Featured Books
શ્રેણી
શેયર કરો

ઇશોપનિષદ મંત્ર ૩ - શોક અને દુઃખ દુર કરવાનો એક માત્ર રસ્તો

અસુર્યા નામ તે લોકા અન્ધેન તમસાઅવૃતાઃ |
તાઁસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ || ૩ ||

(યજુર્વેદ ૪૦.૩)

આપણે જે થોડા સમય માટે આ જગતમાં રહેવાના છે તે સમયને સૌથી સાર્થક બનાવવાનું માર્ગદર્શન ઇશોપનિષદનો આ ત્રીજો મંત્ર આપે છે. ભૂતકાળમાં કરેલા પાપકર્મોને કારણે પેદા થતો અપરાધભાવ અને શોક્ભાવને દુર કરી આનંદમય જીવન જીવવાની કળા આ મંત્ર શીખવે છે.

મંત્રનો અર્થ

જે લોકો આસક્ત બની અજ્ઞાનતાના અંધકારરૂપ આવરણમાં ઘેરાયેલ છે અને જેઓ પોતાની આત્માના અવાજની અવગણના કરી, સ્વાર્થી બની, પાપકર્મો કરે છે તેઓ જીવતા જીવત અને મૃત્યુ પછી પણ અજ્ઞાની અને દુ:ખી રહે છે.

અસુર્યા – અજ્ઞાનતાના કારણે સ્વાર્થી બની પાપકર્મો કરનારા

નામ – પ્રસિદ્ધ હોય

તે – તે

લોકા – લોકો

અન્ધેન – અંધકારરૂપ

તમસા – અજ્ઞાનતાના આવરણથી

અવૃતાઃ – સર્વત્ર ઢંકાયેલ

તાન્ – દુઃખ અને અજ્ઞાનરૂપી અંધકારથી યુક્ત લોકો

તે – તે લોકો

પ્રેત્યા – મૃત્યુ પછી

અપિ – અને જીવતા પણ

ગચ્છન્તિ – પ્રાપ્ત થાય છે.

યે – આવા લોકો

કે – જેઓ

ચ – અને

આત્મહનો – આત્માની વિરુદ્ધ આચરણ કરનારા

જનાઃ – લોકો

મંત્રની વ્યાખ્યા

ઇશોપનિષદના પહેલાં બે મંત્ર આપણને સમજાવે છે કે આપણે આ જગતમાં કેવી રીતે રહેવું અને આપણાં જીવનને સાર્થક બનાવવા માટે કઈ સાવચેતીઓ લેવી. જે લોકો પહેલા બે મંત્રોના અપાયેલા ઉપદેશો અને પોતાની આત્માના અવાજની અવગણના કરી પોતાની મનમાની કરવાનો પ્રયત્ન કરે છે તે લોકોનું ભવિષ્ય કેવું હશે તેની સમજ ઇશોપનિષદનો આ ત્રીજો મંત્ર આપે છે.

આ મંત્ર આપણાં જીવનની દિશા સાચી છે કે નહીં તેની ચકાસણી કરવા માટેનું સૂત્ર આપે છે. આ મંત્ર એ પણ સ્પષ્ટ કરે છે કે જીવનમાં આપણને જે કઈપણ મળે છે તે આપણી ખરી યોગ્યતાને લીધે જ મળે છે. ઈશ્વર તેની ઘુન કે તેની મરજી પ્રમાણે આપણને કશું આપતો નથી કે આપણી પાસેથી કશું લેતો નથી. ઈશ્વર તો માત્ર ન્યાયપૂર્વક આપણાં કર્મોના ફળ જ આપે છે. આમ ઇશોપનિષદનાં પહેલાં ત્રણ મંત્રો વર્લ્ડ ઇનકોર્પોરેશનની સંપૂર્ણ કાર્યપદ્ધતિ ટુંકમાં સમજાવે છે.

આમ તો આ મંત્રનો અર્થ સીધો અને સરળ છે, પણ તેમ છતાં આપણે આ મંત્રના મુખ્ય મુદ્દાઓનું પુનઃ અવલોકન કરી લઈએ:

અસુર કોણ છે

ઇશોપનિષદનો આ મંત્ર “અસુરની” વ્યાખ્યા કરે છે. અસુર એટલે દુષ્ટ લોકો. મંત્ર કહે છે કે જે વ્યક્તિ પોતાના અંતરઆત્માના અવાજની અવગના કરી કર્મ કરે છે તે અસુર છે. અસુર પોતાના આત્માના અવાજને મારી નાખે છે કેટલે કે અસુર પોતાનો જ વિનાશ કરે છે.

આત્માનો અવાજ – આપણો ઉત્તમ માર્ગદર્શક

મંત્ર કહે છે આત્માનો અવાજ આપણો સાચો પથપ્રદર્શક છે. આત્માનો અવાજ હંમેશા આપણને સાચા ખોટાનું ભાન કરાવતો રહે છે. જયારે આપણે સત્કર્મો કરીએ છીએ ત્યારે આપણને સંતોષ, ઉત્સાહ અને શાંતિની અનુભૂતિ થાય છે. આવી જ રીતે જયારે પાપકર્મો કરીએ છીએ ત્યારે આપણને શરમ, ડર અને પસ્તાવાનો અનુભવ થાય છે. આ બીજું કશું નહીં પણ આપણી આત્માના રૂપમાં ઈશ્વર આપણને સાચા ખોટાનું ભાન કરાવે છે.

આમ જીવનમાં આપણી દિશા સાચી છે કે નહીં તે ચકાસવાનું સુત્ર ખુબ જ સરળ છે. “આત્માના અવાજને અનુસરીને કર્મ કરીએ તો આપણાં જીવનની દિશા સાચી, નહીં તો ખોટી.”

સ્વાભવિક ઉત્તેજના અને આત્માનો અવાજ

ઘણી વાર આપણે આપણી સ્વાભાવિક ઉત્તેજનાઓ અને આપણી આત્માના અવાજ વચ્ચેનો ભેદ ઓળખી શકતા નથી. પણ જીવવાની યોગ્ય દિશા નક્કી કરવા માટે આ ભેદને સમજાવો ખુબ જ જરૂરી છે. પણ આ કામ સરળ નથી. ઉદાહરણ તરીકે, જયારે ચોરને કોઈ આંધળા વ્યક્તિ પાસેથી પૈસા ચોરી લેવાની તક મળે છે ત્યારે ચોર ઝડપથી પૈસાદાર બની જવાની તેની “સ્વાભાવિક ઉત્તેજનાને” રોકી શકતો નથી. “ચોરી કરવી એ મારી સ્વાભાવિક ઉત્તેજના છે. અને આ ઉત્તેજનાને સંતોષવા માટે ચોરી કરવામાં કાઈ ખોટું નથી,” તેમ કહી તે પોતાનો બચાવ કરે છે. આવી જ રીતે માની લો કે કોઈ વ્યક્તિને નશો કે અશ્લીલની લત લાગી ગઈ છે. આથી જયારે તેને નશીલા પદાર્થોનો ઉપભોગ કરવાની કે અશ્લીલ કામો કરવાની તક મળે છે ત્યારે તે પોતે અસહાય બની આ તક ઝડપી લે છે. આજે આખો પશ્ચિમ સમાજ આ બધાં અનૈતિક કામોને “મનુષ્યની સહજવૃત્તિનું” નામ આપી, તેને કાયદેસર બનાવી, તેમાંથી પૈસા કમાવવાનું કામ કરે છે. આમ થવા પાછળનું કારણ એ છે કે પશ્ચિમ સમાજ મનુષ્યની સ્વાભાવિક ઉત્તેજના અને તેના આત્માના અવાજ વચ્ચેનો ભેદ પારખી શક્યો નથી. ઘણાં વૈજ્ઞાનિકો તો આત્માના અવાજને સંપૂર્ણપણે નકારે છે અને મનુષ્યના સ્વાભાવિક વ્યવહાર અને વર્તણુંક પર જુદાં જુદાં પ્રયોગો કરી મનુષ્ય માત્ર એક “રસાયણિક પ્રક્રિયા” જ છે તેમ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે.

પણ આ સત્ય નથી. “સહજ ઉત્તેજના અને આત્માનો અવાજ એકબીજાથી તદ્દન ભિન્ન છે.” સહજ ઉત્તેજના એ તો રીતીબદ્ધ વર્તણુક (પેટન્ટ બિહેવિયર) છે. જયારે કોઈ કામ વારંવાર કરવામાં આવે છે ત્યારે તે કામ કે કાર્યપદ્ધતિ આપણાં સહજ સ્વભાવનો એક ભાગ બની જાય છે. પછી તે કામ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાની જરુરુ રહેતી નથી. તે કામ આપણાં માટે એકદમ સહજ બની જાય છે. માણસ જે કાઈ કામમાં કુશળતા કે નિપુણતા મેળવે છે તેની પાછળનું મુખ્ય કારણ આ જ છે. ચાલવું, દોડવું, ખાસ પ્રકારે બોલવું, ચોરી કરવી, કોઈ ખાસ રીતે વસ્તુનો આનંદ માણવો વગેરે ક્રિયાઓ આપણી સહજવૃત્તિઓ જ છે. આપણી આ સહજવૃત્તિનો વિકાસ એ આપણાં માટે આશીર્વાદ સમાન છે. આપણી આ જ સહજવૃત્તિને કારણે જ આપણને રોજબરોજના સામાન્ય કાર્યો કરવામાં કોઈ હેરાનગતિ થતી નથી. આથી જ આપણી વિચાર શક્તિનો ઉપયોગ આપણે વધુ યોગ્ય અને મહત્વના કામોમાં કરી શકીએ છીએ.

કોઈપણ કામનું વારંવાર પુનરાવર્તન કરવાથી તે કામ સહજ એટલે કે આપણી આદત બની જાય છે, પછી ભલેને તે કામ સારું હોય કે ખરાબ. જેમકે જયારે પહેલી જ વાર દારૂ પીવામાં આવે ત્યારે તેનો સ્વાદ ભાવતો નથી. કેટલાંક લોકો તો ઊલટી પણ કરે છે. પણ જો નિયમિત દારૂ પીવામાં આવે તો દારૂ પીવું એ આપણી આદત(સહજવૃત્તિ) બની જાય છે અને સમય જતા એ સ્વાભાવિક ઉત્તેજનામાં પરિણમે છે.

આમ જો તમે બ્લુ ફિલ્મો જોઈ હશે તો સ્વાભાવિક રીતે તમને વારંવાર બ્લુ ફિલ્મો જોવાની ઉત્તેજના થશે. જો તમે દારૂ પીધા કર્યો હશે તો તમને દારૂ પીવાની ઉત્તેજના જાગશે અને તમને તેમાં આનંદ પણ આવશે. એક વાર તમારા સહજ સ્વભાવનો ભાગ બની ગયા પછી આત્મઘાતી કામો પણ તમને આનંદ આપતા લાગશે. બાળપણમાં આકસ્મિત રીતે વિકાસ પામેલ સારી કે ખરાબ આદતો આપણું મોટાભાગનું વ્યક્તિત્વ નક્કી કરશે. મોટા ભાગના લોકોને આવી આદતોને પાછળથી બદલવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

પોતાની સ્વાભાવિક ઉત્તેજનાઓ અને ખરાબ આદતો સામે આત્મસમર્પણ કરનાર લોકો બીજું કશું જ નથી પણ રાસાયણિક પ્રક્રિયા જ છે. કારણ કે જો કારનો ડ્રાઈવર ઊંઘતો હોય તો તે કારમાં અને ડ્રાઈવર વગરની કારમાં કશો જ તફાવત રહેતો નથી. “ઇશોપનિષદનો આ મંત્ર આવા આત્મસમર્પણ કરી ચુકેલા લોકોને અસુર કહે છે.” આવા લોકોનું જીવન માત્ર તેમની સ્વાભાવિક ઉત્તેજનાઓને જ આધીન હોય છે અને તમણે પોતાના આત્માના અવાજને મારી નાખેલો હોય છે.

સ્વાભવિક ઉત્તેજના અને આત્માના અવાજ વચ્ચેનો ભેદ

સ્વાભવિક ઉત્તેજના સિવાય આપણી અંદર બીજું એક પ્રરેકબળ છે. આ પ્રરેકબળ આપણને સતત પ્રેરિત કરતુ રહે છે. તે આપણું માર્ગદર્શક અને પથપ્રદર્શક પણ છે. સ્વાભાવિક ઉત્તેજનાઓની જેમ તે પણ આપણાં જીવનની દિશા અને દશા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ પ્રેરકબળ છે “આત્માનો અવાજ.” આ પ્રેરકબળ નિંદ્રા અવસ્થામાં પણ જાગૃત રહે છે. તે હંમેશા આપણને સત્કર્મો કરવા પ્રેરિત કરે છે. આ બળ એટલું પ્રબળ છે કે જો આપણે આ પ્રેરકબળના માર્ગદર્શન અનુસાર કર્મો કરીએ તો આપણે આપણી બધી નકારાત્મક અને આત્મઘાતી આદતોને બદલી જીવનને સકારાત્મક દિશામાં વાળી શકીએ છીએ.

આ પ્રેરકબળનું (આત્માના અવાજ) અસ્તિત્વ સિદ્ધ કરવું પણ ઘણું સરળ છે. આતંકવાદી પણ જીવનમાં ક્યારેક દયા દાખવતો હોય છે. નાસ્તિક પણ ઈશ્વરનું અસ્તિત્વ નથી એમ દુનિયાને કહેવા માટે પ્રેરિત થતો રહે છે. પણ કેમ? આત્મા અને ઈશ્વરનું અસ્તિત્વ નથી એવું પ્રમાણિત કરવા માટે રીચાર્ડ ડોઉકીન્સને પ્રેરિત કરનાર કોણ? જયારે આત્માનું અસ્તિત્વ નથી તો તે વાત રીચાર્ડ ડોઉકીન્સ બીજા લોકોને કેમ કહેતા ફરતા હતા? અને કોના માટે? પણ આમ છતાં રીચાર્ડ ડોઉકીન્સ તેના જ્ઞાન અને પ્રભાવના ક્ષેત્ર અનુસાર સત્યનો પ્રચાર કરવા પ્રેરતા હતા. આપણી આ સહજ પ્રેરણા કોઈને કોઈ રીતે આપણી સ્વાભાવિક વર્તણુંક અને ઈચ્છા શક્તિના રૂપમાં બહાર આવતી રહે છે.

કોઈ બાળકને જુવો. તે વારંવાર પડી જવા છતાં ઉભું થવા, ચાલવા અને દોડવા હંમેશા પ્રયત્ન કરતું રહે છે. જયારે તે પડી જાય છે ત્યારે તે રડે છે, પણ પછી ફરીથી ઉભું થઇ ચાલવાનો પ્રયત્ન કરે છે. જેમ જેમ તે મોટું થતું જાય છે તેમ તેમ તેનામાં જટિલ સહજવૃત્તિઓનો વિકાસ થતો જાય છે. દુર્ભાગ્યે આપણો સમાજ દુઃખ, પીડા અને અસફળતા પર વધુ ભાર મુકતો હોવાથી બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ થોડી સફળતાઓની સામે આત્મસમર્પણ કરી પ્રયત્ન ન કરવાનું શીખે છે. પણ આમ છતાં આ બધી નિરાશાઓની વચ્ચે આપણને આશા બંધાતી દેખાય છે. પણ ફરીથી નકારાત્મક સહજવૃત્તિઓના ભાર નીચે આ આશા દબાઈ જાય અને આપણે માની લઈએ છીએ કે “મને પહેલાં સફળતા ન મળી હોવાથી મને આગળ પણ સફળતા નહીં મળે.” પણ સમજવા જેવી વાત એ છે કે આપણે આપણાં મનને વારંવાર સમજાવવું પડે છે કે “આપણે અસફળ થઈશું” એ વાતનું પ્રમાણ આપે છે કે આપણી અંદર બીજું સકારાત્મક પ્રેરકબળ છે જે કહેતું રહે છે કે “ફરીથી પ્રયાસ કર.” અને આ સકારાત્મક પ્રેરકબળ એટલે “આત્માનો અવાજ.”

જયારે કોઈ અભિનેત્રી કે સામાન્ય સ્ત્રીને વાસના ભરી નજરે જોઈએ છીએ ત્યારે આપણી આત્માનો અવાજ કહે કે “જો કોઈ મારી જ માતા, દીકરી કે બહેનને આવી નજરે જુવે તો? કેમ હું મારી માતા, દીકરી કે બહેનને આવી વાસનાની નજરે જોઈ નથી શકતો? આમ થવા પાછળનું કારણ છું? આમેય જે ચામડી અને શરીર મને આકર્ષિત કરી રહ્યું છે તે તો બધી જ સ્ત્રીઓ પાસે હોય છે.” આપણે આપણી માતા, દીકરી કે બહેનને વાસનાની નજરે જોઈ નથી શકતા તેનું કારણ એ છે કે આપણી આત્માનો અવાજ આપણને પાપકર્મ કરતા રોકવાનો હંમેશા પ્રયત્ન કરે છે. અને જો દુર્ભાગ્યે આપણાં કુટુંબની કોઈ સ્ત્રી સાથે કોઈ દુષ્કર્મ કરે તો આપણે ખુબ જ રોષે ભરાઇએ છીએ અને તે દુષ્કર્મીને મારી નાંખવા તૈયાર થઇ જઈએ છીએ.

આપણી આત્માનો અવાજ આપણને કહેતો રહે છે કે “પર સ્ત્રીને આપણી માતા સમાન ગણવી.” આ જ આ દુનિયામાં સુરક્ષિત અને ગૌરવપૂર્ણ રહેવાનો એક માત્ર રસ્તો છે. જો આમ ન બને તો કોઈપણ સંબંધો, કાયદાઓ કે પ્રતિબંધોનો કશો જ અર્થ રહી જતો નથી. માત્ર સ્ત્રીઓ સુધી સીમિત કેમ? જો આ તર્ક આપી આપણે સજીવ કે નિર્જીવ વસ્તુઓ માટેની આપણી વાસનાને ઉચિત ગણાવીએ તો આ દુનિયામાં જંગલરાજ વ્યાપી જાય. અને જંગલરાજમાં કાયદાઓ, નૈતિકતા, અનુશાસન વગેરેનો કશો જ અર્થ રહેતો નથી.

આત્માનો અવાજ આપણને શબ્દો દ્વારા નહીં પણ ડર, શરમ, પસ્તાવો, ધૃણા અને બેચેનીના રૂપમાં કહે છે. જે લોકો આત્માના અવાજને અનુસરે છે તેમને આવી લાગણીઓ થવા પાછળનું કારણ પણ ખબર પડે છે કારણ કે હવે તેઓ પોતાની લાગણીઓ વધુ સારી રીતે સમજી શકે છે.

“આત્માના અવાજને નકારવું એટલે પોતાના અસ્તિત્વને નકારવું.”

હવે જો કોઈ વ્યક્તિ એમ કહે કે તેને આત્માનો અવાજ સંભળાતો નથી તો,

· કાતો તે જુઠ્ઠું બોલે છે કારણ કે તેનો પોતાની નકારાત્મક ઉત્તેજનાઓ પર કાબુ નથી અથવા તો

· તેણે પોતાની બુદ્ધિને એટલી હદે વકૃત અને ભ્રષ્ટ કરી દીધી છે કે તે પોતાની આત્માનો અવાજ સાંભળી જ ન શકે. બીજા શબ્દોમાં કહીએ તો તેણે પોતાની આત્માને મારી નાખી છે.

જાણો આપણી આત્માનો અવાજ સક્રિય છે કે નિષ્ક્રિય

આથી ઇશોપનિષદનો આ ત્રીજો મંત્ર આપણી આત્માનો અવાજ સક્રિય છે કે નિષ્ક્રિય તે ચકાસવાની રીત આપે છે. મંત્ર કહે છે કે, નીચ અને દુષ્ટ લોકો પોતાની બુદ્ધિનો પ્રયોગ કરવાનું બંધ કરી દે છે અને અજ્ઞાનતાના અંધકારમાં ડૂબેલા રહે છે. આથી જો કોઈ કાર્ય દરમિયાન કે તે કાર્ય પૂર્ણ થયા બાદ તમને એવું લાગે કે

· તમારી બુદ્ધિ ક્ષીણ થઇ રહી છે,

· તમારી વિચાર શક્તિ ઓછી થઇ રહી છે,

· તમારી તર્ક શક્તિ ઘટી રહી છે,

· તમારી એકાગ્રતા અને જાગૃતતા ઓછી થઇ રહી છે,

તો તે કાર્ય તમારા આત્માના અવાજ પ્રમાણેનું નથી. આ કાર્ય અંતે તમને વધારે અંધકાર અને દુઃખ તરફ દોરી જશે. આથી

· દારૂ પીવો એ મૂર્ખતા છે કારણે કે તે બુદ્ધિને ભ્રષ્ટ કરે છે.

· માંસાહાર મૂર્ખતા છે કારણ કે તેનાથી પર્યાવરણને ઘણું નુકશાન થાય છે, નિર્દોષ પ્રાણીઓની હત્યા થાય છે, અર્થવ્યવસ્થા માટે નુકશાનકારક છે અને શરીરમાં રોગ પેદા કરે છે.

· નિર્દોષની હત્યા કરવી મૂર્ખતા છે.

· અશ્લીલતા અને વેશ્યાવૃત્તિનો આનંદ માણવો મૂર્ખતા છે.

· સ્ત્રીને માતા સમાન ગણી માન ન આપવું મૂર્ખતા છે.

