સાંજ - ૩ AJ Maker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાંજ - ૩

સાંજ
ભાગ - ૩

એ જ સમયે ઘરની ડોર બેલ વાગી,
અરમાન સફાળો ઉભો થયો. ઘરની બહાર લાગેલા સિક્યુરીટી કેમેરાની દરવાજા ઉપર લાગેલી સ્ક્રીનપર શ્યામ શ્યામને આવેલો જોઇને અરમાને બેભાન થયેલી જીયાને થોડી સાઈડમાં ખસેડીને દવાજો ખોલ્યો.
“શું છે? કહ્યું હતું ને કે કોલ કરું ત્યારેજ આવજે, આટલો જલ્દી કેમ આવી ગયો.” શ્યામને દરવાજા પર જ રોકતા અરમાને કહ્યું.
“સાહેબ, તમારા અંકલ મિ. ઉપેન તોગડિયા આગળની શેરીમાં જ હતા, કદાચ અહી આવી શકે અચાનક એટલા માટે...”
“ઓકે ઓકે...જલ્દી અંદર આવ.” અરમાને આખો દરવાજો ખોલીને શ્યામને ઝડપથી અંદર આવવાનો ઈશારો કરતા કહ્યું.
“આને શું થયું...?” અંદર આવતા જ જીયા પર નજર પડતા શ્યામે કહ્યું.
“તું વધારે સવાલ ન કર, ઝડપથી હોલ સાફ કર, હું અને ઠેકાણે લગાવી આવું, એ વચમાં કદાચ અંકલ આવે તો એમને નીચે જ રોકી રાખજે.” કહી ને જીયા ને તેડીને અરમાન ઉપરના રૂમમાં ગયો. જીયાને એક ખુરશી સાથે બાંધી ને પોતે પોતાના
ઘાવ પર દવા લગાવી અને ફ્રેશ થઇ થઇ ને નીચે આવ્યો ત્યારે મિ. ઉપેન તોગડિયા હોલમાં બેઠા હતા.
“ગૂડ ઇવનિંગ અંકલ, તમે શા માટે તકલીફ લીધી, મને કહ્યું હોત તો હું આવી જાત મળવા. કંઈ કામ હતું?”
અરમાને ચિંતા અને પીડા દબાવતા મુખ પર ખોટું હાસ્ય લાવીને મિ. ઉપેન તોગડિયાની બાજુના સોફા પર બેસતા કહ્યું.
“કેમ, કંઈ કામ હોય તોજ મારે અહી આવવાનું?”
“અરે, ના ના અંકલ, તમારું જ ઘર છે તમે ધારો ત્યારે આવી શકો...” અરમાને પાછું ખોટા સ્મિત સાથે કહ્યું.
“બરાબર છે, અને આ વાત ભૂલતો પણ નહિ કે માત્ર આ ઘર નહિ પણ તારી પાસે નેમ, ફેમ જે કંઈ પણ છે એ મારા કારણે જ છે. હું પબ્લીકેશન કમિટીનો હેડ છું એટલા માટે તારી બુક્સ પબ્લીશ થાય છે અને ન હોવા છતાં બેસ્ટ સેલરનો ટેગ મેળવે છે. તને ગેસ્ટ તરીકે બોલવા માટે મારે સંસ્થાઓ ને દાન આપવું પડે છે, ઘણી મહેનત, પૈસા અને સમય ખર્ચ્યા બાદ તારું આ લેવલ મેં બનાવ્યું છે, હું જરા પણ નથી ઈચ્છતો કે તારી કોઈ નાની એવી ભૂલ ભયંકર સ્વરૂપ લઈને આ બધું જ બરબાદ કરી દે.” અરમાન મિ. ઉપેન તોગડિયાની વાતો મોઢું નીચે કરીને સાંભળી રહ્યો હતો, તેને થયું કે હમણાં જ ડોસાને પતાવી નાખું, પણ એમની કહેલી એક એક વાત શબ્દ સહ સાચી હતી, એમના વગર અરમાનનું અસ્તિત્ત્વ જ ખોરવાઈ જાય તેમ છે, માટે તે બધી જ વાતો ચૂપચાપ સાંભળી રહ્યો હતો.
“તમે ચિંતા ન કરો અંકલ, હું હવે સુધરી ગયો છું, મારા કોઈ ફેન્સ સાથે પર્સનલી કોન્ટેક્ટમાં નથી આવતો.”
“આવજે પણ નહિ, લાસ્ટ ટાઈમ વાળો કેસ માંડ માંડ હેન્ડલ થયો છે, પેલી છોકરી એ મોઢું બંધ રાખવા માટે ૨૦લાખ રૂપિયા લીધા છે, તારી એક ભૂલ બહુ મોંઘી પડી મને.” મિ. ઉપેન તોગડિયાએ સામાન્ય ગુસ્સામાં કહ્યું.
“પણ એ વખતે દોષ મારા એકલા નો ન હતો, એ સામેથી આવી હતી...” અરમાન પોતાના બચાવમાં કહેવા જઈ રહ્યો હતો પણ મિ.તોગડિયાએ વચ્ચેથી તેને રોકી લીધો.
“જસ્ટ શટઅપ અરમાન, મને ન બનાવ, મેં બધી જ તપાસ કરાવી લીધેલી, તારો દોષ કેટલો છે અને કેટલો નહિ એ હું જાણું છુ. પણ હવે આગળ જતાં આવી કોઈ ભૂલ થઇ તો હું તને સપોર્ટ નહી કરું એ વાત યાદ રાખી લે જે.”
“ઓકે અંકલ.” અરમાન પાસે નીચું મોઢું કરીને હા કહેવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો, એ ઈચ્છતો હતો કે ગમે તે રીતે મિ. ઉપેન તોગડિયા હવે જલ્દી ઘરેથી જાય તો એ પોતાનું કામ પૂરું કરી શકે.
“ઓકે, એક જરૂરી કામથી બાજુના એપાર્ટમેન્ટમાં આવ્યો હતો એટલે થયું કે તને મળતો જાઉં, બેટા, તને વઢવાનો શોખ નથી મને, પણ તું હવે એક સેલિબ્રિટી બનવા જઈ રહ્યો છે, લોકો તને ઓળખતા થયા છે, માન આપતા થયા છે, તારા પિતા એક સારા લેખક હતા, એમની મૃત્યુ પછી આજે તું એમના જ પગલાં પર ચાલવા જઈ રહ્યો છે તો જરા કુટુંબની માન મર્યાદાનું પણ ધ્યાન રાખજે.” કહીને મિ. ઉપેન તોગડિયા દરવાજા તરફ જતા હતા, અરમાન પણ એમની સાથે આવ્યો. આટલો સમયે સાંભળેલી વાતોની એના ચહેરા પણ લેશ માત્ર પણ અસર ન હતી. એ માનતો હતો કે મિ. ઉપેન તોગડિયા આ બધુ પોતાના ફાયદા માટે જ કહી રહ્યા હતા.
“આ લેડીસ સ્પ્રેની સુગંધ ક્યાંથી આવી રહી છે?” મિ. ઉપેન તોગડિયા દરવાજા પાસે જ અટકી ગયા, એમની વાત સાંભળીને અરમાનને ધ્રાસકો પડ્યો.
“લેડીસ સ્પ્રે...? શું વાત કરો છો અંકલ, મને તો નથી આવતી.” અરમાને પરાણે મુખ પર નિશ્ચિંતતાના ભાવ સાથે કહ્યું.
“પણ મને આવે છે, કોણ આવ્યું હતું?”
“કોઈ નહી અંકલ, તમને વહેમ થયો છે”
“ના, મને વિશ્વાસ છે, કોઈક તો આવ્યું જ છે, પણ હું તો છેલ્લા અડધા કલાકથી આ રોડ પર જ હતો, મેં કોઈ ને આ બાજુ આવતા કે જતા નથી જોઈ, એનો મતલબ કોઈક તારા રૂમમાં છે.” કહી ને મિ. ઉપેન તોગડિયા સીડીઓ ચડીને અરમાનના બેડરૂમ તરફ જવા લાગ્યા, પાછળ અરમાન અને શ્યામ પણ દોડ્યા, પરંતુ એ મિ. ઉપેન તોગડિયાને રોકે એ પહેઆ જ એમણે રૂમનો દરવાજો ખોલી લીધો.શ્યામ ને થયું કે આજે તો ગયા, દરવાજો ખોલતા રૂમમાં કોઈ ન દેખાયું, એમણે બાથરૂમ ચેક કર્યું પણ ત્યાં પણ કોઈ ન હતું.
“મેં કહ્યું ને અંકલ કોઈ નથી, થોડો તો વિશ્વાસ કરો મારા પર. મને મારા મોજ શોખથી વધુ આપણા કુટુંબ અને પપ્પાના નામની ચિંતા છે. એક વખત માંડ માંડ બચ્યા પછી હું સપનાંમાં પણ એવું નથી વિચારતો. પ્લીઝ અંકલ ચાહો તો બે થપ્પડ મારી લો પણ આમ શંકા ન કરો.” અરમાને ખૂબ જ દયામણા ભાવે કહ્યું, જેની અસર મિ. ઉપેન તોગડિયા પર થતી દેખાઈ, જેથી અરમાન અને શ્યામ બંને એ નિરાંતનો શ્વાસ લીધો. ત્રણેય હજી પગથીયા ઉતારવાની તૈયારી કરી જ રહ્યા હતા કે બાજુના ગેસ્ટરૂમમાં કંઇક પડવાનો અવાજ આવ્યો. એ અવાજથી અરમાન અને શ્યામને પાછો ધ્રાસકો પડ્યો.
* * * * * *

To be continue….
By – A.J.Maker