એન્જિનિયરિંગ ગર્લ - 1 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એન્જિનિયરિંગ ગર્લ - 1

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રસ્તાવના

એ લોકો ખૂબ લકી હોય છે જે લોકોને ઍન્જિનિયરિંગમાં આવ્યાં પહેલાં જ ખબર હોય છે કે પોતે શેનાં માટે બનેલાં છે. પરંતુ જેને ખબર ના હોય એ લોકોએ મારાં મતે ઍન્જિનિયરિંગ કરવું જ જોઈએ. એ ચાર વર્ષ તમારી લાઈફના સૌથી બેસ્ટ વર્ષ રહેશે અને જ્યારે ફાઇનલ યરની એક્ઝામ્સ ચાલતી હશે ત્યારે ખબર પડશે કે તમે શેનાં માટે બનેલાં છો. તમારે તમારી લાઈફમાં શું કરવું છે ?

આ વાર્તાનું પહેલું નામ હતુ એન્જિનિયરીંગ ગર્લ, અમુક કારણો સર બદલ્યુ છે. આ વાર્તા માત્ર ઍન્જિનિયરિંગની નથી, એક એવી છોકરીની વાર્તા છે જેણે ઇચ્છા વિરુદ્ધ ઍન્જિનિયરિંગમાં ઍડમિશન લીધું છે, કારણો ભૂતકાળમાં ક્યાંય ઊંડે દટાયેલા છે. જે એ છોકરીને પણ ખબર નથી. જેવી રીતે ઍન્જિનિયરિંગે મારી લાઈફ કમ્પ્લીટલી ચૅન્જ કરી નાખી, એવી રીતે આ ઍન્જિનિયરિંગના કારણે કઈ રીતે અંકિતાની સીધી સટાક લાઈફનો રસ્તો સર્પીલા વળાંકવાળો બની જાય છે, એની રોમાંચિત કરી દેતી સ્ટોરી.

મારી દરેક સ્ટોરી ઑબ્ઝર્વેશન, એક્સપિરિયન્સ, ઇમેજિનેશન, ઇનસ્પિરેશન, ફૅન્ટસી અને ડિઝાયરથી જ બનેલી હોય છે. આ સ્ટોરી પણ આ છ તત્ત્વોની જ બનેલી છે. તો પ્રસ્તુત છે ભરપૂર મનોરંજનનાં હેતુથી લખાયેલી વાર્તા એન્જિનિયરિંગ ગર્લ.

એન્જિનિયરિંગ ગર્લ

એન્જિનિયરિંગ ગર્લ પૂસ્તક સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, પૂસ્તક તમે એમેઝોન પરથી મેળવી શકો છો.

***

રાતના બે વાગ્યે અંકિતાનું લેપટોપ હજુ શરૂ હતું, એની આંગળીઓ ટપાટપ કીબોર્ડ પર પડતી હતી અને એનો અવાજ કૃતિના કાનને અકળાવતો હતો. નિરમા કૉલેજ ઑફ ઍન્જિનિયરિંગમાં કમ્પ્યૂટર સાયન્સમાં માસ્ટર્સ કરી રહેલી અંકિતા ભણી ભણીને થાકી ગઈ હતી. માસ્ટર્સ ક્યારે પતશે ? એવો સવાલ બે મહિનાથી એટલે કે જ્યારથી માસ્ટર્સ શરૂ કર્યુ હતું ત્યારથી જ અકળાવતો હતો.

‘અંકિ... પ્લીઝ, લાઈટ બંધ કર ને.. મને ઊંઘ નથી આવતી.’, કૃતિએ આંખો આડું ઓશીકું દાબતાં કહ્યું.

‘બસ બે જ મિનિટ, આ એક બગ સૉલ્વ કરી લે. કાલે પ્રોજેક્ટનો લાઇવ ડેમો આપવાનો છે.’, લેપટોપમાં ડૂબી ગયેલી અંકિતાએ ડોકું ઊંચું કર્યા વિના કહ્યું.

‘ના આ તારું રોજનું નાટક છે, હું લાઈટ બંધ કરું છું.’, કૃતિ ઊંઘમાં ઊભી થઈ.

‘એક મિનિટ.’, અંકિતાએ ફટાફટ ટાઇપ કરવાનું શરૂ રાખ્યું.

બે મિનિટમાં અંકિતાએ લેપટોપ બંધ કરી દીધું. લાઈટ બંધ કરી દીધી અને નાઈટ લૅમ્પ શરૂ કર્યો. પણ અંકિતાને ઊંઘ નહોતી આવી રહી.

એ એના બેડ પર પડખું ભરીને આંસુ પાડી રહી હતી. એ ડૂસકાં ભરી રહી હતી. એનું મન વિચારોનાં વાવાઝોડામાં ફસાયેલું હતું. ઊંઘણશી કૃતિના કાન ઉંદર જેવાં હતાં, એને ઊંઘતા સમયે લાઈટ બંધ જ જોઈએ અને સહેજ પણ અવાજ ન જોઈએ એટલે ન જ જોઈએ. કૃતિને અંકિતાનો ડૂસકાં ભરવાનો અવાજ સંભળાયો એટલે એ તરત જ ઊભી થઈ અને અંકિતાના બેડ પાસે ગઈ.

‘શું થયું મારી અંકુડીને?’, કૃતિએ અંકિતાને ખેંચીને ઊભી કરી.

‘કંઈ નહીં.’, અંકિતા બેડમાં જ બેઠી થઈ.

‘ના આજે નહીં ચાલે, આજે તો તારે કહેવું જ પડશે. બે હું જ્યારથી તારી સાથે છું ત્યારથી જોઈ રહી છું, તું ઉદાસ ઉદાસ છો.’

‘છોડ ને યાર, તું સૂઈ જા. મારી લવારીને સાંભળીને તું શું કરીશ? મારી એક નહીં ઘણી બધી પ્રોબ્લેમ્સ છે, જે કદી સૉલ્વ નથી થવાની.’,

‘તુ નહીં, આપણે બંને સૉલ્વ કરીશું, પણ પહેલાં તું કે તો ખરી. આપણે બધી પ્રોબ્લેમ્સની વાટ લગાવી દઈશું.’, કૃતિએ મુક્કો બતાવ્યો.

‘કંઈ નહીં બસ ઘરની યાદ આવતી હતી.’, અંકિતાએ ચહેરો બીજી તરફ ફેરવીને કહ્યું.

‘ઓય્ય, ભલે હું તને ત્રણ મહિનાથી ઓળખથી હોવ બટ હું પણ એક્ટર છું, એટલે હું એક્ટિંગ કરતા લોકોને તો ઓળખી જ શકું. ચાલ હવે બોલવા મંડ.’

‘ખરેખર તારે જાણવું છે?’,

‘હા મારે જાણવું છે. આજે તારી પ્રોબ્લેમ્સનું તો આવી બન્યું.’, કૃતિ પગ પર પગ ચડાવીને બેસી ગઈ.

‘મારી પહેલી પ્રોબ્લેમ તો આ ઍન્જિનિયરિંગ છે, કારણ કે એના લીધે જ આ બધું થઈ રહ્યું છે. દસમાં ધોરણમાં સારા માર્ક્સ આવ્યાં બધાંએ કહ્યું કે સાયન્સ લેવરાવો, મારે આર્ટ્સમાં ઍડમિશન લેવું હતું, મને ન્યૂટન અને આઈન્સ્ટાઇનમાં કોઈ દિવસ ઇન્ટરેસ્ટ ન્હોતો પડ્યો. પણ ઘર મમ્મીને સાયન્સનો ચસકો હતો. ટ્યુશન્સ અને મહેનતના કારણે બાર સાયન્સમાં પણ ૮૫ ટકા આવ્યાં, મેથ્સના સૂત્રો ક્યારેય મને મગજમાં નહોતાં ઉતર્યાં અને હજુ એ જ હાલત છે, મારે ઍડમિશન લેવું હતું, નૅશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ફેશન ડિઝાઈનિંગમાં પણ પપ્પાએ કહ્યું કે ‘એમાં આગળ કોઈ સ્કોપ નથી’ એમ કહીને એલ.ડી.ના કમ્પ્યૂટર ઍન્જિનિયરિંગમાં ઍડમિશન લેવડાવ્યું.

મારી લાઈફ એકદમ સ્ટ્રેટ હતી, હું હંમેશા એડવેન્ચર ચાહતી હતી, હું કલરફૂલ દુનિયા ચાહતી હતી, મારે કોરા કૅનવાસ પર ભાતો બનાવવી હતી, એમાં કલરો પૂરવાં હતાં, પણ ઘરવાળાની એક્સ્પેક્ટેશન્સ ખૂબ અલગ ને ઊંચી હતી. સારા માર્ક્સ સાથે ઍન્જિનિયરિંગ કમ્પ્લિટ કરીશ. કોઈ મલ્ટીનૅશનલ કંપનીમાં જોબ કરીશ.

બટ ઍન્જિનિયરિંગ. ઍન્જિનિયરિંગમાં જે પણ લોકો પડ્યા એ લોકો ક્યાં કોઈ દિવસ બહાર નીકળી શક્યા છે. હું મારાં માટે કોઈ દિવસ ભણી જ નહોતી. કૉલેજથી રૂમ અને રૂમથી કૉલેજ. ચોથા સેમેસ્ટર સુધી તો હું મારાં ક્લાસના કોઈ છોકરાનાં નામ પણ નહોતી જાણતી. મારાં ક્લાસના છોકરાઓએ મારું નામ ‘મિસ બુકીશ’ પાડી દીધું હતું. બટ એક વાત મેં અત્યાર સુધીમાં પાક્કી કરી છે, ઍન્જિનિયરિંગ કેન ટેક અવે ઑલ યોર સોરોઝ બટ ઇટ કેન ગિવ ન્યુ સ્ટ્રેન્જ પેઇન.

તને મારી સ્ટોરી ઘણી હદ સુધી ફિલ્મી લાગી શકે, કદાચ તને હસવું પણ આવી શકે. પણ આ જ સાચું છે. ક્યારેક આપણી લાઈફમાં ડ્રામેટિક વળાંકો આવતા હોય છે. એવું જ મારી લાઈફમાં પણ થયું છે. પાંચમાં સેમેસ્ટરની મિડસેમ એક્ઝામનો પહેલો દિવસ હતો. બીજા દિવસથી નવરાત્રિ શરૂ થવાની હતી. પણ મિસ બુકીશને એક્ઝામ સિવાય કશાની પડી નહોતી. બસ આ એક્ઝામ જ મારી લાઈફમાં એક મોટો ટર્ન લાવવાની હતી. એટલે જ આ એક્ઝામ્સને હું મારી લાઈફની રોમેન્ટિક એક્ઝામ્સ માનું છું. અને અહીંથી જ મારી અધૂરી સ્ટોરી શરૂ થાય છે.

***

પ્રકરણ – ૧

પહેલું પેપર

રટ્ટો રટ્ટો રટ્ટો…! નિશા, સોનુ અને કૃપા ત્રણેય રટ્ટા મારવામાં ડૂબેલાં હતાં. કમ્પ્યુટર ગ્રાફિક્સ બાય હેરન બેકરની મહાભારતમાં ત્રણેય નટખટ, નાજુક અને નમણી ગોપીઓ ગળાડૂબ હતી, કારણ કે આજે મિડસેમનું પહેલું પેપર હતું. સાડા નવ વાગ્યા હતાં, પેપર સાડા દસ વાગ્યાનું હતું. છતાં આ ત્રણેય પાગલ રટ્ટા મારવામાંથી ઊંચી નહોતી આવી રહી.

બીજી તરફ હું હતી જે એક્ઝામ માટે સજી રહી હતી. એક્ઝામમાં મને સૌથી વધુ જો કંઈ ગમતું હતું તો એ એક્ઝામ્સમાં તૈયાર થઈને જવાનું. એટલે પહેલાં પેપરના દિવસે હું મારો ફેવરિટ કલર આજે પહેરી રહી હતી, વ્હાઇટ ડ્રેસ સાથે મેં બધું જ વ્હાઇટ મેચિંગ કર્યુ હતું. સેન્ડલ્સ, બ્રેસલેટ, વોચ, વૉલેટ અને ચશ્માની વ્હાઇટ ફ્રેમ બસ ત્રણ વસ્તુ જ બ્લૅક હતી, કાળાં વાળ, આંખોનું કાળું કાજળ અને કપાળ વચ્ચેની નાની કાળી બિંદી. મને ખબર હતી હું સુંદર લાગી રહી હતી. હું કાચમાં વારંવાર જોઈ રહી હતી, પણ શા માટે? મારી ઇચ્છા તો કોઈ બોયફ્રૅન્ડ બનાવવાની નહોતી. પણ શું છોકરીઓ કંઈ છોકરાઓ માટે જ તૈયાર થતી હોય? હું કાચમાં પોતાને જોઈ રહી હતી, હું ક્રેઝી થોટ્સમાં ડૂબેલી હતી.

‘ઓય્ય મિસ ઇન્ડિયા…!! જરા અહીં આવવાની કૃપા કરશો?’, નિશાએ મને સાદ પડ્યો.

‘પોણા દસ થઈ ગ્યાં છે, ચાલો ઊભા થાવ.’, મેં કહ્યું.

‘અંકુ.. પ્લીઝ યાર. હોમોજિનસ કૉર્ડીનેટ્સ સમજાવી દે ને, પ્લીઝ આ ક્વેશ્ચન પૂછાવાનો જ છે. પ્લીઝ.’, સોનુએ એના શાંત અને મીઠા અવાજમાં કહ્યું.

‘ચલો બે..! તૈયાર થાવ, હું રસ્તામાં સમજાવું છું.’, એ લોકો બે મિનિટમાં જ નાઈટડ્રેસમાંથી જિન્સ ટીશર્ટમાં આવી ગયાં. અમે ગુલબાઈ ટેકરા પાસેની ગંગોત્રી સોસાયટીમાં રહેતા હતાં. એલ. ડી. કૉલેજથી દસ મિનિટના અંતરે.

નિશા, સોનુ અને કૃપા ત્રણેય ખૂબ જ મસ્તીખોર, આંતકી છોકરીઓ હતી. કૉલેજના અમુક છોકરાઓ જ હશે જે આ ત્રણેયને નહીં ઓળખતા હોય. અને એમની રૂપ પાર્ટનર હું ગ્રમ્ફી, બોરિંગ અને ઇન્ટ્રોવર્ટ. પણ આ બધાં જ ગુણોનો આ લાસ્ટ ડે હતો, અત્યાર સુધી મેં કોઈ રૂલ્સ નહોતાં તોડ્યાં, પણ આજ પછી હું ઘણાં બધાં રૂલ્સ તોડવાની હતી.

‘સરસ તૈયાર થઈ છો, કોઈ છોકરો જોવા જવાનો છે?’, નિશાએ ખિલખિલાટ કરતા કહ્યું અને અમે સોસાયટીની બહાર નીકળ્યા. મેં એની વાત પર ધ્યાન ન આપ્યું.

‘હોમોજિનિયસ્સ કૉર્ડીનેટ્સ ?’, એ બોલી.

‘એક જ વાર બોલીશ, યાદ રાખી લે જો. હોમોજિનિનસ કૉર્ડીનેટ્સ આર રિપ્રેઝેન્ટેશન્સ ઑફ કૉર્ડીનેટ્સ,’ મેં ડેફિનેશન પૂરી કરી એ પહેલાં જ, નિશાએ બોલવાનું ચાલું કર્યુ.

‘….. ઇન ટુ ટુ ડાયમેન્શન વિથ અ થ્રી કૉર્ડીનેટ્સ…! હાહાહા”, સાલી ત્રણેય ખડખડાટ હસવાં લાગી.

‘ખરેખર તારે બોયફ્રૅન્ડની જરૂર નથી. કમ્પ્યુટર ગ્રાફિક્સ તો છે..!’, કૃપાએ પણ મારી ઊડાવવાની શરૂ કરી.

‘બસ ઊડાવી લીધી..?’, મેં મોં ચડાવીને કહ્યું.

‘અરે તને તો ખોટું લાગી ગયું, જસ્ટ મજાક કરીએ છીએ.’, નિશા બોલી અને ત્રણેય મને ભેટી પડી.

‘સોનુ પેલાને જો… એ મિકેનિકલનો છે. તારામાં ઇન્ટરેસ્ટેડ લાગે છે.’, અમારી સોસાયટીની પાસે જ લેઉઆ પટેલની બોય્ઝ હોસ્ટેલ હતી. ત્યાંથી આવી રહેલા છોકરાના ટોળામાંના એક છોકરા તરફ નજર નાખતા કૃપા બોલી.

‘થોડોક સ્લીમ છે, નાક થોડુંક લાંબુ છે.’, શાંત સોનુ બોલી અને હસતાં હસતાં બંનેએ એકબીજાને તાળી આપી. હું મારી આદત પ્રમાણે ચૂપચાપ ચાલી રહી હતી. કૉલેજ આવી ગઈ. હું અને નિશા બંને અમારાં કમ્પ્યૂટર ડિપાર્ટમેન્ટમાં ગયા. સોનુ અને કૃપા એના આઈ.ટી. ડિપાર્ટમેન્ટ તરફ.

હું બેચ – ૧માં હતી અને નિશા બેચ – ૨માં એટલે બંને પોતપોતાના ક્લાસમાં ગયા. મેં મારો નંબર ચેક કર્યો. ડાબી સાઇડની છેલ્લેથી બીજી બૅન્ચ પર હતો. હું મારી જગ્યાએ જઈને બેસી ગઈ. પેપર હાથમાં આવ્યું અને મેં લખવાનું શરૂ કર્યુ.

***

“શ્શ્શ…….શ્શ...;, પેપર પૂરું થવાને છેલ્લી પંદર મિનિટ બાકી હતી, ત્યારે પાછળથી કોઈ છોકરાએ મને બોલાવવા સિસકારા કર્યા. મારે છેલ્લા બે ક્વેશ્ચન્સ બાકી હતાં. મેં એ અવાજને ઇગ્નોર કર્યો.

‘શ્શ્શ……..શ્શ…’, ફરી એ છોકરાએ મને બોલાવવાની ટ્રાય કરી, મારે પાસે કોઈને ચોરી કરાવવાનો ટાઈમ નહોતો કારણ કે મારે જ બે કવેશ્ચન બાકી હતાં.

‘સર…!!’, મે સુપરવાઇઝરને બોલાવ્યા. સુપરવાઇઝરે મારી સામું જોયું.

‘આ છોકરો મને ડિસ્ટર્બ કરે છે.’ સુપરવાઇઝર કમ્પ્યૂટરના નહોતા. એમણે પહેલાં છોકરા સામે ચશ્માં નીચાં કરીને જોયું.

‘ગેટ આઉટ…!’, સુપરવાઇઝરે કડક અવાજ સાથે કહ્યું.

‘બટ સર…!’

‘ગેટ…! આઉટ…!’

ત્રીસેક સેકન્ડમાં એણે એનો કંપાસ પેક કર્યો, મારી બાજુમાંથી નીકળીને હાથ પછાડીને એક ચીઠ્ઠી મુક્કી. એ મારી સામે ગુસ્સાથી ઘૂરતો ઘૂરતો ક્લાસની બહાર નીકળી ગયો. એમ પણ મારી સેન્સિટિવિટિ હું ક્યારનીય ગુમાવી ચુકી હતી. આવા ગુસ્સાની મારાં પર કોઈ અસર નહોતી થતી. બટ એણે એ કાગળની ચીઠ્ઠી મારાં ટૅબલ પર શા માટે મુકી હતી…? છેલ્લી દસ મિનિટ બાકી હતી. મારે બે ક્વેશ્ચન બાકી હતાં. લખતા લખતા મારું ધ્યાન બૅન્ચ પર પડેલી કાગળની ચબરખી પરથી જતુ નહોતું. આઈ કુડન્ટ રેઝિસ્ટ માય સેલ્ફ. મેં એ ચીઠ્ઠી ખોલી.

‘તાર સપ્લીમેન્ટ્રી નીચે પડી ગઈ છે.’, મેં ચીઠ્ઠીમાં વાંચ્યુ અને મારી નજર નીચે પડેલી સપ્લીમેન્ટ્રી તરફ ગયું. મારાં પેટમાં આગ લાગી ગઈ. મેં એક ઇનોસેન્ટ, જે મને હૅલ્પ કરવા માંગતો હતો એની સાથે ખૂબ ખરાબ બિહેવિઅર કર્યુ હતું. આઈ વોઝ ફિલિંગ ગિલ્ટી. મારી હાલત ખરાબ થવા લાગી. એ પછી હું એક શબ્દ પણ આન્સર શીટ પર ના લખી શકી. હું ક્લાસના અમુક છોકરાને જાણતી હતી પણ આ છોકરાને મેં ક્યારેય લેક્ચરમાં પણ ન્હોતો જોયો. આઈ વોઝ ફિલિંગ સૉરી. મારે એને સૉરી કહેવું હતું. દસ મિનિટ હું એ જ વિચારતી રહી કે હું આવું ક્યાં સુધી બિહેવ કરતી રહીશ…? હવે હદ થઈ ગઈ હતી. મારો બિહેવિઅર હવે બીજા લોકોને પણ પરેશાન કરવા લાગ્યો હતો. આઈ હેડ અ રિગ્રેટ.

‘ટાઇમ્સ અપ…!’, સુપર વાઇઝરે કહ્યું. મેં સુપરવાઇઝરને પેપર પકડાવ્યું. ફર્સ્ટ ટાઈમ મને બે ક્વેશ્ચન બાકી રહી ગયાં હતાં એનો કોઈ અફસોસ નહોતો, પણ મને મેં એ છોકરા સાથે કર્યુ એનો છોછ જરૂર હતો. આઈ વોઝ ફિલિંગ સ્ટ્રોંગ્લી સૉરી અબાઉટ હિમ. મને જ્યાં સુધી એના ચહેરા પર સૉરી ના કહું ત્યાં સુધી ચેન પડવાનો નહોતો. હું ક્લાસ બહાર નીકળી. મેં ચારે તરફ નજર કરી પણ મને ક્યાંય એ છોકરો ના દેખાયો. મેં એના ગુસ્સાથી ભરેલા ચહેરા સિવાય બીજુ કંઈજ નોટિસ નહોતું કર્યુ.

‘હેય……!! હાઉ વોઝ યોર પેપર…!’, નિશા દોડતી દોડતી આવી. નિશાએ કંઈક પૂછ્યું હતું પણ મારું મગજ ક્યાંક ઘુમી રહ્યું હતું.

‘હેય તને પૂછું છું, કેવું ગયું પેપર…?’, નિશાએ મને હલાવીને કહ્યું.

‘ઠીક…!’, મેં આજુબાજુ નજર ફેરવતા કહ્યું.

‘ઠીક…? તું ક્યાં ખોવાઈ ગઈ છે..?’, નિશાએ ચપટી વગાડતા કહ્યું.

‘નિશા મારે તારી હૅલ્પ જોઈએ છે.’, મેં નિશાની સામે જોઈને કહ્યું.

‘પણ શું થયું એ તો કહે..?’, નિશાએ એના નેણ ઊંચા કરતા પૂછ્યું. મારાં પેટમાં પાણી હિલોળા મારી રહ્યું હતું અને મને સહેજેય ચેન નહોતો.

‘મારે એક છોકરાનો નંબર જોઈએ છે.’, મેં નિશાની સામે જોઈને કહ્યું. એના ચહેરા પર આશ્ચર્ય હતું.

‘કોનો? અને કેમ..? ચલ પહેલાં ડિપાર્ટમેન્ટમાંથી બહાર નીકળીએ.’, હું અને નિશા બંને કૃપા અને સોનુની રાહ જોવા માટે પાર્કિગ તરફ ચાલતા થયા.

‘મને નથી ખબર એ છોકરો કોણ છે, પણ આપણા ક્લાસમાં મેં એને ક્યારેય નથી જોયો.’, મેં મારી બેચેની બતાવતા કહ્યું.

‘છોકરાના નામ વિના હું કઈ રીતે નંબર લાવી આપું. કદાચ એ B-4 બેચનો હોવો જોઈએ, એ બેચના મોસ્ટ ઑફ બોય્ઝ કૉલેજ નથી આવતા.’

‘આઈ ડૉન્ટ નો યાર, બટ મારે એનો નંબર આજે જ જોઈએ છે. પ્લીઝ..!’, હું હજુ આસપાસ નજર ફેરવી રહી હતી. જો એ દેખાઈ જાય તો હું એને તરત સૉરી કહી આવું અને મારી ભૂલને સુધારું. સોનુ અને કૃપા બંને આવી રહ્યા હતાં, બંનેના ચહેરા પરથી તો લાગી રહ્યું હતું કે બંનેનું પેપર સારું ગયું હતું. બટ વેર વોઝ આઈ..?

‘મસ્ત પેપર હતું…! કેવું ગયું તમારું ?’, કૃપાએ એક્સાઇટેડ થઈને કહ્યું.

‘૨૦ માર્ક્સનું લખ્યું છે. ૧૨ તો આપશે જ ને.’, નિશાએ કહ્યું.

‘અને તારું અંકિ?’, સોનુએ મને પૂછ્યું.

‘મેડમ ક્યાંક ખોવાયેલા છે. એને કોઈ છોકરાનો નંબર જોઈએ છે. જેને એ ઓળખતી પણ નથી અને એણે એને પહેલીવાર જ જોયો છે.’, નિશાએ મારી સામે જોતાં જોતાં કહ્યું. અમે લોકો રૂમ તરફ ચાલતા થયા. કૉલેજના ગેટની બસ બહાર જ નીકળવાના હતાં ત્યાં એક બાઈક અમારી પાસેથી ખૂબ સ્પીડમાં પસાર થઈ. પાછળના બેસેલા છોકરાએ પાછું ફરીને મારી સામે જોયું.

એ જ ગુસ્સો, એ જ ગુસ્સા ભરેલી લાલ આંખો, એ જ ગુસ્સાને કારણે કપાળ પર પડેલી કરચલીઓ, ફેસ વિધાઉટ સ્માઈલ, કાનમાં નાની બુટ્ટી, લાંબા વાળ, વ્હાઇટ શર્ટ, નેવી બ્લુ જિન્સ…! ગોરો, દાઢીવાળો હૅન્ડસમ ચહેરો…! પણ એના પર મારાં માટેનો ગુસ્સો. બીજી વખતે મેં એનો ફોટો મારી આંખોથી ખેંચી લીધો. મેં નિશાને તરત એ બાઈક અને છોકરો બતાવ્યો, પલ્સર બાઈક સડસડાટ ત્યાંથી નીકળી ગઈ.

પણ એ ચહેરો મારી આંખો સામેથી હટી નહોતો રહ્યો, એ ગુસ્સાથી ભરેલો ચહેરો એક એક પળે મારાં હાર્ટને ગિલ્ટથી ભરી રહ્યો હતો, હાર્ટની અંદર તો પ્રેમ હોવો જોઈએ, મેં એમાં ગ્લાનિ ભરવાનો ધંધો શરૂ કર્યો હતો. એની લાલ આંખો જો મેં બે સેકન્ડ પણ વધારે જોઈ હોત તો હું મારી આંખોના આંસુને ના રોકી શકત. મારી ભૂલને હું સહી શકું એમ નહોતી, હું એ ગુસ્સો સહન કરી શકું એમ નહોતી.

‘વિવાન…! B-4’, નિશા એ છોકરાનું નામ બોલી.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.