સેનમી - ભાગ ૫ - છેલ્લો ભાગ Rohit Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેનમી - ભાગ ૫ - છેલ્લો ભાગ

ગયા ભાગમાં આપણે જાણ્યું કે સોનલબેનને હવે ઘરની ચાર દીવાલોમાં પૂરાઈને રહેવું પડતું હતું પણ એમણે મનોમન નક્કી તો કરી જ લીધું હતું કે આપણે એક દિવસ આ પાંજરું તોડીને બહાર ઉડવું છે.આજે શુક્રવાર હતો.સવાર સવારમાં કંકુબેન ખેતરે જઈને આવ્યા અને સોનલને ઉઠાડી, ”બેટા સોનલ ઉઠો હવે, જુઓ સાત વાગ્યા, સુરજ માથે ચડ્યો.” સોનલ સફાળી ઉભી થઇ ગઈ. ઉઠીને જોયું તો સુરજ સાચેજ માથે ચડેલો હતો, બાપુ બાજુના વાડામાં દાતણ ઘસી રહ્યા હતા, સોનલ ઉભી થઈને આંગણામાં આવી. લીમડા પરથી દાતણ તોડ્યું ને અંદરથી પાણીનો કળશ(લોટો) લઈને દાતણ ઘસવા બેઠી. નિયમિતપણે સોનલ રોજ ૬ વાગ્યા આસપાસ કોઈ ઉઠાડે નહિ તો પણ ઉઠી જતી હતી.આજે કોણ જાણે કેમ એના બધા જ કામ ધીમા અને મોડા ચાલી રહ્યા હતા. રોજનું રૂટીન એવું હતું કે એ ઉઠે અને દાતણ કરે પછી બાપુને ઉઠાડે, એ ચા મુકે ત્યાર સુધી બાપુ દાતણ કરીને આવે અને માં ખેતરેથી આવે,અને પછી ત્રણેય છ બાય છ ના રસોડામાં બેસીને ચા-પાણી કરે. આજે કંઈક અલગ થઇ રહ્યું હતું. માં એ ચા મૂકી, બાપુ ચા પીવા બેસી ગયા અને સામે લીમડા નીચે ઉભી ઉભી સોનલબેન દાતણ ઘસી રહી હતી.,”એ ચાલ હવે, બહુ ઘસીસ નહિ, દાંત પડી જાશે.” સોનલે જાણે બા ની આ બુમ સાંભળી જ ના હોય એમ ઘસવાનું અને વિચારવાનું ચાલું રાખ્યું. એના મગજમાં પ્લાન બની રહ્યો હતો કે કેમનું બહાર નીકળવું ને પછી પાછું જ ના આવવું? સાચું કહું તો એ કંઈ બા-બાપુથી રિસાઈને નહોતી જતી. પણ તેમ છતાયે એને જવું હતું, કોઈકને અથવા તો એમ જ કહો ને કે ગામ આખાને બતાવવા જ એને ગામ છોડીને જવું હતું. અને જાણે પ્લાનની છેલ્લી કડી મળી ગઈ હોય એમ છેલ્લો કોગળો કરીને એ બાપુની જમણી બાજુમાં અને માં ની ડાબી બાજુમાં આવી ને ચા ની ડીસ પર બેઠી. એક વાર તો થયું કે બા બાપુને વાત કરીને જ નીકળું, પણ પછી થયું કે ના, આ સાચો સમય નથી પછી શહેરમાં જઈને ફોન કરીને જણાવી દઈશ કે હું સુખેથી અને મજામાં છું. “બેટા હવે કોલેજ પતી ગઈ છે તો મોબાઈલ બંધ જ રાખો તો સારું, શું કહો છો?“ શંકરે સોનલની વિચારતંદ્રા તોડતા કહ્યું.

બાપુના શબ્દો સાંભળીને સોનલની પગ નીચેથી જમીન જ સરકી ગઈ, અરે ભાઈ સરકે જ ને? એક તો તમેં છોકરીને આખો દિવસ ઘરમાં રાખો અને પછી મોબાઈલ પણ વાપરવાની ના કો તો એકવીસમી સદીની છોકરી માટે તો જાણે એનો અડધો જીવ જ કાઢી લીધો હોય એવું ફિલ થાય કે નહિ? “પણ બાપુ.” આટલો જ ઉદગાર એના મોઢામાંથી નીકળ્યો. પણ બા એ સાંભળી લીધું. “એટલે બાપુ કહે છે કે પેલું ઈન્ટરનેટ ને એ બધું બંધ કરી દે એમ,આ શું છે કે આપણા ગામમાં તો આમેય ઈન્ટરનેટ ઓછું આવે છે,તો શું કામ પૈસા ખરચવાના? એમ.” શંકરે સીધી નજર કંકુ પર નાખી જાણે એમ જ કહેતો હોય, બચાવ ના કર સોનલ ની માં,આટલો જ મોબાઈલનો વપરાશ રહ્યો તો આપણે જ પછતાવાનો વારો આવશે. પણ બાપુએ વાતને આંખોમાં જ સમાવી દીધીને કશું જ કીધું નહિ. સોનલને તો આ પણ મંજુર નહોતુ, નેટ હું શું કામ બંધ કરાવું? એક જ તો સાધન છે જે એનું કહ્યું કરે છે એ પણ શું કામ બંધ કરી દઉ? પણ છતાયે કશું જ બોલ્યા વગર એ અંદરના રૂમમાં જઈને ખાટલા પર આડી પડી.સામે ભીંત પર દોરેલા ગણપતિને પોતાની ઇચ્છાઓ અને લાગણીઓ કહી રહી હોય એમ એકીટશે જોઈ રહી છે.બાપુ ખેતરે જવા રવાના થયા, અને બા ધોવાના કપડા તગારામાં કાઢીને કુવા પાસે જવા નીકળી. સોનલે ટીવીનું રીમોટ હાથમાં લીધુંને ચેનલો બદલવા લાગી. દાતણ ઘસતી વખતે બનેલો પ્લાન હવે ધીમેધીમે કામ કરી રહ્યો હતો.બાપુ બપોરનો એક ના થાય ત્યાર સુધી પાછું જોવાના નથી, બા કપડા પતાવીને શાકભાજી લેવા અથવા તો છાશની થેલી લેવા ગલ્લા સુધી તો જશે જ જશે.હવે માત્ર જોવાનું એ હતું કે બાજુમાં કાકાના ઘરમાંથી કોઈ બહાર ના હોવું જોઈએ, અને હોય તો પૂછવું ના જોઈએ કે “સોનલ ક્યાં ચાલી?” અને ના પૂછે એટલા માટે શું કરવું પડે? જુના જ કપડા પહેરીને બહાર નીકળે તો કોઈ પૂછે જ શું કામ? નક્કી થઇ ગયું હતું, ટીવી પર પિક્ચર ચાલી રહી હતી “હેપ્પી ભાગ જાયેગી”. સોનલનું ધ્યાન ટીવી પર નહોતું પણ કદાચ ટીવીનું ધ્યાન સોનલ પર હતું જ. “એ સોનલ, ક્યાય આઘીપાછી થતી નહિ કહું છું,હું આવી જરાક ગલ્લે જઈને, જોઈ આવું જરાક તાજુ કોઈ શાક આવ્યું કે નહિ?” સોનલ તો આ ઘડીની રાહ જ જોઈ રહી હતી, હાથમાં જે બે ચાર કપડા આવ્યા એ કોલેજની બેગમાં મુકીને બારણું ખુલ્લું જ મુકીને સાપ માફક બહાર સરકી.કોઈ કશુંજ પૂછે એ પહેલા તો સોનલ ઘરની બાજુના કાચા રસ્તેથી રોડ પર આવીને ઉભી રહી ગઈ.એના નસીબ પણ એટલા સારા કે એનું રોડ પર આવવું ને સામેથી બરાબર દસના ટકોરે દસની બસનું આવવું. “એક મહેસાણા” ટીકીટ મશીનમાંથી એક ટીકીટ નીકળી અને પછીતો સોનલ ને એની સામે દેખાતી બારી.આમતો આ બસમાં એણે કોલેજના સમયમાં ઘણીયે મુસાફરી કરી જ છે પણ તેમ છતાં બારીમાં આવતા જતા ખેતરો એને નવા લાગી રહ્યા હતા. અને મારી સોનલબેન પણ ગામના આ કુદરતી નજારાને મન ભરીને જોઈ રહી હતી. ખુલીને શ્વાસ લઇ રહી હતી, જાણે ફરી આ શ્વાસ મળશે કે નહિ? સંગ કાશીએ પહોંચશે કે નહિ એતો એ નહોતી જાણતી પણ સંગ એ નીકળવાનું નક્કી કર્યું હતું ને એ નીકળી ગયો હતો.

હું અહીં વાર્તા પૂરી કરું છું પણ તમને જે સુજે એ આગળ લંબાવી શકો છો. મેં મારી સોનલબેન ને ખુલા આકાશમાં લાવીને મૂકી છે, હવે એને તમે ઈચ્છો તો ઉડાડી શકો છો.

લેખકનો સંપર્ક

રોહિત પ્રજાપતિ

મો.૯૫૮૬૩૯૨૬૪૮