સુખનો પાસવર્ડ - 46 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

સુખનો પાસવર્ડ - 46

નાની-નાની વાતમાં હિંમત હારી જતી, તમારી આજુબાજુની, વ્યક્તિઓ સાથે આ લેખ ખાસ શૅર કરજો!

એક વર્ષની ઉંમરે પેરેલિસિસનો ભોગ બનેલી છોકરીએ યુવાન થયા પછી સ્પોર્ટ્સમાં 429 મેડલ્સ જીતી લીધા!

અત્યંત વિષમ સંજોગોમાં પણ દૃઢ નિશ્ચય થકી આગળ વધી શકાય

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

બેંગલોરમાં જન્મેલી માલતી ક્રિશ્નમૂર્તિ હોલાના પિતા એક નાનકડી રેસ્ટોરાં ચલાવતા હતા. જ્યારે માલતીની માતા ગૃહિણી હતી. તે માલતી સહિતના પોતાના ચાર સંતાનોની સંભાળ રાખતી હતી. માલતી માત્ર એક વર્ષની ઉંમરની હતી ત્યારે તેને સખત તાવ આવ્યો. તે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહી. તેની બીમારી લાંબી ચાલી. એના કારણે તેનું આખું શરીર પેરેલાઈઝ્ડ થઈ ગયું. તેના શરીરને લકવો લાગી ગયો. નાનકડી માલતીનું શરીર કામ કરતું થાય એ માટે સારવારના ભાગરૂપે તેને બે વર્ષ સુધી ઈલેક્ટ્રિક કરંટ અપાયા. એનાથી માલતીનાં શરીરના ઉપરના હિસ્સાને થોડો થોડો ફાયદો થયો, પરંતુ તેનાં શરીરનો કમરથી નીચેનો હિસ્સો પેરેલાઈઝ્ડ જ રહ્યો.

માલતીના માતા-પિતાને ચિંતા થતી હતી કે માલતીનું કમરથી નીચેનું શરીર નકામું થઈ ગયું છે તો આ છોકરી કઈ રીતે જિંદગી વિતાવશે. માલતી પરવશ જિંદગી જીવી રહી હતી. જો કે તેના પિતાએ નિશ્ર્ચિત કર્યું કે તે એવું કરશે જેનાથી માલતી સ્વનિર્ભર બને અને તેનો આત્મવિશ્ર્વાસ જળવાઈ રહે. તેમણે માલતીને સારું શિક્ષણ મળે એ માટે વ્યવસ્થા કરી. અને એ દરમિયાન તેના શરીરનો નીચેનો ભાગ ફરી કામ કરતો થઈ શકે એ માટે તેમણે તેની ઘણી બધી સર્જરી કરાવી. માલતી એક વર્ષની ઉંમરે પેરેલાઈઝ્ડ થઈ ગઈ એ વખતે આજથી છ દાયકા અગાઉ ડિફરન્ટલી એબલ્ડ બાળકોની કાળજી લેવા માટેની જાગૃતિ આવી નહોતી એટલે માલતીએ તેનું બાળપણ તેના ઘરથી દૂર ચેન્નાઈનાં એક ડિસેબિલિટી કેર સેન્ટરમાં વિતાવવું પડ્યું હતું.

માલતી 15 વર્ષની થઈ અને તેણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો ત્યાં સુધી તે ચેન્નાઈના એ ડિસેબિલિટી સેન્ટરમાં રહી હતી. માલતી 15 વર્ષની થઈ એ દરમિયાન તેણે લગભગ દર છ મહિને એક સર્જરીમાંથી પસાર થવું પડ્યું હતું. તેની શરૂઆતની પંદર વર્ષની જિંદગીમાં તે 32 સર્જરીમાંથી પસાર થઈ. જો કે એટલી સર્જરી પછી પણ તેના શરીરનો નીચેનો હિસ્સો કામ કરતો ન થયો. અને તેણે આખી જિંદગી વ્હીલચેર પર જ વિતાવવી પડશે એવું ડોક્ટર્સે કહી દીધું. માલતીએ એ સર્જરીઓને કારણે ખૂબ જ શારીરિક દુ:ખ સહન કરવું પડયું હતું અને માનસિક યાતના-પીડા ભોગવવી પડી હતી. કોઈપણ વ્યક્તિને આવી સ્થિતિએ ભાંગી પડવા મજબૂર કરી દીધી હોત. પરંતુ માલતી સમજણી થઈ એ પછી તેણે નક્કી કર્યું કે હું આ સ્થિતિમાં પણ કંઈક કરી બતાવીશ.

માલતીનું જીવન સ્વાભાવિક રીતે જ સહજ અને સરળ રીતે નથી વીત્યું, પરંતુ તે ફાઈટરની જેમ જીવી છે. તેણે બેંગલોરની એક કોલેજમાં એડમિશન લીધું ત્યારે તેને ખબર પડી કે તેની કોલેજના બધા ક્લાસીસ ફર્સ્ટ અને સેક્ધડ ફ્લોર પર છે. માલતી માટે વ્હીલચેર સાથે ઉપરના ફ્લોર્સ પર જવાનું શક્ય નહોતું. તે પ્રિન્સિપાલને મળવા ગઈ અને તેણે તેમને પોતાના શારીરિક પ્રોબ્લેમ વિશે વાત કરીને વિનંતી કરી કે મારો ક્લાસ ગ્રાઉન્ડ ફ્લોર પર કરી શકો તો હું તમારી આભારી થઈશ. અને પ્રિન્સિપાલે તેની વાત માનીને તેનો ક્લાસ ગ્રાઉન્ડ ફ્લોર પર શિફ્ટ કર્યો હતો.

માલતીએ કોલેજના સમયથી જ સ્પોર્ટ્સક્ષેત્રે જવાનું નક્કી કરી લીધું. માલતી કહે છે કે મેં સ્પોર્ટ્સ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું એ સમયમાં ભારતમાં વિકલાંગ ખેલાડીઓ માટે પૂરતી સુવિધાઓ નહોતી. પરંતુ હું બેંગલોરના કંતીરાવા સ્ટેડિયમમાં દરરોજ વ્હીલચેર પર 25 રાઉન્ડ લગાવતી હતી. ત્યાં અનેક અગવડો હતી. હું એ એક્સરસાઇઝ મારા હાથ અને શરીરના ઉપરના ભાગને મજબૂત કરવા માટે કરતી હતી. જોકે એના કારણે મારી વ્હીલચેરનાં ટાયર્સ ઝડપથી ખરાબ થઈ જતાં હતાં. એ ટ્રેક એટલા ખરાબ હતા કે મારે દર અઠવાડિયે વ્હીલચેરનાં ટાયર્સ બદલાવવા પડતાં હતાં. માલતીએ 100 મીટર અને 200 મીટર રેસની સ્પર્ધાઓ માટે તાલીમ ચાલુ રાખી અને બીજી બાજુ ડિસ્કસ થ્રો અને શોટ-પુટ ગેમ્સ માટે પણ તાલીમ મેળવવા માંડી. આ દરમિયાન તેને ઘણી મુશ્કેલીઓ નડી. જો કે એમ છતાં માલતી ડગી નહિ અને તેણે પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખ્યું.

ઘણા સમય સુધી તાલીમ લીધા પછી માલતીએ રાજ્યસ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. બહુ ટૂંકા સમયમાં તો તે નેશનલ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લેતી થઈ ગઈ. 1978માં તેણે પ્રથમ વાર નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો. એ પછી તો તેણે નૅશનલ લેવલ પર અનેક રેકોડર્સ કરીને ઈન્ટરનેશનલ પેરાએથ્લેટ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવી લીધી.

માલતી સાઉથ કોરિયા, બાર્સેલોના, એથેન્સ અને બિજિંગમાં યોજાયેલી પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે તો ઓસ્ટ્રેલિયા અને ડેન્માર્કમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં, બેલ્જિયમ, કુઆલા લમ્પુર અને ઈન્ગલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ ઓપન ચેમ્પિયનશિપ્સમાં, ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તથા બિજિંગ, બેન્ગકોક, સાઉથ કોરિયા અને કુઆલા લમ્પુરમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

માલતી અત્યાર સુધીમાં 428 મેડલ જીતી ચૂકી છે એમાં 389 ગોલ્ડ મેડલ્સ અને 27 સિલ્વર મેડલ્સનો સમાવેશ થાય છે. આ મેડલ્સ તેને નેશનલ અને ઈન્ટરનેશનલ ગેમ્સમાં મળ્યા છે.

