Sukh no Password - 35 books and stories free download online pdf in Gujarati

સુખનો પાસવર્ડ - 35

પોતાની વિકટ સ્થિતિમાં પણ વ્યક્તિ બીજાને પોતાનાથી શક્ય હોય એટલી મદદ કરી શકે

અમેરિકાની એક હોસ્પિટલના પાર્કિંગ લોટમાં એક વ્રુદ્ધની કાર બગડી ગઈ ત્યારે...

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ગેન્સવિલેની એક હોસ્પિટલના પાર્કિંગ લોટમાં એક વ્રુદ્ધ માણસની કાર બગડી ગઈ. તે કાર સ્ટાર્ટ કરવા માટે મથામણ કરી રહ્યો હતો. એ જ વખતે જિમી નામનો એક કાર મિકેનિક ત્યાં આવ્યો. તેણે તે અજાણ્યા માણસને કહ્યું કે હું તમારી કાર ઠીક કરી દઉં છું. તેણે બોનેટ ખોલ્યું. એ પછી તેને જરૂર જણાઈ એટલે તે કારની નીચે સરક્યો. તેણે થોડી વાર કંઈક કડાકૂટ કરી અને પછી તે કાર નીચેથી બહાર આવ્યો.

એ વખતે મોહમ્મદ બાશા નામના ડૉક્ટર પાર્કિંગ લોટમાં આવ્યા. તેમણે જિમીને કાર નીચેથી બહાર આવતા જોયો અને તેઓ સ્તબ્ધ થઈ ગયા. બીજી ક્ષણે તેમણે કહ્યું કે ‘જિમી! તું પાગલ થઈ ગયો છે?’

જિમી તેમની સામે જોઈને હસ્યો અને તેણે પેલા વ્રુદ્ધ કારમાલિકને ઈશારો કર્યો કે હવે કાર ચાલુ કરો. કારમાલિકે કાર સ્ટાર્ટ કરી. કાર સ્ટાર્ટ થઈ ગઈ. તે વ્રુદ્ધ માણસ જિમીનો આભાર માનવા લાગ્યો. જિમીએ કહ્યું કે ‘અરે! મારો આભાર માનવાની કોઈ જરૂર નથી! મેં કોઈ મોટી ધાડ મારી નથી! તમારી કારમાં નાનકડો પ્રોબ્લેમ થયો હતો એ મેં ફિક્સ કરી દીધો ધૅટ્સ ઑલ!’

વ્રુદ્ધ કારમાલિક જિમી સામે આભારવશ નજરે જોઈ જ રહ્યો. જિમીએ ચહેરા પર સ્મિત ફરકાવીને તેને ઈશારો કર્યો કે જાઓ ભાઈ!

એ કારમાલિક રવાના થયો એટલે જિમી તેના કપડાં ખંખેરતા-ખંખેરતા ડૉક્ટર મોહમ્મદ બાશા તરફ ફર્યો. ડૉક્ટર બાશા અકળાઈ ચૂક્યા હતા. તેમણે કહ્યું કે ‘જિમી તને સિરિયસનેસ સમજાય છે?’

જિમીએ કહ્યું, ‘કમ ઓન ડૉક્ટર! તમે ઓવરરીએક્ટ કરી રહ્યા છો!’

ડૉક્ટર બાશાથી રહેવાયું નહીં. તેમણે કહ્યું કે ‘આર યુ મૅડ, જિમી?’

ડૉક્ટર મોહમ્મદ બાશા એટલા માટે અકળાઈ ઉઠ્યા હતા કે થોડી વાર અગાઉ જ જિમી તેમની સામે બેઠો હતો. અને તેમણે જિમીના રિપોર્ટ્સ જોઈને કહ્યું હતું કે ‘મને આ કહેતા ખૂબ જ ખેદ થાય છે, પણ તને પેન્ક્રિઍટિક કૅન્સર છે.’

અને અત્યારે જિમીને કોઈ અજાણ્યા માણસની કાર નીચે સૂઈને તેની કાર સરખી કરતો જોઈને તેમનાથી રહેવાયું નહોતું. એટલે તેઓ જિમીને ઠપકો આપી રહ્યા હતા.

જિમીએ સ્મિત કરતા કહ્યું કે ‘ડૉક્ટર, મને કૅન્સર છે એ હકીકત મેં સ્વીકારી લીધી છે, પણ મારા કૅન્સરે મને બીજા લોકોને મદદ કરવાની ના નથી પાડી!’

ડૉક્ટર બાશા તેની સામે જોઈ જ રહ્યા. જિમી હસતા-હસતા તેની કારમાં ગોઠવાયો અને ડૉક્ટર બાશાને હાથના ઈશારાથી બાય કહીને પોતાની કાર હંકારી ગયો!

***

જગવિખ્યાત મૅગેઝિન ‘રીડર્સ’ ડાઈજેસ્ટમાં વાચકો તેમને થયેલા અનોખા અનુભવો લખતા હોય છે. આ કિસ્સો ફ્લોરિડાના ગેન્સવિલેના ડૉક્ટર મોહમ્મદ બાશાના નામ સાથે ‘રીડર્સ ડાઈજેસ્ટ’માં પ્રકાશિત થયો હતો. આ કિસ્સો હ્રદયને સ્પર્શી ગયો હતો. આ કોલમ માટે કોઈ વિષય શોધી રહ્યો હતો ત્યારે અચાનક આ કિસ્સો યાદ આવી ગયો. ડૉક્ટર બાશાએ તો એક પત્રરૂપે આ કિસ્સો થોડા શબ્દોમાં લખ્યો હતો, પણ એ પત્રનું હાર્દ જાળવીને આ કોલમના ફોર્મેટ પ્રમાણે અને મારી શૈલીમાં વાચકો સામે મૂક્યો.

માણસની મદદરૂપ થવાની ભાવના હોય તો એ પોતાની વિકટ સ્થિતિમાં પણ પોતાનાથી શક્ય હોય એટલી બીજાને મદદ કરી શકે એનો પુરાવો આ કિસ્સો છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED