એન્જિનિયરિંગ ગર્લ - 7 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એન્જિનિયરિંગ ગર્લ - 7

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૭

મિશન માતાજી

જિંદગીને સૂરમાં ચાલવા માટે ત્રણેય સપ્તકની જરૂર નથી. મંદ્ર અને મધ્ય સપ્તક પણ સૂર છેડી શકે. તાર સપ્તક થોડું આતંકી છે. એ વાઇબ્રંટ પણ છે. એ મનને ઉતેજિત કરીને મંત્રમુગ્ધ કરે છે. એટલે જ જિંદગીને ચલાવવા માટે ભલે ત્રણેય સપ્તકની જરૂર ન પડે, પરંતુ એને રોમાંચિત બનાવવા માટે તો ત્રણેય સપ્તકની જરૂર પડે જ. હું સંગીત શીખતા શીખતા બીજું ઘણું બધું શીખી રહી હતી. સંગીતનું એક વિશ્વ આપણી અંદર પણ હોય છે. પણ જિંદગી સૂરમાં ત્યારે જ ચાલે જ્યારે એમાં બધાં સ્વરોનું મિશ્રણ હોય. આપણા પણ ત્રણ સપ્તકો હોય છે – હર્ષ, રૂદન અને શોક…! મારાં મતે તો આ ત્રણેય અવસ્થા જ છે. કદાચ હર્ષ અને શોક તો ગળે ઉતરી પણ જાય. બટ રૂદન? હા, રૂદન કોઈ ઘટના નથી, એ અવસ્થા છે. જે ખૂબ જ જરૂરી છે. કોઈ વ્યક્તિ ખૂબ શોકાતુર હોય બટ પથ્થર જેવો પડ્યો રહીને રડે નહીં તો, એનું જીવન પથ્થર જેવું જ અચલ બની જાય. એટલે રૂદન પણ જરૂરી છે. ખરેખર તો વિકટ આંસુ જેટલી મદદ કોઈ નથી કરતું હોતું. એટલે જ જિંદગીના પણ ત્રણ સપ્તક છે, હર્ષ – રૂદન – શોક. જો ત્રણેય પ્રમાણમાં હોય તો અજબ સૂરો રચાય.

***

મેં બે મહિનાથી મ્યૂઝિક ક્લાસિસ જોઈન કરી લીધા હતાં. હું ફેન્સીની સાથે જ ઇનરઆર્ટ એકેડેમીમાં જતી. ઇનરઆર્ટમાં જઈને મને આંતરિક શાંતિ ફીલ થતી. જાણે ત્યાં હું ધ્યાન કરી રહી હોય એવું લાગતું. હું મને ગમતી વસ્તુઓ કરી રહી હતી. હું મારી કળાઓને પારખી અને પ્રેમ કરી રહી હતી, પણ ઘરવાળાઓથી છૂપાવીને. યુ નો મમ્મી. એક મહિનો બેઝિક મ્યૂઝિક શીખવામાં ગયો હતો. પછી ધીરે ધીરે મને અમુક ટ્યૂન વગાડતા આવડી, બટ બે મહિનામાં હું ઘણું શીખી ગઈ હતી. હવે હું કોઈ પણ ગીત કીબોર્ડ પર વગાડી શકતી હતી.

એ દિવસે મેં વિવાનને પહેલીવાર કીબોર્ડ પર ગીત વગાડીને સંભળાવ્યું હતું. મેં મારો ફોન સ્પીકર પાસે મૂક્યો અને મુઘલ-એ-આઝમનું ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ વગાડ્યું હતું. એને ઘણું ગમ્યું હતું. મારાં મ્યૂઝિકની બેચ અને ફેન્સીના એક્ટિંગના વર્કશોપનો ટાઈમ એક જ હતો. સો હું એના સ્કૂટર પર જ ઘર સુધી આવતી. મેં જ્યારે એ ગીત વગાડ્યું ત્યારે એ મારી પાસે જ બેસી હતી.

ફેન્સી જે પહેલી મુલાકાતમાં હતી, એ ફેન્સી માત્ર બોલવા વાળી ફેન્સી હતી. બે મહિનામાં હું ફેન્સીને વધારે સારી રીતે જાણતી થઈ હતી. એને બોલતા સારું આવડતું હતું. કદાચ એટલે જ એ સારી એક્ટર પણ હતી. એને મારાથી જેલસ તો થતી જ. હું જ્યારે પણ વિવાન સાથે વાત કરતી હોવ ત્યારે એ બાજુમાં આવી જ ચડતી. એને થોડી ઇર્ષ્યા પણ થતી અને એ ઇર્ષ્યા ક્યારેક શબ્દો રૂપે હોઠો પર પણ આવી જતી. જેમ જેમ હું એને જાણતી થઈ અને એ મારી સાથે સમય વિતાવતી ગઈ, એનું વર્તન રૂડ થતું ગયું. હું બધું જ વિવાનને કહેતી, બટ વિવાન મને એને ઇગ્નોર કરવાનું કહેતો, ‘એનો સ્વભાવ એવો જ છે. એટલે ચૅન્જ નહીં થાય.’, વિવાનની આ વાત મને ગળે પણ ઊતરી ગઈ હતી. સાથે એ મારાં અને વિવાનના રિલેશન વિશે બહુ જ નૅગેટિવ પણ હતી. મેં ઘણીવાર ફેન્સીને ટોકી પણ ખરી, પણ એ એનો સ્વભાવ હતો, અને હું એને ઇગ્નોર કરતી.

હું એ દિવસે ઘરે પણ જવાની હતી. એટલે સવારે જ હું વિવાનને મળી હતી. અમે બંને સિનેમેક્સમાં મૂવી જોવા ગયા હતાં. વી હેડ અ ગ્રેટ ટાઈમ. વિવાન મારી બહુ જ કૅર કરતો, મારી બધી જ વાતોનું ધ્યાન પણ રાખતો જે ફેન્સીને થોડું કઠતું. એ દિવસે અમે ઇનરઆર્ટથી છૂટીને રૂમ પર જઈ રહ્યા હતાં. ફેન્સી એક્ટિવા ચલાવતા ચલાવતા વાતો કરી રહી હતી.

‘તો મેરેજ ક્યારે કરવાના છે?’, ફેન્સીએ પૂછ્યું.

‘ખબર નહીં. ઍન્જિનિયરિંગ પતે અને ઘરે બધાં માની જાય એટલે..!’, મેં એના રૂડ સવાલનો થોડો રૂડલી જ આન્સર આપ્યો.

‘અને ઘરે નહીં માને તો?’,

‘ફેન્સી તને કેટલી વાર કહ્યું, આવું નૅગેટિવ કેમ વિચારે છે?’, મેં થોડું ચીડાઇને કહ્યું.

‘પણ પોસિબિલિટી તો છે જ.’

‘હું મારાં ઘરે મનાવી લઈશ ઓકે? તું ટૅન્શન ન લે.’, મેં અકળાઇને કહ્યું.

‘અને વિવાનના ઘરે તને ફાવશે? એ લોકો આટલા મોટા માણસો. અને’, ‘ફેન્સી, બસ કર હવે.’, મેં એની વાત કાપીને ગુસ્સેથી કહ્યું.

‘સૉરી બટ, હું તો જે છે એજ કહું છું. અને વિવાનને બહુ બધી ફિમેલ ફ્રૅન્ડ્સ છે. તને ફાવશે?’

‘ફેન્સી. એ અમારી પર્સનલ મૅટર છે. તારે બહુ ઇન્ટરેસ્ટ લેવાની જરૂર નથી. આઈ ટ્રસ્ટ હિમ ઓકે? અને તારે આ જ વાતો શરૂ રાખવાની હોય તો. હું અહીં જ ઉતરી જાઉં.’, મેં ફેન્સીને વોર્નિંગ આપી.

‘ઓકે ઓકે બાબા. મને એમ થયું કે અમુક વાતો શેર કરીએ.’

‘થેંક્સ.’, મેં બીજી બાજુ ચહેરો ફેરવતા કહ્યું.

‘શું કરે છે? તારી ફ્રૅન્ડ નિશા.’

‘આઈ ડૉન્ટ નો.’

‘તો તમે હજુ નથી બોલતા?’, એ એની કડવી જીભ બંધ જ નહોતી કરી રહી. હું વિચારી રહી હતી કે, ‘બહુ થયું હવે. ફેન્સીની બાઈક પાછળ ક્યારેય આવવું જ નથી.’

‘ના.’

‘સારું થયું. એ કુત્તી તો એને જ લાયક છે. વિવાનને લવ કરવો હતો.’

‘ફેન્સી, એના વિશે આવા શબ્દો બોલવાની જરૂર નથી ઓકે?’

‘હવે એમ જ કહી દેને કે. હું બોલું જ નહીં.’, એ થોડી ભડકી.

‘પ્લીઝ ફેન્સી. આજે હું ઘરે જાવ છું. મારે ખરાબ મૂડ લઈને ઘરે નથી જવું. સો પ્લીઝ.’ એ પછી એ ચુપ જ રહી. મારી સોસાયટી આવી એટલે મેં એને બાય કહ્યું.

‘ટેક કૅર ઑફ નિશા. બાય.’, ફેન્સીએ જતા જતા કહ્યું. એણે મને ચીડવવા કહ્યું હતું.

***

‘ગેસ વોટ?’, હું રૂમમાં એન્ટર થઈ એટલે સોનુ તરત જ બોલી. એનો ચહેરો સ્માઈલથી છલોછલ હતો. બહુ ઓછું બોલતી સોનુ એટલી એક્સાઇટેડ હતી જાણે એનું હાર્ટ અંદરથી બાઉન્સ થઈ રહ્યું હોય.

‘વોટ?’, મેં આશ્ચર્યથી સ્માઈલ કરતા કહ્યું. કૃપા બીજી રૂમમાંથી આવીને બેડ પર બેસી ગઈ.

‘એક ખુશખબર છે. જસ્ટ ગેસ કર.’, એણે મારાં ખભા પર હાથ મુકતા કહ્યું.

‘હ્મ્મ્મ્મ્મ… કોઈ છોકરાએ પ્રપોઝ કર્યુ?’

‘નોપ.’

‘કોઈ છોકરો ગમી ગયો?’, મેં બેડ પર બેસીને પૂછ્યું.

‘ના.’

‘તુ બોલ ને હવે, મારાંથી નથી રહેવાતું.’, મેં ઉત્સુકતાથી કહ્યું.

‘ઓકે. મારાં ઘરેથી ફોન આવ્યો હતો. મને જોવા માટે કોઈ આવી રહ્યું છે.’, એણે શરમાઇને કહ્યું.

‘વોઓઓઓઓઓઓ…….’, મેં ચીસો પાડી અને મેં સોનુને બાહોં જકડી લીધી.

‘ઓહો, શું નામ છે? શું કરે છે?’, હું એક્સાઇટમેન્ટમાં ફટાફટ સવાલો કરવા લાગી.

‘એમનું નામ સાર્થક છે. બરોડામાં રહે છે. મિકેનકલ ઍન્જિનિયરિંગના લાસ્ટ યરમાં છે.’, સોનુ થોડું શરમાઈ.

‘ઓહોહો… ‘એમનું નામ?’ અત્યારથી?’, મેં એની દાઢી ઊંચી કરતા પૂછ્યું.

‘મુજે હક હૈ.’, એ વિવાહ મૂવીના ગીતની કડી ધીમેથી ગાઈને શરમાઈ ગઈ. એ દિવસ સોનુ બહુ જ ડિફરન્ટ હતી. ભલે એ ખૂબ ઓછું બોલતી પણ એ દિવસે એની ખુશીઓને હું મહેસૂસ કરી શકતી હતી.

‘ગોડ બ્લેસ.’, મેં હાથોથી ચુમ્મી આપતા કહ્યું.

‘થેંક્સ યાર.’, એણે મને હગ કર્યુ.

‘તે એમને જોયેલ છે?’, મેં પૂછ્યું.

‘હા, અમારાં રિલેટીવમાં જ છે. સો, એક વાર એમના ઘરે હું ગયેલી છું.’

‘તો તો સાસુ સસરાને પણ ઓળખે જ છો એમને..?’, મેં આંખ મારતા કહ્યું.

‘એ લોકોનો સ્વભાવ ખૂબ જ સારો છે.’

‘ગ્રેટ, યાર હવે પાર્ટી ક્યારે આપવાની છે?’, મેં ઓવર એક્સાઇટેડ થતા ઊંચા સાદે કહ્યું.

‘ઘર બસા નહીં ઔર લૂંટેરે આ ગયે.’, સોનુએ તો ડાયલોગ માર્યો.

‘લુટેરે તો સબકુછ લૂંટ લેંગે. કારણ કે હવે આપણે લોકો એક વર્ષ જ સાથે છીએ. પછી ખબર નહીં કોની લાઈફ કોને ક્યાં લઈ જાય?’, મેં એની આખોમાં જોઈને હસતા હસતા કહ્યું.

‘બસ બધું ફાઈનલ થઈ જાયે એટલે પાર્ટી. ખુશ? અને પાર્ટી તો એ આપશે.’, કહીને એ હસી.

‘ખિસ્સા ખાલી કરવામાં આપણે ક્યાં પાછા જ પડીએ છીએ. નઇ?’, અમે બધાં હસ્યા. અમે બંનેએ તાળી મારી.

‘રાઇટ.’

‘ક્યારે નીકળે છે તું?’, મેં સોનુને પૂછ્યું.

‘હું કાલે નીકળું છું, અને બીજા બધાં પણ કાલે જ નીકળે છે. હવે કૃપા સામું જો તો.’, સોનુએ મારો ચહેરો ફેરવતા કહ્યું. કૃપા બ્લશ કરી રહી હતી.

‘શું?’, મેં કૃપા સામે જોયું. એ થોડું વધારે હસી. કંઈ બોલી નહીં. હું સમજી ગઈ.

‘કોણ છે તે?’, મેં પૂછ્યું.

‘મારો ક્લાસમૅટ જ છે. તર્પણ.’, એણે હસતા હસતા કહ્યું.

‘સાલા તમે લોકો મને કંઈ કહેતા કેમ નથી?’, મેં હસતા હસતા ફરિયાદ કરી.

‘તને તારા વિવાન અને મ્યૂઝિકમાંથી ટાઈમ જ ક્યાં છે ફ્રૅન્ડ્સ માટે.’, કૃપા બોલી.

‘હેય હેય, આઈ એમ ઑલ યોર્સ.’, મેં કૃપા અને સોનુને જકડી. વી હગ્ડ. થોડીક ક્ષણો માટે અમે લોકોએ બથ ભીડી રાખી. નિશા એના રૂમમાં જ હતી. એ બહાર ના આવી. છેલ્લે મેં એને ક્યારે ખુશ જોઈ હતી એ પણ મને યાદ નહોતું. નિશા ક્યાંક ખોવાઇ ગઈ હતી.

આજે સેલિબ્રેશન તો બનતું જ હતું. એટલે અમે બહાર જમવા જવાનું નક્કી કર્યુ. મેં મારું બધું જ પેકિંગ કરી રાખ્યું. જેથી જમીને આવીને હું તરત જ નીકળી શકું. અમે લોકોએ રિઅલ પેપ્રીકામાં પિત્ઝા ખાવા જવાનો પ્લાન બનાવ્યો હતો. બધાં તૈયાર થયાં. કૃપાએ નિશાને પણ તૈયાર કરી. અમે ચારેય લોકોએ જિન્સ અને ટી-શર્ટ પહેર્યા. ઘણા દિવસે એ લોકો સાથે હું એન્જોય કરી રહી હતી અને ફાયનલ એક્ઝામ્સ પણ પતી ગઈ હતી તો આ ‘ચીલ’ ટાઈમ જ હતો. કમ્પ્લિટ ચીલ ટાઈમ.

***

ફ્રૅન્ડશીપ ઇઝ ક્રેકેબલ નોટ બ્રેકેબલ. તમે એમાં તિરાડો પાડી શકો. પણ તોડી ના શકો. હું, સોનુ, કૃપા અને નિશા ફ્રૅન્ડ્સ હતાં. ભલે મારી અને નિશા વચ્ચે અબોલા હતાં બટ મારાં હૃદયના એક ખૂણામાં હજુ આશા તો હતી જ. બોલશે ક્યારેક તો નિશા બોલશે. મને વિશ્વાસ હતો, કારણ કે ‘નફરત એનો સ્વભાવ નહોતો.’

પિત્ઝાનો ઑર્ડર આપી દીધો હતો. કોક આવી ગઈ હતી. બધાં ગાર્લિક બ્રેડની વાટે હતાં. અમારાં વચ્ચે રસોઈ બનાવવા બાબતે ચર્ચા ચાલી રહી હતી.

‘બસ બસ હો. ખબર છે તને મંચુરિયન બનાવતા આવડે છે.’, કૃપા સોનુને કહી રહી હતી.

‘હા પણ, આવડે છે તો આવડે છે. તારી જેમ તો નથી જ.’

‘મને ભી મેગ્ગી બનાવતા તો આવડે જ છે હો.’, અમે બધાં હસી પડ્યા. નિશા પણ થોડું હસી. મને ઘણી રાહત થઈ. પણ એણે મારી સામે બેઠી હોવા છતાં મારી સામે સુદ્ધા ના જોયું.

‘તર્પણના મમ્મીને કહેજે કે મને મેગ્ગી બનાવતા આવડે છે.’, મેં કહ્યું અને સોનુને તાલી મારી.

‘મેગ્ગી એ તો એન્જિનિયર્સનું ઓફિશિયલ ફૂડ છે.’, કૃપાએ હસતા હસતા બચાવ કર્યો. અમે બધાં ફરી હસ્યા.

‘તો શું કહે છે તર્પણ ? એ અહીં છે ?’, મેં પૂછ્યું.

‘હા અને ના ભી. આજે અહીં જ હતો. ઘરે જતાં પહેલાં પ્રપોઝ કરવા માંગતો હતો. હવે એ બેફિકર બસમાં હશે. મેં એને કહી દીધું છે, આરામથી બસમાં સૂઈ જજે.’

‘આરામથી? બિચારાની હાલત તો જોવા જેવી હશે. તારા જ સપના જોતો હશે.’, આજે સોનુ કંઈક વધારે બોલી રહી હતી.

‘સપના ના આવે તો એ પ્રેમ હોય જ કેવી રીતે?’, નિશાએ કૃપા સામે થોડી સ્માઈલ કરીને કહ્યું.

‘યા, એણે મારી ખૂબ ફિલ્ડિંગ ભરી છે. ઇનફેક્ટ હી ઇઝ મેડ અબાઉટ મી. ઇલેક્ટિવની લેબમાં જ્યારે પણ મારી સામે બેઠો હોય, મને જ જોયા કરતો.’, કૃપા શરમાઇ.

‘ઓહ્હ્હો, સો સ્વીટ. મિસ મેગ્ગી.’, સોનુએ કૃપાને ચીડવતા કહ્યું.

‘બાય દ વે એણે પ્રપોઝ કઈ રીતે કર્યુ?’, મેં મારી ક્યૂરિઓસિટી બહાર કાઢી.

‘લોંગ ટાઈમથી અમે બંને ચૅટ કરતા હતાં. એઝ અ જસ્ટ ફ્રૅન્ડ. એ મારી કૅર કરે છે. એવું મને એના મૅસેજ પરથી જ લાગ્યું. અમે બંને એકબીજાને વધારે ઓળખતા થયા. આજે અમારું ગ્રૂપ છૂટ્ટું પડી રહ્યું હતું, બધાં એકબીજાને બાય કહી રહ્યા હતાં. બટ એ મને કંઈક અલગ જ રીતે જોઈ રહ્યો હતો. રોજની જેમ નહીં. આજે જાણે એમ જોઈ રહ્યો હતો કે કંઈક કહેવા માંગે છે, અથવા તો એ કંઈક જાણે છે. સોનુ તું મિતાલીને મળવા ગઈ ત્યારે એ મારી પાસે આવ્યો અને એણે કહ્યું. ‘હું જસ્ટ તારી યાદો ઘરે નથી લઈ જવા માંગતો. હું બહુ નર્વસ છું બટ આજે નહીં તો ક્યારેય નહીં. આઈ લવ યુ.’

‘અને તે હા પાડી દીધી?’, મેં પૂછ્યું.

‘તો તે પહેલી જ વારમાં હા નહોતી પાડી દીધી. આપણે ફિલીંગ્સને ઇગોના લેયર શા માટે ચડાવીએ છીએ? મને પણ એના તરફ ફિલીંગ્સ હતી યાર, સો મેં પણ એને કહી દીધું.’, કૃપા સ્માઈલ સાથે સિરિયસ થતા બોલી.

‘શું કહી દીધું? અમને તો કહે?’, સોનુએ કૃપાને ચીડવવા પૂછ્યું. કૃપાએ મારવા માટે હાથ બતાવ્યો.

‘એતો તો તારા ‘એ’ સાથે વાત કરીશ ત્યારે ખબર પડશે.’, કૃપા બોલતા બોલતા હસી પડી.

‘તું પણ હવે કોઈ શોધી લે, નિશા.’, સોનુએ નિશા તરફ જોતા કહ્યું. નિશાએ મેચ્યોર ફેસ બનાવ્યો.

‘હાલ કોઈની જરૂર નથી. કોઈ ગમશે તો આપોઆપ ખબર પડી જશે. લવને કંઈ તમે રેઝિસ્ટ ન કરી શકો.’, નિશાએ બહુ ઊંચી વાત કરી હતી. પણ એના અવાજમાં આટલું દર્દ કેમ હતું.?

‘મળશે મળશે. ટાઈમ આવશે એટલે બધું થઈ જશે. સોનુને પેલો મશીન રિપેર કરવાવાળો જોવા આવવાનો છે. એમ તારા માટે ભી કોઈ આવશે..’, કૃપા નિશાના ખભા પર હાથ મુકીને સોનુ સામે જોઈને હસી.

‘લાવ તો પેલા તર્પણયાનો નંબર આપતો. હમણા તારા બધાં સિક્રેટ્સ કહું.’, સોનુ કૃપાના મોબાઈલ લેવા આગળ વધી. બંનેને કૂતરા બિલાડા જેવું ભળતું પણ સાલી બંને વચ્ચેનો પ્રેમ કદી ઘટ્યો નહોતો.

‘મારે તો કોઈ સિક્રેટ્સ છે જ નહીં. મેડમ.’,

‘એવું કૃપા?’, મેં સોનુ અને નિશા ત્રણેયે એક સાથે કૃપા સામે જોયું.

‘તો ફર્સ્ટ સેમમાં વિવેક કોને ગમતો હતો? પછી પેલા બ્રિજેશ સર તારો કૉલેજ ક્રશ? હેં…?’, મેં કહ્યું.

‘બસ કરો સાલીઓ, તમે તો આ સિરિયસલી લઈ લીધું.’, એ બોલતી બોલતી હસવા લાગી. ગાર્લિક બ્રેડ આવી. હોટ ગાર્લિક બ્રેડ કૃપાએ મોંમાં મૂકતા જ બહાર કાઢી.

‘પેલા ભગવાનને તર્પણ તો કરી લે.’, સોનુ હસતા હસતા બોલી. અમે બધાં ખડી પડ્યા. કૃપાએ સોનુને પીઠમાં ધીમેથી એક ધબ્બો માર્યો અને કહ્યું, ‘ઓવન બગડી ગયું લાગે છે, પેલા વડોદરાના મિકેનીકને બોલાવવો પડશે.’ સાંભળીને સોનુએ મોં મચકોડ્યું.

‘એ કંઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર નથી. M.S માં છે અને પ્લેસમેન્ટ પણ થઈ ગયું છે હો.’,

‘ઓહ્હ્હ્હ, બહુ ખોટું લાગ્યું ને.’, મેં પણ કૃપા સાથે સૂર પુરાવ્યો.

‘પ્રેમ. નહીં સોનુ?’, નિશાએ એનું મૌન તોડ્યુ.

‘રાઇટ નિશા.’, સોનુએ સ્મિત સાથે કહ્યું. માર્ગરીટા આવ્યો. અમે લોકો પિત્ઝા પર તૂટી પડ્યાં. ઓબ્વિયસલી અનલિમિટેડ પિત્ઝા ખાવા માટે તો અમે અહીં આવતા હતાં. એમ ભી ભૂખ કકડીને લાગી હતી.

‘યાર કૉલેજની બહુ જ યાદ આવશે નહીં?’, કૃપાએ ઉદાસ ફેસ કરતા કહ્યું.

‘યા એક વર્ષ છે હજુ જેટલી ઘમાલ કરવી હોય એટલી ધમાલ કરી લો.’, મેં કહ્યું.

‘યાદ છે કૃપલી. બીજા સેમેસ્ટરમાં. તું પેલી સાથે ઝઘડી હતી? તારી ફ્રૅન્ડ? શું નામ હતું એનું?’, નિશાએ કહ્યું. આઈ વોઝ ફિલિંગ ગુડ અબાઉટ હર. એટલિસ્ટ એ બધાં સાથે વાતો તો કરી રહી હતી.

‘દ્રષ્ટિ. એને તો હજુ મારવાનું મન થાય છે. હું કોઈ છોકરા સાથે વાત કરું એને શું પ્રોબ્લેમ હશે? એ જ ખબર નથી પડતી. સાલીએ મારાં ઘરે ફોન કરીને કહી દીધું કે, હું બધાં છોકરાઓ સાથે વાત કરું છે.’,

‘હાહાહા.’ અમે બધાં હસ્યા.

‘પછી તો એના વાળ ખેંચવાની જે મજા આવી હતી….. યાર.’, કૃપાએ ક્રુએલ એક્સપ્રેશન કરતા કહ્યું.

‘પછી એણે તારું બેગ બાળી નાખ્યું હતું નહીં?’, નિશાએ હસતા હસતા કહ્યું.

‘ગુસ્સો અને ઇગો તો કૂટી કૂટીને ભર્યો છે એનામાં. સામે આવે તો હજુ એક ચોડી દવ.’, કૃપા એક્સાઇટમેન્ટમાં બોલી. નિશાએ કૃપાનો ચહેરો ઘુમાવ્યો. એક ખુણાના ટૅબલ પર એક છોકરા સાથે બેસેલી દ્રષ્ટિને બતાવી.

‘ચલ હવે એક ચોડી દે તો તને માનું.’, નિશાએ કહ્યું અને હસી. અમે બધાં હસ્યા.

‘સાલીએ બોયફ્રૅન્ડ પણ શોધી લીધો. આમ તો બહુ કહેતી હતી કે છોકરાવ સાથે વાતો ના કરાય એ બહુ ખરાબ હોય. હવે શું થ્યુ?’, કૃપા દ્રષ્ટીના ટૅબલ તરફ જોતા જોતા બોલી. એના ચહેરા પરના એક્સપ્રેશન્સ તો જોવા જેવા હતાં.

‘પ્રેમ…!’, નિશા ફરી એ જ શબ્દ બોલી.

‘પનીર?’, વેઇટરે પિત્ઝા વિશે પૂછ્યું.

‘યા પ્રેમ પનીર…!’, કૃપા બોલી અને હમે હસ્યા.

‘સ્યોર સ્યોર.’, બધાંએ એક એક પીસ લીધો.

‘પછી યાદ છે..? સોનુ આપડી રૂમમાં નવી નવી આવી હતી?’, કૃપાએ કહ્યું.

‘સૉરી સોનુ શરૂઆતમાં અમે તારી બહુ જ મજાક ઉડાવતા. તું કંઈ બોલતી નહીં એટલે અમે મુંગી મેના જ કહેતા. ખબર નહીં આટલું બધું તું કંઈ રીતે ચુપ રહી શકે છો. અને બુક્સ બાપ રે. એક વાર પકડી એટલે પૂરી જ નહીં.’, નિશાએ એના અસલી એક્સ્પ્રેશન્સ લાવતા કહ્યું. હા આ રીયલ નિશા હતી.

‘અને યાદ છે? તમે બન્નએ પેલા છોકરાને પોલીસ પાસે માર ખવરાવ્યો હતો?’, કૃપાએ ફરી એક યાદ તાજી કરી.

‘બીચારાનો એમાં કંઈજ વાંક નહોતો.’, કૃપા દયામણા ચહેરે બોલી.

‘વાંક કેમ નહોતો?, એણે અંકુ.’, નિશા આગળ ના બોલી શકી. એ વચ્ચે જ થોભી ગઈ.

‘સાલો મારી પાછળ પડી ગ્યો તો. હું ભાવ ના દેતી તો પણ રોજ અમારી પાછળ પાછળ આવતો. એક દંડો તો જરૂરી જ હતો.’, નિશાએ છોડેલું મેં કન્ટીન્યુ કર્યુ અને અમે બધાં હસ્યા.

‘અને ટીચર્સ ડે યાર. એ કઈ રીતે ભૂલી શકાય? અમેઝીંગ ડે યાર. એ દિવસના ગરબા તો ક્યારેય નહીં ભુલાય.’, કૃપા બોલી.

‘હા યાર એ દિવસે તો સર લોકોએ પણ એન્જોય કર્યુ હતું.. અને તેં તારા બ્રિજેશ સર સાથે ડાન્સ કર્યો હતો.’, મેં બ્રિજેશ પર ભાર મુકતા કહ્યું. અમે બધાં ફરી હસ્યા.

‘તર્પણ જીજુને ટીચર્સ ડેના ફોટા મોકલવા પડશે.’, સોનુએ નીચી ડોક કરીને મંદ મંદ હસતા હસતા કહ્યું.

‘તુ તારા મિસ્ટર મીકેનકલ ને સંભાળ હો.’,

‘ઓય્ય તમને બંનેને ઝગડવા સિવાય કોઈ ધંધો છે કે નહીં?’, નિશાએ પિત્ઝાને બટકુ ભરતા ભરતા કહ્યું.

‘અરે યાર. એક વર્ષ છે. લડી લઈને. આ જ તો ટાઈમ છે યાદો બનાવવાનો. કોણ જાણે પછી કેવા ઝગડા જોવા પડશે.’, સોનુએ ખૂબ ધીમેથી કહ્યું.

‘હા. સોનુ રસોડામાંથી છૂટ્ટું કૂકર ફેંકશે અને મિસ્ટર મિકેનિકલ રિપેર કરશે. હાહાહા.’, નિશાએ ટોન માર્યો. અમે બધાં ફરી ખડખડાટ હસ્યા.

‘મારે તો જોબ કરવાની છે. એ લોકોને પણ કદાચ કંઈ પ્રોબ્લેમ નથી.’, અમે લોકો પાંચ પાંચ પીસ ખાઇ ચુક્યા હતાં. ફરી ગાર્લિક બ્રેડ આવી. અમે ફરી એક એક ખાધી. બસ હવે મારું તો પેટ ફૂલ થઈ ગયું હતું. એ પછી પણ અમે ઘણું બેસ્યા અમે કેટલીય યાદો તાજી કરી. ઇટ વોઝ મોમેન્ટ્સ ઑફ શેરિંગ. મોમેન્ટ્સ ઑફ ફૂલ એન્જોયમેન્ટ.

‘કેટલા વાગ્યાની બસ છે?’, કૃપાએ પૂછ્યું.

‘અગિયાર, મહાસાગર.’, મેં કહ્યું.

‘જીજુ સાથે વાત કરવાની હશે ને?’, કૃપાએ આંખ મારતા કહ્યું.

‘તને બહુ ખબર નહીં?’,

‘એ દિલ્લી જાય છે. યમાહાવાળા એક રેસ અરેન્જ કરી રહ્યા છે. એમાં પાર્ટીસિપેટ કરવાનો છે.’

‘ઓહ્હ ગ્રેટ યાર. અમારાં બેસ્ટ ઑફ લક કહેજે.’, કૃપાએ કહ્યું. નિશા એનો ચહેરો બીજી તરફ ફેરવી ગઈ. શી વોઝ સ્ટીલ અપસેટ. મેં ટોપીક બદલવા બીજી વાત શરૂ કરી.

‘તો મારાં ઘરે ક્યારે આવો છો બધાં?’

‘પહેલાં તમારે લોકોએ મારાં ઘરે આવવાનું છે.’, સોનુએ કહ્યું.

‘તારી સગાઈ વખતે પાક્કુ, બસ?’, નિશા બોલી.

‘સગાઈ હોય તો જ અવાય એવું જરૂરી નથી.’

‘હા હા બેન આવશુ.’, કૃપાએ હાથ જોડતા કહ્યું. વેઇટરને અમે ડેઝર્ટ લઈ આવવા કહ્યું. થોડી જ વારમાં આઈસક્રીમ આવી ગયો.

‘સોનુ અને કૃપાને નામ.’, મેં આઈસક્રીમની પ્યાલી ઊંચી કરીને કહ્યું. બધાંએ પ્યાલી ઊંચી કરી.

‘આપડી ફ્રૅન્ડશીપને નામ.’, સોનુ બોલી. અમે લોકોએ પ્યાલી ટકરાવી. આજબાજુ વાળા અમારી સામુ જોઈ રહ્યા. પેલી દ્રષ્ટિ પણ અમારી સામે જોઈ રહી. અમે થોડીક ક્ષણો મુંગા જ રહ્યા. થોડી વાર રહીને ખડખડાટ હસ્યા.

‘લવ યુ ગર્લ્સ.’, મેં ઇમોશનલ થઈને કહ્યું.

‘લવ યુ ઑલ.’, સોનુ અને કૃપાએ પણ કહ્યું. છેલ્લે છેલ્લે નિશાએ પણ કહ્યું. પણ મારી સાથે નજર ના મેળવી. ભલે અમે લોકો એકબીજા સાથે નહોતા બોલતા. બહારથી બધાંને એમ જ લાગવા દેતા કે અમે ચારેય ફ્રૅન્ડ જ છીએ. તકરારો તો ફ્રૅન્ડશીપમાં થતી જ હોય. આ થોડી મોટી તકરાર હતી. મને વિશ્વાસ હતો આ તરકાર ફરી પાગલ ફ્રૅન્ડશીપનો બેઝ બનશે. એ દિવસ મારી લાઈફનો મોસ્ટ મેમોરેબલ ડે હતો..! ઇટ વોઝ અમેઝિંગ ડે.

***

મેં અને વિવાને મારાં મોબાઈલમાં જ્યાં સુધી કવરેજ હતું ત્યાં સુધી વાતો કરી. એઝ ઑલવેઝ હી વોઝ સો રોમેન્ટિક એન્ડ કેરીંગ. એ મને કહી રહ્યો હતો કે ‘આંટીનો ખયાલ રાખજે. બને ત્યાં સુધી એમની સાથે કડવુ ના બોલતી. એમની સાથે સારો વ્યવહાર કરજે. બને એટલી એમને ખુશ રાખવાની કોશીષ કરજે. રસોડામાં એમને હૅલ્પ કરજે. મમ્મી સાથે એમની મીઠી પળોને યાદ કરજે. પપ્પાનો પણ ખયાલ રાખજે.’ એનું કહેવુ એવું હતું કે, ‘હવેના સ્ટેપ્સમાં એ લોકોનો ખૂબ જ સપોર્ટ જોઈશે. એટલે એ લોકોને સમજવા પડશે. એમની દરેક વાતને ધ્યાનમાં રાખવી પડશે. નો ડાઉટ એ થોડાક ઓવર કેરીંગ હશે, ઓવર રીએક્ટિંગ હશે. કદાચ તું તારા ઘરે કહીશ ત્યારે ટફ ટાઈમ પણ આવશે બટ આપણે બંનેએ સાથે રહેવુ પડશે. બંનેએ હિંમત નથી હારવાની. બસ એ લોકોને કોઈ પણ રીતે મનાવવાના છે. નો ડાઉટ કાસ્ટનો પ્રોબ્લેમ લઈને જ એ લોકો ઊભા રહેશે. બટ આપણે એ લોકોને મનાવવાના છે. અને આપણે મનાવી લઈશુ. ’

અને હું પણ કહી રહી હતી. ‘બસ વિવુ તું મારી સાથે રહેજે. તે જ મારાંમાં જીવ પૂર્યો છે. તું સાથે હોઈશ તો હું કોઈ પણ પ્રોબ્લેમ ફેસ કરી લઈશ. યુ આર ધ મોસ્ટ અમેઝીંગ ઇન્સિડન્ટ ઑફ માય લાઈફ. પપ્પાને તો હું સંભાળી લઈશ. અને પ્રોમિસ મમ્મી સાથે બને ત્યાં સુધી કોઈ જ બબાલ નહીં કરું.’

હું એને મારાં આજના દિવસ વિશે કહી રહી હતી.

‘ફેન્સી આજે ફરી નૅગેટિવ વાતો કરતી હતી.’,

‘એની કોઈ વાત ધ્યાન માં ના લે.’

‘એ મને પ્રવોક કરતી હતી. વિવાનને તો બહુ બધી ફીમેલ ફ્રૅન્ડ્સ છે. તને એ મોટા માણસોના ઘરમાં નહીં ફાવે તો ? બ્લા બ્લા.’

‘લાગે છે, એ હવે થોડી વધુ જ આગળ જઈ રહી છે. પેલા તો આવી નહોતી. ચલ હું વાત કરીશ એના જોડે.’

‘આજનો દિવસ તો અમેઝીંગ હતો વિવુ. સોનુને એક છોકરો જોવા આવવાનો છે, ઑલમોસ્ટ બધું પાક્કુ જ છે. અને બીજી ખુશખબર એ છે કે કૃપાને એના એક ફ્રેન્ડે પ્રપોઝ કર્યુ અને કૃપાએ હા પણ પાડી દીધી. તર્પણ નામ છે એનુ.’

‘ગ્રેટ, અને નિશા?’

‘શી ઇઝ ડુઇંગ ગુડ. અમે લોકો રીઅલ પેપ્રિકામાં ગયા હતાં. મારી સાથે તો ના બોલી બટ એટલીસ્ટ બધાં સાથે હસતી હતી.’

‘ઇટ્સ નોટ યોર ફોલ્ટ. મને ખબર છે યુ સ્ટીલ ફીલ રીગ્રેટ.’

‘ફરગેટ ઇટ, બધું ઓકે થઈ જશે. તારે કેવુ રહ્યું આજે. પપ્પા પાસેથી કંઈ શીખ્યા કે નહીં તમે?’, મેં હસતા હસતા કહ્યું.

‘તમે?’

‘હા આજે સોનુને અમે બહુ જ ચીડવી છે. એ સાર્થકને ‘એ’ ‘એ’ કહીને સંબોધતી હતી.’, એ હસ્યો.

‘એક તો એ ઓછું બોલે અને એમાં તમે બીચારીને ચીડવો.’

‘ઓછું? આજે તો ઘણું બોલતી હતી. એ બહુ જ ખુશ હતી.’

‘યા સો વી આર. એન્ડ વી વિલ બી. અત્યારેતો મોસ્ટ ઑફ, સાઇટ પર સુપરવાઇઝ કરૂં છું અને પપ્પા શું કામ કરે છે એ જોયા કરું. તને તો ખબર છે, સ્ટીડી બીલ્ડીંગ્સ. થોડું બોરિંગ છે, બટ આઈ વિલ એડોપ્ટ.’

‘વિવુ, એવરીથિંગ વિલ બી ઑલરાઇટ. હું મમ્મીને સંભાળુ તું પપ્પાને ઓકે?’

‘તારો ખયાલ રાખજે, હું શનિવારે દિલ્લી જાવ છું. સો ટેક કૅર. આઈ વિલ મિસ યુ.’

‘હું પણ, અને ખાવા પીવામાં ધ્યાન રાખજે. બહુ બહારનું ખાતો નહીં. અને ઠંડી પણ છે, તો સ્વેટર પહેરજે.’

‘ઓકે ઓકે સ્વીટુ. બધું આજે જ કહી દઈશ ? હું ટાઈમ મળશે એટલે તને કૉલ કરીશ જ.’

‘ઓકે માય નોટી વિવુ.’, મેં કાલા અવાજમાં કહ્યું. કૉલ કટ થઈ ગયો. દસ મિનિટ સુધી કવરેજ ના આવ્યું. હું મોબાઈલ તાકીને જ બેસી રહી. કવરેજ આવે એટલે તરત જ હું કૉલ કરવાની ફીરાકમાં હતી. જેવુ કવરેજ આવ્યું એટલે મેં કૉલ કર્યો.

‘રીમેમ્બર, નો ફાઇટ વિથ મોમ. તારું ધ્યાન રાખજે. મમ્મીને કહેજે સારું સારું જમાડે. અને તું મમ્મીને સારું સારું બનાવી દેજે. એન્ડ એન્જોય યોર ટાઈમ.’, એણે કૉલ રીસિવ કર્યો એટલે એણે તરત રીઝ્યુમ કર્યુ.

‘ઓકે વિવુ. તું પણ ધ્યાન રાખજે. ટેક કૅર. વોન્ટ યુ સે બ્યુટીફૂલ વર્ડ્સ?’,

‘ફર્સ્ટ યુ.’

‘નો ધીઝ ટાઈમ યુ. કૉલ ક્યારે કપાઇ જશે ખબર નહીં.’, મેં મોબાઈલ ઓપરેટરને કોસતા કહ્યું.

‘ઓકે માય સ્વીટુ… આઈ……….. લવ………..યુ’, એણે વારાફરતી ત્રણ સ્વીટ શબ્દ કહ્યા.

‘આઈ લવ યુ ટુ. માય નોટી વિવુ, ટેક કૅર.’

‘મીસ યુ ડાર્લિંગ બાય, ગુડ નાઈટ.’

‘મીસ યુ ટુ બેબી… બાય.. બાય’, અમે કૉલ કટ કર્યો.

***

હું સવારે વહેલા સાડા પાંચ વાગે બસમાંથી ઊતરી. મેં પપ્પાને કૉલ કર્યો. પપ્પા ત્રિકોણબાગે મને પિકઅપ કરવા આવ્યાં. મેં પપ્પાના પગ સ્પર્શ કર્યા. વહેલી સવારે ઘણી ઠંડી હતી. પપ્પાએ મને મેં સ્વેટર પહેર્યું હોવા છતાં શાલ ઓઢાડી. પપ્પા રસ્તામાં જ કહી રહ્યા હતાં કે, ‘તારી મમ્મી તને મળવા ઘણી ઉત્સુક છે. તારો કૉલ આવ્યો એટલે એ તારા માટે થેપલા બનાવવા લાગી.’ હું ખુશ હતી કે મમ્મી મારી આટલી કૅર કરતી હતી. બટ પછી દર વખતે એવું થતું કે કોઈ ને કોઈ વાત નીકળે અને અમારે બંનેને કોઈને કોઈ બાબતે બોલવાનું થતું. બટ આ વખતે હું કોઈ એવી સિચ્યુએશન ઊભી કરવા નહોતી માંગતી.

અમે ઘરે પહોંચ્યા એટલે મમ્મી તરત જ દરવાજે આવી. એના ચહેરા પર વિશાળ સ્માઈલ હતી. એ સ્માઈલ જોઈને મારાં પપ્પા પણ ખુશ હતાં. હું મમ્મીને પગે લાગી. એમણે મારાં માથામાં હાથ ફેરવ્યો, આઈ ફેલ્ટ બ્લેસ્ડ. એન્ડ વેરી પીસફૂલ. પછી સીરીયલમાં આવે એ રીતે એ મને ભેટી પડ્યા. બટ ઇટ વોઝ રીયલ..! મેં ઘણું રિલેક્સ ફીલ કર્યુ. હું મારી મમ્મીની આ સ્માઈલ ઘણા ટાઈમ પછી જોઈ રહી હતી. મને બહુ જ ગમ્યુ. મમ્મી સાથે રમવુ કોને ના ગમે..? બસ મારે મારી મમ્મીને હૅન્ડલ કરવાની હતી. એ જસ્ટ માની જાય એટલે પપ્પાતો પીગળી જશે. મને વિશ્વાસ હતો જો મમ્મી માની જશે તો પપ્પાનો કોઈ વિરોધ નહીં હોય. બસ મમ્મીને મનાવવાની હતી. ગમે તેમ તો એ માતા હતી, એને મારાં પ્રત્યે લાગણીઓ હતી, મારાં પ્રત્યે પ્રેમ હતો. હું બધાંને ખુશ કરવા માંગતી હતી. સાથે હું પણ ખુશ રહેવા માંગતી હતી. તો આ વખતેની ટ્રીપ હતી ‘મિશન મોમ’

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.