પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૫ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૫

ભાગ ૨૫

કેલીએ ઉત્તેજિત થતા પૂછ્યું, “તમે કહેવા શું માંગો છો?”

શ્રેયસે કહ્યું, “તું સારી રીતે સમજી ગઈ છે કે હું શું કહેવા માંગુ છું.”

કેલીની આંખમાં ડર દેખાઈ રહ્યો હતો. તેણે કહ્યું, “આ તો આત્મહત્યા કહેવાય અને હું તે માટે રજા નહીં આપું, તમને ખબર છે અંતમાં રોબોટનો વિનાશ થવાનો છે.”

“મને ખબર છે શું થવાનું છે, પણ આખી માનવજાત ફક્ત મારા બલિદાનથી બચી જતી હોય તો તેનાથી રૂડું શું?”

રેહમનને છોડીને બાકી બધાંએ એવું કરવાની ના પડી અને ઇયાને તો તેની જગ્યાએ પોતે રોબોટ સાથે એકાકાર થવાની વાત કરી, પણ શ્રેયસ પોતાની વાતમાં મક્કમ રહ્યો એટલે બધાંના હાથ હેઠા પડ્યા.

કેલીની આંખમાં આંસુ જોઇને શ્રેયસે કહ્યું, “તું રડ નહિ, આપણું મિલન થઈને રહેશે. જો આપણું મિલન થવાનું ન હોત તો મને મારી યુવાની પછી ન મળત. તું ચિંતા ન કર, હું જરૂર પાછો આવીશે.”

પછી કેલીએ શ્રેયસને એક ઇન્કયુબેટરમાં સુવાનું કહ્યું અને રોબોટને તે ઇન્કયુબેટરમાં પ્રવેશવાની ઇન્સ્ટ્રક્શન આપી અને ખાસ્સીવાર સુધી તે કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ કરતી રહી અને જયારે તેની આંગળીઓ થભી ત્યારે તેનો બનાવેલો પોરસ શ્રેયસની અંદર સમાઈ ગયો હતો. શ્રેયસ બેભાન હતો. કેલીએ ઇન્કયુબેટરનો દરવાજો ખોલ્યો અને શ્રેયસની નાડી તપાસી.

તેની નાડી ધીમી પડી રહી હતી અને ધીમે ધીમે તે બંધ થઇ ગઈ. તેણે શ્રેયસના હૃદયના ધબકારા ચેક કર્યા, તે પણ બંધ થઇ ગયા હતા. તે પોતાના બંને હાથ શ્રેયસની છાતી ઉપર મુકીને જોરજોરથી દબાવવા લાગી. 

બધાં બાજુમાં ઉભા હતા, પણ તેણે કંઈ કહેવાનું સાહસ કોઈનામાં ન હતું. તે આક્રોશમાં પાગલની જેમ લવારા કરી રહી હતી, “એક વાર ઉઠી જા, મેં ના પડી હતી છતાં તે આ સાહસ કર્યું. આપણે પૃથ્વી ઉપર પાછા જઈશું, દરિયા કિનારે ઘર બનાવીશું. તું માછલી પકડીને લાવજે, હું તારા માટે માછલીની સ્વાદિષ્ટ વાનગી બનાવીશ. તને ભાવતી બધી વસ્તુઓ બનાવીશ.”

રેહમનને ડોક્ટરને એન્દ્રિમાં જ પાછા મોકલી દેવાની વાત ઉપર અફસોસ થઇ રહ્યો હતો. પછી કેલીએ પોતાના પ્રયાસો પડતા મૂકીને,  તેની છાતી પર માથું મૂકીને રડવા લાગી. થોડીવાર પછી તેણે શ્રેયસના હોઠ ઉપર હોઠ મુકીને ચસચસતું ચુંબન કર્યું અને જાણે તેના એક ચુંબનથી શ્રેયસ જીવિત થયો હોય તેમ શ્રેયસે આંખો ખોલી દીધી.

તેની આંખોની કીકીનો રંગ બદલાઈને સોના જેવો પીળો થઇ ગયો હતો, તેનું હૃદય ફરીથી ધબકવા માંડ્યું હતું. તે તરત ઇન્કયુબેટરમાંથી ઉછાળીને બહાર આવી ગયો. બધાંના ચેહરા ઉપર ખુશીની લહેર આવી ગઈ હતી.

જોવાલાયક કેલીનો ઉન્માદ હતો. ઉન્માદમાં તેને ભાન ન હતું કે તે શું કરી રહી છે. તે કોઈ વાર શ્રેયસના ગાલ ઉપર તો કોઈ વાર હોઠ પર તો કોઈવાર ગળા પર ચુંબન કરી રહી હતી. રેહમને ઈશારો કર્યો એટલે બાકી બધા ત્યાંથી નીકળીને કંટ્રોલ રૂમમાં ગયા. હંમેશા શ્રેયસના ચેહરા પર છવાયેલા રહેતા કોમળ ભાવોએ રુક્ષતાનું રૂપ લઇ લીધું હતું.

તેણે કેલીને કહ્યું, “આ પ્રેમનો નહિ, યુદ્ધનો સમય છે, આવ મારી સાથે.” એમ કહીને તેનો હાથ પકડીને કંટ્રોલ રૂમ તરફ લઇ જવા લાગ્યો, પણ કેલી ચાલતા ચાલતા તેને પ્રેમથી નિહારી રહી હતી, તે સાચા અર્થમાં પ્રેમદિવાની બની ગઈ હતી અને તેને ખબર નહોતી કે આ દીવાનાપણું આગળ જઈને શ્રેયસની રક્ષા કરવાનું હતું.

કંટ્રોલ રૂમમાં આવીને તેણે રેહમનને ઉદ્દેશીને કહ્યું, “કેપ્ટ્ન, હવે તમે આ યાન લઈને પ્રોડિસ તરફ પાછા વળી જાઓ. હું સિકંદરની અહીં જ રાહ જોઇશ અને હું સિકંદરને પતાવીને ત્યાં પાછો આવીશ.”

રેહમને કહ્યું, “પણ.”

શ્રેયસે તેની વાત કાપી દીધી અને કહ્યું, “મને ખબર છે, મારે શું કરવાનું છે અને મને તે વિષે સ્પષ્ટ આદેશો મળી ગયા છે. હવે આપ મારી ચિંતા કર્યા વગર પાછા વળી જાઓ.”

પછી તેણે બધાં સાથે હાથ મિલાવ્યા અને કેલીને માથે ચુંબન કર્યું અને એક જ ક્ષણમાં યાનની દીવાલની આરપાર નીકળી ગયો. હવે તે અંતરિક્ષમાં તારી રહ્યો હતો કોઈ પણ જાતના આધાર વિના. રેહમને પાઇલટને પાછા વાળવાનો આદેશ આપ્યો. શ્રેયસ ત્યાં સુધી યાનને તાકી રહ્યો, જ્યાં સુધી તે વર્મહોલમાં ન પ્રવેશ્યું.

*****

     થોડા પાછળના સમયમાં જઇયે .

  સિકંદર અંતરિક્ષમાં પ્રકાશની ગતિથી પ્રવાસ કરી રહ્યો હતો. પૃથ્વીથી અંતરીક્ષનો પ્રવાસ શરુ કર્યાને તેને પંદર દિવસ થઇ ગયા હતા. ત્યાં તેને દૂર એક અંતરીક્ષયાન અસાધારણ ગતિથી તેની દિશામાં આવતું દેખાયું. તેણે પોતાને તૈયાર રાખ્યો અને પોતાની ગતિ અને તે યાનની ગતિનું સંતુલન બનાવીને તે યાનમાં પ્રવેશી ગયો.

તે થોડીવાર સુધી અંદરની દીવાલો સાથે અથડાતો કૂટાતો રહ્યો, પણ પછી સંતુલન બાનવીને ઉભો થયો. તેણે બધી જગ્યા ઉપર નજર ફેરવી અને જોયું કે તે યાનના નીચલા ભાગમાં છે. તે ફરી પાર્ટિકલના સ્વરૂપમાં આવીને ઉપર ગયો.

તેણે જોયું કે તે એક વિચિત્ર દેખાતા જીવની સામે ઉભો હતો. તે વિચિત્ર જીવ ખુરસીમાં બેસીને કોઈને અજાણી ભાષામાં આદેશ આપી રહ્યો હતો. તે જીવ લગભગ સાત ફૂટ ઊંચો હતો તેની આંખો ગોળ હતી અને માથે સોનેરી જુલ્ફાં હતા, નાકની જગ્યાએ એક કાણું હતું અને તેની ઉપર એક નાની ઝાલર હતી અને હોઠ તો જાણે હતા જ નહિ અને કાનની જગ્યાએ કાણા હતા.

સિકંદરે તેની તરફ જોયું અને હેલો કહ્યું, પણ સિકંદરને ખબ નહોતી કે તેની પાછળ એક જીવ પહોંચી ગયો હતો. તે જીવે પાછળથી સિકંદરને ધક્કો માર્યો એટલે તે નીચ પડી ગયો. તેણે પોતાની ગન સિકંદર તરફ તાકી અને તે ફાયર કરે તે પહેલા જ તે નીચે પાડીને તડફડી રહ્યો હતો અને સિકંદર તેની પાછળ ઉભો ઉભો હસી રહ્યો હતો.

ખુરસીમાં બેસેલા જીવની આંખોમાં દહેશત દેખાવા લાગી, તેનો અંગરક્ષક તેની આંખ સામે દમ તોડી રહ્યો હતો. ત્યાં જ પાછળથી બિલ્વીસ આવ્યો. સિકંદર તેને જોઈને સમજી ગયો કે તે પૃથ્વીવાસી છે.

તેણે બિલ્વીસને કહ્યું, “આને પૂછ કે હું પૂછી રહ્યો છે કે આ કોણ છે?”

બિલ્વીસે દૂરથી જોયું હતું કે અંગરક્ષક કેવી રીતે માર્યો તેથી દુભાષિયા બનવામાં સાર છે એવું તે સમજી ગયો હતો.

બિલ્વીસે સિકંદરના પ્રશ્નને તેમની ભાષામાં કહ્યો.

તે જીવે કહ્યું, “અમે બિલકિન્સ ગ્રહના નિવાસી બિલાકીન્સ છીએ.”

સિકંદરે પૂછ્યું, “તો પછી પ્રોડિસો કોણ છે?”

તે જીવે કહ્યું, “પૃથ્વીવાસી અમને પ્રોડિસોના નામે ઓળખે છે,. પણ તમે કોણ છો અને મારો અંગરક્ષક કેવી રીતે મરી ગયો?”

સિકંદરે કહ્યું, “હું આ સૃષ્ટિનો સર્વશ્રેષ્ઠ રોબોટ છું અને ખતરનાક પણ. હું ચાહું તો હમણાં જ બધાંને મારીને આ અંતરીક્ષયાન મારા તાબામાં લઇ શકું છું, પણ હું સહયોગમાં માનું છું અને તમારી ટેક્નોલોજીથી અભિભૂત થઇ ગયો છું, તેથી તમે જીવતા છો.”

તેની વાત સાંભળીને બિલાકીન્સની આંખોમાં ક્રોધ ઉભરાઈ આવ્યો, પણ પોતાના અંગરક્ષકની લાશ જોઈને તેને કાબુમાં કર્યો અને કહ્યું, “તમને અમારી પાસેથી શું સહયોગ જોઈએ છે? અને બદલામાં તમે અમારા માટે શું કરશો?”

સિકંદરે કહ્યું, “મને ઝડપથી વર્મહોલ સુધી પહોંચવામાં મદદ કરો અને તમને મારી પાસેથી શું જોઈએ છે, તે કહો.”

બિલાકીન્સે કહ્યું, “અમે અમારા માટે ઘર શોધી રહ્યા છીએ, અમારો ગ્રહ નષ્ટ થવાને આરે છે.”

સિકંદરની આંખોમાં ચમક આવી ગઈ, તેણે કહ્યું, “હું તમને પૃથ્વી ઉપર વસાવીશ આમેય માનવ ધરતી ઉપર વસવાને લાયક નથી, મને તેમનાથી નફરત છે. એકવાર મારું કામ પૂરું થાય એટલે માનવોને ધરતી ઉપરથી ખતમ કરી દઈશ અને તમને ત્યાં વસાવીશ.”

બિલાકીન્સ તેની વાત સાંભળીને ખુશ થઇ ગયો.

 

ક્રમશ: