KANKAVATI books and stories free download online pdf in Gujarati

કંકાવટી

વાર્તા- કંકાવટી લેખક- જયેશ એલ.સોની ઊંઝા મો.નં.9601755643
શહેરના મોટામાં મોટા અને અતિશ્રીમંત બિલ્ડર મહાવીર કન્સ્ટ્રકશન ના માલિક મહાવીરપ્રસાદના મોટા દીકરા દર્શનના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. દર્શન પોતે પણ શહેરનો સફળ આર્કિટેક્ટ હતો.દર્શનની સગાઇ થઇ એટલે માબાપના જીવમાં જીવ આવ્યો હતો.આખા ઘરમાં ઉચાટ હતો. દર્શનની ઉંમર અઠ્ઠાવીસ વર્ષ થઇ ગઇ હતી. અત્યાર સુધીમાં સારા સારા કુટુંબોની લગભગ પચાસ જેટલી કન્યાઓના માગાં એ ઠુકરાવી ચૂક્યો હતો.કોઇ કન્યા તેને પસંદ આવતી નહોતી.ઘરમાં ટેન્શન નું વાતાવરણ થઇ ગયું હતું.છેવટે મહાવીરપ્રસાદે પૂછ્યું પણ ખરૂં કે કોઇ છોકરીને તું પ્રેમ કરતો હોયતો અમને કહે તારી મનગમતી છોકરી સાથે તારા લગ્ન અમે કરાવીએ.પણ દર્શને કહ્યું કે એવું કશું નથી.
અને બધાના આશ્ચર્ય વચ્ચે દર્શનને નાના ગામડાની મધ્યમ વર્ગના કુટુંબની કન્યા પસંદ આવી.જયોતિ દેખાવે સુંદર અને ગ્રેજ્યુએટ સુધી ભણેલી હતી.દર્શનને પસંદ આવી એટલે સર્વસંમતિથી સગાઇ કરી દેવામાં આવી.અને મહિના પછીનું શુભ મુહૂર્ત જોઇ લગ્ન ની તારીખ પણ નક્કી થઇ ગઇ.
દર્શનના શહેરથી જ્યોતિનું ગામ સો એક કિલોમીટર દૂર હતું.દર્શન અને જ્યોતિ વચ્ચે સારો મનમેળ થઇ ગયો હતો.જયોતિ વધુ પડતી શરમાળ પ્રકૃતિની હતી પણ શહેરમાં રહેશે એટલે પ્રકૃતિ બદલાઇ જશે એવું દર્શને મન મનાવ્યું હતું.હકીકતમાં જ્યોતિની શરમાળ પ્રકૃતિ જ તેની પસંદગી નું કારણ હતું.જયોતિ એ દર્શનની કલ્પનામૂર્તિ હતી.ઘરમાં ફીલગુડ વાતાવરણ બની ગયું હતું.દર્શનનો નાનો ભાઇ ધીરેન તથા બે મોટી બહેનો જે પરણાવેલી હતી એ બધા ખુશખુશાલ હતા.દર્શનની મમ્મી રાધિકાબેન ઘરમાં શુભપ્રસંગ આવ્યો એને ઈશ્વરકૃપા સમજતાં હતાં અને વારંવાર પ્રભુ નો આભાર માનતાં હતાં.

ચાર દિવસ પછી વાજતેગાજતે જાન જવાની હતી.વરઘોડા માટે શહેરનું અતિ પ્રખ્યાત કનૈયાલાલ મ્યુઝિક બેન્ડ નક્કી કર્યું હતું.ભવ્ય ભોજન સમારંભ અને રિસેપ્શન માટે એ.સી.હૉલ બુક થઇ ગયો હતો.મોંઘાંદાટ કપડાં અને ઘરેણાં તૈયાર થઇ ગયાં હતાં.જાન માટે પચાસ જેટલી એ.સી.કાર બુક કરાવી હતી.જાન બપોરે બે વાગ્યે નીકળવાની હતી અને પાંચ વાગ્યે રસ્તામાં આવતી હોટલ કંકાવટી માં ચા નાસ્તા માટે રોકાશે એવો ભવ્ય પ્રોગ્રામ નક્કી કર્યો હતો.લગ્ન નું ચોઘડિયું રાત્રે નવ વાગ્યાનું હતું અને જાનવિદાય અગિયાર વાગ્યે થવાની હતી.વળતાં પણ જાનૈયાઓને આરામ કરવા માટે અને ચા નાસ્તા માટે હોટલ કંકાવટી જ બુક કરાવી હતી.
