Anand books and stories free download online pdf in Gujarati

આનંદ

યશોધરાનું દેહલાલિત્ય પણ તમને આકર્ષી ન શક્યું. સિદ્ધાર્થ. નાઇટીમાંથી ડોકાતા ઉરોજો અને સંગેમરમર થી મઢી હોય તેવી કાયા તમને લોભાવી ન શકી. તમે બહાર અગાસીમાં આવી ગયા અને પૂરી કાયનાતને મનની આંખોથી જોવા લાગ્યા.
ચંદ્ર વગરની રાત્રીમાં દરેક તારલા ચંદ્ર બની ઝળકી રહ્યા હતા. તેમનો આછેરો અજવાસ તમારા જહનમાં ચિત્કાર લગાવતો હતો .મન એક અજંપો અનુભવતું હતું.
ટ્રેકસૂટ અને સ્લીપર પહેરી તમે નીચે આવી ગયા.
આસ્તેથી..
રાહુલને જોવાનો મોહ છોડી ન શક્યા. એક નજર ભરીને રાહુલને જોયો. માથે હાથ ફેરવ્યો. ત્યાં જ મન બોલ્યું ,રહેવા દે.. સિદ્ધાર્થ યશોધરા પાસે પાછો જા. તારાથી ત્યાગ શક્ય નથી. તમે હાથ ખેંચી લીધો.. ઝડપથી.. અને દરવાજો હળવે થી બંધ કર્યો.
દિવાન ખંડમાં આવ્યા.
ચાલની મમ્મી-પપ્પાને જોઈ લઉં .એ જ તો મારા સાક્ષાત ભગવાન.
મમ્મી-પપ્પાના બેડરૂમનો દરવાજો હળવેકથી ખોલ્યો.પપ્પા નિરાંતે સૂતા હતા .
પણ મમ્મી?
ટેબલની આગળ.. પાછળ ..ગોળ ગોળ ફરતી હતી .ઓમ નમઃ શિવાયનું રટણ ચાલુ હતું. ટેબલ ઉપર નાનુંશું સ્ફટિક શિવલિંગ હતું.ઝગારા મારતું..પોતાની તરફ આકર્ષિત કરતું.
તમે પ્રણામ કર્યા દૂરથી જ.
તમે હળવેથી દરવાજો બંધ કર્યો .ત્યાં મમ્મીની અર્ધબીડેલી અને અર્ધખુલ્લી આંખોથી આદેશ આવ્યો. "તારા પ્રશ્નોનો જવાબ લઈને જ પાછો ફરજે. 'સિદ્ધાર્થ..
તમારા પગ જકડાઈ ગયા .તનબદનમાં આગ લાગી ગઈ. એક પ્રશ્ન નહીં ?અનેક પ્રશ્નોનો જવાબ મેળવવાનો હતો. એ પ્રશ્નોનો જવાબ અહીં ન હતો.
કદાચ અહીં હતો! પણ અહીં એટલે?
તમારે મન સંસાર .
અહીં એટલે ધનદોલત, ગાડી ,બંગલા, સુંદર પત્ની ,બાળક ,સર્વ ભૌતિક સુખ..
પણ આમાં તમારું મન માનતું ન હતું. અને તમે?
હું કોણ છું? પરમપિતા પરમાત્માએ મને અહીં કેમ મોકલ્યો છે? જેવા અસંખ્ય પ્રશ્નોના જવાબ મેળવવા આ અમાસની અડધી રાત્રે, ઝગારા મારતા તારલાની ટોળી સાથે નીકળી પડ્યા.
ક્યાં જઈ શ ? એવો પ્રશ્ન મનમાં નહીં ઉદભવ્યો.
ઘરનો ઉંબરો ઓળંગતા હજુ મનોમંથન ચાલતું હતું .મારા પછી યશોધરાનું કોણ ?રાહુલને પિતાનો પ્રેમ કોણ આપશે? ઘર કઈ રીતે ચાલશે ? મા-બાપની સેવા કોણ કરશે?
સિદ્ધાર્થ. તમને એક વાત કહું ? આવા મોટા આકાશમાંથી એક તારલો ખરી જાય તો આકાશ ખાલી નથી થઈ જતું. તમે જશો. બે ઘડીક બધા રડશે અને થોડા દિવસોમાં ટેવાઈ જશે. પણ! તમારા જહનમાં ઉદભવેલા પ્રશ્નોના જવાબ મેળવવા સત્વરે જાવ. આ એક ચિનગારી છે. એક તણખો છે. જે બધાને નથી મળતો. મોટા મોટા ઋષિઓ તપ કરે વર્ષો સુધી.. તેમને પણ આ તણખો નથી મળતો .સિદ્ધાર્થ!
દૂર-સુદૂર એક શક્તિ બોલાવી રહી છે. જગતનું..શિવનું.. જ્ઞાન આપવા.. અને તમે મોડું સંતાડો છો?
કરો ઉંબરો પાર .છોડો મોહમાયાનો સંસાર .
થઈ જાઓ એકાકાર પ્રકૃતિ સાથે ..પ્રભુ સાથે.
તમારે તેને માટે ભગવાં ધારણ કરવાની જરૂર નથી કે નથી માથું મૂંડાવી ને ચિપિયો હાથમાં ઝાલવાની!
વર્ષો પહેલા, આમ જ એક સિદ્ધાર્થે.. સંસાર ત્યાગ કર્યો હતો. ભૂલી ગયા?
સિદ્ધાર્થ તમે પગ બહાર મૂક્યો. ત્યાં જ એક અવાજ આવ્યો. તમને ખૂબ ગમતો શાહરુખ ખાન નો અવાજ.
અગર આપ કિસીકો પૂરી શિદ્દત સે ચાહો તો સારી કાયનાત ઈસે આપસે મિલાને મેં જુડ જાતી હૈ.
સિદ્ધાર્થ અંદરની આગને.. ચાહતને. બહાર આવવા દો. તમે કરેલો કુદરત સાથેનો અપ્રિતમ પ્રેમ.. તમારી ચાહત ..તમને શિવ સુધી લઈ જશે જ.
અને તમે.. તમે નીકળી ગયા સિદ્ધાર્થ.
હિમાલયની ઊંચી કંદરાઓને મળવા .
બરફીલી શીલાઓને મળવા.
એકાંતમાં ગુંજતા ૐ ને મળવા.
અને આજે ?
માત્ર એક કૌપીન પહેરી. સમસ્ત શરીરે ભભૂતી લગાવી .જટા ધારણ કરી..
- ૧૦ ડિગ્રીથી પણ ઓછા એવા તાપમાનમાં, બરફથી ઢંકાયેલા , કેદારનાથના મંદિરની સામે.. તમને કંઈક મળી ગયાના આનંદમાં નૃત્ય કરતા જોઉં છું. ત્યારે મારું મન તમારા ચરણે ઝૂકી જાય છે.
સાથે ઈર્ષા પણ થાય છે કે એક ચિનગારી.. પ્રભુ મને પણ..

બીજા રસપ્રદ વિકલ્પો