પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૪ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૪

ભાગ ૨૪

મિસાનીએ તે ડિવાઇસમાંનો મેસેજ વાંચ્યો અને દિગ્મૂઢ થઇ ગયો. તેમાં લખ્યું હતું કે પ્રોટોકોલ અનુસાર કોઈ પણ રોબોટ સાયમંડને મારી ન શકે અને જે કોઈ આવી ઇન્સ્ટ્રક્શન આપશે તેને રોબોટ ખતમ કરી દેશે.

મિસાનીએ ડોકું ધુણાવ્યું અને કહ્યું, “અલ્લાહ એની રૂહને જન્નત બક્ષે.”

પછી તે ડિવાઇસ સ્વીચ ઑફ કર્યું અને પોતાનો સામાન સમેટીને અડધા કલાકમાં ત્યાંથી પલાયન થઇ ગયો.

બીજી તરફ સાયમંડ હેરાન પરેશાન હતો કે કેવી રીતે રોબોટ્સ ફરી એક્ટિવેટ થઇ ગયા. સિકંદરે નક્કી કોઈ બીજો રસ્તો શોધી કાઢ્યો હશે. પછી તે જુદી જુદી સંભાવનાઓ પર વિચાર કરવા લાગ્યો. ઇયા, મિસાની કે યુલર? ના યુલર ન હોઈ શકે તે તો .... તે જલ્દીથી મેઈન સર્વર તરફ ગયો અને ત્યાં પોતાનું ડિવાઇસ અટેચ કરીને રિવર્સ ટ્રેકિંગ સિસ્ટમ અપલોડ કરવા લાગ્યો, જેથી બીજા કોઈ ડિવાઇસમાંથી રોબોટ્સને કોઈ ઇન્સ્ટ્રક્શન આપે તો તે ટ્રેક થઇ જાય. તેની આ પ્રક્રિયાનું રિઝલ્ટ તેને થોડા જ સમયમાં મળી ગયું, તે ઝડપથી ત્યાં પહોંચ્યો, પણ ત્યાં ફક્ત ઈયાની લાશ મળી, ડીવાઈસ ગાયબ હતું.

******

 શ્રેયસ જયારે મુખ્ય અંતરીક્ષયાનમાં પહોંચ્યો. તે મીની યાનમાંથી નીકળ્યો ત્યારે ત્યાં હાજર રહેલ દરેક વ્યક્તિના ચેહરા ઉપર આશ્ચર્ય હતું અને દરેક જણ તેને એમ જોઈ રહ્યા હતા જાણે તે કોઈ આઠમી અજાયબી હોય.

શ્રેયસે રેહમન તરફ જોયું અને પૂછ્યું, “શું થયું?”

રેહમનના મોઢામાંથી શબ્દ નીકળી રહ્યા નહોતા. તે ફક્ત એટલું બોલ્યો, “આ અશક્ય છે?”

તે સમયે ઇયાન તેની નજીક આવ્યો અને કહ્યું, “આ તરફ આવો.” એમ કહીને કે સ્ક્રીન તરફ લઇ ગયો અને તેનો કેમેરા ઓન કર્યો. શ્રેયસે સ્ક્રીન તરફ જોયું, જેમાં તેને પોતાનો ચહેરો દેખાઈ રહ્યો હતો. હવે હેબતાવાનો વારો શ્રેયસનો હતો. તેના ગળા અને ચેહરા ઉપરની કરચલીઓ દૂર થઇ ગઈ હતી, તેના વાળની સફેદી દૂર થઇ ગઈ હતી. તે ફરી યુવાન થઇ ગયો હતો.

તેના મગજમાં વિચારોનું વાવાઝોડું વહેવા લાગ્યું. હિમાલયની યાત્રા દરમ્યાન ગુરુજીએ કહેલો કિસ્સો તેને યાદ આવી ગયો.

યયાતિએ જયારે બ્રહ્માજી પાસે પોતાની યુવાની પાછી મેળવવા માટે શું કરવું જોઈએ એવું પૂછ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું હતું કે એવી સૃષ્ટિમાં જાઓ જ્યાં સમય ઉંધી દિશામાં વહેતો હોય.

તેના રુંવાડા ઉભા થઇ ગયા તે વિચારવા લાગ્યો કે હું ત્યાં જઈ આવ્યો જેનો ઉલ્લેખ બ્રહ્માએ કર્યો હતો, પ્રતિસૃષ્ટિ. ધીમે ધીમે બધાં સામાન્ય થઇ ગયા એટલે બધાંએ  તેના માટે ખુશી વ્યક્ત કરી.

વાતાવરણને થોડું હળવું કરવા ઇયાને કહ્યું, “સારું થયું! તમે ગયા ત્યાં હું ન ગયો,  નહીં તો તમારી સામે એક બેબી ઉભો હોત.” તંગ વાતાવરણ વચ્ચે પણ બધા હસી પડ્યા.

સિવાને કહ્યું, “ખબર નથી કે અહીં કેટલા રહસ્યો પડ્યા છે! એકનું પરિણામ સારું આવ્યું એટલે જરૂરી નથી કે અહીં બધું સારું જ થશે. આપણે અત્યારે અવકાશમાં છીએ એટલે સલામત છીએ, પણ શક્ય છે કે આગળ સલામત ન રહીયે. આપણે અહીંથી પાછા જઇયે.”

શ્રેયસે તેના ખભા પર હાથ મુક્યો અને કહ્યું, “આપણે થોડો સમય અહીં જ રોકાવું પડશે અને ત્યાં સુધીમાં કેલી રોબોટ બનાવવાનું કામ કરી લેશે.”

રેહમને કહ્યું, “પણ આપણે તો અન્ટિન્યુટ્રીનો લઈને પૃથ્વી પર પાછા વળવાનું હતું.”

શ્રેયસે કહ્યું, “યુદ્ધ રણભૂમિમાં લડાય ઘરમાં નહિ.”

રેહમને કહ્યું, “હું સમજ્યો નહિ.”

શ્રેયસે થોડી માહિતી પ્રતિપદાર્થ વિષે આપી અને કહ્યું, “આપણી સૃષ્ટિમાં પણ પહેલા પ્રતિપદાર્થનું અસ્તિત્વ હતું, પણ પદાર્થ અને પ્રતિપદાર્થે એકબીજાને નષ્ટ કર્યા અને ઉર્જાનું નિર્માણ થયું. હવે વિચારો કે પૃથ્વી ઉપર જો ન્યુટ્રીનો અને અન્ટિન્યુટ્રીનોની ટક્કર થાય તો કેટલી ઉર્જાનું નિર્માણ થાય? જે ઉર્જા નિર્માણ થાય તેનાથી પૃથ્વી જ નહિ, પણ આખી સૂર્યમાળા પણ નષ્ટ થઇ જાય. તેથી આપણે પ્રતિબ્ર્હ્માંડને જ રણભૂમિ બનાવીશું.”

રેહમને પૂછ્યું, “શું સિકંદર અહીં આવશે?”

શ્રેયસે કહ્યું, “તે અહીં જરૂર આવશે. મેં તે માટે તખ્તો ગોઠવી રાખ્યો છે. આપણી સાથે સિકંદરનો એક જાસૂસ પ્રવાસ કરી રહ્યો હતો.”

શ્રેયસની આ વાત સાંભળતાં જ બધા એકબીજાના ચેહરા તરફ જોવા લાગ્યા.

શ્રેયસે કહ્યું, “ચિંતા ન કરશો તે તમારામાંથી કોઈ નહિ, પણ એક રોબોટ હતો. જેણે આપણા પૂર્ણ પ્લાનિંગ વિશેની વાતો રેકોર્ડ કરી હતી અને જયારે તેને મોકો મળ્યો ત્યારે પ્રોડિસ ઉપરના સાધન દ્વારા સિકંદરને મોકલી દીધી. તેમાં તેણે પ્રોડિસ સુધી આવવાનો રૂટ પણ મોકલ્યો હતો. તે આગળ કોઈ જાસૂસી ન કરે તે માટે મેં તેની એક ચિપ બદલી દીધી હતી અને તેથી પ્રોડિસ ઉપરના મુખ્ય કોમ્પ્યુટરમાં તે જ રૂટ મૂકી દીધો અને આપણું એન્દ્રી જુદા રૂટથી મોકલ્યું. તેથી સિકંદર અને પ્રોડિસો નક્કી એક બીજાને ટકરાશે અથવા તેમની વચ્ચે સમજૂતી થશે. ઉપરાંત અહીં સુધીના રૂટની જાણકારી પણ તેના સુધી પહોંચી જાય તેવી વ્યવસ્થા મેં કરી છે. તેથી તે અહીં આવશે અને તેનો સામનો આપણે અહીં કરીશું. કેલી, તારી પાસે બહુ જ ઓછો સમય છે તારે ઝડપ બતાવવી પડશે.”  

              શ્રેયસે સિવાન સામે જોઈને પૂછ્યું, “આપણા યાનની જેટલી ઝડપ છે, એટલી જ પ્રોડિસોની મેક્સિમમ લિમિટ છે?”

સિવાને કહ્યું, “ના, તેમણે મને જે ટેક્નોલોજી આપી, તે તેમના માટે આઉટડેટેડ હતી અને તેમના યાનોની ગતિ પ્રકાશ કરતાં પંદર ગણી વધુ છે.”

શ્રેયસ મનોમન ગણતરી કરવા લાગ્યો અને કહ્યું, “આપણી પાસે ખરેખર બહુ ઓછો સમય છે, તે યાન એક મહિના જેટલા સમયમાં અહીં આવી શકે છે.”

રેહમને પૂછ્યું, “તમે આટલું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકો છો?”

શ્રેયસે કહ્યું, “મેં મારું સમગ્ર જીવન આ પ્રકારના  પ્લાનિંગમાં વિતાવ્યું છે, ઉપરાંત મારી છઠ્ઠી ઇન્દ્રિય પણ સંકેત આપે છે તેનો સામનો અહીં જ થશે.”

કેલી પોતાનો રોબોટ તૈયાર કરી રહી હતી અને બાકીની ટીમ તેને મદદ કરી રહી હતી. તે સમયે  શ્રેયસ તેના ડિવાઇસમાં ગેમ રમી રહ્યો હતો. વીસ પૃથ્વીદિવસને અંતે પણ તેને સફળતા મળી નહોતી, ક્યાંક કંઈક તો ખૂટી રહ્યું હતું. સરોજે તેની સમસ્યા દૂર કરી દીધી અને પચ્ચીસમા દિવસને અંતે તેનો સૌથી આધુનિક એન્ટિન્યુટ્રીનો રોબોટ તૈયાર હતો.

કેલીએ મજાકમાં પૂછ્યું, “આનું નામ શું રાખીશું?”

ત્યારે ગેમમાં માથું ખોસીને બેસેલા શ્રેયસે માથું ઊંચું કરીને કહ્યું, “આનું નામ પોરસ રાખીશું. પોરસ સાથેના યુદ્ધ પછી જ સિકંદરે પોતાનું જગત જીતવાનું અભિયાન પડતું મૂક્યું અને પાછો વળી ગયો હતો.”

કેલીએ પોરસને યાનની બહાર જવા સૂચના આપી અને તે તરત યાનના દીવાલોની આરપાર નીકળી ગયો. પછી કેલીએ તેને કાલાબાજીઓ ખવડાવી અને ત્યારબાદ અંદર આવવા કહ્યું.

શ્રેયસે કહ્યું, “આપણને સિકંદરનો જવાબ તો મળી ગયો છે, પણ શું પોરસમાં માર્શલ આર્ટ કે વિભિન્ન હથિયાર ચલાવવાનો પ્રોગ્રામ છે?”

કેલીએ કહ્યું, “બેસિક ટ્રેઇનિંગ તો છે.”

શ્રેયસે કહ્યું, “સિકંદર પૂર્ણત્વને પામેલો અત્યાધુનિક રોબોટ છે, તેની સાથે યુદ્ધ કરવા માટેનો પ્રોગ્રામ સૌથી એડવાન્સ હોવો જોઈએ.”

કેલીએ કહ્યું, “પૃથ્વી ઉપર મારી પાસે બધી ફેસિલિટી છે, પણ અહીં-“

શ્રેયસે પૂછ્યું, “શું પોરસ કોઈ વ્યક્તિ સાથે એકાકાર થઇ શકે?”

કેલીએ કહ્યું, “હા ચોક્કસ.” પણ વાતનો મર્મ સમજ્યા પછી તેની આંખો પહોળી થઇ ગઈ.    

ક્રમશ: