અંત પ્રતીતિ - 12 Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંત પ્રતીતિ - 12

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૧૨)

સફળતાની રાહ

પુરુષાર્થ એવો કરો કે પ્રારબ્ધે પણ તેમાં પોતાનો સાથ દેવો જ પડે.

નામ એટલું રોશન કરો કે પ્રતિસ્પર્ધીને પણ હાજરીની નોંધ લેવી પડે.

ધ્વનિને પોતાની જવાબદારીનો પૂરો ખ્યાલ હતો કે ખૂબ જ ઓછા સમયમાં આટલો મોટો ઓર્ડર પોતાની કંપની પૂરો કરવાનો છે. બીજા દિવસે જ ધ્વનિએ તેને લગતા તમામ સેક્શનના બધા જ હેડ સ્ટાફની મિટિંગ બોલાવી હતી બધાએ શરૂમાં તેને અભિનંદન આપતાં ખુશી વ્યક્ત કરી. ધ્વનિએ મુખ્ય મુદ્દા પર આવીને બધા જ ઇન્સ્ટ્રક્શન આપ્યા અને કહ્યું કે આ સફળતા મારી એકલીની નથી, આપણી બધાની છે અને હવે આ જવાબદારી પણ બધાની જ છે... તેથી નમ્ર વિનંતી છે કે પૂરતો સાથ અને સહકાર મળશે, તો જ સરળતાથી આ ઓર્ડર પૂરો થશે. તો આપ બધા મારી સાથે છો ને? જરૂરી સાથ મળશે ને?” બધા જ એકી અવાજે બોલી ઉઠયાં, “યસ મેમ... અમે બધા તમારી સાથે જ છીએ. જ્યારે જે સહકાર જોઈશે તે મળી જશે.” પછી પ્રોડક્શન વિભાગ, મેન્યુફેક્ચરિંગ વિભાગ, બધા વિભાગના ઓફિસર સાથે જરૂરી ચર્ચા કરીને બધું કામ શરૂ થઈ ગયું.

બે દિવસ સખત દોડધામમાં ધ્વનિ થાકી ગઈ હતી, પણ સફળતા મળતાં જ આ થાક ઓછો લાગતો હતો. સવારથી ઓફીસમાં પણ અભિનંદનના ઘણા બધા મેસેજ આવ્યા હતાં. થોડા ઘણા પર્સનલ જવાબ આપી અને પછી આ જવાબ દેવાનું કામ તેણે પોતાની સેક્રેટરીને સોંપી દીધું. આમ આ વિચારોમાં ધ્વનિ બેઠી હતી, ત્યાં અચાનક કોઈએ દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થયું. આંખો ખોલીને જોયું તો સામે સમીર હતો... અને અચાનક પોતાની સામે ઓફિસમાં સમીરને જોઈને તેને ખૂબ આશ્ચર્ય થયું અને ખુશી પણ થઈ. સમીરે હસતાં હસતાં કહ્યું, “મેડમ કેમ છો તમે?” ધ્વનિએ હસીને જવાબ આપ્યો, “યસ સર, આપના આગમનથી ખુશ.” થોડી વાર વાતો કર્યા પછી ધ્વનિના મનના ભાવ સમીર સમજી ગયો હતો અને કહ્યું, “ચાલો, સેલિબ્રેટ કરવા આપણે બહાર જઈએ.” ધ્વનિએ સેક્રેટરીને જરૂરી સુચના આપી દીધા પછી નીકળી. નીચે જઈ કારના ડ્રાઈવરને સૂચના આપી કે તમે કાર લઈને ઘરે જજો, હું મારી રીતે ઘરે પહોંચી જઈશ.

સમીર અને ધ્વનિ તેની ગાડીમાં બેઠાં અને સમીરે ધ્વનિનું હસીને સ્વાગત કર્યું અને પૂછયું, “ક્યાં જવું છે, તને?” ધ્વનિએ કહ્યું, “સમીર એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં કુદરતનું સાનિધ્ય હોય. નીરવ શાંતિ હોય. અને તારો સાથ.” સમીરે હસીને કહ્યું, “કેમ, આજે અચાનક કુદરતના સૌંદર્યને માણવું છે? શું વાત છે?” ધ્વનિએ કહ્યું, “આ તો બે ત્રણ દિવસથી ખૂબ જ થાકી ગઈ છું. તેથી મારે થોડોક આરામ કરવો છે.” સમીરે કહ્યું, “ઓકે, જેવી મેડમની ઈચ્છા.” અને તે તુંગારેશ્વર વોટરફોલ્સ પાસે લઈ ગયો. ત્યાંનું રમણીય વાતાવરણ જોઈને ખુશ થઈ ગઈ અને સમીરની સાથે તેના સંગાથમાં સમય ક્યાં પસાર થઈ ગયો તે ખબર જ ન પડી.. .

ધ્વનિ રાતના ઘરે પરત આવી ત્યારે ખૂબ ખુશ જ જણાતી હતી, તેની આ ખુશી ઉષાબહેન અને મનસુખરાયથી છુપી ન હતી. ધ્વનિ કામમાં ખૂબ જ વ્યસ્ત રહેવા લાગી. આ મોટો મળેલો ઓર્ડર કોઈપણ સંજોગોમાં સમય પહેલા પૂરો કરવા માંગતી હતી. તેથી તે ખુદ જાતે દિવસ-રાત બધા પર દેખરેખ રાખતી હતી અને બધાના કામથી સંતુષ્ટ હતી. કામની વ્યસ્તતાને કારણે હમણાં કંઈ ઘરમાં સમય ઓછો આપી શકતી હતી. પરંતુ મનસુખરાય અને ઉષાબહેન બાળકોને ખૂબ જ સરસ રીતે સાચવી લેતાં હતાં. જોત જોતામાં બધાં કામ પૂરા થતાં હતાં. અને ધાર્યા કરતાં પણ વધારે સહજતાથી ખૂબ જ સરસ કામ બધા લોકોએ કરી બતાવ્યું હતું. તેણે મૂકેલા વિશ્વાસને એ લોકોએ સાચો કરીને બતાવ્યો હતો. ઓર્ડર પૂરો થઈ જતાં, ધ્વનિએ કંપનીને જણાવી દીધું, તો એમની માટે પણ સરપ્રાઈઝ હતી કે આટલા ટૂંકા સમયમાં કંપની કેવી રીતે ઓર્ડર પૂરો કરી શકે? અને ખૂબ અભિનંદન પાઠવ્યા... અને માલ કઈ રીતે મોકલવાનો છે એ બધી સૂચના આપી. તૈયાર માલ પેક કરીને કન્ટેનર રવાના થઈ ગયા.

ધ્વનિએ આ ખુશીના પ્રસંગે કંપનીના બધા વર્કર્સને ખાસ બોનસ જાહેર કર્યું અને દરેક કર્મચારીને કંપની તરફથી ખાસ ગિફ્ટ પણ આપવામાં આવી. બોનસ અને ગિફ્ટ બન્ને મળતાં જ બધા જ કર્મચારી ખુશ હતાં કે એમન કામની ખરી કદર કરી છે. ધ્વનિ હવે ફ્રી પડતાં જ તેણે પપ્પા સમક્ષ યુરોપ ફરવા જવાની વાત કરી. છોકરાઓ આ સાંભળીને જ ખુશ થઈ ગયાં. મનસુખરાયે પરવાનગી આપતા કહ્યું, “હા બેટા, તમે બધા ફરી આવો.” ધ્વનિએ કહ્યું, “ના પપ્પા, આપણે બધા જઈએ છીએ. આ વખતે આપણે બધા સાચે જ સાથે જઈશું અને તમારે ના પાડવાની જ નથી.” દીકરીનું મન હોવાથી અવિનાશભાઈ અને મનસુખરાય ના ન પાડી શક્યા. મનસુખરાયે ધ્વનિને કહ્યું, “આ સફળતાનો હકદાર સમીર પણ છે તેથી આપણે સમીર અને એના પરિવારની પણ ટિકિટ કરાવી લેજે. જરા સમીરને કહી દે.” ધ્વનિએ કહ્યું, “પપ્પા, તે તમારી વાત વધારે સાંભળશે એટલે તમે બંને વાત કરી લ્યો.” મનસુખરાયે સમીરને ફોન લગાડ્યો અને કહ્યું, “મારે ના સાંભળવાની નથી. આ મારો હુકમ છે. આવતા અઠવાડિયે આપણે બધાં યુરોપ ફરવા જઈ રહ્યા છીએ. તો તમારે આવવાનું છે.” સમીરે કહ્યું, “પણ...” મનસુખરાયે કહ્યું, “પણ, પણ કાંઈ નહીં. તારે ફક્ત તૈયારી કરવાની છે. બુકિંગનું બધું હું કરાવી લઈશ.” સમીરે કહ્યું, “ના, ના, તમે ચિંતા નહીં કરો. હું આખો પ્રોગ્રામ પ્લાન કરી લઉં છું.” મનસુખરાયે કહ્યું, “ભલે બેટા, તને ઠીક લાગે એમ કર.” બીજે દિવસે સમીરે ફ્લાઇટની ટિકિટ અને હોટેલ બુકિંગ બધું જ કામ પૂરા કરી દીધા અને મનસુખરાયને પણ બધું જણાવી દીધું. ચાર દિવસ પછી જવાનું નક્કી થયું હતું.

ધ્વનિ માટે બેવડી જવાબદારી હતી. ઘરમાં બધાની તૈયારી માટે સૂચનો આપવાનાં અને ઓફિસમાં પણ બધું કામ વ્યવસ્થિત ચાલે એ પ્રમાણે ગોઠવણ કરવાની... પરંતુ વર્ષા અને ઉષાબહેને તેને ઘરની તૈયારીઓથી નિશ્ચિંત કરી દીધી. તેમણે બંનેએ મળીને બધી જ તૈયારી કરી લીધી. ઓફિસના મેનેજર ગોસ્વામીએ પણ કહ્યું, “બધું કામ વ્યવસ્થિત થશે. તમે ચિંતા કરતા નહીં. ધ્વનિએ પણ મિસ્ટર ગોસ્વામી પર વિશ્વાસ મૂકીને બધા કામકાજની જવાબદારી સોંપી. કેબિનમાં મનોજની છબી આગળ જઈને ઉભી રહી અને બોલી, “મનોજ, આજે તમારા ગયા પછી પહેલી વખત મમ્મી પપ્પા બધાને યુરોપની ટૂર પર લઈ જઈશ. આજે તમે હોત તો કેટલા ખુશ થયા હોત? તમારું સપનું હતું કે ફેમિલી સાથે યુરોપની ટૂર પર જઈએ. તમારી ફરજ હવે હું બજાવું છે. પ્લીઝ, મને માર્ગદર્શન આપતાં રહેજો.” એમ બોલીને ક્યાંય સુધી મનોજની તસવીરને જોઈને મન ઉદાસ થઈ ગયું. સમીર સાથેના તેના સંબંધો... પણ પોતાના દિલ અને મનથી તે લાચાર બની ગઈ હતી. તેને જીવવા માટે હુંફ જરૂરી બની ગઈ હતી. તે મનોજના શબ્દો યાદ આવ્યાં. મનોજે એક વખત કહ્યું હતું, “ધ્વનિ મને કદાચ ક્યારેય પણ કંઈ થઈ જાય તો જિંદગીમાં ત્યાં જ અટકી ન જતી. જો તને કોઈ યોગ્ય સાથી મળે તો એની સાથે ખુશીથી જોડાઈ જજે. મને ખૂબ જ ખુશી થશે.” મનોજની આ બધી વાતો યાદ આવતાં જ, ધ્વનિની આંખો આંસુથી છલકાઈ ગઈ. અસહાય નજરે તે મનોજની તસ્વીર સામે જોઈને મનમાં બોલી, “મનોજ, તમે મને મધદરિયે મૂકીને જતાં રહ્યાં. હું સાવ એકલી પડી ગઈ, એ જિંદગીના લાંબા રસ્તા પર સમીરનો સાથ તો મળ્યો, પણ જાણું છું કે તે યોગ્ય નથી અને કાયમી પણ નથી. કદાચ... પ્લીઝ, મનોજ મને આ વાત માટે માફ કરજો. મારે આમ ન કરવું જોઈએ” પણ એનો સવાલ ત્યાં જ અટકી ગયો. કેમ કે અચાનક દરવાજો ખોલીને કોઈએ અંદર આવવાની પરમિશન માંગી. એટલે ઝડપથી ધ્વનિએ પોતાની આંસુ લૂછીને બોલી, “આવો.”

