સુખનો પાસવર્ડ - 50 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખનો પાસવર્ડ - 50

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

માનસિક રીતે સક્ષમ વ્યક્તિને શારીરિક અક્ષમતા અવરોધી શકતી નથી!

ગુજરાતના સાયલા તાલુકાના ગઢવાલા ગામનાં મણિશંકર મહેતાએ માત્ર આઠ વર્ષની ઉંમરે જમણો હાથ ગુમાવ્યો હોવા છતાં જીવનથી હારી જવાને બદલે તેણે પોતાના જીવનને અનેરી ઊંચાઈએ પહોંચાડ્યું. જીવનના આઠ દાયકા વિતાવી ચૂક્યા પછી પણ તેઓ સ્કૂટર પર એક દિવસમાં 500 કિલોમીટરનો પ્રવાસ ખેડી નાખે છે!

સાત દાયકાથી વધુ સમય અગાઉની વાત છે. ગુજરાતના સાયલા તાલુકાના ગઢવાલા ગામનાં એક બ્રાહ્મણ કુટુંબનો આઠ વર્ષનો છોકરો તેની ઉંમરના અન્ય બાળકો સાથે નદીકિનારે રમતો હતો. એ નાનકડા ગામમાં નદીકિનારે વિશાળકાય વ્રુક્ષોની લાંબી કતાર હતી. ગામના લોકો એ વૃક્ષોની સૂકી ડાળીઓનો ઉપયોગ બળતણ તરીકે કરતા હતા. તેઓ સૂકી ડાળીઓ તોડવા માટે નદીકિનારે રમતા છોકરાઓની મદદ લેતા હતા. ઝાડની કોઈ ડાળી સુકાઈ ગઈ હોય એ જોઈને તેઓ ત્યાં રમતા છોકરાઓમાંથી કોઈને કહેતા કે ઝાડ ઉપર ચડીને ડાળી નીચે પાડી આપ. આવી રીતે ગામના કોઈ માણસે એક આઠ વર્ષના છોકરાને કહ્યું કે આ ઝાડ પર ચડીને પેલી સૂકી ડાળી દેખાય છે એ પાડી આપ. એ છોકરો ક્યારેય કોઈને કામની ના નહોતો પાડતો. તે ઉત્સાહભેર ઝાડ પર ચડ્યો. તે ઘણીવાર ખૂબ જ ઊંચે સુધી પણ ચડતો હતો, પણ એ દિવસે તે થોડી ઊંચાઈ પર પહોંચ્યો ત્યાં જ તે નીચે પટકાયો. એ સાથે તેની જિંદગીમાં કરુણ વળાંક આવી ગયો.

ઝાડ પરથી જમીન પર પટકાયેલા તે છોકરાને ગંભીર ઈજા થઈ. સાત દાયકા અગાઉના સમયમાં નાના ગામડાઓમાં કોઈ ડૉક્ટર જોવા ન મળતા. એ ગામમાં પણ ડૉક્ટર નહોતા. એટલે તેના કુટુંબે ઘરગથ્થુ ઉપચાર શરૂ કર્યા. પરંતું તેના હાથમાં ઊંડો જખમ થયો હતો એ રુઝાતો નહોતો. એ ઘા વકરતો ગયો અને એ છોકરાના પરિવારને લાગ્યું કે હવે તો ડોક્ટર પાસે જવું જ પડશે.

તે છોકરાને તેની માતા નજીકના વીંછિયા ગામમાં લઈ ગઈ. ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરોએ તે છોકરાને તપાસીને કહ્યું કે આ છોકરાનો હાથ તો સડી ગયો છે! અને તાત્કાલિક રાજકોટ લઈ જાવ. તે છોકરાને લઈને તેની માતા બસ સ્ટૅન્ડ પહોંચી, પણ બસચાલક કે કંડકટર તેના બસમાં બેસાડવા તૈયાર ન થયા. તે છોકરાનો હાથ સડી ગયો હતો અને એમાંથી દુર્ગંધ આવતી હતી. માતાએ આજીજી કરી કે અમને બસના છાપરા પર મુસાફરી કરવાની પરવાનગી આપો. મા-દીકરો બસના છાપરા પર બેસીને રાજકોટ પહોંચ્યા ત્યાં સરકારી હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે આ છોકરાનો આખો હાથ સડી ગયો છે. તેમને આશ્ચર્ય થયું કે આટલું ભયંકર દર્દ આ નાનકડો છોકરો કઈ રીતે સહન કરી શક્યો હશે. તેમણે બીજા ડૉક્ટરને બોલાવ્યા. તે છોકરાની માતાને બહાર બેસાડીને બીજા ડૉક્ટર્સે છોકરાને તપાસ્યો અને પછી તેમણે અત્યંત ગંભીર ચહેરે આપસમાં વાત શરૂ કરી. તેઓ વાત કરી રહ્યા હતા કે જ આ છોકરાને બચાવવો હશે તો તેનો હાથ કાપવો જ પડશે. નહીં તો તેના હાથમાં ફેલાઈ ગયેલો સડો શરીરના બીજા ભાગ સુધી પહોંચી જશે. તેમની વાત પરથી તે છોકરાને સમજાયું તેનો હાથ કાપ્યા વિના છૂટકો નથી! ડૉક્ટર્સ અચકાતા હતા કે આ છોકરાની માતાને કઈ રીતે કહેવું કે આ છોકરાને બચાવવો હોય તો તેનો હાથ કાપી નાખવો પડશે.

ડૉક્ટર્સની વાત સાંભળી રહેલા છોકરાએ કહ્યું કે તમે મારો હાથ કાપી નાખો, હું તૈયાર છું! પણ હમણાં મારી બાને આ વિશે કહેતા નહીં.

ડૉક્ટર્સે કહ્યું કે દર્દીના પરિવારને જાણ કર્યા વિના અને તેમની પરવાનગી વગર પરવાનગી લીધા વિના અમે ઓપરેશન ન કરી શકીએ. સાત દાયકા અગાઉ તે બાળકે મક્કમ રહીને ડોક્ટરને કહ્યું કે મારી માતા મારો હાથ કાપવાની પરવાનગી ક્યારેય ન આપી શકે. તેના માટે આ વાત પચાવવી મુશ્કેલ હશે એટલે મહેરબાની કરીને તમે તેને જાણ કર્યા વિના મારો હાથ કાપી નાખો. છેવટે ડૉક્ટર્સે તેની જિદ સામે નમતું જોખીને તેનું ઓપરેશન કર્યું અને તેનો જમણો હાથ કાપી નાખ્યો. તે છોકરાના ખભાથી નીચેનો થોડો હિસ્સો બાદ કરતા તેનો બાકીનો હાથ કાપી નાખવો પડ્યો.

ઓપરેશન પછી છોકરાને માતાએ તેને પહેલી વાર જોયો ત્યારે તેના પર તો જાણે વીજળી ત્રાટકી. જમણા હાથ વગરના દીકરાને જોઈને તેની માતાએ હૃદયવિદારક કલ્પાંત કર્યું. જમણા હાથ વિના દીકરાની જિંદગી કઈ રીતે જશે એની કલ્પના કરવાનું પણ તેના માટે કઠિન હતું. જો કે એક હાથ ગુમાવી ચૂકેલા છોકરાએ માતાને હિંમત આપી અને સમજાવી કે આ વાસ્તવિકતા છે. ડૉક્ટર્સે મારો હાથ ન કાપ્યો હોત તો થોડા સમયમાં તારે આખો દીકરો ગુમાવવાનો વારો આવ્યો હોત!

તે છોકરાએ હાથ ગુમાવી દેવો પડ્યો એ પછી એ પછી તેના વડીલોએ તેને રાજકોટ તેની ફઈનાં ઘરે ભણવા માટે મોકલ્યો. તેમને ચિંતા હતી કે આ છોકરો એક હાથ સાથે જિંદગી કઈ રીતે વિતાવશે અને કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવશે. તે કંઈક ભણશે તો કંઈક કમાઈ શકશે. નહીં તે છોકરાની માતા દીકરાની ચિંતામાં રાતે ઊંઘી નહોતી શકતી અને આખી રાતો રડીને વિતાવતી હતી. તે છોકરો રાજકોટ ફઈને ત્યાં રહેવા લાગ્યો. ફઈને તેના પર ખૂબ લાગણી હતી, પરંતુ તેમની આર્થિક સ્થિતિ પણ એવી હતી કે તેઓ ભત્રીજાને લોટ માગવા મોક્લતા અને ઘરનું કામ પણ કરાવતા. જો કે તેઓ આ ભત્રીજાને અપાર લાગણી સાથે સાચવતા. સાત દાયકા અગાઉ ફઈના ઘરમાં ઈલેક્ટ્રિસિટી નહોતી એટેલ તે છોકરો સ્ટ્રીટલાઈટના અજવાળે ભણવા લાગ્યો. તેને પુસ્તકો વાંચવાનો શોખ જાગ્યો અને જ્યાંથી પણ પુસ્તક મળે-જે પુસ્તક મળે એ તે વાંચવા લાગ્યો.

તે છોકરાએ વિષમ આર્થિક પરિસ્થિતિનો સામનો કરીને પોતાના ભણતરનો ખર્ચ કાઢવા માટે ટ્યુશન કરવા માંડ્યા. તે ભણવામાં તેજસ્વી હતો એટલે પછી તેને સ્કોલરશિપ પણ મળવા લાગી. આ દરમિયાન તેના વડીલોને થયું કે તે છોકરાને મદદરૂપ બનવા માટે આપણે પણ રાજકોટ રહેવા ચાલ્યા જવું જોઈએ. તે છોકરાનું કુટુંબ રાજકોટ રહેવા ગયું એ પછી તેના દાદાએ પોલીસ જમાદાર તરીકે નોકરી મેળવી. ધીમે-ધીમે એ કુટુંબ આગળ આવ્યું. તે છોકરો યુવાન થયો ત્યારે તે શિક્ષક બન્યો અને થોડા વર્ષો પછી પ્રિન્સિપાલ બન્યો.

તે છોકરાએ હાથ ગુમાવ્યો ત્યારે બધાને આઘાત લાગ્યો હતો કે તેની જિંદગી કઈ રીતે વીતશે? પણ તે છોકરાએ હથ ગુમાવ્યો એના કારણે તે રાજકોટ ભણવા ગયો. તેને કારણે તેનું કુટુંબ પણ રાજકોટ રહેવાઅ ગયું અને તેના ભાઈ-બહેનોને સારું ભણતર મળી શક્યું. લોકોની નજરે તે છોકરાએ હાથ ગુમાવ્યો એ તેના માટે જીવનનો આઘાતજનક વળાંક હતો, પણ તે છોકરાએ હાથ ગુમાવ્યો એના કારણે તેનું આખું કુટુંબ આગળ આવી ગયું.

આ વાત છે પડધરીના નિવ્રુત્ત શિક્ષક મણિશંકર મહેતાની. એ વિસ્તારના લોકો જેમને એમ. એ. મહેતા તરીકે ઓળખે છે એવા આ શિક્ષકની અનોખી કથા તેમના દીકરી અને રાજકોટના જાણીતાં કાઉન્સેલર-સોશિયલ એક્ટિવિસ્ટ હેમલ મૌલેશ દવે પાસેથી જાણી ત્યારે તેમના વિશે લખવાનું મન થયું.

મણિશંકરભાઈનું વાંચન ખૂબ જ વિશાળ હતું અને જીવનને જોવાની દ્રષ્ટિ અલગ હતી. તેમણે ધ્યાન અને પ્રાણાયામ થકી પોતાના શરીરને કેળવ્યું. એક જ હાથ હોવા છતાં તેઓ તે ખૂબ જ સારા સ્વિમર બન્યા. તેમણે અનેક તરણ સ્પર્ધાઓ જીતી બતાવી. તેમણે રસોઈ કરવાનું શીખી લીધું. અને એક હાથે મોટરસાઈકલ અને કાર ચલાવવાનું પણ શીખી લીધું. અત્યારે તો તેઓ જીવનના આઠ દાયકા પસાર કરી ચૂક્યા છે, પણ હજી એક સાથે સ્કૂટર ચલાવીને 500 કિલોમીટર જેટલો પ્રવાસ એક દિવસમાં કરી લે છે.

મણિશંકરભાઈ પડધરીની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા એ દરમિયાન તેમની મુલાકાત સહશિક્ષિકા તામ્રપર્ણિ ભટ્ટ સાથે થઈ. એ વખતે તેઓ આધ્યાત્મિક વિચારોને કારણે લગ્ન કરવા માગતા નહોતા. પણ તામ્રપર્ણિ ભટ્ટ સાથે તેમનું જીવન વિતાવવાનું લખ્યું હશે એટલે તેઓ નજીક આવ્યા. તામ્રપર્ણિ ભટ્ટનું કુટુંબ શ્રીમંત હતું અને એ ચાર દાયકાઓ અગાઉ તેઓ ડ્રાઈવર સાથેની કારમાં ફરતાં હતાં છતાં તેમની વચ્ચે આર્થિક સ્થિતિ વિઘ્નરૂપ ન બની. શરૂઆતમાં તામ્રપર્ણિબેનના વડીલોએ વિરોધ કર્યો, પણ તે બંનેએ આર્યસમાજમાં લગ્ન કરી લીધાં એ પછી બીજા જ દિવસે તામ્રપર્ણિબેનના કુટુંબે એ લગ્ન સ્વીકારી લીધાં.

મણિશંકરભાઈએ આધ્યાત્મિક રીતે પણ પોતાના જીવનને અનોખી ઊંચાઈ પર પહોંચાડ્યું. તેઓ ઓશોથી પ્રભાવિત થયા અને ઓશોના સન્યાસી બનીને તેમણે માધવપુરના ઓશો આશ્રમમાં સ્વામી બ્રહ્મવેદાંતજી સાથે ઘણી પ્રવ્રુત્તિઓમાં ભાગ લીધો. તેમને સંન્યાસી તરીકે સ્વામી આનંદ અટલ નામ મળ્યું.

એક હાથ ગુમાવ્યા પછી તેમણે જીવનથી હતાશ થઈ જવાને બદલે નક્કી કર્યું કે હું અનોખું જીવન જીવીને બતાવીશ. અને તેમણે શારીરિક અક્ષમતાને અવગણીને પોતાનું આગવું સ્થાન બનાવ્યું.

કોઈ વ્યક્તિ શારીરિક અક્ષમતા છતાં પણ અકલ્પનીય જીવન જીવી શકે એનો પુરાવો મણિશંકરભાઈ છે. શારીરિક રીતે અક્ષમ હોય, પણ માનસિક રીતે સક્ષમ હોય એવી વ્યક્તિને કોઈ પણ અવરોધ નડી શકતા નથી એ વાતનો પુરાવો એમ. એ. મહેતા છે. અને જીવનમાં કોઈ આફત આવી પડે ત્યારે એ આફતને અવસરમાં ફેરવી શકવાની જિગર હોય તો માણસ અકલ્પ્ય પરિણામ લાવી શકે એનો પુરાવો પણ તેમનું અનોખું જીવન છે.

***