વીતી છે એતો મારુ મન જ જાણે છે. મનમાં તો મેં પણ નક્કી કરી લીધુ હતુ કે હવે તો વાત નઈ જ કરુ. પણ કેમ આજે એવી લાગણી ઉભરી આવી કે તુ આવી જા ને પાછી. બઉ રાહ જોવડાવી હવે. ભૂલો પણ થઈ ગઈ અને એણે સુધારવાનો પ્રયત્ન પણ. ચલ ને હવે પાછા સામાન્ય થઈ જઈએ. એટલા જ ઉમળકાથી એક-મેકનો હાથ પકડીને ન જાણે કલાકો વાતો કરીએ. પેલી તપરીની ચા પીવા જઈએ. એ ચાનો એક એક ઘૂંટ જાણે વીતેલા ક્ષણોનો એકમાત્ર ગુપ્ત સાક્ષી છે. એક-બીજાને વધુ એક મોકો આપી જોઈએ.એમ પણ અલગ રહીને સાચા પડવા કરતા તો ચલ ને સાથે રહીને ખોટા પડી જોઈએ.
આવી જા ને પાછી. સમય પણ જાણે થંભી ગયો છે તારી રાહ જોવામાં. લાગણીઓના કિનારા જાણે સુના પડ્યા છે , એમને તો હજુ પણ એ ભરતીની આશા છે. હું જાણું છુ કે કોઈના વગર કંઈ અટકી નથી જવાનુ. કાલે કદાચ આ લાગણીઓ બીજા કોઈ સાથે બંધાઈ જશે પણ એમાં તારા જેવી મધુરતા નઈ હોય. તારા જવાથી હૃદયના કોઈક ખૂણે જે રિક્ત સ્થાન પડ્યુ છે ને એની ભરપાઈ તો કોઈ જ નઈ કરી શકે. ચિંતા ન કરતી લાગણીઓને બરાબર દબાવી રાખી છે મેં બસ એનો અંત તો મારા અંત સાથે જ થશે. આ આજકાલ ધમધોકાર ચાલતા એસી તો માત્ર ઓરડાની દીવાલોને ઠંડી કરી શકે બાકી આ હૃદયમાં તપી રહેલ વિરહની આગને શીતળતા અર્પે એવુ એસી ન હજી બન્યુ છે ન કદી બનશે.
તને તારા જીવનમાં અપાર પ્રેમ કરનાર કોઈ મળે એવી શુભકામના પાઠવુ છુ. સદાય હસ્તી રહેજે અને ખુશ રહેજે. આવતા જન્મે મળે તો હવે રાધાજી નઈ પણ રુકમનીજી થઈને આવજે ને આ કાનાનો સાથ આપજે.
અને હા હું જઉ છુ હાં હજુ પણ એ જ તપરી પર ફરી ફરી.સાંભળ્યુ છે મેં કે તુ જઈ ચૂકી છે , એ ટેબલ પણ ખાલી પડ્યું છે , તો પણ હું જાઉ છુ , બધુ દોહરાવુ છુ કે કદાચ તારી કોઈ ભાળ મળે.
લિ. તારો ચાહનારો )
( મિત્રો આપણા દ્વારા પણ પ્રેમીને લખવામાં આવેલા આવા કોઈ પત્રો અથવા એના અંશો હોય તો એને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખો. આપ આપણા વિચારો મારા સુધી માતૃભારતીના ઇનબૉક્સની મદદથી પણ મોકલી શકો છો. ખાસ તો આપ સૌ સાથે ફરી જોડાઈ શકુ એનો આ નાનકડો પ્રયાસ હતો આશા રાખુ છુ કે આપ સૌ કુશળ મંગળ હશો. આભાર )