બાવા-સાધુ-સ્વામીઓ Tushar Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાવા-સાધુ-સ્વામીઓ

બાવા-સાધુ-સ્વામીઓ

ત્યાગનો ઉપદેશ આપનારા કેટલાંકની પોતાની વિમલ નથી છૂટતી હોતી!

આ ઘનઘોર નિંદનિય અને ધર્મવિરોધી આર્ટિકલ સંપૂર્ણપણે કાલ્પનિક અને કોમ્પ્યુટર જનરેટેડ છે. જે ચીનમાં શોધાયેલી પત્રકારના બદલે મેટર લખી આપતી અત્યાધુનિક ટેકનિક વડે જનરેટ કરાયો છે. જે ધર્મ-સંપ્રદાય માટે જે બાવા-સાધુ-સ્વામી પૂજનિય અને પ્રેરક છે એમની આપણે વાત જ નથી કરી રહ્યાં. આ તો એ પૂજનિય અને પ્રેરક વ્યક્તિત્વો સિવાયનાઓની વાત છે. લેખમાં જેમનો ઉલ્લેખ આવે છે કે એવા કોઈ બાવા-સાધુ કે સ્વામી આ પૃથ્વી પર વિચરણ કરતાં જ નથી. હા, જમીનથી સહેજ અદ્ધર હોય તો ખબર નહીં!

હું જેના જેના જે પણ શ્રદ્ધેય કે પૂજનિય બાવા-સાધુ-ગુરુ કે સ્વામીઓ છે તે તમામ પૂજનિય અને ચરણ ધોઈને પીવા પાત્ર જ છે તેમ માનું છું. આમ છતાં કોઈ ભાવકને મનોમન આ લેખના કોઈ પાત્ર સાથે એમના પૂજનિય પપ્પૂધ.ધૂ.ની તુલના થઈ જાય તો મનમાં પણ થયેલા એ પાપ બદલ નિમિત્ત બનવા બદલ પણ હું આગોતરી માફી માગુ છું.

બાકી, બાવા-સાધુ તો ઠીક હું તો અવતારી પુરુષ શ્રી નરેન્દ્રરાયજીને પણ પૂજનિય માનું છું. તેઓ જેટલી મીઠી વાણી ઉચ્ચારે છે એ જોતાં મને થાય છે કે એમની તો સાકરતુલા થવી જોઈએ. એમને યાદ કર્યાં છે તો રામના હનુમાન સમ અમિત શાહજી પણ કેમ ભૂલાય? દેવના દીધેલ અમિત શાહે દેશ માટે દીધેલાં (કે લીધેલાં? વોટએવર) બલિદાનો બદલ એમની 'રક્ત'તુલા થવી જોઈએ. હોવ...હમ્બો...હમ્બો...!

હમણાં એક ગુરુ (ઘંટાલ) 'ઇન્સ્ટા LIVE'માં સમજાવતાં હતા કે યુવાપેઢી માટે સોશિયલ મીડિયાનું વળગણ કેટલું જોખમી છે! ઇન્સ્ટા LIVE પર સોશિયલ મીડિયાનું વળગણ જોખમી હોવાનું પ્રવચન? મને ઝેર આપી દો કોઈ...અને એ બાવાને કહો કે સોશિયલ મીડિયા એના જેવા બાવા-ડાઘુઓ, ઉપ્સ બાવા-સાધુઓ કરતાં તો ઓછું જ ખતરનાક છે.

જો તમારે આપઘાત કરવો હોય અને કોઈ યોગ્ય કારણ ન જડતું હોય તો તમને જણાવી દઉં કે જેની પોતાની મર્યાદાભંગની સિડીઓ માર્કેટમાં ફરી રહી છે એ બાવો એક વીડિયોમાં પુરુષોત્તમ રામની 'મર્યાદા'ની વ્યાખ્યા કરી રહ્યો હતો. હોવ...હમ્બો...હમ્બો...!

આવી જ કોઈ વાત વિશે ખલીલ ધનતેજવીએ જોરદાર શેર લખ્યાં છે કે -

ચોર – ચોકીદાર ભેગા થઈ ગયા..

બે અલગ સંસ્કાર ભેગા થઇ ગયા.

આપણે ઘરના રહ્યા ન ઘાટ ના..

સાધુઓ સંસાર ભેગા થઇ ગયા.

આઈફોન વાપરતાં એક હાઈટેક સ્વામીજીએ હમણાં પ્રવાસ દરમિયાન એ.સી. ગાડીમાં બેઠાં બેઠાં લેપટોપ પર પોતાના આસિસ્ટન્ટ આઈ મિન શિષ્ય પાસે વૈજ્ઞાનિક સંશોધનો માણસજાત માટે કેટલા ઘાતક પુરવાર થયા છે એના પરનો આર્ટિકલ લખાવ્યો. જેમાં માનસિક શાંતિ માટે શક્ય હોય ત્યાં સુધી આધુનિક ઉપકરણોથી અંતર રાખવાની સલાહ આપવામાં આવી છે.

માનસિક શાંતિ માટે ભયાનક એવા વૈજ્ઞાનિક ઉપકરણોનું નખ્ખોદ જજો. હોવ...હમ્બો...હમ્બો...!

કહે છે કે, જેના પર પત્નીએ ઘરેલું હિંસાનો કેસ ઝીંકી દીધો હોવાથી ઉત્તર પ્રદેશથી ભાગીને ગુજરાતમાં આવીને બાવો બની જનારો શખ્સ પોતાના પ્રવચનોમાં લોકોમાં જીવનની સમસ્યાઓથી ભાગવાની નહીં પણ લડી લેવાની શિખામણો આપે છે.