સેક્રેટરીએ કહ્યું, “બહાર કોઈ મિસ્ટર જોશી આપને મળવા આવ્યા છે. આપની એપોઇન્ટમેન્ટ નથી. પણ અર્જન્ટ છે એવું કહે છે. તેથી આપને ડિસ્ટર્બ કર્યા.” ધ્વનિએ કહ્યું, “કાંઈ વાંધો નહીં, તેમને અંદર મોકલ.” થોડી જ વારમાં એક ખૂબ જ સોહામણો યુવક અંદર દાખલ થયો અને બોલ્યો,” થેન્ક્યુ મેમ.” કહીને તેની સામે આવીને ઊભો રહ્યો પછી બોલ્યો, “સોરી મેમ, આપની એપોઈન્ટમેન્ટ વગર જ આપને મળવાની ગુસ્તાખી કરી છે, તે માટે માફી માગું છું.” ધ્વનિએ તેમને બેસવાનો ઇશારો કર્યો. “થેન્ક્યુ.” કહીને અમર જોશી ખુરશી પર બેઠા. પછી થોડો સમય ધ્વનિ તેમને જોઈ રહી અને અવલોકન કરીને બોલી, “મિસ્ટર જોશી, તમે શા માટે મને મળવા આવ્યા છો? અહીં આવવાનું કારણ?” “આમ તો હું તમને ડિસ્ટર્બ ના કરત પણ મારે હાલના સમયમાં જોબની ખાસ જરૂર છે. હું ખુદ એમ. ટેક. થયેલો છું. બે ત્રણ વખત આપની કંપનીમાં અરજી પણ કરી હતી પણ..”

“ઓકે હવે કહો, તમે શું આશા રાખો છો?” ધ્વનિએ પૂછ્યું. અમર થોડીવાર નીચું જોઈ ગયો અને બોલ્યો, “પ્લીઝ મેમ, મારે હાલમાં જોબની સખત જરૂર છે. મારા ફાધર હાલ હોસ્પિટલમાં છે. તમારી કંપનીમાં જો મને પ્યુનની જોબ પણ મળી જશે તો પણ હું તે ખૂબ જ વિશ્વાસથી નિભાવીશ.” પછી ધ્વનિએ તેની એજ્યુકેશન ફાઈલ વાંચીને થોડી વાર વિચાર કરતી રહી. પછી મિસ્ટર ગોસ્વામીને બોલાવ્યા. તેમની સાથે વાત કરીને ફેક્ટરીમાં ક્યાં જગ્યા ખાલી છે તેની ચર્ચા કરી પછી કહ્યું, “જુઓ આ અમર છે, તેમને હમણાં ફેક્ટરીમાં કામે લગાડી દો... પણ એમની લાયકાત મુજબ જગ્યા થતાં જ તેમને ત્યાં ગોઠવી દઈશું.” વાત કરીને ગોસ્વામી બહાર આવ્યા. પોતાને જોબ મળી ગઈ છે તે જાણીને અમર ખૂબ જ ખુશ થયો તે બોલ્યો, “થેંક્યુ વેરી મચ, તમારા વિષે જાણ્યું હતું એ જ પ્રમાણે તમે છો. તમારો આભાર. મારા પર વિશ્વાસ મૂક્યો અને તાત્કાલિક નોકરીએ રાખ્યા.”

ધ્વનિએ કહ્યું, “અમર જોશી, પણ એક વાત છે અમારે અહીંયા દરેક કર્મચારી કર્મચારી નથી, પણ ઘરના સભ્યો જેવા જ છે... અને કંપની એક ફેમિલી છે. કામમાં પ્રમાણિકતા રાખવી. મને આશા છે કે તમે પણ કદી ફરિયાદનો મોકો નહી આપો.” અમરે કહ્યું, “હું કદી પણ તમને કોઈ ફરિયાદનો મોકો નહી આપું. એની ખાતરી આપું છું.” એટલામાં ગોસ્વામી આવ્યાં, ધ્વનિએ કહ્યું, “ જોશીને કંપનીના નિયમો સમજાવી દેજો અને કાલથી તેમને કામ પર આવવાનું કહી દેજો.” “ઓકે મેમ.” એમ કહીને જવા ઉભા થયા. તેનું જોઈને અમર પણ તેમનો આભાર માનીને ગોસ્વામી સાથે બહાર જવા નીકળી ગયો. ધ્વનિ મનમાં વિચારતી હતી કે માનવીને કઈ કઈ રીતે જિંદગી સાથે સમજોતા કરવા પડે છે. અમરને તેના માબાપે કેટલી આશા સાથે ભણાવ્યો હશે? જ્યારે જિંદગીની રેસમાં ઉતરે છે ત્યારે બધા સપનાઓ સમય સાથે, ચૂરેચૂરા થઈ જાય છે... ને મળે છે હાથમાં ફક્ત જિંદગી સાથેના સમજોતા. શું ખરેખર જિંદગી એક સુંદર સપનું નથી? પરંતુ સ્વપ્નોને ચૂરેચૂરા કરીને તમને સમજોતાથી જીવવા માટે મજબુર કરે છે?

એટલામાં સમીરનો ફોન આવતાં તેની વિચારધારા અટકી ગઈ અને તેની સાથે વાતો કરવા લાગી. બસ, હવે બીજે દિવસે વહેલી સવારે ફ્લાઈટમાં તે બધા સાથે યુરોપની ટૂર પર ઉપડી જશે. આ વિચારથી તે ખુશ હતી. મનોજની ફરજ હવે તે નિભાવી રહી હતી મમ્મી પપ્પાને ખુશ રાખવાની. આમ મનમાં ખુશી હતી, પરંતુ સાથે થોડો રંજ પણ હતો કે તે બધાને છેતરી રહી છે... જ્યારે સમીરની વાત ચાલશે તો મારી માટે શું વિચારશે? હું તેમની નજરમાંથી ઉતરી જઈશ? પછી શું થશે? આ વિચારથી તે મુંઝાઈ ગઈ હતી.

બીજે દિવસે સવારે બધા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચ્યા. ત્યાં ટૂરના મેનેજરે તેમનું સ્વાગત કર્યું. બાળકોને ખૂબ જ ઉત્સાહ હતો. તેમણે તો ગૂગલ પર સર્ચ કરીને ઘણી માહિતી લઈ પણ લીધી હતી. થોડીવાર બધાં વાતો કરતા બેઠાં હતાં. એટલી વારમાં જ ફ્લાઇટ આવવાની એનાઉન્સમેન્ટ થઈ ગઈ એટલે બધા પ્લેનમાં ગોઠવાયા. થોડી જ વારમાં પ્લેન આકાશમાં ઊંચે ઊડવા લાગ્યું, વાદળમાંથી પસાર થવા લાગ્યું અને વાદળો સાથે વાત કરવા લાગ્યું. ઇટલી, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ફ્રાન્સ, બેલ્જિયમ, નેધરલેન્ડ ફરવાનો પ્રોગ્રામ હતો. સુંદર સ્થળે ફરવામાં સમય ક્યાં પસાર થઈ જતો હતો એ ખબર ન પડી. બધા યુરોપની ટૂર માણીને મુંબઈ રિટર્ન થઈ રહ્યાં હતાં. આ ટૂરથી બધા ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયા હતાં. મમ્મી, પપ્પા, અવિનાશભાઈ, મીનાક્ષીભાભીને પણ ખૂબ જ મજા આવી હતી. તેઓ પણ ઘણા વર્ષો પછી ઘરની બહાર નીકળ્યા હતાં આમ ધ્વનિના એક નાનકડા પ્રયત્નથી તેઓને પણ ખુશી મળી હતી. એનાથી વિશેષ ધ્વનિ માટે શું હોય?

ટૂર પરથી પાછા આવીને ધ્વનિ ઓફીસના કામકાજમાં લાગી ગઈ હતી. ૧૫ દિવસમાં મિસ્ટર ગોસ્વામીએ સરસ રીતે કામ સંભાળ્યું હતું. કામની વ્યસ્તતાને લીધે ધ્વનિ અને સમીર હમણાં બહુ મળી શકતાં ન હતાં. ક્યારેક ફોન પર વાત કરી લેતાં હતાં. અચાનક એક દિવસ બિઝનેસ માટેની મીટિંગમાં સમીર અને ધ્વનિ ભેગા થઈ ગયાં. સમીરને ત્યાં જોતાં જ ધ્વનિને આશ્ચર્ય થયું હતું. તેણે સમીર પાસે જઈને પૂછ્યું, “સમીર, તમે અહીં?” “હા, અમારી કંપની આ પ્રોજેક્ટમાં ઈન્ટરેસ્ટ ધરાવે છે, તેથી આવ્યો છું. શું તમારી કંપની પણ?” ધ્વનિ બોલી, “ના, ના... હું તો આજે કંપનીની બીજી મીટિંગ છે, તે એટેંડ કરવા આવી છું. બાય ધ વે, બેસ્ટ ઓફ લક.” “થેન્ક્યુ ધ્વનિ.” એમ સમીરે કહ્યું અને બંને છુટા પડ્યાં.

લગભગ એક કલાક જેવી બંનેની મીટિંગો ચાલી હશે. છેવટે તે કંપનીનો ઓર્ડર સમીરની કંપનીને મળ્યો હતો, તેથી તે ખૂબ જ ઉત્સાહિત હતો અને ખુશખબર તે સૌથી પહેલાં તો ધ્વનિ ને આપવા ઈચ્છતો હતો. તેણે તપાસ કરી તો ખબર પડી કે ધ્વનિ હજી મિટિંગમાં બીઝી હતી. થોડીક વારમાં તેની મીટીંગ પણ પૂર્ણ થઈ. બધા જ રૂમની બહાર આવ્યા લાગ્યા. ધ્વનિ પણ બહાર આવીને નજર ફેરવીને સમીરને શોધતી હતી. તે એક સોફા પર બેસીને મેગેઝિન વાંચતો હતો, એટલે તેની નજીક જઈને પૂછ્યું, “શું થયું?” “ધ્વનિ, ધ્વનિ, આ કોન્ટ્રેક્ટ અમને મળ્યો છે.” સમીર ખુશ થતાં બોલ્યો. એટલે ધ્વનિએ તેને અભિનંદન આપતાં ખુશી વ્યક્ત કરી. સમીરે તેનો આભાર માન્યો પછી બોલ્યો, “ધ્વનિ ઓફિસ જવાની ઉતાવળ ન હોય તો આપણે સાથે કોફી પીશું?” “હા ચોક્કસ, મારે કોઈ જ ઉતાવળ નથી. ચાલો...” એમ કહીને બંનેએ સાથે ચાલવા માંડ્યું.

કોફી પીતાં પીતાં બંનેએ વાતો ચાલુ કરી. અને સમીરે કહ્યું, “કંઈ કેટલા દિવસે મળ્યા છીએ? હમણાં તું પણ ખૂબ બિઝી રહે છે?” ધ્વનિ બોલી, “હા, જો ને... ટૂર પરથી આવ્યા પછી ખૂબ જ કામ રહે છે... તેથી મળવાનું મન થાય તો પણ મળી શકાતું નથી.” સમીરે ધ્વનિના હાથ પર પોતાનો હાથ મૂકી દીધો પછી ક્યાંય સુધી બંને આંખોની ભાષા થી વાતો કરતાં હતાં. પછી તેઓ બહાર જવા નીકળ્યાં.

***