ઝાંપો ઉદાસ છે.. - 15 ( અંતિમ પ્રકરણ ) jignasha patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝાંપો ઉદાસ છે.. - 15 ( અંતિમ પ્રકરણ )

રીના ગામમાં પ્રવેશી...
ભાર એનાથી સહન નહોતો થતો...
ના એ સામાનનો નહોતો... સામાન તો એ સ્ટેશન પર બેસેલ જરૂરતમંદ ભિખારીઓને જ આપી આવી હતી... આ ભાર તો જિંદગીનો હતો... અનેક તૂટેલા સપનાઓનો હતો... હૈયાફાટ રુદન કરતા અરમાનોનો હતો... આખરે આખર જાગેલી ઉમ્મીદ કે 'કદાચ એ બૂમ પડશે રોકી લેશે...' એવી કચ્ચરઘાણ થયેલી ઉમ્મીદોનો હતો...
માંડ માંડ એ ઘર તરફ ચાલ્યે જતી હતી... શું માગ્યું હતું જિંદગી પાસે ને શું આપ્યું...એના સવાલોમાં અત અટવાતી જતી હતી...
એને ઝાંપો દેખાયો...
ઝડપ વધારી...
ઝાંપામાં દાખલ થઇ...
ઝાંપો પકડતાં પકડતાં આસુંયે ટપકી પડ્યા...
ઝાંપોયે જાણે રડી પડ્યો...
એની આંખો છલકાતી ગઈ... એ દોડતીક ગુલમહોર પાસે ગઈ... જોરથી વળગી પડી. ઝટકો લાગતાં કેટલાંક ફૂલો એના પગ પર પડ્યા...
ત્યાંથી ઘરમાં દાખલ થઇ. વાસવની ફોટો કાઢી દૂર ફેંકી... ને બીજી જ પળે દોડતાં જઈ ફોટો ઉપાડી જોર જોરથી રડવા લાગી. રસોડામાં પોતે જ સરસ રીતે ગોઠવેલાં વાસણો પોતેજ નાના બાળકની જેમ ફેકફેક કરવા લાગી. દીવાલો પર પોતાના હાથ અને માથું પટકી આસું પાડવા લાગી. એ પોતે શું કરી રહી હતી એ એનેય ભાન નહોતું...
કોઈકે સુધાને કહ્યું કે રીના આવી ગઈ છે. તો એ જમવાનું લઇ તુરંત રીનાના ઘરે પહોંચી. રીનાની હાલત જોઈ એ ચોંકી ગઈ.
' રીના, રીના... શું થયું રીના ? તું ક્યાં ગયી હતી... ? ને આ... આ શું હાલ બનાવી રાખ્યા છે ?'
'વાસવને ત્યાં '
' શું ? વાસવ ને ત્યાં... તો એ ક્યાં છે... ?એને લઈને કેમ ન આવી ?'
'એ ક્યારેય નહિ આવે હવે.. '
' કેમ ? બીજે લગ્ન... ? '
' હા... ક્યારના.... હવે એ પાપા બનવાનો છે... ' રીનાના આંસુ ટપક્યા.
'મેં કહ્યું હતું ને રીના આ પુરુષો...'
' નહિ સુધા આજે નહિ... આજે મને બોલવા દે.. સુધા... હું ત્યાં ગઈ હતી... મનમાં દુઃખોનો દાવાનળ છતાં હસતા મોઢે એને મળી...દિલમાં જખમ છતાં મોં પર સ્મિત રાખ્યું... એના ને પ્રીતિની હાસ્યની કિલકારીઓ સાંભળી મારા પ્રેમનો બુલંદ હોંસલો તૂટતો જતો હતો... પ્રીતિની માસુમિયત થી મારું મન મને સવાલ કરતુ કે મેં એવો તે કયો અપરાધ કર્યો હતો... બંનેને એકબીજાનો હાથ પકડી ઘરમાં ફરતા જોઈ મારો આત્મ-વિશ્વાસ તૂટતો ગયો. વાસવના ખભા પર પ્રીતિનો હાથ જોઈ મારો શ્વાસ રૂંધાતો હતો. એમને સજોડે એમના રૂમમાં જતાં જોઈ મને મારો સંસાર સ્મશાન તરફ દેખાતો હતો... પણ કદાચ મારા પ્રેમમાં જ કસર રહી ગઈ હશે. પ્રીતિ બહુ સારી છે... મારી અનેક દુઆઓ છે એને... એ ખુશ રહે.. ભલે હું... '
'પણ... '
' સુધા હું ત્યાં બે દિવસ રહી ને મને બહુ પારકું લાગતું ત્યાં... વાસવ બહુ બદલાઈ ચુક્યો... એ એ હતો જ નહિ જેને મેં પ્રેમ કરેલો... હું કાંઈ ન બોલી એક શબ્દ પણ ન બોલી... પારકાંને શી શિકાયત કરવી... ને અહીં મારો ઉદાસ ઝાંપો, ગુલમહોર, પહાડો, નદીઓ, લીમડો ને તુંયે તો છે મારી સાથે.... હા... '
સુધા રીનાને અપલક નેત્રે તાકી રહી.
રીનાની આંખોમાંથી વહેતા આંસુને એણે પોતાના હાથ વડે સાફ કર્યા.
એનેય પિનાકીનની યાદ આવી.
પણ પોતાની જાતને સાંભળીને રીનાને આશ્વાસન આપવા લાગી.
'રીના તું ચિંતા ન કર... શું થયું અગર વાસવે ત્યાં સંસાર વસાવી લીધો તો... '
'હા... હા.. હા... કશુ જ ન થયું... બધું એમનું એમ જ છે... બસ આ આંગણે વાવેલા ગુલમહોરની એક ડાળ સૂકાઈ ગઈ છે... પેલી મેના ની પાંખ સાવ તૂટી જ ગઈ છે... લીમડો અકાળે પાનખરમાં ફેરવાય ગયો છે... આ સુની દીવાલો ચીસાચીસ પાડી રહી છે... હ.. હ બધું એમનું એમ છે પણ આ ઝાંપો રડારોળ કરી રહ્યો છે... જો... જો ચૂપ જ નથી રહેતો... બસ ઉદાસીમાં સતત કણસ્યા કરે છે... '
' બસ... બસ કર પગલી હોસમાં આવ... 'રીનાને આશ્વાસન આપવા શબ્દો ખૂટતાં હતા.
' બસ બધું એમનું એમજ છે આ રીના મરી ગઈ...જીવતે જીવ મરી ગઈ... '
' અરે પગલી ચૂપ થા... રીના બસ કર... ' કહેતાં સુધાએ એણે ગળે લગાવી લીધી. એક નાના બાળકની જેમ સમજાવતા સમજાવતા થોડું જમાડ્યું... ઊંઘાડીને એ માસીના ઘરે ગઈ. એને છોડીને જવાનું સુધાનું મન તો નહતું પરંતુ માસીની તબિયત ખરાબ હતી તો એણે જમવાનું અને દવા આપવાની હતી.. તેથી રીના ઊંઘી ગઈ છે એની ખાતરી થતાં સુધા ત્યાંથી માસીના ઘરે ગઈ.
* * *
અડધી રાત્રે રીનાની અચાનક આંખ ખૂલી ગઈ. એનું હૈયું ઘવાતું જતું હતું. ભગ્ન હૃદયમાં શૂળ ભોંકાતું જતું હતું... એક નહિ અનેક શૂળ... અસહ્ય વેદનાં ઉપડી હતી... એને શું થયું છે..શું થઇ રહ્યું છે એનીય સમજણ એને રહી નહોતી. બસ એ અસહ્ય વેદનાથી પીડાતી જતી હતી. એ ઊભી થઇ... આસપાસ જોયું... ને અચાનક દોડવા લાગી. ઉંબરા પાસે અથડાઈ... પગમાં વાગ્યું... પગનો નખ નીકળી ગયો... લોહી વહેવા લાગ્યું... પણ એનુંયે એને ભાન નહોતું....
એ ઉદાસ ઝાંપા પાસે દોડતી ગયી... પાસે જઈ ફસડાઈ પડી... ઝાંપાનું એક લાકડું પકડી ઊભી થવા કોશિશ કરી... ઊભી ન થઇ શકી... ઝાંપામાં જ ઢળી પડી...
* * *
બીજા દિવસે સુધા રીનાના ઘર તરફ જતી જ હતી કે એના ઝાંપા સામે લોકોનું ટોળું વળેલું દેખાયું. એ ઝડપભેર ત્યાં પહોંચી... ટોળાને હટાવતા એ અંદર ગઈ...ને જોયું તો એની આંખો ફાટી જ રહી ગઈ...
ઝાંપા પાસે બેસેલી રીના માનસિક સંતુલન કોઈ બેસી હતી... હા એ ગાંડાઓની જમાતમાં ભળી ગઈ હતી... એ સુધાને પણ ન ઓળખી શકી...
સુધાએ રીનાની ખભો પકડી હચમચાવી નાંખી પણ રીનાનો કોઈ પ્રતિભાવ નહોતો...
ગામનાં કોઈ વ્યક્તિએ પાગલખાનાં માં ફોન કરી દીધો હતો. ડોક્ટરો એમ્બ્યુલન્સ સાથે પહોંચ્યા... રીનાને ત્યાંથી ઉઠાડી... પણ એ ઝાંપામાંથી ઉઠવા તૈયાર નહોતી... પણ આખરે ચાર પાંચ જણાએ મળી એને એમ્બ્યુલન્સ બેસાડી... સુધાએ બહુ રોકવાની કોશિશ કરી. પણ નાકામયાબ રહી...
એમ્બ્યુલસનો દરવાજો બંધ થયો... રીનાની આંખો હજી ઝાંપા તરફ જ મંડાયેલી હતી... આજે રીનાને જ નહિ આખા ગામને ઝાંપો ઉદાસ લાગ્યો...
એમ્બ્યુલન્સ ચાલુ થઇ...રીનાની આંખો હજીયે ઝાંપામાં ગડાયેલી હતી... એમ્બ્યુલન્સ થોડી આગળ વધી...
સુધા ઝાંપા અને રીનાને વારાફરતી જોઈ રહી...
એમ્બ્યુલન્સ દૂર જઈ રહી... રીના હજીયે ઝાંપાને જોઈ રહી હતી.. એની આખરી ઝલકે આવજો કરવા ઉઠેલો રીનાને હાથ હવામાં અધ્ધર તોળાઈ રહ્યો.
* * *