પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૧ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૧

ભાગ ૨૧

રેહમનના ચહેરા ઉપર આશ્ચર્યના ભાવ હતા, તેણે પૂછ્યું, “આ શું કર્યું?”

શ્રેયસે કહ્યું, “આ ખોટું બોલી રહ્યો હતો.”

રેહમને પૂછ્યું, “તમે એવું કેવી રીતે કહી શકો?”

 શ્રેયસે કહ્યું, “તેની વાતમાં ઘણા બધા લૂપહોલ્સ છે.”

રેહમન શ્રેયસ તરફ જોઈ રહ્યો. શ્રેયસે આગળ જણાવ્યું, “પહેલી વાત કે જો આ કથિત પ્રોડિસ અહીંના સ્થાનિક અને બુદ્ધિશાળી જીવ હોય તો તેમનો ફેલાવો આખા ગ્રહ પર હોવો જોઈએ અને સમજો કે તેઓની વસ્તી કાબુમાં છે, તો પણ અહીં તેમના સમોવડીયા જીવ અહીં હોવા જરૂરી છે.”

રેહમને કહ્યું, “હું સમજ્યો નહિ.”

“અહીં કોઈ પક્ષી કે કોઈ નાનું જાનવર જોવા નથી મળી એટલે કે આપણી ઇન્ફોર્મેશન સાચી છે કે અહીંનું જીવન પ્રારંભિક અવસ્થામાં છે અને બીજું કે જો પ્રોડિસોની વસ્તી સીમિત હોય તો તેમને પૃથ્વી ઉપર જવાની કોઈ જરૂર નથી, એ પણ ત્યારે જયારે તેઓ આપણાથી ટેક્નિકલી એડવાન્સ હોય. એટલે પૃથ્વીની ટેક્નોલોજીનું આકર્ષણ પણ શૂન્ય હોય. તેથી આખી વાત જુદી છે અને તે વિષે આપણને બહાર રહેલ બિલ્વીસ જ કહી શકશે. આપણે અહીંથી બહાર નીકળીએ અને તે વિષે બિલ્વીસને પૂછીએ.” શ્રેયસ બહાર નીકળ્યો અને તેની પાછળ રેહમન.

રેહમન મનોમન ડો. હેલ્મનો આભાર માની રહ્યો હતો, જેમના દબાણને લીધે તેણે શ્રેયસને સ્પેસમિશનમાં સમાવ્યો. જો આજે શ્રેયસ ન હોત તો મેં તો કેદમાં રહેલા બિલ્વીસ છોડાવી દીધો હોત.

રેહમને પૂછ્યું, “હવે આગળ શું કરશું?”

શ્રેયસે કહ્યું, “બહાર જે બિલ્વીસ કે સિવાન છે, તેને વિશ્વાસમાં લેવો પડશે અને સત્ય જાણવું પડશે.”

શ્રેયસ અને રેહમન બિલ્વીસ જ્યાં રહેતો હતો ત્યાં ગયા. થોડીવાર આડીઅવળી વાત કર્યા પછી શ્રેયસે પૂછ્યું, “આ સિવાન કોણ છે?”

બિલ્વીસના હૃદયના ધબકારા વધી ગયા, થોડો કાબુ મેળવ્યા પછી તેણે કહ્યું, “તે મારો ભાઈ છે અને તે પણ આ ગ્રહ ઉપર જ છે.”

શ્રેયસે કહ્યું, “મેં સાંભળ્યું છે કે તે અદ્દલ તમારા જેવો જ દેખાય છે. તેની મુલાકાત ક્યારે કરાવો છો?”

બિલ્વીસે કહ્યું, “તે તો અત્યારે અહીંથી દૂર છે અને હજી બીજા ત્રીસ પ્રોડિસદિવસ સુધી આવવાની શક્યતા નથી.”

શ્રેયસે કહ્યું, “હું અને કેપ્ટ્ન તેને મળી ચુક્યા છીએ અને હવે અમને સાચી વાત કરો.” એવું કહેતી વખતે શ્રેયસના હાથમાં  લેસર ગન રમી રહી હતી.

બિલ્વીસના હોઠ સુકાવા લાગ્યા હતા, તેણે તેના પર જીભ  ફેરવી અને કહ્યું, “હું સિવાન છું અને કેદમાં છે તે મારો ભાઈ બિલ્વીસ છે.”

શ્રેયસે કહ્યું, “મને લાગતું જ હતું, હવે આગળ કહે. અને હા, હું પ્રોડિસ વિષે પણ જાણું છું.”

સિવાનનો ચેહરો રડવા જેવો થઇ ગયો. તેણે આંખમાં આંસુ સાથે કહ્યું, “અમે અહીં ફસાઈ ગયા છીએ. મને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ.”

પછી તેણે એ બધી વાત કરી જે બિલ્વીસે કરી હતી ફરક ફક્ત એટલો હતો કે સિવાને અહીં પાછા આવ્યા પછી લાગ જોઈને બિલ્વીસ કઈ કરે તે પહેલાં તેને કેદ કરી દીધો અને જાહેર કર્યું કે સિવાન હજી બહાર છે.

અને તેની વાતના સંસ્કરણમાં બીજો ફરક એ હતો કે પ્રોડિસો સાથે વાતચીત બિલ્વીસે કરી હતી.

શ્રેયસે પૂછ્યું, “આગળ શું બન્યું?”

સિવાને કહ્યું, “મેં બિલ્વીસ બનીને તેમને હુમલો કરતા રોકી રાખ્યા છે અને રોજ નિતનવા બહાના બનાવી તેમની ટેક્નોલોજી શીખી રહ્યો છું.”

શ્રેયસે પૂછ્યું, “હવે મહત્વનો પ્રશ્ન શું પ્રોડિસ અહીંના સ્થાનિક જીવ છે?”

સિવાને કહ્યું, “ના, તેઓ પણ આપણી જેમ અન્ય ગ્રહના જીવો છે અને હજી થોડા સમય પહેલાં જ અહીં આવ્યા છે અને ઉત્તર તરફ તેમણે તેમની કોલોની બનાવી છે. તેમનો ગ્રહ મરણપથારીએ હોવાથી તેઓ રહેવા માટે અનુકૂળ ગ્રહ શોધી રહ્યા છે. આવ્યા ત્યારે શરૂઆતમાં તેઓ ખુશ હતા, પણ અહીંનું વાતાવરણ બહુ અનુકૂળ નથી અને અમને મળ્યા પછી અને બિલ્વીસ પાસેથી પૃથ્વીની માહિતી મળ્યા પછી તેઓ પૃથ્વી ઉપર જવા માંગે છે. એકવાર અહીં રહેલ તેમની ટીમ ત્યાં પહોંચે એટલે સંદેશો મોકલીને બાકી બધાંને પૃથ્વી ઉપર બોલાવી લેવાના હતા અને બિલ્વીસ આ પ્લાનમાં તેમની મદદ કરવાનો હતો.”

અચાનક શ્રેયસના મગજમાં બત્તી થઇ તેણે પૂછ્યું, “રિવા ક્યાં રહે છે? તેને શોધવો પડશે.”

પાછળથી અવાજ આવ્યો, “તેને શોધવા જવાની જરૂર નથી તે મારી સાથે જ છે.”

પાછળ ફરીને જોયું તો બિલ્વીસ અને રિવા ત્યાં ઉભા હતા. સિવાન ફાટી આંખે બંનેને જોઈ રહ્યો. શ્રેયાંસ સમજી ગયો કે બિલ્વીસ કઈ રીતે છૂટ્યો. બિલ્વીસ સિવાન તરફ ધસ્યો અને રિવા શ્રેયસ તરફ. રિવાને રેહમને આંતરી લીધો અને બિલ્વીસ સિવાન સુધી પહોંચે તે પહેલાં શ્રેયસ વચમાં આવી ગયો. બિલ્વીસે મુઠ્ઠી વાળીને એક શ્રેયસના પેટમાં જોરદાર પ્રહાર કર્યો જેને લીધે શ્રેયસ નીચે પડી ગયો, પણ રબરના ઢીંગલાની જેમ ઉછળીને તરત ઉભો થઇ ગયો.

સિવાન ડરી ગયો હતો કારણ તેને ખબર હતી કે બિલ્વીસ માર્શલ આર્ટ ચેમ્પિયન છે. શ્રેયસે એક ચોપ બિલ્વીસના એ હાથ ઉપર મારી જેનાથી તે શ્રેયસ પર વાર કરવા જઈ રહ્યો હતો. આ તરફ રિવા જમીન પર પડ્યો હતો અને રેહમન તેની છાતી ઉપર ચઢી બેઠો હતો. 

બિલ્વીસ બહુ ઝડપ બતાવી રહ્યો હતો, પણ તે શ્રેયસ સામે વામણો સાબિત થઇ રહ્યો હતો. મોકો જોઇને શ્રેયસે એક જમ્પ લગાવીને બિલ્વીસની છાતી પર લાત જમાવી એટલે તે ઉછળીને દૂર પડ્યો. તે જ વખતે શ્રેયસનું ધ્યાનભંગ થયું, રીવાએ એક મુક્કો રેહમનના ચેહરા ઉપર જમાવ્યો એટલે તે ચિત્કાર કરીને નીચે પડી ગયો. 

તે ક્ષણનો લાભ લઈને બિલ્વીસ બહાર ભાગ્યો, તેને અંદાજો આવી ગયો હતો કે તે શ્રેયસ સામે નહિ ફાવી શકે અને તેની પાછળ રિવા. જતાં જતાં દરવાજો બહારથી લોક કરીને ગયો. 

શ્રેયસ દરવાજો તરત ખોલી ન શક્યો અને જ્યાં સુધીમાં દરવાજો ખુલ્યો ત્યાં સુધીમાં બિલ્વીસ ફરાર થઇ ગયો હતો. શ્રેયસ બબડ્યો, “મારાથી ભૂલ થઇ ગઈ, મારું ધ્યાન પ્યાદા પર હોવું જોઈતું હતું.”

સિવાન હજી પણ ધ્રુજી રહ્યો હતો, તેણે પૂછ્યું, “હવે આપણે શું કરીશું?”

શ્રેયસે કહ્યું, “આપણી પાસે સમય બહુ ઓછો છે, આપણે અહીંથી નીકળવું પડશે.”

સિવાને કહ્યું, “બધાંને એક સાથે કઈ રીતે લઇ જઈ શકાશે? મારી પાસે એટલું મોટું અંતરીક્ષયાન નથી.  મારી પાસે ફક્ત એક નાનું અંતરીક્ષયાન છે, જેને મેં પ્રોડિસોની ટેક્નોલોજીથી સજ્જ કર્યું છે.”

શ્રેયસ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો પછી તેણે પૂછ્યું, “તારી પાસે એવા પાયલટો છે? જે અમારું અંતરીક્ષયાન ચલાવી શકે?”

સિવાને હા કહી એટલે શ્રેયસ કેપ્ટ્ન રેહમન તરફ ફર્યો અને પૂછ્યું, “શું આપણે એવું કરી શકીએ કે આપણું અંતરીક્ષયાન તેમને આપીએ અને આગળનો પ્રવાસ સિવાનના અંતરીક્ષયાનમાં કરીએ?”

સ્થિતિને ગંભીરતાને સમજીને રેહમને માથું હલાવ્યું એટલે શ્રેયસે સિવાનને કહ્યું, “અમારું અંતરીક્ષયાન લોન્ચર ઉપર ગોઠવો અને જેટલા લોકોને સમાવી શકાય તેટલા સમાવો અને પૃથ્વી તરફ મોકલો અને તમારા અંતરીક્ષયાનમાં અમે વર્મહોલ તરફ જઈશું.”

સિવાને પૂછ્યું, “અહીં જેઓ રહી જશે તેમનું શું?”

શ્રેયસે કહ્યું, “તમે મરી ઉપર વિશ્વાસ રાખો, આપણે તેમને પાછા આવીશું ત્યારે છોડાવી દઈશું, પણ એક વાતનું ધ્યાન રાખો કે અત્યારે એવી રીતે  જાહેરાત કરજો કે ક્યાંય ગભરાટ ન ફેલાય અને તમારા  ડેપ્યુટીને ચાર્જ આપી દેજો.”

પછી શ્રેયસ રેહમન તરફ ફર્યો અને કહ્યું, “તમે એન્દ્રીનો રૂટ ચેન્જ કરો અને હું થોડીવારમાં આવું છું.”

એમ કહીને એક દિશામાં દોડ્યો અને જતાં જતાં શ્રીકાંતને ઈશારો કર્યો એટલે તે પણ બીજી દિશામાં ગયો. ચાર કલાક પછી એન્દ્રી યાત્રીઓથી ખચાખચ ભરાઈ  ગયું હતું અને લગભગ ચારસો લોકો તેમાં સમાઈ ગયા હતા.

એન્દ્રી લોન્ચ થયા પછી કેપ્ટ્ન રેહમનની ટીમ અને  સિવાન તેના અંતરીક્ષયાનમાં હતા, ફક્ત શ્રીકાંતને છોડીને. સિવાનનું યાન વર્મહોલની દિશામાં ઉડ્યું. શ્રીકાંતે પોતાના ખિસ્સામાંથી એક સિક્કો કાઢ્યો અને હવામાં ઉછાળ્યો અને હસ્યો. 

ક્રમશ: