એન્જિનિયરિંગ ગર્લ - 8 - 2 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એન્જિનિયરિંગ ગર્લ - 8 - 2

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૮

ભાગ - ૨

મારો પરિવાર

આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર.

***

આજની મમ્મી જેન્યુઇન હતી. એ જ્યારે પણ સારું લગાડવા કંઈ પણ કરતી હોય ત્યારે ખબર પડી જ જતી. પણ આજે એ પહેલાં જેવી મમ્મી હતી. એ મને મારી કૉલેજ વિશે પૂછી રહી હતી, મારાં પેપર કેવા ગયા, મારી બધી ફ્રૅન્ડ્સ શું કરે છે, અમદાવાદમાં શું નવુ ચાલી રહ્યું છે..? એવા બધાં કેઝ્યુઅલ સવાલો પૂછાઇ રહ્યા હતાં. મારાં માટે તો મમ્મી પાસેથી સાંભળવું નવાઈ હતી. આ બીહેવીઅર શામાટે ચૅન્જ થયો છે? શા માટે મમ્મી આટલી સારી રીતે વાતો કરી રહી હતી? આ બધાં સવાલો મારાં મનમાં હતાં જ. મારાં હૃદયનો એક ખૂણો આ મમ્મી ચાહતો હતો તો બીજી તરફ શંકાઓ પણ ફૂટી રહી હતી. મમ્મીને ખુશ જોઈને મને પણ એમની સાથે અમુક વાતો શેર કરવાનું મન થઈ રહ્યું હતું. મને એવું લાગી રહ્યું હતું કે આ સમયે મમ્મી મને સમજી શકશે. અને આ ટ્રીપમાં મારે મમ્મીને વિવાન વિશે પણ કહેવાનું હતું. એટલે ધીરે ધીરે હિંમત તો ભેગી કરવાની જ હતી.

મેં વિચાર કરી લીધો હતો કે મમ્મીને શું કહું. મેં એમનાથી જે છૂપાવ્યું હતું, એ હવે હું એમને કહેવા માંગતી હતી. મ્યૂઝિક. મ્યૂઝિક ક્લાસીસ. હું મમ્મીને કીચનમાં હૅલ્પ કરી રહી હતી. મમ્મી વાત કરી રહી હતી કે ‘અમદાવાદ આવવુ છે. ઘણા દિવસોથી અમુક સંબંધીઓને પણ નથી મળ્યા અને અમે ક્યાં રહીએ છીએ એ જોવાઇ પણ જાય. સાથે અમદાવાદ ફરી પણ લેવાય.’ હું મમ્મીની ‘હા’ માં હા મીલાવી રહી હતી. હું નહોતી ચાહતી કે ઘણા દિવસો પછી આવેલી આ સ્માઈલ પાછી ક્યાંક ખોવાઇ જાય.

‘મમ્મી હું મ્યૂઝિક શીખી રહી છું.’, મેં સ્માઈલ કરતા કરતા કહ્યું. એ મારાં તરફ ફરી.

‘મ્યૂઝિક?’, એણે ચહેરો મારાં તરફ ફેરવીને સ્માઈલ સાથે કહ્યું.

‘હા મમ્મી, કીબોર્ડ અને ગિટાર.’

‘એટલે તારે મ્યૂઝિશિયન બનવુ છે કે એન્જિનિયર?’, એણે હળવે હળવે હસતા હસતા કહ્યું.

‘મને એમ થયું કે હું કોઈ ઇન્ટ્રુમેન્ટ શીખું, મજા આવશે. સો મેં ક્લાસ જોઈન કર્યા છે.’

‘હ્મ્મ્મ, તો શું શીખી?’

‘હજુ એટલું બધું નથી શીખી, પણ સોંગ્સ વગાડી શકું છું. અમુક નવી ટ્યુન બનાવી શકું છું. હવે અલગ અલગ રાગો શીખી રહી છું.’ મમ્મી મારી તરફ ફરી જોઈ રહી.

‘જો બેટા મને કોઈ જ પ્રોબ્લેમ નથી કે તું મ્યૂઝિક શીખે કે બીજુ કંઈ. હું બસ ઇચ્છુ છું કે તું તારું ઍન્જિનિયરિંગ સારી રીતે પુરૂ કરે.’

‘મમ્મી ટ્રસ્ટ મી, હું ઍન્જિનિયરિંગ બહુ જ સારી રીતે પુરું કરીશ. અને તમે જો ઇચ્છશો તો હું માસ્ટર્સ પણ કરીશ. બટ મમ્મી મારાં અમુક શોંખો છે. બસ એ પુરા કરવા છે. અને તમે મને સાથ આપશો તો મને બહુ જ ગમશે.’, મારી વાત સાંભળીને મમ્મીએ મારાં માથા પર હાથ મુક્યો. મને બહુ જ ગમ્યુ. મમ્મીનો મારાં માથા પર હાથ મુકવાનો અર્થ એ હતો કે મ્યૂઝિક માટેની એમની પરમિશન મળી ગઈ હતી. આજે ખરેખર એવું લાગી રહ્યું હતું કે મમ્મી મને સમજી રહી હતી.

‘થેંક્સ મમ્મી.’, હું મમ્મીને ગળે વળગી ગઈ.

‘અરે તારા હાથ બગડેલા છે.’, એણે મને યાદ અપાવ્યું.

‘તો તું મને કંઈક સરપ્રાઇઝ આપવાની છો?’, હવે હું મમ્મી સાથે ખુલીને વાત કરી શકતી હતી.

‘પપ્પાએ મને કહ્યું.’,

‘બીજુ શું કહ્યું?’, એ થોડી ટેન્સ થઈ. જાણે પપ્પાએ મને કાલના ઝઘડા વિશે પણ કહી દીધું હોય.

‘બીજુ કંઈ નહીં, બસ તું મને સરપ્રાઇઝ આપવાની છો.’

‘હા, એક સરપ્રાઇઝ તો તારા માટે પ્લાન કરી છે.’

‘કહેને મમ્મી શું છે.’, મેં મમ્મીનો હાથ પકડતા કહ્યું.

‘અરે તારા હાથ લોટવાળા છે.’, મમ્મીએ ફરી યાદ અપાવ્યું.

‘હું બહુ જ એક્સાઇટેડ છું, ક્યારે આપીશ સરપ્રાઇઝ.’

‘આજે રાતે.’

‘થેંક્સ મમ્મી.’, મેં મમ્મીને સ્માઈલ સાથે કહ્યું.

‘અરે બેટા તારા માટે તો જીવીએ છીએ. જે ભૂલ અમે કરી એ તારાથી ના થાય.’, એ થોડી ઉદાસ થઈને બોલી. મને સમજાયુ નહીં.

‘એટલે?’

‘એટલે કંઈ નહીં. ચાલ જલદીથી લોટ બાંધ તારા પપ્પાને ભૂખ લાગી હશે.’

એ સાંજ સુધી હું વિચારતી રહી કે મમ્મી મને શું સરપ્રાઇઝ આપી શકે. પણ હું કોઈ ગેસ જ ના કરી શકી. હા હું રાતની વાટે હતી. એવી તો કેવી સરપ્રાઇઝ હતી કે જેના લીધે મારી મમ્મીના ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી. જે વાત મને ટૅન્શન અપાવી રહી હતી તે એ પણ હતી કે, એ કઈ સરપ્રાઇઝ હતી કે જેના લીધે મારાં મમ્મી પપ્પાનો ઝઘડો પણ થયો હતો. કારણ કે મેં માની જ લીધું હતું કે ગઈ કાલનો ઝઘડો જે મને સૃષ્ટિ કહી રહી હતી એને મમ્મીના બિહેવિયરલ ચૅન્જ સાથે બહુ જ લેવા દેવા હતાં. બસ અમુક કલાકોની વાર હતી. બસ પન્ના ખુલવાના જ હતાં.

