"ટ્રીન.. ટ્રીન...." રાતના લગભગ ૧:૨૦ વાગ્યે જનરલ કે.એસ.નંદાનો ટેલિફોન રણકી ઉઠ્યો.આંખો ચોળતા ચોળતા ફોન ઉઠાવતા જ આદેશ મળ્યો "જેમ બને તેમ ત્વરાથી RAWની ઓફિસે હાજર થવાનું છે "
"ઓકે" કહેતાંની સાથે ફોન કટ થઈ ગયો.જનરલ માટે આ કોઈ નવી વાત નહોતી. અત્યાર સુધીમાં રો ના અનેક સિક્રેટ મિશનોમાં તેમને મહત્વનો ભાગ ભજવ્યો હતો.પણ આજે બોલાવવામાં આવેલી મિટિંગ વિશે તેઓ બિલ્કુલ અજાણ હોય એવું પહેલીવાર બન્યું હતું.વળી, તાજેતરમાં પાડોશી દેશો કે વિદેશોમાં ભારતનો કંઇ પ્રશ્ન ઉપસ્થિત થયો હોય, એવા પણ કોઈ સમાચાર ન હતા.વધુ સમય ન બગાડતા તે જવા રવાના થયા.
થોડીક જ વારમાં જનરલ ' રો 'ની બહુમાળી આલિશાન ઇમારતમાં આવેલ એક રૂમમાં હતા.બીજી ગુપ્તચર એજન્સીઓના ચીફ ઓફિસર્સની હાજરીથી મિટિંગની અગત્યતાનો ખ્યાલ આવતો હતો.એટલામાં સામેની દિવાલ પર જે પ્રોજેક્ટર માટેનો સફેદ પડદો હતો, તે બે ભાગમાં વહેંચાઈ જતાં તેમાંથી એક આધેડ વયનો પુરુષ બહાર આવ્યો.તેણે પહેરેલા બ્લેક કલરના સુટ પર RAW લખેલું બ્રોન્ચ લટકતું હતું.તે ' રો 'નો ચીફ કર્નલ વિક્રાંત હતો.
આવતાં ની સાથે તેણે સૌનું અભિવાદન કર્યું ને બોલવાની શરૂઆત કરી " અત્યાર સુધી આપણે સૌએ અનેક મિશન્સ અને ઓપરેશન્સમાં સાથે કામ કર્યું છે,જે એક ફરજના ભાગરૂપે હતું.પણ આ વખતે આપણે જે કરવા જઈ રહ્યા છીએ,તે એક મિશન કે ઓપેરેશન નથી......"
"વ્હોટ ? તો અહીંયા અરજન્ટ મિટિંગ શા માટે બોલાવી છે ?" જનરલ નંદાએ તીખા તેવરમાં કહ્યું.
"કુલ...કુલ ડાઉન જનરલ.તમે હજુ તોપો જ ચલાવી છે, એટલે તમારા વિચારો પણ એના નાળચાની માફક એક જ દિશામાં હોય એ સ્વાભાવિક છે ! પણ મારી પુરી વાત સાંભળો." કર્નલે બંદૂકની ગોળીની જેમ પ્રત્યુત્તર આપ્યો.
જનરલ સમસમી રહ્યા, પણ શું કરે ? આદેશનું ઉલ્લંઘન તો થઈ શકે તેમ ન્હોતું.
" આ વખતે આપણે બહુ મોંઘો સોદો કરવા જઇ રહ્યા છીએ.ત્યાં સામે પડદા પર જુઓ" કહેતાં કર્નલે પ્રોજેક્ટરની સ્વીચ દબાવી.પ્રકાશિત સફેદ પડદા પર એક ફોટો નીચેના ભાગથી લોડ થઈ રહ્યો હતો.જેમ જેમ ફોટો દેખાતો ગયો,તેમ તેમ મિટિંગમાં બેઠેલા દરેક જણના મગજની નસો ખુલતી ગઈ.સાથે સાથે પ્રશ્નોનું વંટોળ પણ મનને હચમચાવી રહ્યું હતું.
"આ ફોટો કેમેરાથી લેવામાં આવ્યો નથી, પણ રૂબરૂ જોનાર વ્યક્તિએ જે વર્ણન આપ્યું એના પરથી સ્કેચ બનાવેલ છે." કર્નલે વાત આગળ વધારી.
"ઓહ! એટલે તમારા ભાંગફોડીયા જાસુસોએ આ ફોટો તમને મોકલાવ્યો એમને !" જનરલે મોકો જોઈ પલટવાર કર્યો.
જવાબમાં કર્નલે ખડખડાટ હાસ્ય કર્યું ને કહ્યું " યાદ છે ને, 'ઓપરેશન ઓલ ક્લિયર ' ? મારા ભાંગફોડીયા જાસુસોએ અણીના સમયમાં તમને બચાવ્યા ના હોત તો આજે આ પ્રશ્ન પુછવા તમારે સ્વર્ગમાંથી આવવું પડત." આ સાંભળીને જનરલની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ હતી.તેમણે ચુપચાપ બેસી રહેવાનું મુનાસિફ માન્યું.
ફરી એકવાર રૂમમાં નીરવ શાંતિ છવાઈ ગઈ.કર્નલે ફરીથી પ્રોજેક્ટરની સ્વીચ દબાવી. "પટ્ટ...." દઈને અવાજ થતાં બધાનું ધ્યાન ફરીથી સફેદ પડદા પર દોરાયું.ત્યાં બીજો એક ફોટો લોડ થઈ રહ્યો હતો.થોડીક જ વારમાં ચિત્ર સ્પષ્ટ થયું.તે ફોટો કોઈ ચાલીસી વટાવી ચૂકેલા વિદેશીનો હતો જે સ્હેજ ત્રાંસો અને ધૂંધળો દેખાતો હતો.ત્યાં બેઠેલા દરેક જણને સમજતાં વાર ન લાગી કે તે ફોટો કોઈ ખુફિયા કેમેરાની મદદથી ઉતાવળમાં લેવામાં આવ્યો હતો.
" આ બીજો વ્યક્તિ કોણ છે? તેનો શુ સંબંધ છે પેલી વાત સાથે ?" નિતી વિષયક વિભાગના સચિવ વ્યંકટેશ નાયરે પ્રશ્ન કર્યો.
" સબંધ છે નાયર,કારણ કે તેમને નજરે જોનાર અને વાતચીત કરનાર આ એકમાત્ર વ્યક્તિ છે.એનું નામ કોઝલોવ છે.તે રશિયન પત્રકાર છે અને આઝાદીની ચળવળ વખતે વીસ વર્ષ ભારતમાં રહેલો છે ને એટલે જ તે અહીંયા બધાને ઓળખે છે."
"પણ તે ક્યારે મળ્યો?ક્યાં મળ્યો?તે વાતની શુ ખાત્રી?" આઈ.બી ચીફ સુરજ નહરવાલે પ્રશ્ન કર્યો.
"આપણો દેશ આઝાદ થયા બાદ,તે રશિયા જતો રહ્યો હતો.પણ દુર્ભાગ્યે ત્યાં સામ્યવાદી સ્ટેલિનની સરકાર રચાતાં,સરકાર વિરુદ્ધ લખાણો છાપતાં દૈનિક સમાચારપત્રો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો અને ઘણા પત્રકારોને પકડીને ફાંસીની કે જેલની સજા કરવામાં આવી હતી.કોઝલોવ તેમાંનો એક હતો,તે જેલની સજા કાપી,હમણાં જ બહાર આવ્યો છે.
થોડા સમય પહેલા તેણે મીડિયા સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે તે જેલમાં હતો,ત્યારે એક ભારતીય ક્રાંતિકારીને મળ્યો હતો.આ માહિતી આપણી મોસ્કો ખાતેની દુતાવાસ કચેરીને મળતાં, આપણા એલચીએ તેની સાથે સિક્રેટ બ્રિફ મિટિંગ કરી હતી,ને એણે જે વર્ણન કર્યું તેના આધારે પેલો સ્કેચ બનાવીને મારા પર ફેક્સ આવતાં જ મે આ અરજન્ટ મિટિંગ બોલાવી છે."
મિટિંગની અગત્યતાનો ખ્યાલ હવે બધાને આવી ગયો હતો.બધાના મનમાં સરવાળે એક જ પ્રશ્ન ઉપસ્થિત થતો હતો કે " ખરેખર, શું તેઓ હજુ જીવિત છે ?" ને કદાચ એવું હોય તો પણ આટલા સમય સુધી એક રહસ્ય બની જનાર વ્યક્તિ આમ અચાનક જાહેર થાય તો તો આખી દુનિયામાં ભારતના નામ પર કાળી ટીલી લાગી જાય એ નક્કી હતું.કારણકે દોસ્તનું મહોરું પહેરીને રશિયા ભારતની પીઠ પાછળ આવો વિશ્વાસઘાત કરી શકે,એવું કદી સ્વપ્નમાં પણ કોઈ વિચારી શકે તેમ નહોતું.પણ બાજી હાથમાંથી સરકી જાય એ પહેલાં રશિયાને ઈંટનો જવાબ પથ્થરથી આપવો અનિવાર્ય હતો.
"હવે,આગળ શુ કરવાનો વિચાર છે, કર્નલ ?" જનરલે પુછ્યું.
"આ તરફ આવો"કહી કર્નલ એક ટેબલ તરફ દોરી ગયા.
"મારી યોજના મુજબ આપણે પાંચ જાંબાઝ પેરા કમાન્ડોને ખાસ તાલીમ આપી રશિયા મોકલીશું.ત્યાં તેઓ આપણા દુતાવાસના એલચીને મળી કોઝલોવ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરશે.કારણકે કોઝલોવ જ એક એવો વ્યક્તિ છે,જેનાથી આપણું કામ થઈ શકે તેમ છે.એટલે તેને શોધીને તેની પાસેથી તે જે જેલમાં હતો,તેની વિગતવાર તમામ માહિતી આપણે શક્ય એટલી ભેગી કરવાની છે.ત્યારબાદ આગળ શું કરવું તે નક્કી કરીશું." કર્નલે કહ્યું.
"પેરા કમાન્ડોને મોકલવાની વાતતો ઠીક છે,પણ....."જનરલે ખચકાતાં કહ્યું.
"પણ..શુ જનરલ ?" કર્નલના ચહેરા પર શંકાના વાદળો છવાયાં.
"એ જ કે પેરા કમાન્ડો ફોર્સમાં નવી ભરતી થઈ છે,એટલે તેમના પાસે આજ સુધી કોઈ મિશન કે ઓપરેશનનો કોઈ અનુભવ નથી.એટલે થોડો અસમંજસમાં છું.ક્યાંક ઉતાવળે કાચું કપાયું તો આ તો રશિયા છે !લેવાના દેવા ના થઇ જાય !"જનરલે ચિંતિત સ્વરે કહ્યું.
"સાચું છે.પણ એની ગોઠવણ ઘણા સમય પહેલાંથી તૈયાર છે.તમારે માત્ર આદેશ છોડવાનો છે." બોલતાંની સાથે કર્નલે સિગાર સળગાવી.
"તમે કહેવા શું માંગો છો ?"ધૂમ્રસેરો વચ્ચે ઘેરાયેલા જનરલને કંઈ ન સમજાયું.
"આપણે જેને મોકલવાના છીએ,એ પાંચ જાંબાઝ પેરા કમાન્ડોની પસંદગી થઈ ચૂકી છે.તેમની ટ્રેનિંગ શરૂ થઈ તે વખત થી જ ' રો 'ની તેમના પર નજર હતી." એટલું બોલીને કર્નલે કોટના ડાબા ખિસ્સામાંથી એક ચબરખી કાઢીને ધીમેથી જનરલના હાથમાં સરકાવી.
ચિલઝડપથી જનરલે ચબરખી ખોલીને વાંચવાનું શરૂ કર્યું "કેપ્ટન હર્ષવર્ધન, એન્થની માર્કસ, રુદ્રપ્રતાપ સિંહ, દેબોજીત ઘોષ,નાસિર અલી.ઓહ માય ગોડ!આ બધા તો અમારાં મુલ્યવાન રત્નો છે !" જનરલથી બોલી જવાયું.
"હા! બિલ્કુલ. કારણ કે દસ હજારે એક વ્યક્તિ પેરા કમાન્ડો બને છે,પણ લાખો લોકોના હૃદયમાં રહેનારને આપણે ના લાવી શક્યા તો મુલ્યવાન રત્નો પણ કાંકરા બરાબર જ છે!" કર્નલના અવાજમાં આક્રોશ હતો.
"ઠીક છે,જેમ બને તેમ ત્વરાથી આગળ વધો." જનરલે પણ સંમતિ દર્શાવતાં કહ્યું.
બીજા દિવસની સવારે પાંચેય પેરા કમાન્ડો રો ની આલિશાન બહુમાળી ઇમારતમાં આવેલી કેબિનમાં કર્નલની સમક્ષ ઉભા હતા.માત્ર બે મિનિટમાં જ કર્નલે તેમને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપી દીધો.
ત્યારબાદ તેણે વાત શરૂ કરી "હવે મુદ્દાની વાત.આ કોઈ ઓફિશિયલ મિશન કે ઓપરેશન નથી.એટલે કાલે તમારામાંથી કોઈ ને કાંઈ પણ થાય તો સરકાર જવાબદાર રહેશે નહીં.બની શકે કે રશિયાના કોઈ ગુમનામ વિસ્તારમાં તમારું શબ રજળતું હોય અને તેની અંતિમક્રિયા કરવા માટે કોઈ ન હોય !એટલે આ બાબતે કોઈને પ્રશ્ન પૂછવો હોય અથવા તો પાછા જવું હોય તો જઇ શકે છે." કર્નલે પાણી માપી જોયું.પણ આ તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરનારા નરવીરો હતા.
"નો ! સર! " રુવાડું ફરકયા વગર પાંચેયે એકસાથે જવાબ આપ્યો.
"ઓકે.તો ખરો ખેલ હવે શરૂ થાય છે.પહેલી અગત્યની વાત કે રશિયાને અંધારામાં રાખી આપણે આ કામ કરવાનું છે,એટલે તમારે એક પેરા કમાન્ડો નહીં,પણ એવી ભારતીય મલ્ટી નેશનલ કંપનીના પ્રતિનિધિ તરીકે ત્યાં જવાનું છે કે જે હેલિકોપ્ટરનું વેચાણ કરે છે.સાથે સાથે કોઝલોવને શોધી તેની પાસેથી શક્ય એટલી બધી જ માહિતી મેળવવાની છે.બીજી વાત,એકવાર મિશન શરૂ થાય ત્યારબાદ કોઈ પણ સંજોગોમાં તમારે એકબીજાને નામ થી બોલવાના નથી.અહીંથી તમારા માટે ખાસ કોડનેમ આપવામાં આવ્યા છે,જે આ પ્રમાણે છે :
કેપ્ટન હર્ષવર્ધન : એક્સ વન,
એન્થની માર્કસ : એક્સ ટુ,
રુદ્રપ્રતાપ સિંહ : એક્સ થ્રી,
દેબોજીત ઘોષ : એક્સ ફોર,
નાસિર અલી : એક્સ ફાઈવ
તમારે કોઈ પણ કામ માટે આ કોડનેમનો જ ઉપયોગ કરવાનો રહેશે."આટલું બોલતાની સાથે જ કર્નલે ઇન્ડિયન એરલાઇન્સની પાંચ રિઝર્વડ ટિકિટો અને હાથ ઘડિયાળો ટેબલ પર મૂકી.
"આજે રાત્રે જ તમારે મોસ્કો જવા માટે નીકળવાનું છે.મોસ્કો ખાતેની આપણી દુતાવાસ કચેરીના એલચી તમને લેવા માટે એરપોર્ટ આવશે.તેમને મળીને સૌથી પહેલાં કોઝલોવ પાસેથી શક્ય તેટલી બધી માહિતી મેળવવાની છે.ત્યારબાદ આગળ શું કરવું તે નક્કી કરીશું.ઉપરાંત,તમારી મદદ માટે ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદના બે જાસુસો ઇસર હેરેલ અને પીટર મેલ્કીન પણ તમને ત્યાં આવી મળશે.તેઓ વેશ બદલવાથી લઇ યુદ્ધ લડવા સુધીની તમામ બાબતોમાં પાવધરા છે.આપણા ખુફિયા કામમાં તેઓ ઘણા મદદરૂપ થઇ પડશે.ફ્લાઈટનો સમય રાત્રિના ૧૧:૨૦નો છે.એટલે બેગ પેક કરી તૈયાર રહો!યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ!" કર્નલે વાત પૂરી કરતાં કહ્યું.
"સર,આ ટિકિટની વાત તો ઠીક છે,પણ આ ઘડિયાળ આપવાનું કારણ શું છે ?" હર્ષવર્ધને ગૂંચવાતાં પૂછ્યું.
"મને વિશ્વાસ હતો કે તમારા મનમાં આ પ્રશ્ન જરૂર આવશે જ! જરા તમે પહેરેલી ઘડિયાળનો સમય આની સાથે મિલાવી જુઓ."કર્નલે ઇશારાથી બતાવતા કહ્યું.કર્નલના આદેશ પ્રમાણે કેપ્ટન હર્ષવર્ધને કરી જોયું.
"અરે!તમે આપેલી ઘડિયાળ ખોટો સમય બતાવી રહી છે.અહીં, મારી ઘડિયાળમાં નવ વાગી રહ્યા છે,જ્યારે તમે આપેલી ઘડિયાળમાં તો હજુ છ ને ત્રીસ થઈ રહી છે." તેનાથી બોલી જવાયું.
"બરાબર છે!પણ તમારે બધાએ હવે આ ખોટો સમય બતાવતી ઘડિયાળ પહેરી લેવાની છે."કર્નલે કહ્યું.પાંચે જણાના મનમાં તર્ક વિતર્ક થતા હતા છતાં,તેમણે કર્નલના કહ્યા પ્રમાણે કર્યું.
"લો સર!તમારા કહ્યા પ્રમાણે અમે કર્યું,પણ આમ કરાવવાનું
કારણ શું?" નાસિરે પૂછી લીધું.
"મિત્રો,આમ કરાવવાનું કારણ એજ કે તમારી ઘડિયાળોમાં સમય ભારતીય સમયપ્રમાણ મુજબ હતો,જ્યારે બદલાવેલી ઘડિયાળોમાં સમય રશિયાના સમયપ્રમાણ મુજબનો છે.જેથી તમે ત્યાંના સમય સાથે તાલમેલ મિલાવી કામ કરી શકો."બારી બહાર તાકતાં કર્નલે કહ્યું.નવયુવાનો તો એકબીજા સામે જોઈ જ રહ્યા.પ્લાનિંગ શુ બાકી ફુલપ્રુફ હતું!કોઈ ચૂક થવાને કોઈ અવકાશ જ નહોતો.
રાતના લગભગ અગિયાર વાગવા આવ્યા હતા.દિલ્હીથી મોસ્કો જતી ફ્લાઇટ નંબર AO235 ઉપડવાની તૈયારી કરી રહી હતી.પાંચેય જાંબાઝો પણ આવીને પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયા હતા.થોડીક જ વારમાં પ્રવાસીઓ માટેનો સંદેશો સ્પીકર પર મુકવામાં આવ્યો કારણકે ફ્લાઇટ હવે ઉપડવાની તૈયારીમાં હતી.સૂચનાઓ બંધ થયા બાદ વિમાનની ઘરઘરાટીનો અવાજ સંભળાયો તેની સાથે જ પાંચેય જણની મુખમુદ્રા રોમાંચિત થઈ ઉઠી કેમકે ફ્લાઇટે ઉડાન ભરી લીધી હતી ! અજાણી ભોમકા પર સાહસ ખેડવાનું હોય ત્યારે આવું ના થાય તો નવાઈ જ કહેવાય!
૧૦ જાન્યુઆરી,૧૯૬૦ સવારના ૭:૩૫
વ્નુકોવો ઇન્ટરનેશલ એરપોર્ટ, મોસ્કો ( રશિયા )
ફ્લાઈટને મોસ્કો એરપોર્ટ પહોચ્યે અડધો કલાક થવા આવ્યો હતો.પાંચેય કમાન્ડો આગળથી નક્કી કરેલ જગ્યા પર ભારતીય દૂતાવાસની ગાડીની પ્રતીક્ષા કરી રહ્યા હતા.થોડીક વારમાં આગળના બોનેટ પર ક્રોસ પોઝિશનમાં લગાવેલા ભારત અને રશિયાના રાષ્ટ્રધ્વજ વાળી સફેદ રંગની એક મર્સીડિઝ ત્યાં આવીને ઉભી રહી.તેમાંથી નીચા કદનો એક માણસ ઉતર્યો.તેણે પહેરેલા પોશાક પર એકબાજુ ભારતીય ત્રિરંગો લગાડેલો હતો.તેને જોઈને કમાન્ડોને ખ્યાલ આવી ગયો કે તે બીજું કોઈ નહીં,પણ ભારતીય રાજદ્વારી તેમને લેવા માટે આવ્યા હતા.
"નમસ્કાર મિત્રો!મોસ્કોમાં તમારું સ્વાગત છે.મારુ નામ સરદારસિંહ રાણા છે.ભારતીય દુતાવાસ તરફથી તમને આવકારું છું." રાજદ્વારિએ શિષ્ટાચાર દર્શાવ્યો.કમાન્ડોએ પણ ટૂંકમાં પોતાનો પરિચય આપ્યો.વધુ સમય બગડ્યા વગર બધા ફટાફટ બેસી ગયા એટલે ગાડી એ ભારતીય દુતાવાસ જવાના રસ્તાની દિશા લીધી.
રસ્તામાં સરદારસિંહે સામ્યવાદી સ્ટેલીનના અત્યાચારી શાસનનું ભયાનક વર્ણન કર્યું,ત્યાં સુધીમાં તેઓ ભારતીય દુતાવાસની કચેરીએ પહોંચી ગયા હતા.સમય બગાડવો પોસાય તેમ ન હતું.ફટાફટ ફ્રેશ થઈને બધા આગળથી નક્કી કર્યા મુજબ એક ગુપ્ત રૂમમાં ભેગા થયા.ત્યાં સરદારસિંહે કોઝલોવ પાસેથી જે માહિતી મળી હતી પાંચે જણાને આપી.એમાં એવું જાણવા મળ્યું કે કોઝલોવ સાથે પહેલી બ્રિફ મિટિંગ કર્યા બાદ વધુ માહિતી લેવા બીજી મિટિંગ કરવાની હતી,પણ તે દરમિયાન કોઝલોવ પોતાનું ઘર છોડીને બીજે ક્યાંક જતો રહ્યો હતો.તે સાંભળી કમાન્ડોને મોઢા પર નિરાશા છવાઈ ગઈ.આ તો 'પ્રથમ ગ્રાસે મક્ષિકા' જેવો ઘાટ થયો હતો.હવે, કોઝલોવની શોધખોળ કરવી અત્યંત જરૂરી બની ગઈ હતી.ભારતીય દુતાવાસ સહિતની તમામ કચેરીઓ પર રશિયન સરકારની બાજ નજર હતી.થોડી થોડી વારે રશિયન સૈનિકો આંટોફેરો કરી જતા હતા.એટલે આ બધું કામ દુતાવાસમાં રહીને કરી શકાય તેમ નહોતું.ફટાફટ તેમણે આગળ શું કરવું તેનો પ્લાન નક્કી કરી નાખ્યો.
તે મુજબ મોસ્કોના 'ટ્રોપાર્યોવો' તરીકે ઓળખાતા પરામાં એક મકાન ભાડે લઈ લીધું.તેનો માલિક વિદેશ રહેતો હતો,તેને મસમોટી એડવાન્સ રકમ આપી ખુશ કરવામાં આવ્યો હતો.તે એવી જગ્યાએ પસંદ કર્યું હતું કે જ્યાં મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે બસો મીટર અંતર કાપવું પડતું હતું.વળી,આસપાસ બીજા ખાસ મકાન ન હોવાથી લગભગ વાતાવરણ સુમસાન રહેતું હતું.મકાનની આગળના ભાગમાં ફરતે છ સાત ફૂટ ઊંચી દીવાલ હતી,એટલે મકાનમાં અંદર શુ ચાલી રહ્યું છે તેની કોઈને ખબર પડે તેમ નહોતું.તેની સૌથી અગત્યની વિશેષતા એ હતી કે દૂતાવાસની કચેરી અને વ્નુકોવો એરપોર્ટથી ફક્ત પંદર મિનિટના અંતરે હતું.
રાતે નક્કી કરેલ સમય મુજબ બધા ભેગા થયા.પેલા મોસાદના ગુપ્તચરો પણ સમયસર ત્યાં આવી પહોંચ્યા હતા.સરદારસિંહે સંતાડીને લાવેલા પાંચ જેટલા વાયરલેસ ટેબલ પર મુક્યા. સૌપ્રથમ કામ તેમણે કર્નલ વિક્રાંતને આ બાબતે વાયરલેસ સંદેશો મોકલવાનું કર્યું.થોડીક જ વારમાં વળતો સંદેશો આવ્યો " જેમ બને તેમ ઝડપથી કોઝલોવને શોધી કાઢો.તેના આડોશી પાડોશી,સગા વ્હાલા,મિત્રો તથા સહ કર્મચારીઓને મળી જેટલી મળે તેટલી બાતમી મેળવવાની છે.તે રશિયા છોડીને નીકળી જાય તેવી પૂરેપૂરી શકયતા છે." આવતી કાલ કંઈક અલગ જ સંદેશો લઇ આવવાની હતી.
૧૧ જાન્યુઆરી,૧૯૬૦
ઇસર અને પીટર વર્ષો થયે રશિયામાં સક્રિય હતા એટલે અહીંના ચપ્પા ચપ્પાની તેમને ખબર હતી.બીજા દિવસે સરદારસિંહે ઇસરને સાથે લઇ કોઝલોવની શોધખોળ આદરી.પીટર પેલા નવયુવાનોને કરાટે કુસ્તીના દાવ અને મેકપના ઉપયોગથી દેખાવ કઇ રીતે બદલી શકાય તેની ટ્રેનિંગ આપવા મકાનમાં જ રોકાયો હતો.આ બાજુ, સરદારસિંહ અને ઇસરે કોઝલોવના મિત્રો બનીને સૌથી પહેલાં તેના આડોશી પાડોશી પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો,પણ કામની માહિતી કંઈ મળી નહીં.એટલે તેઓ કોઝલોવના સંબંધીઓને મળ્યા,તે બધાને પણ કોઝલોવ ક્યાં ગયો હતો તેની કંઈ ખબર ન હતી.પણ કોઝલોવના દૂરના કાકાએ કરેલી એક વાત સરદારસિંહને જરા શંકાસ્પદ લાગી.તેમણે કહ્યું કે જેલમાંથી છૂટ્યા બાદ બીજા દિવસે કોઝલોવે અહીં આવીને તેના મિત્ર નોકાહને ટેલિફોન જોડ્યો હતો.કદાચ કોઝલોવ તેને મળ્યો હોય તો નોકાહ તેના વિશે જણાવી શકે ખરો!એક પળનો વિલંબ કર્યા વગર નોકાહનું સરનામું લઇ તેઓ નીકળી ગયા.ભાગદોડ કરવા ટેવાયેલા ઇસરને તેનું ઘર શોધતાં વાર ન લાગી.ડોરબેલ વગાડતાં જ એક પાતળા બાંધાનો પાંત્રીસેક વર્ષનો પુરુષ બહાર આવ્યો."તમારું નામ નોકાહ?"રશિયન ભાષામાં ઇસરે પ્રશ્ન પૂછતાં જ પેલો યુવાન ચમક્યો."જી.પણ તમે......"તે બોલી રહે તે પહેલાં તો બંનેએ રશિયન પોલીસના નકલી આઈ કાર્ડ બતાવી દીધાં હતા.તેને જોતા જ નોકાહ તેમને અંદર દોરી ગયો.
તેની પાસેથી બંનેને જવાબ કઢાવતાં વાર ન લાગી. નોકાહના કહેવા પ્રમાણે જેલમાંથી બહાર આવ્યા બાદ કોઝલોવે પહેલો ફોન તેને કર્યો હતો.તે અહીંથી દૂર નીકળી જવાની વાત કરતો હતો.પણ તેની પાસે મુસાફરી કરવા માટે પૂરતી રકમ ન હતી. એટલે નોકાહને કહીને તેણે મોસ્કો થી બ્રિકેટની ટિકિટ બુક કરાવી હતી.ત્યારબાદ તે ક્યાં ગયો તેની માહિતી નોકાહ પાસે ન હતી.કોઝલોવ બ્રિકેટ પહોંચ્યા વગર અધવચ્ચે જ ઉતરી ગયો હોય તેવી પૂરેપૂરી શક્યતા હતી.હવે, આગળનું કામ ઘાસના ગંજીફામાંથી સોયને શોધવા જેવું હતું.
બ્રિકેટ એ મોસ્કોનું પરુ હતું.એટલે મોસ્કોનો રાજકીય નકશો મળી જાય તો કામ સરળ બને તેમ હતું.આ કામ સરદારસિંહે બહુ જ સિફતપૂર્વક પતાવ્યું.પાછા ફરીને તેમણે બધાની સમક્ષ નકશો પાથર્યો.મોસ્કોથી બ્રિકેટનું કુલ અંતર ૯૬ કિ.મી હતું.તેમાં વચ્ચે કુલ ૭ જંકશન આવતાં હતાં.કોઝલોવ કયા જંકશને ઉતર્યો હશે,તેનો અંદાઝ લગાવવો મુશ્કેલ હતો.બધાએ બારીકાઈથી રૂટ ચેક કર્યો.લગભગ ત્રણ કલાક સુધી આ દિમાગી કસરત ચાલી, પણ કોઈ ઠોસ પુરાવો મળતો ન હતો.અચાનક રુદ્રપ્રતાપની નજર જંકશનની પાસે દર્શાવેલ નિશાની પર ગઈ.રશિયન સરકારની ગફલત કહો કે દુર્ભાગ્ય પણ નકશામાં તેમણે બનાવેલાં મિલિટરી સ્ટેશન પણ દર્શાવ્યાં હતાં. અચાનક તેના મગજમાં ચમકારો થયો.કોઝલોવનું ઘર છોડવાનું મુખ્ય કારણ રશિયન સૈનિકોનો તેના પર રાખવામાં આવેલો કડક ચોકી પહેરો હતો.એટલે વાત સીધી હતી કે જે જંકશન ની નજીકમાં મિલિટરી સ્ટેશન હોય ત્યાં,ઉતરવાની ભૂલ તે કદી કરવાનો ન હતો. પેલાં ૭ જંકશન બધાએ વારાફરથી ચકાસ્યા.રુદ્રપ્રતાપની જેમ બધાની નજર છેલ્લે એક જ જંકશન પર સ્થિર થતી હતી, તે હતું 'ડેર્મોસ્કી'.જે બ્રિકેટની બિલકુલ પહેલાં આવતું હતું. તેની આસપાસ કોઈ પણ મિલિટરી સ્ટેશન દર્શાવતી સંજ્ઞા ન હતી.મતલબ સાફ હતો.હવે કોઝલોવની શોધખોળ ડેર્મોસ્કીમાં કરવાની હતી.આવતીકાલે શુ કરવું તે કર્નલ સાથે ચર્ચા કરી તેમણે ફટાફટ યોજના બનાવી લીધી.
૧૨ જાન્યુઆરી,૧૯૬૦
આગળના દિવસે બનાવેલી યોજના મુજબ બધા બે ટીમમાં વિભાજીત થઈ ગયા.'ટીમ એ'માં સરદારસિંહ,ઇસર,કેપ્ટન હર્ષવર્ધન અને નાસિર એમ ચાર જણ હતા.જ્યારે 'ટીમ બી'માં પીટર, રુદ્રપ્રતાપ,એન્થની અને દેબોજીત એમ ચાર જણ હતા.બંને ટીમોએ પોતપોતાનું કામ વહેંચી લીધું.ટીમ એ નું કામ કોઝલોવને લગતા તમામ પુરાવા ભેગા કરવાનું હતું.જ્યારે ટીમ બી નું કામ ડેર્મોસ્કીમાં કોઝલોવને શોધવાનું કામ કરવાનું હતું.
ઘડિયાળના કાંટાની ઝડપે બંને ટીમોએ પોતાનું કામ શરૂ કર્યું.ટીમ એ સૌથી પહેલાં કોઝલોવના ઘરે પહોંચી,પણ તેને તાળું લગાવેલું હતું.તેને ફટાફટ તોડી બધા અંદર પ્રવેશ્યા.અહીં તેમને કોઈ રોકી શકે તેમ નહોતું કારણકે બધાએ રશિયન મિલિટરીનો પોશાક પહેર્યો હતો.લગભગ બે કલાક જેવી શોધખોળ ચાલી,પણ તેમના હાથ કોઈ મહત્વના પુરાવા લાગ્યા નહીં.ફક્ત એક ઉભા સિંકની નીચે સળગાવેલા કાગળો મળ્યા,તેનો સીધો અર્થ એ હતો કે કોઝલોવે પોતાના પુરાવાનો નાશ કરી નાખ્યો હતો.હવે,કોઝલોવ જ્યાં પત્રકાર તરીકે ફરજ બજાવતો હતો,ત્યાં ઓફિસમાં તપાસ કરવાની હતી.ટીમ એ તાત્કાલિક ત્યાં જવા માટે નીકળી પડી.આ બાજુ ટીમ બી તે સમયે ડેર્મોસ્કી જંકશન પર પહોંચી ચુકી હતી.એક ટેક્સીમાં બેસી તેઓ થોડીક જ વારમાં ડેર્મોસ્કી પહોંચ્યા.એક નિર્જન જગ્યામાં જઈને રુદ્રપ્રતાપે પોતાની પાસે સંતાડી રાખેલો ડેર્મોસ્કીનો નકશો ખોલ્યો.તેમાં દર્શાવ્યા પ્રમાણે ડેર્મોસ્કીમાં ૧૦૦થી વધુ મકાન ન હતાં. પણ બધાં મકાનમાં જઈને કોઝલોવની શોધખોળ કરવામાં ઘણો સમય બરબાદ થઈ જાય તેમ હતું.વળી,થોડીક વાર પહેલાં જ ઇસર હેરેલનો વાયરલેસ પર નિરાશાજનક સંદેશો આવ્યો હતો,તે મુજબ કોઝલોવના ઘરેથી કોઈ પુરાવા મળ્યા ન હતા. થોડીવાર માટે બધા સુમસાન બેસી રહ્યા,કઈ રીતે આગળ વધવું તેની સુજ પડતી ન હતી.અચાનક ફરીથી વાયરલેસ પર સંદેશો પ્રસારિત થયો.તે સરદારસિંહે કર્યો હતો.બધા કાન દઈ સાંભળી રહ્યા.જેમ જેમ સંદેશો પ્રસારિત થતો ગયો તેમ તેમ ટીમના સભ્યોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું.વાત એમ બની હતી કે ટીમ એ કોઝલોવની ઓફિસે પહોંચ્યા બાદ,તેના વિશે પૂછપરછ કરી રહી હતી.તે દરમિયાન,ઓફિસનો માલિક ત્યાં ઉભો હતો.તેને લાગ્યું કે આ બધા રશિયન સરકારના જાસૂસ હશે તો પોતે કારણ વગરનો ફસાઈ જશે એમ વિચારી તેણે સામેથી કોઝલોવના ડોક્યુમેન્ટ્સની ફાઇલ આપી દીધી હતી.જાણે બગાસું ખાતા પતાસું મળ્યું!પોતાની પાસે રહેલા ખુફિયા કેમેરાથી ઇસરે તેના ફોટા પાડી લીધા અને ત્યારબાદ બહાર આવીને સરદારસિંહે વાયરલેસ કર્યો હતો.પ્રત્યુત્તરમાં પિટરે કોઝલોવના ડોક્યુમેન્ટ્સની બધી વિગતો ઝડપથી મોકલવાનું કહ્યું.
ટીમ એ ટ્રોપાર્યોવોમાં આવેલા મકાનમાં પહોંચી. નાસિર ફોટોગ્રાફીમાં ખાસ ટેકનિકો જાણતો હતો.થોડીક જ વારમાં તેણે બ્લેક એન્ડ વાઇટ ફિલ્મ પરથી ફોટા બનાવી આપ્યા.સદભાગ્યે એક પણ ફોટો ધૂંધળો ન હતો.ફોટામાં રહેલા ડોક્યુમેન્ટ્સની તમામ વિગત હર્ષવર્ધને ઝડપથી ડાયરીમાં ઉતારી લીધી,જેમાં કોઝલોવની જન્મતારીખ,ઉંમર,બ્લડ ગ્રુપ વગેરેનો સમાવેશ થતો હતો.લગભગ એક કલાક બાદ રાહ જોઇને બેઠેલી ટીમ બીના વાયરલેસ પર ઇસરનો સંદેશો પ્રસારિત થયો.જેમાં કેપ્ટન હર્ષવર્ધને ડાયરીમાં નોંધેલી કોઝલોવની વિગતો હતી.એન્થનીએ એક કાગળમાં તેનો ઉતારો કરી લીધો.ટીમ એ નું કામ પૂરું થઈ ગયું હતું.હવે, ટીમ બી નું ખરું કામ શરૂ થતું હતું.
એન્થનીએ લખેલ વિગતો જોતાં જ પીટર મેલ્કીનના મોઢામાંથી "ઓહ!માય ગોડ!" શબ્દો સરી પડ્યા.જોગાનુજોગ કોઝલોવના લગ્નને આજે દસ વર્ષ પૂરાં થતાં હતાં.મતલબ કે આખા ડેર્મોસ્કીમાં તપાસ કરીએ તો પણ વધુમાં વધુ કેટલા કપલ નીકળે કે જેમની લગ્ન તારીખ આજની હોય!માનીલો કે દસ હોય તોયે કોઝલોવને શોધી શકાય તેમ હતો.કારણકે લગ્નતારીખ આજની હોય,તે ઘરોમાં રાત્રે ઉજવણી થવાની હોય તે નક્કી હતું.બધાનું લક્ષ્ય હવે કોઝલોવની શોધખોળમાં એકાકાર થઈ ગયું હતું.રાત પડે તે પહેલાં બધાએ લુખું સુખું ખાઈ લીધું.ધીરે ધીરે ડેર્મોસ્કી પર અંધકાર છવાઈ ગયો.શિયાળાની ઋતુ હતી એટલે ઠંડી વધારે લાગતી હતી.બધા ડેર્મોસ્કીમાં આવેલ મકાનો પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં વહેંચાઈ ગયા.પોતાની મેકઅપની કલાનો ઉપયોગ કરી પિટરે બધાનો દેખાવ બદલી નાખ્યો હતો.દરેક જણ પાસે જર્મન બનાવટનાં મીની વાયરલેસ હતાં.રાત્રીના હજુ આઠ જ વાગતા હતા,એટલે લગભગ બઘી જગ્યાએ વાળું કરવાની તૈયારીઓ ચાલતી હતી.મકાનોમાં લાઈટનો પ્રકાશ પૂરતો હતો,એટલે કોઈ ઝાડની ઓથે કે ખૂણામાં દબીને અંદર જોઈ શકાતું હતું.થોડી વારમાં વાયરલેસ પર જન્મદિવસની ઉજવણી થઈ રહી હોય,તેવા એકાદ બે સંદેશા આવ્યા પણ મનને ટાઢક વળે તે માહિતી હજુ આવી ન હતી.શોધખોળમાં ખાસ્સો સમય પસાર થઈ ગયો,પણ કોઈ પુરાવો મળ્યો ન હતો.છેવટે બધાએ જ્યાંથી છુટા પડ્યા હતા,ત્યાં ભેગા થવાનું નક્કી કર્યું.
આ બાજુ એન્થનીએ જેવો પાછા ફરવા માટે પગ ઉપાડયો કે તેની નજર દૂરથી ચાલુ બંધ થતા બલ્બ પર પડી.કોઈએ એક સેકન્ડ માટે બલ્બ ચાલુ કરીને બંધ કરી દીધો હોય તેવું તેને લાગ્યું.બલ્બનો પ્રકાશ એટલો ઓછો હતો કે કોઈ ધ્યાનથી જુએ તો જ ખ્યાલ આવે તેમ હતું.તો શું ત્યાં કોઈ મકાન હતું?અને હોય તો પણ નવાઈની વાત એ હતી કે ડેર્મોસ્કીના નક્શામાં તેને દર્શાવવામાં આવ્યું ન હતું.જે હોય તે પણ હવે આટલું જોખમ લીધા બાદ તેમાં કોઈ ચૂક ન રહેવી જોઈએ.એન્થની થોડાક ડગલાં આગળ ગયો હશે,કે ફરીથી પેલો બલ્બ સેકન્ડ માટે ઝબકી બંધ થઈ ગયો.તેની સાથે એન્થનીના મગજમાં પણ એક વિચાર ઝબકયો.થોડીકવાર માટે તેણે ઉભા રહી બલ્બના ચાલુ થવાના સમયને ઘડિયાળ સાથે મિલાવ્યો.આશ્ચર્યની વાત એ હતી કે બરાબર ૧ મિનિટે બલ્બ ઝબકતો હતો!તેનો અર્થ સીધો એ હતો કે બલ્બ ચાલુ કરવા માટે ત્યાં કોક હાજર હતું એટલું જ નહીં તેને ત્રણ વખત આ રીતે બલ્બ ચાલુ બંધ કરીને કોઈકના માટે ગુપ્ત સિગ્નલ પણ આપ્યું હતું.એન્થનીએ તરત જ વાયરલેસ પર સંદેશો વહેતો મુકીને બધાને રાહ જોવા જણાવ્યું.બલ્બ હવે ઝબકતો ન હતો એટલે સિગ્નલ પૂરેપૂરું અપાઈ ગયું હોય તેવું લાગતું હતું. એક મિનિટ પસાર થઈ,...બે મિનિટ.......ત્રણ મિનિટ.......એમ કરતાં કરતાં દસ મિનિટ થવા આવી. હજુ સુધી કોઈ હિલચાલ દેખાતી ન હતી.આ બાજુ એન્થનીનો ઉચાટ વધતો જતો હતો.છેવટે કંટાળીને તે પેલા મકાન તરફ જવા જતો હતો કે તેના કાનમાં કોઈના ચાલતાં આવવાનો અવાજ સંભળાયો. તે ત્યાંને ત્યાં થીજી ગયો.તેણે તે દિશામાં નજર દોડાવી પણ ધુમ્મસના કારણે સ્પષ્ટ દેખાતું ન હતું.જેમ જેમ બુટના તળિયાનો અવાજ વધુ નજીક આવતો ગયો તેમ તેની ધડકનો તેઝ થતી જતી હતી.આખરે લાંબો કોટ પહેરેલ એક વ્યક્તિ તેની નજીકથી પસાર થયો.એન્થની રસ્તાની એક બાજુ છુપાઈને જોઈ રહ્યો હતો.પેલા પુરુષના હાથમાં કંઈક પકડેલું હતું,પણ અંધારામાં તે દેખાયું નહિ.એન્થનીએ છુપાતાં છુપાતાં તેનો પીછો કર્યો.પેલા વ્યક્તિની દિશા પેલા મકાન તરફની જ હતી.થોડીક વારમાં જ તેઓ ત્યાં જઈ પહોંચ્યા.
હવે,આગળ વધાય તેમ ન હતું.એન્થની રસ્તાની પાસેના એક થાંભલાની ઓથ લઇ ઉભો રહ્યો.પેલા પુરુષે જેવું બારણું ખટખટાવ્યું કે તરત જ એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો.એન્થનીને ખ્યાલ આવી ગયો કે પેલી સ્ત્રી તેની પત્ની હોવી જોઈએ.એક ક્ષણ માટે તેઓ ગળે મળ્યાં ન મળ્યાં ને પાછું બારણું બંધ થઈ ગયું.હવે શુ કરવું?રસ્તો શોધવો પડે તેમ હતો.તેણે મકાનની ચારેબાજુથી તપાસ કરી.આખરે એક ઉપાય જડી આવ્યો.મકાન થોડું જર્જરિત હતું,એટલે તેની દક્ષિણ દિશા તરફની બારીમાં ઉંદરોએ એક નાનકડું બાકોરું પાડ્યું હતું.ત્યાં કાગળનું જાડું પુંઠું મૂકીને તેને ઢાંકી દેવામાં આવ્યું હતું,છતાં પણ તે સ્હેજ ખુલ્લું રહી જવા પામ્યું હતું. તેમાંથી લાઈટની રોશની બહાર આવતી હતી.જરા પણ વાર લગાડ્યા વગર એન્થની ત્યાં પહોંચી ગયો.આસપાસ કોઈ નથી તેવી છેલ્લી વાર ખાતરી કરી લીધી.ત્યારબાદ તેણે ધીમેથી પૂંઠાને ખસેડી અંદર જોવાની કોશિશ કરી.એક ચૂકામુક થઇ કે ખેલ ખતમ!સારા નસીબે બાકોરું બારીની બાજુમાં હતું,એટલે પુંઠું એકતરફ સરકયું.હવે, અંદરનું દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકાતું હતું.રૂમની વચ્ચે ગોઠવેલા ટેબલ પર કેક મુકવામાં આવી હતી,ને તેની બાજુમાં પેલો પુરુષ લાવ્યો હતો તે મોટો બુકે પડ્યો હતો.રંગબેરંગી લાઈટ્સનું ડેકોરેશન પણ ઠીકઠાક હતું.એક છોકરો અને છોકરી ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા.એટલામાં પેલાં પુરુષ અને સ્ત્રી ટેબલ પાસે આવ્યાં.બંનેએ સાથે કેક પર ગોઠવેલી મીણબત્તીઓ બુઝાવી,તે વખતે એન્થનીએ ગણી કાઢી,બરાબર દસ હતી!મતલબ આજે તેમના લગ્નની દસમી વર્ષગાંઠ હતી.આખો પરિવાર ખુશખુશાલ જણાતો હતો.તેને જોઈને આખરે જેને શોધતા હતા તે આ કોઝલોવ જ હશે,તેવો એન્થનીને વિશ્વાસ આવી ગયો હતો.છતાં પણ મકાનની અંદરનું નિરીક્ષણ કરવા માટે તે રોકાયો.
કેક કાપ્યા પછી પેલી સ્ત્રીએ પોતાના પતિને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા આપી "સ્ચસ્તલીવા ગોડોવ્શીના બ્રાકા, મિખાઇલ!"
રશિયન ભાષામાં કહેલા અટપટા શબ્દોમાં તો એન્થનીને ખ્યાલ આવ્યો નહીં,પણ પેલું 'મિખાઇલ' નામ સાંભળી તેના કાન ચમક્યા.નક્કી પેલા પુરુષનું નામ મિખાઇલ હતું તો પછી કોઝલોવ ક્યાં હતો?થોડી વાર પહેલા તેના શરીરમાં આવેલો જુસ્સો શમી ગયો.તેની કોઝલોવને શોધી કાઢવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.હવે,રોકાવાની કોઈ જરૂર ન હતી.
એટલે ફટાફટ ત્યાંથી નીકળી ગયો.ટીમના બાકીના સભ્યો જ્યાં રાહ જોતા હતા ત્યાં આવીને બધાને એણે વિગતવાર વાત કરી.તે સાંભળીને બધાને કોઝલોવ અહીં હોવા વિશે શંકા થઈ આવી .છતાં તેમણે ધીરજથી કામ લેવાનો નિર્ણય કર્યો.પહેલા પિટરે સરદારસિંહને સંદેશો પહોંચાડવાનું કામ કર્યું.હવે કર્નલ તરફથી જે સૂચના આવે તેની રાહ જોવાની હતી.આ બાજુ સરદારસિંહે પણ તાત્કાલિક કર્નલને સંદેશો મોકલ્યો.થોડી જ વારમાં વળતો સંદેશો આવ્યો "મિખાઇલ નામ ધારણ કરેલ વ્યક્તિ કોઝલોવ હોઈ શકે છે.તેના પર ચાંપતી નજર રાખો.તે ક્યાં જાય છે,શુ કરે છે,કોને મળે છે?બધી માહિતી એકઠી કરો.જ્યાં સુધી તે મિખાઇલ છે તેવું સાબિત ન થઈ જાય ત્યાં સુધી સ્થળ છોડશો નહીં."
હવે પછીનું કામ પેચીદું હતું.પણ ચારે જણે થોડીક જ વારમાં આવતીકાલ ની યોજના બનાવી લીધી.તે મુજબ રુદ્રપ્રતાપ અને એન્થનીએ મિખાઇલ ઉર્ફે કોઝલોવ ના ઘરની મુલાકાત લેવાની હતી.અલબત્ત છુપા વેશે! બીજી તરફ,પીટર અને દેબોજીતે મિખાઇલની દિનચર્યાની સેકન્ડે સેકંડનું ધ્યાન રાખવાનું હતી.મોડી રાત થવા આવી હતી,એટલે ડેર્મોસ્કીમાં આવેલ એક નાનકડા ગેસ્ટ હાઉસમાં તેઓ રોકાયા.
૧૩ જાન્યુઆરી,૧૯૬૦
આગળ નક્કી કર્યા પ્રમાણે બીજા દિવસની વહેલી સવારે ચારે જણા મિખાઈલના ઘર તરફ જવા માટે નીકળી પડ્યા.શિયાળાની ઋતુને કારણે હજુ સૂર્યોદય થયો ન હતો.ખાસ અજવાળું નહોતું એટલે તેનો લાભ લઇ ચારે જણા થોડી વારમાં ત્યાં જઈ પહોંચ્યા.કોઈને ખ્યાલ ન આવે તેમ છુપાઈને તેમણે મકાનનું નિરીક્ષણ કર્યું.તે એવી જગ્યાએ હતું કે જ્યાં ખાસ લોકોની અવરજવર ન હતી.વળી.આસપાસ ગીચ ઝાડી આવેલી હતી,એટલે કોઈની નજરમાં જલ્દી આવે તેમ નહોતું.મકાન સુધી પહોંચવા એકમાત્ર કાચો રસ્તો હતો,જે આગળ જતાં સડકને મળી જતો હતો.પાછલી રાતે એન્થનીએ પીછો કર્યો હતો,તે આ જ સડક હતી,જેનો એક છેડો મકાન સુધી આવીને અટકી જતો હતો.જ્યારે બીજો છેડો સામે આવેલા મુખ્ય રસ્તાને મળી જતો હોય તેવું પીટરને લાગ્યું.અહીં,સાધનોની કોઈ અવર જવર ન હતી,એટલે મિખાઇલ ગઈ કાલે ટેક્ષી અથવા તો બસ મારફતે ઉતરીને ઘર સુધી ચાલતો આવ્યો હતો,તે સ્વાભાવિક હતું.અડધો કલાક વીત્યો હશે ત્યાં અચાનક હાર્મોનિયમની ધૂન સંભળાઈ.બધા એકદમ સતર્ક થઈ ગયા.અવાજ આસપાસમાંથી જ આવતો હતો?તેમણે દેબોજીતને ગળામાં કંઈક પહેરેલું હતું,તે કાઢી નાખવા માટે પ્રયત્ન કરતો જોયો.તે એક લોકેટ હતું,જેની અંદરની બાજુ દેબોજીત અને તેની પત્નીનો ફોટો લગાડેલો હતો.તેને ખોલવા માટે બહારની બાજુ એક નાનું બટન હતું.જ્યારે બટન દબાવવામાં આવતું ત્યારે,લોકેટ ખુલી જતું ને સાથે સાથે તેમાંથી મધુર ધૂન સંભળાતી હતી.કદાચ ભૂલથી તે બટન દબી ગયું હતું.દેબોજીતે જેમતેમ કરી લોકેટ બંધ કર્યું તેની સાથે પેલી ધૂન પણ બંધ થઈ.એટલામાં અચાનક જ મકાનનો દરવાજો ખુલ્યો.એક સ્ત્રી આવીને ઉભી રહી.તે મિખાઈલની પત્ની હતી.તેને પેલી ધુનનો અવાજ સંભળાઈ ગયો હતો કે શું?એવું હતું તો પછી કોઈના હોવાનો શક પણ તેને થયો જ હોવો જોઈએ.આવી પરિસ્થિતિમાં મિખાઇલ ઉર્ફ કોઝલોવ આ જગ્યા પણ છોડી દે તેમાં શંકા ન હતી.ને જો એવું હોય તો ફરીથી નવી ઘોડીનો નવો દાન આવે તે નક્કી હતું.એટલામાં પેલી સ્ત્રી આસપાસ નજર ફેરવીને કોઈ નથી તેવી ખાતરી કરીને અંદર જતી રહી.બધા દેબોજીત સામે સમસમતી નજરે તાકી રહ્યા.ખાલી એક ચૂક ને બધી મહેનત પાણીમાં જાય તેમ હતું.
થોડીવાર સુધી અંદર કોઈ હિલચાલ ન થઈ.બધાની નજર એકીટશે ત્યાં સ્થિર થઈ ગઈ હતી.એટલામાં ફરીથી દરવાજો ખુલવાનો અવાજ આવ્યો.પણ આ વખતે કોઈ સ્ત્રી ન હતી,પણ પુરુષ હતો !તે લાંબા કાળા ઓવરકોટમાં સજ્જ હતો.તેના બંને હાથ કોટના ખિસ્સામાં હતા ને મોઢાને કપડા વડે ઢાંકી દીધું હતું.સાથે સાથે માથા પર વેસ્ટર્ન કેપ લગાવેલી હતી."મિખાઇલ!"તેને જોતાં જ એન્થનીએ દબાતા સ્વરે કહ્યું.નામ સાંભળતા જ બધાનું હૃદય ધબકારો ચુકી ગયું.સદભાગ્યે તેની પત્નીને કોઈ શંકા થઈ ન હતી,પણ રોજના નિયમ પ્રમાણે આસપાસ કોઈ નથી તેની ખાતરી કરવા આવી હતી.ત્યારબાદ જ મિખાઇલ બહાર આવતો હશે તેવું બધાને લાગ્યું.જાસુસકળાના અઠંગ ખેલાડી પિટરે ઘડિયાળમાં સમય જોઇ લીધો.સાત વાગવા આવ્યા હતા.એટલામાં તો મિખાઇલે સડક પર અમુક અંતર કાપી લીધું હતું.રાત્રે નક્કી કર્યા મુજબ પીટર અને દેબોજીતે સલામત અંતર રાખીને તેનો પીછો શરૂ કર્યો.આ બાજુ, રુદ્રપ્રતાપ અને એન્થનીએ થોડો સમય જવા દીધો.
મિખાઇલ ને ગયે કલાક થયો હશે,ત્યાં ફરીથી દરવાજો ખુલ્યો. પેલી સ્ત્રી યુનિફોર્મમાં સજ્જ પોતાના બંને બાળકો સાથે બહાર આવી.તે બંનેને સ્કૂલમાં છોડવા માટે જઇ રહી હતી.આ જોઈને રુદ્રપ્રતાપના મનમાં એક વિચાર સૂઝયો.તેણે તરત જ પેલી સ્ત્રીના જે રસ્તા પર જઇ રહી હતી,તે તરફ પાછળ પાછળ જવાનું શરૂ કર્યું.થોડી જ વારમાં શાળાનો ગેટ દેખાયો.રુદ્રપ્રતાપની નજર ઘડિયાળ પર જ હતી.ચાલતાં આવીએ તો ઘરથી શાળા પંદર મિનિટના અંતરે હતી.તેણે ફટાફટ ગણતરી માંડી.સ્કૂલ છૂટે ત્યારે પણ મિખાઈલની પત્ની બાળકોને લેવા જરૂર આવતી હોવી જોઈએ.પાંચ મિનિટ આગળ પાછળ ગણો તો ફક્ત દસ મિનિટનો જ સમય મળે.આટલા સમયમાં મકાનમાં પેસીને માહિતી લઈને નીકળી જવાનું હતું.પાછા ફરીને તેણે એન્થની સાથે ચર્ચા કરી પ્લાન બદલી નાખ્યો.
આ તરફ, રૂટ નં. ૧૪ની બસ લેમ્બોર્ગીની કારની ફેક્ટરી આગળ ઉભી રહી.તેમાંથી બ્લેક ઓવરકોટમાં સજ્જ મિખાઈલ ઉતર્યો.પીટર અને દેબોજીત તેની પાછળ જ હતા.થોડીકવારમાં જ તેઓ મેઇન ગેટ પાસે પહોંચી ગયા.મિખાઇલે પોતાનું ઓળખકાર્ડ બતાવ્યું ને તે અંદર તરફ ચાલવા લાગ્યો.પીટર અને દેબોજીતે કંઈ સમજાતું ન હતું.અંદર જવા માટે મેઈન ગેટ સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.પણ એટલામાં એવું કંઈક બન્યું કે જેની કલ્પના બંનેએ કરી ન હતી.મિખાઇલ હંમેશાં સહેજ નીચે માથું રાખીને ચાલતો હતો.તે થોડાંક ડંગલ ચાલ્યો કે સામેથી આવતા કોઈક કર્મચારીને અથડાયો.બંને વચ્ચે થોડી ચકમક થઈ.પણ ત્યાં હાજર બીજા લોકોએ તેમને અટકાવ્યા એટલે બંને પોતપોતાના રસ્તે ચાલ્યા.પેલો કર્મચારી બબડતો બબડતો આવતો હતો.પિટરે મોકો હાથ પર જોયો.તે ધીમેથી પેલા કર્મચારી પાસે ગયો અને મિખાઇલ વિશે માહિતી લીધી.તેના કહેવા મુજબ મિખાઇલ છેલ્લા એક અઠવાડિયાથી જ આવ્યો હતો.વળી,તેનું વર્તન પણ શંકાસ્પદ હતું.તે પોતાની વસ્તુ કોઈને અડવા દેતો ન હતો.આટલી માહિતી પૂરતી હતી.ફટાફટ બંને ત્યાંથી નીકળી ગયા.
આ બધું થયું તે દરમિયાન ટીમ એ પણ બેસી ન રહી.ટ્રોપાર્યોવોમાં હવે અગત્યનું કઇ કામ ન હતું,એટલે તે બધાએ હેલિકોપ્ટર બનાવતી બે ત્રણ કંપનીઓની મુલાકાત લીધી,જે આગળ જતાં તેમને ઉપયોગી થવાની હતી પણ તેનો ખ્યાલ કોઈને આવ્યો ન હતો.મુલાકાતો ઔપચારિક રીતે જ હતી,એટલે કંપનીનો માલિક તેમને વેચવાનો રસ દેખાડતો ત્યારે તેઓ ટ્રાયલ લેવા માટે એક અઠવાડિયાની માંગણી કરતા હતા. જે શક્ય ન હોવાથી, ડીલ કેન્સલ થઇ જતી હતી.પણ એક કંપની જરા ફડચામાં ઉતરી ગઈ હતી,તેના માલિકે અઠવાડિયા સુધી હેલિકોપ્ટરનો ટ્રાયલ લેવાની મંજૂરી આપી.તે કોઈ પણ હિસાબે આવેલી તક જવા દેવા માંગતો ન હતો.તો સામે પક્ષે પણ કોઈ હાથ લાગેલો મોકો ગુમાવવા માંગતું ન હતું.તાત્કાલિક ચાર તુપોલેવ હેલિકોપ્ટર લાવવામાં આવ્યાં. તુપોલેવ હેલિકોપ્ટર લાંબા અંતર સુધીની ઉડયન ક્ષમતા ધરાવતું હતું.વળી,તેનો ઉપયોગ પેટ્રોલિંગ અને હળવા હુમલાઓ માટે પણ કરી શકાતો હતો.હેલિકોપ્ટર ના સંચાલનની સમજ આપવા માટે ચાર અનુભવી પાયલોટ પણ સાથે હતા.પેલા વેપારીએ તે જ દિવસથી ટ્રાયલનો આગ્રહ કર્યો.થોડીક મિનિટોમાં જ તુપોલોવ હેલિકોપ્ટરોએ ઉડાન ભરી.
આ તરફ મિખાઈલની પત્ની બાળકોને લેવા સ્કૂલે ગઈ ત્યારે,એન્થની અને રુદ્રપ્રતાપ મિખાઈલના ઘર પાસે પહોંચી ગયા હતા.રુદ્રપ્રતાપે ફટાફટ એક નાની શીશી બહાર કાઢી.ને તેમાં જે પ્રવાહી હતું તેને તાળામાં ધીરે ધીરે રેડયું.ને એક નાની પીન કાઢી તે જગ્યામાં જવા દીધી.પેલું પ્રવાહી 'પોલીમીથાાઈલ સાયફોન' તરીકે ઓળખતો પ્રવાહી પદાર્થ હતો,જે હવાના સંપર્કમાં આવતાં જ ધાતુઓની જેમ કઠણ ઘન બની જતો હતો.તાળામાં રેડવાથી તે ચાવીના ખાંચાના આકારનો બની ગયો હતો,સાથે સાથે પેલી પિન પણ ત્યાં જ હતી એટલે એક પ્રકારની કામચલાઉ ચાવી બની ગઈ હતી.હાથમાં પકડેલી પિન જેવી રુદ્રપ્રતાપે ફેરવી કે તરત જ ફટાક કરતું તાળું ખુલી ગયું.રુદ્રપ્રતાપે અંદર પ્રવેશ્યો જ્યારે એન્થનીએ બહાર રહી ધ્યાન રાખવાનું હતું.કદાચ મિખાઈલની પત્ની આવી જાય તો તેને રોકી રાખવા માટે પણ યોજના તૈયાર હતી.તે મુજબ ત્યાં આસપાસ લીલું ઘાસ ઉગેલું હતું,તેના પર થોડું સૂકું ઘાસ નાખીને સળગાવવાથી ધુમાડો થાય ત્યારે તેનો લાભ લઇ ત્યાંથી છટકી જવાય તેમ હતું.રુદ્રપ્રતાપે અંદર ગયો તો તેની આંખો ફાટી જ ગઈ.બધું જ અસ્તવ્યસ્ત હતું.સામેના ટેબલ પર એક ટાઈપ રાઇટર હતું.જેની આસપાસ ઘણા બધા કાગળો પડેલા હતા.તેણે ઉતાવળથી બધા કાગળ તપાસ્યા. તેનો ઉપયોગ નકલી દસ્તાવેજ બનાવવા માટે થયો હોય તેમ હતું.ટેબલની પાસે એક અલમારી હતી.તેમાંથી પણ
બનાવટી દસ્તાવેજો હાથ લાગ્યા.આ બધા પરથી મિખાઇલ ભાગવાની તૈયારીઓ કરી રહ્યો હતો,તે નક્કી હતું.રુદ્રપ્રતાપ જે કંઈ હાથ લાગ્યું તે લઇ બહાર નીકળી ગયો.
રૂમ પર પહોંચીને રુદ્રપ્રતાપે કોઝલોવના ફોટાને મિખાઈલના ફોટા સાથે સરખાવી જોયો.તકલીફ એક જ હતી કે કોઝલોઝને મૂછો અને દાઢી હતી,જ્યારે મિખાઇલ ક્લીન શેવ્ડ હતો.એટલામાં પીટર અને દેબોજીત આવી પહોંચ્યા.રુદ્રપ્રતાપે તેમને ફોટા બતાવ્યા.પીટરને અચાનક વિચાર આવ્યો.તે ચિત્રો દોરવામાં માહેર હતો.તેણે મિખાઈલના ફોટા પર કોઝલોવના જેવી જ દાઢી મૂછ બનાવી નાખી! ચારે જણા અચંબિત હતા.હવે,બંને ફોટામાં એક વળનો પણ ફરક ન હતો.એટલે મિખાઇલ જ કોઝલોવ હતો,તે વાતમાં કોઈ શંકા ન હતી.ચારે જણે રાતે શુ કરવું તે ફટાફટ યોજના બનાવી લીધી.
ડેર્મોસ્કીમાં આઠ વાગવા આવ્યા હતા.જેમ જેમ રાત્રીનો અંધકાર વધતો જતો હતો તેમતેમ બધાના હૃદય ની ધડકનો તેજ થઇ રહી હતી.અગાઉથી નક્કી કર્યા પ્રમાણે કેપ્ટન હર્ષવર્ધને મિખાઇલના મકાનથી થોડે દુર ગાડી ઉભી રાખી હતી.જ્યારે રુદ્રપ્રતાપે મિખાઈલની ટોર્ચનો પ્રકાશ દેખાય કે તરત જ નીકળી પડવાનું હતું.બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા.હજુ પણ કોઈ આવતું હોય તેવું જણાતું ન હતું.ઘડિયાળનો કાંટો આગળ વધતો જતો હતો તેમ તેમ બધાની અકળામણ વધતી જતી હતી.આખરે સાડા આઠ વાગે ઇસરે રેડિયો પર પાછા ફરવા માટે સંદેશો મોકલ્યો.પણ પીટર આટલા મોટા પ્લાનિંગને નિષ્ફળ થવા દેવા માંગતો ન હતો.તેણે દસ મિનિટ રાહ જોવાનું કહ્યું.થોડીકવારમાં જ બલ્બ પ્રકાશિત થઈને બંધ થઈ ગયો."બી એલર્ટ!" પિટરે રેડીઓ પર સંદેશો પ્રસારિત કર્યો.સૌ સતર્ક થઈ ગયા.હવે, બે મિનિટ જ હતી.ને શિકાર હાથવેંતમાં જ હતો.બીજી અને ત્રીજી વાર બલ્બ પ્રકાશિત થતાંજ કોઈકના ચાલતા આવવાનો અવાજ સંભળાયો.કેપ્ટન હર્ષવર્ધન તૈયાર જ હતો.તેણે પેલા વ્યક્તિની ચાલવાની ઢબ પરથી જ તે મિખાઇલ હોવાનો અંદાઝ લગાવ્યો હતો,જે બિલકુલ સાચો હતો.થોડીક જ વારમાં મિખાઇલ નજીક આવતાં જ હર્ષવર્ધને "અદયીન મોમેંન્ત, સેર!"
(એક મિનિટ!સર) એવું રશિયન ભાષામાં ગોખેલું વાક્ય કહ્યું.તેની અને મિખાઈલની નજર એક ક્ષણ માટે મળી. તેને જોઈ મિખાઇલ બે ડગલાં પાછળ હટયો કે હર્ષવર્ધને તેની પર તરાપ મારી.બંને જણા બરફથી ભીની થયેલ જમીન પર પડ્યા.મિખાઇલ છૂટવા માટે શરીરની પૂરેપૂરી તાકાત લગાવતો હતો.પણ પીટરે હર્ષવર્ધનને કરાટે કુસ્તીના દાવની એવી તાલીમ આપી હતી કે છૂટવું આસાન ન હતું.હર્ષવર્ધને તેના ગળાની ફરતે હાથનો મજબૂત ગાળિયો રચી દીધો હતો.તેની સાથે જ મિખાઈલના ગળામાંથી અંધારાને ચીરતી ચીસ નીકળી ગઈ.એટલામાં રુદ્રપ્રતાપ દોડતો આવી પહોંચ્યો.તેણે મિખાઈલના મોઢામાં રૂમાલનો ડૂચો ખોસી દીધો અને હર્ષવર્ધનની મદદથી તેને ગાડીની સીટમાં વચ્ચે રાખી બેસાડી દીધો.એન્થનીએ ઝડપથી ગાડી મારી મૂકી.આ તરફ બાકીના સભ્યો પણ ટેક્ષીમાં જવા રવાના થયા.
લગભગ કલાકેક બાદ મિખાઇલ ઉર્ફ કોઝલોવ સાથે બધા ટ્રોપાયોર્વો માં આવેલા મકાનમાં હતા. ઇસરે કોઝલોવના મોઢામાંથી રૂમાલ કાઢી નાખ્યો હતો,પણ હજુ તેની આંખ પર કામચલાઉ પટ્ટી બાંધેલી હતી. હવે કોઝલોવની પૂછપરછ ચાલુ થઈ.પણ તે કશું સ્વીકારવા તૈયાર ન હતો.આખરે પિટરે તેની જન્મતારીખ,બ્લડ ગ્રુપ,લગ્ન તારીખ વાંચી સંભળાવી,ત્યારે સ્વીકૃતિ મળી "હા!હું જ કોઝલોવ છું."ટીમના સભ્યો બોલ્યા વગર એકબીજા સામું જોઈ રહ્યા.આખરે જે જવાબ જોઈતો હતો તે મળી ગયો હતો.સૌએ રાહતનો દમ લીધો.પણ ખરી તપાસ હવે ચાલુ થતી હતી.
પિટરે કોઝલોવને ઘર છોડવાનું કારણ પૂછ્યું.કોઝલોવે કહ્યું કે રશિયન સૈનિકો અને જાસૂસો ની તેના પર નજર હતી.એટલે તેને એમ લાગ્યું કે સ્ટેલીનનો આદેશ થાય તો તેને ફાંસીની સજા થઇ શકે તેમ હતી. એટલે તે ચૂપચાપ રાત્રે ત્યાંથી ભાગી નીકળ્યો હતો.
"એ વાત સાચી છે કે તમે જેલમાં હતા તે દરમિયાન કોઈ ભારતીય ક્રાંતિકારીને મળ્યા હતા ?"પિટરે આગળ વાત ચલાવતાં કહ્યું.
રૂમમાં એકદમ શાંતિ પથરાઈ ગઈ.બધાનું ધ્યાન કોઝલોવ શુ ઉત્તર આપે છે,તેના પર હતું.
"હા,તે વાત સાચી પણ છે અને ખોટી પણ છે તેમ કહો તો પણ ચાલે."કોઝલોવે વાત ગુમાવતા કહ્યું.
પણ સામે કોઈ જેવો તેવો વ્યક્તિ બેઠો ન હતો.તેણે કોઝલોવને ચેતવણી આપતાં કહ્યું કે"આ બોલવાનો છેલ્લો ચાન્સ આપું છું.હવે પછીનું કામ મારી આ મૂંગી હિરોઈન કરશે." બોલતાની સાથે જ પીટરે કોઝલોવના લમણે રિવોલ્વર તાકી.તેને પરસેવો છૂટી ગયો.ને તેની જીભે એક નામ લથડીયા ખાતું સૌને સંભળાયું.તે હતું 'યાકુતસ્ક'!
'યાકુતસ્ક?આ નામ તો પહેલીજ વાર સાંભળ્યું,બહુ જ અટપટું છે." પીટરની આંખોમાં નવાઈ હતી.
"હા!નામ જેટલી જ ત્યાંની જેલ પણ અટપટી છે.અરે!તેને જેલ નહીં આઈસ જેલ જ સમજો.તે દુનિયાનું સૌથી ઠંડુ સ્થળ છે જ્યાં પારો -50℃ ને પાર કરી જાય છે.સજા પામેલા તેને 'આઈસ જેલ' કે 'ઠંડુ નર્ક' તરીકે ઓળખે છે .અમે ત્યાંજ મળ્યા હતા." કોઝલોવે કહયું.
"પણ તમે વિશ્વાસથી કઇ રીતે કહી શકો તે ભારતીય ક્રાંતિકારી છે?" પીટરે માહિતી કઢાવવા કહ્યું.
"યાકુતસ્ક જેલમાં અમારા સેલ બાજુ બાજુમાં હતા.પણ અમે કદી એકબીજાને મળી શક્યા નહીં.છતાં પણ એમણે ભારતને આઝાદી અપાવવા માટેના પ્રયત્નો કર્યા હતા તે વિશે મને અવારનવાર વાત કરતા હતા."
"પણ તમે મળ્યા ન હતા તો આ બધી વાતો કેવી રીતે થઈ?" પીટરે પૂછ્યું.
"એ જ તો નવાઈ છે!અમારા પર કડક જાપ્તો હતો.પણ આગળ કહ્યું તે પ્રમાણે અમારા બંનેના સેલની દીવાલ એક જ હતી.ને તેમાં એક છિદ્ર હતું.તેમાંથી અમે એકબીજા સાથે વાતો કરતા."
"હું ફરીથી પૂછું છું કે તમે એકબીજાને મળ્યા ન હતા તો મીડિયા સમક્ષ તમે તેમનું વર્ણન કેવી રીતે કર્યું?"
પીટરે ગુસ્સામાં બરાડ પાડી.
"એકવાર મેં તેમને મારી અમુક ટેવો વિશે વાત કરી.તેમાંની એક ટેવ પાટલુનની બોય વાળીને રાખવાની હતી.મેં અલગ અલગ રીતે પાટલુનને વાળવાની રીતો જાતે વિકસાવી હતી.કઈ રીતે પાટલુનની બોયને વાળવાથી તે ખુલતી નથી,તેના વિશે મેં તેમને માહિતી આપી.જોગાનુજોગ બીજા દિવસે એવું બન્યું કે અમારી જેલના રસોડામાં આગ ફાટી નીકળી.તે એટલી ભયાનક હતી કે કોઈ બુઝાવવા માટે તૈયાર નહતું.પણ એટલામાં પેલા ભારતીય ક્રાંતિકારીએ નજીકમાં પડેલી બાલદી લઈને,તેમાં પાણી ભરી છાંટવા માંડ્યું.તેને જોઈ બીજા કેદીઓ પણ જોડાયા.આખરે પેલી આગ બુઝાઈ ગઈ.ત્યારબાદ,બધા પોતપોતાના સેલ તરફ જતા હતા,તેવામાં પેલા ક્રાંતિકારી મારી સામે ચાલતા આવ્યા.એક ક્ષણ માટે અમારી નજર મળી ન મળી ને તે જતા રહ્યા..પણ તેમનામાં મને કંઈક અજુગતું લાગ્યું.જાણે મારી વસ્તુ ચોરી લીધી હોય તેમ!પણ તે શું હતું,તે હું કળી શક્યો નહીં.છેવટે તે દૂર ગયા ત્યારે મારી નજર તેમના વાળેલા પાટલુન પાર પડી, તરત જ મને ખ્યાલ આવી ગયો કે તેમણે પાટલુનની બોય વાળેલી હતી,જે તદ્દન મારી રીત સાથે મળતી આવતી હતી.ત્યારબાદ,રાત્રે મેં ખાતરી કરવા તેમને પૂછ્યું.તેમના કહેવા મુજબ તે સાચું હતું.એટલા માટે જ મેં મીડિયા સમક્ષ તેમનું વર્ણન કર્યું હતું."આટલું કહીને કોઝલોવ ચૂપ થઈ ગયો.
બધાના મનમાં ઉતેજના છવાયેલી હતી.તેઓ એકબીજા સામે પ્રશ્નાર્થ સૂચક નજરે જોતા હતા.કારણ કે પેલા ભારતીય ક્રાંતિકારી વિશે તેમને કઈ જણાવવામાં આવ્યું ન હતું.એટલામાં સરદારસિંહે બધાને ચુપચાપ બીજા રૂમમાં આવવા કહ્યું.થોડી જ વારમાં બધા ત્યાં એકઠા થયા.સરદારસિંહે વાત શરૂ કરતાં કહ્યું "તમારા બધાના મનમાં પ્રશ્ન થતો હશે કે પેલા ભારતીય ક્રાંતિકારી કોણ છે કે જેમના માટે આપણે આ બધું કરી રહ્યા છીએ, છતાં પણ તેમના વિશે કશું જ જાણતા નથી.પણ,કર્નલની સુચનાને ધ્યાનમાં લેતાં ગોપનીયતા જળવાય તે અગત્યનું હતું.એટલે આ માહિતી તમારાથી છુપાવવામાં આવી હતી." આટલું કહેતાંની સાથે જ દીવાલ પર લગાવેલ સફેદબોર્ડને સરદારસિંહે ધીમેથી ફેરવ્યું.તેના પર હાથથી દોરેલું એક ચિત્ર હતું.જોતાંની સાથે જ રુદ્રપ્રતાપથી બોલી જવાયું"આ તો સુ........"તે વાક્ય પૂરું કરી રહે તે પહેલાં સરદારસિંહે ઇશારાથી બોલતો અટકાવ્યો.
"હા!સુભાષચંદ્ર બોઝ,આપણે જેમને નેતાજીના હુલામણા નામથી ઓળખીએ છીએ.આ ચિત્ર કોઝલોવે જે વર્ણન કર્યું હતું,તેના પરથી દોરવામાં આવ્યું છે." સરદારસિંહે ફોડ પાડતા કહ્યું.
"તો તો હવે થઈ જાય આ પાર કે પેલી પાર!" એન્થનીએ ઉત્સાહમાં કહ્યું.
"આપણે આટલું જોખમ લીધા પછી હવે એવી કોઈ ભૂલ નહીં કરીએ,કે જેથી કરેલી મહેનત નકામી જાય." પીટરે કહ્યું.
"હવે કર્નલનો સંદેશો આવે કે તરત જ તમારે યાકુતસ્ક જાવા નીકળી પડવાનું છે.પણ આપણામાંથી કોઈ જાણતું નથી કે યાકુતસ્ક કઈ જગ્યાએ આવેલું છે.એટલે પહેલા આપણે તેના વિશે બધી માહિતી એકઠી કરવી પડશે.ઇસર અને હર્ષવર્ધન તમે બંને કોઝલોવ પાસેથી જેલની જેટલી મળે તેટલી માહિતી મેળવવાનો પ્રયત્ન કરો.તેની દિવાલ કેટલી ઊંચી છે,કેટલા ગેટ છે,માળની સંખ્યા તથા સુરક્ષા માટેનો બંદોબસ્ત આ બધું જ જાણી લો.હવે સુરક્ષા કારણોસર મારુ કામ પૂરું થાય છે.આગળની સફર તમારે બધાએ જાતે જ ખેડવાની રહેશે.પીટર અને ઇસર તમારી સાથે જ રહેશે.જ્યાં અટકો ત્યાં તેમની મદદ લેશો." સરદારસિંહ આટલું કહીને જવા રવાના થયા.
આ તરફ બધા પોતપોતાના કામે વળગ્યા.ઇસર અને હર્ષવર્ધને કોઝલોવ પાસેથી જેલની શક્ય એટલી માહિતી મેળવવા માંડી.એટલામાં એન્થની અને દેબોજીતે રશિયાના નકશામાં યાકુતસ્ક ક્યાં આવેલું હતું તે શોધી કાઢયું.નકશામાં આપેલા માપ મુજબ મોસકોથી યાકુતસ્કનું અંતર ૮૪૫૮ કિ.મી હતું.આટલું અંતર કાપતાં સહેજે પાંચ થી છ દિવસ લાગે તેમ હતા.વળી,અમુક જગ્યાએ રસ્તો દુર્ગમ હોય તો મુસાફરીના દિવસો લંબાઈ જાય તેવી શક્યતા હતી.અચાનક એન્થનીને એક વિચાર સૂઝયો.તે મુજબ ટીમ એ ના સભ્યો પેલા હેલિકોપ્ટરના ઉડ્ડયનની તાલીમ પૂરેપૂરી લઇ ચુક્યા હતા.વળી,અઠવાડિયાનો ટ્રાયલ પૂરો થવામાં હજુ પાંચ દિવસ હતા.એટલે તેનો લાભ લઇ સીધા બે જ દિવસમાં ત્યાં પહોંચી શકાય તેમ હતું.વિચાર ગજબનો હતો.છતાં પણ તુપોલોવ હેલિકોપ્ટરની અમુક મર્યાદાઓ પણ હતી.જેમ કે તેની બળતણ ટાંકી ફૂલ ભરેલી હોય તો પણ ૩૦૦૦ કિ. મી થી વધુ પ્રવાસ ખેડી શકાતો ન હતો.પણ જેને જવું હોય તેને હિમાલય પણ નડી શકે નહીં!આખરે તેનો ઉપાય મળી આવ્યો.તે મુજબ બધા હેલિકોપ્ટરોનું જ્યારે બળતણ ખલાસ થવા આવે ત્યારે બે જ હેલિકોપ્ટર નજીકમાં આવેલ ફ્યુલ સ્ટેશન પરથી પોતાની બંને ટાંકી ફૂલ કરાવીને લાવે,તેમાંથી એક એક ટાંકીનું બળતણ બાકી રહેલા હેલિકોપ્ટરની ટાંકીમાં ભરી દેશે.આ રીતે કરવાથી કોઈને પણ શંકા જાય તેમ ન હતું.બીજી તરફ નકશામાં તેમણે એવા ફ્યુલ સ્ટેશન પસંદ કર્યા કે જેમની આસપાસ કોઈ મિલિટરી ચોકી ન હતી.ફટાફટ બધી યોજના તૈયાર થઇ ગઇ.
૧૪ જાન્યુઆરી,૧૯૬૦
ટ્રોપયોર્વો ( રશિયા )
બીજા દિવસે વહેલી સવારે કોઈએ મકાનનો દરવાજો ખટખટાવ્યો.બધા ઘસઘસાટ ઊંઘમાં હતા.પણ નાસિરની આંખ ખુલી ગઈ.કદાચ રશિયન સૈનિક હોય તેવી તેને શંકા થઈ આવી.એટલે તેણે પોતાની પાસે રહેલી ઇટાલિયન બનાવટની શોટગન સંભાળીને પાછળ કમરના ભાગે ભરાવી.ને ધીમેથી દરવાજો ખોલ્યો.તેની સામે એક ઘઉંવર્ણનો ભારતીય હોય તેવો પુરુષ ઉભો હતો.તે ડો.રામચંદ્ર હતા.સરદારસિંહની દુરંદેશી દાદ માંગી લે તેવી હતી.તેણે જતાં જતાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે ડોક્ટરની વ્યવસ્થા કરી હતી.નાસિરે અંદર આવવા કહ્યું.ડો.રામચંદ્ર ઘણા સમયથી મોસ્કોમાં જ રહેતા હતા.તેમનામાં દેશભક્તિ નખશીખ હતી.એટલે જ સરદારસિંહે આગળ જતાં કોઈને કઈ થાય તો તેની સારવાર માટે ડો.રામચંદ્રને ખાસ કામ સોંપ્યું હતું.થોડી વાતચીત થઈ એટલામાં બાકીના સભ્યો પણ એક પછી એક આવતા ગયા.નાસિરે તે બધાનો પરિચય કરાવ્યો.થોડી ઔપચારિક વાતો થયા બાદ આગળની યોજના બનાવવા અંગે ચર્ચા શરૂ થઈ.ડો.રામચંદ્ર એ કર્નલનો આવેલો સંદેશો બધાને કહી સંભળાવ્યો તે મુજબ હવે કોઈ પણ આદેશની રાહ જોયા વગર તેમણે યાકુતસ્ક જવા નીકળી જવાનું હતું.
ઇસરે સૌ પ્રથમ પેલા માલિકનો સંપર્ક કર્યો અને હેલિકોપ્ટરનો ટ્રાયલ લેવા માટે જણાવ્યું.પેલા વેપારીએ હા પાડી એટલે તેણે પાયલટ વિના ટ્રાયલ લેવાની વાત કરી.તે પણ કોઈ રકઝક વિના વેપારીએ સ્વીકારી લીધી.ફટાફટ તાલીમ પામેલા ચારેય સભ્યો હેલિકોપ્ટરનો કબ્જો લેવા માટે રવાના થયા. પેલો વેપારી તો પોતાને લોટરી લાગી છે તેમ સમજી મનમાં ખુશ થતો હતો.પણ તેને ક્યાં ખબર હતી કે કાંટા એ કાંટો નીકળી જવાનો હતો! તેણે તો બેવડી ખુશીમાં ચારેય હેલિકોપ્ટરની બંને ટેન્ક ફૂલ કરાવી આપી.થોડીજ વારમાં ચારેય તુપોલોવ હેલિકોપ્ટરોએ મોસ્કોના આકાશમાં ઉડાન ભરી તે સમયે બાકીના ચાર જણ રુદ્રપ્રતાપ,એન્થની,દેબોજીત અને ડૉ.રામચંદ્ર આગળથી નક્કી કર્યા મુજબના સ્થળે પહોંચવા માટે ટેક્ષીમાં નીકળી પડ્યા હતા.પાછળની ડેકીમાં જરૂરી હતો તે બધો સામાન ઠાંસી ઠાંસીને ભરી નાખ્યો હતો.ટ્રોપાર્યોવોમાં આવેલા મકાનમાં હવે તેમની કોઈ નિશાની રહી ન હતી.બધાએ મોસ્કોથી લગભગ 120 કિ. મી દૂર આવેલા કોશેલીખ નામના સ્થળે ભેગા થવાનું હતું.આશરે બે કલાકની મુસાફરી બાદ તેઓ પહોંચ્યા ત્યારે તુપોલોવ હેલિકોપ્ટરો તેમની રાહ જોતા હતા.ચારેય જણા એક એક હેલિકોપ્ટરમાં ગોઠવાઈ ગયા.હવે,રાહ જોવાની પરવડે તેમ ન હતું એટલે ફટાફટ પાયલટોએ કમાન સાંભળી.રસ્તામાં વારાફરથી તેઓ ફ્યુલ સ્ટેશન પરથી ટાંકી ફૂલ કરાવતા રહ્યા.પણ એક સ્ટેશનના કર્મચારીને શંકા થતાં તેણે રશિયન સૈનિકોનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો,ત્યારે બંદૂકની અણીએ ચારે હેલિકોપ્ટરોની ટાંકીઓ ફૂલ કરાવી દીધી.કારણકે આ વખતે છેલ્લી વાર જ ફ્યુલ મળવાનું હતું,ત્યારપછી રશિયન સૈનિકો દરેક સ્ટેશન પાર સંપૂર્ણ જપતો ગોઠવી દેવાના હતા.એક વખત એક તુપોલોવનું એન્જીન ખોટકાઈ ગયું,ત્યારે બે કલાકની મથામણ કરી ત્યારે ચાલુ થયું!તો બીજી તરફ તેમને રશિયન સૈનિકોથી બચવા કોઈ મોટા પહાડનો આશરો લેવો પડતો હતો.આવા સમયે રાત્રે ટેન્ટમાં બધા સુઈ રહ્યા હોય ને અચાનક જોરથી પવન ફૂંકાતાં એકવાર આખો ટેન્ટ ચિરાઈ ગયો હતો,ત્યારે બધાએ આખી રાત તાપણું કરી ઠુંઠવાતાં પસાર કરી હતી.આખરે બે દિવસ અને પંદર કલાકની થકવી નાખનારી લાંબી મુસાફરી બાદ તેઓ તેમના મુકામ યાકુતસ્કમાં પહોંચી ગયા.ત્યાં જતા પહેલા તેમણે હેલિકોપ્ટરો નજીકની એક પહાડી પર મૂકી દીધા હતા.
યાકુતસ્ક ને કોઝલોવે આઈસ જેલ કહ્યું હતું,જે બિલકુલ સાચું હતું.શિયાળામાં અહીં તાપમાનનો પારો -50℃ થી પણ નીચે ગગડી જતો હતો.ત્યાં પહોંચીને તેમણે પહેલાં યાકુતસ્કની આસપાસની ભૌગોલિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.અહીંનું વાતાવરણ વિષમ હોવા છતાં પણ ઠીક ઠીક સંખ્યામાં લોકો રહેતા હતા.શિયાળાની ઋતુ હતી એટલે ખાસ અવાર જ્વર ન હતી.હવે, તેમણે પેલી જેલની તલાશ કરવાનો પ્રયત્ન કર્યો.આખરે તે જેલ મળી આવી,પણ તેને જોઈને જ બધા વિચારમાં પડી ગયા.એક તો તે યાકુતસ્કથી દૂરના અંતરે આવેલી હતી,જ્યાં વચ્ચે 7 કિ. મી નું લાબું શંકુદ્રુમ જંગલ આવેલું હતું.વળી,તે ગણા ઊંચાઈવાળા ભાગ પર બનાવવામાં આવેલી હતી.બધા તેને નજીકથી જોવા માંગતા હતા.પણ ઊંચાઈવાળા ભાગ પર બરફ હોવાના કારણે સીધું જઇ શકાય તેમ ન હતું.દરેક જણે પોતાની પાસેની હિમ પાવડીથી ઉપર જવાનું શરૂ કર્યું.ઢોળાવ સીધો હતો એટલે ચઢાણ મુશ્કેલ હતું.વળી,બરફ વધારે હતો એટલે લપસી પડવાનો પણ ભય હતો.આખરે જેમતેમ કરીને બધા ઉપરના ભાગે પહોંચી ગયા.જ્યાંથી જેલ ફક્ત ૨૦૦ મીટર દૂર હતી..ભલભલાની છાતીનાં પાટિયા બેસી જાય તેવી એ અડીખમ જેલ ઉભી હતી.જેલનો આકાર અંગ્રેજી મૂળાક્ષર c નો હતો.તેની ઊંચી દીવાલો પર અમુક અમુક જગ્યાએ ચોકી પહેરો ગોઠવવામાં આવેલો હતો.જ્યાં સશસ્ત્રધારી રશિયન સૈનિકો ચોકીપહેરો ભરતા હતા.સાથે સાથે જર્મન શેફર્ડ પ્રજાતિના કુતરાઓ ભસવાનો અવાજ પણ ત્યાંથી આવતો હતો.જેલનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવા માટે બધાએ દુરબીન વડે જોયું.પણ એવી કોઈ જગા જ ન મળ્યો કે જ્યાંથી છુપી રીતે જેલમાં જઇ શકાય.તેનો અર્થ સીધો એ હતો કે જેલની સલામતી માટે કોઈ કસર છોડવામાં આવી ન હતી.
૧૭ જાન્યુઆરી,૧૯૬૦.
યાકુત્સક ( રશિયા)
બધાએ એક છુપી જગ્યાએ ભેગા થઈ રોકાવા માટે ચર્ચા કરી.તેમાં પીટરે એક સૂચન કર્યું કે રહેવા માટે પેલી શંકુદ્રુમ જંગલની જગ્યા યોગ્ય હતી.કારણ કે એક તો ત્યાં લોકોની અવરજવર કે વસવાટ ન હતો,ઉપરાંત તે જેલથી નજીકના અંતરે હતી.વાત ગળે ઉતરે એવી હતી,એટલે બધાએ તે સ્વીકારી.ત્યારબાદ તેઓ બે ગ્રુપમાં વહેંચાઈ ગયા.એક ગ્રુપ પાંચ પેરાકમાન્ડોનું હતું,જેમણે જેલમાં જઇ નેતાજીને છુપી રીતે બહાર લાવવાનું કામ કરવાનું હતું.પેરાકમાન્ડોના જૂથનું નેતૃત્વ કેપ્ટન હર્ષવર્ધનને સોંપવામાં આવ્યું.બીજી તરફ ઇસર,પીટર અને ડૉ.રામચંદ્રની ટિમેં કંટ્રોલ એન્ડ કમાન્ડ તરીકે પેરાકમાન્ડોનું માર્ગદર્શન કરવાનું હતું.શંકુદ્રુમ જંગલમાં બે ટેન્ટ તાત્કાલિક તૈયાર કરી દેવામાં આવ્યા.તેમાં સાથે લાવેલ સંદેશ ઉપકરણો પણ ગોઠવી તખ્તો તૈયાર કરી દેવાયો.થોડીવાર આરામ કરી બધા ફરીથી ભેગા થયા.જેલમાં અંદર જવાય તો જ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે તેમ હતું.કેપ્ટન હર્ષવર્ધને ફરીથી જેલનું નિરીક્ષણ કરવાનો વિચાર રાજુ કર્યો.તેના કહેવા મુજબ ફરીથી નિરીક્ષણ કરવાથી કોઈ બાબત ધ્યાન બહાર રહી ગઈ હોય તેમ બની શકે તેમ હતું.
પેરાકમાન્ડોનું જૂથ થોડીવારમાં જ રવાના થયું.આ વખતે પણ પેલા સીધા ઢોળાવનું કપરું ચઢાણ કરીને તેઓ જેલની નજીક પહોંચ્યા.દરેક જણે થોડા થોડા અંતરે વૃક્ષો અને મોટા પથ્થરોની આડશ લાઇ લીધી.ત્યારબાદ પોતાની પાસેનાં દૂરબીન વડે નિરીક્ષણ શરૂ કર્યું.જેલમાં રશિયન સૈનિકોની ચહલ પહલ જણાઈ આવતી હતી.અજાણ્યા માણસની ગંધ કુતરાઓને જલ્દી આવી જાય છે.ભસવાનો અવાજ ખૂબ મોટો આવતો હતો એટલે કુતરાઓ ત્યાં સુરક્ષા કારણોસર મોટી સંખ્યામાં રાખવામાં આવ્યાં હોય તેમ લાગતું હતું.ખાસ્સો સમય વીતી ગયા બાદ પણ કોઈ એવી કડી મળી આવી ન હતી.કેપ્ટન હર્ષવર્ધને પાછા ફરવા માટે કહ્યું.રુદ્રપ્રતાપ પોતાની જગ્યા પરથી ઉઠવા ગયો કે તેની નજર સામેના ગેટ પર પડી.રશિયન સૈનિકો ગેટ ખોલી રહ્યા હતા.આગળ શું થઈ રહ્યું છે તે જોવા માટે રોકાયો.સૈનિકોને શક થયો હતો કે શું?થોડીવારમાં એક વૃદ્ધ માણસ બહાર નીકળ્યો.તે કમરના ભાગેથી સહેજ નમીને ચાલતો હતો ને એક હાથમાં પ્લાસ્ટિકની થેલી ઊંચકેલી હતી.તે જેવો બહાર આવી ગયો કે ગેટ તરત જ બંદ થઈ ગયો.શું તે મુક્તિ પામેલો કેદી હતો?રુદ્રપ્રતાપના મનમાં શંકા થઈ આવી.જે હોય એ પણ હવે તે જાણવું જરૂરી હતું.કારણ કે તેની પાસેથી જેલની અગત્યની માહિતી મળી શકે તેમ હતી.પેલો પુરુષ ધીમે ડગલે તેની તરફ આવી રહ્યો હતો.રુદ્રપ્રતાપે પણ તેની સામે જવાનું શરૂ કર્યું.જેવા તેઓ નજીક આવ્યા કે તેમની નજર એક થઈ.
"કેમ છો,વડીલ?" રુદ્રપ્રતાપે બનાવટી સ્મિત આપતા કહ્યું.પેલો પુરુષ તેની સામે જોઈ રહ્યો.તેની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં હતાં.રુદ્રપ્રતાપને કંઈ સમજાયું નહીં.થોડીવારે સ્વસ્થ થઈ પેલા વૃદ્ધે તેની આપવીતી કહી સંભળાવી.તેનું નામ વિકોલ રિટઝ હતું.તે મૂળ જર્મનીનો વતની હતો.બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે રશિયાએ જર્મની પર હુમલો કર્યો ત્યારે તે શહેરની બહાર ગયો હતો એટલે બચી ગયો હતો.પણ તેનો આખા પરિવારનો ભોગ લેવાઈ ગયો હતો.જેમાં તેની પત્ની, જુવાનજોધ પુત્ર,પુત્રવધુ,તેની બે પુત્રીઓનો સમાવેશ થતો હતો.વિશ્વયુદ્ધ પૂરું થાય બાદ ઘણી મોટી સંખ્યામાં જર્મન લોકોને કેદી તરીકે પકડવામાં આવ્યા હતા.વિકોલ તેમાંનો એક હતો.પકડાયેલા લોકોને ગુલામ તરીકે અલગ અલગ દેશોમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમની પાસે મજૂરીકામ કરાવવામાં આવતું હતું.વિકોલને પણ યાકુતસ્ક જેલમાં સફાઈ કામદાર તરીકે રાખવામાં આવ્યો હતો.તેની સાથે જેલમાં કેદી જેવું જ વર્તન કરવામાં આવતું હતું.એટલે તેના મનમાં રશિયનો પ્રત્યે ભારોભાર નફરત ભરેલી હતી.આ બધું સાંભળી રુદ્રપ્રતાપ વિચારમાં પડી ગયો.એટલામાં તેને વાયરલેસ પર હર્ષવર્ધનનો સંદેશો સંભળાયો."હલો!એક્સ વન સ્પીકિંગ!એક્સ થ્રી તમે ક્યાં છો?અમે તમને શોધી રહ્યા છીએ."રુદ્રપ્રતાપને સમજતાં વાર ન લાગી કે મિશનનો મહત્વનો તબક્કો શરૂ થઈ ગયો હતો.એટલે હર્ષવર્ધને નામની જગ્યાએ કર્નલે આપેલા કોડનેમનો ઉપયોગ કર્યો હતો. આમ થવાનું કારણ બધા કેમ્પમાં પાછા ફર્યા હતા.પણ રુદ્રપ્રતાપ ત્યાં ન હતો.તેમણે આજુબાજુ શોધખોળ કરી પણ તેનો કઈ પતો લાગ્યો ન હતો.છેવટે હર્ષવર્ધને વાયરલેસ કર્યો ત્યારે રુદ્રપ્રતાપની ભાળ મળી હતી.
રુદ્રપ્રતાપ ઝડપથી કેમ્પમાં પાછો ફર્યો.આવીને તેણે વિકોલ વિશે બધી વાત કરી.ઇસરને લાગ્યું કે તે માણસ ઘણો ઉપયોગી થાય એમ હતો.વિકોલ પેલા જંગલમાં જ આવેલા એક જુના મકાનમાં રહેતો હતો.ઇસર અને હર્ષવર્ધન તેને મળવા માટે ઉપડ્યા.સાથે રુદ્રપ્રતાપ પણ હતો.થોડીક વારમાં જ તેઓ ત્યાં પહોંચ્યા.તેમણે વિકોલ પાસેથી જેલની જેટલી બને તેટલી માહિતી મેળવી લીધી.છતાં પણ જેલની અંદર જવાય તો જ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે તેવું હર્ષવર્ધનને લાગ્યું.તેઓ ઝડપથી કેમ્પમાં પાછા ફરીને મિટિંગ કરી.આખરે બધાએ નક્કી કર્યું તે મુજબ રુદ્રપ્રતાપે છુપા વેશે જેલમાં જઇ ત્યાંની ઝીણામાં ઝીણી બાબતની માહિતી લેવાની હતી.પણ આ કામ જોઈએ તેટલું સરળ ન હતું.આખરે પીટરે એક રસ્તો શોધી કાઢ્યો.આમાં તેમણે વિકોલની મદદ લેવાનું વિચાર્યું..વિકોલના મનમાં આમેય રશિયા પ્રત્યે ભારોભાર નફરત હતી એટલે તેણે સહકાર આપવાની સંમતિ આપી કે તરત જ એક યોજના તૈયાર કરવામાં આવી.તે મુજબ વિકોલે પોતાની નાદુરસ્ત તબિયતનું બહાનું કાઢી રુદ્રપ્રતાપને પોતાની જગ્યાએ મોકલવાનો હતો.તેણે પોતાના હસ્તાક્ષર વાળી એક ચિઠ્ઠી લખી આપી.જેમાં રુદ્રપ્રતાપ પોતાનો કૈઝર નામે પુત્ર છે તેમ જણાવ્યું હતું.જે પોતાના પિતાની જગ્યાએ થોડા દિવસ માટે જેલમાં કામ પાર આવવાનો હતો.મોડી રાત થવા આવી હતી એટલે બધા પથારીમાં આડા પડ્યા.પણ કોઈને ઉંઘ આવી નહીં.
૧૮ જાન્યુઆરી,૧૯૬૦
આગળના દિવસે બધા ફટાફટ ઉઠી ગયા.રુદ્રપ્રતાપ વિકોલ પાસેથી લાવેલો સફાઈ કામદારનો પોશાક પહેરીને તૈયાર હતો.ઘડિયાળમાં સાત વાગી રહ્યા હતા.જેલમાં જવાનો સમય થઈ ગયો હતો,એટલે રુદ્રપ્રતાપ જવા માટે નીકળ્યો.તેની સાથે બાકીના પેરાકમાન્ડો પણ રવાના થયા.આગળના દિવસની જેમ રુદ્રપ્રતાપ સિવાયના સભ્યો પેલો ઢોળાવ પાર કરીને આવવાના હતા.થોડીવારમાં રુદ્રપ્રતાપ ગેટ પાસે પહોંચ્યો.સંતાઈને બેઠેલા બાકીના સભ્યોની નજર દૂરબીન પર જ હતી.રુદ્રપ્રતાપને જોતાં જ ગેટ ખોલવામાં આવ્યો,ને રશિયન સૈનિકો તેને ઘેરી વળ્યાં.લગભગ અડધા કલાક સુધી આકરી પૂછપરછ ચાલી.દૂરબીન વડે જોઈ રહેલા પેરાકમાન્ડોને આટલી ઠંડીમાં પણ પરસેવો વળી ગયો હતો.જાણે એક એક ક્ષણ છૂટી પડીને વેરાઈ રહી હોય,તેમ સમય ખાસ્તો જ ન હતો.પણ રુદ્રપ્રતાપ તો બિલકુલ નિશ્ચિત હતો.તેના મોઢા પરની એક પણ રેખા બદલાઈ નહીં.આખરે પેલી ચિઠ્ઠી વાંચીને સૈનિકો જરા નરમ પડ્યા.તેમાં કરેલા વિકોલના હસ્તાક્ષર ગેટ પર પહેરો ભરતા સૈનિકે ઓળખ્યા.થોડીવારમાં જ ગેટ બંધ થઈ ગયો.હવે રાહ જોવાની હતી.જેલમાં ચહલ પહલ જણાતી ન હતી,એટલે પરિસ્થિતિ સામાન્ય હશે તેવું લાગતું હતું.લગભગ એક કલાક બાદ ગેટ ખુલ્યો.રુદ્રપ્રતાપ બહાર આવી રહ્યો હતો.તેને જોતા જ હર્ષવર્ધને "બી!એલર્ટ!" સંદેશો પ્રસારિત કર્યો.બધા સતર્ક થઈ ગયા.રુદ્રપ્રતાપ ધીરે ધીરે ચાલતો આવી રહ્યો હતો,તેના હાથમાં પ્લાસ્ટિકની થેલી ખભા પર ઊંચકેલી હતી.જેમાં જેલમાં એકઠો થયેલો કચરો હતો.સૈનિકોએ હજુ ગેટ બંધ કર્યો ન હતો.તે ઢોળાવની બાજુમાંથી પસાર થતી પગદંડી પાર આવ્યો, જે સીધી વિકોલના ઘર તરફ જતી હતી.સૈનિકોને વિશ્વાસ આવી ગયા બાદ,ગેટ બંધ કરી દીધો.પાછી નીરવ શાંતિ પથરાઈ ગઇ.
રુદ્રપ્રતાપની પાછળ બાકીના પેરા કમાન્ડો પણ વિકોલના ઘરે પહોંચ્યા.જ્યાં અગાઉથી જ પીટર,ઇસર અને ડૉ.રામચંદ્ર તેમની રાહ જોતા બેઠા હતા.રુદ્રપ્રતાપને જોતા જ તેમને રાહતનો દમ ખેંચ્યો.આખરે પહેલો પડાવ પસાર થઈ ચૂક્યો હતો.છતાં હજુ ઘણું મહત્વનું કામ બાકી હતું.પીટરે જેલ વિશે પૂછ્યું.રુદ્રપ્રતાપે તેમને જે કહ્યું જે સાંભળતાં જ ભલભલાના રૂંવાડા ખાડા થઈ જાય તેવું હતું.જેલ કમાન્ડર 'વ્હાસ્લોવ સુર્વોય' દ્વારા જેલની અંદરની સંરચના ભારે સુરક્ષાના બંદોબસ્ત સાથે કારવામાં આવેલી હતી.તે ત્રણ માળની હતી.જેને અનુક્રમે 'એ વિંગ',બી વિંગ અને સી વિંગ તરીકે ઓળખાતી હતી.એ (A) વિંગમાં ઘરડા અને અશક્ત કેદીઓને રાખવામાં આવ્યા હતા,જેમનું કામ જેલની સફાઈ કરવાનું અને બાગબગીચાની સંભાળ રાખવાનું હતું.વિંગ બી માં યુવાન અને સશક્ત કેદીઓ રાખવામાં આવ્યા હતા,જેમની પાસે બધા જ પ્રકારનું મજૂરી કામ કરાવાતું હતું.જ્યારે વિંગ સી એ દુનિયાની તમામ યાતનાઓનું જીવતું જાગતું ઉદાહરણ હતું.જેલમાંથી છુપી રીતે ભાગનાર અથવા તો રશિયન સરકારનો વિરોધ કરનાર કે વિંગ સી ના કોઈ પણ કેદીને મદદરૂપ થનાર દરેકને અહીં રાખવામાં આવ્યા હતા.જેમના પાર રશિયન સૈનિકો પટ્ટા થી લઈને રાયફલનો ઉપયોગ કરી અત્યાચાર કરતા હતા.દરેક વિંગમાં પચાસ જેટલી પાંચ બાય સાતની સેલ આવેલી હતી.જેથી એક સેલમાં એક કેદી માંડ સુઈ શકે તેટલી જ જગ્યા હતી.પાસપાસેની સેલની દીવાલો જાડી બનાવવામાં આવી હતી,જેથી કેદીઓ એકબીજા સાથે વાતચીત પણ કરી શકે એમ ન હતું.વળી,ત્યાં ધાર્યા કરતાં વધારે સંખ્યામાં જર્મન શેફર્ડ કૂતરા રાખવામાં આવ્યા હતા.જેમની સંભાળ રાખવા માટે એક ડોગ સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું હતું.સૌથી અગત્યનું કે રશિયન સૈનિકો ચોવીસ કલાક પહેરો ભરતા હતા.પણ આ બધાને બાદ કરતાં તે નેતાજી વિશે કઈ જાણી શક્યો ન હતો.જે કામ માટે આટલી જહેમત ઉઠાવી હોય શુ તે અધુરું રહી જશે?આ બધું સાંભળી બધા વિચારમાં પડી ગયા.જેમ હોય તેમ પણ હવે બધા આ પર કે પેલી પાર કરી દેવાના મૂડમાં હતા.આગળનું કામ સાવચેતીપૂર્વક કરવાનું હતું.એટલે રુદ્રપ્રતાપે આવતીકાલે શુ કરવું તેના પર બધાએ ખૂબ વિચાર કરી એક યોજના બનાવી લીધી.
