કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેચ્છતઁ સમાઃ |
એવં ત્વયિ નાન્યથેતોઅસ્તિ ન કર્મ લિપ્યતે નરે || 2 ||
(યજુર્વેદ ૪૦.૨)
ઇશોપનિષદનો આ બીજો મંત્ર જીવનમાં અકલ્પનીય આનંદ મેળવવાના વ્યવહારિક સૂચનો સમજાવે છે.
મંત્રનો અર્થ
હે મનુષ્ય! આ જગતમાં તું ધર્મયુક્ત અને વેદયુક્ત નિષ્કામ કર્મો કરતાં કરતાં સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા કર. અધર્મયુક્ત, અવૈદિક અને કુકર્મોમાં લિપ્ત થવાથી મળતા દુષ પરિણામોમાંથી બચાવનો આ જ એક માત્ર રસ્તો છે. ધર્મયુક્ત અને વેદયુક્ત નિષ્કામ કર્મોમાં પ્રવૃત્ત રહ્યાં સિવાય આનંદ મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી.
કુર્વન્ – કરતાં કરતાં
ઇવ્ – જ
ઇહ – આ વિશ્વમાં
કર્માણિ – ધર્મયુક્ત, વેદયુક્ત નિષ્કામ કર્મોને
જિજીવિષેત્ – જીવવાની ઈચ્છા કર
શતમ્ – સો (૧૦૦)
સમાઃ – વર્ષો
એવમ્ – આ રીતે ધર્મયુક્ત કર્મોમાં પ્રવૃત્તમાન
ત્વયિ – તું
ના – નહીં
અન્યથા – અન્ય પ્રકારના કર્મોમાં લિપ્ત
ઇત: – આમ વેદોક્ત પ્રકારથી ભિન્ન
અસ્તિ – થતો
ન – થતો નહીં
કર્મ – અધર્મયુક્ત, અવૈદિક કર્મમાં
લિપ્યતે – લિપ્ત
નરે – વ્યવહારોને ચલાવનાર જીવનના ઇચ્છુક બનીને
મંત્રની વ્યાખ્યા
ઇશોપનિષદનો પહેલો મંત્ર આનંદમય અને સફળ જીવનનો મૂળ સિદ્ધાંત સમજાવે છે, જયારે આ બીજો મંત્ર તે સિદ્ધાંતનું વ્યવહારિક જીવનમાં અમલીકરણ કેવી રીતે કરવું તે સમજાવે છે. પહેલો મંત્ર ભારપૂર્વક કહે છે કે આપણે આ જગત કે જગતની એક પણ વસ્તુના માલિક ન હોવાથી આપણે જગતની ભૌતિક વસ્તુઓને પોતાની માલિકીની કરવા જેવી અશક્ય ઇચ્છાઓ ન રાખવી જોઈએ. આપણે તો સર્વવ્યાપી ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી જોઈએ. આમ કહી ઇશોપનિષદનો પહેલો મંત્ર વર્લ્ડ ઇનકોર્પોરેશન કંપનીની શાસન વ્યવસ્થાનો પાયો નાખે છે.
ઇશોપનિષદનો બીજો મંત્ર સમજાવે છે કે વસ્તુને પોતાની માલિકીની કરવાની ઈચ્છા ન રાખવી તેનો અર્થ એ નથી કે આપણે આપણી જવાબદારીઓમાંથી ભાગી છુંટવું અને આપણાં કર્મનું ક્ષેત્ર સીમિત કરી દેવું અથવા તો સંપૂર્ણપણે નિષ્ક્રિય બની પડ્યાં રહેવું. આનાથી ઉલટું, અગાઉથી સક્રિય બની, પુરા ઉત્સાહપૂર્વક દરેક સમયે સત્કર્મો કરતા રહેવું એ જ વ્યર્થ અને અનૈતિક કાર્યોના જોખમથી બચવા માટેનો એક માત્ર રસ્તો છે. આપણે ઓછામાં ઓછા ૧૦૦ વર્ષ સુધી વર્લ્ડ ઇનકોર્પોરેશનમાં રહી સત્કર્મો કરવાની યોજના બનાવવી જોઇએ.
કુકર્મો - આસક્તિ અને દુઃખનું કારણ
બીજા વૈદિક મંત્રોની જેમ આ મંત્ર પણ માત્ર થોડાક શબ્દોમાં આપણને ઘણું ગહન વ્યવહારિક જ્ઞાન આપે છે. જેમ કે:
મંત્ર સ્પષ્ટપણે સમજાવે છે કે કુકર્મો પહેલાં આસક્તિ પેદા કરે છે અને અંતે આપણાં દુઃખનું કારણ બને છે. જયારે નિષ્કામ સત્કર્મો આપણને દુઃખમાંથી મુક્ત કરે છે. આમ આ મંત્ર સત્કર્મો અને પાપકર્મોને સરળતાથી કેવી રીતે કેવી રીતે અલગ પાળી શકાય તેનો સંકેત આપે છે. મંત્ર કહે છે કે:
“જે કર્મો આસક્તિ પેદા કરે છે તે કુકર્મો કર્મો છે અને અંતે તે દુઃખનું કારણ બને છે. અને જે કર્મો આસક્તિ પેદા કરતા નથી તે સત્કર્મો છે અને તે જ સાચો આનંદ આપે છે.”
આગળ વધતા પહેલાં આપણે “આસક્તિ”નો અર્થ પણ સમજી લઈએ. આના માટે ઇશોપનિષદનો પહેલો મંત્ર ફરીથી ટુંકમાં સમજી લઈએ. પહેલો મંત્ર કહે છે કે ઈશ્વર સર્વવ્યાપી હોવાથી આ જગતની કોઈપણ વસ્તુ આપણી માલિકીની નથી. આથી “ઈશ્વરની અવગણના કરી માત્ર વસ્તુને પોતાની માલિકીની કરવાના હેતુથી કરવામાં આવતું કોઈપણ કામ આસક્તિ પેદા કરે છે.” આનાથી ઉલટું, ઈશ્વર સર્વવ્યાપી છે અને આ જગતનો સ્વામી છે તેવી સદબુદ્ધિ અને સાચી સમજ સાથે કરવામાં આવતું કોઈપણ કામ આસક્તિ વિહીન હોય છે.
આસક્તિને ૦% કરવાનું લક્ષ્ય
આપણાં (મહાન યોગીઓ સિવાય) દ્વારા કરવામાં આવતા કાર્યોમાં ઓછાવત્તા પ્રમાણમાં આસક્તિ હોય છે. કર્મ સ્વયં સારું કે ખરાબ હોતું નથી. કર્મ કરવા પાછળનો હેતુ અને પ્રયોજન તેને સારું કે ખરાબ બનાવે છે. આપણી અજ્ઞાનતાને કારણે આપણાં હેતુ અને પ્રયોજનમાં પણ જ્ઞાન અને મૂર્ખતાનું મિશ્રણ છલકાતું જોવા મળે છે. આથી એક સામાન્ય મનુષ્યના કર્મો સંપૂર્ણપણે આસક્તિ રહિત હોઈ શકે નહીં. “આપણાં જીવનનો ઉદ્દેશ્ય યોગી બની પરમ આનંદને પ્રાપ્ત કરવાનો છે એટલે કે આપણાં કર્મોમાં રહેલી આ આસક્તિને શૂન્ય બનાવવાનો છે.”
હવે પ્રશ્ન થાય કે આસક્તિને શૂન્ય કેવી રીતે કરવી? આના માટેના બે રસ્તાઓ છે. એક મૂર્ખાઈભર્યો રસ્તો અને બીજો ચતુરાઈનો રસ્તો. મૂર્ખાઈભર્યો રસ્તો ડરપોક અને આળસી લોકો માટે છે. ચતુરાઈનો રસ્તો નિર્ભયી, સાહસી અને ઉત્સાહી લોકો માટે છે. કોઈપણ કંપનીમાં માત્ર ઉત્સાહી અને મહેનતી લોકોની જ પદવૃદ્ધિ થાય છે. આળસી લોકોને પદવૃદ્ધિ મળતી નથી. ઉલટાનું તેમની બુદ્ધિશૂન્યતા અને નિષ્ક્રિયતાને કારણે તેમના પદમાં ઘટાડો થાય છે. આમ આસક્તિ દુર કરવા માટે કયો રસ્તો અનુસરવો એ આપણાં પર છે!
આસક્તિને ૦% કરવાનો મૂર્ખતાપૂર્ણ રસ્તો
નિષ્ક્રિય બની કર્મો જ ન કરવા એ આસક્તિને ૦% કરવાનો મૂર્ખતાપૂર્ણ રસ્તો છે. આની પાછળનું તર્ક (વિતર્ક) એ છે કે, જયારે કોઈ કર્મ જ કરાવામાં નહીં આવે તો કુકર્મોનો અનુપાત આપમેળે જ શૂન્ય થઇ જવાનો છે! હકીકતમાં આ રસ્તા પર ચાલનારા લોકો જાણતા કે અજાણતા ઈશ્વરને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેઓ એવું કહેતા ફરે છે કે જગત મિથ્યા છે અને દરકે દરેક કર્મ દુઃખ અને પીડા આપે છે. તેઓ ઈશ્વરને પામવાના બહાને માનસિક શાંતિ મેળવવા માટે પોતાની જવાબદારીઓથી ભાગી છુટે છે અને સંપૂર્ણ નિષ્ક્રિય બની જાય છે. આમ કરી તેઓ કુકર્મોનો અનુપાત શૂન્ય કરવાનો પ્રયત્ન કરે છે. આવા પલાયનવાદીઓને કારણે જ છેલ્લી કેટલીક શતાબ્દીમાં ભારત દેશે અને હિન્દુ સમાજે ઘણી મુશ્કેલીઓ અને વિદેશી આક્રમણોનો સામનો કરવો પડ્યો છે.
પણ આ લોકો એ વાત ભૂલી જાય છે કે મનુષ્ય એક પણ ક્ષણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. ઈશ્વરે મનુષ્ય શરીરની રચના જ એવી કરી છે કે તેને જીવિત રહવા માટે કર્મ તો કરવા જ પડે છે. આપણી ઈચ્છા ન હોય તો પણ આપણે શ્વાસ લેવા જેવી કે આંખો પટપટાવવા જેવી અનૈચ્છિક ક્રિયાઓ કરવી જ પડે છે. “આમ નિષ્ક્રિય પડી રહેવાથી કર્મનો અનુપાત ક્યારેય શૂન્ય થતો જ નથી.” ઉલટાનું, જ્યારે કર્મો જ બહુ થોડા કરવામાં આવે ત્યારે માત્ર એક કુકર્મથી કુકર્મનો અનુપાત ઘણો વધી જતો હોય છે.
આપણે આગળ જોઈશું કે “કર્મનો ત્યાગ કરવો એ પણ કુકર્મ જ છે.” આના પછીના મંત્રમાં આપણે જોઈશું કે જે લોકો બુદ્ધિશાળી અને વિદ્વાન હોવા છતાં પણ ઉત્સાહપૂર્વક સત્કર્મો નથી કરતા તેઓને મૂર્ખ લોકોની સરખામણીમાં વધારે દુઃખ અને પીડા સહન કરવી પડે છે. આપણાં સમાજ અને દેશની હાલત આ વાતનું ઉદાહરણ છે. આજ કારણે આપણો દેશ બધાં જ તત્વજ્ઞાનનું ઉદ્દગમસ્થાન હોવા છતાં અને આખી દુનિયામાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર હોવા છતાં શતાબ્દીઓ સુધી આક્રમણોનો ભોગ બનતો રહ્યો અને પીડાતો રહ્યો. આજે પણ આમાં કોઈ ખાસ સુધારો નથી.
આસક્તિને ૦% કરવાનો યોગ્ય રસ્તો
નિરંતર સત્કર્મો કરતા રહેવા અને વધુ ને વધુ મુશ્કેલ પડકારોને ઝીલતા રહેવું એ જ આસક્તિને ૦% કરવાનો યોગ્ય રસ્તો છે. આની પાછળનું તર્ક એ છે કે ”પ્રયત્ન કરવાથી પરિપૂર્ણ બનાય છે.” આથી બુદ્ધિશાળી મનુષ્ય સતત સમયની માંગ અનુસારના યોગ્ય કર્મો ઉત્સાહપૂર્વક કરતો રહી પરિપૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો રહે છે. “નિરંતર કર્મ કરતા રહેવું એ જીવાત્માનો સહજ ગુણ છે.” આથી જ આપણે જોઈએ છીએ કે એક બાળક અગણિત વાર પડી જતું હોવા છતાં, ફરીથી ઉભું થઇ ચાલવાનો પ્રયત્ન કરે છે. તે ત્યાં સુધી પ્રયત્ન કરવાનું છોડતું નથી જ્યાં સુધી તે ચાલવાનું શીખી ન જાય છે. આ જ પ્રયત્નોને કારણે કેટલાંક બાળકો મોટા થઇને દોરડા પર ચાલવા જેવી કરામત પણ કરી બતાવે છે! “આમ નિરંતર સત્કર્મો કરતા રહી પોતાનું કર્મક્ષેત્ર વધારતા રહેવું એ જ આનંદ અને સફળતા મેળવવાનો આ જ એક માત્ર રસ્તો છે.”
આથી કર્મથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરવા કરતા વધારે કઠીન અને સાહસી કર્મો કરો. તમારા આત્માના અવાજને અનુસરો. વર્લ્ડ ઇનકોર્પોરેશનમાંથી લક્ષ્યની સિદ્ધિ માટે જરૂરી એવા બધાં જ વિકલ્પો અને સાધન સુવિધાઓનો લાભ ઉઠાવો. સ્ફૂર્તિથી અને ઉત્સાહપૂર્વક કામ કરતા રહી તમારી કાર્યક્ષમતા અને કાર્યક્ષેત્ર વધારતા રહો. તમારી ઉપલ્બ્દ્ધી, કાર્યક્ષમતા અને કર્મનું ક્ષેત્ર વધ્યું છે કે નહીં તેની ચકાસણી કરવા માટે નવા પડકારરૂપ કાર્યોને પૂર્ણ કરવાનો સંકલ્પ લો. જીવનમાં કાઈ નવું શીખવા માટે કદી આળસ ન કરો. આમ કરતા રહેવાથી ધીરે ધીરે તમે ૧૦૦% સત્કર્મો અને ૦% પાપકર્મો કરતા શીખી જશો.
આ સિદ્ધાંત જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. અભ્યાસ કરવાથી અજ્ઞાની વિદ્વાન બની શકે છે. પોલીયોનો દર્દી વ્યાયામના ખેલોમાં નિષ્ણાંત બની શકે છે. અભ્યાસ કરવાથી એક દારુડીઓ સ્વામી શ્રદ્ધાનંદ બની શકે છે. અને આ જ સિદ્ધાંતનો સતત અભ્યાસ કરી આપણે સર્વ યોગી બની શકીએ છીએ.
કર્મો પર વિચાર
એ વાતની નોંધ લો કે માત્ર કર્મ કરતા રહેવું જ પૂરતું નથી. આપણાં કર્મો અને કાર્ય પદ્ધતિ પર નિયમિત વિચાર અને ચિંતન કરતા રહેવું પણ ઘણું મહત્વનું છે. આમ કરવાથી આપણી ભૂલો પકડાય છે અને આપણે ભવિષ્યમાં વધુ યોગ્ય કર્મો કેવી રોતે કરી શકીએ તેની શીખ પણ મળે છે. આપણી વિવેક બુદ્ધિ અને જ્ઞાન પ્રમાણે આપને કર્મ કરવાનું શરું કરીએ અને પછી તપાસીએ કે
· શું ઈશ્વર અને જગત વિષેની મારી સમજ વધી કે નહીં?
· શું હું વધારે પ્રમાણિક બન્યો કે નહીં?
· શું મારી કાર્યક્ષમતા વધી કે નહીં?
· શું હું વધારે નીડર બન્યો કે નહીં?
· શું મારી દુરદર્શિતા વધી કે નહીં?
· શું સમાજના હિત માટે હું વધુ મહત્વાકાંક્ષી બન્યો કે નહીં?
· શું મારા મન પર મારો સંયમ વધ્યો કે નહીં?
· શું મારી શાંતિ અને સંતોષમાં વધારો થયો કે નહીં?
· શું મારા જીવનમાં વધારે બિનશરતી સુખ આવ્યું કે નહીં?
· શું હું ચિંતા છોડી કર્મયોગી બન્યો કે નહીં?
ઉપર જણાવેલા સંકેતોનો તમારા કર્મોને સુધારવા માટે ઉપયોગ કરો અને આગળ વધતા રહો. ક્યારેય હાર ન માનો. ક્યારેય થાકો નહીં. આનો જેટલો તમે વધુ અભ્યાસ કરશો એટલો વધારે તમારામાં શક્તિનો પુન: સંચાર થશે. શક્તિના પુન: સંચારથી તમે લક્ષ્ય તરફ વધુ ઝડપથી આગળ વધી શકશો.
એડીસને લાઈટ બલ્બ બનાવવાના ૧૦૦૦ નિષ્ફળ પ્રયોગો કર્યા હતા. પછી કોઈએ પૂછ્યું કે આમ કરવાથી તમને શું મળ્યું. ત્યારે એડીસને જવાબ આપતા કહ્યું કે “ હું લાઈટ બલ્બ ન બનાવવાના ૧૦૦૦ રસ્તાઓ જાણું છું” થોડા વધુ પ્રયોગો પછી એડીસન સફળ થયો અને સૌ પ્રથમ આ દુનિયાને ઇલેક્ટ્રિક બલ્બ આપ્યો.
આપણાંમાં જ્ઞાનરૂપી પ્રકાશને ઝળહળતો રાખવા માટે આપણામાં પણ આવી જ ધગસ હોવી જોઇએ. નિરંતર પ્રયત્ન કરતા રહો. પણ એ વાતનું ધ્યાન રાખો કે “અસફળ પ્રયત્નોનું ફરીથી પુનરાવર્તન કરતા રહેવું એ પણ એક મૂર્ખતા જ છે.” આથી એડીસનની જેમ, દરેક સમયે નવી રીત અને કાર્યપદ્ધતિને પ્રયોગમાં લાવો અને ચકાસો કે તે કામ કરે છે કે નહીં. અને જો તે કામ ના કરે તો તે કાર્યપદ્ધતિમાં સુધારો લાચો અથવા તો બીજી કોઈ રીત અજમાવી જુવો. કોઈપણ કાર્ય માત્ર કરવા ખાતર ન કરો. અને કોઈપણ અસફળ પ્રયત્નોનું ફરીથી પુનરાવર્તન ન કરો.
ધ્યેય પર ધ્યાન
બીજી અગત્યની વાત એ છે કે લક્ષ્યને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવતા કાર્યો પણ દુઃખ તરફ દોરી જાય છે. આથી ભલે ને તમે ઉત્સાહી હોય, અગાઉથી સક્રિય અને સાહસી પણ હોય, પણ જો તમે માત્ર પૈસા માટે જ પૈસા કમાતા હો અથવા તો યશ માટે જ યશ કમાવવાનો પ્રયત્નો કરતા હો તો હકીકતમાં તમે તમારી જાતને મૂર્ખ બનાવી રહ્યાં છો. આમ કરવાથી તમારા કર્મોના ફળ સ્વરૂપ તમને ક્ષણિક અને મીથ્યાનંદ મળશે જે અંતે તો દુઃખ અને પીડાનું જ કારણ બનશે.
આથી જો તમે એવું માનતા હોય કે આ મંત્રના વચનો અનુસાર કર્મ કરશું પણ પહેલાં મંત્રમાં આપવામાં આવેલા ઉપદેશની (ત્યાગપૂર્ણ ભોગ) અવગણના કરીશું તો અંતે દુઃખ, પીડા, અસંતોષ અને ખાલીપણું જ મળશે. ઉદાહરણ તરીકે, કામવાસનાને પ્રોત્સાહન આપતા મોડલ, હલકા સ્તરની ફિલ્મના નાયક, ભ્રષ્ટ નેતા કે પછી લોકોને મૂર્ખ બનાવતા ધર્મગુરુ બનાવથી તમે તમારા જ વિનાશને આમંત્રિત કરશો. ઈશ્વર તમારા કર્મનું ફળ આપવામાં જરા પણ મોડું નથી કરતો. જે ક્ષણે વિકૃત અને વિમાંર્ગીય વિચાર તમારા મનમાં આવે તે જ ક્ષણે કર્મનો સિદ્ધાંત કામ કરવાનું શરું કરી દે છે.
અસંતુલિત નહીં પણ સર્વાંગી વિકાસ
આ મંત્ર દ્વારા વેદો આપણને પરમઆનંદની અનુભૂતિ કરાવતા ઘણાં કર્મક્ષેત્રો વિષે માહિતી આપે છે. ઉદાહરણ તરીકે, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો. આ ઉપરાંત જ્ઞાન પ્રાપ્તિ, મન પર સંયમ, વ્યાયમ જેવા કર્મક્ષેત્રો. આપણે આ ક્ષેત્રોમાં પરિપૂર્ણતા મેળવવા માટે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જેમ હાથની કસરત તરફ ધ્યાન ન આપી માત્ર પગની જ કસરત કર્યા કરવાથી કુશ્તીબાજ બનવું શક્ય નથી, તેમ વિવિધ કાર્યક્ષેત્રોમાં નિપુણતા મેળવ્યાં વગર પરમઆનંદની પ્રાપ્તિ થવી અશક્ય છે. આથી વેદો માત્ર એક જ વિષયનો અસંતુલિત વિકાસ નહીં, પણ સંતુલિત અને સર્વાંગી વિકાસનો આગ્રહ રાખે છે.
યોગ્ય કર્મોની પસંદગી
આત્માના અવાજ દ્વારા ઈશ્વર આપણને કોઈ એક ચોક્કસ સમયે કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કયું કામ કરવું જોઇએ તેનો સંકેત આપે છે. આથી જયારે સ્વયં આપણાંમાં સકારાત્મક બદલાવની જરૂર જણાય અથવા તો સમાજ કે રાષ્ટ્રને જ્યારે આપણી જરૂર હોય ત્યારે ઈશ્વરના તે સંકેતની અવગણના કરી, એકાંતવાસમાં જઈ મુક્તિ મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરવા કરતા આપણી આત્માના અવાજને અનુસરવો જોઈએ. ઉદાહરણ તરીકે, સ્વામી દયાનંદ સરસ્વતીને જીવન અને મૃત્યુના રહસ્યનો ઉકેલ મેળવવાની જરૂર જણાય હતી. તે સમયે તેમને આ રહસ્યનો ઉકેલ આપે તેવું કોઈ ન હતું. આથી તેમણે પોતાની આત્માના અવાજને અનુસર્યો. આથી જ તેઓ મોટા મોટા પડકારોનો સામનો કરી શક્યા, મહાન કાર્યો કરી શક્યા અને આપણને “સત્યાર્થ પ્રકાશ” જેવો મહાન ગ્રંથ આપી શક્યા. ઇશોપનિષદ સમયની માંગ અનુસાર આપણી પાસે આવા જ કાર્યો કરવાની માંગણી કરે છે.
આજના સમયમાં જ્ઞાન મેળવવું એ બહુ મોટી વાત નથી. પણ આપણાં જીવનના વિવિધ ક્ષેત્રોમાં આ જ્ઞાનને કાર્યરૂપ બનાવવું બહુ માટી વાત છે. કારણ કે આ જ સમયની માંગ છે. આજે ઘણાં લોકો સન્યાસી બની સ્વામી દયાનંદની આંધળી નકલ કરવાનો પ્રયત્ન કરે છે. પણ સ્વામી દયાનંદજની જેમ સમાજ માટે સાચા દ્રષ્ટાંતો સ્થાપિત કરવામાં નિષ્ફળ નીવડે છે. આવા સન્યાસીઓ સમાજને નવું તો કશું આપતા નથી, પણ ઉલટાનું સમાજને ગેરમાર્ગે દોરે છે.
બીજા એવા લોકો છે કે જેઓ વેદોથી પ્રેરિત થયા છે પણ તેઓએ પરંપરાગત રીતેથી વેદોને માત્ર ગોખ્યા જ છે. વાસ્તવમાં આજના સમયમાં સમાજને આવા ગોખેલા જ્ઞાનની જરૂર નથી. એક સમય એવો હતો કે જયારે વેદોને યાદ રાખવાની જરૂર હતી અને આથી જ વેદો આજ દિન સુધી કોઈપણ પ્રકારના પ્રક્ષેપ વગર સુરક્ષિત રહ્યાં છે. ભૂતકાળમાં જે લોકોએ વેદોને સુરક્ષિત રાખવામાં પોતાનો ફાળો આપ્યો છે તેમને આપણે નમન કરવું જોઈએ. આજે પણ વેદો સાહિત્ય પ્રકાશનો દ્વાર ખુબ જ સુરક્ષિત છે. વેદોનું વોઇસ રેકોર્ડીંગ પણ ઉપલબ્ધ છે. આથી હવે સમયની માંગ બદલાઈ ચુકી છે. આજે વેદોની સુરક્ષા એ ચિંતાનો વિષય નથી પણ વૈદિક મંત્રરૂપી વેદોના જ્ઞાનને જીવનના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરૂપ બનાવવું અને લોકો સમક્ષ આ જ્ઞાનનો સુવ્યવસ્થિત રીતે પ્રચાર-પ્રસાર કરવો એ સમયની માંગ છે.
(જેમ ભૌતિકશાસ્ત્રની કે ગણિતની પુસ્તક ગોખવા માટે નથી પણ ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતોનો સમજવા માટે છે, તેમ વેદો પણ ગોખવા માટે નહીં પણ સનાતન વૈદિક સિદ્ધાંતોની સમજ કેળવી તેને જીવનમાં ઉતારવા માટે છે. વકીલાત કે ઇતિહાસના વિષયોની જેમ વેદોને ગોખીને યાદ રાખવાની જરૂરીયાત ત્યારે જ ઉભી થાય કે જયારે વેદોના સંરક્ષણનો પ્રશ્ન હોય. પણ હવે વેદને વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોની જેમ ભણવાની જરૂર છે. વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં સિદ્ધાંતની સમજ એટલી હદે વધારવાની હોય છે કે જેથી કરીને તે વિષયને ગોખવાની જરૂર જ ના રહે. જ્ઞાન પ્રાપ્તિ અને અનુભૂતિનો આજ સાચો રસ્તો છે.)
ઇશોપનિષદ સ્પષ્ટપણે કહે છે કે જે લોકો સમયની માંગ અનુસારના કાર્યો કરવાનું ટાળે છે તેઓ જીવનમાં દિશાહીન બનીને રહી જાય છે. આ કર્મોનું કોઈ સકારાત્મક કે સર્જનાત્મક પરિણામ આવતું નથી. સમયની માંગ અનુસાર કર્મ ન કરનાર લોકો એક પ્રકારના પલાયનવાદી જ છે. પણ એનો અર્થ એ નથી કે બધાં જ સન્યાસીઓ, વેદપાઠીઓ અથવા તો જેઓ સમાજમાં રહીને પણ સમાજથી દુર રહે છે તે બધાં જ પલાયનવાદી છે. પણ આમ કરવા પાછળનું ન્યાયપૂર્ણ અને યોગ્ય કારણ તેમની પાસે હોવું જ જોઈએ.
યોગ્ય અને અયોગ્ય કર્મોની પરખ
ઈશોપનિષદના આ બંને મંત્ર યોગ્ય અને અયોગ્ય કર્મોની ચકાસવાની અસકારક પરીક્ષણ સુચી આપે છે:
· શું તમે કર્મ કરવા ખાતર જ કર્મ કરો છો? શું તમારા કર્મો ઉદ્દેશહીન કે લક્ષ્યહીન છે. જો હા તો સાવધ રહેજો.
· શું તમારા કર્મો કોઈ નિર્દોષને બિનજરૂરી તકલીફ આપે છે? ઉદાહરણ તરીકે માત્ર સ્વાદ ખાતર કોઈ નિર્દોષ પ્રાણીની હત્યા. જો હા તો સાવધ રહેજો.
· શું તમે મુશ્કેલીમાં પડવાની બીકે કે અસફળ થવાની બીકે યોગ્ય કર્મ કરવાનું ટાળો છો? જો હા તો સાવધ રહેજો.
· હું અસમર્થ છું એવું માની શું તમે તમારા કર્મક્ષેત્રને સીમિત કરી દીધું છે? જો હા તો સાવધ રહેજો.
· શું તમારા કર્મો તમારા આત્માના અવાજની વિરુદ્ધ છે? જો હા તો સાવધ રહેજો.
· શું તમે તમારા આત્માના અવાજને વધુ સારી રીતે સાંભળી શકો તે માટે જ્ઞાનની વૃદ્ધિ કરવા માટે અને સમજશક્તિ વધારવા માટે અગાઉથી સક્રિય બની કાર્ય કરો છો? જો ના તો સાવધ રહેજો.
· શું તમારા બધાં કર્મો ઈશ્વર અને માત્ર ઈશ્વરને જ સમર્પિત છે? જો ના તો સાવધ રહેજો.
· શું તમે ભોગ, લોભ, અને ભયને લીધે આત્માના અવાજની વિરુદ્ધ કર્મ કરો છો? જો હા તો સાવધ રહેજો.
· શું તમે એવા કર્મો કરો છો જે તમને શારીરિક, બૌદ્ધિક, આધ્યાત્મિક, સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે વધુ મજબુત બનાવે છે? જો ના તો સાવધ રહેજો. વગેરે, વગેરે..
વેદો અને ખાસ કરીને પતંજલિનો અષ્ટાંગ યોગ આ વિષય પર વધુ ભાર મુકે છે.
૧૦૦ વર્ષનો સુધી સત્કર્મો
આ મંત્રમાં બીજો અગયત્નો બોધ એ છે કે આપણે ઓછામાંઓછા ૧૦૦ વર્ષ સુધી ઉત્સાહપૂર્વક ઉત્તમ કર્મો કરવા માટેનું આયોજન કરવું જોઈએ. જેમ કંપનીનું ધ્યાન તેના વાર્ષિક નફા પર કેન્દ્રિત હોય છે તેમ આપણે પણ આપણું ધ્યાન સો વર્ષના નફા પર કેન્દ્રિત રાખવું જોઈએ. એનો અર્થ એ નથી કે જેમ કંપની ગમે તેમ કરીએ મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેનું ટાર્ગેટ પૂરું કરવા માટે મથે છે તેમ આપણે પણ બધાં અગત્યના કર્યો સો વર્ષના ચક્રના છેલ્લા ભાગમાં જ કરવા. પણ આનાથી વિપરીત, આપણે દરેક સમયે ઉત્સાહપૂર્વક ઉત્તમ કર્મો કરતા રહેવું જોઈએ અને આમ આપણે ઓછામાંઓછા ૧૦૦ વર્ષ કરીએ તેવું આયોજન કરવું જોઈએ.
એ વાત ધ્યાનમાં રાખો કે ૧૦૦ વર્ષ માટે આયોજન કરવાનો અર્થ એ નથી કે ગમે તેમ કરીને સો વર્ષ જીવી લેવું. ૧૦૦ વર્ષ સુધી જીવવાનો અર્થ છે કે ૧૦૦ વર્ષ સુધી ઉત્તમ કર્મો કરતા રહેવું. આમ કરવા માટે આપણને બુદ્ધિપૂર્વક આયોજન કરવાની જરૂર રહે છે.
જેમ મેરેથોન રેસમાં દોડનાર વ્યક્તિ પહેલાં થોડા મીટર સુધી ઝડપથી દોડતો નથી તેમ આપણે પણ ધીરે ધીરે પણ અડગતાથી અને ઉત્સાહ અને જોશ સાથે લક્ષ્યની પ્રાપ્તિ માટે મથવું જોઈએ. વૈદિક સંસ્કૃતિ જીવન જીવવાનું એક ખુબ જ અસરકારક માળખું ઘડી આપે છે કે જેમાં જીવનના પહેલાં ૨૫ વર્ષો આપણે આપણાં નૈતિક, બૌદ્ધિક, આધ્યાત્મિક અને શારીરિક ઘડતર માટે સમર્પિત કરવાના હોય છે. અને પછી ઉત્સાહ અને જોશ સાથે લક્ષ્યની પુરતી માટે મથવાનું હોય છે. જયારે શારીરિક વિકાસ થતો અટકે છે ત્યારે આપણે શિક્ષણ, માર્ગદર્શન અને પાલન પોષણ જેવા કાર્યો કરવાના રહે છે. અને ત્યાર પછીના જીવનના પડાવમાં આપણે જ્ઞાનનો પ્રચાર અને આત્મ-નિયંત્રણનો અભ્યાસ કરવાનો રહે છે. આ સ્થિતિમાં આપણી શારીરિક ક્રિયાઓમાં ઘટાડો થાય છે અને આધ્યાત્મિક કાર્યોમાં વધારો થાય છે.
આ આદર્શ જીવનશૈલી આજે ભાગ્યે જ જોવા મળે છે. પણ આપણે જીવનની વર્તમાન પરિસ્થિતિઓ અને અવસ્થાનું મૂલ્યાંકન કરી આપણાં આગળના જીવનનું યોગ્ય આયોજન કરવું જોઈએ. “પણ મૂળ વાત તો એ જ રહે છે કે આપણે અગાઉથી સક્રિય બની સત્કર્મો કરવા માટે આપણાં જીવનનું આયોજન ૧૦૦ વર્ષ માટે કરવું જોઈએ.”
આમ પરોપકાર અને આત્મ નિયંત્રણ જેવા ઉત્તમ ગુણો દ્વારા ઈશ્વરની અનુભૂતિ કરવા માટે ૧૦૦ વર્ષ ઉત્તમ કર્મો કરવા માટે આયોજિત કરેલું સક્રિય અને ઉદ્દેશપૂર્ણ જીવન જ જીવન જીવવાનો સાચો માર્ગ છે.
સારાંશ
આપણે એક વાત સ્પષ્ટ સમજી લઈએ કે ઈશ્વર આપણી મિલકત, ખ્યાતિ, ડીગ્રી, હોદ્દો, પ્રભાવ, સિદ્ધિ, પ્રસિદ્ધિ કે યશ જોઈને આપણું મૂલ્યાંકન કરતો નથી. તે આપણું મૂલ્યાંકન મન, વચન અને કર્મની પવિત્રતાથી કરે છે. આથી આપણાં જીવનનો ઉદ્દેશ આપણાં કર્મોની દિશા નક્કી કરતી આપણી બુદ્ધિની શુદ્ધિ કરતા રહેવાનો અને આપણાં વિચારોમાં રહેલી વિદ્વતાને વધારવાનો હોવો જોઈએ. આમ કરવા માટે આપણે સતત વિદ્વતાપૂર્ણના ઉત્તમ કર્મો કરવા જોઈએ. અહીં વિદ્વતાનો અર્થ આપણે સત્યની કેટલી નજીક છે તેવો થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, વિદ્વતાપૂર્ણના ઉત્તમ કર્મો એટલે “સર્વવ્યાપી ઈશ્વરની પ્રાપ્તિના એક માત્ર ઉદ્દેશ સાથે અને ઈશ્વર સિવાય બીજી વસ્તુઓને મેળવવની ઈચ્છા એ તદ્દન મૂર્ખતા જ છે એ સત્યને ધ્યાનમાં રાખી કરવામાં આવતા કર્મો.”
હે ઈશ્વર! જવાબદારીઓમાંથી ભાગી છુટવાની મનોવૃત્તિ કે આળસ રાખ્યા સિવાય હું નિરંતર ૧૦૦ વર્ષો સુધી ઉત્સાહપૂર્વક સત્કર્મો કરતો રહું તેવી વિદ્વતા મને પ્રદાન કર!
હું લોભ, મોહ અને માયાના બધાં બંધનોને તોડી મારા સત્કર્મો દ્વારા તને (પરમ આનંદને) પામું!
મારું જીવન તારા સાશ્વત નિયમોની સાથે સુમેળમાં રહે અને હું તારા સર્વવ્યાપી હોવાની અનુભૂતિ કરવા સક્ષમ બનું!
હું “ઈદં ન મમ– મારું નહીં” ના મંત્રને અનુસરી મારા સત્કર્મો દ્વારા વધુ ને વધુ વિદ્વતા પ્રાપ્ત કરું!
મેં જે વસ્તુઓને ભૂલથી મારી ગણી હતી એ બધી જ વસ્તુઓ હું તને સમર્પિત કરું છું!