લગ્નનો દિવસ આવી ગયો.ભવ્ય વરઘોડો જોઇ લોકો દંગ થઇ ગયા.ત્રણ દિવસ સુધી આખી સોસાયટી ને સહકુટુંબ જમવાનું આમંત્રણ આપ્યું હતું એટલે આખી સોસાયટી હિલોળે ચડી હતી.ત્રણ દિવસથી રોજ રાત્રે પાર્ટી, રાસગરબાની અને નાસ્તા પાણી ની રમઝટ ઉડતી હતી.સોસાયટીમાં રહેતા તમામ કુટુંબોની પરણાવેલી દીકરીઓને પણ સજોડે આમંત્રણ આપીને સાસરેથી બોલાવી હતી. વારેતહેવારે નાના મોટા પ્રસંગો ઉજવીને આખી સોસાયટીને જમાડવામાં સદાઅગ્રેસર રહેતા મહાવીરપ્રસાદ અને રાધિકાબેન ની સારી શાખ હતી.
બરાબર બે વાગ્યે વાજતેગાજતે જાન ઉપડી.એકસાથે એકાવન શણગારેલી ગાડીઓનો કાફલો જોઇને શહેરમાં મહાવીર પ્રસાદના નામનો ડંકો વાગી ગયો.જાનમાં શહેર ના વી.વી.આઇ.પી.મહેમાનો આવ્યા હતા.
કંકાવટી હોટલ આગળ ગાડીઓ ઊભી રહી.અવનવી વેરાઇટીઝ નાસ્તામાં જોઇને જાનૈયાઓને મજા પડી ગઇ.એકાદ કલાક રોકાણ કર્યા પછી જાન ઉપડી.
વેવાઇએ જાનનો ઉતારો આપ્યો હતો ત્યાંથી લગ્નના માંડવે જવા માટે પણ વરઘોડો કાઢ્યો.વેવાઇએ પણ સુંદર આગતાસ્વાગતા કરી.મહાવીરપ્રસાદ ના મોભાને અનુરૂપ આગતાસ્વાગતા જોઇને જાનૈયાઓને પણ સંતોષ થયો.
સુખશાંતિપૂર્વક લગ્ન વિધિ સંપન્ન થઇ.જયોતિને જોઇને જાનૈયાઓને દર્શનની પસંદગી ઉપર માન ઉપજ્યું.બંને પક્ષના મહેમાનો એકબીજાને હરખથી ભેટ્યા અને જાનને વિદાય આપી.
રાત્રે બરાબર એક વાગ્યે હોટલ કંકાવટી આગળ ગાડીઓ ઊભી રહી.અહીં આરામ કરવા રોકાવાનું હતું.ગાડીઓ પાર્ક કરીને મહેમાનો ઉતરવા માંડ્યા.હૉલમાં આરામ કરવા બધા મહેમાનો હોટલની અંદર જવા લાગ્યા.એટલામાં હોટલના માલિક વરકન્યા ની કાર પાસે આવ્યા અને દર્શનને ગાડીની બહાર બોલાવીને કંઇક વાતચીત કરી.શું વાત થઇ એ કોઇને ખબર ના પડી પણ દર્શન ઉશ્કેરાયેલો લાગતો હતો.હોટલ માલિક તેને વિનંતી કરતા હોય એવું લાગતું હતું અને દર્શન ગુસ્સે થયેલો દેખાતો હતો.પણ કોઇનું અહીં ધ્યાન જ નહોતું. બધા પોતપોતાની મસ્તી માં મસ્ત હતા.છેવટે દર્શન અને જ્યોતિ ગાડીમાંજ બેસી રહ્યા.પણ રાત્રે બે વાગ્યે દર્શન અને જ્યોતિ ગાડીમાંથી બહાર આવીને હોટલના પોર્ચમાં બેઠા.ચા પીધી અને પછી હોટલના બગીચામાં બેસીને ઘણીવાર સુધી વાતો કરી.હોટલ માલિક એ વખતે તેમની જગ્યાએ નહોતા.
ત્રણ વાગ્યે બધા જાનૈયાઓ તૈયાર થઇને બહાર આવી ગયા.ચા નાસ્તો બધાને પિરસાયો.દર્શન અને જ્યોતિને નાસ્તો ગાડીમાંજ મોકલ્યો.
ગાડીઓ સવારે પાંચ વાગ્યે ઘરે પહોંચી ગઇ.રિસેપ્શન રાત્રે હતું એટલે બધા મહેમાનો આરામ ફરમાવી ગયા.દર્શન અને જ્યોતિ પણ થાક્યા હતા એટલે ફ્રેશ થવા આરામ કર્યો.
સાંજે રિસેપ્શન નો ભવ્યપ્રસંગ વૈભવી ઠાઠમાઠથી ઉજવાયો.લોકોએ વાહવાહ કરી.રિસેપ્શન દરમિયાન દર્શને એક વાતની નોંધ કરીકે આજે જ્યોતિ તેની શરમાળપ્રકૃતિ ને ત્યજીને બહુ સરસ રીતે બધાં સાથે પ્રેમથી હળીમળી રહી છે.તેને બહુ આનંદ થયો.વધુ નવાઇતો તેને એ વાતની લાગી કે તેની સાથે પણ જ્યોતિ આંખો ઉલાળીને વાતો કરી રહી હતી.સ્ટેજ ઉપર મળવા આવનાર દરેક સાથે નિ:સંકોચ શેકહેન્ડ કરતી અને હસીહસીને વાતો કરતી જોઇને દર્શનને મનમાં સંતોષ થયોકે જ્યોતિ અમારા ફેમિલીમાં સરસ રીતે ઓતપ્રોત થઇ જશે.
હૉલમાંથી નીકળીને ઘરે જતી વખતે ગાડીમાં દર્શને જ્યોતિને પૂછ્યું પણ ખરૂં કે ' જ્યોતિ,શરમાળ પ્રકૃતિ પિયરમાં મૂકીને આવીકે શું?' જયોતિ હસી ખરી પણ કંઇ જવાબ ના આપ્યો.
લગ્નને જોતજોતામાં પંદર દિવસ વિતી ગયા.દર્શન જ્યોતિ બાબતે કંઇક ગડમથલમાં હતો.કંઇ સમજાતું નહોતું જ્યોતિ નું વર્તન.લગ્ન પહેલાં ની શરમાળ જ્યોતિ અને લગ્ન પછીની બેફામ જ્યોતિ.કોઇવાર તેના મનમાં ક્યાંક છેતરાઇ ગયાતો નથી ને એવો પણ વિચાર આવી ગયો હતો.એકવાર સવારે ઑફિસના બે માણસો ઘરે કાગળો ઉપર તેની સહીઓ કરાવવા આવ્યા હતા તેમની સાથે પણ જ્યોતિ આંખો ઉલાળીને બિન્ધાસ્ત વાતો કરવા લાગી હતી.આવનાર માણસો પણ વિચારમાં પડી ગયા હતા.ચાર દિવસ પહેલાં તેના પિયર થી નાનો ભાઇ અને બહેન તેને પિયર લઇ જવા આવ્યા હતા પણ જ્યોતિ એ જવાની ના પાડી દીધી.લગ્ન પછી સાસરેથી પહેલીવાર પિયર જવા માટે કન્યા થનગનતી હોયછે જ્યારે જ્યોતિ એ ના પાડી એટલે બધાને નવાઇ લાગી.જયોતિએ જવાબમાં કહ્યું કે મને અહીં વધારે ફાવેછે.મારી ઇચ્છા થશે ત્યારે પિયર જઇશ.કોઇ બોલ્યું નહીં પણ બધાને થોડું વિચિત્ર તો લાગ્યું જ.
દર્શનનો નાનો ભાઇ ધીરેન જે એમ.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.તેને પણ જ્યોતિ નું તેના પ્રત્યે નું વર્તન થોડું અજુગતું લાગતું હતું.તે દર્શનને મળી ને ચર્ચા કરવા માગતો હતો પણ મોકો મળતો નહોતો.ધીરેન એ પણ જોઇ રહ્યો હતો કે દર્શન પણ તણાવમાં લાગેછે.
રાધિકાબેન પણ જ્યોતિ નું વર્તન જોઇને વિચારમાં પડી ગયાં હતાં.તેની
વધારે પડતી ટાપટીપ, બોલવામાં તોછડાઇ,
કામમાં આળસ અને વર્તનની વિચિત્રતા તેમને
દુઃખી કરી રહી હતી.
આજે બપોરના સમયે ધીરેને દર્શનને ફોન કર્યો કે' દર્શનભાઇ અત્યારે થોડા ફ્રી હો તો મારે મળવા આવવું છે.' ' ધીરેન તારે મારી રજા લેવાની હોયજ નહીં.આવીજા ફ્રી જ છું.'
ધીરેનનો ગંભીર ચહેરો જોઇને દર્શન ને ચિંતા થઇ.' શું વાત છે ધીરેન શેની ચિંતા માં છે?'
' દર્શનભાઇ, માફ કરજો પણ જયોતિભાભી ની પસંદગી કરવામાં તમે કોઇ ભૂલ તો નથી કરીને?' ' કેમ આવું પૂછ્યું ધીરેન?' દર્શનને પણ કોઇ ગંભીર વાત હોય એવું લાગ્યું.' જો ધીરેન જે હોય એ સ્પષ્ટ કહે તો ઉકેલ આવે.'
' દર્શનભાઇ, સાચું કહું તો મને જયોતિભાભીના લક્ષણો સારા દેખાતા નથી ચારિત્ર્ય બાબતે.મારી સામે પણ ચેનચાળા કરેછે.મારા કોલેજના બે મિત્રો ઘરે આવ્યા હતા તેમની સાથે પણ વર્તન શોભાસ્પદ નહોતું.'
દર્શન પણ આ વાત સાથે મનોમન સહમત હતો.પણ તેણે ધીરેનને સમજાવીને ઘરે મોકલ્યો.ધીરેને આ વાત રાધિકાબેનને પણ કરી હતી અને રાધિકાબેને મહાવીરપ્રસાદને કહ્યું હતું.ઘરનું વાતાવરણ તંગ હતું.
રાત્રે ઘરે આવ્યા પછી દર્શને તેના રૂમમાં જ્યોતિને બોલાવીને આ બાબતે ધ્યાન દોર્યું તો જ્યોતિ ઝઘડા ઉપર આવી ગઇ એટલે દર્શને વાત દબાવી દીધી.
બીજા દિવસે સવારે નાસ્તાના સમયે મહાવીરપ્રસાદે બધાની હાજરીમાં કહ્યું કે પરમદિવસે શનિવારે આપણા ઘરે મારૂતિયજ્ઞ રાખ્યો છે.અયોધ્યાથી આવેલા હનુમાન ભકત રઘુનાથ મહારાજ પોતે યજ્ઞ કરશે.જેથી ઘરમાં કોઇપણ જાતની અશાંતિ, શારીરિક કષ્ટ કે આર્થિક સંકટ કે ભૂતપિશાચ નું સંકટ વિગેરે દૂર થઇ જશે.'
બધા યજ્ઞની તૈયારીમાં લાગી ગયા એટલે હાલ પૂરતો જયોતિનો પ્રશ્ન પેન્ડીંગ રહ્યો.
રઘુનાથ મહારાજ ને જોઇને જ આદરથી વંદન કરવાનું મન થઇ જાય એવું પવિત્ર વ્યક્તિત્વ હતું.ઘરના બધાની હાજરીમાં યજ્ઞ શરૂ કર્યો. રાધિકાબેને દર્શનને કહ્યું કે જ્યોતિ કેમ આવી નથી? જા તેને પણ અહીં બેસાડ. દર્શન થોડીવાર પછી એકલો જ પાછો આવ્યો અને રાધિકાબેનના કાનમાં કહ્યું કે ' તેનો હાથ ચોખ્ખો નથી એટલે નથી આવી'
આખો દિવસ પવિત્ર મારૂતિયજ્ઞ ચાલ્યો.સાંજે પાંચ વાગ્યે આરતી થઇ અને તે પછી જમવાનું ચાલ્યું પણ જ્યોતિ તેના રૂમમાં થી બહાર ના જ આવી.દર્શન એકવાર તેને કહી આવ્યો પણ ખરો કે બહાર આવીને દૂરથી યજ્ઞના અને મહારાજના દર્શન કરી લે પણ જ્યોતિ એ માન્યું નહીં.દર્શન સમસમીને બેસી રહ્યો.
પણ બીજા દિવસે સવારે બધાના આશ્ચર્ય વચ્ચે જયોતિએ ધડાકો કર્યો કે ' આજે સાંજે ચાર વાગ્યા ની બસમાં હું પિયર જતી રહેવાની છું.કોઇએ મને મૂકવા આવવાનું નથી.અને હવે હું પાછી આવવાની નથી.કોઇ મને સમજાવવા કે લેવા આવશો નહીં.મારૂં મન અહીંથી ધરાઇ ગયું છે.હું કાયમ માટે જઇ રહીછું.' આટલું કહીને જ્યોતિ તેના રૂમમાં જતી રહી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો.
બધા સ્તબ્ધ થઇ ગયા.પણ કોઇ કશું બોલ્યું નહીં.બધાએ જાણે મુક સંમતિ જ આપી દીધી અને મનમાં વિચાર્યું કે કશા ઘર્ષણ કે ઝઘડા વગર આ બલા અહીંથી જતી હોયતો કોઇએ રોકવી નથી.
સાંજે ચાર વાગ્યા સુધી ઘરના બધા સભ્યો બહારના રૂમમાં જ બેસી રહ્યા. જયોતિનો રૂમ ખુલ્યો નહીં.છ વાગ્યા સુધી રૂમ ના ખુલ્યો એટલે દર્શને બારણું ખટખટાવ્યું પણ અંદરથી કોઇ ચહલપહલ થઇ હોય એવું લાગ્યું નહીં એટલે બધા ગભરાઇ ગયા કે અંદર કંઇ અમંગળ તો નથી બન્યું ને.પછીતો દર્શન અને ધીરેને મળીને બારણાનું વેન્ટિલેટર તોડીને અંદર હાથ નાખી સ્ટોપર ખોલી અને રૂમમાં પ્રવેશ્યા.
જ્યોતિ પલંગમાં ઊંઘી રહી હતી.દર્શને તેને જગાડી.તેણે આંખો ખોલી અને સામે દર્શન તથા ધીરેનને જોઇને શરમાઇ ગઇ. તેની શરમાવાની આ લાક્ષણિક અદા જોઇને દર્શનને નવાઇ લાગી.દર્શન એને કંઇ પૂછે એ પહેલાં તો જ્યોતિ એ જ સામેથી પૂછ્યું ' જાન કેટલા વાગ્યે ઘરે પહોંચી? હું તો હોટલના બગીચામાં ઊંઘી ગઇ પછી આપણે કેટલા વાગ્યે ઘરે પહોંચ્યા એ કશું યાદ જ નથી.રાત્રે પાછી રિસેપ્શનની તૈયારી પણ કરવાની છે.હું થોડીવારમાં જ તૈયાર થઇને બહાર આવું છું.'આટલું બોલીને જ્યોતિ શરમાઇ ગઇ.
