Featured Books
શ્રેણી
શેયર કરો

એએએ...ટોળું આયુઉઉઉ...: એ હુલ્લડના દિવસો ને કર્ફ્યૂની રાતો...!

એએએ...ટોળું આયુઉઉઉ...: એ હુલ્લડના દિવસો ને કર્ફ્યૂની રાતો...!

મારું મૂળ વતન વિરમગામ. હા, એ જ ગામ જ્યાંથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આવે છે. અમારું ગામ હુલ્લડ માટે કુખ્યાત. જોકે, છેલ્લા એક દાયકામાં અમારા ગામે હાર્દિક અને અલ્પેશ નામની જે બે પ્રોડક્ટ આપી છે એ જોઈને એ અલગથી કહેવાની જરૂર નહોતી કે વિરમગામ હુલ્લડ માટે કુખ્યાત છે. એ તો તમે આ બન્નેના પરાક્રમો પરથી પણ સમજી જ ગયા હશો. ગુજરાતમાં એક આખો સમય હતો કે ક્યારેક કુદરતી કારણોસર નેટ બંધ થઈ જાય તો પણ આમઆદમીને ફાળ પડતી કે હાર્દિક જેલમાંથી બહાર તો નહીં આવ્યો હોય ને? હોવ...હમ્બો...હમ્બો!

કહે છે કે વર્ષો અગાઉ વિરમગામ આવેલા મોરારજી દેસાઈને કોઈએ ખાસડાનો હાર પહેરાવ્યો ત્યારથી અમારા ગામના વિકાસ પર લાલ લીટી લાગી ગઈ. ગુજરાતભરમાં વિકાસ વિકસીને ગાંડો પણ થઈ ગયો જ્યારે અમારા ગામમાં એનું પારણું પણ ન બંધાયુ!

એવું પણ કહે છે કે વર્ષો પહેલા મોટા પરકોટાના અખાડામાં કોઈ ભાષણ વખતે નરેન્દ્ર મોદીએ હિન્દુઓને પાનો ચડાવતા કહેલું કે, 'અહીં આવીને મને એવું લાગે છે કે જાણે ખાડિયા-2માં ઊભો છું.' આ વાત સાચી હોય કે ખોટી, પણ મેં 2002 પછીના વિરમગામમાં અનેક 'ચડ્ડીવાળા ડોન'ને એ વાતનું ગૌરવ લેતા જોયા છે કે મોદીએ વિરમગામની તુલના ખાડિયા સાથે કરેલી! હોવ...હમ્બો...હમ્બો!

બાય ધ વે, ખાડિયનો પથ્થરમારામાં વર્લ્ડ ફેમસ. દંતકથા તો એવી પણ છે કે ખાડિયાવાળા એટલી ઝડપથી પથ્થરો વરસાવી શકે છે, જેટલી ઝડપથી તો વિશ્વમાં ક્યારેય કરા પણ નહીં પડ્યા હોય! કહે છે કે કોઈ કાળમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ એ સવાલ પુછાયેલો કે, 'આ ખાડિયા શું છે?' એ વાતનું આજે અસલના જમાનાના દરેક ખાડિયનને ગૌરવ છે. એવી જ રીતે આજે પણ વિરમગામમાં એવા લોકો મળી આવશે જેમને વિરમગામની તુલના ખાડિયા સાથે થઈ હોવાનું ગૌરવ હોય!

નિયમિત તોફાનો થતા હોય ત્યાં એક ઋતુ કર્ફ્યૂની પણ હોય છે. આવું કાશ્મીર વિશે કહેવાય છે અને ત્યાં તો એક બીજી પણ કહેવત છે કે - 'ખૂન કા બદલા જૂન મૈં.' હું એવું કટ્ટરલી માનુ છું અને અગાઉ કોઈ વનલાઈનરમાં લખી પણ ચૂક્યો છું કે કાશ્મીરના પેલા લબરમૂછિયા પથ્થરબાજોને પાંસરા કરવા હોય તો ત્યાંથી આર્મી હટાવી લો અને લાલ ચોકના અખાડામાં ખાડિયનોને ઉતારો. પેલા લોકો પથ્થરમારો કરવાની ખો ભૂલી જશે. ક્યોંકિ લોહા હી લોહે કો કાટતા હૈ...! ખાડિયાવાળા પથ્થરમારો કરી કરીને પાકિસ્તાનને શરણે લાવી દે એમ છે. જોકે, પછી ખાડિયાવાળાઓને પાછા વાળવા આર્મી મોકલવી પડે તો નવાઈ નહીં! હોવ...હમ્બો...હમ્બો!

એની વે, હું વિરમગામની પેદાઈશ હોવાથી હુલ્લડોને બહુ નજીકથી જોવાનું બન્યું છે. એવું નથી કે હુલ્લડની હવામાં કાયમ ઝેર જ ગોરંભાતુ હોય. તોફાનોમાં ક્યારેક ટીયરગેસના નહીં, પણ લાફિંગ ગેસના ફૂવારા પણ ઉડતા મેં જોયા છે!

નેટફ્લિક્સમાં જે સ્થાન રાધિકા આપ્ટેનું છે એ જ સ્થાન તોફાનોમાં અફવાઓનું છે. દેશી ભાષામાં અને ખાસ તો તોફાનના સમયમાં એને 'પડીકું' કહેવાય. અફવા ઊડે એટલે 'પડીકું આયુ' એવું કહેવાય. તોફાનો એની ચરમસીમા પર હોય ત્યારે કોઈ કચરાપેટીનો કચરો સળગ્યાનો ધુમાડો જોઈ જાય તો પણ મહોલ્લામાં આવીને અફવા ફેલાવે કે, 'આજે બસ સ્ટેન્ડ બાજુથી નીકળ્યો ત્યારે ગામમાં તોફાન જેવું વાતાવરણ હતુ ખરું હોં! મેં તો દૂરથી કોઈની દુકાન પણ બળતી જોયેલી.' તોફાનની જવાની ઉફાન પર હોય ત્યારે ચાર-પાંચ પોળ, ગલી, મહોલ્લા, શેરીના જુવાનિયાઓ ભેગા મળીને મહોલ્લાના રક્ષણની જવાબદારી ખભે ઉપાડી લે. એ વાત અલગ છે કે એ એરિયા બોર્ડર એટલે કે જ્યાંથી 'સામેવાળા'ની વસતિ શરૂ થતી હોય એ વિસ્તાર પર નહીં, પણ શહેરની વચ્ચોવચ હોવાથી ત્યાં કોઈ કાળું કૂતરું પણ હુમલો કરવા આવવાનું ન હોય! બધાં ભેગા થઈને તાપણું કરતા કે તીનપત્તી રમતા આખી રાત જાગે. મા ભોમની રક્ષા કાજે આખી રાત પત્તાં ટીચે રાખે. હોવ...

તોફાનોમાં વીરતાની વ્યાખ્યા બદલાઈ જાય. કર્ફ્યૂ લાગેલો હોય ત્યારે કોણ કેટલે દૂર સુધી જઈ આવે એના પરથી એ યુવાનની મર્દાનગીનું માપ નીકળે. તોફાનોથી ટેવાયેલા વિસ્તારોમાં કર્ફ્યૂ લાગે ત્યારે સરેરાશ હુલ્લડિયાને પોલીસ જોઈ ન જાય એ રીતે કર્ફ્યૂનો ભંગ કરવામાં એવી જ કિક વાગે જેવી સરેરાશ ગુજરાતીને દારૂબંધીમાં દારૂ પીવાથી લાગે છે! કર્ફ્યૂના પાસ સામે નવરાત્રીનો સિઝન પાસ પણ પાણી ભરે. લાંબા કર્ફ્યૂ વખતે જો તમે કર્ફ્યૂ પાસ ન કઢાવી શકો તો ગામમાં તમારી ઈજ્જત કોડીની પણ ન રહે. કર્ફ્યૂનો પાસ મેળવનારા વ્યક્તિના દોરદમામ જોવા જેવા હોય. ખુદ શહેનશાહ અકબર પણ આંટો મારવા નીકળે તો આ કર્ફ્યૂના પાસવાળાઓનો સ્વેગ જોઈને શરમાઈ જાય!

લાંબા કર્ફ્યૂમાં બે-એક દિવસે કેટલાક કલાકો પૂરતી મહિલાઓને દૂધ-શાકભાજી-કરિયાણું લેવાની છૂટ આપવામાં આવે ત્યારે કેટલાક ટેણિયા-મેણિયાઓને સાઈકલ પર બોર્ડરની સ્થિતિનો તાગ મેળવવા મોકલવામાં આવે. એ પાછા આવે ત્યારે પૂછવામાં પણ આવે કે, 'પેલા લોકોનું જોર ઓછું થયું કે નહીં? કેટલા બહાર નીકળેલા?' મુસ્લિમોને કર્ફ્યૂમાં બુરખાનો ફાયદો મળી જાય. ચેકિંગ ઢીલુ હોય અને બહુ બધા બુરખા ફરતા હોય ત્યારે રેન્ડમલી બે-પાંચ બુરખા ખોલાવી જુઓ તો કોઈ બુરખા નીચે મોહસિન પઠાણ કે મહંમદ ડોસો પણ નીકળી આવે! એમને પણ જોવું હોય કે, 'સામેવાળા કેટલા બહાર નીકળે છે?' હોવ...હમ્બો...હમ્બો!

તોફાનમાં સમાજ 'આપણાવાળા' અને 'સામેવાળા'માં વહેંચાઈ જાય. મજાની વાત એ છે કે કોઈપણ પક્ષના 'આપણાવાળા'એ વિસ્તારમાં સામેવાળાનું મોટું નુકસાન કરી નાંખ્યુ હોય તો એરિયાનો દરેક વ્યક્તિ એનું ગૌરવ છાતીએ ચોંટાડીને ફરતો હોય કે, 'આપણે' પેલા લોકોની કેવી વાટ લગાડી દીધી? આપણને કહેવાની ઈચ્છા થઈ જાય કે, 'તું જપને બે લોંદર. ધમાલ શરૂ થઈ ત્યારે તું જ સૌથી પહેલું ઘરમાં ગરી ગયેલું.'

તોફાનોમાં ઘણા તો ભવિષ્યવેત્તા બની જતાં હોય છે. જેઓ અલગ અલગ તર્ક અને શાસ્ત્રોથી તમને સમજાવે છે કે આવનારા દિવસોમાં કોણ વધારે મરશે? આપણાવાળા કે એમનાવાળા? સ્ત્રીઓની જફા વધી જતી હોય છે. કર્ફ્યૂના કારણે પુરુષો ઘરેના ઘરે હોય, એક તો એમને સહન કરવાના અને આખો દિવસ ચા-પાણી કરે રાખવાના.

મધરાત થઈ હોય. મહોલ્લાના કૂતરાંઓ પણ જપીને સૂઈ ગયા હોય અને ક્યાંકથી બૂમ સંભળાય કે, 'એએએ...ટોળું આયુઉઉઉ....' ને બધા હડૂડૂડૂહૂશ કરીને હળીઓ કાઢે. દસમાંથી અગિયાર કિસ્સામાં એવું બને કે ટોળું તો ઠીક પણ કાળું કૂતરુંય ન આવ્યું હોય. આ અડધી રાત્રે ઊઠીને ટોળાં દોડવા માંડે એમાં અમારે ત્યાં એક બીજી કોમેડી થતી. કેટલાક સંગઠનોએ યુવાનોમાં તલવારો વહેંચેલી. જેમણે જિંદગીમાં શાક સમારવાની છરી પણ ન પકડી હોય એમને સીધી જ તલવાર મળી જાય એટલે એ લોકો જાતને શિવાજી કે મહારાણા પ્રતાપ માનવા લાગ્યા હોય. એ લોકો યુદ્ધમાં પોતાનું શૂરાતન બતાવી દેવા રીતસરના તડપી રહ્યાં હોય. એમાં થાય એવું કે સામેવાળા તો હુમલો કરે ત્યારની વાત ત્યારે, પણ આ બુહાઓ અંદરોઅંદર ઝઘડે અને એમાં તલવારો ખેંચે. બાજ કાં તો બાજનાર દે! તમે નહીં માનો, પણ કેટલાકની તો તલવારો પાછી લઈ લેવી પડેલી. કેટલાકની એમના ઘરવાળાઓ પાછી આપી ગયેલા અને કેટલાકના ઝઘડા તલવાર પાછી લઈ લેવાની ધમકી આપીને અટકાવવા પડેલા.

આવા રાતોરાત લડવૈયા બની ગયેલાઓ અડધી રાત્રે 'એ ટોળું આયુઉઉઉ...'ની બૂમ સાંભળીને તલવાર કાઢીને બોર્ડર તરફ દોટ મુકતાં ત્યારે જોવા જેવી થતી. સાલાઓએ બાપગોતરમાં ક્યારેય તલવાર પકડીને દોટ મૂકી ના હોય એમાં લચ્છો એ થતો કે એ લોકો તલવાર છેક આકાશની તરફ ઊંચી અથવા તેનાથી સહેજ નીચી રાખીને દોડવાના બદલે છાતીથી સામેની દિશામાં રાખીને દોડતા. કેમ જાણે બોર્ડર પર પેલો સામેવાળો આની તલવારની રાહ જોઈને જ ઊભો હોય. આ લોકો આમ સીધી તલવાર રાખીને દોડતા એમાં એની આગળ દોડનારાની ફાટી પડતી. કારણ કે દોડવામાં જો સહેજ પણ ચૂક થાય તો ખરેખર પેલાની તલવારના ઝાટકે ડિકી ફાટીને બે ફાડિયા થઈ જવાનો ભય રહેતો! હોવ...હમ્બો...હમ્બો!

ગમે તેમ કરીને આ લશ્કર બોર્ડર પર પહોંચતું. જ્યાં કોઈ જ ટોળું નહોતું મળતું . ઉલટાનું આ ટોળું જોઈને સામેવાળાના વિસ્તારોમાં બૂમ પડતી કે, 'એએએ... ટોળું આયુઉઉઉ...' એમાં સામેવાળાના ટોળાં ઉભરાવાના શરૂ થઈ જતા અને સ્થિતિ કાબૂમાં લેતા પોલીસને બે કલાક લાગતા.

હવે વિચારો કે આ રોજેરોજ ટોળું આવતું નહીં છતાં 'એએએ... ટોળું આયુઉઉઉ'ની બૂમો શું લૂમ લેવા પડતી હતી? લેવાની લૂમ અને પાડવાની બૂમ? એમાં એવું થતું કે મધરાત થાય એટલે પેલા મહોલ્લાના રક્ષકોમાંથી બે-ચારને થતું કે - `આજ કુછ તુફાની કરતે હૈ!' એકાદો પ્રસ્તાવ મૂકતો કે, 'ચલો, બોરડી બજાર સુધી આંટો મારી આવીએ.' એની પાછળની મહેચ્છા એવી હોય કે રાત્રે ગયા હોય બોરડી બજાર સુધી, પણ સવારે એવો ફાંકો મારવા થાય કે, 'રાત્રે તો અમે છેક તઈવાડામાં ઘુસી ગયેલા.' એમને સાંભળીને સાંભળનારાઓ પાનો ચડાવે કે, 'છોકરાઓ ખરી હિંમત કરી કે'વાય હોં તમે તો.' સવારે આવા વખાણ સાંભળવાના ઓરતા સાથે ત્રણ-ચાર જણા તૈયાર થાય. જે લોકો ડરના માર્યા તૈયાર ન થાય એમને બંગડી પહેરવાની સલાહો આપવામાં આવે. 'કાલે અહીં ટોળું આવશે તો તમે શું કરશો?' એવા ટોણા પણ મારવામાં આવે.

બે-ત્રણ જણાની ટોળી કફન (સોરી મોં પર બુકાની) બાંધીને દુશ્મનના એરિયામાં સર્જિકલ સ્ટ્રાઈક કરવા તૈયાર થાય. એકાદું ટળટળિયું બજાજ પ્રિયા કે લ્યૂના કાઢવામાં આવે. નજીકના નાકે બેઠેલા કોઈ જાણીતા હોમગાર્ડને સાધવામાં આવે. એને પૂછી પણ લેવામાં આવે કે આગળ ક્યાં સુધી જવાય એમ છે? અને કઈ ગલી વટો પછીથી 'ખરું જોખમ' શરૂ થાય છે? બોર્ડરની પેલી પાર શું ચાલી રહ્યું છે એ પણ પૂછી લેવામાં આવે. જેથી એ વર્ણનો સવારે સંભળાવવાની પેલી પોતાની પરાક્રમ કથામાં કામ આવે. કોઈ દેખાય તો તરત ટર્ન મારી લેવાની તૈયારી સાથે જાન આગળ વધે. જોગાનુજોગ બને એવું કે સામેવાળાઓમાં પણ બે-ત્રણ વીરોને કંઈક આવું જ શૂરાતન ચડ્યું હોય. બોર્ડર એરિયામાં ક્યાંક આ બન્ને ટણકટોળકીઓ સામસામી અથડાય. સામસામી નારાબાજી કરીને બન્ને ટોળકીઓ ઊભી પૂંછડીએ ભાગે. મનોમન એવું ધારી લે કે પેલા લોકો ચડાઈની કોઈ જબ્બર તૈયારી કરી રહ્યાં છે જેના ભાગરૂપે રેકી કરવા બે-ત્રણ યુવાનો છેક અહીં સુધી આવી ગયેલા. જો સાબદા નહીં થઈએ તો ઊંઘતા ઝડપાઈશું. બન્ને પાર્ટી પોતપોતાના વિસ્તારમાં જઈને એટલી જ બૂમ મારે કે, `એએએ... ટોળું આયુઉઉઉઉ...`

એ બૂમ સાથે જ મહોલ્લાના વીરો આગળવાળાની ડિકીની દિશામાં તલવારનું મોં રાખીને બોર્ડરની દિશામાં દોડવાનું શરૂ કરી દે! હોવ...હમ્બો...હમ્બો!

ફ્રી હિટ :

જો તમે મારી વાતો સહન ન કરી શકતા હોવ તો એનો મતલબ એ છે કે જમાનો જ અસહનસિલ છે. મારા લખાણમાં કોઈ ખોટ નથી. હું એ સમાજને શું નગ્ન કરવાનો જે પહેલેથી જ નગ્ન છે? હું એને કપડાં પહેરાવવાની કોશિશ પણ નથી કરતો કારણ કે એ મારું નહીં, પણ દરજીઓનું કામ છે.

- મંટો