સુખનો પાસવર્ડ - 43 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખનો પાસવર્ડ - 43

શૉ મસ્ટ ગો ઓન!

માથે ડૅડલાઈન ઝળૂંબી રહી હતી એ જ વખતે સિનિયર પત્રકાર અરવિંદ શાહના કાકીનું મ્રુત્યુ થયું ત્યારે...

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

રાજકોટના વતની અને હવે મુંબઈ સ્થાયી થયેલા વડીલ પત્રકાર અરવિંદ શાહ હિન્દી ફિલ્મ ઈન્સ્ડ્રીના એન્સાઈક્લોપિડિયા સમા છે. તેમની પાસે હિન્દી ફિલ્મ્સના કલેક્શનનો, હિન્દી ફિલ્મ્સ વિશેના પુસ્તકોનો તથા હિન્દી ફિલ્મો વિશેની રોમાંચક-રસપ્રદ માહિતીનો અદભુત ખજાનો છે. તિગ્માંશુ ધુલિયા જેવા પ્રખ્યાત બૉલિવુડ ફિલ્મમેકરને કોઈ ફિલ્મમાં રેફરન્સ માટે આખા મુંબઈમાં અત્યંત જૂની એવી કોઈ ફિલ્મની ડીવીડી ન મળે ત્યારે તેઓ અરવિંદ શાહને કહે છે અને તેમને અચૂક જે-તે જૂની ફિલ્મ તેમની પાસેથી મળી જાય છે.

અરવિંદ શાહના સૌજન્ય સાથે આ કોલમમાં ઘણી વખત હિન્દી ફિલ્મોની અદભુત અને રોમાંચક વાતો અને હિન્દી ફિલ્મ કલાકારોના જીવનની રસપ્રદ વાતો શૅર કરી છે, પણ આજે અરવિંદભાઈના પોતાના જીવનની એક પ્રેરક વાત કરવી છે.

એ. ટી.ના હુલામણા નામથી જાણીતા અરવિંદ શાહ વર્ષો સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જર્નલિઝમ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર રહી ચૂક્યા છે અને તેમની પાસે ભણી ગયેલા ડઝનબંધ વિધ્યાર્થી-વિધ્યાર્થિનીઓ મુંબઈ અને ગુજરાતમાં સિનિયર પત્રકારો તરીકે જુદા-જુદા અખબારોમાં ફરજ બજાવી રહ્યા છે. અને એમાંના એક ડઝન જેટલા તો જાણીતા અખબારોમાં તંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે કે હજી કરી રહ્યા છે. તેઓ પત્રકારત્વના વિધ્યાર્થીઓને ભણાવતા ત્યારે ડૅડલાઈનનું મહત્વ સમજાવતા કહેતા કે પત્રકારે કોઈ પણ સ્થિતિમાં ડૅડલાઈન સાચવવી જોઈએ (વિધ્યાર્થીઓને કઈ રીતે ભણાવવા જોઈએ એ પણ તેમની પાસેથી શીખવા જેવું છે! એ વિશે ફરી ક્યારેક વાત કરીશું). આવું તેઓ માત્ર શબ્દોથી જ કહેતા નહોતા, તેમના પોતાના જીવનમાં અનેક વાર ડૅડલાઈન વખતે વિકટ સંજોગો ઊભા થયા હોવા છતાં તેમણે કોઈ પણ ભોગે ડૅડલાઈન સાચવી હોય એવા ઘણા કિસ્સાઓ છે. આવો એક કિસ્સો વાચકમિત્રો સાથે શૅર કરવો છે.

દાયકાઓ અગાઉની વાત છે. અરવિંદભાઈ રાજકોટનાં એક ખૂબ જ જાણીતા અખબારના મૅગેઝિન ઍડિટર હતા. એ વખતે તેમની ડેડલાઇન સાચવવા તેઓ હંમેશા સજાગ રહેતા. એક વાર એવું બન્યું કે કે રવિવાર પૂર્તિની ડૅડલાઈનના દિવસે જ તેમના સગા કાકી મ્રુત્યુ પામ્યા. તેમના માટે ધર્મસંકટ જેવી સ્થિતિ ઊભી થઈ. એક બાજુ કાકીના મ્રુત્યુનું દુઃખ હતું અને તેમની અંતિમક્રિયા કરવાની હતી તો બીજી બાજુ પત્રકાર તરીકે તેમણે ડેડલાઇન સાચવવાની હતી.

તેમણે ભત્રીજા તરીકેની ફરજ અદા કરવા માટે કાકીની અંતિમ ક્રિયા કરવા સ્મશાનમાં જવાનું હતું. પરંતુ તેમણે વિચાર્યું કે જો હું નિશ્ચિત સમય સુધીમાં લેખ નહીં આપું તો પૂર્તિ પ્રિન્ટિંગમાં મોડી જશે. એ સમયમાં પૂર્તિની ફ્રન્ટ પેજ સ્ટોરી તેઓ લખતા હતા. એ લેખ તેઓ ડૅડલાઈનના દિવસે જ લખતા હતા, જેથી લૅટેસ્ટ માહિતી આવરી શકાય.

ભત્રીજા તરીકેની ફરજ અદા કરવાની સાથે ડૅડલાઈન સાચવવા માટે તેઓ સ્મશાનમાં જતી વખતે પોતાની સાથે કાગળ અને પેન લઈ ગયા. તેમણે કાકીની અંતિમક્રિયામાં ભાગ લીધો. કાકીના પાર્થિવદેહને અગ્નિદાહ અપાઈ ગયો એ પછી તેમના સળગી રહેલા પાર્થિવ દેહ સામે તેઓ લેખ લખવા બેસી ગયા. રાજકોટમાં સ્મશાનમાં બાથરૂમની સામે બાંકડાઓ હતા, એમાંના એક બાંકડા પર બેસીને તેમણે રવિવારની પૂર્તિ માટે લેખ લખ્યો. આશરે ચાર દાયકાઓ અગાઉના એ સમયમાં સ્મશાનમાં આવેલાં અન્ય સગાં-વહાલાંઓને લાગ્યું હશે સગા કાકી ગુજરી ગયા છે, છતાં આ માણસ લખવા માટે બેસી ગયો છે!

જોકે લોકોની ટીકા-ટિપ્પણીની કે સમાજમાં કેવું લાગશે એની પરવા કર્યા વિના અરવિંદભાઈએ એ લેખ પૂરો કર્યો અને સ્મશાનમાંથી નીકળ્યા પછી પહેલું કામ એ લેખ ઓફિસે પહોંચાડવાનું કર્યું.

અરવિંદભાઈએ ઘણી વાર અત્યંત વિષમ સંજોગોમાં ડૅડલાઈન સાચવી હોય એવા અનેક કિસ્સાઓ હું જાણું છું. અરવિંદ શાહ જેવી વ્યક્તિઓને આ શબ્દો કહેવાનો અધિકાર છે કે ‘શો મસ્ટ ગો ઓન!’

***