અધૂરપ - 2 Purvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ - 2

ભાગ-2

આપણે જોયું કે બગીચામાં હસી મજાક અને હળવાશની
થોડી ક્ષણો બધાં માટે આખા દિવસ નું ભાથું છે, એક ટૉનિકનું કામ કરે છે. બગીચામાં એક નવાં મહેમાનો, પલાશનું આગમન થાય છે...
હવે આગળ....


પાહિનીને વાસુભાઈ અને ગીરાબેન પ્રત્યે અપાર લાગણી અને સ્નેહ ! એ હંમેશાં બન્નેનું ખૂબ ધ્યાન રાખતી, એક દીકરીની જેમ! વાસુભાઈ અને ગીરાબેન પણ પાહિનીને અઢળક વ્હાલ અને લાડ કરતાં. એ લોકોની આત્મીયતા જોઈ થતું ચોકકસ કોઈ ૠણાનુબંધ હશે. આવાં સંબંધો જવલ્લે જ જોવા મળે.

રોજની જેમ બધાં ચાલવા ગયાં . પાહિની અને પલાશ બાંકડે બેસી વાતો કરતાં હતાં. પાહિનીએ કહ્યું, "કાલે આપણી વાત અધૂરી રહી ગઈ. હા, તું કહેતો હતો..તને અહીં બધાં કેટલાં ખુશ અને જીવનથી સંતુષ્ટ લાગે છે, ખરૂં ને?
પલાશે હૂંકારો ભર્યો.
પાહિની એ તરત કહ્યું, "પલાશ, તારું જો એમ માનવું હોય કે આ બધાં અહીં જે તને આટલાં ખુશ અને આનંદમાં લાગી રહ્યાં છે એમનાં જીવનમાં કોઈ જ દુ:ખ નથી, તો તું ભૂલ કરે છે. અરે! દરેક પોતાના જીવનમાં કોઈક ને કોઈક કારણસર દુ:ખી કે હતાશ હોય છે. કોઈનું જીવન સંપૂર્ણ નથી હોતું. કોઈ અધૂરપ, કોઈક ખાલીપો કે કોઈક કશ્મકશ જરૂર હોય છે. અહીં આવી, થોડી ક્ષણો માટે એને ભૂલવાનો પ્રયત્ન કરે છે અને ખુશીની ક્ષણોનું ભાથું લઈ દિવસો પસાર કરે છે".

ત્યાં કાર્તિકભાઈ બગીચાના માળીને પાણીના બગાડ બાબતે ઠપકો આપી રહ્યા હતા. પાહિનીએ પલાશનું ધ્યાન એ તરફ દોરતા કહ્યું , "આપણાં આ કાર્તિકઅન્કલની એટલે શિસ્ત, આદર્શ, પ્રામાણિકતા અને કર્તવ્યપરાયણતાનું પર્યાય! આર્મીમાં હતાં અને આખું જીવન પોતાના આદર્શ અને મુલ્યોને વળગી રહ્યાં. પણ આમ કરવામાં પોતાના પારકાં થઈ ગયાં. આન્ટી સાથેના અણબનાવ અને મતભેદ એમને છૂટાછેડા સુધી લઈ ગયાં. એમનાં બાળકો પણ એમનાં ના રહ્યાં. બસ, પરિવાર ના નામે જે છે તે આ મિત્રો!"

પાહિની કોઈને કોઈ રીતે પલાશને જાણે કંઈક સમજાવવા માંગતી હતી.
"હવે આ ઈશાન અન્કલ અને આન્ટીને મળ્યો છે ને તું ? કુટુંબ હોવા છતાં એકલાં પડી ગયાં છે. બાળકો પોતાના જીવન ઘડતરમાં એવાં વ્યસ્ત છે કે આ લોકો માટે કોઈ પાસે સમય જ નથી. સૌ સાથે રહે છે ખરાં પણ પોતાના સ્વાર્થ કાજે. મા-બાપ ઘર ચલાવે ને પોતે પોતાનાં શોખ પૂરાં કરે. ઈશ્વરની કૃપાથી આર્થિક રીતે સદ્ધર છે, વારસાઈ મિલકત છે એટલે સંતાનો સાથે છે...બાકી તો...."
"અને હા.... આને પંચાત ન ગણતો... તને હવે અમે આ કુટુંબનો સભ્ય માનીએ છીએ અને તને એ વાતનો ખ્યાલ આવે કે બધાં જ સંતુષ્ટ જીવન નથી જીવી રહ્યાં હોતાં..."

પલાશ, પાહિનીની વાતો સાંભળતો રહ્યો. પહેલીવાર એણે પાહિનીને આટલી ધીરગંભીર જોઈ.
વાત બદલતા પલાશે કહ્યું, "ચાલો, આજે કંઈક સરસ લખાણ વાંચી સંભળાવો."
પાહિની એ હસતા કહ્યું, "વાતો ભારેખમ થઈ ગઈ, કેમ?"

"ના ખોતર જાતને આટલું,
પોપડાં નીકળી આવશે
ને રૂઝી ગયેલા ઘા,
તાજા થઈ આવશે."

પલાશે મોંહ બગાડતાં કહ્યું, "બસ, હવે મને સંભળાવાની જરૂર નથી."
પાહિની એ ચીડવતા કહ્યું, "તે જ તો કહ્યું કાંઈક સંભળાવાનું!"

પલાશ બોલી ઊઠ્યો, " દયા કરો દેવી !"
પછી તરત ગંભીર થઈ કહ્યું, " ના...ના..મજાક મજાક ની જગ્યા એ, પણ તમારી વાત ખરેખર હું સમજું છું . જીવન પાસે આપણે ક્યારેક અતિશય માંગી બેસીએ છીએ. સરળ, સુખી અને સંતુષ્ટ જીવન જીવવાની આદત પડી જાય પછી કોઈપણ મુસિબતનો સામનો કરવાની હિંમત ખોઈ બેસીએ છીએ. આપણે મળ્યાં એનો મને ઘણો આનંદ છે."

પાહિનીનું ધ્યાન ક્યારનું વાસુભાઈ તરફ હતું. એ પલાશ સાથે વાતોમાં હતી પણ એને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે આજે આવ્યા ત્યારથી વાસુભાઈ થોડા અસ્વસ્થ હતા. બધાંની સાથે હોવા છતાં ક્યાંક બીજે હતા, મનથી-વિચારોથી...

પાહિની એમની પાસે બાંકડા પર જઈ બેઠી. પણ વાસુભાઈનો પાહિનીના 'જય શ્રી કૃષ્ણ 'નો પ્રતિભાવ રોજની જેમ ન હતો. થોડો મોળો લાગ્યો. પાહિની સમજી ગઈ. એણે તરત કહ્યું, " અન્કલ, આજે તો હું તમારી સાથે તમારા ઘરે આવું છું. આન્ટી સાથે ચ્હા-નાસ્તો કરવા. તમે ઈચ્છો એટલો સમય તમારા મિત્ર સાથે પસાર કરી શકો છો. હું અને આન્ટી ગપશપ કરીશું." ગીરાબેન સામે બાંકડા પર શ્રુતિબેન સાથે વાતો કરી રહ્યા હતા. એમનું ધ્યાન ખેંચતા પાહિની બોલી, " આન્ટી, આજે મારો ડેરો તમારા ઘરે... અન્કલને જ્યાં જવું હોય જાય..."
ગીરાબેને હસતા હસતા કહ્યું, કેમ નહીં બેટા, ચોકકસ...મને ગમશે...અને પાછું ઘણાં સમયથી આપણે શાંતિથી બેસી વાતો ક્યા કરી શક્યાં છીએ... તું કીધા કર્યાં વગર ગમે ત્યારે ગાયબ કેવી થઈ જાય છે..."

વાસુભાઈ અને ગીરાબેન પાહિની સાથે કારમાં ઘરે જવાં રવાના થયાં. ડૉ. અમિત વૉરાનું દવાખાનું રસ્તામાં જ હતું. વાસુભાઈએ કારમાં બેસતાની સાથે જ કહ્યું, " બેટા, હું ડૉ. વોરાના દવાખાને ઉતરી જઈશ. પાહિની જાણતી હતી કે ડૉ. વૉરા વાસુભાઈના મિત્ર હતા. તેઓ એક વિખ્યાત મનોચિકિત્સક હતા. વલસાડ શહેરમાં એમનું 'આશા હેબિલીટેશન સેન્ટર' નામનું જાણીતું દવાખાનું હતું. માનસિક બિમારીથી પીડિત એવાં દર્દીઓ માટે ખૂબ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવતું શહેરનું એકમાત્ર દવાખાનું. દેશ વિદેશમાં ડૉ. વોરા એમની સેવા અને નિપૂણતા માટે ખૂબ પ્રસિદ્ધ હતા. વાસુભાઈ રોજ સવારે અને સાંજે એમના દવાખાને જતા અને ત્યાં દર્દીઓની સાથે સમય પસાર કરતા. એમની સારસંભાળ રાખવામાં થોડા મદદરૂપ થતાં. એમનો પણ સમય એમ કરી પસાર કરતા અને કાંઈક જોઈતું મળી રહેતું. જેટલો બને એટલો સમય એ ત્યાં પસાર કરવાનો આગ્રહ રાખતા.

વાસુભાઈ ડૉ. વૉરાના દવાખાનું આવતા કારમાંથી ઉતરતા પાહિનીને કહેતા ગયા, "ઓ. કે. બેટા, મળીએ પછી.."

રસ્તામાં પાહિની ગીરાબેનની વાતો સાંભળતી રહી. એ ગીરાબેનની મનોદશા સમજી શકતી હતી. એમના મનના ઉકળાટ, ઉચાટ, વ્યથા એ જાણતી હતી.