દૂધમાંથી સોનું ને આંસુમાંથી 'મોનું' : દે દામોદર દાળમાં પાણી...!
આ ભાજપમાં આવા નેતાઓ જાતે જ પાકે છે કે એમને કોઈ ખાસ કોર્સ કરાવવામાં આવે છે?
પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું છે કે, 'ભારતીય ગાયોના દૂધમાં સોનું હોવાથી તેમના દૂધનો રંગ થોડો પીળાશ પડતો હોય છે. આપણી ગાયોમાં એક નાડી હોય છે જે સૂર્યપ્રકાશની મદદથી સોનું ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.' - તેમના આ નિવેદન બાદ કેટલાક પશુપાલકો મુંઝવણમાં છે કે હવે દૂધ ડેરીએ લઈ જઈને એમાંનું ફેટ મપાવડાવવું કે પછી સોનીબજારમાં જઈ બીઆઈએસ સર્ટિફાઈડ ટેસ્ટિંગ સેન્ટરમાં તેમાં રહેલા સોનાનું પ્રમાણ ચેક કરાવવું? મતલબ કે દૂધનો ભાવ હવે શેના પરથી નક્કી કરવાનો? ફેટ પરથી કે એમાં રહેલા સોનાના પ્રમાણ પરથી? આઈ મિન, હવે અમૂલ ગોલ્ડ લાવીને ચા મુકવાની કે એમાંથી ઘરેણાં બનાવવા નાંખવાના?
કોઈ તો એવું યે કહેતું હતું કે દિલીપ ઘોષને આ વિચાર અમુલ ગોલ્ડની કોથળી જોઈને આવ્યો હશે તો કોઈ કહે છે કે તેઓ વોટ્સએપ બહુ વાપરે છે તેમને કોઈ મેસેજ આવ્યો હશે! આધાર વિનાના ભૂત જેવા સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે અમિત શાહે ફોન કરીને યુદ્ધના ધોરણે દિલીપ ઘોષનું વોટ્સએપ બંધ કરાવવાનું કહ્યું છે! હોવ...
ઘોષ કહે છે કે ગાયના દૂધમાં સોનું હોવાના કારણે તેનો રંગ થોડો પીળો હોય છે. શું તેમણે પેલી કહેવત નહીં સાંભળી હોય કે પીળું એટલુ સોનું નથી હોતું? ને એમની આ પીળા રંગવાળી થીયરી મુજબ તો આ વિશ્વમાં ઘણી બધી ચીજો પીળી હોય છે. શું બધામાં સોનાનું પ્રમાણ હશે?
હાળુ આવા નિવેદનોથી દેશના સંશોધકોને જબરી ઉપાધી થઈ જાય છે, પેલું બટેટામાંથી સોનું બનાવતુ મશીન હજુ બન્યું નથી ત્યાં આ દૂધમાંથી સોનું ઉત્પન્ન કરવાની થિયરી આવી. દેશમાં આવી ચક્કરબત્તી જેવી વાતો કરનારા નેતાઓ અને મહાનુભાવોની એક આખી લંગાર છે.
રાજસ્થાન હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ મહેશ વર્માએ એક વખત મતલબનું એક નિવેદન આપેલું કે મોર પવિત્ર પક્ષી છે. તે સેક્સ નથી કરતો. તે રડે અને તેના આંસુ પીને ઢેલ ગર્ભવતી થાય છે. આ સાંભળીને લોકોની આંખોમાં આંસુ આવી ગયેલાં! વિચારો કે સેક્સના સાયન્સ અંગે એક જસ્ટિસ કક્ષાના વ્યક્તિનું નોલેજ આટલુ હાસ્યાસ્પદ હોય ત્યાં અંતરિયાળ અને પ્રમાણમાં અનએજ્યુકેટેડ વિસ્તારોની શું હાલત હશે? કહે છે કે જાપાન સંશોધનો કરી કરીને ઉંધુ વળી ગયું હોવા છતાં કેટલાકને મન તો જાપાન એટલે એક બુલેટ ટ્રેન અને બીજું 'પેલું તેલ'!
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર અને ઉત્તર પ્રદેશના બાગપતના ભાજપના સાંસદ સત્યપાલ સિંહના સત્યશોધનના ધખારાના પાપે ચાર્લ્સ ડાર્વિનની આત્મા જ્યાં હશે ત્યાં પોતાની જાતને કોરડા ફટકારતી હશે અને પોતાને ઉકળતા તેલના તગારામાં હોમી દેવાની આજીજીઓ કરતી હશે. કારણ કે તેઓશ્રી વારંવાર ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને ચેલેન્જ કર્યા કરે છે. તેઓ એ માનવા તૈયાર જ નથી કે આજનો માનવ અગાઉ વાંદરો હતો કે માણસ વાંદરામાંથી માણસ બન્યો છે. જોકે, કેટલાંક હજૂ પૂરાં બન્યાં નથી, પ્રોસેસમાં છે એ વાત અલગ છે!
સત્યપાલસિંહ વારંવાર એક જ સવાલ ઉઠાવતા ફરે છે, જે આપણને આપણે બાલમંદિરમાં થતો હતો કે - 'જો માણસ વાંદરામાંથી બન્યો હોય કે આપણા પૂર્વજો વાંદરાં હોય તો આજના વાંદરાઓ માણસ કેમ બનતા નથી?' લા ભઈ એમને નહીં બનવું હોય. કહે છે કે એકવાર વાનરોનો વડો વડવાનર સંસદમાં ઘુસી ગયેલો. સંસદની ધમાલ જોઈને એ ડોફરાઈ ગયો. પોતાની વસતિમાં પાછા જઈને એણે સ્પષ્ટ સૂચના જાહેર કરી કે કોઈએ ભારતીય સંસદ તરફ જવાનુ નથી, ત્યાં બધું 'અનુપમ' (શ્રેષ્ઠ) નથી અને કોઈએ માણસવેડા કર્યા તો 'ખેર' નથી!
સત્યપાલસિંહનો ભૂતકાળ જોતા આ મામલે એમનો બહુ વાંક પણ લાગતો નથી. પૂર્વ પોલીસ અધિકારી તરીકે તેઓ ચાર્લ્સ ડાર્વિન કરતા ચાર્લ્સ શોભરાજ વિશે વધુ જાણતા હોય એ શક્ય છે. અથવા એમના દિમાગમાં ચાર્લ્સ શોભરાજ અને ડાર્વિન વચ્ચેની ભેળપૂરી પણ થઈ જતી હોય તો નવાઈ નહીં...!
સત્યપાલસિંહને લાગતી નવાઈની મને નવાઈ લાગે છે. આજે પણ માણસોમાં વાંદરાના લક્ષણો મળી આવતા હોય તો માણસ વાંદરામાંથી માણસ બન્યો હોવાની વાતમાં આપણને નવાઈ શેની લાગવી જોઈએ? અરે, વાનરના લક્ષણો તો લક્ષણો, માણસમાં રોગ પણ વાંદરાઓમાંથી આવ્યા છે. જેમ કે એઈડ્સ. એઈડ્સ આફ્રિકન કન્ટ્રી કોંગોના ચિમ્પાન્ઝીઓમાંથી માણસમાં આવ્યો હોવાની થિયરી છે. વોટ્સએપ યુનિવર્સિટી પાસઆઉટ અંધોધકો (અંધ સંશોધકો) તો ત્યાં સુધી કહે છે કે કોંગોના વાંદરાઓ માણસ બનવાની તૈયારીમાં જ હતા, પણ એચઆઈવી વાઈરસનું માનવીયકરણ થયા બાદ એઈડ્સ જે રીતે વિશ્વભરમાં પ્રસર્યો એ જોઈને એમણે માણસ બનવાનું માંડી વાળ્યું. આમ પણ ચિમ્પાન્ઝી એક બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે અને કેટલાક માનવીઓ બુદ્ધિના બળદ... હોવ...
ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કહે છે કે કુદરતનો નિયમ છે કે જે શક્તિશાળી હોય એ જ ટકે, નબળાં સાફ થતા જાય. આ સિદ્ધાંત તો છેલ્લી બે લોકસભા ચૂંટણીઓમાં જ સાબિત ન થઈ ગયો? કોંગ્રેસની હાલત જોઈ છે? ચકલી કરતા પણ વધારે ઝડપથી કોંગ્રેસીઓની વસતિ ઓછી થઈ રહી છે. હવે તો લાગે છે કે દેશમાં કદાચ ચકલી બચી જશે, પણ કોંગ્રેસ નહીં બચે! કુદરતી ન્યાયનો સિદ્ધાંત તો એ પણ કહે છે કે દિલીપ ઘોષ અને સત્યપાલસિંહ જેવા નેતાઓ આવા જ બેફામ નિવેદનો કરતાં રહ્યાં તો ભવિષ્યમાં ભાજપની પણ એ જ હાલત થઈ શકે છે, જે આજે કોંગ્રેસની છે. હોવ...
ફ્રી હિટ્સ :
> Faking News : ગુજરાતી ફિલ્મોની સ્ક્રિનિંગ કમિટીની બબાલોમાં નવો ફણગો: અનિંદ્રાના દર્દીઓને પણ સ્થાન આપવા માગ: કેમિસ્ટ એસો.નો ભારે વિરોધ
> કહે છે કે ગુજરાતી ફિલ્મોની સ્ક્રિનિંગ કમિટીમાં સ્વર્ગસ્થોના પણ નામ છે, ઇટ્સ લાઈક LIC, જિંદગી કે સાથ ભી ઓર જિંદગી બાદ ભી...!