માલતીએ ઝુંબેશ ચલાવી હતી કે વિક્લાંગ ખેલાડીઓને અર્જુન એવૉર્ડ નથી મળતો એ ખોટું કહેવાય. તેમને પણ અર્જુન એવૉર્ડ મળવો જોઈએ. માલતીની ઝુંબેશને કારણે ભારત સરકારે વિકલાંગ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવાનું શરૂ કર્યું હતું અને માલતીને 1995માં અર્જુન એવૉર્ડ અપાયો હતો. માલતીને ભારત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અર્જુન એવૉર્ડથી અને બહુ ઓછી વ્યક્તિઓને મળે છે એવા પદ્મશ્રી એવૉર્ડથી પણ સન્માનિત કરાઈ છે. માલતીને 2001માં પદ્મશ્રી એવૉર્ડ અપાયો ત્યારે પદ્મશ્રી એવૉર્ડ મેળવનારી તે પ્રથમ વિકલાંગ ખેલાડી બની હતી.

માલતીએ પોતાની બાયોગ્રાફી ‘અ ડિફરન્ટ સ્પિરિટ’ 2009માં પ્રકાશિત કરી, જેમાં તેણે પોતાના જીવનની વાતો લોકો સામે મૂકી છે. એમાં તેણે કહ્યું છે કે જ્યારે હું નાની હતી ત્યારે હું મારા મિત્રોની જેમ દોડીને ઘરની પાછળના બેકયાર્ડમાં ઝાડ પરથી પડેલી કેરીઓ એકઠી કરવા જવા માગતી હતી અને હું કોઈ પક્ષીની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊડવા માગતી હતી, પરંતુ જેમ-જેમ મોટી થતી ગઈ તેમ-તેમ મને સમજાતું ગયું કે દોડવા માટે પગ જોઈએ અને ઊડવા માટે પાંખો જોઈએ મને ખૂબ દુ:ખ થતું હતું કે હું ચાલી શકતી નથી, પરંતુ મેં જિંદગીથી હાર ન માની લેવાનું નક્કી કર્યું. એ પછી મેં એક દિવસ નિર્ધાર કર્યો કે હું સ્પોર્ટ્સમાં કશુંક કરી બતાવીશ.

માલતી કહે છે કે હું નથી વિચારતી કે હું વિકલાંગ વ્યક્તિ છું. હું શારીરિક રીતે વિકલાંગ છું, પરંતુ એ માત્ર મારા શરીરના એક હિસ્સાની અક્ષમતાની વાત છે. એના કારણે મારા આત્મવિશ્વાસનો ભંગ નથી થયો.

માલતી પોતાના જીવનના અનુભવને આધારે કહે છે કે કોઈપણ એથ્લેટ માટે શારીરિક કરતાં પણ વધુ ઉપયોગી માનસિક શક્તિ હોય છે. માનસિક શક્તિથી આત્મવિશ્વાસ આવે છે અને આવો આત્મવિશ્વાસ બહારથી કોઈ રીતે નથી મળી શકતો. એ તો તમારી અંદરથી જ આવી શકે.

માલતી સિન્ડિકેટ બૅન્કમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેણે માતૃ હાઉસ ફાઉન્ડેશન નામનું ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું છે જે તે તેના મિત્રોની મદદથી ચલાવે છે. તેની આ સંસ્થા ગ્રામ્ય વિસ્તારનાં પોલિયોનો ભોગ બનેલા બાળકો માટે કામ કરે છે. જેમનાં માતાપિતા સંતાનોને સ્કૂલમાં મોકલી શકતા ન હોય કે તેમની મેડિકલ ટ્રીટમેન્ટ ન કરાવી શકતા હોય એવાં બાળકોની જવાબદારી આ સંસ્થા સંભાળે છે. માલતીની યાદશક્તિ એટલી સારી છે કે તેને તેની બૅન્કની બાન્ચના 6000 ગ્રાહકોનાં નામ અને અકાઉન્ટ નંબર્સ મોઢે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવનાર માલતી ક્રિશ્નમૂર્તિ હોલાનું જીવન એ વાતનો પુરાવો છે કે ગમે એવા વિષમ સંજોગોમાં પણ માણસ નિશ્ચય કરે તો આગળ વધી શકે છે અને અશક્ય લાગતી વાત શક્ય બનાવી શકે છે.

***