એક નવી નકોર બાળવાર્તા માણો - અંશ ખીમતવીની...
પિન્ટુનો દેશપ્રેમ..... બાળવાર્તા.
પિન્ટુના ઘરે મહેમાન આવેલા જે જતી વખતે દસ રૂપિયાની નોટ આપેલી ત્યારે એના પપ્પાએ કહેલું લે બેટા, આ રૂપિયા વાપરતો નહિ ,પણ એનો તું એક ગલ્લો લાવજે અને એ એ ગલ્લામાં તું રૂપિયા ભેગા કરજે. તું જ્યારે થોડો મોટો થઈશ ત્યારે એ ગલ્લો ફોડજે અને એ ગલ્લામાંથી જેટલા રૂપિયા નીકળે એની તું સાઈકલ લાવજે. આ વાત સાંભળીને તો પિન્ટુ ખુશ ખુશ થઈ ગયેલો.એ મોટા ભાગે પૈસાનો બચાવ કરતો.જ્યારે પણ એના પપ્પા એને વાપરવા માટે પૈસા આપતા ત્યારે એને મનમાં સાઈકલનું ચિત્ર દોડી આવતું.અને એ સાઈકલ ચલાવવાના સપનામાં ખોવાઈ જતો.પછી એ દોડીને હરખભેર એ પૈસા ગલ્લામાં નાખી આવતો.અને પછી દાદી પાસે જઈને કહેતો કે દાદી ,દાદી મેં પૈસા મારા ગલ્લામાં નાખ્યા છે.મારે સાઈકલ લાવવાની છે ને ! અને દાદી પિન્ટુના માથાપર વ્હાલનો હાથ ફેરવીને હા કહેતા...
રોજ બરોજ પિન્ટુ ગલ્લામાં પૈસા નાખતો.અને ગલ્લાનું વજન પણ રોજે રોજે વધતું જતું.આમ વર્ષો વીતી ગયા.એનો ગલ્લો આજે જ્યારે તપાસ્યો તો એનું વજન ખાસુ વધી ગયેલું હતું. એટલે પિન્ટુએ વિચાર્યું કે આજે સાંજે જ્યારે પપ્પા ઓફિસેથી ઘરે આવે ત્યારે હું એમને કહીશ કે પપ્પા હવે મારો ગલ્લો હું ફોડું.અને પછી ગલ્લામાંથી ઘણા બધા પૈસા નીકળશે અને એની હું સાઈકલ લાવીશ.
પણ અચાનક દેશમાં રોગચાળો ફાટી નીકળે છે.ચારે બાજુ હાહાકાર મચી જાય છે.આ રોગ ચેપી હોવાના કારણે અનેક માણસો તેના ભોગ બની જાય છે.તેમજ આ રોગની કોઈ દવા ,રસી પણ ન હોવાના કારણે સૌ દેશ વાસીઓ ચિંતિત થવા લાગ્યા. સરકારે પણ અનેક નિર્ણયો લેવા લાગી. જેથી કરીને આ રોગ વધારે આગળ ન ફેલાય. આખરે સરકારે લોકડાઉન નો કપરો નિર્ણય કર્યો.જેથી દરેક દેશવાસીઓએ એકવીસ દિવસ ઘરથી બહાર નીકળવું નહિ.આમ, દેશની આર્થિક વ્યવસ્થા પર મોટી અસર પડી.ટી.વી પર પણ અનેકો જાહેરાતો આવવા લાગી. જેમાં અનેક મોટી મોટી હસ્તીઓ દેશની સેવા કરવા માટે આગળ આવતી હતી.આ જોઈને પિન્ટુના મનમાં પણ દેશની સેવા કરવાનો વિચાર સ્ફુર્યો.
પિન્ટુ દોડતો પપ્પા પાસે ગયો અને કહ્યું 'પપ્પા, મારો ગલ્લો ફોડો.'પણ, પિન્ટુ સાંભળતો ખરા , તને ખબર નથી ,અત્યારે મહામારી રોગ ફાટી નીકળ્યો છે અને સરકારે કોઈ પણ વ્યક્તિને ઘરથી બહાર ન નીકળવાનો હુકમ કર્યો છે. તો પછી તારી સાઈકલ કઈ રીતે લેવા જઈશું? ' પિન્ટુએ પપ્પાની વાત કાને લીધી નહિ. અને તરત જ ટીવીની પાછળ પડેલો ગલ્લો લઈને જોરથી નીચે પટક્યો.અને બધા રૂપિયા બહાર નીકાળ્યા.પિન્ટુએ પપ્પાને પૈસા ભેગા કરવાનું કહ્યું. અને બધા રૂપિયા ગણવાનું કહ્યું. અને આશરે બે હજાર રૂપિયા ગલ્લામાંથી નીકળ્યા.ત્યારે પપ્પાએ કહ્યું પણ તું શું કરવા માંગે છે એ તો બોલ? ત્યારે પિન્ટુ શાંતિથી બોલ્યો, પપ્પા,મારે આ પૈસા દાન કરવા છે.મારે પણ દેશની મદદ કરવી છે એટલે મેં નક્કી કર્યું છે કે મારે સાઈકલ નથી લાવવી. અને આ પૈસા મારે પંચાયતમાં જઈ જમા કરાવવા છે.પપ્પા આ વાત સાંભળી મનોમન ખૂબ ખુશ થયા. અને ખૂબ ગર્વ લેવા લાગ્યા.
હા , બેટા.પપ્પાએ પંચાયતમાં કોલ કર્યો.અને બધી વિગતો જણાવી.ત્યાંના સભ્યએ આવી પિન્ટુ પાસેથી રકમ જમા કરી. અને પ્રોત્સાહન આપ્યું. સાથે પિન્ટુને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા.આ સમાચાર ટીવીમાં જોઈ પિન્ટુ ખૂબ ખુશ થયો. અને પપ્પાએ પણ પિન્ટુને શાબાશી આપી,અને કહ્યું... વાહ પિન્ટુ ! વાહ !
સમય જતા રોગ નાબૂદ થયો.એક સવારે રૂમમાં નવી નકોર સાઈકલ જોઈ પિન્ટુ ખુશ ખુશ થઈ ગયો!
- અંશ ખીમતવી...