રામ પ્યારી Bharat Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

રામ પ્યારી

એક સુંદર છોકરીની સાઈકલ સવારી

આશ્રમરોડના ઈન્કમટેક્ષ સ્ટેન્ડની આસપાસ કોઈ ખાદીના ઝભ્ભાધારી યુવક કે યુવતી હાંફળા-ફાંફળા થઈને દોડતાં કે ઉતાવળે ચાલતા દેખાય તો સમજી લેવાનું કે અગિયાર વાગવામાં પાંચ-સાત મિનિટની જ વાર છે. ગૂજરાત વિદ્યાપીઠની ઉપાસના બરોબર અગિયારના ટકોરે શરૂ થાય. આ ઉપાસનામાં હાજરી આપવા વિદ્યાર્થીઓ હાંફળા-ફાંફળા થઈને દોડતા હોય છે. કારણ કે આખા દિવસની હાજરી ઉપાસનાથી જ થાય. ઉપાસના શરૂ થઈ જાય પછી ‘નો-એન્ટ્રી’. એ નિયમ બધાં માટે સરખો. અધ્યાપકો પણ બહાર ઊભા રહે. અમારા એક પ્રોફેસરે કહ્યેલું કે, એકવાર કોઈ કાર્યક્રમ માટે આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ ગ્રૃહપ્રધાન સ્વ.હરેન પંડ્યા પણ મોડા પડતા બહાર ઊભા રહી ગયેલા. અડધા કલાક સુધી રોજ રેંટિયા પર કાંતવાનું ઘણાને ગમતું ન હોવા છતા ઉપાસના માટે દોડતા આવતા તેનું એકમાત્ર કારણ તેની હાજરીની અનિવાર્યતા. જો આખા વર્ષ દરમિયાન ઉપાસનાની હાજરી એંસી ટકા ના થાય તો વાર્ષિક પરીક્ષા આપવી કઠિન બને. અમારા ક્લાસનો એક વિદ્યાર્થી આ નિયમનો ભોગ પણ બનેલો. હું મારા એમ.એ. પત્રકારત્વના બે વર્ષના ગાળામાં ત્રણ-ચાર વાર જ ઉપાસનામાં મોડો પડ્યો હોઈશ. તેનું એક માત્ર કારણ તે મારી ‘રામ પ્યારી’.

‘રામ પ્યારી’ એટલે બ્લુ કલરની, બે ડાંડિયાવાળી મારી રેન્જર સાઈકલ. ‘રામ પ્યારી’ નામ મારા એક ક્લાસમેટ દર્શિતે આપેલું. તેણે પણ અભ્યાસ બાદ ઘણા વર્ષો સુધી સાઈકલ ચલાવી હતી. આ સાઈકલ મેં એક પંચરવાળા પાસેથી આઠસો રૂપિયામાં સેકન્ડહેન્ડ ખરીદેલી. એક ટાયર અને ટ્યુબ બદલીને સર્વિસ કરાવ્યા બાદ એમાં રોનક આવી ગઈ. તે પછી તેણે ત્રણ વર્ષ સુધી ક્યારેય કોઈ મોટો ખર્ચ કરાવ્યો નહોતો.

વિદ્યાપીઠમાં એમ.એ.ના અભ્યાસ દરમિયાન હું પાલડીમાં આવેલી નરસિંહ ભગત છાત્રાલયમાં રહેતો હતો. અગિયાર વાગે ઉપાસનામાં હાજરી આપવા હું હોસ્ટેલની પહેલી બેંચમાં જ જમીને સવારના દસ ને વીસ મિનિટે નીકળી જતો. પાલડીથી ગૂજરાત વિદ્યાપીઠ સુધીના પાંચ કિલોમીટરના રસ્તામાં છ મોટા ટ્રાફિક સિગ્નલ આવતા. આ છમાંથી એક ને બાદ કરતા હું બધાં જ સિગ્નલ તોડતો. એલિસબ્રિજ સિગ્નલ પાસે એમ.જે.લાઈબ્રેરીની તરફ પોલીસદાદા ઊભા હોય એટલે મારી હિંમત ચાલતી નહી. એક-બે વાર ત્યાં પણ પ્રયત્ન કરેલો પણ એકવાર પોલીસે આગલા ટાયરની હવા કાઢીને વાલ્વ લઈ લીધેલો. બહુ વિનંતી અને ઉપાસનાની હાજરીની માથાકૂટ જણાવી ત્યારે ફરીથી સિગ્નલ ન તોડવાની શરતે વાલ્વ પરત આપેલ.એ દિવસે ઉપાસનામાં મારી ચોકડી વાગેલી
વિદ્યાપીઠમાં પહેલા જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ કુમાર વિનિયમંદિરની પાસે હતુ. હું સાઈકલ ત્યાં ન લઈ જતા લાઈબ્રેરી પાસે જ પાર્ક કરીને ચાલતો જતો. ચારેબાજુથી ડોકીયા કરતી મારી ગરીબીને એકાદ છેડાથી ઢાંકવા હું આવું કરતો હતો. પરંતુ એ લાંબો સમય ચાલ્યું નહીં. એક સિનિયર હિતેશ સોંડાગરને મારા ખાદીના વ્હાઈટ લેંઘા પરથી ખબર પડી ગઈ. જમણા પગના પાયજામા પર સાઈકલની ચેઈન અડવાથી કાળા ડાઘ પડી જતા હતા. તેણે અને શૈલેષ સંચાણિયાએ મને સાઈકલ ડિપાર્ટમેન્ટ સુધી લઈ આવવા જણાવ્યું. આખા ડિપાર્ટમેન્ટમાં ફક્ત હું જ સાઈકલ લઈને આવું છું એ વાતની ખબર મારા માનીતા પ્રોફેસર અશ્વિન સરને પડી. તેમણે મને સાઈકલ ચલાવવા બદલ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને ખુદ પણ ચલાવવા માગી. આનાથી મારી હિંમત ખુલી ગઈ. હવે હું છેક ડિપાર્ટમેન્ટના પગથિયાં પાસે ‘રામ પ્યારી’ને પાર્ક કરવા લાગ્યો.

પ્રથમ વર્ષની શરૂઆતમાં હજુ મારા કોઈ ખાસ મિત્રો બન્યા નહોતા. સૌ પોતપોતાના ગ્રુપ બનાવીને ફરતા હતા. અન્નો હતો પણ છોકરીયો પાછળ ફિલ્ડિંગ ભરવામાંથી નવરો નહોતો પડતો ! એવામાં બે મિત્રોએ મને ખૂબ સાથ આપ્યો. જતીન અને હરીશ. આ બંને પણ હજુ ક્યાંય ‘ગોઠવાયા’ નહોતા આથી હુ એમની સાથે ગોઠવાઈ ગયો. જતીન અને હરીશ ઠીકઠાક પરિવારમાંથી આવતા હતા. એટલે રોજ બપોરે અલગ-અલગ પ્રકારનો નાસ્તો કરતા. જ્યારે મારી પાસે સીંગ-ચણા ખાવાનાય ફાંફા હતા. એટલે મને ‘પેટમાં પ્રોબલેમ’ છે એવું બહાનુ કાઢીને તેમની સાથે હોવા છતા નાસ્તો કરતો નહીં. સવારમાં દસ વાગ્યે જમીને ફૂલ સ્પીડે સાઈકલ ચલાવી હોવાથી બપોર સુધીમાં મને ખૂબ ભૂખ લાગતી ને ઘણીવાર તો ચક્કર પણ આવતા. પણ ખાવુ શું ? અને કેવી રીતે ? વળી હું અન્ના જેટલો નસીબદાર પણ નહોતો કે કોઈ છોકરી ઘરેથી નાસ્તો લાવે અને ચાલુ ક્લાસમાં બદામ પણ ખવરાવે !

મિત્રોની સાથેસાથે હવે ક્લાસની છોકરીઓમાં પણ મારી ‘રામ પ્યારી’ પ્રિય બની ગઈ હતી. રીશેષ કે ફ્રિ પીરિયડમાં તે આંટો મારવા માટે સાઈકલ માગતી. એમાંય જે દિવસે ક્લાસની એક સુંદર છોકરી એની પર સવારી કરતી ત્યારબાદ હું કોઈને પણ આંટો મારવા આપતો નહીં. ખુદ મને પણ એની સીટ પર બેસવાની ઈચ્છા નહોતી થતી એટલી સાચવતો. જો કે બાદમાં એ સુંદર છોકરી મારી પાક્કી ફ્રેન્ડ અને મારા પાક્કા ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ બની ગઈ હતી.

આ સાઈકલને મેં ત્રણેક વર્ષ સુધી ચલાવી. અમદાવાદના વ્યસ્ત રોડ પર પણ હું ગવંડર (સાઈકલનું સ્ટીયરીંગ) છોડીને ખુલ્લા હાથે ચલાવતો. છતા એણે ક્યારેય મને પછાડ્યો નથી કે ક્યાંય ઠોકાણો પણ નથી. એક મહિના સુધી તો વગર બ્રેકે ચલાવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાંથી જ્યારે મારી આ ‘રામ પ્યારી’ ચોરાઈ ગઈ ત્યારે મને એટલું દુખ લાગેલું કે હું આખો દિવસ જમ્યો નહોતો. એણે જે આનંદ અને સધિયારો આપ્યો એની સામે આજે ચમચમાતી કાર પણ સાવ ફિક્કી લાગે છે.

- જે.આર. સેનવા...