મજબૂરી..... અધૂરી પ્રેમ કથા..
તને ખબર નથી પડતી, કેમ આજ કાલ તું એમ કરે છે કેટલી રીંગો વાગી, પણ તું કોલ રિસીવ ક્યાં કરે ? આજ કાલ તું બહુ બીઝી રહે છે. અપૂર્વએ એકીશ્વાસે નેહાને કોલમાં સંભળાવી દીધું, અને કોલ મૂકી દીધો.
નેહા પણ શું કરે ઘરે એટલું બધું કામ હોય છે કે ના પૂછો વાત ! અને પાછા હાલ લગ્નના દિવસો ચાલે છે એટલે કામ પણ બમણું થઈ ગયું છે, નેહા પોતાની જાતને જ વાતો કરવા લાગી. પછી ધ્યાનમાંથી જાગી ફરી એ કામમાં પરોવાઈ ગઈ. નેહા અને અપૂર્વ છેલા ચાર વર્ષથી પ્રેમમાં હતા. એટલા નજીક આવી ગયા હતા કે ન પૂછો વાત! દિવસનો મોટાભાગનો સમય વોટ્સપ પર ચેટ કરવામાં ગાળતા. અને હા ક્યારેક મળતા પણ ખરા. એમનો પ્રેમ ગંગાના નીર જેવો હતો. એક બીજાની એટલી કાળજીઓ રાખે કે પગમાં કોઈને કાંકરી ખૂંચે તો પણ એકબીજાને ખબર પડી જાય.સુખ દુઃખમાં બન્ને ઓળઘોળ રહેતા. પણ આજે નેહા ઉદાસ મો લઈને બેઠી હતી.એની સગાઈ તો નાનપણમાં યશ જોડે થઈ ગયેલી. આજે બન્ને વેવાઈ મળ્યા હતા. અને લગ્નની તારીખ નક્કી કરેલી.
જયારે નેહાને આ વાતની ખબર પડી કે એની લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે, અને હવે થોડાક જ દિવસોમાં એના લગ્ન લેવાના છે .તે દિવસેથી ઉતરેલા મોઢે ફરે છે .એના ચહેરા પરની રોનક ક્યાંક ગાયબ થઈ ગઈ છે. સાવ સૂનમૂન બસ ,મમ્મી જે કામ કરવાનું કહે એ બસ કર્યા કરે .અને આમ ને આમ આજે લગ્નની કંકોત્રી પણ લખાઈ ગઈ.
અપૂર્વનો કોલ આવ્યો હતો. આજે એ બહુ ક્રોધિત ભાવમાં હતો કારણ કે છેલ્લા દશેક દિવસથી નેહાએ એની જોડે વાત નહોતી કરી. નેહા હળવા સ્વરે બોલી હેલો અપુ. નેહાનો હળવો પ્રત્યુતર સાંભળી ને અપૂર્વ ધબકતા હદયે બોલ્યો ," શુ થયું નેહા ,કેમ આમ રડતી હોય એમ બોલે છે ? તબિયત તો બરાબર છે બોલ શુ થયું છે ! નેહા ના હોઠ માંથી એક પણ શબ્દ આજે બહાર નહોતો નીકળતો , કેમ કરીને એ બોલે બચારી ? નેહા એ માંડ માંડ આંસુઓને રોક્યા... કયા મોઢેથી કહેવું કે મારા લગ્ન લેવાના છે ! પછી વાત કરું એમ કહીને નેહાએ કોલ મૂકી દીધો. અને ઘરમાં જઈને એકાંતની જગ્યા જઈ એ આંસુઓ ભરી રડવા લાગી. એનું હૈયું આજે વલખા મારતું હતું. એક એક ધબકાર અપૂર્વનું નામ લઈ રડ્યા કરતું હતુ.કોને કહેવી મારે આજે મારા દિલની વાતો ,કોને કહેવી મારે લાગણીઓ ,આ સમાજ તો અંધ છે !લઈને બેઠી છે પુરાણો હજી એજ નિયમો ,ક્યારે સમજશે એ પ્રેમીઓની લાગણીઓ....!
અપૂર્વના મનમાં પણ અનેક વિચારોના વંટોળ ગોળ ગોળ ફરવા લાગ્યા. એવી તો કઈ વાત હશે કે નેહાને મનમાં કોરી ખાય છે. છેવટે આજે એને નેહાને મળવા જવાનું વિચાર્યું.
અપૂર્વ આજે જે ઘરે આવીને ઉભી હતો એ ઘર અલગ જ શણગારે સજેલું હતું. ભીંતે નવા નવા રંગો રંગાયેલા હતા... મેડી સજી ધજીને નવા જ રૂપમાં તૈયાર ગયેલી હતી. એ ઘર આગળ સુંદર મંડપ બંધાયેલો હતો. નવા નવા તોરણો બંધાયેલા હતા. ઘરની સામેનો વૃદ્ધ લીમડો પણ આજે યુવાન લાગતો હતો. લાઈટો પણ ઝબકારા મારતી જોવા મળતી હતી. અનેક લોકોનું આજે આવન જાવન હતું. જે શેરી રોજ સુમસામ રહેતી એ આજે નાચવા લાગી હતી. ઢોલ અને શરણાઈઓ ગુંજતી હતી. ચારે કોર આંનદ છવાઈ ગયેલો હતો. નાના નાના છોરા પણ કિલ્લોલ અને ધીંગા મસ્તીઓ કરતા હતા. આ બધું જોઈ અપૂર્વ ચોકી ગયો. એને લાગ્યું કે હું રસ્તો ભૂલી ગયો કે શું ? હું ક્યાંક બીજે આવી ગયો છું એવું લાગે છે ! પણ હું એ જગ્યા કેમ વિસરી શકું, જે જ્યાં હું મારી નેહાને મળવા અવાર નવાર આવતો. ના હું સહી જગ્યાએ જ આવ્યો છું મનને સ્વસ્થ કરી ને જાતને ઉત્તર આપ્યો. ફરી અંદરથી અવાજ આવ્યો, પણ આ લગ્ન છે કોના ?,નેહાએ તો મને કોઈ એવી વાત કરી જ નથી. જે હોય એ ,પણ હું તો નેહાને તો મળી લઉ. અને એને જ પૂછી લઉ. અપૂર્વ એ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને નેહાને રિંગ કરી,પણ મોબાઈલ સ્વીચઓફ
બોલતો હતો.હવે અપૂર્વના ધબકારાઓ તીવ્રતાથી વધવા લાગ્યા. એક બાજુ એને ચિંતા હતી કે આખરે નેહાને થયું હશે શુ કામ એનો મોંબાઈલ સ્વીચ ઓફ આવે છે? અપૂર્વને ચિંતાઓ કોરવા લાગી. અને આ બાજુ હળવે હળવે પગલે નેહા સોળે શણગારે સજેલી નજરે પડી.....નેહાને જોતા જ અપૂર્વના પગ તળેથી ધરતી ખસી ગઈ....
અને એ ત્યાં જ સાવ ભાગી પડ્યો... નેહા એની નજરોની સામેથી આજે દૂર દૂર ચાલી ગઈ..નેહા પણ શું કરે જ્યાં નડે છે મજબૂરી...
અંશ ખીમતવી