સુખનો પાસવર્ડ - 32 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

સુખનો પાસવર્ડ - 32

જીના ઈસીકા નામ હૈ!

તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે એક વાર 90 વર્ષના શીલા ઘોષને યાદ કરજો. કદાચ તમને તમારી મુશ્કેલી નાની લાગશે!

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

પશ્ચિમ બંગાળના પાલીમાં એક ગરીબ બંગાળી કુટુંબ રહે છે. એ કુટુંબમાં પાંચ સભ્યો હતા. એ કુટુંબના મોભી 79 વર્ષનાં દાદીમા શીલા ઘોષ હતાં. શીલા ઘોષનો પુત્ર જે કમાણી કરતો હતો એમાંથી એમના ઘરનું ગુજરાન ચાલતું હતું. ઘોષ કુટુંબના સપનાં બહુ ઊંચાં નહોતાં એટલે એ કુટુંબ સંતોષી જીવન ગાળતું હતું. પણ અચાનક ઘોષ કુટુંબની કસોટી શરૂ થઈ.

એક દિવસ શીલા ઘોષના 55 વર્ષના પુત્રની તબિયત લથડી. તેણે પહેલા તો એક સામાન્ય ડૉક્ટરની પાસે સારવાર લીધી, પણ તેની તબિયત સુધરવાને બદલે વધુ બગડી. જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટરે મોટા ડૉક્ટરને મળવાની સલાહ આપી. મોટા ડૉક્ટરે જાતભાતના રિપોર્ટ કરાવ્યા એ પછી ખબર પડી કે શીલા ઘોષના પુત્રને ફેફસાંનું કેન્સર છે અને એ પણ લાસ્ટ સ્ટેજમાં!

ઘોષ કુટુંબની ક્ષમતા પ્રમાણે સારવારની કોશિશ થઈ, પણ શીલા ઘોષનો કમાઉ દીકરો બચી ન શક્યો. શીલા ઘોષ અને તેમના કુટુંબ પર જાણે વીજળી ત્રાટકી. શીલા ઘોષને સ્વાભાવિક રીતે પ્રચંડ આઘાત લાગ્યો. પોતે જીવનના આઠ દાયકા જેટલો સમય જોઈ લીધો હતો અને પોતાની મરવાની ઉંમર હતી એને બદલે તેમણે પોતાના દીકરાને અકાળે મૃત્યુ પામતો જોવો પડ્યો એ આકરી વાસ્તવિક્તાથી તેમનું હૃદય જાણે ચીરાઈ ગયું.

શીલા ઘોષ દીકરાના મૃત્યુની પીડા અને કડવી વાસ્તવિક્તા પચાવી શકે એ પહેલા તેમની સામે બીજી વિકરાળ વાસ્તવિક્તા આવી ગઈ. તેમનો દીકરો જે કમાણી કરતો હતો એમાંથી કુટુંબનું ગુજરાન ચાલતું હતું, પણ દીકરાના મૃત્યુ સાથે આવક બંધ થઈ ગઈ. જો કોઈ આવક શરૂ ના થાય તો તેમના કુટુંબે ભૂખે મરવાનો વારો આવે એમ હતો.

શીલા ઘોષનો યુવાન પૌત્ર મજૂરી કરીને થોડી ઘણી કમાણી કરી લેતો હતો, પણ તેની મજૂરીની આવક એટલી ઓછી હતી કે એ આવકમાંથી ઘર ચલાવવાનું અશક્ય હતું. દીકરાના અકાળ મૃત્યુની અપાર વેદના અને બીજી બાજી કુટુંબના ગુજરાનની ચિંતા વચ્ચે પીસાઈ રહેલા શીલા ઘોષે એક નિર્ણય કર્યો. તેમણે પોતાના ઘરે પાપડ અને ફ્રાઈઝ (આપણે ત્યાં તળેલા ભૂંગળા હોય છે એ પ્રકારનું રંગબેરંગી ફરસાણ) બનાવવાનું શરૂ કર્યું.

શીલા ઘોષે પાપડ અને ફ્રાઈઝ વેચીને ગુજરાન ચલાવવાનું નક્કી કર્યા પછી બીજી મુશ્કેલી તેમની સામે આવી ગઈ. નાનકડા પાલીમાં ફ્રાઈઝના વેચાણથી તેઓ બહુ આવક ઊભી કરી શકે એમ ન હતા.છેવટે શીલા ઘોષે ફ્રાઈઝના વેચાણ માટે દરરોજ કોલકાતા જવાનો નિશ્ચય કર્યો. પાલીથી બે બસ બદલીને તેઓ કોલકાતામાં જગ્યા શોધવા પહોંચી ગયાં. કેટલીક જગ્યાઓ જોયા પછી તેમણે ચૌરંઘી રોડ પર એક્સાઈડ સર્કલ પાસે એક જગ્યા નિશ્ચિત કરી. બીજા જ દિવસથી તેમણે દરરોજ એ જગ્યાએ જવાનું શરૂ કરી દીધું.

કમાઉ દીકરાના અકાળ મૃત્યુને કારણે ભાંગી પડેલાં શીલા ઘોષ ફરી ઊભાં થયાં અને પ્રપૌત્ર કે પ્રપૌત્રીને રમાડવાની ઉંમરે તેમણે કામ શરૂ કર્યું. તેઓ દરરોજ મોડી બપોરે પાલીથી કોલકાતા જવા માટે ઘરેથી નીકળવા માંડ્યાં અને બે બસ બદલીને ચૌરંધી રોડ પર એક્સાઈડ સર્કલ પહોંચીને ફ્રાઈઝ વેચવા માંડ્યાં.

શીલા ઘોષે બીજા ફેરિયાઓની સાથે ફૂટપાથ પર બેસીને ફ્રાઈઝ વેચવાનું શરૂ કર્યું ત્યારે પહેલા થોડા દિવસો તો તેમણે ધીરજ રાખવી પડી, પણ પછી લોકો તેમની પાસેથી ફ્રાઈઝ ખરીદવા માંડ્યા. ધીમે ધીમે તેમની કમાણી વધતી ગઈ. એ કમાણીમાંથી પણ જોકે તેમના કુટુંબનું ગુજરાન આસાનીથી ચાલતું નહોતું. પણ પૌત્રની મજૂર તરીકેની આવક અને ફ્રાઈઝ વેચીને થતી આવકમાંથી તેઓ તાણી તૂસીને ઘર ચલાવવા માંડ્યા.

એંસી વર્ષની આ વૃદ્ધાને ફૂટપાથ પર ફ્રાઈઝ વેચતી જોઈને ઘણા માણસો દયા ખાઈને પણ તેની પાસેથી નિયમિત રીતે ફ્રાઈઝ ખરીદવા લાગ્યા. એમાંના કેટલાક તો શરૂઆતમાં શીલા ઘોષને ભિખારણ સમજી બેઠા હતા, પણ શીલા ઘોષના ચહેરા પર ખુદ્દારીની રેખાઓ જોઈને તેઓ તેને માનની નજરે જોવા માંડ્યા. ધીમે ધીમે તેમની કમાણી વધતી ગઈ.

શીલા ઘોષ અત્યારે 89 વર્ષના થયાં છે. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ ફ્રાઈઝ વેચીને પોતાના કુટુંબને નિભાવી રહ્યા છે. તેમણે ધાર્યું હોત તો તેઓ ભીખ માગીને કમાણી કરી શક્યા હોત. કોઈ કાચીપોચી વ્યક્તિ હોત તો દીકરાના અકાળ મૃત્યુ અને પછી આર્થિક મુશ્કેલીને કારણે મૂંઝાઈને તેણે જીવન ટૂંકાવી દીધું હોત અથવા આઘાતથી તેનું હૃદય બંધ પડી ગયું હોત, પણ શીલા ઘોષ નોખી માટીનાં નીકળ્યાં. તેમણે જીવનની વિષમ સ્થિતિ સામે હાર સ્વીકારી લેવાને બદલે ઝઝૂમવાનું પસંદ કર્યું અને ખુમારી સાથે જીવન જીવવાનો, કુટુંબને નિભાવવાનો રસ્તો શોધી કાઢ્યો.

શીલા ઘોષને ઘણી વાર લોકોએ આર્થિક સહાય આપવાની કોશિશ કરી છે, પણ તેમણે ગૌરવભેર ઈનકાર કર્યો છે. એકવાર કોલકાતાની એક કોલેજિયન યુવતી સૂફિયા ખાતૂનની નજર શીલા ઘોષ પર પડી. તેને એ કંઈ ખબર નહોતી કે આ વૃદ્ધા શા માટે આ ઉંમરે ફ્રાઈઝ વેચવા ફૂટપાથ પર બેસે છે, પણ તેને શીલા ઘોષની દયા આવી ગઈ. તેણે શીલા ઘોષની તસવીર પાડીને ફેસબુક પર મૂકી અને તેમને મદદ માટે અપીલ કરી. સૂફિયાના મિત્રોએ પોતાના પોકેટ મનીમાંથી 1600 રૂપિયા જમા કર્યા. સૂફિયા અને તેના મિત્રો એ રૂપિયા લઈને શીલા ઘોષ પાસે ગયા. તેમણે કહ્યું, ‘અમે તમારા માટે હજી વધુ રૂપિયા એકઠાં કરીશું.’

શીલા ઘોષે સૂફિયા અને બીજી એક કોલેજિયન યુવતી કલ્યાણી ભૌમિક અને બીજા યુવક – યુવતીઓએ એકઠા કરેલા સોળસો રૂપિયા લઈ લીધા અને કહ્યું, ‘તમે મારા પ્રત્યે લાગણીથી આ રકમ જમા કરી છે. એટલે હું સ્વીકારી લઉં છું, પણ હવે મને આર્થિક સહાય આપવાની કોશિશ ના કરતા. હું ભીખ માગીને પણ કમાણી કરી શકું છું, પણ મને એ મંજૂર નથી!’

તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે એક વાર 89 વર્ષના શીલા ઘોષને યાદ કરજો. કદાચ તમને તમારી મુશ્કેલી નાની લાગશે!

***