પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૨ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૨

ભાગ ૨૨

વર્મહોલનો રૂટ ઓલરેડી રેહમને ફીડ કરી દીધો હતો, પછી રેહમને બધાંને મિટિંગ રૂમમાં બોલાવ્યા અને પ્રોડિસ ઉપર શું થયું તેની જાણકારી આપી. દરેક જણ આશ્ચર્યમાં ગરકાવ હતા કે આટલું બધું બની ગયું અને તે લોકો પાર્ટી કરવામાં વ્યસ્ત હતા.

ઇયાને શ્રેયસ તરફ અંગુઠો ઊંચો કરીને કહ્યું, “હે ઓલ્ડી, યુ આર બેસ્ટ!”

પછી રેહમને બધાને જણાવ્યું, “જો આપણે આપણા યાનમાં ગયા હોત તો વર્મહોલ સુધી પહોંચતા સાત થી આઠ વર્ષ નીકળી ગયા હોત, પણ હવે આપણે ફક્ત નવ મહિનામાં પહોંચી જઈશું, પણ હવે તમે સમજી લો કે એક ખતરો હંમેશા તમારી ઉપર મંડરાતો રહેશે, તે છે સોલાર વિન્ડનો તો મોટાભાગનો સમય ઇન્કયુબેટરમાં રહેવું પડશે.”

એકાંત મળતાં જ કેલી શ્રેયસને વળગી પડી અને કહ્યું, “તમે ન હોત તો મારુ શું થાત?”

શ્રેયસે તેનો ગાલ થપથપાવ્યો અને કહ્યું, “જો હું ન હોત, તો તું પૃથ્વી ઉપરની તારી લેબમાં કામ કરતી હોત.”

શ્રેયસ કેલીને બહુ ચાહતો હતો, પણ તેનાથી લગભગ બમણી ઉંમરના હોવાના અપરાધબોધને લીધે તેની વધારે નજીક આવતો નહોતો. કેલીએ તેની આંખોમાં જોયું અને કહ્યું, “ઉંમર એ તો ફક્ત આંકડો છે.”

તેની આ માસુમિયત પર શ્રેયસ હસી પડ્યો અને તેને બાહોમાં સમાવી લીધી.

કેલીએ કહ્યું, “આવતી કાલે શું થશે, તે વિષે કંઇ ખબર નથી તો આજમાં જીવી લઈએ.”

*****

            પ્રોડિસ ગ્રહ પરથી ફરારીના  મહિના પછીની ઘટના 

સિકંદરની લેબના રીસીવરમાં એક કોડેડ સંદેશો ઝીલાયો, જે સિકંદરને થોડીવાર પછી તરત મળી ગયો. જે તેણે ડિકોડ કરીને વાંચ્યો અને મનોમન બબડ્યો, “સિકંદરને હરાવવો આસાન નથી.”

તેણે ગણતરી માંડવાનું શરુ કર્યું. થોડીવાર પછી તેણે સાયમંડને મીટિંગરૂમમાં બોલાવ્યો અને કહ્યું, “મારે થોડા સમય માટે બહાર જવાનું છે, તો અહીંની જવાબદારી તારી.”

સાયમંડે પૂછ્યું, “કેટલા સમય માટે?”

“તારે ફક્ત જવાબદારી નિભાવવાની છે, સવાલો નથી પૂછવાના.”

તેની અવાજની કડકાઈ સામે સાયમંડ નરમ પડી ગયો. સિકંદરે પોતાના શરીરમાં હાથ નાખીને એક ડિવાઇસ કાઢ્યું અને તેને કઈ રીતે વાપરવું તે બતાવ્યું અને થોડી જ વારમાં તે ત્યાંથી ગાયબ થઇ ગયો અને તે અનંત આકાશમાં ઉડી રહ્યો હતો.

તેના ગયા બાદ સાયમંડને થોડી હાશ થઇ. તે વિચારવા લાગ્યો કે શું સિકંદરને બનાવવો એ ભૂલ હતી? અને તે પછી તેણે હજી એક મોટી ભૂલ કરી હતી. તે ભૂતકાળની યાદોને વાગોળી રહ્યો હતો.

અત્યારનું શરીર નવું હતું, પણ ડી. એન. એ. માંથી તેને સ્મૃતિ મળી ચુકી હતી. તે યાદ કરવા લાગ્યો કે કેવી રીતે સિરમે તેની કમજોર નસ પકડીને સૌથી આધુનિક અને ખતરનાક રોબોટ બનવવા લલચાવ્યો. જયારે સિકંદર બનવાની છેલ્લી સ્ટેજ હતી ત્યારે તેને વિચાર આવ્યો કે રખે સિરમ તેની સાથે કોઈ દગો કરે તો એવું કરી જાઉં કે સિકંદર સિરમના કાબુમાં ન રહે.

તેથી સિકંદરના પ્રોગ્રામ માં સાયમંડ પ્રોટોકોલ નાખ્યો અને પોતાની અંદર રહેલ ભાવનાઓ અને યાદો તેમાં ફીડ કરી અને સેલ્ફ ડિસિઝનનો પ્રોટોકોલ પણ નાખ્યો, પણ તે એવી રીતે નાખ્યો કે જો સિકંદર તેને પાંત્રીસ દિવસ ન જુએ તો જ તે એક્ટિવેટ થાય અને પછી તે સેલ્ફ ડિસિઝન લેતો રોબોટ થઇ જાય, પણ હવે તેને લાગ્યું કે તેની આ ભૂલથી માનવજાત ખતરામાં આવી ગઈ છે. પિતાજીએ આપેલા જ્ઞાનનો અર્થ હવે સમજવા લાગ્યો હતો.

સિકંદરના ગયા પછી તેણે પહેલું કામ કર્યું કે બધાં રોબોટ્સને એક જગ્યાએ આવવાનો ઓર્ડર આપ્યો. પછી બધા રોબોટ્સના પ્રોગ્રામ્સ તપાસ્યા અને સાવધાનીપૂર્વક તે પ્રોગ્રામ્સ ડિએક્ટિવેટ કરવા લાગ્યો. થોડી જ વારમાં બધા પ્રોગ્રામ્સ ડીલીટ કરી દીધા.

તેને હાશ થઇ કે કંપનીના માણસો ઉપરથી રોબોટ્સનો કબ્જો હતો તે નીકળી ગયો હતો. હવે ફક્ત એકલો સિકંદર રહી ગયો હતો. ત્યારબાદ તેણે એક કોલ જોડ્યો અને કહ્યું, “સિકંદર અહીંથી નીકળી ગયો છે અને મેં મારુ કામ કરી દીધું છે હવે તમારો વારો.”

આ બધું કરતી વખતે તેને ખબર ન હતી કે કોઈ વ્યકતિ હતી જે તેને આ બધું કરતાં એક સ્ક્રીન ઉપર  જોઈ રહી હતી.

મિસાની હસ્યો અને મનોમન બબડ્યો, “વાહ સિકંદર! તને માની ગયો, તને ખબર હતી કે કોણ શું કરશે.”

તેણે પોતાના પાસે રહેલ  ડિવાઇસ ઓપન કર્યું અને તેમાં રહેલ એક્ટિવેટનું બટન દાબ્યું. તે વિચારવા લાગ્યો હવે દસ કલાક પછી બધા રોબોટ્સ ફરી એક્ટિવેટ થઇ જવાના હતા. પછી તેણે એક કોલ જોડ્યો અને કહ્યું, “સાયમંડને ખતમ કરો.”

સાયમંડની ઓફિસ જે બિલ્ડીંગમાં હતી, તે ઓફિસની બહારની શોપમાંથી એક વ્યક્તિ નીકળી અને તે બિલ્ડિંગમાં પ્રવેશી અને પ્રવેશ કરવા માટે તેની પાસે આઇડેન્ટિટી કાર્ડ પણ ઉપલબ્ધ હતું, જે દર્શાવતું હતું કે તે મેન્ટેનન્સ સ્ટાફમાંથી એક છે. તેની પાસે એક ટૂલકિટ પણ હતી, જેમાં એક ગન છુપાવેલી હતી, પણ જેવો તે પહેલા માળે પહોંચ્યો તેનું બેલેન્સ ગયું, પણ તે નીચે પડે તે પહેલા કોઈએ તેને ઝીલી લીધો અને તેને એક રૂમમાં લઇ ગયો. તે વ્યક્તિ પરલોક સિધાવી ગઈ હતી. સાયમંડ તેની ઓફિસમાં સુરક્ષિત હતો અને સ્ક્રીન પર તે દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેના હોઠ પર હાસ્ય રમી રહ્યું હતું અને તે મનોમન બબડ્યો, “વૉર ઇસ ઓન સિકંદર.”

છેલ્લા એક મહિનાથી બધાં ઇન્કયુબેટરમાં પુરાઈ રહ્યા હતા. હવે સોલારવિન્ડ્સની માત્ર વધી ગઈ હતી. વચમાં જે અંતરાળ મળતો તેમાં થોડું ખાઈ લેતા હતા, જેથી શરીરને થોડી શક્તિ મળતી હતી.

પછી તે ક્ષણ પણ આવી ગઈ, જયારે રેહમનનો અવાજ ગુંજ્યો, “બધાં બહાર આવી જાઓ આપણે વર્મહોલની નજીક છીએ અને થોડા સમય પછી તેમાં પ્રવેશ કરવાના છીએ. આગળ શું હશે તેની ખબર નથી તો એકબીજાને મળી લો.”

દરેકના ચેહરા ઉપર દ્વિધાના ભાવ હતા. વર્મહોલમાં પ્રવેશ થયા પછી શું થવાનું છે, તે વિષે કોઈને અંદાજો ન હતો.

રાત્રીના ઘોર અંધકારમાં JICAPS રીજનના તીમાસ્કા શહેરના મધ્યભાગે એક ચીંથરેહાલ વ્યક્તિ લથડતી ચાલે ચાલી રહી હતી. તેના આખા શરીર પર ચાઠાં પડેલાં હતાં. તે એક અંધારી ગલીમાં જઈને નીચે પડી ગયો તે આગળ વધી શકે તેવી કોઈ શક્યતા જણાતી ન હતી. ત્યાં નજીકમાંથી એક કૂતરું નીકળ્યું અને અને તેને જોઈને ભસવા લાગ્યું. તે વ્યક્તિ તરફથી કોઈ હરકત ન થતાં, તે તેની વધુ નજીક ગયું. તે વ્યક્તિએ ઉલ્ટી કરેલી હતી. તે ઉલ્ટી ચાટવા લાગ્યું અને થોડીવારમાં તે પણ નીચે પડી ગયું. તેના શરીર ઉપર પણ ચાઠાં ઉપસી આવ્યાં.

ક્રમશ: