મંદિર કે મોલ?: ધંધા હૈ ઓર ગંદા હૈ યે..!
થોડાં દિવસ પહેલા એક મંદિરની મુલાકાતે જવાનું થયું. સામાન્ય રીતે આવી મુલાકાતો માટે દર્શન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, પણ પરમ તત્ત્વ પ્રત્યેની મારી આંતરિક આસ્થા સાબૂત હોવા છતાં મને ત્યાં મંદિર જેવી ઓછી અને કોઈ શોપિંગ મોલ જેવી ફિલિંગ વધુ આવી. મોલ્સમાં પણ એક સાથે અનેક સ્કિમો ચાલતી હોય છે અને અહીં પણ અનેક 'સ્કિમો' નજરે ચડી! હોવ...હમ્બો...હમ્બો...!
કેટલાક ધાર્મિક સ્થળો અને મોલ વચ્ચે ફરક માત્ર એટલો હોય છે કે મોલમાં આપણને ખબર હોય છે કે ત્યાં વેપાર ચાલી રહ્યો છે! તમે બહુ ફ્રસ્ટ્રેટ હોવ ત્યારે ઘણીવાર શોપિંગ રાહત આપે છે અને આવા ધાર્મિક મોલ્સ પણ કંઈક આવો જ અહેસાસ કરાવે છે. એને જ કદાચ ધર્મદર્શનથી મળતી માનસિક શાંતિ કહેવાતી હશે!
પ્રવેશદ્વાર પર એક એવી વાત જોવા મળી જે હવે તો આપણા દેશમાં ઓલમોસ્ટ સામાન્ય બની ગઈ છે અને માત્ર ભક્તો જ આવી 'ભક્તિ ચલાવી’ શકે! ત્યાં દર્શન માટેના વીઆઇપી પાસધારકોના પ્રવેશ માટેનો ગેટ અલગ હતો. ત્યાંથી વીઆઇપી પાસ મેળવનારાંને (કે ખરીદનારાં? રામ જાણે...) મુલાકાતમાં અગ્રતા અપાતી હતી. આ જોઈને ઉપરવાળો પણ મનોમન મંદ મંદ હાસ્ય પ્રસરાવતો નહીં હોય? વીઆઇપી પાસ થકી ભક્તોમાં આવા ભેદભાવ કરનારાઓની પ્રાર્થનાને અગ્રતા થોડી મળતી હશે?
મંદિરમાં અંદર પ્રવેશતા જ મોલ કે અન્ય ફરવાલાયક સ્થળોની જેમ જ એક સેલ્ફી પોઇન્ટ જોવા મળ્યો. આઈ મીન, એક એવી જગ્યા, જેને મંદિરના સંચાલકોએ બાકાયદા બોર્ડ મારીને સેલ્ફી પોઇન્ટ ઘોષિત કરી હતી. ત્યાં સેલ્ફી પાડવાથી બેકગ્રાઉન્ડમાં સમગ્ર મંદિર ઝીલાતું હતું. પર બાત સિર્ફ ઇતની હી હોતી તો ગનીમત થી... લેકિન, કિન્તુ, પરંતુ, બંધુ... ત્યાં એક કોન્ટેસ્ટનું પણ પાટિયું ઝૂલતું હતું - 'ભક્ત ઓફ ધ મંથ કોન્ટેસ્ટ'. ખરેખર...! ધર્મપ્રસાર, સોરી મંદિરના માર્કેટિંગનો એ અદભુત આઈડિયા હતો. એ બોર્ડ પર અપાયેલી 'સ્કિમ' મુજબ ભક્તોએ ત્યાં પાડેલી સેલ્ફી મંદિરના ફેસબુક પેજ પર મેસેજમાં શેર કરવાની હતી. વિજેતા ભક્તની તસવીર મંદિરના પેજ પર શેર કરવાની સાથે દર્શનના વીઆઇપી પાસ અને પ્રસાદના ઇનામની લાલચ આપવામાં આવી હતી. આઈ મીન, સિરિયસલી? વીઆઇપી પાસ અને પ્રસાદના ઇનામ? શું ઉપર બેઠેલો હજાર હાથવાળો હજાર પૈકીના એક હાથ વડે એના મંદિરનું ફેસબુક પેજ પણ ચેક કરતો હશે?
ખેર, મુખ્ય પ્રવેશદ્વારથી થોડે અંદર જતાં ભગવાનને ધરાવવા માટે અલગ અલગ સ્વાદ, રંગ-રૂપ અને ભાવની પ્રસાદી વેચાઈ (વહેંચાઈ નહીં, વેચાઈ) રહી હતી. બિલકુલ એ રીતે જે રીતે કોઈપણ ફિલ્મ શરૂ થતાં પહેલાં ધૂમ્રપાન અને તંબાકુ વિરોધી જાહેરાત આવે છે! કહે છે કે ભગવાન (પ્રસાદીના) ભાવનો નહીં, પણ ભાવનો ભૂખ્યો છે, પણ આ લોકો પ્રસાદીના ભાવના જ ભૂખ્યાં લાગ્યાં! સામાન્ય રીતે પ્રસાદીના વેપારની હાટડીઓ મંદિર પરિસરની બહાર હોય છે, પણ અહીં ખુદ મંદિર સંચાલકોએ એનો વેપલો માંડ્યો હતો.
મનોમન આવું મનન કરતાં કરતાં અને ઉપરવાળાનું ધ્યાન દોરતાં દોરતાં અમે આગળ વધ્યાં. સ્વાભાવિક રીતે જ વીઆઇપી પાસ ન હોવાથી નોન ઈમ્પોર્ટન્ટ પર્સન્સ માટેની કતારમાં ગયાં. ધાર્મિક અફીણના વેપારીઓ એવું જ ધારી બેઠા લાગે છે કે ઉપરવાળાના દરબારમાં પણ અહીંની જેમ બધાં સરખા નહીં હોય, ત્યાં પણ વેરી ઈમ્પોર્ટન્ટ અને નોન ઈમ્પોર્ટન્ટ પર્સન્સના ભાગ હશે! ધાર્મિક અફીણ ચટાડનારાઓ કરતાં પેલું અફીણ વેચનારા સારા, કારણ કે એમાં ખરીદનારને એટલીસ્ટ એ ખબર તો હોય છે કે એ ઘેનમાં સરી જવાનો છે. જ્યારે કેટલાક ધાર્મિક-આધ્યાત્મિક અફીણ તો જાગૃતિના નામે જ વેચવામાં આવે છે. જ્ઞાનના નામે પધરાવાતું અજ્ઞાન? ઉઠા લે રે બાબા ઉઠા લે...! તુજકો બેચનેવાલો કો તેરે પાસ હી બુલા લે...! હોવ...હમ્બો...હમ્બો...!
ખેર, અમે અંદર પ્રવેશ્યાં. ત્યાં મારી અંદર જ બેઠેલા કોઈ દેવલાએ કહ્યું કે, 'તું મારું ધ્યાન જે મુદ્દાઓ તરફ દોરી રહ્યો છે એ તો કંઇ જ નથી. જરા તારી આસ-પાસ નજર કર અને એક પત્રકારની નજરે ઓબ્ઝર્વ કર તો ખ્યાલ આવશે કે આ મારા જ બનાવેલા મને જ 'બનાવવાનો' કેવો પ્રયાસ કરે છે!' મેં આસ-પાસ જોયું તો મનોમન હસી પડાયું. જે રીતે વધુને વધુ ઘરાકોને આકર્ષવા અલગ અલગ રેસ્ટોરાં અને કાફે વિવિધ આકર્ષક થીમ પર તૈયાર થાય છે, એ જ રીતે આ મંદિર પણ એક થીમ પર તૈયાર થયું હતું અને એ હતી – ‘પૌરાણિક થીમ’. ધંધાદારી મંદિરોમાં આ થીમ એવરગ્રીન છે. આ મંદિરો વાસ્તવિક નહીં, પણ 'આર્ટિફિશિયલ પૌરાણિક' હોય છે. બાંધકામ અર્વાચીન જ હોય, પણ દિવાલોને પૂંઠા જેવા કોઈ પદાર્થથી પ્રાચીન પથ્થરો જેવું રૂપ આપ્યું હોય. પગથિયાં ચડો તો એવું લાગે કે જાણે કોઈ જૂની ગુફામાં પ્રવેશ કરી રહ્યાં હોવ. હવે તો લગભગ તમામ શોપિંગ મોલમાં આવી એડવેન્ચરસ રાઈડ્સ જોવા મળે છે. જ્યાં તમે જેવા પૈસા ખર્ચો એ મુજબ 12Dમાં ગુફા, જંગલો કે ભૂતનો આર્ટિફિશિયલ અનુભવ કરાવે. આ ધાર્મિક મોલ્સવાળા પણ કંઈક એ જ રીતે આપણને ભગવાનનો અનુભવ કરાવવાનો પ્રયાસ કરે અને ભગવાન આપણી અંદર બેઠો બેઠો આપણી અને એમની ઉપર હસતો હોય! હોવ...હમ્બો...હમ્બો...!
કૃષ્ણ ભલે ખુદ કહી ગયા હોય કે હું દરેક જીવમાં છું ને કણ કણમાં છું, આમ છતાં ધર્મના ધંધાર્થીઓ ક્યાંક 'મિનિ વૈષ્ણૌદેવી' તો ક્યાંક 'છોટે અમરનાથ' જેવી રેપ્લિકાઓ બનાવતાં ફરે છે. આવા 'મિનિ ધામો'માં પોતાની મેક્સિમમ આસ્થા રોપી દેનારા ભક્તોના કારણે જ દરેક પ્રાંતમાં લોકલ 'મિનિ આશારામો' પાકતા હોય છે. અમારા ગામમાં લગભગ દર વર્ષે આવા વેપારીઓ આવતાં અને તંબુ તાણી ટેમ્પરરી બરફનો ટેકરો કરી ગામઆંગણે જ બાબા અમરનાથના દર્શન કરાવતાં. અમારા ગામમાં સર્કસ પણ આ જ રીતે આવતા. બન્નેનો ઈરાદો લોકોને આકર્ષીને પૈસા કમાવાનો રહેતો. જોકે, પેલા સર્કસવાળાં વધુ પ્રામાણિક હતાં. હોવ...
એની વે, અમે એ મંદિરના મુખ્ય ભાગમાં પહોંચ્યા જ્યાં દુનિયા બનાવવાવાળો એને 'બનાવવાનો' પ્રયાસ કરનારાઓને જોઈ ભેદી સ્મિત વેરી રહ્યો હતો. અમે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી કે, 'હે પ્રભુ, તું આ લોકોની 'ભક્તિ' કેમ ચાલવા દે છે? તારા નામે ધંધો કરનારાઓના ઢીંઢા કેમ નથી ભાંગી નાંખતો?' વળી આત્મા એ જ પરમાત્માના ન્યાયે મારી અંદર જ બેઠેલા કોઈ દેવલાએ ફરી કહ્યું કે, 'શાંત કલમધારી ભીમ... શાંત...! જરા તારી આસ-પાસ નજર કર. આમની તરકીબો જોઈ મોજ પડી જશે.' મેં આસ-પાસ ઓબ્ઝર્વ કરવા માંડ્યું ત્યાં જ મારી નજર એક બોર્ડ પર પડી. જેમાં લખ્યું હતું કે, '(આ મંદિરે) ફલાણો વાર અને ઢીકણી તિથિ ભરવાથી તમામ મનોકામના પૂરી થાય છે. વળી મનમાં થયું કે સાલું, આ પણ શોપિંગ મોલ્સમાં આવતી ફેસ્ટિવલ કે વીકેન્ડ સ્પેશિયલ 'સ્કિમો' જેવું, કે એ દિવસે જનારા ઘરાકોને ઓછા ભાવે ચીજ-વસ્તું મળે, અને એવી જાહેરાતના કારણે ચોક્કસ દિવસોમાં ત્યાં મેદની પણ છલકાય. મોલ્સમાં તો ઠીક છે, પણ અહીં એવું શા માટે હશે? શું ચોક્કસ વાર કે તિથિ સિવાયના દિવસોમાં દર્શને જતા ભાવિકોની મનોકામના ભગવાન નહીં પૂરી કરતાં હોય? શું ચોક્કસ વાર-તિથિએ જનારાઓની પ્રાર્થનાને જ ઈશ્વર અગ્રતાક્રમ આપતો હશે? (વીઆઈપી પાસ જેવું?) શું સામાન્ય દિવસોમાં જનારા ભક્તોની અરજીઓ પેન્ડિંગમાં નાંખી દેવામાં આવતી હશે? દર્શન કરતાં કરતાં અમે ભગવાનને આ બધા પ્રશ્નો કર્યા, પણ કોઈ જવાબ ન આવ્યો એટલે મંદિરના ફેસબુક પેજ પર પૂછવાનું નક્કી કરી અમે આગળ વધ્યા.
મંદિરમાં આગળ જતા એક એવી યાંત્રિક કરામત ગોઠવેલી હતી કે અમુક બટન્સ દબાવવાથી એક મૂર્તિને આપોઆપ અભિષેક થાય. ત્યાં સૂચના લખી હતી કે અભિષેક માટેની કૂપન સામેના કાઉન્ટર પર મળશે. ભગવાનને અભિષેક કરવાના પણ રૂપિયા? મૂર્તિઓમાં યાંત્રિક કરામતો ગોઠવી કમાણી કરવાનો આ ધંધો એ હદે ફૂલ્યો ફાલ્યો છે કે ગુજરાતના એક અતિ પ્રખ્યાત મંદિરની બહાર તો ખુદ ભગવાન ઊભા રહીને કંઈક પંદર-વીસ રૂપિયામાં મોં વડે નાળિયેર વધેરી આલે છે... બોલો...! મતલબ કે એવી મૂર્તિ ગોઠવી છે કે એમાં કંઈક પૈસા અને નાળિયેર અંદર નાંખવાથી એ વધેરાઈને બહાર આવે.
અમે ભગવાનને અભિષેક કરવાની કૂપન જ્યાં મળતી હતી એ કાઉન્ટર તરફ નજર કરી. ત્યાં કિચનથી માંડીને પ્રસાદ સુધીની ચીજોનો ધાર્મિક જનરલ સ્ટોર હતો. હવે લગભગ દરેક સંપ્રદાયના મોટા મંદિરોમાં એમની ધાર્મિક પ્રોડક્ટ્સ વેચાતી મળે છે. ત્યાં એ ભગવાનની ફ્રેમ કરેલી તસવીરો પણ મળતી હતી. એ તસવીરો પરથી યાદ આવ્યું કે અંદર મુખ્ય મૂર્તિ પાસે મોબાઈલમાં પ્રભુની તસવીર લેવાની કડક મનાઈ ફરમાવવામાં આવી હતી. જો તમે મોબાઈલમાં તસવીર ખેંચો તો તમે એ તસવીર ન ખરીદો અથવા એમની દુકાન છોડીને બીજે ક્યાંક ફ્રેમ કરાવો તો એટલો ધંધો ઓછો થાય. ગંદા હૈ ઓર ધંધા હૈ યે...યૂ નો...!
ત્યાં ધાર્મિક ચીજો ઉપરાંત બાબા રામદેવની વિવિધ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ પણ ઉપલબ્ધ હતી. બિઝનેસમેન બાબા રામદેવના સ્ટોર ઘણા મંદિરોમાં જોવા મળે છે. એ જ બાબા રામદેવ, કે જેણે હવે લંગોટીવાળીને જીન્સ સહિતના કપડાંના ધંધામાં પણ જંપલાવી દીધું છે. દેશના એક મેગા સિટીમાં એમણે એક સ્ટોર ખોલ્યો છે, જ્યાં 'ફેશન મુજબ ફાટેલાં' જીન્સ પણ મળે છે. આ જોઈને એક પત્રકારે એમને પૂછેલું પણ ખરું કે, 'બાબા, તમે તો એક સમયે ફાટેલા જીન્સને ભારતીય સંસ્કૃતિ વિરુધ્ધનું ગણાવતા હતા અને હવે તમે જ યુવા વર્ગનો ધંધો મેળવવા એવા જીન્સ વેચવાના ચાલુ કર્યા?' બાબાએ જે જવાબ આપેલો એ સાંભળીને અમને એટલો આઘાત લાગ્યો જેટલો તો જ્યારે એ બાબો દિલ્હીમાં આંદોલનના સ્ટેજ પરથી મરવાના ભયે લેડિઝ ડ્રેસ પહેરીને ભાગેલો ત્યારે પણ નહોતો લાગ્યો. બાબાએ જવાબ આપ્યો કે, 'બીજી કંપનીઓના જીન્સ વધુ ફાટેલા હોય છે અને અમારા જીન્સ ભારતીય સંસ્કૃતિ મુજબ ફાટેલા છે. (એ બાવાના ‘જીન્સ’માં જ કંઈક લોચો છે. એના જીન્સ પહેરવા કરતાં કવિ ચંદ્રકાન્ત શાહના જીન્સ કાવ્યો લાખ દરજ્જે સારા. હોવ...) મતલબ કે એટલાં જ ફાટેલાં છે જેટલી ભારતીય સંસ્કૃતિ છૂટ આપે છે.' આવા મગજના ધોતિયાં ફાડી નાખનારા જવાબ બાદ પત્રકાર બાબાનું ધોતિયું છોડે ખરો? એણે ફરી સવાલ પૂછ્યો કે, 'ભારતીય સંસ્કૃતિ મુજબ ફાટેલું એટલે શું?' બાબાએ કહ્યું કે, 'જાવ જાતે જોઈને ચેક કરી લો.'
બાબાને મનોમન મણ મણની ચોપડાવતા અમે બહારની તરફ આગળ વધ્યાં. બહાર નીકળવાના રસ્તે પણ પ્રસાદીનો સ્ટોર હતો. ત્યાં ધરાવવાની નહીં, પણ ધરાવેલી પ્રસાદી 'વેચાતી' હતી. ટોપરાની પ્રસાદી મફત મળતી હતી જ્યારે લાડવા અને મોહનથાળની પ્રસાદીના અલગ અલગ ભાવ હતા. મને મનોમન ફરી ટોપરા ટોપરા જેવડી ચોપડાવવાની ઈચ્છા થઈ આવી, પણ માંડી વાળ્યું. આપણે ત્યાં ખબર નહીં, પ્રસાદી પણ પૈસાથી વેચવાની પ્રથા કોણે અને ક્યારે શરૂ કરી હશે? એવું વિચારતા વિચારતા અમે આગળ ચાલ્યાં. પ્રસાદીનો પણ ધંધો કરવામાં અગ્રેસર એક સંપ્રદાય આના માટે જવાબદાર હોવાનું ધ્યાને આવ્યું, પણ હું ખોટો પણ હોઈ શકું, એમ વિચારી મન મનાવ્યું.
પૈસા ખર્ચવાના આટઆટલા પ્રસંગોમાંથી પણ જો તમે તમારું ખિસ્સું ઢીલુ કર્યા વિના બહાર નીકળી જાઓ તો ત્યાં તમને ખંખેરવાની બીજી વ્યવસ્થા પણ હતી. આટલુ ફર્યા બાદ જો ભૂખ લાગી હોય તો પેટપૂજા કરવાની વ્યવસ્થા. ત્યાં મંદિર પરિસરની અંદર જ એ તમામ વિદેશી ફાસ્ટફૂડ પણ મળતા હતા જેનો ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય ઉલ્લેખ નથી. જે ખાદ્યપદાર્થોને આપણા પેટની તંદુરસ્તી માટે વર્જ્ય ગણાવીને આપણા સાધુ-સંતો એમના પ્રવચનનોમાં પાશ્ચાત્ય સંસ્કૃતિને ભાંડતા ફરે છે, એ જ પાપી સંસ્કૃતિના ફાસ્ટફૂડ મંદિરોમાં વેચાતા હોય એનાથી એમની મોટી ફાંદનું પાણી પણ નથી હલતું. ક્યા કરે? ગંદા હૈ પર ધંધા હૈ યે...!
અહીં આવતા બાળઘરાકોનું પણ બરાબર ધ્યાન રાખવામાં આવ્યું હતું. ફાસ્ટફૂડ પાર્લર્સની સાથો સાથ ત્યાં એક નાનકડો એમ્યુઝમેન્ટ પાર્ક પણ હતો. મોટા મંદિરોમાં એમ્યુઝમેન્ટ પાર્ક અને રાઈડ્સ હવે સામાન્ય બાબત બનતી જાય છે. બે-ત્રણ વર્ષ પહેલા ઝાલાવાડ પંથકમાં ખૂલેલાં આવા જ એક ધંધાદારી મંદિરમાં તો સ્વિમિંગ પૂલની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યાં સ્વિમિંગ પૂલમાં ધૂબાકા લગાવવાના કંઈક 50 રૂપિયા અને બધું જોવાલાયક જોવાની ટિકિટના 200 રૂપિયા છે. એ સ્વિમિંગ પૂલમાં ન્હાવાથી પાપ ધોવાતા હશે કે નહીં એ તો રાજા રામ જાણે...! બાકી, મેં તો એ ધામમાં દર્શન કરતાં વધુ તો ત્યાંના સ્વિમિંગ પૂલમાં ધૂબાકા લગાવવાના આશય સાથે જતા ટોળાં પણ જોયા છે. હોવ...હમ્બો...હમ્બો...!
ઈન શોર્ટ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી અને જોખમી ભેદરેખા હોય છે. આપણી આસ્થા બહુ મૂલ્યવાન ચીજ છે. તેને ગમે ત્યાં ન રોપવી જોઈએ. નહીં તો ધર્મનો ધંધો રાજાની કુંવરીની જેમ આમ જ દિવસે ન વધે એટલો રાત્રે અને રાત્રે ન વધે એટલો દિવસે વધતો જ રહેશે અને આશારામો પાકતા જ રહેશે. જય શ્રી કૃષ્ણ.
ફ્રી હિટ :
મંદિરમાં ભીડ ભરચક, મસ્જિદમાં ટોળેટોળાં,
ગજ્જબનું ધમધમે છે ઈશ્વરનું કારખાનું.
– મકરંદ મુસળે