· મોટા ઉદ્દેશને ધ્યાનમાં લીધા વિના ક્ષણિક રહેનારી ભૌતિક સાધન સંપત્તિ કે ખ્યાતી પાછળ આંધળી દોટ મુકવી મૂર્ખતા છે.

· ભ્રષ્ટ બનવું મૂર્ખતા છે વગેરે વગેરે....

સ્વાભાવિક ઉત્તેજનાઓ આપણી આદતોને આધીન હોય છે. પણ આત્માનો અવાજ કર્મ કરવાનું પ્રેરણા અને તે કર્મ યોગ્ય છે કે નહીં તેની ચેતવણી પહલેથી આપી દે છે. આત્માનો અવાજ આપણાં યોગ્ય કોર્મોને સુધારવાની પ્રેરણા પણ આપે છે. આથી આપણે આત્માના અવાજને ક્યારેય નિષ્ક્રિય ન બનાવા દેવો જોઈએ.

એમાં કોઈ શંકાનું સ્થાન નથી કે આત્માના અવાજને નિષ્ક્રિય બનાવીને કરવામાં આવતું કોઈપણ કામ મૂર્ખતા છે અને તે કામ અંતે તો દુઃખનું કારણ બને છે.

જીવનનો હેતુ આપણી અસુરવૃત્તિને મારવાનો છે

એ વાતની નોંધ લો કે જીવનની અલગ-અલગ પરિસ્થિતિઓમાં આપણે બધાં ઓછા-વત્તા પ્રમાણમાં અસુરવૃત્તિ દર્શાવતા હોઈએ છીએ. આ અસુરવૃત્તિ જ બધાં દુઃખનું કારણ છે. આપણી આદતો અને સ્વાભાવિક ઉત્તેજનાઓને કારણે આપણે જીવનમાં એવા ઘણાં કામો કરતા હોઈએ છીએ કે જે આપણી આત્માના અવાજની વિરુદ્ધ હોય. આથી જ આપણને કેટલાંક કામો કર્યા પછી દુઃખ, હતાશા, ધુણા કે ભયની અનુભૂતિ થાય છે. આ ઉપરાંત જીવનના વિવિધ ક્ષેત્રો એકબીજાથી અલગ ન હોતા એકબીજા સાથે જોડાયેલા હોય છે. આથી આપણી એક ક્ષેત્રની અસુરવૃત્તિ જીવનના બીજા ક્ષેત્રોને પણ અસર કરે છે. જેમ એક બગડેલું સફરજન બીજા સારા સફરજનને બગાડે છે તેમ.

“જીવનનો ઉદ્દેશ આ આત્મહન કરતા (આત્માને મારતા) અસુરને મારવાનો છે.”

આત્મા તો અમર છે. આથી આત્માને મારવાનો અર્થ એમ થાય કે “જીવાત્માના એવા ગુણોને મારવા કે જે આપણને જડ વસ્તુઓ અને અન્ય પ્રાણી યોનીઓથી અલગ કરે છે. એટલે કે એવા ગુણોને મારવા જે મનુષ્યને મનુષ્ય બનાવે છે.” જે લોકો પોતાની આત્માને મારતા હોય છે તેમની આત્મા ઈશ્વરીય પરમ આનંદ અનુભવવાની ક્ષમતા પણ ગુમાવી દે છે. આથી તેમનું જીવન સ્વાભાવિક રીતે અંધકારમય અને શોકમય બની જાય છે.

બીજા શબ્દોમાં કહીએ તો, આપણે સ્વયં આપણી આત્માને મારવા માટે જવાબદાર હોવાથી આપણે જ તેનું દુ:ખદ પરિણામ ભોગવવું પડે છે. આથી આપણાં દુ:ખો માટે ઈશ્વરને કે બીજા કોઈને જવાબદાર ગણવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. જરા કલ્પના કરો કે આપણને એક બંધ ઓરડામાં મૃત શરીર સાથે થોડા દિવસ રહેવાનું કહે તો આપણી શું હાલત થાય. દુર્ગંધ અને સંક્રમણને કારણે આપણું જીવવાનું મુશ્કેલ થઇ જાય. તો વિચાર કરો કે આપણી જ મૃત આત્મા સાથે રહેવાથી આપણે કેવું પરિણામ ભોગવવું પડશે!

એ વાત યાદ રાખો કે આ આત્માનો અવાજ જ છે કે જે આપણને બીજી જડ વસ્તુઓ અને અન્ય પ્રાણી યોનીઓથી અલગ પાડે છે. જે લોકો પોતાના કર્મોથી, વિચારોથી કે દલીલો દ્વારા આત્માના અવાજની અવગના કરતા હોય છે તે લોકો વાસ્તવમાં આત્મહનન કરનારા અસુરો છે. તેમને પોતાના આ કર્મોનું ફળ ભોગવવું જ પડે છે અને તેમનું જીવન દુઃખ, પીડા, ભય, શકા અને ધૃણાથી ભરેલું રહે છે.

આગલા જન્મમાં પણ દુઃખ

મંત્ર કહે છે કે જયારે આપણે આત્માને મારીએ છીએ ત્યારે આપણી અજ્ઞાનતા વધે છે, બુદ્ધિ ક્ષીણ થાય છે અને આપણું જીવન શોકમય બની જાય છે. માત્ર આ જન્મમાં જ નહીં પણ આત્માના અવાજને મારવાથી થતું આપણું પતન જન્મોજન્મ ચાલુ રહે છે. આ કારણે આપણને આવતા જન્મમાં અતિ પ્રતિકુળ વાતાવરણ અને પરિસ્થિતિઓમાં અને નીન્મ કક્ષાની પ્રાણી યોનીમાં જન્મ મળે છે. પ્રાણી યોનીમાં આપણે આત્માના આવાજને સાંભળી શકતા નથી. પ્રાણી યોનીમાં આપણે પરિસ્થિતિઓના શિકાર બનીને જ રહેવું પડે છે. પ્રાણી યોનીમાં ઈચ્છા સ્વતંત્રતા હોતી નથી. ત્યાં આપણે માત્ર આપણાં કુકર્મોનું ફળ જ ભોગવવાનું હોય છે. કુકર્મના ફળ ભોગવીને જ્યારે જીવાત્માના કુસંસ્કારો ધોવાઈ જાય છે ત્યાર બાદ ફરીથી તે મનુષ્ય યોનીમાં જન્મ લે છે. તેને તેની ઈચ્છા સ્વતંત્રતા પાછી મળે છે અને તે પોતાના આત્માના અવાજને સાંભળવા માટે સક્ષમ બને છે.

આમ મૃત્યુ પણ આ પ્રક્રિયાને રોકી શકતી નથી. આથી આ જન્મની મુશ્કેલીઓ અને દુઃખમાંથી ભાગી છુટવા માટે આત્મહત્યા કરવી એ પણ એક વ્યર્થ પ્રયત્ન જ છે. વાસ્તવમાં, આત્મહત્યા કરવા જેવું દુષ્કર્મ પણ આપણાં સંસ્કારનો ભાગ બને છે. જે ફરીથી આત્માના અવાજને સાંભળવાની આપણી ક્ષમતા ઘટાડે છે અને આથી આગલા જનમમાં પણ આપણને દુઃખ અને પીડાથી છુટકારો મળતો નથી.

અરુરવૃત્તિને મારવાનો ખોટો રસ્તો

જયારે આપણને ભાન થાય કે આપણે આપણી બુદ્ધિની જડતાને કારણે આપણી આત્માના અવાજને સાંભળી નથી શકતા ત્યારે શું કરવું જોઈએ? આપણે આપણી અંદર રહેલી અસુરવૃત્તિઓને કેવી રીતે મારવી? જીવનમાં કરેલી ભૂલોનું જ્ઞાન થયા પછી શું કરવું જોઈએ? આ પ્રશ્નોના જવાબ આપણે ઇશોપનિષદના બીજા મંત્રમાં આપી ચૂક્યાં છીએ. તેમ છતાં આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે અપનાવવામાં આવતા ખોટા રસ્તાઓ પર પ્રકાશ પાડીએ:

આત્મહત્યા

આત્મહત્યા કરવાનો તો પ્રશ્ન જ ઉભો નથી થતો. કારણ કે એનાથી પરિસ્થતિ વધારે વણસી જશે. આત્મહત્યા તમારી અસુરવૃત્તિમાં વધારો કરી આગલા જન્મમાં તમારા દુઃખ અને પીડામાં પણ વૃદ્ધિ કરશે

પરિસ્થિતિઓમાંથી ભાગી છૂટી નવી શરૂઆત કરવી

આ રસ્તો પણ કામ નહીં કરે. કારણ કે આપણે કદાચ પરિસ્થિતિઓથી ભાગી છુટીએ, પણ આપણી આદતો અને સ્વાભાવિક ઉત્તેજનાઓ તો આપણી સાથે જ આવવાની છે. એનાથી ભાગી છુટવું શક્ય નથી. આપણે અને આપણી આદતો સિક્કાની બે બાજુ જેવા છે. આથી આપણે ભલેને ગમે ત્યાં ભાગી છુટીએ પણ આપણી આદતો અને સ્વાભાવિક ઉત્તેજનાઓ આપણાં માટે ફરીથી તેવી જ પ્રતિકુળ પરિસ્થિતિઓ ઉભી કરશે.

સંન્યાસી કે સાધુ બની જવું

આ વિકલ્પ પણ નહીં ચાલે. જે પોતાની આત્માનો અવાજ સાંભળી ન શકે તે કદી પણ સન્યાસી ન બની શકે. સન્યાસ એ લોકો માટે છે કે જેઓ પોતાની આત્માના અવાજને અનુસરી કર્મો કરતા હોય. ખાલી નામ પુરતું જ સંન્યાસી બનવું એ તો ઢોંગ છે. અને ઢોંગી માણસ સૌથી મોટો અસુર છે.

ભૂલો સ્વીકારી માફી માંગવી

આમ કરવાનો પણ કોઈ જ અર્થ નથી. ઘણાં વિદ્વાનો એવું કહે છે કે જે વ્યક્તિ તમારા પાપકર્મનો શિકાર બની હોય તેની સામે તમારા પાપની કબુલાત કરી માંફી માંગી લેવામાં આવે તો તમારા પાપ ધોવાય જાય છે. પણ વૈદિક ધર્મને અનુસરનાર ક્યારેય આ માર્ગ ચીંધશે નહીં. કારણ કે ઇશોપનિષદનો પહેલો મંત્ર સ્પષ્ટ કરે છે કે ઈશ્વર સર્વવ્યાપી છે અને સર્વસ્વ ઈશ્વરને સમર્પિત છે. આથી ઈશ્વર તમારા પાપકર્મથી પરે હોવા છતાં તમે ઈશ્વર સામે જ પાપકર્મ કર્યું કહેવાય. આથી ઈશ્વર અતિરિક્ત કોઈપણની (જેની સમજશક્તિ અને બુદ્ધિમતા ઈશ્વરની તોલે ક્યારેય ન આવી શકે) સામે ભૂલની કબુલાત કરી માફી માંગવી એ તો મૂર્ખતા જ છે.

વધુમાં, જેમ ઝેરનું એક ટીપું જ બાકીના આહારને વિશયુક્ત બનાવવા સક્ષમ છે, તેમ આત્માના અવાજની વિરુદ્ધમાં કરેલું દરેકેદરેક કાર્ય તે વ્યક્તિની સાથે જોડાયેલી બીજી અગણિત આત્માઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરે છે. આમ જો ભૂલની કબુલાત અને ક્ષમાયાચનાથી જ અંતરમાં રહેલા અસુરનો વધ કરી શકાય તેમ હોય તો પપીએ અસંખ્ય કબુલાત અને ક્ષમાયાચના કરવી પડશે.

અમુક વિદ્વાનોનાં કહેવા મુજબ વ્યક્તિએ તેના બધાં જ પાપકર્મોનો ત્યાગ કરી, ફરીથી ભૂતકાળને ખુલ્લો પાડી, પ્રમાણિકતાથી પોતે કરેલા અપરાદોનો સ્વીકાર કરવો જોઈએ. આનાથી આત્મશક્તિ વધશે. આ પણ વેદોની વિરુદ્ધમાં છે. આવી સલાહ એવા જ લોકો આપે છે કે જેમને ઈશ્વરના અસ્તિત્વ વિષે શંકા છે અથવા તો જેઓ મસ્તિષ્કની કાર્યપદ્ધતિ સમજતા નથી. જેનાથી અલગ થવા માટે જન્મો નીકળી જાય છે, અરે આ જન્મમાં પણ આપણે મથી રહ્યાં છીએ, એવા મોહથી અલગ થવું શું આટલું સરળ છે? વધુમાં, દરેક વખતે વ્યક્તિ ભૂતકાળને યાદ કરે છે ત્યારે તે એની ભૂલોને જ યાદ કરે છે, આનાથી વ્યક્તિ પાપકર્મો કરવા માટે પ્રેરિત કરતી તેની સહજવૃત્તિને વધુ પ્રબળ બનાવી દે છે. આમ આ રીત વ્યક્તિને વધુ દોષી બનાવી દે છે. ઉપરાંત પાપકર્મોના ઉલ્લેખને કારણે વ્યક્તિના ઊંડાણમાં રહેલી દોષભાવના દેખાય છે. આને કારણે દોષોથી છુટવાને બદલે એ વ્યક્તિ માટે દોષોનું મહત્વ વધે છે.

અને જન્મ સમયથી કરેલા અસંખ્ય પાપ્કાર્મોનું શું? હું બેંકમાં લુંટ કરું, પછી કહેવા પુરતો સાધુ બનું તો મારી અસુરવૃત્તિના નાશ માટે મારે આ વાતની ચર્ચા કરવી જ જોઈએ. પણ જન્મ સમયથી મેં ચોરેલી નાની-મોટી વસ્તુઓ કે જેને લીધે હું લૂંટારો બન્યો, બાળપણમાં રમત વેળાએ કરેલ કપટ, કોઈને કરેલી હેરાનગતી કે માત્ર મજા ખાતર મારેલી દરેક કીડી વગેરે વગેરે. આ બધાં જ કામોએ મને લુટારો બનાવ્યો. તો પછી કેટલાની કબુલાત કરવી અને ક્યાં સુધી? દરેક પ્રસંગનું વર્ણન કલાકો માંગી લેશે.

અસુરવૃત્તિને મારવાનો સાચો રસ્તો

આ સંદર્ભમાં વૈદિક અથવા ઇશોપનિષદીય માર્ગ આ પ્રમાણે છે.

· ઈશ્વરને સમર્પિત થઈ પોતે કરેલી ભૂલો માટે માંફી માંગો કે જેના વિષે ઈશ્વર જાણે જ છે. કોઈ મંત્રોનું યાંત્રિક ઢબે ઉચ્ચારણ ન કરતા આ કામ લાગણીપૂર્વક કરો.

· ઈશ્વરને વચન આપો કે હું આ ખોટા માર્ગોનું પુન: આચરણ ક્યારેય નહીં કરું. ઈશ્વરને વચન આપો કે હું ઈશ્વરને ઉદાહરણરૂપ અને માર્ગદર્શક માનીને માત્ર અને માત્ર સત્યના માર્ગે જ ચાલીશ. આ સંકલ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની શક્તિ આપવા ઈશ્વરને વિનંતી કરો.

· હવે ભૂતકાળમાં કરેલી ભૂલોને ફરીથી કરવાનો અસ્વીકાર કરો. એ સ્મૃતિમાં તાજું હોય તો પણ એની ચર્ચા કરવાનો કે એના વિષેનાં વિચારોનો પણ અસ્વીકાર કરો. કઈ સારું વિચારો. ભૂતકાળ કે વર્તમાનનાં બધાં જ દુષ્કૃત્યો ઈશ્વરને સમર્પિત કરી મારું કઈ જ નથીની ભાવના(Idanna Mama) અનુભવો.

· અનિષ્ટોને કોથળામાં ભરી, જયારે પૂછવામાં આવે ત્યારે તેમને પ્રમાણીકતાથી બતાવી(વ્યક્ત કરી) ગર્વ લેવા કરતા, કોથળાને કચરાપેટીમાં ફેકો અને મારું કઈ જ નથીની ભાવના(Idanna Mama) અનુભવી આનંદથી મ્હાલો.

· હવે જોશપૂર્વકનાં કાર્યો કરો. પુરા ઉત્સાહથી સત્કર્મો કરો. માત્ર આ જ રસ્તો છે એવું બીજો મંત્ર સ્પષ્ટ કહે છે.

· સ્વાભાવિક છે કે જૂની આદતો છોડવી મુશ્કેલ પડશે અને સત્કર્મોમાં પણ ખામી હશે. ઉપરથી ઘણીવાર સહજવૃત્તિ ફરીથી અસુર બનવા પ્રેરિત કરશે. પણ નિશ્ચિંત રહો. વચ્ચેથી આ માર્ગ છોડી ન દો. વધુ જુસ્સાથી ફરીથી ઉઠો. આનું પુનરાવર્તન કરતા રહો. અરે, જયારે પણ પડતી થાય ત્યારે વધારે જોમ દાખવીને ઉઠવું અને ભૂતકાળની ભૂલો ફરીથી ન કરવી – આને સહજવૃત્તિ જ બનાવી દો.

· પણ કાળજી રાખજો કે માંફી માગીને ફરીથી શરૂઆત કરવી, ફરીથી પડવું અને પછી માફી માંગવી, આ પણ એક ખરાબ આદત ન બની જાય. એવું ન વિચારશો કે માંફી માંગવાથી નવી શરૂઆતની તક મળે જ છે તો ચિંતા શેની.

સ્પષ્ટતાપુર્વક જાણી લો કે જયારે પણ તમારી પડતી થાય છે ત્યારે તમે કઈક ગુમાવો છે. ઈશ્વરને મૂર્ખ બનાવતા દરેક કામની ઈશ્વરને જાણ હોય જ છે.

અને તમારી ભૂલોનાં પરિણામોનો સામનો તો તમારે કરવો જ પડશે. ગમે તેટલી પૂજા, પ્રાર્થનાઓ અથવા તો કબુલાત તમારા કર્મોનાં પરિણામોને ભૂસી શકશે નહીં. જેમકે મેદસ્વીપણું પ્રાર્થનાઓથી કે માફી માંગવાથી ઘટતું નથી. પણ તમે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરો, તમારી દિનચર્યા બદલો, સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ રહો, સારો આહાર લો વગેરેથી સમય જતા તમે પાતળાં બની શકો. જે સિદ્ધાંતો શરીરને લાગુ પડે છે તે જ મગજ અને આત્માને પણ લાગુ પડે છે.

· આ રીતની અસરકારક કામગીરી માટે, સ્વયમને ઉત્સાહપૂર્વક હેતુલક્ષી કાર્યોમાં વ્યસ્ત રાખવું આવશ્યક છે. જયારે પણ પડતી થાય, પછી કાર્યો અને શિસ્ત વધુ સખત બનશે.

· સંપૂર્ણ લાગણી, જુસ્સા, ભાવનાઓ અને તર્ક સાથે આ કરો. હેતુપૂર્વકના લક્ષ્ય રાખો. ધ્યાન રાખો કે માત્ર તમારા માટે જ નહીં પણ સમગ્ર વિશ્વની ભલાઈ માટે કઈક અસરકારક કરો. (ઇશોપનિષદનો પ્રથમ મંત્ર વાંચો.)

જેમ જેમ તમે ભલાઈપુર્વકનાં સત્કર્મો કરતા જશો તેમ તેમ જૂની શૈલીની જગ્યાએ નવી શૈલીઓ આવતી જશે. જૂની આદતો વિશે વિચાર પણ ન કરો કારણ કે એનાથી તેઓ વધુ પ્રબળ બનશે. જયારે પણ જૂની વૃતિઓને પ્રોત્સાહન આપતી પરિસ્થિતિ આવે ત્યારે ખુબ જ સરળતાથી નવા લક્ષ્યોનો વિચાર શરુ કરી દો અને તરત જ તે મુજબ કામ કરવા માંડો. પહેલાં તો આવી પરિસ્થિતિની અવગણના જ કરો અને જો ન થાય તો સ્વયમને સારા અલગ કામમાં વ્યસ્ત કરી દો.

આ રીતે ઝડપથી તમારી સહજવૃતિઓ આત્માના અવાજ પ્રમાણે બદલાશે. હવે જીવન ખુબ જ સરળ, આનંદમય અને નિરાંતનું બની જશે કારણ કે હવે તમે આત્માના અવાજ સાથેની અવઢવ બંધ કરી દીધી છે. આત્માનો અવાજ ઉચ્ચસ્તરનો ઉત્સાહ જગાડે છે. દરેક કામમાં નિર્ભયતા, શાંતિ, સંતોષ અને આનંદ મળે છે. આત્માને મારવાને બદલે તમે આત્માની વૃદ્ધિ શરુ કરી દીધી છે.

હવે વધુ સારું જ્ઞાન મેળવો, વધુ સારી રીતે ધ્યાન કરી વધારે સારા કાર્યો કરો. આનાથી વિદ્વતા વધશે, આત્માનો અવાજ વધારે સ્પષ્ટ બનશે, અત્યાધિક આનંદ અને પ્રકૃતિ સાથેનાં સુમેળથી ઈશ્વર તરફની ગતિનો પ્રારંભ થશે જે તમારા જીવનનો અત્યંત સુખદાયક અનુભવ હશે.

હે ઈશ્વર! આ અત્યંત હર્ષિત કરનાર અનુભવ કરવાની સદ્દબુદ્ધિ મને તરત જ આપ!