ઝાંપો ઉદાસ છે.. - 13 jignasha patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝાંપો ઉદાસ છે.. - 13

'બાળક...વાસવને બાળક થવાનું છે... ? એ પાપા બનવાના છે... ?' આઘાતને ગળી જઈ તૂટેલા સ્વરે રીનાએ વાસવે માને લેવા મોકલેલ માણસોને પૂછ્યું.
' હા... ' આવેલ માણસોમાંથી એકે કહ્યું.
' એના લગ્ન ક્યારે થયા ?' માંડ માંડ હિમ્મત જાળવી રીનાએ કહ્યું.
' લગ્નને તો ઘણો સમય થઇ ગયો... ' બીજાએ કહ્યું.
રીનાની આંખો ભરાય આવી... છતાં મન કઠણ રાખ્યું. અને કહ્યું... 'તમે બેસો હું ચા લાવું છું... '
એ દોડતાં રસોડામાં ગઈ... ને રીતસરની ફસડાઈ પડી. આંખોમાંથી અનરાધાર આંસુ વહેવા લાગ્યાં.પણ બહાર આવેલ મહેમાનો નો ખ્યાલ આવતાં એ ઊભી થઇ. ચા બનાવવા લાગી...
અરેરે... જીવનમાં આવો ઝંઝાવાત ક્યાંથી આવી ચડ્યો ! આ શું થઇ ગયું ?એના લગ્ન થઇ ગયા છે... અને બાળક થવાનું છે... અરે જેનો ઇન્તજાર કરતા ઘરની મૂંગી દીવાલો થાકતી ન હતી. પંખી, નદીઓ પહાડો ને આ મારી આંખો... અરે આંખો શું આ ઝાંપો ઉદાસ હતો... એને ત્યાં સંસાર વસાવી લીધો... આ બધું શું થઇ રહ્યું છે મારી સાથે... આખા દિવસના તપેલા રણને થોડીક ભીનાશ માટે છેવટે એકાદ ઝાંકળનીયે તલપ હોય છે... પણ મારા નસીબમાં ઝાંકળ નું એક બુંદ પણ ન હોય... શું મારું ઝાંકળ તરસ્યું જીવન હંમેશા તપ્ત રહેશે... ?
તો તો પછી આવી જિંદગી શું કામની ? આવા જીવનનો શો અર્થ... ?કેમ જીવું... ?કોના માટે જીવું ?નથી જોઈતી આવી જિંદગી... નથી જોઈતી... ખતમ કરી નાખું આ જિંદગીને.... ને એનો એક જ ઉપાય...
આપઘાત..... આપઘાત .... આ... પ.... ઘા.... ત....
ત્યાં જ ચા ઉભરાઈ... હાથ પર પડી... થોડી દાઝીયે ખરી... પણ વાસવે આપેલા દર્દ ની સામે આ દર્દ ની શી વિસાત હતી...
ચા ની ગળણી કાઢતા કાઢતાં એની નજર ઝાંપા તરફ ગઈ... ઝાંપો જાણે એને આપઘાતના વિચારો કરતા રોકી રહ્યો હતો... એના મનમાં વિચાર ઝબક્યો, ' ઘણું બધું છે મારી પાસે, હું શું કામ આપઘાત કરું. હું જીવીશ.... હું જીવીશ... પેલા પહાડોની સાથે... નદીઓની સાથે... ટેકરીઓની સાથે... લીમડાની સાથે... ઝાંપા સાથે... ને યાદોં સાથે હું જીવીશ...
પવનના કારણે ગુલમહોરની ડાળખી ઝૂલી ઉઠી...માનો એના વિચારો સાથે સહમત હોય એમ...
ફરી એને થયું, 'આમેય સાચો પ્રેમ ત્યાગ માંગે છે, બલિદાન માંગે છે... વાસવ ખુશ છે બસ... પણ હું એકવાર જરૂર એને મળવા જઈશ... જોવા માંગુ છું કે એ સદભાગી છોકરી કોણ છે જેને મારો વાસવ મળ્યો...
ચા લઈને એ બહાર આવી... બધાને ચા આપી એક તરફ ઊભી રહી...
'માજી ક્યાં છે ?ક્યાંક બહાર ગયા કે શું ? બોલાવો એમને... અમારે તુરંત નીકળવાનું છે એમને લઈને... ' એકે કહ્યું.
'માં ક્યારેય નહિ આવે ? ' રીના એ રડમસ અવાજે કહ્યું.
'કેમ ? કેમ ? એમના દીકરાને ત્યાં ખુશીનો પ્રસંગ છે... આટલી મોટી પાર્ટી રાખી છે.. ને ઘરના ના હોય તો કેમ ચાલે... ' બીજો બોલ્યો.
' અહીં હોત તો જરૂર આવત પણ એટલે દૂર ચાલ્યા ગયા કે હવે ક્યારેય નહિ આવે ' રીનાએ ઘરની અંદર તરફ દીવાલ પર ટીંગાડેલાં માં ના ફોટો તરફ ઈશારો કરતા કહ્યું. એની આંખો ભીની થઇ ગઈ.
' ઓહ...માફ કરજો અમને જાણ નહોતી... ' ત્રીજાએ અફસોસ સાથે કહ્યું.
'કઈ વાંધો નહિ માં નથી તો શું થયું હું શું ને... હું આવીશ પાર્ટીમાં અને પછી હું આવી જઈશ પાછી... ' હિંમત એકઠી કરી રીનાએ કહ્યું.
' હા એ ઠીક રહેશે... કોઈક તો હશે અહીંનું ત્યાં... પ્રીતિ મેમ ખૂશ થશે... 'એકે કહ્યું.
' પણ બેન એ કહો આપ વાસવ સર ના કોણ થાવ ?' બીજા એ પૂછ્યું.
અચાનક પૂછેલા સવાલથી એ ચોંકી ગઈ. એ જવાબ આપે એ પહેલા ત્રીજો બોલ્યો.
' અરે દેખાતું નથી. ઘરમાં રહે છે તો કોઈ પોતાનું જ હશે...બધી સગાઇ અહીજ કાઢીશ કે મુંબઈ પણ જઈશ... ચાલ બેન ચાલ.. તૈયાર થા... આ ની વાત પર ધ્યાન ન આપ... '
રીનાએ તૈયાર થવા ગઈ... તૈયાર થતાં થતાં એ સવાલ એની આસપાસ ઘૂમરાતો રહ્યો... 'તમે કોણ થાવ... ?'
કોણ... કશું જ નહિ... કશું જ નહિ... તો જ તો...'
એ વધુ વિચારે એ પહેલા જ સુધાનો અવાજ એના કાને પડ્યો... 'રીના કોણ છે બહાર એ લોકો... ને તું આ... સામાન... ને તૈયાર થઇ રહી છે... શું વાત છે ? ક્યાં જઈ રહી છે રીના... ? ' ઘબરાયેલ અવાજે સુધાએ કહ્યું..
સુધાને અચાનક આવેલ જોઈ એ પણ ચોંકી ઉઠી. છતાં બોલી.. ' હમણાં નહિ સુધા... આવીને બધી વાત કરીશ... ' કહેતાં ફટાફટ સામાન ઉઠાવી બહાર આવી બેસેલ માણસોને કહ્યું 'ચાલો... ' ને સુધા તરફ જોતાં કહ્યું... 'સુધા મારા ઘરનું ધ્યાન રાખજે... '
એ લેવા આવેલ ગાડીમાં બેસી ગઈ. ગાડી ઝાંપા ની બહાર નીકળી ગઈ...રીના ગાડીમાં બેસીને જતાં જતાં જ્યાં સુધી ઝાંપો દેખાયો ત્યાં સુધી જોતી રહી... ને થોડી જ વારમાં ગાડી ઝાંપાથી ઓઝલ થઇ ગઈ...
* * *