સુખનો પાસવર્ડ - 23 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખનો પાસવર્ડ - 23

એક યુવતીને કદરૂપી ગણાવીને હિરોઈન બનવાની તક ન અપાઈ ત્યારે...

પોતાની જાતમાં શ્રદ્ધા હોય એવી વ્યક્તિને કોઈ અવરોધ નડતા નથી

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

હોલીવૂડના ફિલ્મ નિર્માતા ડિનો દ લૉરેન્ટિસે ૧૯૭૬માં ‘કિંગ કૉન્ગ’ ફિલ્મ પ્રદર્શિત કરી હતી એ ફિલ્મ વિશે એક રસપ્રદ વાત જાણવા જેવી છે.

લૉરેન્ટિસે ‘કિંગ કૉન્ગ’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું એ પછી એ ફિલ્મનાં પાત્રો માટે કલાકારોના ઑડિશન લેવાનું શરૂ કર્યું. એ દિવસોમાં લૉરેન્ટિસના પુત્રએ એક નાટક જોયું હતું. એ નાટકમાં એક અભિનેત્રીનો અભિનય જોઈને તે પ્રભાવિત થઈ ગયો હતો. તેણે પિતાને સૂચન કર્યું કે તે અભિનેત્રીને આપણી નવી ફિલ્મની હિરોઈન બનાવવી જોઈએ.

ફિલ્મ નિર્માતા લૉરેન્ટિસે પુત્રના આગ્રહથી તે અભિનેત્રીને ઑડિશન માટે બોલાવી. પણ તે અમેરિકન અભિનેત્રી ઑડિશન માટે પહોંચી ત્યારે તેને જોઈને લૉરેન્ટિસ અકળાઈ ઊઠ્યા. અભિનેત્રી અમેરિકન હતી એટલે લૉરેન્ટિસે અંગ્રેજીને બદલે પોતાની માતૃભાષા ઈટાલિયનમાં પુત્રને ખખડાવી નાખ્યો કે બેવકૂફ આવી કદરૂપી છોકરીને તું હિરોઈન બનાવવા મારી સામે ઉપાડી આવ્યો?

પેલી અમેરિકન અભિનેત્રીએ ઈટાલિયન ભાષામાં કહ્યું, ‘હું તમારી ફિલ્મ માટે પસંદ થઈ શકું એટલી સુંદર નથી એ માટે હું દિલગીર છું!’

ફિલ્મ નિર્માતા લૉરેન્ટિસ સડક થઈ ગયા. તેમને કલ્પના પણ નહોતી કે તે અમેરિકન અભિનેત્રી ઈટાલિયન ભાષા જાણતી હશે. પણ પેલી અભિનેત્રી અકળાયા વિના સ્મિત કરીને જતી રહી.

લૉરેન્ટિસે ‘કિંગ કૉન્ગ’ ફિલ્મ માટે પોતાને હીરોઈન તરીકે પસંદ ના કરી અને ઉપરથી કદરૂપી યુવતી ગણાવી એથી તે યુવતી થોડા દિવસો અપસેટ રહી, પણ પછી તેણે હોલીવૂડની ફિલ્મ્સમાં અભિનયની તક શોધવા માંડી. ‘કિંગ કૉન્ગ’ ફિલ્મ રિલીઝ થઈ એ પછી બીજા વર્ષે એટલે કે ૧૯૭૭માં તેને ‘જુલિયા’ ફિલ્મમાં અભિનયની તક મળી અને હોલીવૂડમાં તેનું નામ જાણીતું થવા માંડ્યું. ૧૯૭૯માં તેને હોલીવૂડના ખ્યાતનામ અભિનેતા ડસ્ટિન હોફમેન સાથે ‘ક્રેમર વર્સસ ક્રેમર’ ફિલ્મમાં ચમકવાની તક મળી અને એ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ એક્ટ્રેસ‘નો એવૉર્ડ મળ્યો. એ પછી તો તે અભિનેત્રી પાછળ પ્રેક્ષકો પાગલ બન્યા. તેના સોંદર્યને કારણે કરોડો યુવાનો તેના ચાહક બની ગયા. તે યુવતીએ તેના સૌંદર્ય અને અભિનય પ્રતિભાના જોરે ત્રણ ઓસ્કર એવોર્ડ અને આઠ ગોલ્ડન ગ્લૉબ એવોર્ડ સહિત કુલ ૧૫૧ એવોર્ડ જીત્યા. તે ઓસ્કર માટે ૨૧ વાર અને ગોલ્ડન ગ્લૉબ એવોર્ડ માટે ૨૯ વાર નોમિનેટ થઈ અને તેને અત્યાર સુધીમાં કુલ ૪૦૨ વખત એવૉર્ડ માટે નોમિનેશન મળ્યું. અત્યારે ૬૯ વર્ષની ઉંમરે પણ તેને સતત ફિલ્મ્સ મળી રહી છે.

તે યુવતી એટલે હોલીવૂડની વિખ્યાત અભિનેત્રી મેરિલ સ્ટ્રીપ! યસ, મેરિલ સ્ટ્રીપને કદરૂપી ગણીને ‘કિંગ કૉન્ગ’ ફિલ્મમાં અભિનયની તક આપવાની ના પાડી દેવાઈ હતી. એ મેરિલ સ્ટ્રીપ અત્યારે પણ પોતાના સૌંદર્ય અને અભિનયપ્રતિભા થકી હોલીવૂડમાં આગવું સ્થાન ધરાવે છે.

મેરિલ સ્ટ્રીપને પોતાની અભિનયપ્રતિભામાં શ્રદ્ધા હતી એટલે તે હોલીવૂડની ખ્યાતનામ અભિનેત્રી બની શકી.

પોતાની જાતમાં શ્રદ્ધા હોય એવી વ્યક્તિને કોઈ અવરોધ નડતા નથી. અને જે વ્યક્તિને પોતાની પ્રતિભામાં શ્રદ્ધા હોય તેને દુનિયાભરના ઘેટા જેવા અનાડીઓ આગળ વધતી અટકાવી શકતા નથી.

***