૧૯ જાન્યુઆરી,૧૯૬૦
બીજા દિવસે રાબેતા મુજબ રુદ્રપ્રતાપ જેલ જવા માટે રવાના થયો કે પેરા કમાન્ડોની ટુકડીએ જેલથી નજીકની જગ્યામાં સલામત જગ્યા લાઇ લીધી હતી.આજે રુદ્રપ્રતાપને પ્રવેશતાં અટકાવવમાં આવ્યો ન હતો.આગળથી નક્કી કર્યા મુજબ રુદ્રપ્રતાપે આજે નેતાજીની ભાળ મેળવવાની હતી.એ વિંગના કેદીઓ હજુ સફાઈ કરી રહ્યા હતા.રુદ્રપ્રતાપે છુપી રીતે એક પછી એકને જોઈને ગણવાનું શરૂ કર્યું.તેને તેમાં વાર ન લાગી.કેદીઓની કુલ સંખ્યા પચાસ હતી.પણ નેતાજીને મળતો આવતો હોય એવો એક પણ ચહેરો ન હતો.તેના મગજમાં અચાનક સળવળાટ થયો.સીધી વાત હતી કે નેતાજી એ વિંગમાં ન હોય તો તે બી અથવા સી વિંગમાં હશે."ભગવાન કરે કે તે સી વિંગમાં ના હોય!" રુદ્રપ્રતાપ મનોમન પ્રાર્થના કરી રહ્યો.અચાનક તેના કાને બેલનો અવાજ સંભળાયો.બી વિંગમાંથી કેદીઓ નીચે આવી રહ્યા હતા.તેમનો કામ કરવાનો સમય થઈ ગયો હતો.તેમને જોઈ રુદ્રપ્રતાપ સતર્ક થઈ ગયો.તેણે ઝડપથી આજુબાજુ નજર ફેરવી લીધું.રશિયન સૈનિકો ત્યાં હતા ખરા,પણ તેમનું ધ્યાન ત્યાં ન હતું.થોડે દુર નકામા કાગળનો ઢગલો પડ્યો હતો.તેની ઉપર જ એક મોટું સ્વીચબોર્ડ લગાવેલું હતું.બહારની બધી જ લાઈટ ચાલુ કરવા માટે તેનો ઉપયોગ થતો હતો.અચાનક કોઝલોવે કહેલો આગનો કિસ્સો તેને યાદ આવ્યો.ધીમેથી રુદ્રપ્રતાપ એ તરફ સરકયો.તેણે દૂર પડેલી બાલદીને ઊંચકીને ત્યાં નજીક મૂકી દીધી.ને પોતાના ખિસ્સામાં જે નાનકડું લાઈટર હતું,તે ચાલુ કરી પેલા કાગળના ઢગલા પર હળવેથી કોઈના જુવે તેમ ફેંક્યું.ને ત્યાંથી ખસી ગયો.થોડીવારમાં જ કાગળોના ઢગલાને આગે લપેટમાં લીધો કે રુદ્રપ્રતાપે બુમો પાડવાનું શરૂ કર્યું.આજુબાજુના રશિયન સૈનિકો હાંફળા ફાંફળા બની ત્યાં આવ્યા.આગની જ્વાળાઓએ મોટું સ્વરૂપ લઇ લીધું હતું.વળી,તે પેલા સ્વીચબોર્ડની નજીક જ હતી,એટલે તેને ઝડપથી હોલવવી જરૂરી હતી.તાત્કાલિક વિંગ બી ના કેદીઓને આગ હોલવવા માટે આદેશ કરવામાં આવ્યો.કેદીઓ બરાબર કામે વળગ્યા.એટલે આગ થોડી જ વારમાં શાંત થઈ.રુદ્રપ્રતાપે ત્યાં સુધીમાં કેદીઓ ગણી કાઢ્યા હતા.તેના આશ્ચર્ય વચ્ચે બધા મળીને ઓગણપચાસ જ હતા.મતલબ કે એક કેદી ગાયબ હતો.
એટલામાં નજીકમાં ઉભેલા બે રશિયન સૈનિકોનો સંવાદ તેના કાને પડ્યો.એક સૈનિક બીજાને પૂછી રહ્યો હતો "પછી પેલા ભારતીયને શું સજા થઈ?"
જવાબમાં બીજાએ કહ્યું"તેણે તે દિવસ રસોડામાં આગ ઓલવવા માટે બધા કેદીઓને એક કર્યા હતા ને તે દિવસનો કમાન્ડર વ્હાસ્લોવ સુર્વોયની નજરમાં તે ખટકતો હતો.તે હમણાં એક દિવસ કમાન્ડરે તાલ મળતાં જ તેને વિંગ સી માં લઈ જવા આદેશ કર્યો હતો.તેની પર ઘણી યાતનાઓ કરવામાં આવી છતાં,પણ તે હસતો જ હતો.ભગવાન જાણે કઈ માટીમાંથી તે બનેલો છે.ખૂબ અત્યાચાર થવાથી તેનું શરીર નિર્બળ બની ગયું છે.એટલે હાલ તો બિચારો તે પોતાની સેલમાં આરામ ફરમાવી રહ્યો હશે!" બીજાએ કહ્યું.
"પણ તેને ક્યાં ખબર છે કે કમાન્ડર સુર્વોય શ્રીમાન સ્ટાલિન પાસે તેની ફાંસીનો હુકમ લેવા ગયા છે!"પહેલાએ વાત આગળ વધારી.
"હા!જેવો તેવા આવતી કાલે પરત ફરશે કે પેલા ભારતીયને હંમેશાં માટે આરામ કરવા મોકલી દેશે!" બંને જણા હસી પડ્યા.
આ બધું રુદ્રપ્રતાપ ધ્યાનથી સાંભળી રહ્યો હતો.તેના અંગે અંગમાં ક્રોધ વ્યાપી ગયો હતો.તેને પેલા સૈનિકની રાઇફલ છીનવી બંને જણને ગોળીએ દેવાનું મન થયું.માંડ માંડ તેણે મનને કાબુમાં રાખ્યું ને પોતાનું કામ પતાવી ત્યાંથી નીકળી ગયો.
કેમ્પમાં ગમગીની છવાઈ ગઈ હતી.રુદ્રપ્રતાપે જે કેફિયત આપી હતી તે આંચકાજનક હતી.હવે,જેમ બને તેમ નેતાજીની સેલ શોધી કાઢી,તેમને હેમખેમ જેલની બહાર કાઢવાના હતા.બધાએ ચર્ચા કરી એક યોજના તૈયાર કરી નાખી.
૨૦ જાન્યુઆરી,૧૯૬૦
આજનું કામ ખરેખર મરજીવા જેવું હતું.રુદ્રપ્રતાપ પણ ફટાફટ જેલમાં પહોંચી ગયો.બે દિવસમાં તેણે જેલમાં એવુ કામ સંભાળ્યુ હતું કે સૌને તેના પર વિશ્વાસ આવી ગયો હતો.વિંગ એ ના કેદીઓ રોજની માફક સફાઈ કરી રહ્યા હતા.તે કચરો ભેગો કરવાના બહાને વિંગ બી તરફ ગયો.તેણે ફટાફટ એક પછી એક સેલ તપાસવા માંડી.પણ નેતાજીને મળતો હોય તેવો એક પણ ચહેરો ન હતો.ઓગણપચાસમી સેલ જોઈ લીધા પછી તે આગળ વધ્યો.જેમ જેમ તે આગળ ગયો તેમ તેમ હૃદયના ધબકારા વધી રહ્યા હતા.કારણ કે હવે વિંગ બી ની એકમાત્ર છેલ્લી સેલ બાકી હતી.પાસે જઈને તેણે અંદર જોવાનો પ્રયત્ન કર્યો.પણ ત્યાં ખાસ અજવાળું ન હતું.તેણે અંદર કોઈની હાજરી છે કે નહીં તે જાણવા માટે સેલનો દરવાજો ખખડાવી જોયો.પણ કોઈ જ પ્રત્યુત્તર ન મળતાં તેનું માથું ભમવા લાગ્યું.શુ નેતાજીને ફાંસી આપી દીધી હશે?કમાન્ડર સુર્વોય નાં તેવર જોતા તે નકારી શકાય તેમ ન હતું.પણ વધારે સમય થઈ ગયો હતો એટલે તેણે પાછા ફરવાનું વિચાર્યું.જેવો તે પાછો ફરવા ગયો કે સેલની અંદરથી ખાંસવાનો અવાજ આવ્યો.તેનું હૃદય એક ધબકારો ચુકી ગયુ.તે સેલ તરફ નમ્યો કે દરવાજાને કોઈકે જમીન પર સૂતાં સૂતાં પકડ્યો હોય એવું લાગ્યું.થોડીકવારમાં જ પેલો વ્યક્તિ ઘસડાઈને દરવાજા પાસે આવ્યો કે રુદ્રપ્રતાપે તેના ચહેરાને બરોબર ઓળખ્યો.આ એજ ચહેરો હતો જેની એક હાકલ પર હાજરી લોકો મરી જવા માટે તૈયાર હતા.
"નેતાજી" રુદ્રપ્રતાપથી સ્વાભાવિક રીતે જ બોલી જવાયું.પ્રત્યુત્તરમાં નેતાજીના મુખ પર ખુમારીપૂર્ણ હાસ્ય હતું.
"આખરે આપણે સ્વતંત્ર થયા!" નેતાજીએ ગળગળા સ્વરે કહ્યું.
"હા" રુદ્રપ્રતાપ એટલું જ બોલી શક્યો.
"પણ તમે અહીં શા માટે?" નેતાજી ના મોઢા પર શંકાના વાદળો છવાયાં.
"એ બધું કહેવા માટે સમય નથી.તમે દેશ માટે અનેક વખત બીજા દેશોમાં પલાયન કર્યું છે,પણ આ તમારું છેલ્લું પલાયન ( લાસ્ટ એસ્કેપ) હશે,એ પણ પોતાના દેશ તરફ."રુદ્રએ મક્કમતાથી કહ્યું.
"એટલે મને અહીંથી લઈ જવા માટે આવ્યા છો?પણ તે કોઈ કાળે શક્ય નહીં બને.અહીં દીવાલો પણ રશિયનોની જાસૂસી કરી રહી છે." નેતાજીના ચહેરા પર કરચલીઓ ખેંચાયી.જવાબમાં રુદ્રપ્રતાપ હસ્યો.તેણે નેતાજીનો હાથ પકડી રાખ્યો હતો.
"ઘરેથી નીકળ્યા ત્યારથી જ અમારી અંતિમક્રિયા કરીને આવ્યા છીએ.જઈશું તો તમને લઈને જ જઈશું,નહીં તો અહીં સાથે જ મરશું." રુદ્રપ્રતાપે જુસ્સાથી કહ્યું.નેતાજીએ તેના હાથ પર પોતાનો હાથ મુક્યો.તે હજુ જમીન પર જ હતા.ઉભા થવાની તેમની ક્ષમતા ન હતી તેના પરથી સૈનિકો દ્વારા કરવામાં આવેલ અત્યાચારનો ખ્યાલ આવતો હતો.
"જય હિન્દ"રુદ્રપ્રતાપે નેતાજીનો હાથ પકડતાં કહ્યું.
"જય હિન્દ"નેતાજીએ હળવા સ્વરે કહ્યું.પણ રુદ્રપ્રતાપ એટલામાં ત્યાંથી નીકળી ગયો.
કેમ્પમાં પાછા ફરીને રુદ્રપ્રતાપે બધાને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો ત્યારે બધાને ચિંતા થવા લાગી. હવે, ઝાઝો સમય ન હતો.પીટરે તત્કાળ કર્નલનો સંપર્ક કર્યો.કર્નલનો પ્રત્યુત્તર આવ્યો તે કલ્પના બહારનો હતો.તેમણે બે દિવસમાં કોઈ પણ ભોગે નેતાજીને જેલમાંથી બહાર લાવવા માટે કહ્યું હતું.કારણકે તેમને પૂરેપૂરી શંકા હતી કે સ્ટેલિન નેતાજીને ફાંસીની સજા કરી,પ્રકરણ પૂરું કરવા માંગતો હતો.કર્નલનો આદેશ આવી ચુક્યો હતો એટલે તે પ્રમાણે કામ પૂરું કરવું જ રહ્યું.
પિટરે રુદ્રપ્રતાપ સાથે મળીને જેલનો કામચલાઉ નકશો તૈયાર કરી નાખ્યો.જેમાં જેલના ગેટથી લઇને લાઈટ સુધીની તમામ બાબતો આવરી લીધી હતી.હવે,યોજના બનાવવા બધાએ પોતપોતાના વિચારો રજુ કર્યા.સૌથી પહેલા એન્થનીએ જેલની દીવાલને રાત્રીના સમયે બારુદ વડે જમીનદોસ્ત કર્યા બાદ અંદર પ્રવેશવાનો વિચાર રજુ કર્યો.તે કંઈ ખોટો ન હતો,પણ સૌથી મોટું જોખમ જેલમાં ઉભા કરેલ ટાવરોનું હતું,જ્યાં રશિયન સૈનિકો ઉપરથી બધી દિશામાં નજર રાખતા હતા.ઉપરાંત,રાત્રીના સમયે ત્યાં ફોક્સની વ્યવસ્થા પણ હતી.જે બધી જ દિશામાં ફરતે ૩૦૦ મીટર સુધી પ્રકાશ ફેકતા હતા.એટલે ભૂલે ચુકે લાઈટનો શેરડો કોઈ એક જણ પર પડી જાય તો પણ બધુ નકામું જાય તેમ હતું. એટલે તે વિચારને પડતો મુકવામાં આવ્યો.ત્યારબાદ દેબોજીતે પોતાનો વિચાર રજુ કર્યો.તેના કહેવા મુજબ અંદર પ્રવેશવા માટે સૌથી પહેલ ટાવરો પર ચોકીપહેરો ભરતા સૈનિકોને હટાવવા પડે તેમ હતા.વળી,કોઈ પણ હથિયારનો ત્યાં ઉપયોગ કરી શકાય તેમ ન હતું.કારણકે તેના અવાજથી બાકીના સૈનિકો સતર્ક થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા હતી.એટલે તેણે સૈનિકોને બેભાન કરવાનું સૂચવ્યું.દેબોજીત રસાયણ શાસ્ત્રમાં અનુભવી હતો.તેણે કહ્યું કે ક્લોરોફોર્મ દ્વારા તે કરી શકાય તેમ હતું.પણ ક્લોરોફોર્મ પ્રવાહી સ્વરૂપમાં આવતું હતું,એટલે તેને પેલા ચોકીયતોના નાક સુધી પહોંચાડવું તે અઘરું હતું.બધાનું ધ્યાન હવે તે દિશામાં દોરાયું એટલે તેનો ઉકેલ મળી આવ્યો.તે જરા વિચિત્ર હતો,પણ તેનાથી કામ બની જાય તેમ હતું.ઇસરના કહેવા મુજબ ટોય બલૂન તરીકે ઓળખાતા ફુગ્ગામાં ક્લોરોફોર્મ ભરી શકાય તેમ હતું.પણ તેમાં એક મુસીબત આડે આવતી હતી.માનીલો કે ટોય બલૂનમાં ક્લોરોફોર્મ ભરીને પેલા ચોકીયતો પર હાથ વડે ફેંકવામાં આવે તો પણ સફળતા માળવાની શક્યતાઓ ઓછી હતી.ફરી એક વાર બધાએ મગજ કસવા માંડ્યું.આખરે તેનો ઉપાય મળી આવ્યો.હર્ષવર્ધનના કહેવા મુજબ બાળકોને રમવા માટે આવતી 'જેલીબોલ' તરીકે ઓળખાતી સ્નીપર ત્યારે બહુ જ પ્રખ્યાત હતી.તેમાં થોડા ફેરફાર કરીને પ્લાસ્ટિકના બોલની જગ્યાએ ક્લોરોફોર્મ ભરેલા ટોય બલૂન ફિટ કરીને ધાર્યું નિશાન લાઇ શકાય તેમ હતું.તાત્કાલિક રમકડાંની એક સ્નીપર લાવવામાં આવી એટલામાં દેબોજીતે ક્લોરોફોર્મ ભરેલા ટોય બલૂન તૈયાર કરી રાખ્યા હતા.ઇસરે સ્નિપરના આગળના ભાગે બલૂન લગાવી નિશાન તાકયું.સનનનન......અવાજ કરતું બલૂન ગોળીની જેમ છૂટીને સામે પાઈનના વૃક્ષ સાથે અથડાયું.સ્નિપરથી વૃક્ષનું અંતર 30 મીટર હતું.જ્યારે ટાવરની ઊંચાઈ 50 મીટર જેટલી હતી.આટલું અંતર ઓછું પડે તેમ હતું.પીટરે તેને નજીકના એક વૃક્ષ પરથી 45° ના ખૂણે સ્નિપર રાખી નિશાન લેવા જણાવ્યું એટલે ઇસરે તે પ્રમાણે કર્યું.આ વખતે નિશાન ધાર્યા કરતાં લાંબા અંતરે ગયું હતું.એટલે હવે વાંધો આવે તેમ ન હતો.છતાં પણ ક્લોરોફોર્મ બલુનની અસર કેટલી થાય છે તે જાણવું જરૂરી હતું.એન્થનીની નજર સામે પસાર થઈ રહેલા એક રેન્ડિયર પર પડી.તેના હાથમાં એક ભરેલી સ્નીપર તૈયાર જ હતી.તેણે ઝડપથી પેલા રેન્ડિયર તરફ તાકી.બલૂન ફૂટવાનો અવાજ આવતાં જ પેલું રેન્ડિયર બીજી દિશામાં દોડ્યું.એટલે બધા એ તરફ ગયા.પેલું રેન્ડિયર હજુ દોડતું જઇ રહ્યું હતું,પણ તેની ઝડપ ધીમે ધીમે ઘટી રહી હતી.આખરે તે ઢળી પડ્યું.ટીમના સભ્યો ખુશ હતા,આખરે અંધારામાં ચલાવેલું તીર કામ કરી ગયું હતું.હવે,વારો પેલા જર્મન શેફર્ડ કુતરાઓનો હતો.કારણકે રુદ્રપ્રતાપે આગળ કહ્યું હતું તેમ જેલમાં કુતરાઓની સંખ્યા 100 જેટલી હતી.આટલી મોટી સંખ્યામાં જો કુતરાઓ પાછળ છોડવામાં આવેતો પણ મુશ્કેલી ઉભી થાય તેમ હતું.એટલે તેમને પણ પેલા ચોકીયતોની જેમ બેભાન કરવા જરૂરી હતા.પણ આટલી મોટી સંખ્યામાં તેમને બલૂન વડે બેશુદ્ધ બનાવી શકાય તેમ ન હતું.અને કદાચ તેમ કરતાં રશિયન સૈનિકોની નજરે પડી જવાય તો ખેલ ખલાસ!
પણ હાલ બધાનું મગજ એક જ દિશામાં કેન્દ્રિત હતું.એટલે તેમને ઉપાય જડી આવ્યો.રુદ્રપ્રતાપ જ્યારે જેલમાંથી સફાઈ કરીને બહાર નીકળતો હતો,ત્યારે દરરોજ તે સમયે બધા કૂતરાઓને પેલા ડોગ સેન્ટરમાં લાઇ જવામાં આવતા હતા.આ વિશે તેણે એક રશિયન સૈનિકને પૂછ્યું પણ હતું.સૈનિકના કહેવા મુજબ બધા કૂતરાઓને તે સમયે ફિડિંગ ( ખવડાવવા) માટે લઇ જવામાં આવતા હતા.આ માહિતી ખરેખર અગત્યની હતી.એટલે તે સમયે રુદ્રપ્રતાપે ગમે તે રીતે ત્યાં જઈને કૂતરાઓના ખોરાકમાં કલોરોફોર્મ ભેળવી દેવાનું હતું.કેટલા પ્રમાણમાં ક્લોરોફોર્મ ભેળવવું તે દેબોજીતે ગણતરી કરીને કહ્યું.પણ એક મુશ્કેલી એ હતી કે કૂતરાઓને ક્લોરોફોર્મ ની ગંધ જલ્દી આવી જાય છે,આવા સમયે જો તે ખોરાક ન ખાય તો સૈનિકોને શંકા થયા વગર રહે નહીં.પણ દેબોજીત પાસે તેનો ઉકેલ હતો.ક્લોરોફોર્મને જ્યારે ટેટ્રા ઈથીલીન એમાઇન તરીકે ઓળખાતા પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવતો હતો ત્યારે તેની ગંધ સંપૂર્ણ રીતે ગાયબ થઈ જતી હતી.હવે,તેમને જેલમાં પ્રવેશવાનો રસ્તો શોધવાનો હતો.
જેનો જવાબ પીટર અને ઇસર પાસે હતો.મોસાદના અનેક ગુપ્ત મિશનોમાં તેમણે તેમનો ઉપયોગ કર્યો હતો.તે હતા મેગ્નેટિક બુટ એન્ડ ગ્લોવ્ઝ.જેની નીચેની સપાટી પર પ્રબળ ચુંબકીયક્ષેત્ર ધરાવતા ચુંબક લગાડવામાં આવ્યા હતા.જેલની દીવાલમાં લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.એટલે હાથ અને પગમાં મેગ્નેટિક બુટ અને હાથમાં ગ્લોવ્ઝ પહેરી લેવાથી તેની નીચેનું ચુંબક દિવાલના લોખંડ તરફ આકર્ષાતું હતું,જેથી તે દીવાલ સાથે ચોંટી જતા હોય તેવું લાગતું હતું.તેની મદદથી વારાફરથી હાથ પગ ચલાવતાં ચલાવતા પાટલા ગો ની જેમ દીવાલ પર ચડી શકાય તેમ હતું.યોજના સમગ્ર રીતે તૈયાર હતી.હવે,પછીનું કામ હતું જેલમાં છુપી રીતે છટકવાનું.કારણકે જેલમાં લાઈટના પ્રકાશની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.એટલે માની લો કે બધા જેલની દીવાલ પર ચડી જાય તો પણ લાઈટના પ્રકાશમાં ચોકીપહેરો ભરતા સૈનિકોના ધ્યાનમાં આવી જવાય તેમ હતું.આ માટે નીકળતા પહેલા મેઈન સ્વીચ બંધ કરી દેવામાં આવે તો કામ આસન થઈ જાય તેમ હતું.રુદ્રપ્રતાપ જેલની ઘણી ખરી બાબતોથી વાકેફ હતો એટલે તેણે આ કામ કરવા બીડું ઝડપ્યું.
અચાનક એન્થનીને યાદ આવ્યું કે તેમનામાંથી રુદ્રપ્રતાપ સિવાય બીજા કોઈને પણ નેતાજીના સેલની ખબર ન હતી.એન્થનીએ બધાનું ધ્યાન દોર્યું એટલે તેનો પણ ઉકેલ શોધી કાઢ્યો.ઉપાય તદ્દન એકદમ સરળ હતો લેસર લાઈટના ઉપયોગનો.રુદ્રપ્રતાપ જ્યારે નેતાજીને મળ્યો હતો ત્યારે તેણે સેલની અંદર નજર નાખી તેનું બાંધકામ જોઈ લીધું હતું.ત્યાં સામેની તરફ એક નાનકડી બારી રાખવામાં આવી હતી.જેને બંધ કરવા માટે સફેદ રંગનું બોર્ડ લગાવેલું હતું.એટલે ઉભા થવા માટે અશક્ત નેતાજી જમીન પર સૂતાં સૂતાં પણ લેસર લાઈટ પેલા બોર્ડ સામે ધરે એટલે લાલ રંગના પ્રકાશનું તીવ્ર ટપકું પેલા બોર્ડ પર દેખાય એમ હતું.તેના આધારે દૂરથી પણ તેમની સેલનો ખ્યાલ આવી શકે તેમ હતો.યોજના સમગ્ર રીતે તૈયાર હતી.બધા આવતીકાલની રાહ જોતા જોતા નિંદ્રાધીન થયા.
૨૧ જાન્યુઆરી,૧૯૬૦
સવારના ૭:૦૦
આગલી સવારે બધા વહેલા ઉઠી ગયા હતા.રુદ્રપ્રતાપ રોજિંદા નિત્યક્રમ મુજબ જવા માટે રવાના થયો.બાકીના પેરા કમાન્ડો પણ તેની પાછળ પાછળ ગયા.કર્નલને આજની યોજના વિશેનો સંદેશો પહોંચાડી દેવામાં આવ્યો હતો.એટલે તેમણે બધાને જેલનું નિરીક્ષણ કરી લેવાનો આદેશ આપ્યો હતો.આમ પણ ટાવર પરના ચોકીયતોનું નિશાન લેવા માટે જે વૃક્ષો પસંદ કરવાનાં હતાં, તે કામ દિવસે જ થઈ શકે તેમ હતું.સૌપ્રથમ રુદ્રપ્રતાપ જેલમાં પહોંચીને કચરો ભેગો કરવાના બહાને બીજા મળે આવેલી બી વિંગમાં પહોંચ્યો.જ્યાંથી જમણી તરફની છેલ્લી સેલ તરફ જવાનું હતું.રશિયન સૈનિકોનો પહેરો ચુસ્ત જણાઈ આવતો હતો.કોઈને શક ના થાય એટલા માટે તેણે ધીરે ધીરે કચરો ઉપાડીને સાથે લાવેલી પ્લાસ્ટિકની થેલીમાં એકઠો કરવા માંડ્યો.આખરે તે છેલ્લી સેલ પાસે પહોંચ્યો કે નજીકથી એક સૈનિક સાથે જાણીજોઈને અથડાયો.પેલી થેલી ઢીલી મુકેલી હતી એટલે બધો કચરો ત્યાં વેરાઈ ગયો.પેલા સૈનિકને કંઈ ખબર પડી એટલે તે બોલ્યા વગર ચાલ્યો ગયો.સૈનિકના ગયા પછી તરત જ રુદ્રપ્રતાપે ધીમા સ્વરે નેતાજીને બોલાવ્યા.સેલની અંદરથી નેતાજીએ પોતાનો હાથ જેલના સળિયા પર મુક્યો.સમય વધુ ન હતો એટલે તેણે ઝડપથી નેતાજીને લેસર લાઈટ તેમના હાથમાં પકડાવી અને શું કરવાનું હતું તે સમજાવી દીધું ને ત્યાંથી નીકળી ગયો.હવે,પછીનું કામ સહેલું ન હતું.જ્યારે તે બી વિંગનાં પગથિયાં ઉતરી રહ્યો હતો,ત્યારે તેની નજર પાસેના ડોગ સેન્ટર પર ગઈ.કુતરાઓને ખવડાવવાનો સમય થઈ ગયો હતો,એટલે તેમને ત્યાં લઇ જવામાં આવી રહ્યા હતા.રુદ્રપ્રતાપ તેની નજીકની જગ્યામાં કચરો એકઠો કરવાના બહાને ઉભો રહ્યો.હાલ,ત્યાં જવાય તેમ ન હતું કારણકે જ્યાં સુધી બધા કુતરાઓ ના આવી જાય ત્યાં સુધી સૈનિકોની અવાર જવર વધારે રહેતી હતી.થોડીક જ મિનિટોમાં વાતાવરણ પાછું સુમસાન બની ગયું.ફક્ત ભૂખ્યા કુતરાઓના ભાસવાનો અવાજ આવી રહ્યો હતો.પણ તેમને ખોરાક આપનાર જોયસ માર્ક ક્યાં હતો? સૈનિકો જેવા ત્યાંથી ખસ્યા હતા કે રુદ્રપ્રતાપ ડોગ સેન્ટરમાં અંદર છુપાઈ ગયો હતો.જોયસ સાથે બાથ ભીડવી એ મોતને નિમંત્રણ આપવા જેવું હતું.એટલે તેણે પોતાની પાસેની શીશીમાંથી થોડું ક્લોરોફોર્મ રૂમાલ પર લીધું .જેવો જોયસ અંદર આવ્યો કે રુદ્રપ્રતાપે તેના ગળાની ફરતે હાથ વીંટાળી દીધો હતો ને તેના નાક આગળ પેલો રૂમાલ ધરી દીધો હતો.ક્લોરોફોર્મની અસરથી જોયસ બેશુદ્ધ થઈ ગયો એટલે રુદ્રપ્રતાપે તેને એક બાજુ રાખી દીધો હતો.
કૂતરાઓને ખાવાનું મળી ગયું હતું,એટલે તેમનો ભસવાનો અવાજ બંધ થઇ ગયો હતો.કદાચ આ વખતે તેમનો અવાજ આવતા ચોવીસ કલાક સુધી સૈનિકો સાંભળી શકવાના ન હતા !
રુદ્રપ્રતાપ કામ પતાવીને ઝડપથી નીકળી ગયો.હવે,પાછું વળીને જોવાય તેટલો સમય ન હતો.કારણકે જોયસ ભાનમાં આવે એટલે ઉલટી ગિનતી ચાલુ થઈ જવાની હતી.રુદ્રપ્રતાપ ઉતાવળે કેમ્પમાં પહોંચ્યો.તેણે બધો બનાવ ટૂંકમાં કહી સંભળાવ્યો.સંદેશો કર્નલને પહોંચાડવો જરૂરી હતો.ઇસરે તે કામ પતાવ્યું.થોડી જ વારમાં કર્નલનો પ્રત્યુત્તર આવ્યો.તેમણે બધાને તે સ્થળ છોડી દઈને સલામત સ્થળે ખસી જવાનું કહ્યું હતું.રાહ જોવાય તેમ નહતું.રાત થોડીને વેશ ઝાઝા હતા.કેમ્પમાં ની બધી જ સામગ્રી સાથે લઈ જઈ શકાય તેમ ન હતી.તેની વેતરણ લાંબો સમય માંગી લે તેમ હતી.એટલે બધાએ જે અત્યંત જરૂરી હતી તેવી વસ્તુઓ જેવી કે બ્રેડનાં બે પેકેટ,હિમ પાવડીઓ,ટોર્ચ,વાયરલેસ અને મેડિકલ કીટ થેલામાં ભરી દીધી.કેમ્પમાંથી બધા બહાર નીકળી ગયા.એન્થનીએ સાથે લાવેલો ગંધક એક ખાલી શીશા માં ભરી દીધો ને તેની પર સલ્ફયુરિક એસિડ ભરેલો બોટલ ઊંધો રાખી દીધો.બંને બોટલો વચ્ચે તેણે કાગળનો ડૂચો લગાવ્યો હતો.તેની યોજના એવી હતી કે કાગળમાંથી પેલો સલ્ફયુરિક એસિડ ઉતરીને ગંધકના સંપર્કમાં આવે એટલે મોટો વિસ્ફોટ થાય તે સ્વાભાવિક હતું.કેમ્પ સહિત પુરાવાનો નાશ કરવા માટે આટલો ધડાકો કાફી હતો.તમામ જણ કેમ્પમાંથી જરૂરી સામગ્રી સાથે કેમ્પમાંથી બહાર નીકળી ગયા.થોડાંક ડગલાં ચાલ્યા કે રુદ્રપ્રતાપને અચાનક કંઈ યાદ આવ્યું.તે ઉતાવળે કેમ્પ તરફ દોડ્યો.શુ કોઈ અગત્યની વસ્તુ રહી ગઈ હતી કે શું?થોડી જ વારમાં તેનો ખ્યાલ બધાને આવી ગયો.રુદ્રપ્રતાપ કેમ્પની ફરતે અંગ્રેજી "8" ના આકારમાં કેમ્પની ફરતે ચક્કર લગાવી રહ્યો હતો.તેમ કરવાનું કારણ એ હતું કે રખે ને રશિયનો બીજા કુતરાઓ લઈને શોધતા અહીં સુધી આવી જાય તો પણ કુતરાઓ પેલા 8ના આકારથી આગળ વધી શકે તેમ ન હતા.કારણ કે ત્યાં માણસની ગંધ વધારે આવવાથી કુતરાઓ આગળની ગંધને પકડી શકતા નથી.આખરે રુદ્રપ્રતાપે કામ પતાવીને આવ્યો એટલે તેઓ રવાના થયા.
ત્યાંથી નીકળ્યા બાદ એક કલાક થવા આવ્યો હતો.રોકાવા માટે કઈ જગ્યા પસંદ કરવી તે કોઈને સમજ પડતી ન હતી.પણ એક વાત ચોક્કસ હતી કે જંગલની બહાર નીકળ્યા પછી તેમનું બચવું મુશ્કેલ હતું.અચાનક ડો.રામચંદ્રની નજર સામે પડી.થોડે દુર એક રેન્ડિયરોનું ટોળું પાણી પીવા માટે આવ્યું હતું.તેમણે બાકીનાને તે બાજુ જોવા માટે કહ્યું."ઓહ!માય ગોડ!" ઇસરના ગળામાંથી ચીસ નીકળી ગઈ.
"આપણે સરોવરની સપાટી પર છીએ." ઇસરે ફોડ પાડતા કહ્યું.બાકીનાનું હૃદય પણ આ સાંભળી ધબકારો ચુકી ગયું.પણ તેમને ક્યાં ખબર હતી કે આવનારો સમય મુશ્કેલી ખડી કરી દેશે!
"આપણે પેલું રેન્ડિયરોનું ટોળું દેખાય છે તે કિનારા તરફ જઈએ.રશિયન સૈનિકોને સરોવર વિશે ખબર હશે જ.એટલે તેઓ તે તરફ આવવાનું સાહસ નહીં કરે." હર્ષવર્ધને વિચાર રજુ કર્યો.
બધાને તેની વાત સાચી લાગી એટલે તેમણે તે દિશામાં જવાનું શરૂ કર્યું.હજુ,અડધો કલાક પણ થવા આવ્યો ન હતો.ત્યાંતો નાસિરના પગ નીચેનો બરફ ચીરાતો હોય એવો અવાજ આવ્યો,ને તેની સાથે જ કટાક ! કરતો તેનો પગ બરફમાં ઉતરી ગયો.બધાને એક સેકન્ડમાં શુ બની ગયું તેનો ખ્યાલ આવ્યો નહીં.નાસિરની સ્થિતિ ધાર્યા કરતાં વધારે ખરાબ હતી.તે પોતાનો પગ બરફની બહાર કાઢવા માટે પ્રયન કરતો હતો.પણ તેણે પહેરેલા બુટ પ્રમાણમાં મોટા હતા,એટલે પગ બહાર આવી શકતો ન હતો.જેમ જેમ સમય વીતતો ગયો ગેમ તેમ નાસિરને વેદના વધતી જતી હતી..તેના પગમાં ધીમે ધીમે 'ફ્રોસ્ટ બાઈટ'ની અસર થવા લાગી હતી.'ફ્રોસ્ટ બાઈટ' એ એવી સ્થિતિ છે કે જેમાં શરીરની માંસપેશીઓ લાંબા સમય સુધી બરફ અથવા એકદમ ઠંડા પાણીના સંપર્કમાં રહેવાથી જકડાઈ જવાથી તેમાં વેદના અનુભવાય છે.આ તરફ,એન્થની અને રુદ્રપ્રતાપે હિમપાવડીઓની મદદથી પગની આસપાસનો બરફ તોડવાનું શરૂ કરી દીધું હતું.આખરે લાંબી જહેમત બાદ નાસિરને છુટકારો મળ્યો પણ વેદના અસહ્ય થતી હતી.ડો.રામચંદ્રએ સાથે લાવેલી મેડિકલ કિટની મદદથી તેની સારવાર કરી.પણ તેમના કહેવા પ્રમાણે ફ્રોસ્ટ બાઈટની અસર વધુ હતી,એટલે નાસિર ચાલી શકે તેમ નહોતો.તેને હવે બીજા કોઈનો આધાર લઈને જ ચાલવું પડે તેમ હતું.દિવસ આથમવા આવ્યો હતો,એટલે બધાએ સુરક્ષિત સ્થાન શોધી રોકાવાનું નક્કી કર્યું.આખરે એક જગ્યા એવી મળી આવી.તે બે ઢોળાવો વચ્ચેનો ખાંચો હતો.એટલે કુદરતી રીતે એક ગુફા જેવી રચના બની ગઈ હતી.ઠંડીથી બચવા માટે તે ઉપયુક્ત જગ્યા હતી.થોડીકવારમાં જ તેઓ ત્યાં પહોંચી ગયા.જઈને સૌપ્રથમ રાત ગાળવા માટે લાકડાંની વ્યવસ્થા કરવી જરૂરી હતી.શિયાળાની ઋતુમાં પાઈન અને દેવદર વૃક્ષોની ડાળીઓ સિવાય બીજું બળતણ મળે તે સંભવ ન હતું.બધા બે બે જણના જૂથમાં નીકળી પડ્યા.પીટર અને ડૉ.રામચંદ્ર નાસિર પાસે જ રોકાયા.એન્થની અને રુદ્રપ્રતાપ સાથે ચાલતા જતા હતા.તે વિસ્તાર ઊંચા નીચા ઢોળાવોવાળો હતો એટલે તેમણે વારંવાર હિમપાવડીનો ઉપયોગ કરવો પડતો હતો.
"એક સેકન્ડ!" એન્થની અચાનક ચાલતાં ચાલતાં અટકી ગયો.
"તને કંઈ અવાજ સંભળાયો?" તેણે રુદ્રપ્રતાપને પૂછ્યું.
રુદ્રપ્રતાપે પોતાના કાન તે દિશામાં સતર્ક કર્યા.ક્ષણમાત્રમાં તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.ખૂબ દૂરથી જર્મન શેફર્ડ કુતરાઓનો ભસવાનો અવાજ આવી રહ્યો હતો.
"હા!લાગે છે તેઓ આપણી જગ્યા પર આવી પહોંચ્યા છે." રુદ્રપ્રતાપે કહ્યું.
"પણ તેઓ આપણા સુધી નહીં પહોંચી શકે" તેણે મક્કમતાથી કહ્યું.
આનો અર્થ એવો હતો કે રશિયન સૈનિકો રુદ્રપ્રતાપનો પીછો કરતા કરતા કેમ્પ સુધી આવી ગયા હતા.એટલામાં હેલિકોપ્ટરનો અવાજ બંનેને સંભળાયો.બંનેને સમજતાં વાર ન લાગી કે તે રશિયન આર્મી નું લડાયક હેલિકોપ્ટર હતું.જે ખાસ પેરાકમાન્ડોને શોધવા માટે જ મોકલવામાં આવ્યું હતું.જ્યારે કમાન્ડર સુર્વોય નેતાજીના મૃત્યુદંડનું અધિકારપત્ર લઈને પરત ફર્યો,ત્યારે તેને જોયસ દ્વારા આખા બનાવની જાણ થઈ હતી.બધું સાંભળતાં જ તે ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો હતો.ને તરત જ ડોગ સેન્ટરમાં ગયો હતો.જ્યાં બધા જ કુતરાઓ બેભાન થયેલા પડ્યા હતા.અચાનક તેની નજર સામે પડેલા રૂમાલ પર ગઈ.તેણે હાથમાં રૂમાલ ઉઠાવ્યો.જોયસે કહ્યું કે જે વ્યક્તિએ તેને બેભાન કરવા માટે ઉપયોગ કર્યો હતો તે રૂમાલ આ જ હતો.તે સાંભળી સુર્વોયની આંખ એક સેકન્ડ માટે ઝીણી થઈ.અચાનક તેના મો પરથી ગુસ્સો ગાયબ થઈ ગયો.હવે,તે ખડખડાટ હસી રહ્યો હતો.હાથમાં પકડી રાકેલો રૂમાલ લઈ, તે સીધો પોતાની અંગત રૂમમાં ગયો.જ્યાં તેના પાળેલા જર્મન કુતરાઓ બાંધેલા હતા.નસીબજોગે તે પેલા ડોગ સેન્ટરમાં ન હતા,એટલે બચી ગયા હતા.કમાન્ડર સુર્વોયની જોતાંજ તે પૂંછડી પટપટાવા લાગ્યા. સુર્વોયે વારાફરથી પેલો રૂમાલ દરેક કુતરાના નાક પાર મુક્યો.કુતરાઓ હવે ભસાભસ કરવા લાગ્યા હતા.સૈનિકોને આદેશ થતાં જ કૂતરાઓને જેવા છોડ્યા કે તરત જ સૂંઘતાં સૂંઘતાં પેલા કેમ્પ તરફ જવાનું શરૂ કર્યું.આખરે,તેઓ કેમ્પ પાસે પહોંચ્યા ત્યારે કમાન્ડરના ગુસ્સાનો પાર રહ્યો ન હતો.કારણ કે કેમ્પ પેલા બારુદના ફાટવાથી ભસ્મીભુત થઈ ગયો હતો,એટલે રાખ સિવાય બીજો કોઈ પુરાવો બચ્યો ન હતો.વળી,પેલા કુતરાઓ પણ અંગ્રેજી 8 ના આકારમાં સૈનિકોને દોડાવ્યે જતા હતા.આ બધું દ્રશ્ય જોઈ કમાન્ડરનું મગજ ફાટફાટ થઈ રહ્યું હતું.તેણે નજીકના મિલિટરી સ્ટેશનનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી.સમાચાર આર્મી હેડક્વાર્ટર પર પણ પહોંચી ગયા હતા.એટલે ત્યાંથી મદદ માટે ખાસ પ્રકારનાં બે લડાયક હેલિકોપ્ટર રવાના થયાં હતાં.જેનો ખ્યાલ આવતાંજ એન્થની અને રુદ્રપ્રતાપ જમીન પર ચત્તા સુઈ ગયા.તેમણે ફટાફટ આજુબાજુ ની જમીન પર પડેલો બરફ પોતાના શરીર પર ભેગો કરવા માંડ્યો,જેથી દુશ્મનને હાથતાળી આપી શકાય.દિવસ આથમી ગયો હતો ને ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી.હેલિકોપ્ટરના પાયલટે આવી સ્થિતિમાં પાછું જવાનું મુનાસિફ માન્યું.હેલિકોપ્ટરોનો અવાજ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો.
"હાશ!બચી ગયા" એન્થનીએ જેકેટ પરથી બરફ ખંખેરતા કહ્યું.જવાબમાં રુદ્રપ્રતાપે માત્ર માથું હલાવ્યું.ને ઉતાવળે તેઓ જ્યાં રોકાયા હતા તે ગુફામાં આવી ગયા.દેબોજીત અને હર્ષવર્ધન પણ થોડીક વાર પહેલાં આવી ગયા હતા.ગુફાના એક તરફના ખૂણામાં તાપણું સળગતું.હતું.તેના પર એક નાનો વાટકો મુકેલો હતો.
"હવે, કેમ છે?" રુદ્રપ્રતાપે નાસિરને જોતા પૂછ્યું.
"સારું છે,પણ ફ્રોસ્ટ બાઈટનીઅસર વધારે છે,એટલે આરામ કરવો પડશે."ડો.રામચંદ્રએ પેલા વાટકામાંથી નાની કાચની બોટલ લેતાં કહ્યું.તે નાસિરને આપવા માટેના ઇન્જેક્શનની દવા હતી.જેને ગરમ કરવા માટે મુકેલી હતી.
"આપણી પાસે આજની જ રાત છે,એટલે સમય બિલકુલ ઓછો છે.વળી,રશિયનો પણ હવે સાવધ થઈ ગયા હશે.એટલે જાનના જોખમે આપણે કામ પાર પાડવાનું છે."પિટરે કહ્યું.
દેબોજીતે છેલ્લા વધેલા બ્રેડના ટુકડા બધાને આપ્યા.હવે તેમની પાસે કોઈ ખાદ્ય સામગ્રી બચી ન હતી.બધાએ ચૂપચાપ ખાઈ લીધું.એટલે પિટરે રશિયન સૈનિકો માટે જાળ બિછાવવાનું શરૂ કર્યું.તેણે કાગળ પર તેઓ જે જગ્યા પર હતા તેનો કામચલાઉ નકશો દોરી દીધો.તેઓ સરોવરના સામેના કિનારા પર ખાંચામાં હતા.ત્યાંથી એક કલાકના અંતરે જેલ આવેલી હતી.નેતાજીને જેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની યોજના તૈયાર હતી.પણ બહાર નીકળ્યા બાદ જો સૈનિકો પીછો કરે તો તેમને અટકાવવા માટે કોઈ રસ્તો શોધવો જરૂરી હતો.બધી સામગ્રી કેમ્પની સાથે જ ભસ્મીભૂત થઈ ગઈ હતી.એટલે તેમની પાસે જે ગણીગાંઠી વસ્તુઓ હતી તેના આધારે જ કામ કરવાનું હતું.બધા કેમ કરીને હલ મળે તેની મૂંઝવણમાં હતા.એન્થનીની નજર નાસિરના ઇજાગ્રસ્ત પગ પર ગઈ.અચાનક તેને કંઈક સૂઝ્યું.
"આઈડિયા!" તે ઉત્સાહમાં બોલી ઉઠ્યો.એટલે બધાએ તેની સામે જોઈ રહ્યા.સૌના મનમાં એન્થનીનો વિચાર ઉટપટાંગ હશે તેમ હતું.
"હવે,શુ તુક્કો સૂઝયો છે?" પિટરે પૂછ્યું.
"તુક્કો નહીં ચમત્કાર કહો!" એન્થનીના અવાજમાં આત્મવિશ્વાસ હતો.
"એટલે તું હવે કોઈ જાદુનો ખેલ બતાવીશ,એમ ને!" હર્ષવર્ધને મજાક કરી.
"જાદુ નહીં સચ્ચાઈ છે,જે આપણી નજર સામે હોવા છતાં આપણે તેને જોઈ શકતા નથી.આજ તો મોટો ચમત્કાર છે!" એન્થનીએ તેની આંખમાં આંખ નાખતા કહ્યું.
"કઇ સચ્ચાઈ?" રુદ્રપ્રતાપે પૂછ્યું.
એન્થનીએ નાસિરના પગ તરફ આંગળી ચીંધી.બધાએ તે તરફ જોયું.હજુ કોઈને ખબર પડી ન હતી.
"નાસિરના પગે ઇજા થઇ શું એ ચમત્કાર છે?" પિટરને હવે ગુસ્સો આવ્યો.
"ચમત્કાર નથી ઈશ્વરનો સંકેત છે આપણા માટે.જો નાસિરના પગે ફ્રોસ્ટ બાઈટ થઈ શકે છે તો રશિયનોને પણ થઈ શકે!" એન્થનીએ દ્વિઅર્થમાં કહ્યું.
"એટલે?" પીટરે સ્પષ્ટતા કરવા કહ્યું.
"એટલે કે નાસિરના પગે ફ્રોસ્ટ બાઈટ થયું તે કુદરતી હતું,પણ રશિયનોના પગે ફ્રોસ્ટ બાઈટ આપણે કરવું પડશે!" એન્થનીએ કહ્યું.
"પણ તે કઈ રીતે શક્ય છે?" હર્ષવર્ધને પૂછ્યું.
"જુઓ આપણે અહીં છીએ" કહીને એન્થનીએ પીટરે દોરેલા નકશામાં સ્થાન દર્શાવ્યું.એન્થની જેમ જેમ બોલતો ગયો તેમ તેમ સૌને રસ પડતો ગયો.આખરે એન્થનીએ સમગ્ર પ્લાન સમજાવ્યો ત્યારે બધાને સમજાયું કે તે ખરેખર ચમત્કાર કે ઈશ્વરનો સંકેત હતો,જેને એન્થની ઓળખી શક્યો હતો.તરત જ બધા એન્થનીએ સમજાવેલ યોજના મુજબ કામે વળગ્યા.તેને પૂરું કરતાં આશરે બે કલાક કરતાં વધારે સમય નીકળી ગયો.ઇસરે ઘડિયાળમાં સમય જોયો.અગિયાર વાગવા આવ્યા હતા.બધા થાકીને લોથપોથ થઈ ગયા હતા એટલે આરામ કરવાનું નક્કી કર્યું.થોડીક વારમાં જ બધાની આંખ મળી ગઈ.વેદના ના કારણે નાસિરને ઊંઘ આવી ન હતી.તે પડખાં ફેરવ્યે જતો હતો.અચાનક તેના કાને વાયરલેસનો સંદેશો સંભળાયો.તે કર્નલ વિક્રાંતનો હતો.તેણે ઘડિયાળ તરફ નજર કરી.તે 2:40નો સમય બતાવી રહી હતી.તેણે ઉતાવળે બધાને ઉઠાડ્યા.
હવે,બનાવેલ યોજના મુજબ નીકળી પડવાનું હતું.બધા બે જૂથમાં વહેંચાઈ ગયા.એક જૂથમાં ઇસર,હર્ષવર્ધન,ડો.રામચંદ્ર હતા.જેમનું કામ પેલી પહાડી પર મૂકેલાં હેલિકોપ્ટર અહીં સુધી લાવવાનું હતું.જેથી,નેતાજીને લઇ જલ્દીથી નીકળી શકાય.બીજા જૂથમાં રુદ્રપ્રતાપ,એન્થની,દેબોજીત અને પીટર હતા.જેમનું કામ નેતાજીને જેલમાંથી છોડાવીને અહીં સુધી સુરક્ષિત રીતે લાવવાનું હતું.જરૂરી સમાન જેવો કે હિમપાવડી,ટોર્ચ,સ્નીપર ટોયગન વગેરે સાથે લઈ તે રવાના થયા.જેલ પહોંચતાં હજુ એક થી દોઢ કલાકનો સમય નીકળી જવાનો હતો.જરૂર પૂરતો સમાન લઈને બધાએ બરફ ચાલવાનું શરૂ કર્યું.આ વખતે તેમણે એવો રસ્તો પસંદ કર્યો હતો કે જ્યાં કોઈ પગલાંની છાપ ના હોય અને પહેલા જણના પગલે જ પાછળના બધાએ આવવાનું હતું,જેથી છાપ ઊંડી પડતી જતી હતી.ઉપરાંત,હિમપાવડીથી અમુક જગ્યાએ વૃક્ષો પર નિશાની કરતા હતા.જેથી પાછા આવતી વખતે રસ્તો શોધવામાં મુશ્કેલી પડે નહી.
આ તરફ,ધુમ્મસને કારણે ઇસર ચિંતિત જણાતો હતો.કારણકે તેમનામાંથી કોઈને પણ રાત્રે હેલિકોપ્ટર ચલાવવાનો અનુભવ કોઈને પણ ન હતો.કદાચ તેવું સાહસ કરવામાં આવે તો પણ તેના અને હર્ષવર્ધન સિવાય ડો.રામચંદ્ર કે નાસિર તે કામ કરી શકે તેમ ન હતા.નાસિરને અનુભવ હતો પણ ઇજાના કારણે તે પહાડી સુધી ચાલવામાં સક્ષમ ન હતો.વળી,નેતાજી સાથે કુલ સંખ્યા નવ થતી હતી,એટલે બે જણ હેલિકોપ્ટરમાં બેસે તો પણ ત્રીજાને તો દોરડાની કામચલાઉ નિસરણી પર જ લટકવાનું હતું!આનો અર્થ એ હતો કે ઓછામાં ઓછાં ત્રણ હેલિકોપ્ટર હોય ત્યારે જ આ કામ શક્ય હતું.ઇસરે ડો.રામચંદ્રને નાસિર પાસે રોકાવાનું કહ્યું.આ વાતનો ખ્યાલ નાસિરને આવી ગયો હતો.જેવા ઇસર અને હર્ષવર્ધને જવા માટે પગ ઉપાડ્યો કે ધડામ કરતું કોઈ ઉભા ઉભેથી પડ્યું હોય એમ લાગ્યું.બંનેએ પાછા વળીને જોયું.નાસિર જમીન પર પડ્યો હતો.તે તેમની સાથે આવવા માંગતો હતો તે એની આંખમાં જોઈ શકાતું હતું.ઇસર અને હર્ષવર્ધને તેને ઘણો સમજાવ્યો.પણ આખરે નાસિરની મક્કમતા સામે તેમને ઝુકવું પડ્યું.હવે, ડો.રામચંદ્ર એકલા જ ત્યાં હતા.તેમણે વાયરલેસ દ્વારા કર્નલ અને બન્ને ટીમો સાથે સંપર્કમાં રહેવાનું હતું.નાસિર, હર્ષવર્ધન અને ઇસર સાથે જવા રવાના થયો ત્યારે જેલ તરફ રવાના થયેલી ટુકડી લગભગ પહોંચવા આવી હતી.જેલની ચારે તરફ ઉભા કરાયેલા ટાવરો પરથી સર્ચલાઈટનો પ્રકાશ આમ તેમ ફરી રહ્યો હતો.તેનાથી છુપાતા છુપાતા ચારે જણા દબાતા પગલે જેલની નજીક પહોંચી ગયા.ગાઢ રાત્રિ ધુમ્મસથી ઘેરાઈ ગઈ હતી.ચારે જણે સ્નીપર ગન તૈયાર રાખી હતી.જેમતેમ કરીને તેમણે નિશાની કરેલા પેલા વૃક્ષો શોધી કાઢ્યા.જેના ઉપર ચડી સ્નીપર ગનથી ટાવર પર રહેલા ચોકીયતોનું નિશાન લેવાનું હતું.અંધારામાં ૪૫° ના ખૂણેથી ચોક્કસ નિશાન લેવાય તે માટે વિચિત્ર નુસખો અપનાવ્યો હતો.તેમણે ટોયગનના આગળના છેડે લાકડાના બે ત્રિકોણ ઉપર નીચે ગોઠવ્યા હતા.બંને વચ્ચે એક આંગળની જગ્યા હતી.સ્નિપરનું નાળચુ જેમ ઉપર કરવામાં આવે તેમ બંને વચ્ચેની જગ્યા નિશાન લેનારને ઓછી થતી દેખાય.જ્યારે બંને ત્રિકોણના અણીદાર છેડાઓ ભેગા થાય ત્યારે સમજી લેવાનું કે 45°નો ખૂણો રચાઈ ગયો.બધાએ ચારે તરફ ગોઠવાઈને જગ્યા લઇ લીધી હતી.પાઈન વૃક્ષો ની ડાળીઓ બટકણ હોય છે,એટલે વધારે વાર થાય તો પોસાય તેમ ન હતું.
પહેલું નિશાન પિટરે લીધું.જેવો સર્ચલાઈટનો શેરડો તેની સીધમાં આવ્યો કે તેણે સ્નીપર ગનમાંથી ક્લોરોફોર્મ ભરેલો ફુગ્ગો રવાના કર્યો.પટાક.... કરતો અવાજ આવ્યો.તેણે પોતાની આંખો બંધ કરી દીધી હતી.શેરડો હજુ તેની સીધમાં હતો.તેનો અર્થ એ કે અંધારામાં ચલાવેલું તીર કામ કરી ગયું હતું.દેબોજીત અને રુદ્રપ્રતાપનાં નિશાન પણ અચૂક કામ કરી ગયાં હતાં.એટલે બધાએ સાથે લાવેલા મેગ્નેટિક ગ્લોવ્ઝ પહેરીને દીવાલ પર ચડવાનું શરૂ કર્યું.દીવાલ સાથે પગ અને હાથમાં પહેરેલા ઉપકરણોથી ચડવું આસાન હતું.થોડીક વારમાં જ આગળથી નક્કી કર્યા મુજબ તેઓ કોઈ ના જુવે તેમ જેલના પાછળના ભાગે મળ્યા.પણ ત્યાંતો પીટર,દેબોજીત અને રુદ્રપ્રતાપ જ હતા.ત્યારે એન્થની ક્યાં હતો?ત્રણેની નજર એક થઈ.એટલામાં સાયરનના અવાજથી જેલનું શાંત વાતાવરણ કોલાહલીત બની ગયું.સૈનિકોનો અવાજ સંભળાતો હતો.તેમને સાયરનના અવાજથી ચેતવણી મળી ગઈ હતી.ત્રણે જણા નજીકની જગ્યામાં ટાંકીની પાસે ઘાસ ઉગેલું હતું,તેમાં દબી ગયા.સદભાગ્યે ત્યાં અંધારું હતું.સાયરનનો અવાજ ઉંચાઈ પરથી આવતો હતો.તે સાંભળી ત્રણેને નવાઈ લાગી.પણ તેમને સમજતાં વાર ન લાગી કે રશિયનોએ ટાવરો પર સાયરન લગાડયાં હતાં.એન્થનીએ જ્યારે નિશાન લીધું ત્યારે સર્ચલાઈટના શેરડાથી તેની આંખો અંજાઈ ગઈ.એટલે તેનું નિશાન ટાવર પરના ચોકીયાતને લાગ્યું તો ખરું પણ તે હાથ પર લાગ્યું હતું.કંઈક વસ્તુ ફૂટીને,
તેમાંથી વિચિત્ર વાસ આવતી હોય તેવું લાગતાં ચોકીયાતે આંગળી વડે સૂંઘી જોયું.ક્ષણમાત્રમાં તેને બધું ગોળ ગોળ ભમતું દેખાવા લાગ્યું હતું.દુર્ભાગ્યે તે ચોકીયાત એક મેડિકલનો વિદ્યાર્થી હતો.એટલે તેને સમજતાં વાર ન લાગી કે પેલું પ્રવાહી દર્દીઓને બેભાન કરવા માટે વપરાતું ક્લોરોફોર્મ હતું.મૂર્છિત થઈને પડે તે પહેલાં તેણે ટાવર પાર ગોઠવેલા સાયરનનું બટન દબાવી દીધું હતું.
સાયરનનો અવાજ સાંભળી કમાન્ડર સુર્વોય પણ હાંફળો ફાંફળો થઈ જાગી ગયો હતો.ઊઠતાં વેંત જ તેણે સૈનિકોને આદેશ આપવાનું ચાલુ કર્યું.કંટ્રોલરૂમમાંથી નજીકના મિલિટરી સ્ટેશનનો સમ્પર્ક કરવાનો લગાતાર પ્રયત્ન કરવામાં આવી રહયો હતો.ટાવર પરના સૈનિકો બેભાન થયા હોવાનું જણાતાં તેમને સારવાર માટે નીચે લાવવામાં આવ્યા.આ બધું જોઈ કમાન્ડરને ગુસ્સો આવ્યો.તેણે તાત્કાલિક સૈનિકોને જેલના ખૂણે ખૂણા તપાસી લેવાની સૂચના આપી.જેલના ઉપરના માળ તરફ જતા સૈનિકોના પગથિયાં ચડવાનો અવાજ આવતો હતો.આ તરફ,હવે પીટર,દેબોજીત અને રુદ્રપ્રતાપ જ હતા.તેમણે હાથની મદદથી પેટ વડે ઘસડાઈને આગળ જવાનું શરૂ કર્યું.
સૌપ્રથમ નેતાજીની શોધ કરવી જરૂરી હતી.પણ રુદ્રપ્રતાપે કહયા પ્રમાણેનો લેસર લાઈટનો પ્રકાશ ક્યાંય દેખાતો ન હતો.ખુલ્લી જમીન આવતાં જ તે બેઠા થઈને દબાતા દબાતા અંધારામાં આગળ વધ્યા.હવે,તેઓ છેક જેલના એક તરફના છેડે આવી ગયા હતા.અહીંથી,આગળ વધવું જોખમભર્યું હતું.છતાં તે ઉઠવ્યે જ છૂટકો હતો.સામે જેલનું ખુલ્લું મેદાન હતું.ત્યાં ઠેર ઠેર લગાવેલ હેલોજનનો પ્રકાશ ગાઢ રાત્રિને ભૂલવી દે તેવો હતો.સૈનિકોની ટુકડીઓ આમ તેમ દોડાદોડ કરતી હતી.પણ હજુ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.અચાનક રુદ્રપ્રતાપની નજર ઉપરના માળની બારી પર ગઈ.કંઈક અલગ જ પ્રકારના લાલ રંગનો પ્રકાશ ટપકાં સ્વરૂપે દેખાતો હતો.જેનું કિરણ સામાન્ય પ્રકાશ કરતા પણ લાંબા અંતરેથી જોઈ શકાતું હતું.તેણે પીટર અને દેબોજીતે આંગળીથી તે બતાવ્યું.તે જોઈ ત્રણે જણે એકબીજા સામે માથું હલાવ્યું.તેમને ખ્યાલ આવી ગયો કે તે લેસર લાઈટ હતી,જેનો ઉપયોગ કોઈ તે સેલમાંથી કરી રહ્યું હતું.મતલબ સાફ હતો કે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ નેતાજી જ હતા!
નેતાજી જે સેલમાં હતા,તે બીજા માળે હતી.એટલામાં ઉપર ગયેલી સૈનિકોની ટુકડીનો ફરીથી પગથિયાં ચડવાનો અવાજ આવ્યો.તે ત્રીજા માળે જવા માટે રવાના થઈ હતી.તે તપાસ કરીને આવે તે પહેલાં કામ નિપટાવવાનું હતું.રુદ્રપ્રતાપ સૈનિકોની નજર ચૂકવીને તેમને બી વિંગના પગથિયાં તરફ દોરી ગયો.ત્રણે જણે પોતપોતાની શોટગન સંભાળી. અવાજ ન આવે તેમ આગળ વધવાનું હતું.વળી,ઉપરના માળે સૈનિક હોવાની શક્યતા નકારી શકાય તેમ ન હતી.ધીરે ધીરે તેઓ આગળ વધ્યા.સી વિંગમાં શોધખોળ ચાલુ હતી.સૈનિકો દરેક સેલ ખોલી ચકાસી રહ્યા હતા.જેવા બી વિંગની ફર્સ પર પગ મૂક્યો કે રુદ્રપ્રતાપે એક થાંભલાની આડશ લઇ લીધી.ક્ષણમાત્રમાં તેણે કાન સરવા કરી બધે નજર ફેરવી લીધી.દેબોજીત અને પીટર તેની પાછળ સતર્ક જ હતા.બી વિંગની લોબીમાં નીરવ શાંતિ હતી.તે ઝડપથી નેતાજીની સેલ તરફ આગળ વધ્યા.
ત્યારે આ તરફ દિલ્હીમાં લગભગ સવારના છ વાગવા આવ્યા હતા.ભારતની આંખ ગણાતી RAW ની ઓફિસમાં ચહલ પહલ મચી હતી.નીકળતાં પહેલા પિટરે કર્નલે વાયરલેસ પર સંદેશો મોકલ્યો હતો.કર્નલ વિક્રાંત પોતાની કેબિનમાં આંટા મારી રહ્યો હતો.તેને હવે પછીના સંદેશનો ઇન્તેઝાર હતો.વળી,વાત સામાન્ય ન હતી એટલે કાલ ઉઠીને કંઈક ન બનવા જોગ બને તો તેની કારકિર્દી દાવ પર લાગી જાય તે સંભવ હતું.
.
"સકસેના,એક કલાક થવા આવ્યો.કઇ સંદેશો?" કર્નલે પોતાના પી.એ ને પૂછ્યું.
"નો,સર.હજુ લાગે છે કામ પૂરું નથી થયું." સક્સેનાએ ટૂંકમાં પતાવ્યું.
"ડેમ્ન ઇટ!" કહીને કર્નલે ટેબલ પર હાથ પછાડ્યો.રાહ જોવા સિવાય છૂટકો ન હતો.
એ વખતે,ઇસર અને બાકીના સભ્યો પેલી પહાડી પર પહોંચવા આવ્યા હતા.રસ્તામાં ઇજાગ્રસ્ત નાસિરને લઈને જતા ઇસર અને હર્ષવર્ધનને જોઈ એક પોલીસમેને ગાડી ઉભી રાખી હતી.ને તેમને બનતી મદદ કરવા માટે પોતાની ઈચ્છા દર્શાવી હતી.ઇસરે પેલી પહાડીથી નજીકમાં આવેલી હોટલ પર ઉતારવાનું કહ્યું હતું.જોગાનુજોગ પેલા પોલીસને પણ તે રસ્તા પરથી જ જવાનું હતું,એટલે એણે બમણા ઉત્સાહથી તેમને ત્યાં ઉતાર્યા.હવે, પછીનું કામ આસાન ન હતું.પહાડી પર છુપાવેલાં હેલિકોપ્ટર કઈ સ્થિતિમાં હોય તે ખબર ન હતી.વળી,આટલા દિવસ બાદ તે બેસવાની સાથે જ ચાલુ થાય,તેની કોઈ ખાત્રી ન હતી.ચડતી વખતે ઇસર અને હર્ષવર્ધને નાસિરને ટેકો આપ્યો હતો.ઠંડીના કારણે તેને પીડા થઈ રહી હતી,પણ દેશપ્રેમ આગળ પીડા કંઈ કામ ન આપતી હતી!અનેક ઢોળાવ વટાવતાં તેઓ તે જગ્યા પર જઇ પહોંચ્યા જ્યાં હેલિકોપ્ટર સંતાડયા હતા.ઇસરે ટોર્ચ ચાલુ કરી જોઇ લીધાં, સંખ્યા બરાબર હતી.બધાને હાશ થઈ.પણ ખરું કામ ચાલુ કરવાનું હતું.સૌપ્રથમ પ્રયાસ હર્ષવર્ધને કર્યો.એન્જીનની ઘરઘરાટીથી અવાજ થયો.પણ તરત જ બંધ થઈ ગયું.મરી ગયા! જો હાલત આવી જ હશે તો આપણું કામ થઈ રહ્યું.હર્ષવર્ધન ઉતરી ગયો.ઇસરે તેના એન્જીનને ખોલીને ચેક કરી જોયું.હર્ષવર્ધન ફરીથી પ્રયત્ન કરવા જતો હતો કે નાસિરે અટકાવ્યો.તે ઉભો રહ્યો,એટલે નાસિરે શરૂ કરવાનો પ્રયત્ન કર્યો.એકવાર...બીજીવાર....ને ત્રીજી વારમાં હેલિકોપ્ટરનું એન્જીન ચાલુ થયું તે થયું.ફરીથી બંધ થયું નહીં.ત્યારબાદ,ઇસર અને હર્ષવર્ધને બાકીના હેલિકપ્ટરની ચકાસણી કરી.સદભાગ્યે,એકના સિવાય ત્રણ ઉપયોગમાં આવી શકે તેમ હતાં.પણ હજુ હેલિકોપ્ટરને ઉડાવવા માટે યોગ્ય વાતાવરણ ન હતું.એટલે ત્રણેએ રાહ જોવાનું નક્કી કર્યું.
બીજી તરફ,નેતાજીની સેલ પાસે પહોંચ્યા બાદ પોતાની પાસે રાખેલી માસ્ટર કી પિટરે હાથમાં લીધી ને સેલનું તાળું ખોલવાનો પ્રયત્ન કર્યો.પણ તે ખુલ્યું નહીં.નેતાજીને પણ ખ્યાલ આવી ગયો હતો એટલે ઇજા હોવા છતાં તે સેલના દરવાજા પાસે આવ્યા.તેમણે જેલના સળિયાને હાથ વડે પકડી રાખ્યો હતો.પીટરે પ્રયત્ન કરી રહ્યો હતો પણ,કેમેય કરીને તાળું ખુલતું ન હતું.સ્હેજ દૂર ઉભેલા દેબોજીત અને રુદ્રપ્રતાપ આસપાસથી કોઈ આવી ના જાય તે માટે સતર્ક હતા.પીટરને આટલી ઠંડીમાં પણ પરસેવો વળી ગયો હતો.અચાનક નેતાજીએ તેને પાસે બોલાવ્યો અને આંગળી ઘડિયાળના કાંટાની દિશામાં ત્રણ વાર ફેરવી.પીટર તે સમજી ગયો.કમાન્ડર સુર્વોયે જેલમાં વિશિષ્ટ તાળાંનો ઉપયોગ કર્યો હતો,જે સામાન્ય તાળા કરતાં તદ્દન ઉલટી રીતે ખોલ બંધ થતાં હતાં.એટલે કે સેલનું તાળું ખોલવા માટે ઘડિયાળના કાંટાની દિશામાં ત્રણ વાર ફેરવવું પડતું હતું.પિટરે તરત જ તે પ્રમાણે કર્યું. ફટાક....કરતું તાળું ખુલી ગયું.સેલનો દરવાજો ખોલી દેબોજીત અને રુદ્રપ્રતાપે નેતાજીને ટેકો આપી ઉભા કર્યા.તે ચાલી શકવા માટે સક્ષમ ન હતા.તેના પરથી રશિયનોએ તેમના પર કરેલા અત્યાચારનો ખ્યાલ આવતો હતો.પણ સમય હાલ તબિયત પૂછવાનો ન હતો.ત્રણેએ હાથમાં શોટગન લોડ કરી તૈયાર રાખી હતી.તેઓ પગથિયાં તરફ આગળ વધવા જતા હતા કે ઉપર ગયેલી ટુકડીનો પાછા ફરવાનો અવાજ આવ્યો.તે લોબીમાં ઉભા કરેલા લંબચોરસ બીમની વચ્ચેની જગ્યામાં છુપાઈ ગયા.સૈનિકો ફટાફટ બી વિંગનાં પગથિયાં ઉતરી રહ્યા હતા.ધીમે ધીમે અવાજ ઓછો થતો જતો હતો,એટલે કે બધા સૈનિકો નીચે તરફ ઉતરી રહ્યા હતા.પણ અચાનક પટ્ટ...પટ્ટ...શાંત લોબીમાં કોઈના ચાલવાનો અવાજ આવ્યો.બધા સતર્ક હતા.અવાજ પગથિયાં તરફથી જ આવતો હતો.રુદ્રપ્રતાપે થાંભલાની સહેજ બહાર નજર કરી જોઈ લીધું.તે એક રશિયન સૈનિક હતો.તે પણ પગથિયાં ઉતરતો હતો,ત્યારે સેલનું તાળું નીચે પડેલું જોઈ તેને શક થઈ આવ્યો હતો.રુદ્રપ્રતાપે તેને મારવા માટે જેવી શોટગન ઉઠાવી કે નેતાજીએ ઇશારામાં ના કહ્યું.ત્રણે જણ તેમની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા.
"આપણો દેશ આઝાદ થઈ ગયો છે.હવે,કોઈ નિર્દોષનું લોહી વહાવાની જરૂર નથી.તે પોતાની ફરજનું પાલન કરી રહ્યો છે." નેતાજીએ દબાતા સ્વરે સૂચક રીતે કહ્યું.
ક્ષણ માત્રમાં ત્રણે ને નેતાજી શુ કહેવા માગતા હતા તેની સમજ પડી ગઈ.રુદ્રપ્રતાપે શોટગન ચલાવી.પણ પેલા સૈનિકને મારવા માટે નહીં,ફક્ત તેને ડરાવવા માટે.પેલા સૈનિકે સ્વ રક્ષણ માટે નજીકના એક બીમની આડશ લઇ લીધી હતી.સાથે સાથે તેણે જોરથી બુમો પાડી ને બીજા સૈનિકોને બોલાવાનું શરૂ કર્યું.હવે પગથિયાં પરથી ઉતરાય તેમ ન હતું.સૈનિકોની ટુકડી આવી પહોંચે તે પહેલાં છટકી જવું જરૂરી હતું.રુદ્રપ્રતાપની નજર લોબી પુરી થતી હતી ત્યાં પડી.ત્યાં એક ગેલેરી જેવી જગ્યા હતી.તેણે પિટરની સામે જોઈ ઈશારો કર્યો.એટલે તેમણે નેતાજીને ટેકો આપીને તે તરફ લઇ જવાનું શરૂ કર્યું.નીચેથી આવતા સૈનિકોનો અવાજ મોટો હતો.આ તરફ,નેતાજીને લઇ નીચે કુદવાની તૈયારી હતી,કે એટલામાં રશિયન સૈનિકોએ ધડાધડ ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું.એકાદ ગોળી તેમના સુધી પહોંચે તે પહેલાં રુદ્રપ્રતાપે લોબીમાં પ્રકાશ આપતા હેલોજન પર ગોળી ચલાવી તેને બંધ કરી નાખ્યો.અંધારું થતાં જ સૈનિકો થોડા ગૂંચવાયા. છતાં પણ તેમણે ગોળીબાર શરૂ રાખ્યો.એટલીવારમાં તો નેતાજી સાથે ત્રણે જણ નીચે કુદી ગયા હતા.સારા નસીબે ત્યાં માટી હતી,એટલે કઇ ખાસ ઇજા થઇ નહીં. અહીંથી સામેની તરફ દીવાલ હતી,બસ તેને પસાર કરી લેવાય એટલે કામ પત્યું! ગોળીઓના અવાજથી સૈનિકોની સંખ્યા ત્યાં વધતી જતી હતી.છતાં પણ નીકળી જવું જરૂરી હતું.આખરે ત્રણેએ જુગાર ખેલી નાખ્યો.તેઓ સૌથી પહેલા ભંગાર થયેલી જીપ્સીઓ પડી હતી,તેની પાછળ સંતાઈ ગયા.સૈનિકોને તેમની ખબર પડી ગઈ હતી.એટલે સતત ગોળીબાર ચાલુ હતો.અહીં તો નેતાજીએ કોઈ પણ નિર્દોષનું લોહી વહે તેની સ્પષ્ટ ના પાડી દીધી હતી,એટલે છતાં હથિયારે પણ નિઃશસ્ત્ર જેવો અહેસાસ થતો હતો.થોડીવારમાં ગોળીબારી બંધ થઈ.તેની સાથે જ મોટા લાઉડ સ્પીકર પર અંગ્રેજીમાં ચેતવણી સંભળાઈ.
"ચૂપચાપ તમારી જાતને અમારે હવાલે કરી દો.રશિયન સરકાર તરફથી હું તમને ખાતરી આપું છું કે તમારો વાળ પણ વાંકો નહીં થાય.પણ બનાવટ કરી ભાગવાની કોશિશ કરી તો જીવ ગુમાવશો તેમાં બેમત નથી." તે સતાવાહી અવાજ કમાન્ડર સુર્વોયનો હતો.
સંતાઈ બેઠેલામાંથી કોઈ હલ્યું પણ નહીં.આમને આમ થોડો સમય વીતી ગયો.બંને પક્ષે સતર્કતા હતી.પોતાના કહ્યા મુજબ તાબે ન થવાથી કમાન્ડર અકળાયો હતો.તે પોતાનો ગુસ્સો સૈનિકો પર બરાડા પાડીને કાઢી રહ્યો હતો.
કોઈને કોઈ રસ્તો કાઢવો જરૂરી હતો.અચાનક રુદ્રપ્રતાપની નજર થોડે દુર આવેલા સ્વીચબોર્ડ પર પડી.તેની સાથે જ પેલો આગ લગાડવાનો કિસ્સો તેને યાદ આવ્યો.આ એ જ સ્વીચબોર્ડ હતું જેની પાસે જેલની મેઈન સ્વીચ આવેલી હતી.તે બંધ થવાની સાથે જ આખી જેલમાં અંધારું ધબ થઈ શકે તેમ હતું.તેણે પીટર અને દેબોજીતને ફટાફટ યોજના સમજાવી.આ સાંભળી તે જવા તૈયાર ન હતા.કારણકે રુદ્રપ્રતાપ પોતાની જાતને સરેન્ડર (શરણાગત) કરે ત્યારે જ તે શક્ય બનવાનું હતું.પણ આખરે કર્નલે કહેલી બલિદાનની વાત યાદ અપાવી સમજાવ્યા ત્યારે,તે માંડ માંડ જવા માટે તૈયાર થયા.રુદ્રપ્રતાપે પોતાના ગ્લોવ્ઝ અને મેગ્નેટિક બુટ નેતાજીને પહેરવા માટે આપ્યા.નેતાજી અનિમેષ નજરે તેની સામે જોઈ રહ્યા.તેમની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં હતાં.રુદ્રપ્રતાપે તેમની આંખોમાં જોયું.જાણે તે કહી રહી હતી કે.
"વાહ!મારી ભારત મા!આવા નરરત્નો થી જ તું મહાન છે."
"જયહિંદ" રુદ્રપ્રતાપે સ્મિત લાવતાં કહ્યું.જવાબમાં નેતાજી પણ ગળગળા સ્વરે "જયહિંદ" માંડ બોલી શક્યા.
રુદ્રપ્રતાપ બંને હાથ ઊંચા કરીને ઉભો થયો.બરાડા પાડી રહેલા કમાન્ડરનું તો તે તરફ ધ્યાન હતું જ નહીં.એક સૈનિકે તેને આંગળી ચીંધીને ઈશારો કર્યો.તે તરફ જ નજર પડતાં જ તેનો રુઆબ બદલાઈ ગયો.
તેણે ફરીથી લાઉડ સ્પીકર પર બોલવાનું શરૂ કર્યું.
"વાહ!ખરેખર બુદ્ધિશાળી એજ કહેવાય છે જે પરિસ્થિતિને ઓળખી નિર્ણય લે છે.મને આશા છે કે તારા સાથી મિત્રો પણ તારી જેમ શરણાગતિ સ્વીકારી લેશે." કમાન્ડર આંટા મારતાં બોલી રહ્યો હતો.
રુદ્રપ્રતાપ ધીરે ધીરે પેલા સ્વીચ બોર્ડ તરફ ખસી રહ્યો હતો.કમાન્ડરનું ભાષણ હજુ ચાલુ જ હતું.રુદ્રપ્રતાપ જેવો સ્વીચબોર્ડની એક દમ નજીક પહોંચ્યો કે એક સૈનિકે બુમ પાડી.કમાન્ડર સુર્વોયનું તે તરફ ધ્યાન દોરાતાં જ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો.તે રુદ્રપ્રતાપને ત્યાંથી ખસી જવા માટે કહેતો હતો.રુદ્રપ્રતાપની નજર બધે જ હતી.આજુબાજુની દીવાલ ને ઓથે નજીક આવતાં સૈનિકોને તેણે જોઈ લીધા હતા.કમાન્ડરની યોજના હતી કે રુદ્રપ્રતાપને વાતોમાં રોકી રાખવામાં આવે એટલામાં સૈનિકો પાસે જઈને તેને બંદી બનાવી લે.સૈનિકો વધુ નજીક આવે તે પહેલાં ખચાક..... દઈને રુદ્રપ્રતાપે મેઈન સ્વીચ બંધ કરી દીધી.પળવારમાં બધે અંધકારપટ છવાઈ ગયો.તેની સાથે જ દેબોજીત અને પીટરે નેતાજીને લઈને જેલની દિવાલ તરફ દોટ લગાવી.થોડીક જ ક્ષણોમાં તેઓ જેલની દિવાલ ઓળંગી ગયા.આ તરફ,અંધારું થવાથી સૈનિકોમાં કોલાહલ ઘણો વધી ગયો હતો.કમાન્ડર સુર્વોયને પણ શું કરવું તેની સમજ પડતી ન હતી.તેણે પોતાની કેબિનમાં રહેલી મેઈન સ્વીચ યાદ આવી.તે સંકટ સમયની સાંકળ તરીકે ત્યાં લગાવવામાં આવી હતી.તેણે લાઈટ શરૂ કરવાનો આદેશ કર્યો કે તરત જ હેલોજનના પ્રકાશથી પહેલા જેવી રોશની પથરાઈ ગઈ.પણ જેલની દીવાલની પાસે ઉભા કરેલા હેલોજનની લાઈનમાં કંઈક સમસ્યા થવાના કારણે તે ચાલુ થયા ન હતા.સદભાગ્યે રુદ્રપ્રતાપ હજુ ત્યાં જ ઉભો હતો.ઓછા પ્રકાશમાં પણ તેને જોઈ કમાન્ડરના જીવમાં જીવ આવ્યો.તેણે રુદ્રપ્રતાપને પોતાની જાતે જ શરણાગતિ સ્વીકારવાનું કહ્યું. રુદ્રપ્રતાપ કંઇ પણ બોલ્યા વગર ઉભો હતો. તે જેટલો સમય જાય તેટલો વિતાવા માંગતો હતો.કારણ કે જેટલી વાર વધુુ થાય,એમ નેતાજીને વધુ દૂર લઇ જઈ શકાય એમ હતું.કમાન્ડર એ તરફ જવા માટેનો વિચાર કરતો હતો કે એટલામાં ટાવર પર તપાસ કરી રહેલા એક સૈનિકને ફુટેલો ફુગ્ગો મળી આવ્યો,તે લઈને કમાન્ડર સુર્વોય પાસે દોડતો આવ્યો.કમાન્ડરે જેવો હાથમાં લીધો કે એક વિચિત્ર ગંધ તેના નાકને ઘેરી વળી.તેને કંઈક યાદ આવતું હોય એવું લાગ્યું.આવી ગંધ પહેલાં તે અનુભવી ચુક્યો હતો.
કમાન્ડર ગંધ ઓળખવા માટે મથી રહ્યો હતો.ત્યારે આ તરફ રુદ્રપ્રતાપે જીવવાની આશા છોડી દીધી હતી.તેણે ક્ષણ બે ક્ષણ માટે આંખો બંધ કરી કે અચાનક કોઈ વસ્તું તેના માથા સાથે અથડાઈને નીચે પડી.તેણે આંખ ખોલીને જોયું તો તેના આશ્ચર્યનો પાર ન હતો.તે મેગ્નેટિક ગ્લોવ્ઝ અને બુટ હતા.તેણે ઉપર જોયું,ત્યાં અંધારા સિવાય કોઈ ન હતું.પીટર અને દેબોજીત તો નેતાજીને લઇ રવાના થયા હતા.તો પછી મોકલનાર કોણ હતું?તેણે કોઈને ખ્યાલ ન આવે તેમ ઝડપથી પહેરી લીધા ને દીવાલ પર ચડવાનું શરૂ કર્યું.ત્યાં સુધીમાં કમાન્ડર સુર્વોયને ડોગ સેન્ટરનો કિસ્સો યાદ આવી ગયો હતો.જોયસને બેભાન કરવામાં જે રૂમાલનો ઉપયોગ થયો હતો,તેમાંથી આવા જ પ્રકારની ગંધ આવતી હતી.એટલામાં રુદ્રપ્રતાપને દીવાલ પર ચડતો જોઈ સૈનિકોએ ફાયરિંગ શરૂ કર્યું.પ્રકાશ ઓછો હોવાના કારણે ગોળીઓ અંધાધૂંધ ચલાવ્યા સિવાય છૂટકો ન હતો.કમાન્ડરને ખ્યાલ આવી ગયો હતો કે શિકાર હાથમાંથી છટકી રહ્યો હતો.તેણે સૈનિકોને ગોળીબાર કરતા અટકાવ્યા.ને પોતાને પ્રિય એવા 'જુનો' અને 'ડિરોઝ'ને લાવવા હુકમ કર્યો.તે બંને કોઈ મનુષ્ય નહીં પણ કમાન્ડરના પાળેલા કૂતરા હતા.તાત્કાલિક કુતરા લાવવામાં આવ્યા.કમાન્ડર સુર્વોયે પેલા હાથમાં પકડેલા ફુગ્ગાને તેમના નાક આગળ ધર્યો કે તરત જ તેમણે ભસવાનું ચાલુ કર્યું.કમાન્ડરે તાત્કાલિક તેમના પટ્ટા છોડી દેવા હુકમ કર્યો.છોડતાંની સાથે જ બંનેએ જોરજોરથી ભસતા દીવાલ તરફ દોટ મૂકી.તે જોઈને કમાન્ડર ખડખડાટ હસતાં બોલી ઉઠ્યો "હવે,આવશે ખરી મજા!"
કુતરાઓ લગભગ દીવાલની નજીક પહોંચી ગયા હતા.પેલી ગંધ તેમને રુદ્રપ્રતાપ સુધી લઈ આવી હતી.દીવાલની પાસે પહોંચતાં જ જુનોએ દિવાલ પર ચડી રહેલા રુદ્રપ્રતાપ પર તરાપ મારી.સામેનું દ્રશ્ય જોઈ કમાન્ડર સહિત સૈનિકોના શ્વાસ અટકી ગયા હતા.
"હમણાં પેલો રહ્યો કે ગયો"તેવું સૌના મનમાં ચાલી રહ્યું હતું.
પણ "શીટ!"જૂનો અને રુદ્રપ્રતાપ વચ્ચે ખાલી એક આંગળીનું છેટું રહ્યું હતું.પણ ડિરોઝ પાછળ તૈયાર જ હતો.તે જૂનો કરતાં બે વર્ષ મોટો હતો.તેણે પણ જુનોની પાછળ તરાપ લગાવી.પ્રાણીશાસ્ત્રનો કોઈ પણ અનુભવી માણસ તે જોઈને એમ જ કહે કે તેની તરાપ ખાલી જવાની ન હતી.તે જોઈ સૈનિકોએ ડિરોઝ....ડિરોઝ... બુમો પાડવાનું શરૂ કર્યું.જેવું ડિરોઝે રુદ્રપ્રતાપનો પગ પકડવા જડબું પહોળું કર્યું કે આ શું?ફાયરિંગનો અવાજ આવ્યો અને બીજી ક્ષણે તે જમીન પર પડ્યો હતો.ડિરોઝના પગમાં ગોળી વાગી હતી,ને તે વેદનાથી કણસતો હતો.રુદ્રપ્રતાપને પણ નવાઈ લાગી.પોતે બાલ બાલ બચી ગયો હતો.પણ તેને બચાવવા ગોળી કોણે ચલાવી હતી?આવા વિચારોમાં ને વિચારોમાં તે ઝડપથી દીવાલની પાળ પર પહોંચ્યો ત્યારે તેની નવાઈનો પાર ન રહ્યો.એન્થની ત્યાં બેઠો બેઠો હસી રહ્યો હતો.રુદ્રપ્રતાપને સમજતાં વાર ન લાગી કે પેલા મેગ્નેટિક ગ્લોવ્ઝ અને બુટ મોકલનાર એન્થની હતો ને કુતરાથી તેને બચાવવા માટે એન્થનીએ જ ગોળી ચલાવી હતી.
સામેના મેદાનમાંથી કમાન્ડર સુર્વોયનો અવાજ સંભળાતો હતો.તે કોઈ પણ ભોગે હાથમાં આવેલો શિકાર છોડવા માંગતો ન હતો.રુદ્રપ્રતાપ અને એન્થની વારાફરથી દીવાલ ઉતરી ફટાફટ નીકળી ગયા.કમાન્ડરે સૈનિકોને ભાગેડુઓનો પીછો કરવાનો આદેશ આપ્યો.તેની સાથે જ એક પછી એક ટુકડીઓ જંગલ તરફ જવા રવાના થઈ.
અહીં,કર્નલ વિક્રાંતને અડધો કલાક પહેલાં જ ડો.રામચંદ્રનો સંદેશો મળ્યો હતો.તે મુજબ નેતાજીને લઈને પીટર અને દેબોજીત આવી પહોંચ્યા હતા.તેણે નેતાજીનો વાયરલેસ પણ સાંભળ્યો હતો.એટલે ઉચાટ ઓછો થયો હતો.પણ હજી ખરું કામ તો બાકી હતું.હેલિકોપ્ટર લેવા ગયેલા ઇસર,હર્ષવર્ધન અને નાસીરનું હજુ આગમન થયું ન હતું.એટલે ત્યાં સુધી તેઓ અડધો જ જંગ જીત્યા હતા.હજુ ભળભાંખળું થવા આવ્યું હતું.ધુમ્મસ હજી પણ હતું.એટલે તેમણે અજવાળું થાય ત્યારબાદ જવાનો નિર્ણય કર્યો હતો.
આ તરફ એન્થની અને રુદ્રપ્રતાપ આગળ કરેલ નિશાનીઓના આધારે છેક સરોવર સુધી આવી ગયા હતા.એકધારું દોડવાથી તેમને શ્વાસ ચડી ગયો હતો.હજુ તેમને ગુફા સુધી પહોંચતાં અડધો કલાક લાગી જવાનો હતો.સૈનિકોની ટુકડી તેમના પગલે પગલે પાછળ આવી રહી.તેને માત આપવા માટેનો તખ્તો પહેલેથી ઘડાઈ ગયો હતો.જેવા તે સરોવરના સામા કિનારે પહોંચવા થયા કે તેમણે જોયું કે પચાસ થી સો જેટલી ટોર્ચ આમતેમ કંઈક શોધવા માટે ફાંફા મારતી હતી.તેનો અર્થ એ હતો કે સૈનિકો નજીક આવી પહોંચ્યા હતા.ગુફામાં જઈને તેમણે નેતાજીને સુરક્ષિત સ્થાને બેસાડ્યા. ને તેમની આગળ એન્થની,રુદ્રપ્રતાપ અને પીટરે મજબૂત કિલ્લાબંધી કરી દીધી હતી.સૈનિકોની ટોર્ચનો પ્રકાશ વધતો જતો હતો,તેનો અર્થ એ હતો કે ટુકડીઓ નજીક ને નજીક આવતી જતી હતી.થોડા સમય બાદ સૈનિકો અને ગુફા વચ્ચે આશરે સો મીટર જેટલું રહ્યું હતું.સૈનિકો અંધારામાં ગોળીબાર કરે તો પણ ગુફામાંના કોઈ પણને લાગવાની શકયતા હતી.પણ હજુ અંધારું હોવાના કારણે તેમને કિનારા પર ગુફા કે કોઈ જણ દેખાતું ન હતું.નેવું મીટર...એશી મીટર...સિત્તેર મીટર....સૈનિકો ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા.હવે,અજવાળું થવાના કારણે ગુફા જોઈ શકાતી હતી.વળી,ટોર્ચનો પ્રકાશ હવે ગુફા સુધી પહોંચતો હતો.હવે માત્ર ચાલીસ મીટરનું જ અંતર બાકી રહ્યું હતું.કમાન્ડરે ગુફામાં સંતાઈને બેઠેલાને ઓળખ્યા.તેણે નેતાજી સહિત ચારે જણને બહાર નીકળવાની ચેતવણી આપી.પણ અહીંથી તો કોણ ખસકવાનું હતું?
કમાન્ડરે સૈનિકોને ગુપચુપ રીતે ગુફાને ઘેરી લેવાનો આદેશ આપ્યો એટલે સૈનિકો ધીરે ધીરે આગળ વધ્યા.ગુફામાં રહેલા ત્રણે જણને પોતાના ધબકારા સાંભળતા હતા.મોત હવે હાથવેંતમાં જ હતું.સૈનિકોની સંખ્યા આશરે ચાલીસ જેટલી હતી.તેઓ હજુ પણ ગુફાની વધુને વધુ નજીક જઇ રહ્યા હતા.કે અચાનક કોઈના પડવાનો અવાજ આવ્યો.બાકીના સૈનિકોએ પાછળ વળીને જોયું તો તેમનામાંથી એક જણનો પગ નાસિરની જેમ નીચેનો બરફ તૂટવાથી પગ અંદર ફસાઈ ગયો હતો.સૈનિકોને ખ્યાલ આવી ગયો કે તે સરોવરની સપાટી પર હતા.નસીબજોગે તે પીછો કરતા કરતા અહીં સુધી આવી તો ગયા,પણ હિમપાવડી લાવવાનું કોઈને સૂઝ્યું ન હતું.પેલો સૈનિક વેદનાથી બુમો પાડતો હતો.તેની મદદ કરવાને બદલે કમાન્ડરે બાકીનાને આગળ વધવા સૂચના આપી.સૈનિકોએ થોડુંક અંતર કાપ્યું કે ફરીથી બીજા બે સૈનિકોના પગ પહેલાની જેમ જ બરફમાં ફસાઈ ગયા.આ બધું દ્રશ્ય ગુફામાંથી જોઈ રહેલા સૌની નવાઈ નો પાર ન હતો.ખરેખર,એન્થનીની યોજના કામ કરી ગઈ હતી.એન્થનીએ ગુફાની ફરતે અર્ધવર્તુળાકાર ભાગમાં હિમપાવડીથી એક એક ફૂટ છેટે ખાડા ખોડવાનો વિચાર રજુ કર્યો હતો.જે કામ ટીમના સભ્યોએ પહેલેથી પતાવી દીધું હતું.જેથી,ગુફાના ત્રીસ મીટરના અંતરમાં ચક્રવ્યૂહ જેવી રચના બની ગઈ હતી.ગુફા સુધી પહોંચવાનો રસ્તો માત્ર તેમને જ ખબર હતો.રશિયન સૈનિકોને આ વિશે કંઈ ખ્યાલ ન હતો.એટલે અંધારામાં ખાડામાં પગ પડતાં જ અંદર ફસાઈ જતો હતો.
હવે ઠીક ઠીક અજવાળું થયું હતું.કમાન્ડર પણ હવે અકળાયો હતો.શુ બન્યું છે તે જોવા માટે આગળ વધ્યો.એટલામાં તો હેલિકોપ્ટરનો અવાજ સંભળાયો.ઇસર સહિતના ત્રણે જણ આવી પહોંચ્યા હતા.પણ નીચે બરફ હોવાના કારણે નીચે ઉતરાય તેમ ન હતું.કમાન્ડર સુર્વોય ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યો હતો.પીટર સહિત બધાને ખ્યાલ આવી ગયો હતો કે હવે નીકળી જવાનું હતું.નેતાજીની ફરતે સુરક્ષિત ઘેરો બનાવી તેમને ગુફામાંથી બહાર લઈ જવામાં આવ્યા.કમાન્ડર સહિતના સૈનિકો કિંકર્તવ્યમૂઢ બની ગયા હતા.ઇસરે હેલિકોપ્ટરમાંથી કામચલાઉ દોરડાની નિસરણી નીચે લટકાવી.પીટર અને નેતાજીને આગળ બાકીના તેમની ફરતે ઉભા હતા.શોટગનનો ઉપયોગ તો કરવાનો ન હતો,માત્ર સ્વ રક્ષણ માટે દેખાવ પૂરતી જ બધાએ હાથમાં તૈયાર રાખી હતી.પહેલા નેતાજીને બેસાડ્યા બાદ પીટર દોરડાની નિસરણી પર જ લટકેલો રહ્યો.ત્યારબાદ,ડો.રામચંદ્રને બેસાડ્યા બાદ દેબોજીત પણ પીટરની જેમ નિસરણી પર ઉભો રહ્યો.હવે,વારો એન્થની અને રુદ્રપ્રતાપનો હતો.એન્થનીએ રુદ્રપ્રતાપને હેલિકોપ્ટરમાં બેસવા કહ્યું.પણ રુદ્રપ્રતાપ ન માન્યો એટલે એન્થનીને બેસવું પડ્યું.રુદ્રપ્રતાપ જેવો નિસરણી પર ચડતો હતો કે કમાન્ડરે ગોળીબારનો આદેશ આપ્યો.ને તેણે હેલિકોપ્ટરને રોકવા માટે પોતાની પિસ્તોલ હાથમાં રાખીને એ તરફ દોટ લગાવી.તે ગુફાની લગભગ નજીક પહોંચી ગયો.પણ અચાનક તેનો પગ પણ પેલા સૈનિકોની માફક ખોદેલા ખાડામાં ફસાઈ ગયો.છતાં પણ તેણે એ તરફ ધ્યાન આપ્યા વગર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું.ઇસર અને હર્ષવર્ધનનાં હેલિકોપ્ટર થોડી ઊંચાઈ પર હતાં, જ્યારે નાસિરનું હજી જમીનથી નજીકના અંતરે હતું.એટલે ત્યાં ભય વધારે હતો.ને બન્યું પણ એવું જ!કમાન્ડરની પિસ્તોલમાંથી છુટેલી એક ગોળી રુદ્રપ્રતાપના હાથને લાગી.તેણે બે હાથથી નિસરણી પકડી હતી.તે ગોળી લાગવાથી છૂટી ગઈ.માર્યા ઠાર! સેકન્ડ બે સેકન્ડ નો ખેલ હતો. રુદ્રપ્રતાપ જમીન પર પડે તે પહેલાં નિસરણીનો એક છેડો તેના હાથમાં આવી ગયો.તેણે નાસિરને ઝડપથી હેલિકોપ્ટર ઉપર લેવા માટે કહ્યું.નાસિરે ઝડપ કરી ઉપર જવા માટે ની દિશા પકડી.કમાન્ડરની પિસ્તોલમાંથી ધડાધડ ગોળીઓ છૂટી રહી હતી.રુદ્રપ્રતાપ કરોળિયાના તાંતણાની જેમ દોરડા પર આમ તેમ ઝૂલતો હતો.તેણે મજબૂત પકડ બનાવી લીધી.હેલિકોપ્ટર હવે ઉપર તરફ જતું હતું. સૈનિકોનો ગોળીબાર ચાલુ જ હતો.અચાનક રુદ્રપ્રતાપે પોતાની કમર પર ભરાવેલી કંઈક વસ્તુ ફેંકી.તે કમાન્ડરના પગ પાસે જઈ પડી.તે જોઈ પીટર અને દેબોજીતે પણ ફેંકી.કમાન્ડરને લાગ્યું કે તે કોઈક વિસ્ફોટક પદાર્થ હશે.તે ધ્યાનથી નિહાળી રહયો.તે વસ્તુ બીજી કશી નહિ પણ હિમપાવડી હતી.તેને સમજતાં વાર ન લાગી કે આ હિમપાવડીની મદદથી જ તે પોતાનો ફસાયેલો પગ બહાર કાઢી શકવાનો હતો.તેની છાતી ફાટફાટ થવા લાગી.તાત્કાલિક હાથ ઊંચો કરી તેણે સૈનિકોને ગોળીબાર કરતા અટકાવ્યા.
"વાહ!રે દુશ્મન! તારી ખાનદાની!જતા જતા પણ અમને બચાવતો ગયો"કમાન્ડર સુર્વોયે આટલું બોલીને સલામી આપી.જવાબમાં રુદ્રપ્રતાપે પણ સામે સલામી આપી.તેની સાથે જ હેલિકોપ્ટરો જવા રવાના થયાં.
આ બાજુ,રો ની ઓફીસમાં દસ વાગવા આવ્યા હતા.આજ દિન સુધીમાં કર્નલે આટલી લાંબી રાહ જોવી પડી ન હતી.નીકળતા પહેલા પીટરનો છેલ્લો સંદેશો આવ્યા બાદ કર્નલે હેલિકોપ્ટરના બળતણની વ્યવસ્થા કરવાની હતી,કારણકે હવે રશિયાના કોઈ પણ ફ્યુલ સ્ટેશન પર બળતણ લેવા ઉતરાય તેમ ન હતું.આખરે કર્નલે કઝાખસ્તાન પર નજર દોડાવી.તે ભારતનો મિત્ર દેશ હતો.તાત્કાલિક ત્યાંની ભારતીય દુતાવાસ કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ત્યાંના ભારતીય રાજદ્વારી એમ.કે.સિંહ હતા.તેમણેે જે કોઈ મદદની જરૂર હોય તે મેળવવા માટે ત્યાંની સરકાર ને વિનંતી કરી.કઝાકિસ્તાન ભારત સાથેના લાંબા સમયના સંબંધો જળવાઈ રહે તેમ ઇચ્છતું હતું.એટલે ત્યાંના રાષ્ટ્રપતિએ મદદની પૂરેપૂરી ખાતરી આપી હતી.
આખરે ત્રણે હેલિકોપ્ટર રશિયાની સીમા ઓળંગી કઝાકિસ્તાનમાં દાખલ થયા.ત્યારે અગાઉથી નક્કી કરેલ જગ્યા પર ભારતીય રાજદૂત તેમનું સ્વાગત કરવા માટે ઉભા હતા.નેતાજી સહિત તમામને ભારે સુરક્ષા વચ્ચે દુતાવાસ કચેરીમાં લઈ જવામાં આવ્યા.જ્યાં કઝાકિસ્તાનના વડાપ્રધાને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને મીડિયા સમક્ષ ભારતીય પેરાકમાન્ડોના સાહસને બિરદાવ્યું.રુદ્રપ્રતાપ અને નાસિરને યોગ્ય સારવાર પણ આપવામાં આવી.એક દિવસ રોકાઈને બીજા દિવસે એર ઇન્ડિયાના વિમાનમાં તેઓ ભારત આવવા રવાના થયા.
૨૩ જાન્યુઆરી,૧૯૬૦. સમય : ૧૧:૩૦ સવારના
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી
નેતાજીના આગમનની પહેલેથી બધાને જાણ થઈ ગઈ હતી.એરપોર્ટ પર હૈયેહૈયું દબાય તેટલી ભીડ હતી.સૌ નેતાજીને જોવા માટે આતુર હતા.લાઉડ સ્પીકર પર નેતાજીના આગમનની જાણ કરવામાં આવી.તેની સાથેજ સમગ્ર એરપોર્ટ કીકીયારીયોથી ગુંજી ઉઠ્યું.થોડીક વારમાં જ એર ઇન્ડિયાની ફ્લાઇટે ઉતરાણ કર્યું.તેનો દરવાજો ખુલતાં જ માથા પર બ્લેક ટોપી અને આંખો પર ગોળ ચશ્મા અને ખાખી યુનિફોર્મમાં સજ્જ નેતાજી બહાર આવ્યા.તે જાણે આઝાદ હિન્દ ફોજની રચના કરીને જર્મનીથી સીધા જ આવ્યા હોય તેવું જણાતું હતું.તેની સાથે જ લોકોએ દેશપ્રેમના નારાઓથી સમગ્ર એરપોર્ટ પર જાણે સ્વતંત્રતા ચળવળનું જીવતું જાગતું દ્રશ્ય ખડું કરી દીધું.નેતાજીએ બે હાથ ઊંચા કરી સૌનું અભિવાદન કર્યું.ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ તેમને લેવા માટે આવી પહોંચ્યા હતા.સૈનિકોની ભારે સુરક્ષા વચ્ચે નેતાજી સહિત સૌને સીધા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.જ્યાં તેમનું સંપૂર્ણ પરીક્ષણ કર્યા બાદ રાષ્ટ્પતિ ભવને જવા રવાના થયા.
જોગાનુજોગ આજે નેતાજીનો જન્મદિવસ પણ હતો. સાંજે પાંચ વાગે તેમના હાથે ઇતિહાસમાં પહેલીવાર લાલકિલ્લા પાર તિરંગો ફરકાવવામાં આવ્યો.ઉપરાંત,વડાપ્રધાનના હસ્તે પેરાકમાન્ડો ઉપરાંત મોસાદના એજન્ટ પીટર મેલ્કીન અને ઇસર હેરેલનું પણ સન્માન કરવામાં આવ્યું.ત્યાંથી નેતાજી વિશ્રામ ગૃહ ગયા.જ્યાં એક રાત્રી રોકાણ કર્યા બાદ તેમણે પોતાના વતનમાં જવાની ઈચ્છા દર્શાવી.
આ બાજુ,સ્ટેલિનને આ વાતની ખબર મોડેથી પડી હતી.તે સમસમી ઉઠ્યો હતો.તેણે આંતરરાષ્ટ્રીય કોર્ટ માં ભારત વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો.પણ અહીંયા રશિયાને કોઈ પણ પ્રકારનું નુકશાન પહોંચાડ્યા વગર કામ હાથ પર ધરવામાં આવ્યું હતું.એટલે,બાકીના દેશોએ રશિયાને ટેકો આપ્યો ન હતો.આમ,આખી દુનિયાની નજર ભારતના બેજોડ સાહસ પર ગઈ હતી.
નેતાજીનું કોલકાતામાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું.ત્યાં પ્રવચન આપ્યા બાદ નેતાજી તેમના નિવાસસ્થાને ગયા.તેમના ભાઈ, બહેન સહિત બધા સબંઘીઓને મળ્યા.પીટર અને ઇસર પણ તેમની સાથે જ આવ્યા હતા.સ્વજનોની આત્મીયતાનો આટલો અનુભવ તેમણે ક્યાંય જોયો જોયો નહતો.
"હલો!હું પીટર મેલકીન બોલી રહ્યો છું.આવી સાહસકથા કદાચ આપણી મોસાદના ઇતિહાસમાં પણ નહીં બની હોય! એક પણ નિર્દોષનો જીવ લીધા વગર આ ગુપ્ત કામ પાર પાડવામાં આવ્યું,તે ભારતની મોટી સિદ્ધિ છે.અને ખાસ વાત તો એ છે કે,જેમને અમે આઈસ જેલમાંથીલઇ આવ્યા તે 'નેતાજી' કે જેમણે પોતાના દેશ ભારતને આઝાદ કરાવવા માટે અનેક દેશોમાં પલાયન કર્યું હતું.પણ કુદરતની કરામત જુઓ કે તેમણે છેલ્લું પલાયન (લાસ્ટ એસ્કેપ) પોતાના દેશ તરફ જ કર્યું!" પિટરે વાત પૂરી કરતા કહ્યું.
પાછળ ઉભેલા નેતાજી મંદ મંદ હસી રહ્યા હતા.