દર્શન અને ધીરેન એકબીજાના ચહેરા સામે જોઇ રહ્યા.થોડી ક્ષણો પછી દર્શન સ્વસ્થ થયો અને ઝડપથી બહાર આવ્યો અને ગાડીની ચાવી હાથમાં લીધી અને ઘરની બહાર નીકળતી વખતે બધાને કહી દીધું કે જ્યોતિ ને કોઇ કશું કહેશો નહીં.હું આવીને બધી વાત કરીશ.
દર્શને ગાડી ભગાવી.બે કલાક પછી ગાડી હોટલ કંકાવટી આગળ ઊભી હતી.દર્શન હોટલના માલિક પાસે બેઠો હતો. તેને જાણવું હતું કે જાનની ગાડીઓ અહીં આવી ત્યારે ફક્ત અમારી ગાડીમાંથી વરકન્યા એ નીચે નહીં ઉતરવું એવું કેમ કહ્યું હતું.
માલિકે થોડું વિચારીને પછી કહ્યું કે ' દર્શનભાઇ,તમે અમારા વેલ્યુએબલ કસ્ટમર હતા એ દિવસે તો પછી હું વરકન્યા ને ઉતરવાની ના કહેતો હોઉં તો કોઇ જોરદાર કારણ તો હોવું જોઇએને.પણ તમે માનતા નહોતા અને મારી સાથે ઝઘડો કરતા હતા.હું તમારા ભલા માટે તમને રિકવેસ્ટ કરતો હતો.'
' પણ ઉતરવાની ના પાડવાનું શું કારણ હતું એ હવે કહો'
માલિકે ખોંખારો ખાઇને કહ્યું ' દર્શનભાઇ,આજથી છ વર્ષ પહેલાં આ હોટલની બરાબર સામે એક ટ્રક અને જાનની વરકન્યાની ગાડીનો ભયંકર અકસ્માત થયો હતો.કન્યાનું સ્થળ ઉપર જ મરણ થયું હતું.વરરાજા બચી ગયો હતો.આ બનાવ પછી અમારી હોટલ આગળ જાનની જેટલી ગાડીઓ આવી તેમાં થી વરકન્યા નીચે ઉતરે એટલે આ મૃત્યુ પામેલી કન્યા સાથે થઇ જાયછે.અને થોડા સમય પછી એ કન્યાને મારીને જ પછી તેના ઘરમાંથી નીકળેછે.આવા ચાર એકસરખા બનાવ અમે જોયા એટલે અમે જાનની વરકન્યાની ગાડીને તેમાંથી ઉતરવા દેતા નથી.તમારા જેવી ત્રણ ગાડીઓને અમે રોકી રાખી હતી એ લોકો બચી ગયા હતા.'
થોડી કળ વળતાં દર્શને કહ્યું કે ' તમારી ના કહેવા છતાં પણ અમે એ દિવસે ગાડીમાં થી ઉતરીને હોટલના બગીચામાં બેઠા હતા.અમને પણ ભયંકર અનુભવ થઇ ગયો છે.જે હતું એ વધારે નુકશાન કર્યા વગર વિદાય થઇ ગયું છે. ઘરે હનુમાનજી નો મારૂતિયજ્ઞ કરવાથી બચી ગયા છીએ.મારી પત્ની પણ બચી ગઇછે.તમારો ખૂબખૂબ આભાર અને તે દિવસે કરેલ ખરાબ વર્તન બદલ સૉરી'
ઘરે આવીને દર્શને જોયું તો જ્યોતિ માથે ઓઢીને રસોડામાં રસોઇ કરી રહી હતી.પપ્પા, મમ્મી અને ધીરેન પ્રેમથી જમી રહ્યા હતા.ઘરમાં ફીલગુડ વાતાવરણ બની ગયું હતું.







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED