સુખનો પાસવર્ડ - 48 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખનો પાસવર્ડ - 48

ખારા રણમાં મીઠી વીરડી!

હૈદરાબાદના બે ભાઈઓ દસ લાખ રૂપિયા ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા એ પછી...

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

થોડા દિવસો અગાઉ એક અંગ્રેજી અખબારમાં એક સરસ કિસ્સો વાંચ્યો હતો એ વાચકો સાથે શેર કરવો છે.

6 ફેબ્રુઆરી, 2019 ના દિવસે હૈદરાબાદના કે. પ્રસાદ અને કે. કિશોર નામના બે ભાઈઓ એક રિક્ષા પકડીને શ્રીરામ કોલોની ગયા. તેઓ શ્રીરામ કોલોની પહોંચ્યા એ પછી રિક્ષાચાલકને પૈસા આપીને રિક્ષામાંથી ઊતરી ગયા. રિક્ષાચાલક જતો રહ્યો એ પછી તે ઉતારુઓને યાદ આવ્યું કે તેઓ તેમની બેગ રિક્ષામાં ભૂલી ગયા છે. એ બેગમાં દસ લાખ રૂપિયા હતા!

બંને ભાઈ હતપ્રભ બની ગયા. તેમણે રિક્ષાનો નંબર પણ નહોતો લીધો. તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને મદદ માગી. તે બંને ભાઈઓ આકુળવ્યાકુળ બનીને બેગ પાછી મેળવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તેમને ઉતારીને પેલો રિક્ષાચાલક સિકંદરાબાદના જ્યુબિલી બસ સ્ટેશને પહોંચ્યો હતો. જે. રામુલુ નામના તે રિક્ષાચાલકે પોતાની રિક્ષા બસ સ્ટેશનની બહારના રિક્ષા સ્ટેન્ડ પર ઊભી રાખી. એ પછી તે રિક્ષામાંથી ઊતર્યો ત્યારે તેનું ધ્યાન પાછલી સીટ પર ગયું. ત્યાં એક બેગ પડી હતી.

રામુલુએ બેગ ખોલી એ સાથે તે આશ્ચર્યચકિત થઈ ગયો. એ બેગમાં લાખો રૂપિયા પડ્યા હતા. રામુલુ થોડીવાર તો સ્તબ્ધ બનીને ઊભો રહ્યો. પછી તેણે પેલા બંને ઉતારુઓને શોધીને બેગ પાછી આપવાનો નિર્ણય કર્યો. તે શ્રીરામ કોલોનીમાં એ જગ્યાએ પહોંચ્યો જ્યાં તેણે પેલા બંને ઉતારુઓને ઉતાર્યા હતા.

તે જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે કે. પ્રસાદ અને કે. કિશોર તેને મળી ગયા. તેમની સાથે પોલીસ કર્મચારીઓ પણ હતા. તેમને જોઈને રામુલુને હાશકારો થયો તેણે તેમને જોઈને રિક્ષા ઊભી રાખી અને રૂપિયા ભરેલી બેગ તેમને આપી દીધી. ગરીબ રિક્ષાડ્રાઇવર રૂપિયા આપવા પાછો આવ્યો એ જોઈને પેલા બંને ભાઈઓ અને પોલીસ કર્મચારીઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પોલીસ કર્મચારીઓએ રામુલુની પ્રામાણિકતાની પ્રશંસા કરી તો પેલા બંને ભાઈઓએ રામુલુની ઈમાનદારીની કદર કરીને તેને ઈનામરૂપે દસ હજાર રૂપિયા આપ્યા.

રામુલુની આર્થિક સ્થિતિ નબળી છે. તેણે રિક્ષા માટે લોન લીધી છે એના દોઢ લાખ રૂપિયા ભરવાના બાકી છે. તે આખો દિવસ રિક્ષા ચલાવીને માંડ 500 રૂપિયા જેટલી રકમ કમાઈ શકે છે અને તેની પત્ની મજૂરી કરે છે. તેઓ એલ.બી. નગરમાં ભાડાના એક નાનકડા ઘરમાં રહે છે. તેણે કે. પ્રસાદ અને કે. કિશોરને પૈસા પાછા આપ્યા ન હોત તો કદાચ ક્યારેય પોલીસ કે પેલા ઉતારુઓ તેના સુધી પહોંચી શક્યા ન હોત, પરંતુ રામુલુની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં તેણે એ પૈસા રાખી લેવાને બદલે પાછા આપવાનું પસંદ કર્યું.

જે. રામુલુ જેવા માણસો હજી દુનિયામાં છે. આવા કિસ્સાઓ ખારા રણમાં મીઠી વીરડી જેવા હોય છે.

***