***

રાતનું ડિનર પણ મેં અને મમ્મીએ જ બનાવ્યું હતું. આજે મમ્મી બહુ જ ચૂઝી બની ગઈ હતી. બધી જ વસ્તુને વારંવાર ટેસ્ટ કરી રહી હતી. કંઈક ખામી ના રહી જાય એની ખૂબ જ કાળજી લઈ રહી હતી. કાઠિયાવાડી ઘરમાં આજે પંજાબી જમણ બન્યું હતું. પપ્પા બહારથી મોતીચુરના લાડુ અને કાજુકતરી લઈ આવ્યાં હતાં. મમ્મીએ બનાવેલો અડદીયો પણ પીરસાવાનો હતો. મામા અને માસીના ઘરેથી બધાં આવી ગયા હતાં. મને રસોડામાંથી મમ્મીએ રજા આપી દીધી. હું, ત્રિશા અને ચિરાગ બહાર ગૅલેરીમાં હિંડોળે બેસવા ચાલવા ગયા હતાં. જેથી અમે ખૂલીને વાતો કરી શકીએ.

માસીના ચિરાગનું MBBS ચાલું હતું અને ત્રિશાનું ઍન્જિનિયરિંગનું ફર્સ્ટ યર. પહેલેથી જ અમે કઝીન જ્યારે પણ ભેગા થતા ત્યારે ખૂબ જ ધમાલ કરતા. એમાં પણ હું અને ચિરાગ તો ખાસ. બટ ઍન્જિનિયરિંગના ઍડમિશન પછી મારામાં થોડો ચૅન્જ આવી ગયો હતો અને અમારું મળવાનું ઓછું થઈ ગયું. બટ હવે હું કમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી.

ત્રિશા ટિપિકલ વાત જ કરી રહી હતી. ઇંગ્લિશ ખૂબ જ હાર્ડ લાગે છે. ફર્સ્ટ યરના ઍન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સની આ કોમન પ્રોબ્લેમ હોય છે. હું તો એને એ પૂછવા ઇચ્છતી હતી કે કોઈ છોકરો ગમ્યો કે નહીં? બટ મેં ખુદને રોકી લીધી.

‘મમ્મી સાથે જામી ગયું લાગે છે.’, ચિરાગ બોલ્યો.

‘ખબર નહીં, આ વખતે મમ્મી ઘણી બદલાયેલી લાગે છે. એ કંઈક સરપ્રાઇઝ આપવાની વાત કરી રહી છે.’

‘હા થોડા ચેન્જ્ડ તો લાગ્યા. કેવી ચાલે છે કૉલેજ?’, હિંચકતા હિંચકતા ત્રિશાએ પૂછયું. મમ્મીએ બહાર હિંડોળે હિંચકવાની ના પાડી હતી. બહાર ઠંડી ઘણી હતી. છતાં અમે અમારી જગ્યાએ આવી ગયા હતાં. સ્વેટરને કારણે ઓછી ઠંડી લાગી રહી હતી બટ ઠંડી તો હતી જ.

‘બસ મસ્ત ચાલે છે. હમણા મેં મ્યૂઝિક ક્લાસ જોઈન કર્યા છે.’

‘તે ઍન્જિનિયરિંગ ખોટું જ લીધું છે. તારે આર્ટ્સ લેવાની જ જરૂર હતી. રીયલી !’, ચિરાગ બોલ્યો.

‘એ તો મને પણ ખબર છે. બટ હવે મેં મૂવઓન કરી લીધું છે. હવે આપણે કંઈ કરી શકીએ એમ નથી.’

‘એક્ઝેક્ટલી.’

‘બટ આપણે આ બધું શામાટે લઈને બેઠા છીએ?’, મેં વાતને બદલવા કહ્યું. બંને હસવા લાગ્યા.

‘તો શેની વાતો કરીએ તારા મેરેજની.’, ત્રિશા હસતા હસતા બોલી.

‘ઓય્ય. પેલા તો ચિરાગના મેરેજ થશે, પછી મારાં. મને કોઈ ઉતાવળ નથી.’, હું બોલી.

‘ઓય. મારે આ અરેન્જ મેરેજના ચક્કરમાં હમણા નથી પડવું.’, ચિરાગ બોલ્યો.

‘ઓય્ય્ય હોય્ય્ય્ય.’, ત્રિશા ગણગણી.

‘કોઈ શોધી રાખી લાગે છે ભાઈએ.’, હું પણ ત્રિશા સામે જોઈને ગણગણી.

‘હા એક છોકરી છે, અનેરી..’, ચિરાગ થોડો શરમાયો.

‘ઓહ્હ્હો. ભાભી શોધી રાખ્યા છે એમને’, અમે થોડા ઊંચા સાદે બોલ્યા.

‘શ્શ્શ્શ્શ્સ….. ધીમે ધીમે. અંદર ખબરને કોણ બેઠુ છે?’, અમે બધાં હસ્યા.

‘તારી સાથે સ્ટડી કરે છે?’, મેં પૂછ્યું.

‘હા મારી ક્લાસમૅટ જ છે.’, એણે અમને મોબાઈલમાં ફોટા બતાવ્યા.

‘ઓહ્હ… રખડપટ્ટી, ક્યુટ કપલ.’, મેં હસતા હસતા કહ્યું.

‘આઈ લવ હર લોટ.’, એણે સિરિયસ થઈને કહ્યું.

‘આઈ કેન અન્ડરસ્ટેન્ડ. મને વિશ્વાસ છે તું મમ્મી પપ્પાને મનાવી લઈશ..!’,

‘યાર બહુ જ ડર લાગે છે. કઈ રીતે કહું.’, અત્યારે તો ચિરાગ જેવી જ હાલત મારી પણ હતી. એને શું સલાહ આપુ? પણ આપણે ઇન્ડિયન્સ પોતાને ભલે હેન્ડ્લ ના કરી શકીએ બટ બીજાની પ્રોબ્લેમ સૉલ્વ કરવામાં તો ટેલેન્ટેડ છીએ.

‘અને ત્રિશા તે?’, મેં ત્રિશા સામે જોઈને પૂછ્યું.

‘હું શુ?’, એણે સામે પૂછ્યું.

‘કોઈ છોકરો ગમ્યો છે?’

‘ના હજુ તો કોઈ નથી ગમ્યુ. બટ બહુ જ બબાલ ચાલે છે. હું ક્લાસમાં એક છોકરી સાથે જગડી છું.’, એણે ખૂબ સિરિયસથી કહ્યું.

‘આ તો શરૂઆત છે. એટલે આદત પાડી લે. આવું બધું સિરિયસલી નહીં લેવાનુ.’

‘બટ ખબર નહીં એને શું પ્રોબ્લેમ છે? જ્યારે પણ હું કોઈ સવાલનો જવાબ સરને આપુ. એટલે એ પાછળથી કોઈ કમેન્ટ કરે જ. એટલે અહીં આવતા પહેલાં મેં એને બરાબરની લીધી.’

‘બરાબરની એટલે? બોક્સીંગ તો નથી કરીને?’, મેં હસતા હસતા પૂછ્યું. અમે ત્રણેય હસ્યા.

‘ના હવે બોલાચાલી. સાલી ગાળો પણ બોલે છે. હવે કંઈ બોલે એટલે વાત છે એની.’, ત્રિશા થોડી ગુસ્સામાં બોલી રહી હતી.

‘અરે શાંત શાંત.’, મેં ત્રિશાના ખભા પર હાથ મુકતા કહ્યું.

‘તો તને કોઈ મળ્યું કે નહીં, ‘મમ્મી ગર્લ….’, ચિરાગે એ સવાલ પૂછ્યો જેનો જવાબ હું આપવા નહોતી માંગતી, ત્રિશા સામે તો નહીં જ.

‘ટાઈમ જ ક્યાં……’, મેં સાચી વાત છૂપાવવા કહ્યું.

‘તુ જલદી મેરેજ કર હવે, તો તારા મેરેજમાં ડાન્સ કરીએ.’, ત્રિશા બોલી.

‘પણ મારે તો બેન્ડબાજા ના ફતવા કરવાના જ નથી. લગભગતો કોર્ટમાં જ પતાવવું પડશે. કદાચ માની લો મારાં મમ્મી પપ્પા માની જાય તો પણ અનેરી…? એના મમ્મી પપ્પા ? કદાચ ના પણ માને…’

‘હા, મારાં અને તારા મમ્મીમાં કંઈ એટલે કંઈ જ ફરક નથી.’

‘બંને બહેન છે ને.’, ચિરગ બોલ્યો અને અમે હસ્યા.

‘આપણે ફરવા જવુ છે ક્યાંય? ઓનલી ફ્રૅન્ડ્સ.’, ત્રિશા બોલી.

‘ક્યાં?’, મેં પૂછ્યું.

‘ખબર નહીં, પ્લાન કરીએ..’,

‘ગીરનાર? અનેરી પણ આવશે.’, ચિરાગે એક્સાઇટેડ થતા કહ્યું.

‘યા, બટ થોડા દિવસો પછી. ઘરે આવ્યાં છીએ તો ઘરે ટાઈમ વિતાવીએ ને.’, મેં કહ્યું. હું મમ્મી સાથે વધુને વધુ સમય વિતાવવા ઇચ્છતી હતી જેથી હું એ લોકોને વિવાન વિશે કહેવાની હિંમત ભેગી કરી શકું.

‘ત્રિશા, અંકિતા. અંદર આવો.’, અંદરથી અંજુમામીએ બૂમ મારી. અમે ત્રણેય અંદર ગયા. સાત વાગી ચુક્યા હતાં. અંદર બધાં તૈયાર થઈને બેઠા હતાં. જાણે ક્યાંક બહાર જવાનું હોય. કદાચ બહાર જવાનો પ્લાન મમ્મીની સરપ્રાઇઝનો જ હીસ્સો હોય. અમે ત્રણેય અંદર આવ્યાં એટલે મમ્મીએ મને કહ્યું કે ‘તું તૈયાર થઈ જા.’

મેં કોઈ વધારે સવાલ ના કર્યા. હું અને ત્રિશા ઉપર ગયા અને મેં વિવાને ગીફ્ટમાં આપેલો પર્પલ પંજાબી ડ્રેસ પહેર્યો. ત્રિશાએ મને એક મસ્ત હેઇર સ્ટાઇલ લઈ દીધી. ઉપર વીસ મિનિટ સુધી મેં અને ત્રિશાએ જાત જાતના નખરા કર્યા. થોડી વાર પછી અંજુમામી રૂમમાં બોલાવવા આવ્યાં.

‘ચાલો હવે કેટલી વાર. અંકુ જલદી કરો..’, એમનો ટોન એવો હતો કે નીચે કંઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. હું પણ મમ્મીની સરપ્રાઇઝ માટે ખૂબ જ એક્સાઇટેડ હતી. હું અને ત્રિશા બંને રૂમની બહાર નીકળ્યા અને નીચે ઉતર્યા.

નીચે મેં જોયું એ થોડી વાર માટે ના સમજાયુ. પણ ધીરે ધીરે બધો જ ખયાલ આવવા લાગ્યો. મમ્મી મને રસોડા તરફ દોરી ગઈ.

એણે મને હાથમાં પાણીના ગ્લાસની પ્લેટ આપી દીધી. શું આ જ હતી મમ્મીની સરપ્રાઇઝ? એના ચહેરા પર હજુ એ જ સ્માઈલ હતી.

‘છોકરો કોમ્પ્યુટર ઍન્જિનિયર છે.’, મમ્મી મારાં કાન પાસે આવીને ગણગણી. હું થોડીવાર માટે હતાંશ થઈ ગઈ. બેજાન થઈ ગઈ.

‘કેવી લાગી સરપ્રાઇઝ?’, મમ્મીના શબ્દો પર મારું ધ્યાન જ ના ગયું. મને ચક્કર જેવુ આવી રહ્યું હતું.

મમ્મીએ મને બહાર જવા માટે કહ્યું. હું નીચા ચહેરે, ખોટી સ્માઈલ સાથે હોલમાં ગઈ. બહાર બધાં સાથે સોફા પર એક યંગ છોકરો મારી જ ઉંમરનો, એની સાથે બે વ્યકિત. એ છોકરાના પેરેન્ટ્સ બેઠા હતાં. મેં ત્રણેયને પાણી આપ્યુ. પછી હું પપ્પાને પાણી આપવા માટે ગઈ. મેં પપ્પા સામે આંખો મીલાવી.

હું એમને મનમાં જ કહી રહી હતી કે ‘પપ્પા એક વાર મમ્મીને સમજાવવી તો હતી.’

અને જાણે એ એમ કહી રહ્યા હતાં કે ‘મેં એને બહુ જ સમજાવી., પણ એની જીદ.’ પપ્પાને પાણી આપીને હું મામાને પાણી આપવા માટે ગઈ.

‘અહીં બેસ બેટા..’, ભાવિક મામાએ મને એમની પાસે બેસાડી.

‘આ છે મારાં ફ્રૅન્ડ કેદારભાઈ, આ છે ડિમ્પલબેન અને એમનો છોકરો વિશ્વાસ, કમ્પ્યૂટર ઍન્જિનિયર છે.’, મામાએ બધાંનું ઇન્ટ્રોડક્શન આપ્યુ. મેં કોઈ જ ઇન્ટ્રસ્ટ વિના નમસ્તે કર્યુ. હવે મને બધો ખયાલ આવી ગયો હતો. મમ્મીની સરપ્રાઇઝ તો મને ખબર પડી જ ગઈ હતી. મમ્મીની ખુશીઓનું કારણ, ગઈ કાલનો ઝઘડો.. બધું જ મને યાદ આવી રહ્યું હતું. હું પાણીની પ્લેટ લઈને રસોડામાં ગઈ. મમ્મી નાસ્તાની પ્લેટ ભરી રહી હતી. હું ગુસ્સે હતી. મમ્મીથી બરાબર ગુસ્સે હતી.

‘મમ્મી…! તને મારી લાઈફના ડિસિઝન્સ લેવાનો કોઈ હક્ક નથી.’, મેં ગુસ્સામાં જ ધીમેથી કહ્યું. મમ્મીની સ્માઈલ એક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ. ટેમ્પરરી બદલાવ ચાલ્યો ગયો.

‘તુ મારી દીકરી છો. તારું ભલું વિચારવાનો અમને પૂરેપૂરો અધિકાર છે.’

‘હું આ છોકરા સાથે જિંદગીમાં પણ મેરેજ નહીં કરું.’, મેં દાંત પીસીને ધીમેથી કહ્યું.

‘બેટા એ કમ્પ્યુટર ઍન્જિનિયર છે.’

‘મમ્મી એકવાર તો મને પૂછ, મને શું ગમે છે?’, હું રડવા જેવી થઈ ગઈ હતી

‘તમે મને તમારી છોકરી નઇ તમારી પ્રોપર્ટી બનાવી રાખી છે. મમ્મી હું રોબોટ નથી કે તમે કમાન્ડ આપો એમ જ કરું.. મારી પણ પસંદ ના પસંદ છે.’. એ કંઈ ના બોલી. એણે મને નાસ્તાની પ્લેટ પકડાવી દીધી.

‘મેરેજ તો ત્યાંજ થશે જ્યા હું ચાહીશ.’, મને ચક્કર આવવા લાગ્યા. બધું જ ફરવા લાગ્યું. થોડીજ સેકન્ડોમાં મારાં હાથમાંથી નાસ્તાની ડીશ પડી ગઈ. બસ પછીનું મને એ દિવસનું કંઈ યાદ નથી. જ્યારે મારી આંખો ખુલી ત્યારે હું મારાં રૂમના બેડ પર હતી. મારી સામે મમ્મી હજુ પણ એ ક્રોધિત નજરથી તાકી રહી હતી.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.