'રાજસત્તા કરતા ધર્મસત્તા હંમેશા ઉપર રહી છે અને રહેશે' - એવું કહેનારા ગુરુજી ખુદ આજ-કાલ રાજસત્તાએ આપેલા જામીન પર છે! કહે છે કે જેમને બગીચામાંથી રોજ નવી નવી કળીઓ ચૂંટવાનો શોખ હતો એ ધર્મ ધુરંધરને જેલમાં માળીનું કામ સોંપવામાં આવ્યું છે! હોવ...

એક મૌલવી બાળકીનું શોષણ કરતાં પકડાયા. કદાચ, તેમને પોતાની પ્રજાતિએ જ પ્રસરાવેલી પેલી બોંતેર હૂરવાળી થિયરી પર વિશ્વાસ નહોતો. ક્યાંથી હોય? જન્નતમાં જનારાઓને બોંતેર હૂર? શું ત્યાં જનારાઓને બીજું કોઈ કામ જ નહીં હોય? ને એકલો માણસ થાકી ના જાય? ના, આ તો ખાલી એક વાત થાય છે. આ જન્નત અને સ્વર્ગમાં જે રીતે માણસની અહીંની અધુરી વાસનાઓની પૂર્તી કરવામાં આવે છે એ જોતાં મને ડાઉટ છે કે એ સ્થળો નક્કી માનવમન સર્જીત જ હોવા જોઈએ.

સત્સંગમાં લોકોને જીવનમાં જે કંઈ પણ થાય તેને 'હરિઈચ્છા' ગણીને સ્વીકારવા તેમજ કોઈના પણ પ્રત્યે રાગદ્વેષ ન રાખવાનું શીખવતા કેટલાક સાધુઓની ચૂંટણી યોજાય ત્યારે પોલીસ બંદોબસ્ટ ગોઠવવો પડે છે! હશે...હરિઈચ્છા બળવાન... બીજું શું...?

એક કથામાં કથાકારે સામે બેઠેલા યજમાનના એટલા બધાં વખાણ કર્યાં કે એક શ્રોતાએ બીજાને પૂછી લીધું કે, 'ખરેખર કથા કોની છે?' આના પરથી ખલીલસાહેબનો બીજો એક શેર યાદ આવ્યો કે -

માફિયાઓના ઘરે પહોંચી પોલીસ દંગ છે,

સંતની પધરામણી છે ત્યાં સત્સંગ છે.

લોકોને સંસારની મોહમાયાનો ત્યાગ કરવાના પ્રવચનો આપનારા કેટલાક બાવાઓને તો પોતાની વિમલ નથી છૂટતી હોતી બોલો...! જેમને પોતાને જ બાળકો નથી એવા એક સ્વામી આજ-કાલ બાળકોના ઉછેર અંગેની શિબિર ચલાવી રહ્યાં છે તો જેણે લગ્ન જ નથી કર્યાં એવા એક સ્વામી કાયમ લોકોને દસ-દસ બાળકો પેદા કરવાની હાકલો કરે રાખે છે!

શું એમને ખબર પણ હશે કે બાળકો એક્ચ્યુલી પેદા કેવી રીતે થાય? ખબર હશે, પણ જે દેશમાં એવા પણ જજો પાક્યા હોય જે માનતા હોય કે મોરના આંસુ પીવાથી ઢેલ પ્રેગ્નેન્ટ થાય છે એવામાં બાવાઓના પ્રજનન અંગેના નોલેજ પર શંકા થવી સ્વાભાવિક છે. હોવ...

હિન્દુ સંસ્કૃતિ, આયુર્વેદ અને પતંજલિનો બ્રાન્ડ એમ્બેસેડર બનીને ફરતો બાવો એની છાવણી પર પોલીસ ચડાઈ કરે ત્યારે સ્ત્રીના કપડાં પહેરીને ભાગે છે!

ખેર, શ્રી ઢબુડી માતા બનતા ધનજીની આજ-કાલ બહુ 'ઓડ' સ્થિતિ ચાલી રહી છે. એેમના રોજ નિતનવા કાંડ સામે આવી રહ્યાં છે અને જાત જાતની અને ભાત ભાતની રાવ-ફરિયાદો નોંધાઈ રહી છે ત્યારે ઈશ્વર ઢબુડી માના કોપથી સૌની રક્ષા કરે.

નામ પે દર્શનલીલા કે યહાં બહેનો કી ઈજ્જત પે હમલા હોતા હૈ...કુછ સ્વામી કી કોટડી-ગુફાઓ મેં હરરોઝ મઝહબ રોતા હૈ...! બોલો આસારામ બાપુ કી જય... નિર્મલ બાબા...અમર રહો...!

ફ્રી હિટ :

संसार से भागे फिरते हो, भगवान को तुम क्या पाओगे

इस लोक को भी अपना न सके, उस लोक में भी पछताओगे .

ये पाप है क्या, ये पुण्य है क्या, रीतों पे धरम की मुहरें हैं

हर युग में बदलते धर्मों को कैसे आदर्श बनाओगे

ये भोग भी एक तपस्या है, तुम त्याग के मारे क्या जानो

अपमान रचयिता का होगा, रचना को अगर ठुकराओगे

हम कहते हैं ये जग अपना है, तुम कहते हो झूठा सपना है

हम जन्म बिता कर जायेंगे, तुम जन्म गंवा कर जाओगे

- साहिर लुधियानवी